RSS

જ્યારે ગર્લફ્રેન્ડ પત્ની બને છે

21 ઓગસ્ટ

ગર્લફ્રેન્ડ એ મુક્તિ છે, પત્ની એ બંધન છે. એક આઉટડોર ફન છે,બીજી ઇનડોર જેલ છે. ગર્લફ્રેન્ડ સફરજન જેવી હોય છે, ‘એન એપલ અ ડે’ એ કહેવત સાચી પડે તો કેવું? એમ વિચારતા કરી મૂકે. પત્ની કેરી જેવી હોય છે, સીઝન પૂરતી સારી લાગે! ગર્લફ્રેન્ડને મળો ત્યારે એ તમારી ખબર પૂછે છે, ઘરે મોડા પહોંચો તો પત્ની તમારી ખબર લઈ નાખે છે. ગર્લફ્રેન્ડ પાછળ ખર્ચો થઈ જાય છે, પત્ની ખર્ચો કરાવે છે. ગર્લફ્રેન્ડ અનેક હોઈ શકે, ભારતમાં પત્ની એક જ હોય છે. ગર્લફ્રેન્ડ ચોખ્ખા ઘીનો લાડુ છે અને પત્ની લાકડાનો, પણ થવાકાળ થઈને રહે છે. ગાફેલ છોકરાઓ ગર્લફ્રેન્ડને જ પત્ની બનાવી બેસે છે. આવું અમે નથી કહેતા, પરણીને પસ્તાયેલા અમારા મિત્રો કહે છે.

જ્યારે ગર્લફ્રેન્ડ પત્ની બને છે ત્યારે એના મગજમાં અમુક કેમિકલ ચેન્જ થાય છે. જે વિષયોમાં એ ગોલ્ડમેડલિસ્ટ હતી એ સઘળા વિષયોની ફરી પરીક્ષા લો તો ફેલ થાય, એટલો કરુણ રકાસ લગ્ન થવાથી થાય છે. લગ્ન થાય એટલે સૌથી પહેલાં તો એને મોબાઇલની રિંગ સંભળાતી બંધ થઈ જાય છે. લગ્ન પહેલાં ફોનના આછા સળવળાટથી એ ઊભી થઈ બધાથી દૂર જઈ કોનો મેસેજ કે કોનો ફોન છે, એ ચેક કરતી, લગ્ન પછી લગભગ ૫૦ ટકા ફોન તો એ ઉપાડતી જ નથી. જે મોબાઇલ એક જમાનામાં રેઢો નહોતો મૂકતી એ મોબાઇલ શોધવા માટે દિવસમાં ચાર ચાર વાર તો રિંગો મારવી પડે છે.

જેને કોલેજકાળમાં ટીવી જોવાનો સમય મળ્યો નથી એને લગ્ન પછી ટીવી જોવામાં અચાનક રસ પડવા લાગે છે. બકો બચારો બેડરૂમમાં આંટા મારતો હોય ને અલી ટેસથી ટીવી પર સિરિયલ જોતી હોય. ગર્લફ્રેન્ડ યુગમાં એનો સિરિયલ પ્રેમ છોકરાંઓ બહુ સિરિયસલી નથી લેતા. પણ લગ્ન થાય, એક કે બેઉ જણ નોકરી કરતા હોય, રાતે આઠ વાગ્યે મળે, સાડા આઠે જમે અને પછી દસ વાગ્યા સુધી પેલી સિરિયલમાં ઘૂસી જાય. એટલામાં તો પાછો ઊંઘવાનો સમય થઈ જાય છે. હાસ્તો, પત્ની બને એટલે થાક પણ વધારે લાગેને?

છોકરી પત્ની બને એટલે એને વહેલી ઊંઘ આવવા લાગે છે. લગ્ન પહેલાં ઘરમાં બધાં સૂઈ જાય એ પછી બેલેન્સ પૂરું થાય ત્યાં સુધી એસએમએસ-એસએમએસ રમનાર કોડભરી કન્યા ક્રમશઃ કંટાળેલી કામિની બની મોબાઇલમાંથી રસ ગુમાવી બેસે છે. ક્યારેક એની સખીનો ફોન આવે તોપણ ફોન હબીને સોંપી દે, ‘મને ઊંઘ આવે છે, તું ઉપાડ ને કહી દે કે સવારે ફોન કરશે.’ પેલો બચારો એટલો સંદેશો કહેવામાં પંદર મિનિટ ખેંચી કાઢે, ત્યાં સુધીમાં તો અલી નસકોરાં બોલાવતી પડી હોય.

