RSS

Monthly Archives: જુલાઇ 2020

પણ હું તો ઓનલાઇન છું


પાટલી પાટલી કુદવું છે
પરબ નું પાણી પીવું છે
શર્ટ પર સહી નાખવી છે
કેરીની ચીરીઓ ચાખવી છે
પણ હું તો ઓનલાઇન છું

મેદાને મેદાને ભમવું છે
મિત્રો ભેગા રમવું છે
શિક્ષકો સામે નમવું છે
પણ હું તો ઓનલાઇન છું

વરસાદમાં પલળવું છે
ભીના મિત્રોને મળવું છે
ખાબોચીયે તરવું છે
પણ હું તો ઓનલાઇન છું

સાયકલના આંટા મારવા છે
નાસ્તાના ફાંકા મારવા છે
કલાસમાં ઝોકા મારવા છે
પણ હું તો ઓનલાઇન છું

બેઠા બેઠા ભુરાયો છું
હું પાંજરે પુરાયો છું
રમતો માં સવાયો છું
પણ હું તો ઓનલાઇન છું

દફતર લઈને દોડવું છે
ઝમરુખ દાંતે તોડવું છે
કોઠું ભીંતે ફોડવું છે
પણ હું તો ઓનલાઇન છું !!

-આસીમ !!!!@ ઓનલાઇન સ્ટડીઝ !!!!

 
Leave a comment

Posted by on જુલાઇ 30, 2020 માં Asim Bakshi

 

ટૅગ્સ:

सबसे बड़ा दानी


एक बार की बात है कि श्री कृष्ण और अर्जुन कहीं जा रहे थे। रास्ते में अर्जुन ने श्री कृष्ण से पूछा कि प्रभु – एक जिज्ञासा है मेरे मन में, अगर आज्ञा हो तो पूछूँ ?

श्री कृष्ण ने कहा – अर्जन, तुम मुझसे बिना किसी हिचक, कुछ भी पूछ सकते हो।

तब अर्जुन ने कहा कि मुझे आज तक यह बात समझ नहीं आई है कि दान तो मै भी बहुत करता हूँ परंतु सभी लोग कर्ण को ही सबसे बड़ा दानी क्यों कहते हैं ?

यह प्रश्न सुन श्री कृष्ण मुस्कुराये और बोले कि आज मैं तुम्हारी यह जिज्ञासा अवश्य शांत करूंगा।

श्री कृष्ण ने पास में ही स्थित दो पहाड़ियों को सोने का बना दिया। इसके बाद वह अर्जुन से बोले कि हे अर्जुन इन दोनों सोने की पहाड़ियों को तुम आस पास के गाँव वालों में बांट दो। अर्जुन प्रभु से आज्ञा ले कर तुरंत ही यह काम करने के लिए चल दिया।

उसने सभी गाँव वालों को बुलाया। उनसे कहा कि वह लोग पंक्ति बना लें अब मैं आपको सोना बाटूंगा और सोना बांटना शुरू कर दिया। गाँव वालों ने अर्जुन की खूब जय जयकार करनी शुरू कर दी। अर्जुन सोना पहाड़ी में से तोड़ते गए और गाँव वालों को देते गए। लगातार दो दिन और दो रातों तक अर्जुन सोना बांटते रहे।

उनमे अब तक अहंकार आ चुका था। गाँव के लोग वापस आ कर दोबारा से लाईन में लगने लगे थे। इतने समय पश्चात अर्जुन काफी थक चुके थे। जिन सोने की पहाड़ियों से अर्जुन सोना तोड़ रहे थे, उन दोनों पहाड़ियों के आकार में जरा भी कमी नहीं आई थी।

उन्होंने श्री कृष्ण जी से कहा कि अब मुझसे यह काम और न हो सकेगा। मुझे थोड़ा विश्राम चाहिए।

प्रभु ने कहा कि ठीक है तुम अब विश्राम करो और उन्होंने कर्ण बुला लिया।

उन्होंने कर्ण से कहा कि इन दोनों पहाड़ियों का सोना इन गांव वालों में बांट दो।

कर्ण तुरंत सोना बांटने चल दिये। उन्होंने गाँव वालों को बुलाया और उनसे कहा – यह सोना आप लोगों का है , जिसको जितना सोना चाहिए वह यहां से ले जाये। ऐसा कह कर कर्ण वहां से चले गए।

यह देख कर अर्जुन ने कहा कि ऐसा करने का विचार मेरे मन में क्यों नही आया?

श्री कृष्ण द्वारा अर्जुन को शिक्षा : इस पर श्री कृष्ण ने जवाब दिया कि तुम्हे सोने से मोह हो गया था। तुम खुद यह निर्णय कर रहे थे कि किस गाँव वाले की कितनी जरूरत है। उतना ही सोना तुम पहाड़ी में से खोद कर उन्हे दे रहे थे। तुम में दाता होने का भाव आ गया था।

दूसरी तरफ कर्ण ने ऐसा नहीं किया। वह सारा सोना गाँव वालों को देकर वहां से चले गए। वह नहीं चाहते थे कि उनके सामने कोई उनकी जय जयकार करे या प्रशंसा करे। उनके पीठ पीछे भी लोग क्या कहते हैं उस से उनको कोई फर्क नहीं पड़ता।

यह उस आदमी की निशानी है जिसे आत्मज्ञान हांसिल हो चुका है। इस तरह श्री कृष्ण ने खूबसूरत तरीके से अर्जुन के प्रश्न का उत्तर दिया, अर्जुन को भी अब अपने प्रश्न का उत्तर मिल चुका था।

कथासार

दान देने के बदले में धन्यवाद या बधाई की उम्मीद करना भी उपहार नहीं सौदा कहलाता है। यदि हम किसी को कुछ दान या सहयोग करना चाहते हैं तो हमे यह बिना किसी उम्मीद या आशा के करना चाहिए, ताकि यह हमारा सत्कर्म हो, न कि हमारा अहंकार।

राधे राधे।।

 
Leave a comment

Posted by on જુલાઇ 30, 2020 માં Mahabharat, Mythology

 

ક્રિષ્ના-મુરલી


“દિકરા, જો તો બહાર જરા. મુરલી આવ્યો કે નહીં?” દાદાજીનો અવાજ સાંભળીને ક્રિષ્ના દોડતી જઈને બહાર ડોકું તાણી આવી.

“ના દાદજી, તમારો મુરલી તો ક્યાય દૂર દૂર સુધી દેખાતો નથી. નથી એની ઘંટડી સંભળાતી” કહેતી ક્રિષ્ના પાછી ગુલાબના કુંડાને શણગારવા બેસી ગઈ. ઘરનું આંગણું, અગાશી જ્યાં જગ્યા મળે ત્યા એ નવું કુંડુ લાવીને મુકી દેતી ને કોઈને કોઈ છોડ લાવીને રોપતી. એટલા પ્રેમથી માવજત કરતી કે જોનાર આફરીન થઈ જાય.

અચાનક તેનું ધ્યાન ગયું કે, કદાચ ઘંટડીનો રણકાર સંભળાય છે. તે ફરી પાછી ઊભી થઈ. બહાર જઈને જોયું. કેટલાક નાના નાના બાળકો મુરલીની સાયકલને ઘેરી વળ્યા હતાં. જેવો શોખ ક્રિષ્નાને હતો ફુલોથી ઘર આખું સજાવવાનો, એવોજ ગાંડો શોખ હતો મુરલીને એની સાયકલ સજાવવાનો! એ સાયકલ પર ચાની પવાલી ભરીને નીકળી પડતો. સાયકલને તો એણે એવી શણગારેલી કે જોઈને બે ઘડી દંગ રહી જવાય. કોઈ વરઘોડામાં જેવી રીતે ઘોડીને શણગારવામાં આવે એમ તેણે પોતાની સાયકલ શણગારેલી. નીતનવા ફુમતા સાયકલમાં લટકાવેલા.

રંગબેરંગી ખીલેલી સાયકલ ને જોતા જ બાળકો તેને ઘેરી વળતાં. એક કાકાએ સલાહ આપેલી કે, ” મુરલી, આ છોકરાવ સારુ કઈક લાવતો હોય તો.. જેમ તારી ચાની આ ઓટલો રાહ જોવે છે એમ એય બચારા તને આવતો જોઈને રાજી થશે. ને તને બે પાંચ કમાણી વધું થશે એ નફાનું”

મુરલીને એ વાત ગળે ઉતરી. તે શહેરમાં જઈને અવનવી ચોકલેટ ને મિઠાઈ લઈ આવતો. બાળકોને ત્યારથી એ વ્હાલો થઈ ગયો. એક દિવસ ગામનાં રમાકાકીએ તેને મજાકમાં કહ્યું કે, મુરલી, આ સાયકલ શણગારે છે એવા ફુલડા તું અમારા માટે લાવતો હોય તો અમારા ઘરની અભેરાઈની પણ શોભા વધે.”

પછી તો મુરલીને કહેવું પડે? બીજા જ અઠવાડિયે થેલો ભરીને ફુલડા લાવીને કેટલીય અભેરાઈઓની સુંદરતા વધારી દીધી. ધીમે ધીમે ચાની સાથે આવા ફુલડા વેંચતો થયો. આમ બાળ, વૃધ્ધો અને ગામની મહીલાઓના હદય એક સાથે જીતી લીધાં. પણ તેનું હદય પેલી ઉડ ઉડ કરતી આવતી ક્રિષ્નાએ જીતી લીધું હતું. દાદજી જ્યારથી બિમાર થયા ત્યારથી સાયકલની ઘંટડી સાંભળીને ક્રિષ્ના જ ચા લેવા માટે દોડતી. કેમ કે દાદાજી મુરલીને બે પૈસા વધારે મળે એ આશયથી ચા પીતા પણ પછી તો ચાનો એવો ચસકો ચડેલો કે, એના હાથની ચા વગર ચાલે જ નહીં. પણ હવે એ ફુલડા પણ વેંચતો એટલે ગામની શેરીઓમાં પણ આવવા લાગ્યો.. દેખાવમાં સોહામણો, ઓછા બોલો. ખપ પુરતું બોલે, ગામની સ્ત્રીઓને બોલાવે, હસાડે પણ વિવેકથી… એટલે દરેકને એ ગમતો.

ક્રિષ્નાના ઘર પાસે આવી ઘંટડી વગાડે એટલે ક્રિષ્ના જ દોડતી. કહેતી, ” મુરલી, તું ચા માં શું નાખીને લાવે છે? દાદાજી તો ઘરની ચાને ગણકારતા જ નથી.” તો ક્યારેક પુછતી, ” હેં, મુરલી તને આ સાચુકલા ફુલો પણ ગમે આ ગુચ્છાઓ જ ગમે છે??” પણ એ મુંગો રહેતો. જેમ આખા ગામને એની ઘંટડીનો રણકાર મીઠો લાગતો, એવી જ રીતે ક્રિષ્નાના ગળામાંથી નીકળતો મીઠો રણકાર એ માત્ર સાંભળ્યા જ કરતો. તો ક્યારેક ઘરની દિવાલો ને આંગણામાં ડોકિયા કરતાં પેલા કુંડાઓને અને એમાં ખીલેલા ફુલડાઓને જોઈ લેતો. ને પોતાના કામે આગળ નીકળી જતો.

” દાદાજી, આ મુરલી મુંગો હોત તો ન ચાલત? આછું મલક્યા સિવાય એ ક્યા કાઈં બોલે જ છે?” ક્રિષ્નાએ દાદાજી આગળ એક દિવસ બળાપો ઠાલવ્યો. દાદાજીએ પ્રેમથી ઠપકો આપ્યો, ” ગાંડી, એવું ન બોલાય. બધાં તારા જેવા ન હોય. એ તો ડાહ્યો છે ને એટલે.”

” અચ્છા, હું ગાંડી ને એ ડાહ્યો? આ ચાનો નશો બોલે છે કે મારા દાદાજી?” કહીને બેઉં ખડખડાટ હસી પડ્યાં. “ચાલો, આજે તો હું પણ ચાની લિજ્જત માણું.. મુરલી કેવો જાદુ ભેળવે છે અંદર?” અને ત્યારથી એ પણ મુરલીના હાથની ચાની દિવાની થઈ ગઈ. હવે એક ના બદલે બે પ્યાલી લઈને દોડતી.

પણ આ સિલસિલાનો જલ્દી અંત આવ્યો. દાદાજીએ દુનિયામાંથી વિદાય લીધી. ક્રિષ્ના સુનમુન થઈ ગઈ. એનાથી ક્રિષ્નાનો મુરઝાયેલો ચહેરો જોઈ શકાતો ન્હતો. એક દિવસ ખરખરો કરીને બે ચાર દિવસ તો ગામમાં જ આવ્યો નહીં. મુરલી એ ઘર બાજુ બે અઠવાડિયા સુધી ડોકાયો નહીં. એ જ સમયગાળામાં બારમામાં ક્રિષ્નાને સારા ટકા આવ્યા અને તેના મોટા બાપુએ આગળના અભ્યાસ માટે તેને મુંબઈ તેડાવી લીધી. થોડો સમય વીતતા તેના મમ્મી પપ્પા પણ મુંબઈ સ્થાઈ થવા ત્યાં જ જતા રહ્યા. દાદીમાં અહીં કાકા કાકી જોડે રહેતાં. દાદાજીના ગયા પછી ક્રિષ્નાએ ચા જ છોડી દીધી. રહી રહીને તેને મુરલી સાંભરી આવતો. ને આ બાજુ મુરલીએ સમય જતા એ ગામમાં ચા વેંચવા જવાનું જ બંધ કરી દીધું. તેને ખીલેલા કુંડાઓમાં પણ ખાલીપો લાગતો.

સમય સરતો રહ્યો. મુરલી વધુ ગુમસુમ રહેવા લાગ્યો.. તેની વિધવા માએ ઘણો સમજાવ્યો કે, મુરલી જેટલી ચાદર હોય એટલી જ સોડ તણાય. પણ મુરલી ખરેખર પોતાના અસ્તિત્વને ક્રિષ્નાના નામે કરી ચુક્યો હતો. વરસો વિતતા રહ્યા. એને એમ હતું કે ક્રિષ્ના એક દિવસ જરૂર આવશે. પણ દાદીના અવસાન સમયે તે અગત્યના પ્રોજેક્ટ માટે ગયેલી. એટલે એક આશા હતી એ ઠગારી નીવડી. ક્રિષ્નાના ગામને ઝાંપે જવાનું પણ હવે તેણે બંધ કર્યું હતું. પરંતુ ધીરજનો અંત આવતા એક દિવસ તેણે કહ્યું, “મા, હું મુંબઈ જઈશ.” ઘણું સમજાવ્યા છતા ટસનો મસ ન થયો. આખરે માએ હથિયાર હેંઠા મુક્યા. એક દિવસ ક્રિષ્નાના દાદીમા પાસે આવી દાદજીને યાદ કર્યા ને વાતો વાતોમાં ક્રિષ્ના ક્યા છે એ જાણીને પાછો જતો રહ્યો. થોડી જમીન હતી એ વેંચીને તેણે મુંબઈમાં હાથ અજમાવ્યો. એના જેવા કામની તલાશમાં આવેલા મહેનતું છોકરાઓ મળે તો નવી દુકાન ભાડે રાખીને ચાનું પાર્લર જ ખોલતો. ધીમે ધીમે ધંધામાં જમાવટ આવી.

ખૂબ પૈસો કમાયો. ક્રિષ્ના રહેતી એ વિસ્તારમાં તેણે પોતાનું એક નાનું રીસોર્ટ ખોલ્યું. નામ આપ્યું ‘ક્રિષ્ના ટી રીસોર્ટ’. જેવી રીતે સાયકલ શણગારતો એવી જ રીતે રીસોર્ટ શણગાર્યું. પણ એક ફરક હતો.. રીસોર્ટં તેણે કૃત્રિમ નહીં પણ ક્રિષ્નાને ગમતા એવા હસતા ખીલતા ફુલછોડ ને વેલીઓથી સજાવ્યું. બાળકો માટે ટોફી, ચોકલેટ અને અવનવી મિઠાઈ ની વ્યવસ્થા કરી. એના સિવાય કશું જ નહીં. રખેને કદાચ ક્રિષ્ના એને ઓળખી કાઢે.

થોડા મહીના ફર વીતી ગયા. અચાનક એક સાંજે ક્રિષ્નાને તેણે રીસોર્ટમા દાખલ થતી જોઈ. તેનો ધબકાર વધી ગયો. હજું પણ એટલી જ નાજુક ને નમણી. પણ બીજી જ ક્ષણે એક પુરુષ ચારેક વર્ષના બાળકની આંગળી પકડીને ક્રિષ્નાની બાજુમાં આવી ઊભો રહ્યો. અને એજ ક્ષણે મુરલી એક ધબકાર ચુકી ગયો. શું ક્રિષ્નાએ??? વિચારમાત્રથી એનું મન તુટી ગયું.

એ પછી તો ક્રિષ્ના અવારનવાર અહીં આવતી. પણ એ હંમેશ એની સામે આવવાનું ટાળતો… બસ દુરથી ક્યાકથી એને જોયા કરતો.. આવી જ એક સાંજે ક્રિષ્ના રીસોર્ટમાં ધીમે ધીમે ચાની ઘુંટડીઓ ભરી રહી હતી. ત્યારે જ ” અરે, ક્રિષ્ના તું, અને ચા??? શું વાત છે?” કહેતી કોલેજ સમયની એક સખી આવીને ગળે વળગી પડી. બરાબર આ જ સમયે મુરલી ત્યાથી પસાર થઈ રહ્યો હતો. જે રણકો સાંભળવા માટે તેણે વરસો તપ કર્યું એ મીઠો રણકાર સાંભળવા માટે તે પોતાની જાતને રોકી ન શક્યો અને પોતાની પીઠ ક્રિષ્ના તરફ રહે એમ બાજુની ટેબલ ખુરશી પર ચુપચાપ બેસી ગયો.

” કે’ને, ક્રિષ્ના! તું તો ચા સામે જોતી પણ ન્હતી, હવે શું થયું?” વૃંદા તેને ઢંઢોળી રહી હતી.

આખરે એ રણકો સંભળાયો, “હા, વૃંદા. ખબર નહીં પણ કેમ, અહીંની ચા માં કશુંક એવું છે જેમાંથી મારો ખોવાઈ ગયેલો ભૂતકાળ મને પાછો મળી રહ્યો છે. એ જ સ્વાદ, એ જ લિજ્જત જે હું ગામડે મુકી આવી હતી.”

વૃંદાએ તેને ખોવાયેલી જોઈ વેધક પ્રશ્ર્ન કર્યો, ” ક્રિષ્ના, તું મુરલીની વાત કરે છે?”

ને ક્રિષ્નાથી એક ડુંસકુ નખાઈ ગયું. કપમાંથી નીકળતી ગરમ વરાળ જાણે મુરલીની પીઠને સ્પર્શી રહી હતી. ક્રિષ્નાને રડતી જોઈને વૃંદાએ હુંફથી તેનો હાથ પસવાર્યો. ક્રિષ્ના ભગ્ન હદયે બોલી. ” વૃંદા, હું એને મૂંગો કહેતી, પણ જ્યારે મારી અંદર કશોક ખળભળાટ થયો ત્યારે મારું મૌન જો મેં તોડ્યું હોત તો મુરલીએ મારી જિંદગીને કદાચ એ સાયકલથી પણ વધું સજાવી હોત. એની ભોળી આંખો હજું પણ મારી નજર સામે તરવરે છે. પણ ઘરનાની બીકે હું કશું બોલી નહીં. કાકી કહેતા હતાં કે દાદી જોડે એકવાર એ મારા ખબર અંતર ને ઠેકાણું પુછતો હતો.”

