RSS

શું ભગવાન આજે પણ આપણી સાથે વાત કરે છે ?

22 ઓક્ટોબર

શું ભગવાન આજે પણ આપણી સાથે વાત કરે છે ?
                  પરદેશની આ વાત છે. એક યુવાન ફક્ત પોતાની જીજ્ઞાસા સંતોષવા માટે ચર્ચની ‘રાત્રી-બાઈબલ-ક્લબમાં’ ગયેલો. પાદરી આવી ક્લબોમાં શું પ્રવચન આપે છે એ જાણવાની ઉત્કંઠામાત્રથી પ્રેરાઈને એ ગયેલો. અને એ દિવસે પાદરીએ કંઈક જુદું જ પ્રવચન આપ્યું. એ રાત્રીક્લબનો મુખ્ય મુદ્દો હતો : ‘ભગવાન આજે પણ લોકો સાથે વાત કરતો હોય છે.’ 
                   પાદરીના આ સંદર્ભના શબ્દો કે આ મુદ્દો, બેમાંથી એકેય એ યુવાનને ગળે ના ઊતર્યા. ધર્મગ્રંથોના એના એ જ ચવાઈ ગયેલા વાક્યોમાંનું આ એક વાક્ય જ એને લાગ્યું. છતાં મિટિંગ પૂરી થયા બાદ એ પાદરી પાસે ગયો અને પૂછ્યું : ‘ફાધર, શું સાચ્ચે જ ભગવાન આપણને સલાહ-સૂચનો આપતો હોય છે ખરો? શું એ ખરેખર આપણને દોરવણી આપી શકે કે પછી એ બધી ધર્મગ્રંથોની માન્યતાઓ જ માત્ર છે? અને ધારો કે કદાચ એ આપણી સાથે વાત કરે તો પણ કઈ રીતે કરતો હોય છે?’ એના આટલા બધા પ્રશ્નોના જવાબમાં પાદરી હસીને કહે કે, ‘બેટા! ભગવાન હંમેશા આપણી જોડે રહીને આપણને દોરતો જ હોય છે. આપણા મનમાં જ એ આપણી સાથે વાત કરી શકતો હોય છે. અરે! હું તો એમ કહીશ કે એ તો આપણી સાથે વાત કરવા માટે આતુર હોય છે. આની ખાતરી કરવી હોય તો આપણા મનમાં ઉદભવતા એના આદેશનું બસ ચૂપચાપ પાલન કરતા જવું. બાકીનું બધું એ જ બતાવશે.’ 
                  પાદરીના શબ્દોની ઊંડી અસર એ યુવાન પર થઇ. પાદરીના વાક્યો પર એને સંપૂર્ણ વિશ્વાસ તો ના જ બેઠો, પરંતુ પોતે ક્યારેક તો આવો પ્રયોગ કરવો એવું એણે મનોમન નક્કી કરી લીધું. વિચારોમાં ને વિચારોમાં જ એણે ગાડી સ્ટાર્ટ કરી. ગમે તે હોય પણ પાદરીનું વાક્ય ‘ભગવાન હંમેશા આપણી સાથે વાત કરવા આતુર હોય છે!’ વારંવાર એના મનમાં ઘૂમાંરતું હતું. કાર શરુ કરીને એણે આકાશ તરફ જોયું. પ્રયોગ કરવો જ હોય તો ક્યારેક શું કામ? આજે કેમ નહીં એવું વિચારીને એણે મનોમન કહ્યું કે, ‘હે ભગવાન! તું જે હોય તે અને જ્યાં હોય ત્યાં! શું તું આજે પણ લોકો સાથે વાત કરી શકે છે ખરો? જો એવું હોય, અને એ સાચું હોય તો મારી સાથે વાત કર. મને પણ કંઈક આદેશ આપ! હું દિલથી અને નિષ્ઠાપૂર્વક તારા શબ્દોનું પાલન કરવાની કોશિશ કરીશ.’
                  એને આ બધું વિચિત્ર પણ લાગતું હતું અને હસવું પણ આવતું હતું. છતાં આવી પ્રાર્થના મનોમન કરીને એણે કારને ગિયરમાં નાખી. હજુ તો સોએક ફૂટ જેટલું જ અંતર માંડ કાપ્યું હશે ત્યાં જ એના મનમાં એક વિચિત્ર વિચાર ઊઠયો. કોઈ જાણે એણે કહી રહ્યું હતું કે, ‘દૂધની એક કોથળી ખરીદી લે!’ આવા વિચિત્ર વિચારથી એણે હસવું આવી ગયું. અમીર બાપના દીકરાને ચા, દૂધ, જમવાનું અરે દરેક જરૂરિયાત માગ્યા પહેલા પૂરી પડાતી હતી, તો પછી દૂધની કોથળીની તો એણે શું જરૂર હોય? આ પહેલા એને ક્યારેય દૂધની કોથળી ખરીદવાની જરૂર નહોતી પડી તો પછી આજે શું કામ ખરીદવાની? એને સમજાયું નહીં કે આજે જ, જિંદગીમાં પ્રથમ વાર એને દૂધની કોથળી ખરીદવાનો વિચાર કેમ આવી રહ્યો છે? છતાં એણે નક્કી કરી લીધું હતું કે ગમે તેવો વિચિત્ર વિચાર આવે તો પણ એનું બરાબર પાલન કરવું જ.