લગ્ન થાય એટલે જાણે એ તમને એક જ કપડામાં દેખાય. એ જ નાઇટ ડ્રેસ રોજ, એક પંજાબી દર આંતરે દિવસે પહેરાય. નાઈટ ડ્રેસ તો સવારે બ્રેકફાસ્ટ બનાવતી વખતે પહેર્યો હોય એટલે એમાં હિંગ અને ગરમ મસાલાની સુગંધ પણ આવતી હોય. જિન્સ ટી-શર્ટ તો પછી ઉતરાણના દિવસે જ કબાટમાંથી બહાર નીકળે. એ પણ ઘણી વાર બહાર કાઢીને પાછાં મૂકવાં પડે. લગ્નના છ મહિનામાં મીડિયમ સાઇઝનાં જિન્સ ફિટ પડવા લાગે. પાછા ચાર જોડી લીધા હોય એટલે નવા લાર્જ સાઇઝનાં ખરીદતા જીવ ચાલે નહીં. જૂનાં પહેરે તો કુશનનું કવર તકિયાને ચઢાવ્યું હોય એવું લાગે. એકંદરે એ પંજાબી પહેરવા લાગે, કારણ કે નાડા પદ્ધતિમાં દસેક કિલો જેટલો વજનવધારો આરામથી સમાઈ જતો હોય છે.

પણ ગર્લફ્રેન્ડ પત્ની બની જાય એ પછી એના બોડી બિલ્ડર ભાઈ કે હિટલર જેવા પપ્પાને મળવામાં તમને પહેલાં જેટલી બીક નથી લાગતી. આનું પરિણામ એ આવે છે કે જે ભાઈ-બાપથી એક જમાનામાં સંતાઈને ફરતા હતા એ જ ભાઈ-બાપને મળવાના પ્રોગ્રામ અવારનવાર ગોઠવાય. પહેલાં તો રક્ષાબંધન અને ભાઈબીજ આ બે દિવસે બેઉ પોતપોતાનાં ઘરે હોય, એને બદલે હવે બકાને અલીની પાછળ પાછળ મામાજી, ફોઈજી, કાકાજી અને માસીજીના દીકરાજીઓને રાખડી બાંધવા લાંબા થવું પડે છે. પાછા આ ભાઈલોગ રાખડી બંધાવે પણ રૂપિયો પકડાવે નહીં. એટલે એકંદરે પેટ્રોલ અને પેંડાનો ખર્ચો પણ માથે પડે છે. અંતે બધો ભાર બકાની કેડ પર આવે છે!

Source: સંદેશ

Advertisements
 
2 ટિપ્પણીઓ

Posted by on ઓગસ્ટ 21, 2012 in સરસ

 

ટૅગ્સ:

2 responses to “જ્યારે ગર્લફ્રેન્ડ પત્ની બને છે

 1. good chhe

  ઓગસ્ટ 22, 2012 at 8:46 પી એમ(pm)

  ચેતન ભાઈ … સંદેશમાં પ્રકાશિત ‘જ્યારે ગર્લફ્રેન્ડ પત્ની બને છે …’ લેખનાં લેખક તરીકે મારું નામ ટાઈટલ સાથ મૂકવા વિનંતી …
  adhir amdavadi

   
  • ચેતન ઠકરાર

   ઓગસ્ટ 23, 2012 at 4:09 પી એમ(pm)

   માફ કરજો સર, આગળ થી ધ્યાન રાખીશ….અને ધ્યાન દોરવા માટે ખુબ ખુબ આભાર…. પણ મને તમારો એ લેખ બહુ જ ગમ્યો હતો એટલે મેં મારા બ્લોગ પર મુક્યો….

    

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: