RSS

Category Archives: ડો. આઈ. કે. વીજળીવાળા

દવા


એક શ્રીમંત માણસને ઘરે જમણવાર ચાલી રહ્યો હતો. ખાસ મોટો પ્રસંગ નહોતો, નજીકના સંબંધીઓ અને મિત્રોને જ બોલાવ્યા હતા. હશે ચાલીસ-પચાસ જણ. યજમાન બધાને આગ્રહ કરી કરીને પીરસતા હતા અને મહેમાનો પણ જોઈએ કે ન જોઈએ, પોતાની થાળીઓ છલોછલ ભર્યે જતા હતા.

એ જ વખતે યજમાન બહેનનું ધ્યાન ગયું કે એક બાળકને એની માતા ધીમા અવાજે ધમકાવતી હતી. યજમાન બહેને ત્યાં જઈને કારણ પૂછ્યું, તો પેલી માતા કહે, ‘જુઓને બહેન ! આ ખાતો જ નથી. રોજ આવું જ કરે છે. હું તો આને જમાડવાથી તંગ આવી ગઈ છું. હવે તમે જ કહો, ધમકાવું નહીં તો શું કરું ?’
‘અરે ! એમાં એને ધમકાવવાની જરાય જરૂર નથી !’ પેલા યજમાન બહેન બોલ્યાં. પછી સામેની પંગતમાં બેઠેલા એક ભાઈ સામે હાથ કરીને કહ્યું, ‘આ અમારા મિત્ર ડૉક્ટર મહેતા છે ને, એ એવી સરસ દવા આપે છે કે તમારો બાબો તરત જ જમતો થઈ જશે. મારો દીકરો પણ પહેલા આવું જ કરતો હતો. ડૉ. મહેતાસાહેબની દવા પછી હવે એ બરાબર જમી લે છે. તમે પણ એમને બતાવોને ?’

પેલી સ્ત્રીએ ડૉક્ટર મહેતાની સામે જોઈને કહ્યું : ‘આવી જગ્યાએ તમને પૂછવા બદલ માફ કરજો, ડૉક્ટર સાહેબ ! પણ શું હું તમારા ક્લિનિક પર મારા બાબાને બતાવવા માટે લાવી શકું ખરી ? એને બિલકુલ ભૂખ જ નથી લાગતી !’
‘ચોક્કસ લાવી શકો, બહેન ! હું જમી લીધા પછી તમને મારું કાર્ડ આપીશ. એમાં લખેલ નંબર પર ફોન કરીને તમે જરૂર આવી શકશો.’ ડૉક્ટરે કહ્યું.

હવે બરાબર એ જ વખતે દસેક વરસની એક કામવાળી છોકરી, જે બધાના ગ્લાસમાં પાણી ભરતી હતી, એ આ વાત ધ્યાનથી સાંભળતી હતી. ડૉક્ટર જમીને હાથ ધોવા પેન્ટ્રીમાં ગયા ત્યારે જગ ભરવા માટે પેલી છોકરી પણ ત્યાં પહોંચી. ડૉક્ટરને એકલા જોઈ એણે પૂછ્યું : ‘ડૉક્ટરસાહેબ ! હું તમારી સાથે વાત કરી શકું ખરી ? તમને એક સવાલ પૂછી શકું ?’
‘બોલને બેટા ! તું શું કામ વાત ન કરી શકે ? એક શું બે સવાલ પૂછ !’ એકદમ લાગણીપૂર્વક ડૉક્ટરે જવાબ આપ્યો.
‘ડૉક્ટરસાહેબ ! મારે એક નાનો ભાઈ છે. હું, મારી મા અને મારો ભાઈ એમ અમે ત્રણ જ જણ ઘરમાં રહીએ છીએ. મારા બાપુ ગુજરી ગયા છે. મા બીમાર છે. હું કામ કરું છું એમાંથી અમારું પૂરું નથી થતું. એટલે હું એમ પૂછવા માગું છું કે શું ભૂખ લાગે જ નહીં એવી કોઈ દવા આવે છે ખરી ? એવી દવા હોય તો અમારે એ લેવી છે !’

ડૉક્ટર સ્તબ્ધ બનીને ઊભા રહી ગયા.

Advertisements
 

સુખની પૂંછડી


સુખની પૂંછડી

એક વખત બિલાડીનું એક નાનકડું બચ્ચું પોતાની પૂંછડીને પકડવા માટે ગોળ ગોળ ફરતું હતું. હજુ તો એ પૂંછડી મોંમાં પકડે ના પકડે ત્યાં જ એ છટકી જતી હતી. એનાં કારણે એ વારંવાર ગોળ ગોળ ફરતું હતું અને અહીંથી તહીં દોડતું હતું. એનો આ ખેલ એક ઘરડી બિલાડી ઘણી વારથી બેઠી બેઠી જોઈ રહી હતી. ખાસ્સી વાર થઇ પછી એણે ચક્કર ચક્કર ફરતાં એ બચ્ચાને પૂછ્યું : ‘બેટા! તું શું કામ તારી પૂંછડીની પાછળ દોડે છે? કાંઈ ખાસ કારણ ખરું?’ દોડતાં દોડતાં જ બચ્ચાએ જવાબ આપ્યો, ‘દાદી! મારા ભાઇબંધોએ મને કહ્યું છે કે સુખ નામની અદભુત ચીજ મારી પૂંછડીમાં સંતાઈ છે. અને હું જો પૂંછડીને બરાબર પકડી શકીશ તો એ મને મળી જશે! પણ ક્યારનું દોડું છું તો પણ એ પકડાતી જ નથી. ઊલટાનું મારે એની પાછળ પાછળ જ દોડ્યા કરવું પડે છે!’

              આ સાંભળી પેલી ઘરડી બિલાડી ખડખડાટ હસી પડી. ઊભી થતાં એ બોલી : ‘બેટા! મને પણ પહેલાં એવું જ હતું કે સુખ મારી પૂંછડીમાં જ સમાયેલું છે. એટલે હું પણ એની પાછળ પાછળ ખૂબ જ દોડતી. એટલું બધું દોડવા છતાં પૂંછડી તો મારા મોંમાં ક્યારેય આવતી જ નહીં. પણ હવે અનુભવે મને સમજાયું છે કે એમ દોડવું બિલકુલ નિરર્થક છે. એટલે મેં પૂંછડી પાછળ દોડવાનું બંધ કરી દીધું. પણ એ પછી હવે હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં પૂંછડી જ મારી પાછળ પાછળ આવે છે!!’ એટલું કહી એણે ચાલવાનું શરુ કર્યું. બિલાડીના બચ્ચાએ જોયું તો સાચ્ચે જ પૂંછડી એની પાછળ પાછળ જ જતી હતી!!!

                                                     ******* 
             આપણા સૌના સુખનું પણ બિલાડીની પૂંછડી જેવું જ છે. એની પાછળ દોડાદોડી કરીએ ત્યાં સુધી દોડાવ્યા જ કરે અને જેવા એને અવગણીને ચાલવા લાગીએ કે તરત જ પૂંછડીની માફક આપણી પાછળ પાછળ ચાલવા લાગે છે!

 

 

શું ભગવાન આજે પણ આપણી સાથે વાત કરે છે ?


શું ભગવાન આજે પણ આપણી સાથે વાત કરે છે ?
                  પરદેશની આ વાત છે. એક યુવાન ફક્ત પોતાની જીજ્ઞાસા સંતોષવા માટે ચર્ચની ‘રાત્રી-બાઈબલ-ક્લબમાં’ ગયેલો. પાદરી આવી ક્લબોમાં શું પ્રવચન આપે છે એ જાણવાની ઉત્કંઠામાત્રથી પ્રેરાઈને એ ગયેલો. અને એ દિવસે પાદરીએ કંઈક જુદું જ પ્રવચન આપ્યું. એ રાત્રીક્લબનો મુખ્ય મુદ્દો હતો : ‘ભગવાન આજે પણ લોકો સાથે વાત કરતો હોય છે.’ 
                   પાદરીના આ સંદર્ભના શબ્દો કે આ મુદ્દો, બેમાંથી એકેય એ યુવાનને ગળે ના ઊતર્યા. ધર્મગ્રંથોના એના એ જ ચવાઈ ગયેલા વાક્યોમાંનું આ એક વાક્ય જ એને લાગ્યું. છતાં મિટિંગ પૂરી થયા બાદ એ પાદરી પાસે ગયો અને પૂછ્યું : ‘ફાધર, શું સાચ્ચે જ ભગવાન આપણને સલાહ-સૂચનો આપતો હોય છે ખરો? શું એ ખરેખર આપણને દોરવણી આપી શકે કે પછી એ બધી ધર્મગ્રંથોની માન્યતાઓ જ માત્ર છે? અને ધારો કે કદાચ એ આપણી સાથે વાત કરે તો પણ કઈ રીતે કરતો હોય છે?’ એના આટલા બધા પ્રશ્નોના જવાબમાં પાદરી હસીને કહે કે, ‘બેટા! ભગવાન હંમેશા આપણી જોડે રહીને આપણને દોરતો જ હોય છે. આપણા મનમાં જ એ આપણી સાથે વાત કરી શકતો હોય છે. અરે! હું તો એમ કહીશ કે એ તો આપણી સાથે વાત કરવા માટે આતુર હોય છે. આની ખાતરી કરવી હોય તો આપણા મનમાં ઉદભવતા એના આદેશનું બસ ચૂપચાપ પાલન કરતા જવું. બાકીનું બધું એ જ બતાવશે.’ 
                  પાદરીના શબ્દોની ઊંડી અસર એ યુવાન પર થઇ. પાદરીના વાક્યો પર એને સંપૂર્ણ વિશ્વાસ તો ના જ બેઠો, પરંતુ પોતે ક્યારેક તો આવો પ્રયોગ કરવો એવું એણે મનોમન નક્કી કરી લીધું. વિચારોમાં ને વિચારોમાં જ એણે ગાડી સ્ટાર્ટ કરી. ગમે તે હોય પણ પાદરીનું વાક્ય ‘ભગવાન હંમેશા આપણી સાથે વાત કરવા આતુર હોય છે!’ વારંવાર એના મનમાં ઘૂમાંરતું હતું. કાર શરુ કરીને એણે આકાશ તરફ જોયું. પ્રયોગ કરવો જ હોય તો ક્યારેક શું કામ? આજે કેમ નહીં એવું વિચારીને એણે મનોમન કહ્યું કે, ‘હે ભગવાન! તું જે હોય તે અને જ્યાં હોય ત્યાં! શું તું આજે પણ લોકો સાથે વાત કરી શકે છે ખરો? જો એવું હોય, અને એ સાચું હોય તો મારી સાથે વાત કર. મને પણ કંઈક આદેશ આપ! હું દિલથી અને નિષ્ઠાપૂર્વક તારા શબ્દોનું પાલન કરવાની કોશિશ કરીશ.’
                  એને આ બધું વિચિત્ર પણ લાગતું હતું અને હસવું પણ આવતું હતું. છતાં આવી પ્રાર્થના મનોમન કરીને એણે કારને ગિયરમાં નાખી. હજુ તો સોએક ફૂટ જેટલું જ અંતર માંડ કાપ્યું હશે ત્યાં જ એના મનમાં એક વિચિત્ર વિચાર ઊઠયો. કોઈ જાણે એણે કહી રહ્યું હતું કે, ‘દૂધની એક કોથળી ખરીદી લે!’ આવા વિચિત્ર વિચારથી એણે હસવું આવી ગયું. અમીર બાપના દીકરાને ચા, દૂધ, જમવાનું અરે દરેક જરૂરિયાત માગ્યા પહેલા પૂરી પડાતી હતી, તો પછી દૂધની કોથળીની તો એણે શું જરૂર હોય? આ પહેલા એને ક્યારેય દૂધની કોથળી ખરીદવાની જરૂર નહોતી પડી તો પછી આજે શું કામ ખરીદવાની? એને સમજાયું નહીં કે આજે જ, જિંદગીમાં પ્રથમ વાર એને દૂધની કોથળી ખરીદવાનો વિચાર કેમ આવી રહ્યો છે? છતાં એણે નક્કી કરી લીધું હતું કે ગમે તેવો વિચિત્ર વિચાર આવે તો પણ એનું બરાબર પાલન કરવું જ.
                  પોતાના વિચિત્ર વિચાર તેમજ નિર્ણય બંને પર એને હસવું આવતું હતું છતાં એણે દૂધની એક કોથળી ખરીદી. પછી ઘર તરફ કાર આગળ વધારી. લગભગ એકાદ કિલોમીટર જેટલું આગળ ગયો હશે ત્યાં જ એક જગ્યાએ એના મનમાંથી ફરીથી અવાજ ઊઠયો કે, ‘અહીંથી ડાબી તરફ વાડી જા!’ હવે એ યુવાનને પોતાની જાત પર બરાબરનું હસવું આવી ગયું. પોતે મૂર્ખામીભરી હરકતો કરી રહ્યો છે એનું પણ એને સતત ભાન હતું. ભગવાન તો આવી રીતે વાત કરતો હશે? એવું વિચારીને એણે પોતાના મનમાં ઊઠેલ અવાજને દબાવી દીધો. પછી ઘર તરફ કારને આગળ વધારી. પરંતુ ખબર નહીં શું કામ, પણ એનું મન જાણે એને વારંવાર ફરજ પાડી રહ્યું હતું કે, ‘તું પાછો ફર અને સાતમાં વળાંક પર જઈ પછી ડાબી બાજુ વાડી જા!’
                 એણે કારને રસ્તાની બાજુમાં થંભાવી દીધી. બે ક્ષણ પૂરતો વિચાર કર્યો. પછી ફરી એક વખત આજે તો આદરેલો પ્રયોગ ગમે તે ભોગે પૂરો કરવો જ એવો સંકલ્પ કર્યો અને મનમાંથી ઊઠતા કોઈ પણ અવાજનું અક્ષરશ: પાલન કરવું એવું નક્કી કરી કારને પાછી લીધી. સાત નંબરના વળાંક પાસે જે જગ્યાએ ડાબી બાજુ વળવાનો વિચાર આવેલો ત્યાં પહોંચીને કારને એણે ડાબી તરફ વાળી. થોડી વારમાં જ એ જર્જરિત મકાનોથી ઘેરાયેલા ચોકની બરાબર મધ્યમાં પહોંચી ગયો. આજુબાજુનાં મકાન તેમજ એ ગલીની હાલત જોતા ત્યાં ગરીબ લોકો જ વસતા હશે એનો તરત જ ખ્યાલ આવી જતો હતો. હવે શું કરવું એમ વિચારતો એ ઊભો ત્યાં જ મનમાંથી ફરીથી અવાજ ઊઠયો કે, ‘બરાબર સામેના છેડે ઝાંખા અજવાળાવાળું જે મકાન દેખાઈ છે તેનું બારણું ખખડાવીને દૂધની આ કોથળી આપી દે!’ 
                ‘બસ, હવે તો આજના આ ગાંડપણની હદ આવી ગઈ!’ એ યુવક મનોમન બોલ્યો. પછી આકાશ સામે જોઇને એ સ્વગત બબડ્યો: ‘હે ભગવાન! આ કામ કદાચ મારાથી નહીં થાય, કારણ કે કાં તો એ ઘરમાં વસતા માણસો મને ગાંડો ગણશે અથવા તો મૂરખ માનશે. અર્ધી રાતે તમારું બારણું ખખડાવીને કોઈ સાવ અજાણ્યો માણસ દૂધની કોથળી આપે તો કેવું લાગે? નહીં પ્રભુ! મારે માણસો સાથે વાત કરવાની તારી ઢબ કે રીત નથી સમજવી એને તું હજુ પણ લોકો સાથે વાત કરે છે એની ખાતરી પણ નથી કરવી.’ મનોમન એટલું બબડીને એણે કાર શરુ કરવા હાથ લાંબો કર્યો. એ જ વખતે પેલા ઘરમાંથી કોઈના રડવાનો અવાજ સંભળાયો  ને સાથે જ એના મનમાંથી આ વખતે જાણે કડક હુકમના સ્વરૂપમાં આદેશ આવ્યો કે, ‘જા! એ ઘરમાં દૂધની કોથળી આપી આવ!’
                ખબર નહીં, આ બંને ઘટનાઓએ એના પર શી અસર કરી પરંતુ કારનો દરવાજો ખોલીને એ માણસ બહાર નીકળ્યો. પેલા ઘર પાસે જઈ એણે બારણું ખખડાવ્યું. ‘કોણ છે? આટલી રાત ગયે કોણ હશે? રાતના બાર વાગી ચુક્યા છે અને બહાર કેટલો બરફ પડી રહ્યો છે! કોનું કામ છે ભાઈ, કોણ છો આટલી રાતે?’ મેલાઘેલાં કપડાવાળા એક પુરુષે બારણું ખોલ્યું. એની પાછળ એવાં જ મેલાં કપડા પહેરેલી સ્ત્રી એના રડતા બાળકને છાનું રાખવા એને ખભે રાખીને થપથપાવતી ઊભી હતી. ‘બોલો ભાઈ, કોનું કામ છે તમારે?’ પેલા યુવકને જોઇને મેલાં કપડાવાળા પુરુષે પૂછ્યું. 
                ‘આ લઇ લો! આ દૂધની કોથળી આપવા માટે હું આવ્યો છું!’ એટલું બોલીને એ યુવાને દૂધની કોથળી આ દંપતી સામે ધરી. 
                જાણે કોઈ ચમત્કાર જોતા હોય તેમ પતિ-પત્ની એકબીજા સામે જોવા લાગ્યા. પછી બંનેની આંખમાંથી આંસુની ધારા વહી નીકળી. રડતાં રડતાં પેલો પુરુષ માંડ બોલ્યો, ‘ભાઈ! અમે લોકો ખૂબ મોટી આફતમાં ફસાઈ ગયા છીએ. ગયા મહિને મારી નોકરી છૂટી ગઈ. બાળક નાનું હોવાથી મારી પત્ની કામ પર જઈ શકતી નથી. અત્યંત આર્થિક તંગી એને અન્ય તકલીફોને કારણે અમે હેરાન થઇ ગયા છીએ. અમારી પાસેની બચત પણ ખલાસ થઇ ગઈ છે. પાછલા બે દિવસથી અમે પતિ-પત્ની જમ્યા પણ નથી. પરંતુ આજ સવારથી તો આ નાના બાળકને દૂધ પણ નથી મળી શક્યું. અમે બંને જણ તો પાણી પીને સુઈ જઈએ પરંતુ આ નાનો જીવ એવું કઈ રીતે સમજી શકે? સાંજથી એણે ભૂખથી રડવાનું શરુ કર્યું છે તે બંધ જ નથી થતું. છેલ્લા એક કલાકથી અમે પતિ-પત્ની ભગવાનને પ્રાર્થના કરતાં હતાં કે હે ભગવાન કાં તો આ બાળકના દૂધની કંઈક વ્યવસ્થા કરી આપ અને  નહીંતર પછી અમને મરવાની હિંમત દે. બસ એ જ વખતે તમે આવી પહોંચ્યા!’ આગળ એક પણ શબ્દ એ માણસ ન બોલી શક્યો. 
               પતિના હાથમાંથી દૂધની કોથળી લઇ રસોડા તરફ જતી એ સ્ત્રી પાછી ફરીને બોલી, ‘હું મારા પતિને કહેતી હતી કે સાચા દિલથી ભગવાનને પ્રાર્થના કરીશું તો એ જરૂરથી કોઈ દેવદૂતને આપણા બાળક માટે દૂધની વ્યવસ્થા કરીને મોકલશે. હેં ભાઈ! સાચ્ચું બોલજો હો, તમે દેવદૂત છો?’
               પેલા યુવાનની આંખમાંથી આંસુની ધારા વછૂટી ગઈ. કંઈ પણ બોલ્યા વિના પોતાના પાકીટમાં જે કંઈ પૈસા હતાં એ બધા જ એણે એ ઘરની ફર્શ પર મૂકી દીધા. પછી ચૂપચાપ એ પોતાની કાર તરફ વળ્યો. કાર શરુ કરી. પાછી વાળતાં પહેલા આકાશ તરફ જોયું. બે હાથ જોડ્યા અને આંસુભરી આંખે ફક્ત એટલું જ બોલી શક્યો કે, ‘હે ભગવાન! તું લોકો સાથે આજે પણ વાત કરી શકે છે એ વાતની મને આજે બરાબર ખાતરી થઇ ગઈ, પ્રભુ!’
                રાતના સન્નાટામાં એની કાર ઘર તરફ દોડવા લાગી.
 
 
 

પ્રાર્થનાના શબ્દો


પ્રાર્થનાના શબ્દો

 
                  ભરવાડનો એક નાનકડો છોકરો એક ચર્ચની બાજુની ખુલ્લી જગ્યામાં પોતાનાં ઘેટાં ચરાવી રહ્યો હતો. રવિવારની સવાર હતી. સામૂહિક પ્રાર્થના માટે લોકો ચર્ચમાં આવી રહ્યા હતા. આ તરફ પ્રથમ વખત જ આવી ચડેલા એ બાળકે ચર્ચ તેમજ સામૂહિક પ્રાર્થના એ બેમાંથી એકેય અંગે ક્યારેય કંઈ પણ સાંભળેલું નહીં. હા! ભગવાન વિશે પોતાનાં કુટુંબમાંથી થોડુંઘણું સાંભળેલું ખરું. પણ આટલા બધા માણસોને સવાર સવારમાં એક જ ઈમારતમાં જતા જોઇને એને ખૂબ જ નવી લાગી. કુતૂહલવશ એને ત્યાંથી પસાર થતાં એક માણસને પૂછ્યું કે બધા ક્યાં જાય છે? આ ઈમારત શેની છે અને બધા શું કરવા એક જ ઈમારતમાં જઈ રહ્યા છે? પેલા માણસે જવાબ આપ્યો કે એ બધા માણસો ચર્ચની ઈમારતમાં ભગવાનને પ્રાર્થના કરવા માટે જઈ રહ્યા છે. પેલા બાળકને નવી લાગી. એણે ફરીથી પૂછ્યું કે પ્રાર્થના એટલે શું? જવાબમાં પેલા માણસે કહ્યું કે, ‘પ્રાર્થના એટલે ભગવાનને કહેવાતા એવા શબ્દો કે જેમાં આપણી માંગણી, ભગવાન પ્રત્યેની લાગણી અને કંઈ ખોટું કર્યું હોઈ તો તેનો પસ્તાવો વગેરે બધું જ આવી જાય!’ એટલું કહીને એ માનસ આગળ વધી ગયો.
 
                ચર્ચનો ઘંટારવ શરુ થયો. સવારના શાંત વાતાવરણમાં પડઘાતા એ અવાજથી એ બાળકને પણ રોમાંચ થઇ ગયો. આટલા બધા માણસો એકસાથે ભગવાનને પ્રાર્થના કરશે ? એ વિચાર આવતા જ એના મનમાં પણ પ્રાર્થના કરવાની તીવ્ર ઈચ્છા થઇ આવી. પણ એને પ્રાર્થના તો આવડતી નહોતી, છતાં એ ઘૂંટણીયે પડી ગયો, હાથ જોડ્યા, પછી એના એકડિયાના ધોરણમાં શિખવાડાતી એબીસીડી બોલવાનું શરુ કરી દીધું. આંખ બંધ કરીને એ જોર જોરથી ‘એ, બી, સી, ડી, ઈ, એફ, જી,એચ… ..’ એમ બોલવા લાગ્યો. 
 
                બાજુમાંથી પસાર થઇ રહેલા એક માણસને આ બાળકને જોરજોરથી એ, બી, સી, ડી બોલતો સંભાળીને નવાઈ લાગી. એણે એને પૂછ્યું કે, ‘એ છોકરા! આ શું કરે છે?’
                ‘ભગવાનને પ્રાર્થના કરું છું!’ આંખો ખોલીને એણે બાળસહજ નિખાલસતા સાથે જવાબ આપ્યો. 
                ‘પણ અલ્યા તું તો એ, બી, સી, ડી બોલે છે. એવું કેમ?’
                ‘મને પ્રાર્થના કરતાં આવડતું નથી ને એટલે હું એબીસીડી બોલું છું. મારે જે કંઈ કહેવું છે એ કહેતા મને આવડતું નથી, પણ ભગવાન તો એ જાણે જ છે ને? હું એ એ, બી, સી, ડી બોલું છું એમાંથી એ યોગ્ય શબ્દો લઇ એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરીને સમજી જશે!’ જવાબ આપી ફરીથી એ છોકરો આંખ બંધ કરી એ, બી, સી, ડી બોલવા માંડ્યો! 
                  
                બાળકને પ્રશ્ન પૂછનાર એ માનસ બે ક્ષણ ઊંડા વિચારમાં પડી ગયો. એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. ચર્ચમાં જવાનું માંડી વાળી એ પણ પેલા બાળકની બાજુમાં ઘૂંટણીયે પડી ગયો. આંખો બંધ કરી, બંને હાથ જોડીને એણે પણ એ, બી, સી, ડી બોલવાનું શરુ કરી દીધું!