                  પોતાના વિચિત્ર વિચાર તેમજ નિર્ણય બંને પર એને હસવું આવતું હતું છતાં એણે દૂધની એક કોથળી ખરીદી. પછી ઘર તરફ કાર આગળ વધારી. લગભગ એકાદ કિલોમીટર જેટલું આગળ ગયો હશે ત્યાં જ એક જગ્યાએ એના મનમાંથી ફરીથી અવાજ ઊઠયો કે, ‘અહીંથી ડાબી તરફ વાડી જા!’ હવે એ યુવાનને પોતાની જાત પર બરાબરનું હસવું આવી ગયું. પોતે મૂર્ખામીભરી હરકતો કરી રહ્યો છે એનું પણ એને સતત ભાન હતું. ભગવાન તો આવી રીતે વાત કરતો હશે? એવું વિચારીને એણે પોતાના મનમાં ઊઠેલ અવાજને દબાવી દીધો. પછી ઘર તરફ કારને આગળ વધારી. પરંતુ ખબર નહીં શું કામ, પણ એનું મન જાણે એને વારંવાર ફરજ પાડી રહ્યું હતું કે, ‘તું પાછો ફર અને સાતમાં વળાંક પર જઈ પછી ડાબી બાજુ વાડી જા!’
                 એણે કારને રસ્તાની બાજુમાં થંભાવી દીધી. બે ક્ષણ પૂરતો વિચાર કર્યો. પછી ફરી એક વખત આજે તો આદરેલો પ્રયોગ ગમે તે ભોગે પૂરો કરવો જ એવો સંકલ્પ કર્યો અને મનમાંથી ઊઠતા કોઈ પણ અવાજનું અક્ષરશ: પાલન કરવું એવું નક્કી કરી કારને પાછી લીધી. સાત નંબરના વળાંક પાસે જે જગ્યાએ ડાબી બાજુ વળવાનો વિચાર આવેલો ત્યાં પહોંચીને કારને એણે ડાબી તરફ વાળી. થોડી વારમાં જ એ જર્જરિત મકાનોથી ઘેરાયેલા ચોકની બરાબર મધ્યમાં પહોંચી ગયો. આજુબાજુનાં મકાન તેમજ એ ગલીની હાલત જોતા ત્યાં ગરીબ લોકો જ વસતા હશે એનો તરત જ ખ્યાલ આવી જતો હતો. હવે શું કરવું એમ વિચારતો એ ઊભો ત્યાં જ મનમાંથી ફરીથી અવાજ ઊઠયો કે, ‘બરાબર સામેના છેડે ઝાંખા અજવાળાવાળું જે મકાન દેખાઈ છે તેનું બારણું ખખડાવીને દૂધની આ કોથળી આપી દે!’ 
                ‘બસ, હવે તો આજના આ ગાંડપણની હદ આવી ગઈ!’ એ યુવક મનોમન બોલ્યો. પછી આકાશ સામે જોઇને એ સ્વગત બબડ્યો: ‘હે ભગવાન! આ કામ કદાચ મારાથી નહીં થાય, કારણ કે કાં તો એ ઘરમાં વસતા માણસો મને ગાંડો ગણશે અથવા તો મૂરખ માનશે. અર્ધી રાતે તમારું બારણું ખખડાવીને કોઈ સાવ અજાણ્યો માણસ દૂધની કોથળી આપે તો કેવું લાગે? નહીં પ્રભુ! મારે માણસો સાથે વાત કરવાની તારી ઢબ કે રીત નથી સમજવી એને તું હજુ પણ લોકો સાથે વાત કરે છે એની ખાતરી પણ નથી કરવી.’ મનોમન એટલું બબડીને એણે કાર શરુ કરવા હાથ લાંબો કર્યો. એ જ વખતે પેલા ઘરમાંથી કોઈના રડવાનો અવાજ સંભળાયો  ને સાથે જ એના મનમાંથી આ વખતે જાણે કડક હુકમના સ્વરૂપમાં આદેશ આવ્યો કે, ‘જા! એ ઘરમાં દૂધની કોથળી આપી આવ!’
                ખબર નહીં, આ બંને ઘટનાઓએ એના પર શી અસર કરી પરંતુ કારનો દરવાજો ખોલીને એ માણસ બહાર નીકળ્યો. પેલા ઘર પાસે જઈ એણે બારણું ખખડાવ્યું. ‘કોણ છે? આટલી રાત ગયે કોણ હશે? રાતના બાર વાગી ચુક્યા છે અને બહાર કેટલો બરફ પડી રહ્યો છે! કોનું કામ છે ભાઈ, કોણ છો આટલી રાતે?’ મેલાઘેલાં કપડાવાળા એક પુરુષે બારણું ખોલ્યું. એની પાછળ એવાં જ મેલાં કપડા પહેરેલી સ્ત્રી એના રડતા બાળકને છાનું રાખવા એને ખભે રાખીને થપથપાવતી ઊભી હતી. ‘બોલો ભાઈ, કોનું કામ છે તમારે?’ પેલા યુવકને જોઇને મેલાં કપડાવાળા પુરુષે પૂછ્યું. 
                ‘આ લઇ લો! આ દૂધની કોથળી આપવા માટે હું આવ્યો છું!’ એટલું બોલીને એ યુવાને દૂધની કોથળી આ દંપતી સામે ધરી. 
                જાણે કોઈ ચમત્કાર જોતા હોય તેમ પતિ-પત્ની એકબીજા સામે જોવા લાગ્યા. પછી બંનેની આંખમાંથી આંસુની ધારા વહી નીકળી. રડતાં રડતાં પેલો પુરુષ માંડ બોલ્યો, ‘ભાઈ! અમે લોકો ખૂબ મોટી આફતમાં ફસાઈ ગયા છીએ. ગયા મહિને મારી નોકરી છૂટી ગઈ. બાળક નાનું હોવાથી મારી પત્ની કામ પર જઈ શકતી નથી. અત્યંત આર્થિક તંગી એને અન્ય તકલીફોને કારણે અમે હેરાન થઇ ગયા છીએ. અમારી પાસેની બચત પણ ખલાસ થઇ ગઈ છે. પાછલા બે દિવસથી અમે પતિ-પત્ની જમ્યા પણ નથી. પરંતુ આજ સવારથી તો આ નાના બાળકને દૂધ પણ નથી મળી શક્યું. અમે બંને જણ તો પાણી પીને સુઈ જઈએ પરંતુ આ નાનો જીવ એવું કઈ રીતે સમજી શકે? સાંજથી એણે ભૂખથી રડવાનું શરુ કર્યું છે તે બંધ જ નથી થતું. છેલ્લા એક કલાકથી અમે પતિ-પત્ની ભગવાનને પ્રાર્થના કરતાં હતાં કે હે ભગવાન કાં તો આ બાળકના દૂધની કંઈક વ્યવસ્થા કરી આપ અને  નહીંતર પછી અમને મરવાની હિંમત દે. બસ એ જ વખતે તમે આવી પહોંચ્યા!’ આગળ એક પણ શબ્દ એ માણસ ન બોલી શક્યો. 
               પતિના હાથમાંથી દૂધની કોથળી લઇ રસોડા તરફ જતી એ સ્ત્રી પાછી ફરીને બોલી, ‘હું મારા પતિને કહેતી હતી કે સાચા દિલથી ભગવાનને પ્રાર્થના કરીશું તો એ જરૂરથી કોઈ દેવદૂતને આપણા બાળક માટે દૂધની વ્યવસ્થા કરીને મોકલશે. હેં ભાઈ! સાચ્ચું બોલજો હો, તમે દેવદૂત છો?’
               પેલા યુવાનની આંખમાંથી આંસુની ધારા વછૂટી ગઈ. કંઈ પણ બોલ્યા વિના પોતાના પાકીટમાં જે કંઈ પૈસા હતાં એ બધા જ એણે એ ઘરની ફર્શ પર મૂકી દીધા. પછી ચૂપચાપ એ પોતાની કાર તરફ વળ્યો. કાર શરુ કરી. પાછી વાળતાં પહેલા આકાશ તરફ જોયું. બે હાથ જોડ્યા અને આંસુભરી આંખે ફક્ત એટલું જ બોલી શક્યો કે, ‘હે ભગવાન! તું લોકો સાથે આજે પણ વાત કરી શકે છે એ વાતની મને આજે બરાબર ખાતરી થઇ ગઈ, પ્રભુ!’
                રાતના સન્નાટામાં એની કાર ઘર તરફ દોડવા લાગી.
 
 
Advertisements
 

2 responses to “શું ભગવાન આજે પણ આપણી સાથે વાત કરે છે ?

 1. 4mthebooks

  નવેમ્બર 16, 2012 at 4:04 પી એમ(pm)

  bahu j sars

   
 2. કિશોર પ્રજાપતિ

  જાન્યુઆરી 12, 2016 at 11:31 પી એમ(pm)

  સારી વાર્તા છે, ભગવાન માણસને સારા વિચાર આપે છે, પણ માણસ તે વિચારને સમજતો નથી.

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: