RSS

Monthly Archives: ઓગસ્ટ 2012

પરિસ્થિતિનો સામનો


કેટલાક માણસો એવું માનીને ચાલે છે કે પોતાની લાગણીઓ છુપાવવી, પોતાના મનમાં ચાલી રહેલી વાત કોઈને ન કહેવી અથવા પોતાના દિલનો, મનનો એક્સેસ-તાગ-પહોંચ કોઈને ન આપવી એમાં બહુ મોટી બહાદુરી છે. ખરેખર પોતાની વાત કોઈને ન કહેવાથી શું સાબિત થઈ શકે ? ખરેખર વાત છુપાવવા માટે હિંમતની જરૂર જ નથી. જ્યારે તદ્દન શુદ્ધ લાગણીના સંબંધ હોય ત્યારે એક અગત્યની વાત એ છે કે બંને વ્યક્તિઓએ એકબીજાની સાથે સંપૂર્ણપણે મુક્ત મને વર્તવું જોઈએ. જેની સાથે આપણે ‘દોસ્તી’કે ‘પ્રેમનો દાવો કરતાં હોઈએ એ માણસ આપણને ‘ઓળખી’ જશે એવા ભય સાથે સંબંધ ક્યાં સુધી ટકી શકે ? કદાચ કોઈ ઓળખી જાય અથવા આપણે ઓળખવા દઈએ એ પછી જો એ વ્યક્તિના મનમાં રહેલી આપણી છાપ કે પ્રતિભા જોખમાઈ જવાની હોય તો બહેતર રસ્તો એજ છે કે એ આજે અને હમણાં થઈ જાય..જે પરિસ્થિતિ આવતી કાલે આવવાની જ છે એ પરિસ્થિતિનો સામનો આજે જ કેમ ન થઈ શકે ?

Advertisements
 
Leave a comment

Posted by on ઓગસ્ટ 30, 2012 in સરસ

 

ટૅગ્સ:

પ્રેમ એટલે…..


પ્રેમ એટલે આશ, પ્રેમ એટલે શ્વાસ…
આપણી વચ્ચેનો આ અતુટ વિશ્વાસ…

પ્રેમ એટલે
આપણા અલગ-અલગ સપનાઓને
એક તાંતણે બાંધવાનો પ્રયાસ…

પ્રેમ એટલે
એક મેકના મન તરફ, મન માટે
જીદંગીભરનો સુંદર પ્રવાસ…

પ્રેમ એટલે
આપણે બે હતા હવે એક થયા
જાણે આ ધરતી ને આકાશ…

પ્રેમ એટલે
તને ઓઢુ, તને પહેરુ, તને શ્વસુ
તુંજ રહે સદા મારી આસ-પાસ…..

 

આ ગઝલ…


તને પ્રેમ કર્યો ને મને ફાવી ગઝલ,
તને યાદ કરતા કરતા લખાઈ ગઝલ,

પ્રેમ માં શબ્દો નું મહત્વ ક્યાં છે?
પણ મૌન રહ્યા ત્યારે રચાઈ ગઝલ.

તને જોતા જ શરમાઈ જતા અમે,
આજે તારી યાદ માત્ર થી શરમાઈ ગઝલ.

તને તો ના પામી શક્યા અમે,
પણ તને અડધો પામ્યો ને પમાઈ ગઝલ.

તારી ખુશી તો ના બની શક્યા અમે,
દુઃખ માં અમે પણ બળ્યા અને વર્તાઈ ગઝલ.

 

જ્યારે ગર્લફ્રેન્ડ પત્ની બને છે


ગર્લફ્રેન્ડ એ મુક્તિ છે, પત્ની એ બંધન છે. એક આઉટડોર ફન છે,બીજી ઇનડોર જેલ છે. ગર્લફ્રેન્ડ સફરજન જેવી હોય છે, ‘એન એપલ અ ડે’ એ કહેવત સાચી પડે તો કેવું? એમ વિચારતા કરી મૂકે. પત્ની કેરી જેવી હોય છે, સીઝન પૂરતી સારી લાગે! ગર્લફ્રેન્ડને મળો ત્યારે એ તમારી ખબર પૂછે છે, ઘરે મોડા પહોંચો તો પત્ની તમારી ખબર લઈ નાખે છે. ગર્લફ્રેન્ડ પાછળ ખર્ચો થઈ જાય છે, પત્ની ખર્ચો કરાવે છે. ગર્લફ્રેન્ડ અનેક હોઈ શકે, ભારતમાં પત્ની એક જ હોય છે. ગર્લફ્રેન્ડ ચોખ્ખા ઘીનો લાડુ છે અને પત્ની લાકડાનો, પણ થવાકાળ થઈને રહે છે. ગાફેલ છોકરાઓ ગર્લફ્રેન્ડને જ પત્ની બનાવી બેસે છે. આવું અમે નથી કહેતા, પરણીને પસ્તાયેલા અમારા મિત્રો કહે છે.

જ્યારે ગર્લફ્રેન્ડ પત્ની બને છે ત્યારે એના મગજમાં અમુક કેમિકલ ચેન્જ થાય છે. જે વિષયોમાં એ ગોલ્ડમેડલિસ્ટ હતી એ સઘળા વિષયોની ફરી પરીક્ષા લો તો ફેલ થાય, એટલો કરુણ રકાસ લગ્ન થવાથી થાય છે. લગ્ન થાય એટલે સૌથી પહેલાં તો એને મોબાઇલની રિંગ સંભળાતી બંધ થઈ જાય છે. લગ્ન પહેલાં ફોનના આછા સળવળાટથી એ ઊભી થઈ બધાથી દૂર જઈ કોનો મેસેજ કે કોનો ફોન છે, એ ચેક કરતી, લગ્ન પછી લગભગ ૫૦ ટકા ફોન તો એ ઉપાડતી જ નથી. જે મોબાઇલ એક જમાનામાં રેઢો નહોતો મૂકતી એ મોબાઇલ શોધવા માટે દિવસમાં ચાર ચાર વાર તો રિંગો મારવી પડે છે.

જેને કોલેજકાળમાં ટીવી જોવાનો સમય મળ્યો નથી એને લગ્ન પછી ટીવી જોવામાં અચાનક રસ પડવા લાગે છે. બકો બચારો બેડરૂમમાં આંટા મારતો હોય ને અલી ટેસથી ટીવી પર સિરિયલ જોતી હોય. ગર્લફ્રેન્ડ યુગમાં એનો સિરિયલ પ્રેમ છોકરાંઓ બહુ સિરિયસલી નથી લેતા. પણ લગ્ન થાય, એક કે બેઉ જણ નોકરી કરતા હોય, રાતે આઠ વાગ્યે મળે, સાડા આઠે જમે અને પછી દસ વાગ્યા સુધી પેલી સિરિયલમાં ઘૂસી જાય. એટલામાં તો પાછો ઊંઘવાનો સમય થઈ જાય છે. હાસ્તો, પત્ની બને એટલે થાક પણ વધારે લાગેને?

છોકરી પત્ની બને એટલે એને વહેલી ઊંઘ આવવા લાગે છે. લગ્ન પહેલાં ઘરમાં બધાં સૂઈ જાય એ પછી બેલેન્સ પૂરું થાય ત્યાં સુધી એસએમએસ-એસએમએસ રમનાર કોડભરી કન્યા ક્રમશઃ કંટાળેલી કામિની બની મોબાઇલમાંથી રસ ગુમાવી બેસે છે. ક્યારેક એની સખીનો ફોન આવે તોપણ ફોન હબીને સોંપી દે, ‘મને ઊંઘ આવે છે, તું ઉપાડ ને કહી દે કે સવારે ફોન કરશે.’ પેલો બચારો એટલો સંદેશો કહેવામાં પંદર મિનિટ ખેંચી કાઢે, ત્યાં સુધીમાં તો અલી નસકોરાં બોલાવતી પડી હોય.

લગ્ન થાય એટલે જાણે એ તમને એક જ કપડામાં દેખાય. એ જ નાઇટ ડ્રેસ રોજ, એક પંજાબી દર આંતરે દિવસે પહેરાય. નાઈટ ડ્રેસ તો સવારે બ્રેકફાસ્ટ બનાવતી વખતે પહેર્યો હોય એટલે એમાં હિંગ અને ગરમ મસાલાની સુગંધ પણ આવતી હોય. જિન્સ ટી-શર્ટ તો પછી ઉતરાણના દિવસે જ કબાટમાંથી બહાર નીકળે. એ પણ ઘણી વાર બહાર કાઢીને પાછાં મૂકવાં પડે. લગ્નના છ મહિનામાં મીડિયમ સાઇઝનાં જિન્સ ફિટ પડવા લાગે. પાછા ચાર જોડી લીધા હોય એટલે નવા લાર્જ સાઇઝનાં ખરીદતા જીવ ચાલે નહીં. જૂનાં પહેરે તો કુશનનું કવર તકિયાને ચઢાવ્યું હોય એવું લાગે. એકંદરે એ પંજાબી પહેરવા લાગે, કારણ કે નાડા પદ્ધતિમાં દસેક કિલો જેટલો વજનવધારો આરામથી સમાઈ જતો હોય છે.

પણ ગર્લફ્રેન્ડ પત્ની બની જાય એ પછી એના બોડી બિલ્ડર ભાઈ કે હિટલર જેવા પપ્પાને મળવામાં તમને પહેલાં જેટલી બીક નથી લાગતી. આનું પરિણામ એ આવે છે કે જે ભાઈ-બાપથી એક જમાનામાં સંતાઈને ફરતા હતા એ જ ભાઈ-બાપને મળવાના પ્રોગ્રામ અવારનવાર ગોઠવાય. પહેલાં તો રક્ષાબંધન અને ભાઈબીજ આ બે દિવસે બેઉ પોતપોતાનાં ઘરે હોય, એને બદલે હવે બકાને અલીની પાછળ પાછળ મામાજી, ફોઈજી, કાકાજી અને માસીજીના દીકરાજીઓને રાખડી બાંધવા લાંબા થવું પડે છે. પાછા આ ભાઈલોગ રાખડી બંધાવે પણ રૂપિયો પકડાવે નહીં. એટલે એકંદરે પેટ્રોલ અને પેંડાનો ખર્ચો પણ માથે પડે છે. અંતે બધો ભાર બકાની કેડ પર આવે છે!

Source: સંદેશ

 
2 ટિપ્પણીઓ

Posted by on ઓગસ્ટ 21, 2012 in સરસ

 

ટૅગ્સ:

સફળતા અને નિષ્ફળતા


ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

કોઈ એવું નથી જેના જીવનમાં હોય ના ખામી, કોઈ એવા નથી રસ્તા કે જ્યાં ખાડા નથી હોતા. નવાઈ શું, વિચારો જો બધાના હોય ના સરખા. તરંગો પણ બધી નદીઓ તણા સરખાં નથી હોતાં.

– દીપક બારડોલીકર

જિંદગી બે વસ્તુથી બનેલી છે, સફળતા અને નિષ્ફળતા. કોઈ માણસ ક્યારેય સંપૂર્ણ સફળ નથી હોતો અને કોઈ માણસ ક્યારેય તદ્દન નિષ્ફળ હોતો નથી. કોઈ તમને પૂછે કે તમે સફળ છો કે નિષ્ફળ, તો તમે શું જવાબ આપો? સફળતાનો આધાર તેના પર છે કે તમે કેટલું મોટું અને ઊંચું સપનું જુઓ છો! સફળતાના કોઈ ચોક્કસ માપદંડ નથી. આપણે શિસ્ત, સમયપાલન, મહેનત, ધગશ અને બીજા અમુક ગુણોને સફળતાના માપદંડ ગણીએ છીએ. સાચી વાત છે,આ બધા વગર સફળતા શક્ય નથી. છતાં તેનું પ્રમાણ કેટલું રાખવું તેનું કોઈ ચોક્કસ માપ નથી. આટલા કલાક વાંચો તો આટલા ગુણ આવે એવું કોઈ છાતી ઠોકીને ન કહી શકે. હા, વાંચ્યા વગર પાસ ન થઈ શકાય એવું ચોક્કસ કહી શકે. નિષ્ફળતાનાં કારણો નક્કી છે, સફળતાનાં નહીં, કારણ કે સફળતા બુદ્ધિ અને ક્ષમતા સાથે જોડાયેલી છે. ઘણા લોકો નસીબને સફળતા સાથે જોડે છે.

ખાસ કરીને નિષ્ફળ જનારા લોકો માટે નસીબ એ હાથવગું બહાનું છે. સફળ માણસ ક્યારેય એમ નથી કહેતો કે મારા નસીબને કારણે હું સફળ થયો છું, કારણ કે એણે સફળ થવા માટે પૂરતા પ્રયત્નો અને અત્યંત મહેનત કરી હોય છે. એમ તો નિષ્ફળ જનાર વ્યક્તિએ પણ પ્રયત્નો કર્યા હોય છે. કોઈ માણસ એમ કહે કે મેં ખૂબ પ્રયત્નો કર્યા, પૂરતી મહેનત કરી પણ હું સફળ ન થયો, તો તમે તેને દાદ આપજો કે તેં પ્રયત્નો તો કર્યા. પ્રયત્ન કરનારો જ સફળ કે નિષ્ફળ જાય છે. જે કંઈ જ નથી કરતો તે નિષ્ફળ નહીં પણ અયોગ્ય છે. તમે પ્રયત્ન કરો અને નિષ્ફળ જાવ તો તમારો વાંક નથી. પણ જો તમે પ્રયત્ન જ ન કરો તો ચોક્કસપણે તમારો જ વાંક હોય છે.

આપણાથી આ ન થાય એવું માનીને ઘણા લોકો પ્રયત્ન જ નથી કરતાં, એવા લોકો ક્યાંય પહોંચી શકતા નથી. બે મિત્રો હતા. બંને એક પર્વતની તળેટીએ ઊભા હતા. એક મિત્રએ કહ્યું કે, “ચાલ આપણે પર્વત ઉપર ચડી જે ટોચ આપણને દેખાય છે ત્યાં સુધી જઈએ.” બીજા મિત્રએ કહ્યું કે, “ના, આપણાથી ટોચ સુધી નહીં પહોંચાય.” તેના મિત્રએ કહ્યું કે, “તો ક્યાં સુધી પહોંચાશે? અડધે સુધી? પોણે સુધી? તું શરૂ તો કર, કદાચ ટોચ સુધી પણ પહોંચી શકાય.” ઘણી વખત અડધે પહોંચ્યા પછી જ એ સમજણ આવે છે કે અડધે પહોંચી શક્યા તો બીજું અડધું પણ પૂરું કરી શકાશે. જે પ્રારંભ નથી કરતો તેનો અંત નિશ્ચિત છે. તળેટીમાં બેસી રહેનાર કરતાં અડધે સુધી પહોંચનાર વધુ મહાન છે.

તમારે તમારા ક્ષેત્રમાં સફળ થવું છે? થવું જ હોય છે, કારણ કે અંતે તો દરેક માણસ સફળ થવા માટે જ પ્રયત્નો કરતો હોય છે.

કોઈના મોઢે ક્યારેય તમે એમ નહીં સાંભળો કે હું તો નિષ્ફળ જવા આ બધા પ્રયત્નો કરું છું. આપણે બધા સફળ થવા માટે કોઈ રોલ મોડલને આદર્શ માની પ્રયત્નો કરતાં હોઈએ છીએ. મારે એ મુકામ સુધી પહોંચવું છે. એ મહાન માણસે જે કર્યું એટલું મારે કરવું છે. આપણે સફળ થવા માટે સફળ માણસના સિદ્ધાંતો, આદર્શો અને મહેનતને ધ્યાનમાં રાખીએ છીએ અને તેના જેટલી મહેનત કરવા પ્રયત્ન કરીએ છીએ.

સફળ માણસને આદર્શ માનવો સારી વાત છે પણ સાથોસાથ નિષ્ફળ માણસને પણ પૂરતી ગંભીરતાથી લેવો જોઈએ. સફળ માણસની સલાહ કરતાં ઘણી વખત નિષ્ફળ માણસની સલાહમાં વધુ દમ હોય છે. સફળ માણસો પાસે સફળતાનાં જે કારણો હોય છે તેના કરતાં નિષ્ફળ માણસ પાસે સફળ ન થવા પાછળનાં કારણો વધુ હોય છે. આમ કરો તો સફળ થવાય એ સમજવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી એ સમજવું પણ છે કે આમ ન કરીએ તો સફળ થવાય.

તમે ક્યારેય કોઈ નિષ્ફળ માણસને પૂછયું છે કે તમે શા માટે નિષ્ફળ ગયા? એ જે કારણો આપે તેનાથી તમે સાવચેત રહો તો તમારો સફળતાનો માર્ગ વધુ સહેલો બની જશે. ઘણા નિષ્ફળ માણસોની વાતમાં એવું આવે છે કે જો મેં આ ભૂલ ન કરી હોત તો હું સફળ થયો હોત. એ ભૂલ કઈ હતી એ જાણવું અને સમજવું બહુ જરૂરી છે, કારણ કે આપણે ઘણી વખત એ ભૂલ કરવા જ જઈ રહ્યા હોઈએ છીએ.

સફળતાની કોઈ એક ફોર્મ્યુલા હોતી નથી. કોઈ એક માણસ એક રીતે સફળ થયો હોય તો બીજો માણસ એ જ રીતે સફળ ન થઈ શકે, તેની સફળતાની રીત જુદી હોય શકે. સફળ જનાર વ્યક્તિ કરતાં ઘણી વખત નિષ્ફળ જનાર વ્યક્તિ વધુ સાચો રસ્તો ચીંધી શકે છે. મેં આમ કર્યું હતું પણ તું આમ નહીં કરતો એવું કોઈ કહે તો એની વાત ધ્યાનથી સાંભળજો. સફળ થવા માટે શું નહીં કરવાનું એ નક્કી કરવું વધુ જરૂરી હોય છે.

સફળ થવા માટે બે યાદી બનાવવી પડે છે. એક યાદીમાં એ લખવું કે મારે શું કરવાનું છે અને બીજી યાદીમાં એ લખવાનું કે મારે શું નથી કરવાનું. જો તમને એ ખબર હશે કે તમારે શું નથી કરવાનું તો તમારે જે કરવાનું છે એના વિશે તમે વધુ સ્પષ્ટ હશો. ઘણી વખત આપણે જે કરતાં હોઈએ છીએ એ કરવા જેવું નથી એની આપણને ખબર જ નથી હોતી. શું કરવાનું છે એ યાદી બનાવવા માટે તમે સફળ લોકોને મળો અને સમજો એ જરૂરી છે અને શું નથી કરવાનું એ માટે નિષ્ફળ લોકોની મદદ લો. સફળતા માટે શું નથી કરવાનું એની યાદી હંમેશાં મોટી હોવાની. સફળ થવા માટે કરવાનું બહુ થોડું હોય છે. શરત એ કે આપણને શું નથી કરવાનું એની ખબર હોય.

એક ગુરુ પાસે એનો શિષ્ય બાણવિદ્યા શીખવા જતો. એક દિવસ શિષ્ય બાણવિદ્યા શીખતો હતો. ગુરુ કંઈ જ બોલતા ન હતા. આખો દિવસ પૂરો થયો ત્યાં સુધી ગુરુ કંઈ ન બોલ્યા. શિષ્યએ કહ્યું કે “આજે તો તમે મને કંઈ જ તાલીમ ન આપી.” એ સાંભળી ગુરુએ કહ્યું કે “તું બધા પ્રયત્નો બરાબર જ કરતો હતો. મારું કામ તું કંઈ ખોટું કરે ત્યારે રોકવાનું જ હતું. તારી સફળ થવાની રીત તારી જ રાખ. તું નિષ્ફળ જઈશ એવું જ્યારે મને લાગશે ત્યારે હું તને કહીશ કે એમ ન કર.” બધામાં સફળ થવાની એક નેચરલ ખૂબી હોય છે. આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ કે તેની એ આવડત તો કુદરતી છે, જે કુદરતી હોય એને શીખવાડવાનું ન હોય. સફળ થવા માટે તમારામાં જે આવડત છે તેને છંછેડો નહીં.

તમારે સફળ થવું હોય તો કોઈની સફળતાની નકલ ન કરો. તમે તમારી રીતે જ સફળ થાવ. તમે તમારી રીત અપનાવશો તો જ સફળ થશો. દરેક વ્યક્તિ તેની જગ્યાએ મહાન હોય છે. સચીન તેંડુલકર ક્રિકેટનો આઈડિયલ પ્લેયર છે. ધોની સચીન તેંડુલકર ન થઈ શકે. અને જો ધોની પોતાની ઓરિજિનાલિટી બદલીને તેંડુલકર થવા જાય તો એ ન બની શકે તેંડુલકર કે ન રહે ધોની. તેંડુલકર તેંડુલકર છે અને ધોની ધોની છે. બંને પોતપોતાની જગ્યાએ મહાન છે. એવી જ રીતે તમે તમારી જગ્યાએ યોગ્ય છો અને સફળ થવા માટે તમે તમારો જ મંત્ર બનાવો, કારણ કે તમારા રસ્તે જ તમે સફળ થઈ શકશો. કોઈની જગ્યાએ પહોંચવા કરતાં ઘણી વખત નવી જગ્યા બનાવવાનું કામ વધુ મહાન હોય છે. જેને સાવ જુદું અને તદ્દન અનોખું બનવું છે એ નવી સફળતાઓનું જ નિર્માણ કરે છે.

સફળતા માટે બીજો એક મંત્ર સમજવો પણ જરૂરી છે. તમારે સફળ થવું છે? તો એક વાત યાદ રાખો કે નિષ્ફળતાથી ન ડરો. નિષ્ફળતાની તૈયારી જ સફળતા તરફ દોરી જાય છે. કોઈ નિષ્ફળતાથી અટકો નહીં. કોઈ મહાન માણસ સીધેસીધો સફળ થઈ ગયો નથી. અનેક નિષ્ફળતા પછી જ માણસ સફળ થતો હોય છે. નિષ્ફળતા મેળવનાર માણસ પાસેથી એ પણ જાણવું જોઈએ કે એ ક્યાં અટકી ગયા? એ જ્યાં અટકી ગયા ત્યાં તમે નહીં અટકો એવો નિર્ધાર પણ જરૂરી છે.

સફળતા હંમેશાં સહજતાથી આવે છે. જેટલા સહજ રહેશો એટલા હળવા રહી શકશો. કૃત્રિમતા ક્યારેય કાયમી હોતી નથી. તમારા પ્રયત્નોમાં તમારી વફાદારી જ તમને સફળતા સુધી દોરી જશે. તમારે નિષ્ફળ નથી જવું તો નિરાશ કે હતાશ ન થાવ. પ્રયત્ન મૂકી દે છે એ જ નિષ્ફળ જાય છે. એક હલેસું માર્યે હોડી મધદરિયેથી કિનારે પહોંચી જતી નથી.

છેલ્લો સીનઃ

જે અન્યને જાણે છે તે શિક્ષિત છે પરંતુ જે પોતાને ઓળખે છે તે બુદ્ધિશાળી છે.

Source: સંદેશ

 

એણે પૂછ્યું નામ


પાસપોર્ટમાં સ્પષ્ટ લખેલું તોપણ એણે પૂછ્યું નામ;
વિધવા થયેલાં ફોઈ ફરીથી યાદ આવ્યાં, મેં કર્યા પ્રણામ.

બા-બાપુનું કામ પૂછ્યું ને પૂછ્યું એણે મારું ગામ,
શૈશવની શેરીમાં પાછો ધક્કો માર્યો એણે આમ.

જન્મતિથિ, તારીખ, વાર કે ચોઘડિયાનું કંઈ ના સૂઝ્યું,
સારું છે કે શું કરવા જન્મ્યો છું એણે એ ના પૂછ્યું.

મેં શ્રદ્ધાથી જોયું એણે શંકા જેવો ભાલો કાઢ્યો,
ટાઈપ થયેલો ભૂતકાળ મેં ત્યાંને ત્યાં એને દેખાડ્યો.

લોહી વચાળે સઘળી ઈચ્છા ટાઢ સમી થરથરતી દેખી,
કાતર જેવી નજર્યું એણે ઉપરથી સણસણતી ફેંકી.

ક્યાંથી આવ્યા, ક્યાં જવાના અને કેટલા દહાડા રહેશો ?
ઉપનિષદ પણ એ જ પૂછે છે, એનો ઉત્તર તમેય દેશો ?

તીખા તીખા પ્રશ્નોથી શું માણસને ઓળખવા માગો ?
જેને પૂછો એ માણસ તો પોતાનાથી ખાસ્સો આઘો.

વિઝનથી વિઝાની વચ્ચે શ્વેત-શ્યામ રંગીન કાયદા,
પંખીને પુછાય કદી કે ઊડવાના છે ક્યા ફાયદા ?

ભરદોરે જે સ્વપ્ન ચગાવ્યું, એક ઝાટકે એણે કાપ્યું,
ઝળઝળિયાંએ જાતે આવી આંખોને આશ્વાસન આપ્યું.

પાછા ફરતાં ફરી કોઈએ બૂમો પાડી મારા નામે,
હવે નથી અટવાવું મારે, ચાલ્યો હું સાચા સરનામે.

 

એક કડવી હકીકત:


વિચાર ધારા - હેમા પટેલ

આ દુનિયામાં વસેલા લોકોની અલગ કહાણી છે:

જો કોઈનો વિશ્વાસ તોડો તો એ રડે છે; અને વિશ્વાસ રાખો તો એ રડાવે છે!

જીવન શું છે ? સુવો તો સમાધી, અને ઉઠો તો ઉપાધી !

જયારે દીવાલોમાં તિરાડો પડે છે, ત્યારે દીવાલો પડી જાય છે;

જયારે સંબંધોમાં તિરાડે પડે છે, ત્યારે દીવાલો બની જાય છે!

નાનપણમાં ભૂલી જતા ત્યારે કહેતા કે “યાદ રાખતા શીખો.”

અને હવે યાદ રાખીએ ત્યારે કહે છે કે “ભૂલતા શીખો ! ”

જીવનભરની વધુપડતી કમાણીની આ જ છે યાત્રા,

ટેબલ પર ચાંદીની થાળી, અને ભોજનમાં Diet ખાખરા!

 

( અનીલા પટેલની ઈમેલમાંથી )

View original post

 
Leave a comment

Posted by on ઓગસ્ટ 14, 2012 in Uncategorized

 

ટૅગ્સ: