RSS

જય જલારામ…

20 નવેમ્બર

જય જલારામ…

પૂ. જલારામ બાપાની 213મી પાવક જન્મજયંતિના આજના આ સપરમા દિવસે પૂ. બાપાના ચરણોમા સત્ કોટી વંદન…

પૂ. જલારામ બાપાની 213મી પાવક જન્મજયંતિના આજના આ સપરમા દિવશે પૂ. બાપાના જીવનનો એક પાવક પ્રસંગ આપણે વાંચીએ…

જલા તું તો અલ્લા કહેવાણો, અમર તારો લેખ લખાણો…

સંવત 1878ની સાલની આ વાત છે. પૂ. જલારામબાપા અને વીરબાઈ મા ખેતરમાં મહેનત મજૂરી કરી જે કાંઈ મળે તેમાંથી સાધુઓને જમાડે અને ભગવાનનું ભજન કરે.

વીરપુરમાં જમાલ નામનો એક ઘાંચી રહેતો હતો. જમાલનો દસેક વર્ષની ઉમરનો દીકરો બીમાર પડ્યો, તેનો જીવનદીપ ક્યારે બુઝાશે તે નક્કી નથી.

જમાલ ગામમાં કાંઈક દવા લેવા નીકળ્યો હશે ત્યાં હરજી દરજીએ તેને મળ્યો અને પૂછ્યું: ‘કાં જમાલભાઈ! દીકરાને કેમ છે?’ જમાલ કહે: ‘શું કહું હરજીભાઈ! અલ્લા બચાવે તો બચે તેમ છે. અત્યારે તો આશા નથી.’

હરજીએ કહ્યું કે, ‘જમાલભાઈ હું તમને એક વાત કરું? તમે જાણો છો કે હું કેટલી બધી પેટની પીડા ભોગવતો હતો. કંઈક દવાઓ કરી પણ દર્દ મટયું નહીં, અંતે મેં આપણા ગામના જલા ભગતની માનતા કરી અને મારી માનતા ફળી અને મારું દર્દ મટી ગયું છે. માટે તમો પણ જલા બાપાની માનતા એક વખત કરી તો જુઓ.’

જમાલે એજ વખતે માનતા કરી કે, ‘હે જલા ભગત! મારો દીકરો મારો દીકરો એક વખત આંખ ઉઘાડી મારા સામું જુએ અને મને બોલાવે તો હું તમારી જગ્યામાં 40 માપ દાણા દઈ જઈશ.’

પ્રભુને ભક્તની વહાર કરવી છે એટલે તે જ રાતથી જમાલના છોકરાને આરામ દેખાવા લાગ્યો અને રાતના ચાર વાગ્યે છોકરાએ આંખ ઉઘાડી જમાલ સામે જોયું અને કહ્યું કે, ‘મારે પાણી પીવું છે.’ જમાલે તુરત જ ઊઠીને પાણી પાયું. છોકરો પાણી પીને પાછો સુઈ ગયો.

સવારના સાતેક વાગે છોકરાએ આંખ ઉઘાડી અને માને કહ્યું કે: ‘મા મારે ખાવું છે.’ આ સાંભળી મા તો રાજી રાજી થઈ ગઈ અને ગોળનો શીરો કરીને દીકરાને ખવડાવ્યો.

આ જોઈ જમાલના આનંદનો પાર રહ્યો નહીં ને તે તો એજ વખતે ગાડામાં 40 માપ દાણા ભરી,ગાડું જલા ભગતની જગ્યામાં લઈ ગયો અને ભગતને પગે પડી રોવા લાગ્યો. જમાલે કહ્યું, ‘બાપા! શું વાત કરું? મારો દીકરો મરણના મુખમાં હતો, બચવાની આશા ન હતી.

દવાદારૂ કરી કરીને થાક્યો, કંઈક માનતા કરી પણ એકનો એક દીકરો બચશે એમ લાગતું ન હતું. હરજી દરજીએ તમારી માનતા કરવા કહ્યું, અને મેં તમારી માનતા કરી, જ્યાં બચવાની આશા ન હતી ત્યાં ભગત! મારા દીકરાએ પાણી માગ્યું, ખાવાનું માગ્યું અને હવે મને ખાતરી છે કે મારો દીકરો જીવશે જ.’

‘ભગત! મેં તો 40 માપ દાણાની માનતા કરી છે પણ આ ગાડું, બે બળદ, બુંગણ અને 40 માપ દાણા બધું હું જગ્યામાં આપું છું.

જે અલ્લાએ ન આપ્યું તે હે જલા! આપે આપ્યું. આપ તો આજથી મારા અલ્લા છો.’

આમ કહી પુન: પુન: બાપાને પગે લાગી ઘરે ગયો. કહેવાની જરૂર નથી કે તે પછી જમાલનો દીકરો જીવ્યો અને લાંબુ આયુષ્ય ભોગવ્યું.

આમ શ્રી જલારામ બાપા પહેલવહેલા ‘જલા સો અલ્લા’ કહેવાયા….

 
Leave a comment

Posted by on નવેમ્બર 20, 2012 માં Very Nice

 

ટૅગ્સ: ,

Leave a comment