RSS

સફળતા અને નિષ્ફળતા

21 ઓગસ્ટ

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

કોઈ એવું નથી જેના જીવનમાં હોય ના ખામી, કોઈ એવા નથી રસ્તા કે જ્યાં ખાડા નથી હોતા. નવાઈ શું, વિચારો જો બધાના હોય ના સરખા. તરંગો પણ બધી નદીઓ તણા સરખાં નથી હોતાં.

– દીપક બારડોલીકર

જિંદગી બે વસ્તુથી બનેલી છે, સફળતા અને નિષ્ફળતા. કોઈ માણસ ક્યારેય સંપૂર્ણ સફળ નથી હોતો અને કોઈ માણસ ક્યારેય તદ્દન નિષ્ફળ હોતો નથી. કોઈ તમને પૂછે કે તમે સફળ છો કે નિષ્ફળ, તો તમે શું જવાબ આપો? સફળતાનો આધાર તેના પર છે કે તમે કેટલું મોટું અને ઊંચું સપનું જુઓ છો! સફળતાના કોઈ ચોક્કસ માપદંડ નથી. આપણે શિસ્ત, સમયપાલન, મહેનત, ધગશ અને બીજા અમુક ગુણોને સફળતાના માપદંડ ગણીએ છીએ. સાચી વાત છે,આ બધા વગર સફળતા શક્ય નથી. છતાં તેનું પ્રમાણ કેટલું રાખવું તેનું કોઈ ચોક્કસ માપ નથી. આટલા કલાક વાંચો તો આટલા ગુણ આવે એવું કોઈ છાતી ઠોકીને ન કહી શકે. હા, વાંચ્યા વગર પાસ ન થઈ શકાય એવું ચોક્કસ કહી શકે. નિષ્ફળતાનાં કારણો નક્કી છે, સફળતાનાં નહીં, કારણ કે સફળતા બુદ્ધિ અને ક્ષમતા સાથે જોડાયેલી છે. ઘણા લોકો નસીબને સફળતા સાથે જોડે છે.

ખાસ કરીને નિષ્ફળ જનારા લોકો માટે નસીબ એ હાથવગું બહાનું છે. સફળ માણસ ક્યારેય એમ નથી કહેતો કે મારા નસીબને કારણે હું સફળ થયો છું, કારણ કે એણે સફળ થવા માટે પૂરતા પ્રયત્નો અને અત્યંત મહેનત કરી હોય છે. એમ તો નિષ્ફળ જનાર વ્યક્તિએ પણ પ્રયત્નો કર્યા હોય છે. કોઈ માણસ એમ કહે કે મેં ખૂબ પ્રયત્નો કર્યા, પૂરતી મહેનત કરી પણ હું સફળ ન થયો, તો તમે તેને દાદ આપજો કે તેં પ્રયત્નો તો કર્યા. પ્રયત્ન કરનારો જ સફળ કે નિષ્ફળ જાય છે. જે કંઈ જ નથી કરતો તે નિષ્ફળ નહીં પણ અયોગ્ય છે. તમે પ્રયત્ન કરો અને નિષ્ફળ જાવ તો તમારો વાંક નથી. પણ જો તમે પ્રયત્ન જ ન કરો તો ચોક્કસપણે તમારો જ વાંક હોય છે.

આપણાથી આ ન થાય એવું માનીને ઘણા લોકો પ્રયત્ન જ નથી કરતાં, એવા લોકો ક્યાંય પહોંચી શકતા નથી. બે મિત્રો હતા. બંને એક પર્વતની તળેટીએ ઊભા હતા. એક મિત્રએ કહ્યું કે, “ચાલ આપણે પર્વત ઉપર ચડી જે ટોચ આપણને દેખાય છે ત્યાં સુધી જઈએ.” બીજા મિત્રએ કહ્યું કે, “ના, આપણાથી ટોચ સુધી નહીં પહોંચાય.” તેના મિત્રએ કહ્યું કે, “તો ક્યાં સુધી પહોંચાશે? અડધે સુધી? પોણે સુધી? તું શરૂ તો કર, કદાચ ટોચ સુધી પણ પહોંચી શકાય.” ઘણી વખત અડધે પહોંચ્યા પછી જ એ સમજણ આવે છે કે અડધે પહોંચી શક્યા તો બીજું અડધું પણ પૂરું કરી શકાશે. જે પ્રારંભ નથી કરતો તેનો અંત નિશ્ચિત છે. તળેટીમાં બેસી રહેનાર કરતાં અડધે સુધી પહોંચનાર વધુ મહાન છે.

તમારે તમારા ક્ષેત્રમાં સફળ થવું છે? થવું જ હોય છે, કારણ કે અંતે તો દરેક માણસ સફળ થવા માટે જ પ્રયત્નો કરતો હોય છે.

કોઈના મોઢે ક્યારેય તમે એમ નહીં સાંભળો કે હું તો નિષ્ફળ જવા આ બધા પ્રયત્નો કરું છું. આપણે બધા સફળ થવા માટે કોઈ રોલ મોડલને આદર્શ માની પ્રયત્નો કરતાં હોઈએ છીએ. મારે એ મુકામ સુધી પહોંચવું છે. એ મહાન માણસે જે કર્યું એટલું મારે કરવું છે. આપણે સફળ થવા માટે સફળ માણસના સિદ્ધાંતો, આદર્શો અને મહેનતને ધ્યાનમાં રાખીએ છીએ અને તેના જેટલી મહેનત કરવા પ્રયત્ન કરીએ છીએ.

સફળ માણસને આદર્શ માનવો સારી વાત છે પણ સાથોસાથ નિષ્ફળ માણસને પણ પૂરતી ગંભીરતાથી લેવો જોઈએ. સફળ માણસની સલાહ કરતાં ઘણી વખત નિષ્ફળ માણસની સલાહમાં વધુ દમ હોય છે. સફળ માણસો પાસે સફળતાનાં જે કારણો હોય છે તેના કરતાં નિષ્ફળ માણસ પાસે સફળ ન થવા પાછળનાં કારણો વધુ હોય છે. આમ કરો તો સફળ થવાય એ સમજવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી એ સમજવું પણ છે કે આમ ન કરીએ તો સફળ થવાય.

તમે ક્યારેય કોઈ નિષ્ફળ માણસને પૂછયું છે કે તમે શા માટે નિષ્ફળ ગયા? એ જે કારણો આપે તેનાથી તમે સાવચેત રહો તો તમારો સફળતાનો માર્ગ વધુ સહેલો બની જશે. ઘણા નિષ્ફળ માણસોની વાતમાં એવું આવે છે કે જો મેં આ ભૂલ ન કરી હોત તો હું સફળ થયો હોત. એ ભૂલ કઈ હતી એ જાણવું અને સમજવું બહુ જરૂરી છે, કારણ કે આપણે ઘણી વખત એ ભૂલ કરવા જ જઈ રહ્યા હોઈએ છીએ.

સફળતાની કોઈ એક ફોર્મ્યુલા હોતી નથી. કોઈ એક માણસ એક રીતે સફળ થયો હોય તો બીજો માણસ એ જ રીતે સફળ ન થઈ શકે, તેની સફળતાની રીત જુદી હોય શકે. સફળ જનાર વ્યક્તિ કરતાં ઘણી વખત નિષ્ફળ જનાર વ્યક્તિ વધુ સાચો રસ્તો ચીંધી શકે છે. મેં આમ કર્યું હતું પણ તું આમ નહીં કરતો એવું કોઈ કહે તો એની વાત ધ્યાનથી સાંભળજો. સફળ થવા માટે શું નહીં કરવાનું એ નક્કી કરવું વધુ જરૂરી હોય છે.

સફળ થવા માટે બે યાદી બનાવવી પડે છે. એક યાદીમાં એ લખવું કે મારે શું કરવાનું છે અને બીજી યાદીમાં એ લખવાનું કે મારે શું નથી કરવાનું. જો તમને એ ખબર હશે કે તમારે શું નથી કરવાનું તો તમારે જે કરવાનું છે એના વિશે તમે વધુ સ્પષ્ટ હશો. ઘણી વખત આપણે જે કરતાં હોઈએ છીએ એ કરવા જેવું નથી એની આપણને ખબર જ નથી હોતી. શું કરવાનું છે એ યાદી બનાવવા માટે તમે સફળ લોકોને મળો અને સમજો એ જરૂરી છે અને શું નથી કરવાનું એ માટે નિષ્ફળ લોકોની મદદ લો. સફળતા માટે શું નથી કરવાનું એની યાદી હંમેશાં મોટી હોવાની. સફળ થવા માટે કરવાનું બહુ થોડું હોય છે. શરત એ કે આપણને શું નથી કરવાનું એની ખબર હોય.

એક ગુરુ પાસે એનો શિષ્ય બાણવિદ્યા શીખવા જતો. એક દિવસ શિષ્ય બાણવિદ્યા શીખતો હતો. ગુરુ કંઈ જ બોલતા ન હતા. આખો દિવસ પૂરો થયો ત્યાં સુધી ગુરુ કંઈ ન બોલ્યા. શિષ્યએ કહ્યું કે “આજે તો તમે મને કંઈ જ તાલીમ ન આપી.” એ સાંભળી ગુરુએ કહ્યું કે “તું બધા પ્રયત્નો બરાબર જ કરતો હતો. મારું કામ તું કંઈ ખોટું કરે ત્યારે રોકવાનું જ હતું. તારી સફળ થવાની રીત તારી જ રાખ. તું નિષ્ફળ જઈશ એવું જ્યારે મને લાગશે ત્યારે હું તને કહીશ કે એમ ન કર.” બધામાં સફળ થવાની એક નેચરલ ખૂબી હોય છે. આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ કે તેની એ આવડત તો કુદરતી છે, જે કુદરતી હોય એને શીખવાડવાનું ન હોય. સફળ થવા માટે તમારામાં જે આવડત છે તેને છંછેડો નહીં.

તમારે સફળ થવું હોય તો કોઈની સફળતાની નકલ ન કરો. તમે તમારી રીતે જ સફળ થાવ. તમે તમારી રીત અપનાવશો તો જ સફળ થશો. દરેક વ્યક્તિ તેની જગ્યાએ મહાન હોય છે. સચીન તેંડુલકર ક્રિકેટનો આઈડિયલ પ્લેયર છે. ધોની સચીન તેંડુલકર ન થઈ શકે. અને જો ધોની પોતાની ઓરિજિનાલિટી બદલીને તેંડુલકર થવા જાય તો એ ન બની શકે તેંડુલકર કે ન રહે ધોની. તેંડુલકર તેંડુલકર છે અને ધોની ધોની છે. બંને પોતપોતાની જગ્યાએ મહાન છે. એવી જ રીતે તમે તમારી જગ્યાએ યોગ્ય છો અને સફળ થવા માટે તમે તમારો જ મંત્ર બનાવો, કારણ કે તમારા રસ્તે જ તમે સફળ થઈ શકશો. કોઈની જગ્યાએ પહોંચવા કરતાં ઘણી વખત નવી જગ્યા બનાવવાનું કામ વધુ મહાન હોય છે. જેને સાવ જુદું અને તદ્દન અનોખું બનવું છે એ નવી સફળતાઓનું જ નિર્માણ કરે છે.

સફળતા માટે બીજો એક મંત્ર સમજવો પણ જરૂરી છે. તમારે સફળ થવું છે? તો એક વાત યાદ રાખો કે નિષ્ફળતાથી ન ડરો. નિષ્ફળતાની તૈયારી જ સફળતા તરફ દોરી જાય છે. કોઈ નિષ્ફળતાથી અટકો નહીં. કોઈ મહાન માણસ સીધેસીધો સફળ થઈ ગયો નથી. અનેક નિષ્ફળતા પછી જ માણસ સફળ થતો હોય છે. નિષ્ફળતા મેળવનાર માણસ પાસેથી એ પણ જાણવું જોઈએ કે એ ક્યાં અટકી ગયા? એ જ્યાં અટકી ગયા ત્યાં તમે નહીં અટકો એવો નિર્ધાર પણ જરૂરી છે.

સફળતા હંમેશાં સહજતાથી આવે છે. જેટલા સહજ રહેશો એટલા હળવા રહી શકશો. કૃત્રિમતા ક્યારેય કાયમી હોતી નથી. તમારા પ્રયત્નોમાં તમારી વફાદારી જ તમને સફળતા સુધી દોરી જશે. તમારે નિષ્ફળ નથી જવું તો નિરાશ કે હતાશ ન થાવ. પ્રયત્ન મૂકી દે છે એ જ નિષ્ફળ જાય છે. એક હલેસું માર્યે હોડી મધદરિયેથી કિનારે પહોંચી જતી નથી.

છેલ્લો સીનઃ

જે અન્યને જાણે છે તે શિક્ષિત છે પરંતુ જે પોતાને ઓળખે છે તે બુદ્ધિશાળી છે.

Source: સંદેશ

Advertisements
 

One response to “સફળતા અને નિષ્ફળતા

  1. B.K.neeta

    એપ્રિલ 8, 2013 at 3:25 પી એમ(pm)

    very nice

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: