RSS

Category Archives: સબરસગુજરાતી.કોમ

પોલીસી પાકી ગઈ


શીલા ની આંખ ખુલી તો સવારના ચાર ને દશ મીનીટ થઈ હતી. એણે બાજુની પથારીમાં નજર નાખી ને જોયું મોન્ટુ ને શ્વેતા સુતા હતા. એણે મોન્ટુનું ઓઢવાનુ સરખુ કર્યું ને જોયુ કે ભૌમીક આજે વહેલો નીચે જતો રહ્યો હતો.

ભૌમીક છેલ્લા બે દીવસથી કંઈક ટેન્શનમાં હતો. શીલા ઘ્ણી વખત પુછિ રહી હતી પણ ભૌમીક વાત ને ” કશું નથી તું ખોટી ચિંતા ના કર ” કહીને ટાળી દેતો હતો. પણ અત્યારે તો શીલાએ નક્કી કર્યુ કે ગમે તે થય વાત કઢાવવી જ પડશે. શીલા ઉતરીને નીચે આવી જોયુ તો ભૌમીક સોફા પર બેઠો હતો.

“ક્યાં સુધી એકલા એકલા હીઝરાયા કરશો. જે હોય તે થોડું ટેન્શન મને આપી દ્યો ગમે તેમ તો હું તમારી અર્ધાંગિની છું”

” શું કહું શીલા આ મોંઘવારી હવે જીવવા દેશે કે કેમ એ જ નથી સમજાતુ? ક્યાં જઈને અટકશે બધુ?”

” શું કરીશું તમે જ ક્યો? જે બધાનુ થશે તે આપણું થશે. તેમાં આટલું બધુ ટેન્શન સેનું લઈને બેસી ગયા છો? થોડી કરકસર કરીશું તો પહોંચી વળીશું”

” એમ નહી પણ મોન્ટુ આ વર્ષે દસમાં ધોરણ માં આવ્યો ને હજી તો આવતા મહીને શ્વેતાની સગાઈ લેવાની છે. હું ક્યાંથી બધુ મેનેજ કરીશ ? મારી ઉંઘ હરામ થઈ ગઈ છે. “

” શ્વેતાની સગાઈમાં તો પાંચ જણા જ આવવાના છે. આપણે વેવાઈ ને ચોખવટ કરીને કિધુ જ છે કે અમેં પહોંચી વળીએ તેમ નથી સાદગી થી જ કરીયે. પછી શેનું ટેન્શન લઈને બેઠા છો? “

” વેવાઇ ફરી ગયા છે કહે છે ‘બધાને ત્યાં પ્રસંગમાં ગયા છીયે ને હવે મારે ત્યાં પ્રસંગ આવે ને હું એમને ના બોલાવું તો મારી આબરૂ શું રહે? સમાજમાં બેઠા છીયે તે વ્યવહારમાં તો રેવું જ પડે ને’ હવે એમને કોણ સમજાવે કે તમારી આબરૂ સાચવવા જતા મારી આબરૂ જાય એમ છે. “

” વેવાઈ પણ જબરૂ કરે છે ને આપણી આગળ તો સાદગીના બણગા ફુંકતા તા ને હવે શું થયુ? પણ હવે ચિંતા ના કરો ને એમ કહો કે કેટલા જણા આવવાનું કહે છે?”

” પુરી એક બસ લઈને આવવાના છે . સમજણ જ નથી પડતી કે કેવી રીતે બધું પાર મુકાશે? મકાન બનાવવા ઓફીસમાંથી ને બહારથી લોન લીધી એમાંથી તો હજી બહાર નથી નીકળ્યા ને હવે નવો ખાડો કરવાનો? ગયા વર્ષે બાપા ને બાયપાસ કરાવ્યુ એ પણ પેલી ફીક્ષ તોડીને. હવે શું તોડું ? “

” સાંભળો એનો રસ્તો છે . મારી બે બંગડી ને આ મંગલ સુત્ર વેચી નાખો. શ્વેતાની સગાઈ સચવાઈ જશે. હવે આ ઉંમરે દાગીનાના શું ધખારા કરવા?”

” ના વેચાય તને તો ખબર છે કે કેવી રીતે એક એક પૈસો જોડી ને બનાવ્યા છે મન જાણે છે?”

” તો શું કરશો કેવી રિતે સાચવશો વ્યવહાર ? પહેલા તો ખાલી જમાઈ ને જ વીંટી ને કપડા આપવાના હતા પણ હવે બધા આવે જ છે તો બધાને વ્યવહાર કરવા પડે. તમ તમારે વેચી નાખો દાગીના પછી ની વાત પછી”

” ના વેચવા તો નથી ગીરવે મુકી દઈએ. સગવડ થાય ત્યારે છોડાવી લેવાય “

” શું ધુળ છોડાવે? તમને ખબર નથી આમના વ્યાજના ચક્કર ? જે પડ્યુ તે ગયું સમજો . દાગીના તો જાય ને વ્યાજ ભરી ભરી ને મરી જવાનું. એના કરતા વેચી નાખો. “

” કાલે મોન્ટુ માટે ટ્યુશન ક્લાસ જોવા ગયો તો . દસમાં ધોરણમાં તો એને ટ્યુશન કરાવવું જ પડશે. સારું ભણશે તો કંઇક આગળ આવશે. વરસની ટ્યુશન ફી ૯૦૦૦૦ છે. સાંભળીને છાતીના પાટીયા બેસી ગયા. પાછ મને કે કે ‘ બે હપ્તે ભરી શકાય છે. અત્યારે ૫૦૦૦૦ ભરીને એડમીશન કન્ફર્મ કરાવી લ્યો અને બાકીના ૪૦૦૦૦ નો પોસ્ટ ડેટેડ ચેક આપી દ્યો.’ હવે એને કેમ સમજાવુ કે બેંકના સેવીંગ ખાતાનું મિનીમમ બેલેન્સ માંડ મેઈન્ટેન કરું છું “

” ફી નું ક્યાંથી કરીશું ? મન જાણે છે કેવી રીતે ઘર ચાલે છે ? દુધના ભાવ વધ્યા તો તમે દુધની બાધા લઈ લીધી કે જેથી છોકરા ખોટા પ્રશ્નો ના પુછે, પેટ્રોલના ભાવ વધ્યા તો તમે છોકરાઓને કીધુ કે ડોકટરે હમણાં થોડું ચાલવાનુ કહ્યુ છે. કોઈ દીવસ ઉપવાસ ના કરનારા તમે હવે અઠવાડીયામાં ત્રણ દીવસ તો એકટાણા કરો છો. મને ખબર છે બધુ. “

” શીલા હું આ બધુ ના કરું તો મોંઘવારીમાં ના પહોંચી વળાય .”

” સારુ હવે નાવા ધોવાનું ને બધુ પતાવો હરી જે કરે તે ખરુ .”

ભૌમીક ઓફીસ ગયો ને ાઆ બાજુ શીલા ઘરનું બધુ નીત્ય કામ પરવારવા મંડી. એટલામાં જ ફોનની ઘંટડી વાગી.

‘ હલ્લો “

” ભૌમીક ભાઇ નું ઘર છે ? “

” હા પણ તમે કોણ? “

” હવે સાંભળો હું નાણાવટી હોસ્પિટલમાંથી બોલું છુ ને ભૌમીકભાઇ ને એક્સિડન્ટ થયો છે ને અહિંયા દખલ કર્યા છે તો તમે લોકો જલદી આવી જાઓ. “

ફોન મુકાઈ ગયો . શીલા ત્યાં ને ત્યાં જ જડ જેવી થઈ ગઈ.

છોકરાને લઈ ને શીલા હોસ્પિટલ પહોંચી.

” મને હમણાં ફોન આવ્યો તો કે ભૌમીક ભાઇ ને એક્સીડન્ટ થયો છે ને અહીંયા દાખલ કર્યા છે તો ક્યાં છે ? “

” રૂમ નંબર ૩૦૧. “

શીલા હાંફળી ફાંફળી ૩૦૧ રૂમ માં પહોંચી ને ભૌમીક ને જોઈ ત્યાં જ ફસડાઇ પડી.

ડોક્ટરે શીલાને ઉભી કરી ‘ જુઓ બહેન આમ હીંમત હારવાથી કામ નહી ચાલે . બહુજ ગંભીર ઇજાઓ થઈ છે શરીરમાંથી ઘણુ લોહી વહી ગયુ છે. અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીયે પણ હવે મોડું થઈ ગયું છે તમે એમને મળી લ્યો . તમારા જ નામનું રટણ કરી રહ્યા છે. “

” શું કર્યુ તમે ભૌમીક આ શું કર્યુ? ” કોઈ દીવસ ૩૫ થી વધારે સ્પીડે સ્કુટર નથી ચલાવ્યુ તમે ને તમને આવો ગંભીર અકસ્માત ? “

” મારિ પાસે સમય ઓછો છે હું કહું તે સાંભળ. આપણું કામ થઈ ગયુ. સવારે અચાનક મને યાદ આવ્યુ કે મેં એક વીમા પોલીસી લઈ રાખી છે . શાંતીથી એકવાર પોલીસીના નીયમો વાંચી ગયો .પાંચ લાખની પોલીસી હતી. હું મરુ તો તમને પાંચ લાખ મળે . પણ આગળ વાંચ્યું તો એમાં એવું પણ હતું કે જો હું એક્સીડન્ટ થી મરું તો ડબલ લાભ મળે એટલે તમને દસ લાખ મળે . ને હું ખુશ થઈ ગયો કે વાહ પ્રભ તે માર્ગ દેખાડ્યો ખરો. ઓફીસ જવા નીકળ્યો ત્યાં ગાંધી માર્ગ પર એક ટ્રક પુરપાટ ઝડપે સામે આવિ રહી હતી. મેં પણ ૩૫થી સ્પીડ વધારી ને ૬૦ કરી નાખી ને છેલ્લિ ઘડીએ સ્કુટર ને ટ્રક માં નાખી દીધુ. “

” હવે સાંભળ પોલીસી ત્યાં જ ટેબલ પર મુકી છે . પેલા રાજ્યા જોડેથી લીધી હતી એને કોલ કરજે ને કેજે જેટલું બને એટલું જલ્દી રકમ મળે એવું કરી આપે. “

” શીલા આઈ લવ યું . છોકરાઓનું ધ્યાન રાખજે ને જોજે શ્વેતા ની સગાઈ ધામધુમ થી કરજે ને મોન્ટુ ને જેટલું ભણવું હોય તેટલું ભણાવજે. “

શીલા ના હાથમાં હાથ રાખીને ભૌમીકે કાયમ માટે આંખ મીંચી દીધી.

ને એક જ અઠવાડીયામાં ભૌમીકની પોલીસી પાકી ગઈ.

– યોગેશ જીવરાની

Advertisements
 

મા


‘તમારી શરત મને મંજુર છે પણ મારી પણ એક શરત છે. લગ્ન પછી આપણે તમારા સોસાયટીવાળા મકાનમાં અલગ રહેવા જઇશું.’

સુરેશ એક પ્રતિષ્ઠા વેપારી હતો. તેનો નાનો એવો પરિવાર હતો. તે, તેના પત્ની શ્રીલતા તથા તેની માતા સગુણાબેન. પિતાની છાયા તો કુદરતે તેના બચપણમાં જ છીનવી લીધી હતી. સગુણાબેને તેને માતા અને પિતા બન્નેનો પ્રેમ આપ્યો  હતો.

લગ્ન પછી ઘણા વર્ષો પછી સુરેશને ત્યાં સારો પ્રસંગ આવ્યો. શ્રીલતા મા બનવાની હતી. સગુણાબેનના આનંદની તો કોઇ સીમા ન હોતી. પોતાની ઉત્તરાવસ્થાએ પણ ભગવાને સામે જોયું અને હવે આ ઘર બાળકની કિલકારીથી ગુંજી ઉઠશે. સૌ સારા વાના થશે.

પણ… કુદરતને આ પરિવારનું સુખ માન્ય ન હતું. એક દિવસ અચાનક જ સવારે ઉઠતાં શ્રીલતાને ચક્કર આવ્યા. તેણે પોતાની જાતને પડતાં માંડ બચાવી. સુરેશે તાત્કાલિક ડૉક્ટરને બોલાવી, તેમની સલાહ મુજબ શ્રીલતાને હોસ્પિટલમાં દાખલ કરી. તબિયત એકદમ જ બગડતી ચાલી આખરે માત્ર ત્રણ દિવસની ટુંકી બિમારીએ આ સુખી જોડલીને ખંડિત કરી.

આ વાતને બે-ત્રણ વર્ષ વીતી ગયા. એક દિવસ….

‘સુરેશને સમજાવોને ભાઇ !’ સગુણાબેને કહ્યું. ‘હજુ એની એવી ઉંમર નથી થઇ ગઇ, સારું પાત્ર શોધવા પ્રયત્ન કરીએ તો કાંઇ ખોટું નથી.’

સુરેશને સમજાવતાં, હા-ના કરતાં એ ફરી લગ્ન કરવા રાજી થયો.

સગાં વહાલા, સંબંધીમાં વાત ચાલુ કરી. છાપામાં એડ આપી, સૌએ પ્રયત્ન કર્યા. અચાનક જ કોઇએ વાત કરી, આપણી સામેની ગલીમાં રસિકભાઇની દીકરી વિદ્યા લગ્ન પછી, સાસરીએ દુ:ખી થઇ પાછી આવી છે. દીકરી ડાહી છે. અહીં આડોશ-પાડોશમાં તો ઠીક, ખુદ એની ભોજાઇઓ પણ તેના વખાણ કરતાં ધરાતી નથી. પ્રશ્ન તેની ત્રણ વર્ષની દીકરીનો છે. આપણે તેનો વાંધો ન હોય તો વાત કરાય.

બન્ને પરિવાર વર્ષોથી સામસામેની ગલીમાં રહેતા જેથી એકબીજાથી પરિચિત તો હતાં જ. વાત સુરેશ-વિદ્યાની અનુકૂળતાની હતી. સુરેશનું કહેવું હતું વિદ્યા એની દીકરીને તેના પિતાને ત્યાં મૂકીને આવે. વિદ્યા તે માટે તૈયાર ન હતી.

બહુ સમજાવટ પછી તે એ માટે તૈયાર થઇ પણ સાથે તેની શરત એ હતી કે લગ્ન પછી તેઓ સુરેશનાં સોસાયટીવાળા મકાનમાં અલગ રહેવા જાય.

‘પણ એ કેવી રીતે બને ? મારી માની ઉંમર સામે તો જો.’ સુરેશે કહ્યું. ‘એ બીચારી આટલી ઉંમરે એકલી કેવી રીતે રહી શકે ? મારા ઉપર તેને કેટલી લાગણી છે ? આપણે અલગ રહીએ તો એ બીચારીનું શું ?’

વિદ્યા હસી પડી, ‘તમારી 40 વર્ષની ઉંમરે પણ જો તમે તમારી માથી અલગ ન રહી શકતા હો તો મારી ત્રણ વર્ષની દીકરી મારાથી અલગ કેમ રહી શકે ?’

આજે સુરેશ, વિદ્યા, સગુણાબેન અને શ્રુતિ આનંદથી રહે છે. કદાચ લોકોને ઇર્ષા થાય તે રીતે જીવે છે.

– ચંદ્રકાન્ત નિર્મલ