વૃંદાએ તેને બોલવા દીધી. વરસો પછી વિરહના આંસુ આજે છલકાઈ રહ્યા હતાં. ” વૃંદા, આ રીસોર્ટમાં આવ્યા પછી એ વેદના વધું ગાઢ બની છે. મોટાભાઈ અને નાનકડી માન્યા સાથે મેં અહીં પહેલીવાર પગ મુક્યો ત્યારે જ મારું હદય જોરથી ધબકી ઊઠ્યું હતું. કે’ને વૃંદા આવુ કેમ થાય છે. ત્યારથી હું અવિરત આવુ છું, કઈંક મહેસુસ કરું છું, પણ કળી નથી શકતી.” તેણે આંસુના બંધ તોડી નાખ્યા. તે સાથે જ મુરલી ‘ ક્રિષ્ના’ કહેતો રડીને લાલ કરેલી આંખોમાં આંખ પરોવીને ક્રિષ્ના સામે ઊભો રહ્યો.

ક્રિષ્ના અપલક તેને જોતી રહી. ક્યાં ગુજરાતના નાનકડા એક ગામનો ધોતિ કુર્તિમાં જોયેલો મુરલી ને આજનો મુરલી? પહેલી નજરે તે ઓળખી ન શકી. પછી એક ક્ષણભરમાં તે કળી ગઈ. ‘ક્રિષ્ના ટી રિસોર્ટ’, ‘ચા નો એ સ્વાદ’, મીઠાઈ ને ફુલોથી મધમધતું આખું રિસોર્ટ’ વરસોથી ધરબી રાખેલી લાગણીઓ આજે એકમેકના આલિંગનમાં સમાઈ ગઈ..

મુરલીના અસ્તિત્વનો શણગાર ક્રિષ્નાને પામીને આજે ખરેખર દીપી ઊઠ્યો.

-સોલંકી દક્ષાબા રણજીતસિંહ

માનકુવા -કચ્છ

 
 

ટૅગ્સ:

પિતાજી


હિંમતનું છે નામ પિતાજી,
ભૂલોમાં દે ડામ પિતાજી,

સંઘર્ષોથી દીપે જીવન,
સમજાવે છે દામ પિતાજી,

હારી જાઓ ઊભા કરતા,
પળમાં પૂરે હામ પિતાજી,

કર્મ સદા સંગાથી એના,
બીજું માને વામ પિતાજી,

આડાઅવળા રસ્તે દેખે,
આપે દે અંજામ પિતાજી,

સુખ શાંતિ સદાને ઝંખે,
એક જ એનું કામ પિતાજી,

ઈશ્વર પણ હરખાયે હેતે,
રાખે ચરણે ધામ પિતાજી,

-પાયલ ઉનડકટ

 
Leave a comment

Posted by on જુલાઇ 30, 2020 માં Payal Unadkat

 

ટવેલ્થ ફેલ – હારા વહી જો લડા નહિ


તમે ધોરણ-12માં ફેઈલ થયા હો, ભણવામાં સાવ ઠોઠ હો, અંગ્રેજી આવડતું ન હોય, ગરીબ હો, અનેક અભાવો વચ્ચે જીવતા હો… છતાં તમે મુંબઈના જોઇન્ટ પોલીસ કમિશ્નર બની શકો છો… એ તમને ખબર છે… !!???

હા, આજે મારે તમને ‘મડદું પણ બેઠું થઈ જાય’ એવી એક અદ્દભુત, રોમાંચક, રહસ્યમય અને વાસ્તવિક સ્ટોરી કહેવી છે.

મધ્યપ્રદેશનો ચંબલ વિસ્તાર ત્યાંના ડાકુઓ અને બંદૂકની ધણધણાંટીથી કુખ્યાત છે. એ બૂંદેલખંડ, એ જમનાનો કિનારો અને એ ચંબલ… ત્યાં ઘેરઘેર બંદૂક મળે. કટ્ટા તો તમને પાણીના ભાવે મળે. પોલીસ હોય કે ડાકુ… જેની પહેલી બંદૂક ચાલે તે જ સર્વોપરિ હોય. પરંતુ પીઠ પાછળ ઘા કરનારને ત્યાંના લોકો બહુ અપમાનની નજરે જુએ છે. જે કરવું તે સામી છાતીએ કરવું એ આ પ્રદેશના લોકોની ખુમારી છે.

આ જ પ્રદેશના એક યુવાને નવો-નોખો ચિલો ચાતરી કશુંક નવું અને નક્કર કરી દેખાડવાના જોમ અને જુસ્સાથી એવી તો ક્રાંતિ કરી કે આખા દેશનું મીડિયા તેના ઉપર ઓળઘોળ થઈ ગયું.

વાત કંઈક એવી છે કે સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશ્નર રહેલા અનુરાગ પાઠકે પોતાના મિત્રના જીવન ઉપર એક બુક લખી છે, જેનું નામ છે…

‘ટવેલ્થ ફેલ’

ટાઈટલની નીચે એક વાક્ય લખ્યું છે.

‘હારા વહી જો લડા નહિ’

હિન્દી ભાષાના બેસ્ટ સેલર આ ઉપન્યાસે હાલ ચારેબાજુ તહેલકો મચાવી દીધો છે. કારણ કે આ નવકલથા એક નિષ્ફળતામાંથી સફળતાને વરેલ વ્યક્તિના જીવનની સંઘર્ષકથા છે.

મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાના જૌરા તાલુકાનું એક નાનકડું બીલગાવ નામે ગામ. આ ગામમાં એક સાધારણ પરિવારમાં જન્મેલો મનોજ બાળપણથી જ ભણવામાં ઠોઠ. ધોરણ-9, 10, 11માં ચોરી કરીને માંડ થર્ડ કલાસમાં પાસ થનાર મનોજને એમ કે જો બાર પાસ થઈ જવાય તો ટાઈપ વગેરે કાંઈક શિખીને રોજીરોટી મેળવી શકાય.

દરેક વખતની જેમ આ વખતે પણ મનોજે (કોપી કરવાની) પૂરતી તૈયારી કરી. પરંતુ આ વખતે ત્યાં નવા આવેલા SDM એ નક્કી કરેલું કે ચોરીનું દુષણ દૂર કરવું જ છે. તેઓ પેપર શરૂ થાય તે પહેલાં જ આવી પહોંચ્યા. પેપર પૂરું થયું ત્યાં સુધી રોકાઈને બિલકુલ ચોરી ન થવા દીધી. અને આખી સ્કૂલના બાળકો ધોરણ-12માં નાપાસ થયા. જેમાં મનોજ પણ હતો.

SDMનો રુઆબ અને રૂતબો જોઈ મનોજને થયું કે પ્રિન્સિપાલ સહિતના લોકો જેની આગળપાછળ ફરે છે તે નક્કી બહુ મોટા સાહેબ હોવા જોઈએ. અને મનોજે ત્યારે જ એ સાહેબની જેમ SDM બનવાનું નક્કી કરી લીધું. પરંતુ ધોરણ-12માં જ ફેલ થઈ ગયો હતો. હવે શું કરવું..!?

મનોજને ઘરના લોકો પણ ભણવામાં બહુ સપોર્ટ નહોતા કરતા. આર્થિક સ્થિતિ પણ ખરાબ. મનોજ લોટ દળવાની ચક્કીમાં પણ નોકરી કરતો.

એક તો ભણવામાં નબળો, કુટુંબની આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ, અંગ્રેજી પણ આવડે નહિ… અને અધૂરામપુરો ધો-12માં હિન્દી સિવાય બધા વિષયમાં નાપાસ થયો. જેથી ભાઈ સાથે ટેમ્પો ચલાવવા લાગી ગયો.

એક દિવસ પોલીસે તેનો ટેમ્પો પકડ્યો. ટેમ્પો છોડાવવાની ભલામણ કરવા SDM પાસે પહોંચેલા મનોજે ટેમ્પોની વાત પડતી મૂકી સાહેબને પૂછ્યું…

‘સાહેબ, તમે SDM બનવા કેવી રીતે તૈયારી કરતા…?’ સાહેબ પાસેથી વિગતો જાણી રોમાંચ પામી મનોજે MPSCની પરીક્ષા પાસ કરી SDM બનવાનું નક્કી કર્યું. Dy.S.P. બનવાનું સપનું પણ સેવેલું.

સપના સાકાર કરવા અને આગળ અભ્યાસ કરવા મનોજ ગ્વાલિયર જઈ પહોંચ્યો. રહેવા-જમવાના તો કાંઈ ઠેકાણા નહોતા. ત્રણ-ચાર દિવસ તો એક મંદિરની બહાર ભિખારીઓ સાથે સુઈ રહેવું પડયું. ક્યારેક તો જમવાનું પણ ન મળ્યું.

આ સમય દરમિયાન મનોજને એક લાઇબ્રેરીમાં પટાવાળા કમ ચોકીદારની નોકરી મળી ગઈ. ત્યાં મધ્ય ભારતીય સાહિત્ય સભા દ્વારા વિવિધ સાહિત્યિક કાર્યક્રમો યોજાતા. કવિ સંમેલનો પણ થતા. મનોજ તેમાં પાથરણા પાથરતો અને મહેમાનોની ચા-પાણીની વ્યવસ્થા કરતો. બધા ચાલ્યા જાય પછી લાઇબ્રેરી બંધ કરી મનોજ માઈકની સામે કલાકો સુધી બોલવાની અને સ્ટેજ પાવર મેળવવાની પ્રેક્ટિસ કરતો. કારણ કે ગ્રેજ્યુએશન સુધી તેણે કોઈ સ્ટેજ ઉપર ચડી સ્પીચ આપી હોય એવું ક્યારેય નહોતું બન્યું.

લાઇબ્રેરીમાં કામ કરતા કરતા મનોજ ડાયરી પણ લખતો. તેને એમ થતું કે કોઈ વ્યક્તિ મારા જીવનમાં આવશે. મારી આ ડાયરી વાંચશે. મારી સમસ્યાઓ જાણશે. મને સમજાવશે… મને હૂંફ આપશે…

રજાઓમાં ઘરે ગામડે જતો તો લોકો તેની મજાક ઉડાવતા. ‘શહેરમાં ભણીને શું કરીશ. ? પાછું અહીં ગામડે આવી કામે લાગવું જ પડશે.’

ગ્વાલિયરની લાઈબ્રેરી મનોજના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. મેક્સિક ગોરકી અને અબ્રાહમ લિંકન જેવા મહાનુભાવો અને તેમના કાર્યો તથા વિચારોનો પરિચય વાંચવા મળ્યો.

આ લાઈબ્રેરીમાં નોકરી દરમિયાન એક ઘટના બની. લાઇબ્રેરીયને જૂના છાપાની પસ્તી વેચવા કાઢી. જેની જવાબદારી મનોજને સોંપવામાં આવી. મનોજે પસ્તી વેચી તેની કિંમતના 5000 રૂપિયા લાઇબ્રેરીયનના હાથમાં મૂક્યા. લાઈબ્રેરીયને કહ્યું પસ્તી તો વધુ હતી..! સાતેક હજાર આવવા જોઈએ. આટલા જ પૈસા કેમ..? નક્કી બે હજાર રૂપિયા તું ખાઈ ગયો.

‘જ્યાં પ્રામાણિકતાની કદર ન થતી હોય ત્યાં કામ કરવાનો કોઈ મતલબ નથી.’ એમ કહી મનોજે તરત જ એ નોકરી છોડી દીધી.ગ્વાલિયરથી UPSCની તૈયારી માટે તે દિલ્હી આવી ગયો.

દિલ્હીમાં આખા દેશમાંથી યુવાધન આવે છે. અભાવો વચ્ચે ઉછરેલા અનેક યુવક-યુવતીઓ આંખોમાં IAS/IPS બનવાના સપના આંજી ગામડાઓમાંથી દિલ્હી જેવા મોટા શહેરોમાં આવી વસે છે. મુખરજીનગર, નહેરુનગર, બદ્રા સિનેમા અને આજુબાજુના અનેક વિસ્તારોમાં આવા હજારો યુવાનો 10×10ની ખોલીમાં રહે છે અને તનતોડ મહેનત કરે છે. જમવાનું મળે છે કે નહીં તેની પરવા કર્યા વિના દેશના GDP ની ચર્ચા કરે છે, ભારત-પાક સંબંધોની ચર્ચા કરે છે, ઇતિહાસ, ભૂગોળ અને બંધારણની ચર્ચામાં મશગુલ રહે છે.

મનોજ પણ કશુંક કરી દેખાડવાની ભાવના સાથે દિલ્હી આવી નહેરુનગરમાં એક નાનકડી રૂમમાં રહે છે. રહેવા-જમવાનો ખર્ચ કાઢવા મનોજ કામ શોધવા લાગ્યો. બાજુમાં મુખરજીનગરમાં રહેતા અમીર લોકોના કૂતરાને ફેરવવાની નોકરી તેને મળી ગઈ. એક કુતરાના 300-400 રૂપિયા મળી રહેતા. મનોજે 4-5 ઘરના કૂતરા ફેરવવાનું કામ રાખી લીધું અને સાથે UPSC ની તૈયારી આદરી.

દરમિયાન દ્રષ્ટિ એકેડમીના વિકાસ દેવકીર્તિ નામના સર મળ્યા. જેમણે મનોજને ફી વગર કોચિંગ આપી ખૂબ મદદ કરી.

વચ્ચેના સમયગાળામાં મનોજે પોસ્ટ ગ્રેજ્યુએશન ઉપરાંત નેટ JRF અને Ph.D. પણ પૂરું કર્યું. દેશના પ્રસિદ્ધ પત્રકારોમાંથી પ્રેરણા મેળવી મનોજે જર્નાલીઝમમાં ડૉક્ટરેટ કર્યું.

પરંતુ ગોલ UPSC જ હતો. જોરદાર તૈયારી કરી તેણે પ્રથમ પ્રયત્ને જ પ્રિલીમ અને મેઇન્સ પાસ કરી બતાવી. પણ મૌખિક ઇન્ટરવ્યૂમાં ન નીકળી શકાયું.

આ સમય દરમિયાન મનોજના જીવનમાં શ્રધ્ધા નામની એક છોકરી આવી. મનોજ તેને ખૂબ જ પ્રેમ કરતો હતો. પરંતુ કહેતા ડરતો હતો. તેને ડર હતો કે મારા જેવા ‘બાર ધોરણ ફેલ’ને એ છોકરી પણ ક્યાંક ફેઈલ કરી દેસે તો…!?

UPSC માં સફળ થયેલા એક વિદ્યાર્થીની પાર્ટીમાં મનોજ ગયો તો ત્યાં પણ તેની ખૂબ બેઇજ્જતિ થઈ.

‘ધોરણ-12 નાપાસ’નું લેબલ તેનો પીછો છોડતું નહોતું. મનોજે નક્કી કર્યું કે ધોરણ-12 ફેઈલનું લેબલ હટાવવા કશુંક નક્કર કરી બતાવવું પડશે.

મનોજે UPSCની બીજી ટ્રાય આપી. પણ ધ્યાન શ્રધ્ધામાં હતું તેથી પ્રિ માં પણ ન પહોંચ્યો. ફરજીયાત અંગ્રેજીનું પેપર હતું. મનોજ તો પહેલાંથી જ અંગ્રેજીમાં નબળો હતો. ટેરરીઝમ ઉપર આખો નિબંધ લખી નાખ્યો. શ્રધ્ધા એ જ્યારે પેપર જોયું ત્યારે ખબર પડી કે નિબંધ ટેરરીઝમ ઉપર નહિ પણ ટુરિઝમ ઉપરનો હતો. ને ભાઈસાહેબ ટેરરીઝમ ઉપર લખીને આવ્યા છે. પરિણામ નક્કી જ હતું. તમે જો એ અંગ્રેજીના કમ્પલસરી પેપરમાં પાસ થાઓ તો જ તમારા આગળના પેપર ચકાસવામાં આવે. તો આમ બીજી ટ્રાય અને પછી તો ત્રીજી ટ્રાય પણ નિષ્ફળ ગઈ.

ત્યારે શ્રધ્ધા પણ UPSCની તૈયારી કરતી હતી. તેના માતા-પિતા શિક્ષક હતા. શ્રધ્ધા પોતે પણ ડૉક્ટર હતી. તે જાણતી હતી કે મનોજમાં ગજબની ક્ષમતા છે. અસીમ ઉર્જા અને કશુંક કરી દેખાડવાની તાકાત પણ છે. છતાં મનોજ પરિણામ પ્રાપ્ત નથી કરી શકતો. બન્ને એકવાર બેઠા હતા. શ્રધ્ધાએ તેને ખૂબ સમજાવ્યો કે તું કરી શકે એમ છે. તારામાં ક્ષમતા છે. જરૂર છે તેને બહાર લઈ આવવાની.

ત્યારે મનોજે કહ્યું, તું એકવાર હા પાડી દે કે તું પણ મને પ્રેમ કરે છે… પછી હું કરી દેખાડીશ. તું સાથ આપ… હું દુનિયા બદલી નાખીશ. શ્રધ્ધાએ જોયું કે મનોજની આંખો ભરપૂર આત્મવિશ્વાસથી ચમકતી હતી. અને શ્રધ્ધાએ મનોજના પ્રેમ પ્રસ્તાવનો સ્નેહપૂર્વક સ્વીકાર કર્યો. મનોજે પણ નક્કી કરી લીધું કે હવે દુનિયાને બતાવી દેવું છે કે મારામાં પણ ક્ષમતા છે. હું પણ કરી શકું છું.

ભરપૂર મહેનત કરી મનોજ શ્રધ્ધાના પ્રેમના જોરે અને પોતાની મહેનતના બળે 2005માં ચોથા પ્રયત્ને સમગ્ર ભારતમાં 121માં રેન્ક સાથે UPSC ક્લિયર કરે છે. અને મનોજમાંથી મહારાષ્ટ્ર કેડરના પ્રસિદ્ધ IPS ઓફિસર મનોજ શર્મા બને છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે અંગ્રેજીમાં નબળા હોવાથી UPSCના મૌખિક ઇન્ટરરવ્યુ માટે મનોજને ટ્રાન્સલેટર સાથે રાખવાની સુવિધા મળેલી. ચયન સમિતિના એક સભ્યોએ મનોજને પૂછ્યું કે,

“તમને અંગ્રેજી નથી આવડતું તો પ્રશાસન કેવી રીતે ચલાવશે…?”

મનોજ શર્મા થોડા નાસીપાસ થયા. પેલા સભ્યોએ તેમને પાણી પી લેવા કહ્યું. મનોજ શર્માએ પાણી પીવાની ના પાડી. પેલા સભ્યોએ કારણ પૂછ્યું તો મનોજ શર્માએ કહ્યું કે આ કાચના ગ્લાસની જગ્યાએ સ્ટીલના ગ્લાસમાં પાણી આપો તો હું પીઉં. સભ્યનો પિત્તો ગયો. કહ્યું કે પાણી કાચના ગ્લાસમાં હોય કે સ્ટીલના ગ્લાસમાં.. પાણી તો પાણી જ છે. મનોજ શર્માએ પણ કહ્યું કે સર, હું પણ એ જ કહેવા માગું છું. ભાષાનું માધ્યમ ગમે તે હોય. મારામાં કામ કરવાની કાબેલિયત તો છે જ ને…! તેમના જવાબથી સભ્યો ખુશ થઈ ગયા.

એક સભ્યોએ બીજો પ્રશ્ન પૂછ્યો.

“અહીં IIM અને IIT ના બેસ્ટ સ્ટુડન્ટ અમને ઉપલબ્ધ છે. તો પછી અમે તમારી પસંદગી શા માટે કરીએ…?”

મનોજ શર્માએ જવાબ આપ્યો કે “12 ફેઈલ વિદ્યાર્થી અહીં સુધી પહોંચી ગયો તો તેનામાં કૈક તો આવડત હશે ને..!”

ઇન્ટરવ્યૂમાં છેલ્લો સવાલ એ પૂછવામાં આવ્યો કે આ તમારો અંતિમ પ્રયાસ છે. જો તમને સિલેક્ટ કરવામાં ન આવે તો..?

મનોજ શર્માએ જવાબ આપ્યો કે, તો હું બીજું ગમે તે કામ કરીશ.

મનોજ શર્માની આ પોઝિટિવિટી સભ્યોને સ્પર્શી ગઈ અને તેનું સિલેક્શન થયું.

પછી તો મસૂરીમાં ટ્રેનીંગ શરૂ થઈ. એક વખત રાત્રિના બાર વાગ્યે મનોજ પોતાને વિનામૂલ્યે કોચિંગ આપનાર વિકાસસરના ઘેર ગયા અને દરવાજો ખખડાવ્યો. સરે દરવાજો ખોલ્યો. મનોજ શર્માએ તેમના ચરણસ્પર્શ કરી 500 રૂપિયાની નોટ તેમના ચરણોમાં મુકતા કહ્યું કે આજે મારો પ્રથમ પગાર થયો છે…

પછી તો શ્રધ્ધાએ પણ UPSC ક્લિયર કરી. તે IRS થઈ હાલ ઇન્કમટેક્સ વિભાગમાં જોઈન્ટ કમિશનર તરીકે કાર્યરત છે.

2005માં જ મનોજ અને શ્રધ્ધાના લગ્ન થયા. આજે આ દંપતિને માનસ નામે એક પુત્ર પણ છે.

મનોજ શર્માએ ટ્રેનીંગ પુરી કરી મહારાષ્ટ્રના ગઢચિરોલી, ચન્દ્રપુર, કોલ્હાપુર, નાગપુર વગેરે શહેરોમાં SP તરીકે ફરજ બજાવી. સાઉથ મુંબઈના DCP તરીકે અને ત્યારબાદ જોઈન્ટ પોલીસ કમિશ્નર અને હાલ DIG તરીકે ફરજ બજાવી રહ્યા છે.

મનોજ શર્માના સંઘર્ષના સાથી અને અભ્યાસ દરમિયાન 15 વર્ષ રૂમપાર્ટનર રહેલા અનુરાગ પાઠકે(તેઓ પણ હાલ GSTના ડેપ્યુટી કમિશ્નર છે.) મનોજ શર્માના જીવન સંઘર્ષ ઉપર એક નવલકથા લખી છે. જેનું નામ છે ‘ટવેલ્થ ફેલ’ હારા વહી જો લડા નહિ.

આ નવલકથાની હાલ હિન્દી સાહિત્યમાં ખૂબ ચર્ચા છે. 2019માં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવિશે તેનું વિમોચન કર્યું હતું.

આ બુક વિશે પ્રતિભાવ આપતા વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટર સચિન તેંડુલકરે કહ્યું છે કે, “અત્યંત પ્રેરક ઔર પઠનીય, મેરા વિશ્વાસ હૈ કી યે ઉપન્યાસ અનેક યુવાઓકો ઉનકે સપને પુરે કરનેકે લિયે પ્રેરિત કરેગા.”

આ ઉપરાંત પ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક રાજકુમાર હિરાણી, વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટર સુનીલ ગાવસ્કર, પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા-નિર્દેશક અનુરાગ કશ્યપ, ફિલ્મ અભિનેતા મનોજ વાજપેયી અને આશુતોષ રાણા, પ્રસિદ્ધ પત્રકારો રજત શર્મા અને દીવાંગ, પ્રસિદ્ધ એડવોકેટ ઉજ્જવલ નિકમ, સુપર 30ના આનંદ કુમાર વગેરેએ પણ આ બુક વિશે પોતાના હકારાત્મક પ્રતિભાવો આપ્યા છે.

આ બુકમાં 10×10ની ખોલીમાં UPSC ની તૈયારી કરનાર અસંખ્ય યુવાનોની કથા છે. આ પુસ્તક હાલ બેસ્ટ સેલર બુક તરીકે બજારમાં ધૂમ મચાવી રહ્યું છે.

વિવિધ tv ઇન્ટરવ્યૂમાં UPSC ની તૈયારી કરતા યુવાનો માટે પ્રેરણાદાયી વાત કરતા મનોજ શર્મા જણાવે છે કે,

-પોતાની જાતને ઈમાનદાર બનાવો, ડરો નહિ.

-સફળતા માટે જોખમ ખેડવું જરૂરી છે. જે રિસ્ક લેતા નથી તે ક્યારેય જીતતા નથી.

-સારા મિત્રો બનાવો, સારા વાતાવરણમાં રહો, સારા માહોલમાં તૈયારી કરો. કઠોર પરિશ્રમ કરો, લડતા શીખી જાઓ… તમારી જીત નક્કી જ છે.

-25 મિનિટનો પ્રશ્ન લખવાનો હોય તો બે મિનિટ તેની હાઈલાઈટ લખવામાં બગાડો. પેપર જોનાર વ્યક્તિને જવાબ વાંચવા માટે મજબૂર કરી દો.

-સાહસ, માર્ગદર્શન અને ઈમાનદારીથી તમે ચોક્કસ સફળતા મેળવી શકો છો.

-સરળ ભાષામાં સરળ રીતે વાત સમજો અને સમજાવો.

-આપણે જીવનમાં કશુંક કરવાની યાત્રા આરંભીએ છીએ. ટાર્ગેટ પૂરો થતાં તે યાત્રા પુરી થાય છે. આ અસફળતાથી સફળતા તરફની યાત્રા છે.

-જીવનમાં સંશય ન હોવો જોઈએ. સંઘર્ષ કરો અને જીતો.

તમે દ્રઢ નિશ્ચય સાથે તૈયારી કરો છો ત્યારે તમારામાં અસીમ ઉર્જા અને ગજબની તાકાત આવી જાય છે. જંગ જીતવાનો વિશ્વાસ હોય છે. દ્રઢ સંકલ્પ કરો અને જંગ જીતી બતાઓ.

-તમે જે નિર્ણય કરો તેને વળગી રહો. કનફાર્મ રહો. પછી તમે કેટલું ઉડો છો તે મહત્વનું નથી. પરંતુ ઉડતા ઉડતા તમારી પાંખો ચોક્કસ મજબૂત થાય છે. આ UPSC ની લડાઈથી પાંખોને મજબૂત કરવાની લડાઈ છે.

-500 રૂપિયાની નોટ આપી એક અમીર અને એક ગરીબ બાળકને શાકભાજી લેવા મોકલીએ તો ગરીબ બાળક વધારે શાકભાજી લાવશે. કારણ કે તે સંઘર્ષ જાણે છે.

-જાત સાથે વફાદાર અને ઈમાનદાર બનો. નબળાઈ દૂર કરવાનું સાહસ હોવું જરૂરી છે. જાત અને દેશને વફાદાર રહો.

-પાસ કે નાપાસનું એક રિઝલ્ટ કાં તો વ્યક્તિને એકદમ યોગ્ય બનાવી દે છે અથવા નકામો બનાવી દે છે. કોઈ પરીક્ષામાં સફળ ન થઈએ તો જિંદગી કાંઈ ખતમ નથી થઈ જતી. તમારું મેળવેલું જ્ઞાન તમને દરેક વિષયમાં કામ આવે છે.

-મને ગણિત કે અંગ્રેજી ભલે નહોતું આવડતું. પરંતુ માણસ ઓળખતા આવડતું’તું.

-વ્યક્તિની ભણવાની ઉંમર હોય છે તે જ ઉંમર પ્રેમ કરવાની પણ હોય છે. આ સમસ્યા છે. પરંતુ એ પ્રેમને તમે તમારી નબળાઈ બનાવો છો કે તાકાત તે તમારા ઉપર નિર્ભર છે.

-પ્રેમને આપણે જે રીતે જોઈએ છીએ તેના કરતાં તે ઘણો મહાન હોય છે. જો તમારી સાથે પોઝિટિવ વ્યક્તિ જોડાય તો સામેની વ્યક્તિને પણ સકારાત્મક ઊર્જા મળે છે.

-પત્ની મિત્ર બની જાય પછી આરોપ કે પ્રત્યારોપ રહેતા નથી. માટે પહેલા મિત્રો બનો પછી પ્રેમ કરો અને પછી લગ્ન કરો.

મિત્રો,
મનોજ શર્માની આ યાત્રા શૂન્યમાંથી શિખરે પહોંચવાની યાત્રા છે. નાપાસ થનારા કે નાસીપાસ થનારા દરેક વ્યક્તિના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરનાર મનોજ શર્મા જેવા તો અનેક સંઘર્ષવીરો છે જે સમાજને સતત પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે.

સલામ છે આવા યોદ્ધાઓને.

*******

 
Leave a comment

Posted by on જુલાઇ 12, 2020 માં BOOK REVIEW

 

जिंदगी क्या है


कभी तानों में कटेगी,
कभी तारीफों में;
ये जिंदगी है यारों,
पल पल घटेगी !!

पाने को कुछ नहीं,
ले जाने को कुछ नहीं;
फिर भी क्यों चिंता करते हो,
इससे सिर्फ खूबसूरती घटेगी,
ये जिंदगी है यारों पल-पल घटेगी!

बार बार रफू करता रहता हूँ,
..जिन्दगी की जेब !!
कम्बखत फिर भी,
निकल जाते हैं…,
खुशियों के कुछ लम्हें !!

ज़िन्दगी में सारा झगड़ा ही…
ख़्वाहिशों का है !!
ना तो किसी को गम चाहिए,
ना ही किसी को कम चाहिए !!

खटखटाते रहिए दरवाजा…,
एक दूसरे के मन का;
मुलाकातें ना सही,
आहटें आती रहनी चाहिए !!

उड़ जाएंगे एक दिन …,
तस्वीर से रंगों की तरह !
हम वक्त की टहनी पर…,
बेठे हैं परिंदों की तरह !!

बोली बता देती है,इंसान कैसा है!
बहस बता देती है, ज्ञान कैसा है!
घमण्ड बता देता है, कितना पैसा है।
संस्कार बता देते है, परिवार कैसा है !!

ना राज़ है… “ज़िन्दगी”,
ना नाराज़ है… “ज़िन्दगी”;
बस जो है, वो आज है, ज़िन्दगी!

जीवन की किताबों पर,
बेशक नया कवर चढ़ाइये;
पर…बिखरे पन्नों को,
पहले प्यार से चिपकाइये !!

-गुलजार

 
Leave a comment

Posted by on જુલાઇ 12, 2020 માં Poems / कविताए

 

નિર્ણય


‘શુભાંગી , તું તૈયાર થઈ ગઈ કે નહીં ? છોકરાવાળા આવતાં જ હશે.ઝડપ રાખજે જરા ….’ સરિતાએ પોતાની નાની બેનને તાકીદ કરી . એ મનોમન પ્રાર્થના કરી રહી કે આ વખતે શુભાંગી ‘હા’ કહી દે તો સારું. ગયા મહિને  તેત્રીસમું તો એને બેસી ગયું. બે બહેનોમાં શુભાંગીનો બીજો નંબર પણ દેખાવ અને નસીબની બાબતમાં પહેલો નંબર! નસીબથી સરકારી નોકરી હતી એય તે પોતાનાં ગામમાં જ.

મોંઢા પર કંટાળો દર્શાવતા શુભાંગી બોલી : ‘સરિ, ખબર નહીં, આજે કોઈ પણ રીતનો મૂડ નથી આવતો. એમાંય કોઈ છોકરાને મળવાનો તો નહીં જ !’

સરિતા અને શુભાંગી વચ્ચે માત્ર અઢી વર્ષનો જ ફેર હતો. પણ બીજી બધી રીતે ઘણો ફેર હતો, દેખાવથી લઈને સ્વભાવની બાબતે અને નસીબથી લઈને વિચારોની બાબતે.

‘લે કર વાત! કોઇને પણ મળતાં પહેલાં તું દસ વાર તો એની સાથે ચેટ કરે છે. સાત જાતની પડપૂછ કરે છે અને પછી મળે છે. એટલું ઓછું હોય એમ તારી શરતોએ – જે તને નોકરી કરવા દેવા તૈયાર હોય, સાદાઈથી લગ્ન કરવા તૈયાર હોય, કમ સે કમ ગ્રેજ્યુએટ હોય અને જરૂર પડ્યે મમ્મીને પણ સાથે રાખવા તૈયાર હોય એ માટે સંમત હોય એવા છોકરા સાથે જ તો તું મુલાકાત કરવા  તૈયાર થાય છે. પછી તને ક્યાં વાંધો પડે છે, એ જ નથી સમજાતું.’

 ‘એ તને નહીં સમજાય…’શુભાંગી બબડી ,અલબત્ત પોતાને જ સંભળાય એ રીતે.

#######

સાગર અને શુભાંગી અંતે મળ્યાં. સાગર જેટલો વ્યવહારુ હતો એટલો સરળ હતો. એનાં વિચારો આગવા હતા, સમજ નોખી હતી. એ હમેંશા કહેતો કે સંસારમાં કોઈ વ્યક્તિને પૂર્ણ સુખ મળતું નથી. એ વાતને તે ખુદ પણ તે સારી રીતે સમજતો હતો અને પોતાનાં જીવનમાં ઉતારી પણ શક્યો હતો. એટલે જ હજી સુધી અડીખમ હતો. શુભાંગીને જોઈને એ સ્વાભાવિકપણે પ્રભાવિત થઈ ગયો. એને શુભાંગી પહેલી નજરે ગમી ગયેલી.

‘સાગર, તમને સ્પષ્ટપણે બે પ્રશ્નો પૂછવા છે. પૂછી શકું?’ શુભાંગીએ પૂછેલું.

‘જરૂર …’

‘તમને અત્યારે આડત્રીસમું ચાલે છે, એટલે હજી સુધી લગ્ન કેમ ન કર્યા અને બીજું એ કે તમે ફાઇનન્સીઅલ્ રીતે કેટલાં સેટલ્ડ કહી શકાવ?’

બેય પ્રશ્નો સાગર માટે અણિયાળા હતા પણ એને કોઈ વાત છુપાવવી ન હતી. એ એનાં સ્વભાવમાં ન હતું.

‘મોડા લગ્ન માટે અંગત અને પારિવારિક સંજોગો જવાબદાર રહ્યાં છે. બીજું કે જવાબદાર યુવક તરીકે મને પણ એમ હતું કે હું કોઈક  ચોક્કસ આવક મેળવતો થાઉં પછી લગ્ન કરું, પણ છ વર્ષ પહેલાં બિઝનેસમાં એવી ખોટ ગઈ કે એમાંથી બહાર આવતાં ચારેક વર્ષ થઈ ગયાં …એટલે લગ્ન ન કર્યા કે ન થઈ શક્યા એનાં માટે એકથી વધુ કારણો રહ્યાં છે.’ સાગરે વિગતવાર સ્પષ્ટતા કરેલી.

‘ઑહ, તો તમારી પાસે પોતાનું ઘર કે ઓફીસ કંઈ ખરું?’ શુભાંગીએ પૂછ્યું.

‘ના, અત્યારે નથી, પણ એવી ઈચ્છા કોની ન હોય? હું પૂરતી મહેનત કરી રહ્યો છું અને હાલ તો ધીરે-ધીરે આવનારીની અપેક્ષાઓ આરામથી સંતોષી શકું એ સ્ટેજ પર આવી ગયો છું. ઉપરવાળાની કૃપા હશે તો ઘર પણ થશે અને ઓફીસ પણ થશે. અલબત્ત ઈશ્વર એ રીતે તો મહેરબાન છે કે પોશ લોકાલીટીમાં પપ્પાનું ઘર છે, પરિણામે ભાડાની  કે વારંવાર ઘર બદલવાની ઝંઝટ નથી.’

ઔપચારિક રીતે આમ તો મુલાકાત પૂરી થઇ ગયેલી. જે રીતે શુભાંગીએ પ્રશ્નો પૂછ્યા હતા એ પ્રમાણે સાગર સમજી ચૂકેલો કે લગભગ શુભાંગીનો જવાબ હકારમાં નહીં હોય. એથી એ અસ્વસ્થ હતો.

કોઈનો કૉલ આવતાં શુભાંગી ‘એક્સ્ક્યુઝ મી ‘ કહેતાં બીજા રૂમમાં વાત કરવા ચાલી ગયેલી. દરમ્યાન સરિતા ત્યાં ચા – નાસ્તો આપવા આવી હતી. અચાનક સાગરનાં મનમાં કંઈક વિચાર આવ્યો.

‘એક મિનિટ , તમે …તમે મને ચા – નાસ્તામાં કમ્પની આપી શકો?’ સાગરનાં આવા પ્રશ્નથી સરિતા થોડી બઘવાઈ ગઈ. જો કે પછી એ થોડું હસી અને સાગરની સામે બેઠી. એ વિચારી રહી કે સાગર કંઇક શુભાંગી વિષે જાણવા માંગતો હશે .

‘હું તમને થોડું કંઈક અંગત પૂછી શકું? તમને ખરાબ ન લાગે તો જ …’ સાગરે વાતની શરૂઆત કરેલી.

સરિતા ગૂંચવાઈ રહેલી, પણ પછી હકારમાં એણે ડોકી હલાવી દીધી હતી.

‘તમે ડિવોર્સી છો, બરાબર?’ સાગરનાં આવા પ્રશ્નથી સરિતા સમસમી ગઈ હતી.

‘પ્લીઝ…મેં આગળ ઑલરેડી કહેલું છે કે ખરાબ ન લગાડશો. હું માત્ર એ સમજવા અને શુભાંગીને સમજાવવા માંગુ છું કે લગ્નજીવન શેનાં પર ટકે છે?  હું જાણું છું કે તમારાં પતિ પ્રખ્યાત  રેસ્ટોરન્ટનાં માલિક છે, સૉરી રહ્યાં છે અને મહિને લાખોમાં કમાય છે. એમને ત્યાં બંગલો-ગાડી-મિલકતની કોઈ મણા નથી, છતાં તમે ડિવોર્સ લીધા છે …કેમ? એ હું નથી જાણતો. પણ એમની મિલકત કે અઢળક પૈસો તમને ન બાંધી શક્યો, એ વાત સાચી ને? તમારી બેન મને ગમે છે અને તમે અને તમારાં મધર એસ્યોર્ડ રહેજો કે એને હથેળીમાં છાંયો કરીને રાખીશ, પણ હું આ વાત શુભાંગીને પોતે નહીં સમજાવી શકું.’

‘પણ શુભાંગીએ તમને શું કહ્યું? એણે ‘ના’ પાડી?’ સરિતા થોડી હેરાન હતી.

‘અરે ના, એમ તો તમારી બેન ખાસ્સી વિવેકી છે. મ્હોં પર એમ તો ન જ કહે. પણ મને એનો જવાબ ખ્યાલ આવી ગયો છે. અને એનું કારણ પણ  મને ખ્યાલમાં આવી ગયેલ છે …..’ સાગરે સસ્મિત કહ્યું. એનું સ્મિત ફિક્કું હતું એનો સરિતાને ખ્યાલ આવી ગયો.

‘…તો એ કારણ તમે એક વાર એને  પૂછશો. જો એ કારણ મને નકારવા માટે યોગ્ય લાગે તો ઠીક, પણ જો ન લાગે તો સમજાવી શકશો?’

‘ટ્રાય કરીશ …’ સરિતા ખચકાતા બોલી હતી.

‘આ મારૂં કાર્ડ છે. એમાં મારો મોબાઈલ નંબર છે. મને મિત્ર માનીને જવાબ આપશો, પ્લીઝ…’ કહી સાગરે કાર્ડ પકડાવી દીધું હતું.

#########

સાગર ઘરે પહોંચ્યો ત્યારે એની બેન અનુપમા એનાં ત્રણ વર્ષીય ટાબરિયાને લઈને આવીને બેઠી હતી. એ ઉત્સાહમાં હતી. પોતાના ભાઈની વાત એણે ચલાવી હતી. સાગર વિષે એણે સામા પક્ષને બધું જ કહ્યું હતું.

‘સિંહ કે શિયાળ! ભાઈ?’ અનુપમાએ પૂછ્યું.

‘ખબર નહીં પણ લગભગ શિયાળ જ …’ સાગરે નિરુત્સાહભર્યા સ્વરે કહ્યું.

‘કેમ ??’ અનુપમા ઠંડી પડી ગઈ.

‘એ જ કે તમારી પાસે શું છે? પોતાની માલ-મિલકત-બેન્ક બેલેન્સ….’

‘ઑહ…’

‘આવી ઉચ્ચ જ્ઞાતિમાં જન્મવાનાં બદલે, ભણી-ગણીને ગ્રેજ્યુએટ થવાનાં બદલે રિક્ષા-છકડો કે લારી ફેરવતો હોત તો વધુ સારું થાત! આપણાં કરતા તો ઝૂંપડાવાળાના સંસાર જલ્દી વસે છે અને સારા ચાલે છે….’ હતાશા ટપકી રહેલી પ્રત્યેક શબ્દોમાંથી.

‘એમ ન કહીએ ભાઈ, પણ તું સાચો તો ખરો. પહેલાં લગ્ન એ સંબંધ ગણાતો. જેમાં પ્રેમથી સાથે રહી એકબીજાનાં દુઃખે દુઃખી તેમ જ સુખે સુખી થવાની ભાવના હતી. ઘરેથી કન્યાને સમજ પણ અપાતી કે વરમાંથી ઘર થશે. પણ આજકાલ  કન્યાઓ સ્વતંત્ર નિર્ણયો લેતી થઈ છે. અમુકને તો વડીલો કે માતા-પિતાઓની સલાહ માનવી પણ નથી ગમતી.’

અનુપમા સાચું કહી રહી હતી. સરિતા ઘરે શુભાંગીનું મન કળી એને સમજાવવા બેઠી હતી. પણ શુભાંગીનાં ગળે વાત ઊતારવી સહેલી ન હતી.

‘શુભાંગી, પછી તેં સાગર બાબતે  શું ફાઇનલ કર્યુ?’ સરિતાએ પ્રશ્ન કરેલો.

‘નહીં ફાવે. એ માત્ર ઘર ચાલે એટલું કમાઈ લે છે. એમાં શું દા’ડો વળે?’ શુભાંગીએ સ્પષ્ટ કહ્યું.

‘શુભાંગી તને આ કારણસર સાગરને ઠુકરાવવો યોગ્ય લાગે છે? તને યાદ છે આપણે નાના હતાં ત્યારે દાદી આપણને ‘આપકર્મી’ અને ‘બાપકર્મી’ રાજકન્યાઓ ની વાર્તા કરતાં. જેમાં રાજા પોતાની એક કન્યા પર ગુસ્સે થઈ એક ગરીબને પરણાવીને કહી દે છે કે – જા, હવે તું આની સાથે સુખી થઈને બતાવ ….’ સરિતા કહી રહેલી.

‘હા, પોતાની બીજી કન્યાને જે સતત બાપની અને એણે આપેલ એશ્ચર્ય અને વૈભવશાળી જીવનની પ્રશંસા કરતી હોય છે એને રાજકુંવર જોડે પરણાવે છે…..’ શુભાંગી યાદ કરતાં બોલી.

‘હા, એ જ વાર્તા. જે પેઢીઓ જૂની વાર્તા છે અને એવો સામાજિક સંદેશ આપે છે કે પ્રત્યેક સ્ત્રી એનાં પુરુષ માટે પ્રેરણા છે. જો એ ધારે તો પોતાનાં પતિને રંકમાંથી રાય અને રાયમાંથી રંક બનાવી શકે છે. જેમ પેલી રાજકન્યા ગરીબને પરણીને પણ સુખી થઈ રાજપાટ પામી  હતી.’ સરિતા કહી રહેલી.

‘એ વાર્તા છે. એમાં બધું એવું જ હોય!’ શુભાંગીએ કહ્યું.

બરાબર એ સમયે શુભાંગીની મમ્મી રૂમમાં આવી હતી, વાત સમજી અને જાણીને બોલ્યાં : ‘બેટા, સરિતા સાચું કહે છે. દરેકનાં નસીબમાં રેડીમેડ સુખ ન હોય. અને સાચું કહું તો આપણું  સુખ જાતે મેળવવા જેવો આનંદ એકેય નહીં.’

‘મમ્મી તું પણ….’ શુભાંગીએ મ્હોં બગાડ્યું.

‘હા, તારાં નાનાજી કાયમ અમારી છોકરીઓની વાત લઈને આવનારને  કહેતાં કે હું  માત્ર ખાનદાન અને છોકરો જોઈને કન્યા આપીશ. મિલકત-રૂપિયા જોઈને નહીં. તું નહીં માને, એ વખતે તો ‘ઘરનાં ઘર’ બધા પાસે હતા પણ નહીં, બાપીકા પણ નહીં…’

સરિતા અને શુભાંગી બેય એમની મમ્મીને આશ્ચર્યથી સાંભળી રહી હતી.

‘….તોય તું જુવે છે કે તારી મમ્મી સહિત તારી પાંચેય માસીઓ આજે બધીય ઘર વાળી છે અને સમૃદ્ધ છે. લગ્નમાં તો  એક ને એક અગિયાર થાય છે બેટા, એટલે જ મોટાભાગે લગ્ન પછી જો  સ્ત્રીનો સાથ મળે ને તો એનાં નસીબ, સૂઝ, સમજ અને સહકારથી પુરુષ ક્યાંય આગળ નીકળી જતો હોય છે…’

બેય દીકરીઓ એમની મમ્મીને એકસરખી રીતે ધ્યાનથી સાંભળી રહેલી.

‘…..લગ્નજીવનનો સાચો આનંદ જોઈતો હોય તો બેટા, પુરુષ પૈસાવાળો નહીં – સમજદાર અને હૈયાવાળો જોઈએ, જે હૈયામાં એની પત્ની વિરાજીને રાજ કરી શકે. એવો પુરુષ પત્ની માટે ચાંદ-તારા પણ તોડી લાવી શકે, જો નસીબ અને વિશેષ તો એનાં હૈયામાં રાજ કરનારીનો સાથ હોય તો !’

પોતાની મમ્મીને સાંભળી રહેલી સરિતાનાં હૈયામાં ઊંડે ઊંડેથી દર્દનાં સણકા ઊઠી રહેલાં. કેમ કે આ વાત એને અક્ષરશઃ લાગુ પડતી હતી. એનો પુરૂષ પૈસાવાળો તો હતો પણ હૈયાવાળો ન હતો. એનાં લગ્ન તો પ્રમાણમાં વહેલાં થઈ ગયેલાં. જો કે પોતાનાં લગ્નજીવનમાં એ ચાંગળુભર સુખ પામી ન હતી. એ બધું યાદ આવતાં એનાં પ્રત્યેક રૂંવાડા અવળા થઈ ગયાં.

જયંતિ એનો પતિ, અઢળક લાડ અને અમર્યાદ સમૃદ્ધિ વચ્ચે ઉછરેલો હતો. બહુ જિદ્દી અને મનસ્વી હોવાની સાથે વિચિત્ર સ્વભાવ પ્રકૃતિ ધરાવતો હતો. કોઈ છૂટછાટ એણે સરિતાને આપી ન હતી. સરિતાના બધા  નિર્ણયો – એનાં સૂવા-જાગવાથી માંડીને ક્યા–કેવા વસ્ત્રો પહેરવા, ક્યાં જવું, ક્યારે જવું, કોને ત્યાં જવું–ન જવું, એ માટેનાં સખત નિયમો ઘડેલાં એણે.

પોતાની મરજીનું વાળમાં નાખવાનું બોરીયું સુધ્ધાં ખરીદવાની ન સરિતા પાસે સ્વતંત્રતા હતી કે ન એની પાસે એટલી રકમ રહેતી. ગુલામથી પણ બદતર જિંદગી હતી એની. સરિતાનાં પિયર જવા પર સદંતર પ્રતિબન્ધ હતો. કારણ એ કે જ્યંતિને તો લગ્નસમયથી જ એનાં ઘરનાં સાથે લગ્નમાં જાનૈયાઓની આગતા-સ્વાગતા બાબતે  વાંકુ પડેલું.

સરિતા જો કંઈ સૂચવે કે એનાંથી વિરુદ્ધના પોતાનાં વિચાર વ્યક્ત કરે તો એ એને ટીપી નાંખતો પશુની માફક . એનાં માટે પત્ની સાથીદાર નહીં પણ માલિકીની ચીજ હોય એમ ખરીદેલી વસ્તુ બરાબર હતી. સરિતા માત્ર અને માત્ર પોતાનાં હાર્ટ પેશન્ટ પિતાને પોતાનાં નિષ્ફળ લગ્નજીવનનો  આઘાત ન લાગે એટલા માટે થઈને જ આવા માણસને સહન કરી રહેલી.

જ્યારે એ પિતાને હાર્ટએટેક આવ્યો અને એ હોસ્પિટલમાં દાખલ થયાનાં સમાચાર આવ્યાં ત્યારે એ ત્યાં દોડી ગઈ હતી. મ્હોં મેળો તો થયો હતો પણ ન એનાં પિતા બચી શકેલાં કે ન એનું લગ્નજીવન!

########

ચાર મહિના બાદ ……

‘ઑહો તમે અહીં ? કેમ છો ?’ સરિતાએ આશ્ચર્ય દર્શાવતા પૂછેલું. એ અને સાગર એક લગ્નસમારંભમાં સામસામે થઈ ગયેલા.

‘હા, દુનિયા આજકાલ બહુ નાની થઈ ગઈ છે, માણસોનાં  મન જેવી…’સાગર હસ્યો હતો.

સરિતા સમજી ગઈ હતી એનો ઉપાલંભ.

‘માફ કરજો. હું પછીથી તમને ફોન ન કરી શકી, કેમ કે હું શુભાંગીને સમજાવી શકેલી નહીં.’ સરિતાના સ્વરમાં ખેદ હતો.

‘કંઈ વાંધો નહીં. એ તો હું ત્યારે જ સમજી ગયો હતો. બાય ધ વૅ , આપણે સાથે જમી શકીએ? થોડી વાતચીત થશે તમારી સાથે તો મને ગમશે.’ સાગરે કહ્યું.

‘ચોક્કસ …’ સરિતા સંમત થઈ ગયેલી.

થોડી આડીઅવળી વાતો બાદ સાગરે જમતાં – જમતાં સાચવીને એક એવો પ્રશ્ન સરિતાને કરેલો કે સરિતા બે પળ માટે મૌન થઈ ગયેલી.

‘સરિતા, એવું કહેવાય છે કે તમારાં લગ્નજીવનમાં ભંગાણ માટે જવાબદાર તમારાં ઘરનાં હતા. તો તમે મને વાંધો ન હોય તો સત્ય કહી શકશો? નહીં કહો તો પણ ખરાબ નહીં લાગે.’ જોડે-જોડે સાગરે એને અંગત વાત કહેવા માટે મજબૂર કરી હોય એમ ન લાગે એટલે છેલ્લું વાક્ય પણ ઉમેરી દીધેલું.

સરિતાએ ઊંડો શ્વાસ લીધો હતો. પહેલાં એણે લગ્નથી માંડીને બે વર્ષનાં લગ્નજીવનમાં જે-જે ત્રાસ સહેલા એ કહ્યાં હતા.

‘પપ્પાને એટેક આવ્યો ત્યારે હું મારાં સાસુને કહીને હોસ્પિટલમાં દોડી આવી હતી. ઘરમાં અઢળક સમૃદ્ધિ, રૂપિયા હોવા છતાં મારી પાસે મારો પર્સનલ મોબાઈલ પણ ન હતો. કેમ કે, એક તો જ્યંતિનો સ્વભાવ ખૂબ જ વહેમિલો હતો અને બીજું એને હું મારાં પિયર સાથે સંપર્કમાં રહું એ પણ ખપતું ન હતું.’  સરિતા કહી રહેલી અને સાગર સાંભળી રહેલો.

‘એ દિવસે હોસ્પિટલમાં શુભાંગીનાં મોબાઈલ પર જ્યંતિનો કૉલ આવેલો. શુભાંગીએ સ્પીકર ઑન કરી મને એનો મોબાઇલ આપેલો.’ એમ કહી રહેલી સરિતાની નજર સમક્ષ એ દિવસ તાજો થઈ આવ્યો  હતો.

‘સરિતા, સીધેસીધી હમણાં ને હમણાં ઘરે આવતી રહે. જો કલાકમાં ઘરે નહીં આવે તો ત્યાંથી ધબેડતો-ધબેડતો લઈ આવીશ તને …’સામા છેડે જ્યંતિ ગર્જી રહેલો.

શુભાંગી અને એની મમ્મી અવાક હતા. શું આ એમનાં જમાઈ જ્યંતિનું સાચું રૂપ હતું? વર્ષમાં માત્ર બે-ત્રણ વાર  મળવા આવતી સરિતા અત્યાર સુધી શું ખોટું બોલી રહી હતી કે બધુ કુશલ મંગળ છે!! કવચિત જ મળવાનું થતું એ જમાઈનાં રંગઢંગ જો આવા હોય તો સરિતા જીવતું મોત જીવી રહી કહેવાય.

‘પપ્પાના અવસાન બાદ મેં મારી સાચી  હાલત સ્પષ્ટ કરી ત્યારે શુભાંગી અને મમ્મીએ મને ડિવોર્સ લેવા સમજાવી હતી. હું પણ થાકી હતી. જ્યંતિ મને છોડવા રાજી ન હતો. પણ શુભાંગીનાં મોબાઈલમાં ઓટો રેકોર્ડ થઈ ગયેલ કૉલનાં કારણે પોલીસ કેસ અને બદનામીનાં ડરથી એ પાછો પડ્યો હતો.’

‘ઑહ તો વાત આમ હતી! તો પણ તમે શુભાંગીને સમજાવી ન શક્યા કે લગ્ન માટે માત્ર મુરતિયાની આર્થિક સધ્ધરતા જોવાનો માપદંડ સાચો નથી.  લગ્ન એટલે એકબીજાને સમજીને એકમેક સાથે રહીને ખુશ રહેવું તે! તમે પણ એમ જ માનો છો કે પચીસ વર્ષનાં કે મારાં જેવા આડત્રીસ વર્ષનાં મુરતિયા પાસે ખુદની ગાડી, ઘર અને ઓફીસ હોય તો જ એ લગ્નને લાયક કહી શકાય? ‘ સાગરનો ધૂંધવાટ એની ચરમસીમાએ હતો.

‘સ્હેજે નહીં. આવું નથી હું માનતી કે નથી મારાં મમ્મી માનતા.’ તરત સરિતાએ કહ્યું હતું. સાગર ચુપચાપ સરિતાને જોઈ રહ્યો.

‘તો તમે મારી સાથે લગ્ન કરશો?’ સાગરે જ્યારે સરિતાને ધડ દઈને આમ પૂછ્યું તો એ સડાક થઈ ગઈ.

‘હું…? તમે મારાં માટે પૂછો છો?’ સરિતા  આશ્ચર્યમૂઢ હતી.

એ વિચારી રહી કે તે એકવારના અનુભવથી એવી દાઝી હતી કે આ દિશામાં વિચારવાનું સાવ  છોડી ચૂકી હતી. ઘણા વયસ્ક વિધુર, બીજવર, ડિવોર્સી મૂરતીયાઓના ઘરવાળા એનાં માટે પુછાવતા હતા પણ એણે એ બાજુનો દરવાજો જડબેશાલકપણે વાસી  દીધેલો.

આજે લાગતું હતું કે એ દરવાજો ધણધણી રહ્યો છે અને ધકાકાભેર ખુલી જશે કે શું ? પૂછનારો સીધો–સાદો–રાંડ્યા -છાંડયા વગરનો કાચો કુંવારો યુવાન હતો. જેને એ એક સારા યુવાન તરીકે ઓળખતી હતી અને એનાં  માટે એને લાગણી હતી.

અનુભવે એ સમજતી હતી કે સાગર પાસે ભલે એની પોતાની કોઈ મિલકત ન હોય પણ ઘરની નારીને સાક્ષાત લક્ષ્મી સમજી એનું ગૌરવ જાળવે એવો છે. એનાં સુખે સુખી અને દુઃખે દુઃખી થાય એવો છે. આગળ એ વિચારી રહી કે મારી પાસે કંઈ શુભાંગી જેવી સરકારી નોકરી નથી. આગળ જતાં જીવનનિર્વાહનો  પ્રશ્ન પણ આવશે. ધારો કે ત્યારે કોઈ જ્યંતિ જેવો માલદાર મળી પણ જાય કદાચ! પણ સ્વભાવે એનાં જેવો જ કપાતર નીકળ્યો તો કેમ નભશે?

અંતે એ ખુલુ ખુલુ થતો સરિતાના  મનનો  દરવાજો સાગર માટે ખુલી ગયો હતો.

######

ત્રણ વર્ષ બાદ….

એ દોઢેક વર્ષનું બાળ શુભાંગીનાં ખોળામાં પડયું–પડ્યું  મોઢામાં પગનો અંગુઠો નાંખી ચૂસી રહેલું. એ બાળકની જ્યારે એનાંથી થોડેક દૂર બેઠેલી પોતાની મા તરફ નજર જતી કે કિલકારી કરતાં એ ઘૂઘવાટા મારવા લાગતું. ઘુઘવાટા મારતાં એ બાળના નાજુક પગની લાતો ક્યારેક શુભાંગીનાં પેટ પર તો ક્યારેક છાતી પર વાગતી અને એને કંઈ–કંઈ થઈ જતું હતું.

શુભાંગીની  નજર ઘરની વાસ્તુ પૂજામાં બેઠેલાં યુગલ તરફ વારંવાર  જતી હતી. પૂજામાં સાગર–સરિતા બેઠા હતા. શુભાંગીનાં ખોળામાં રમી રહેલું બાળક એમનું હતું.

સાગરે નવો ફ્લેટ લીધો હતો. સરિતા સાથેનાં લગ્ન બાદ એની ધીરે–ધીરે ચાલી રહેલી આર્થિક ગાડીએ રાજધાનીની સ્પીડ પકડી હતી જાણે! ગયા વર્ષે એણે ઓફીસ લીધી હતી અને આ વર્ષે નાનો પણ પોતાનો બે બેડરૂમનો ફ્લેટ એ લઈ શક્યો હતો.

સરિતા ખૂબ ખુશ હતી. એ જોઈને શુભાંગી ખુશ ન હતી એમ ન હતું. પણ…એક આછો ચચરાટ અજાણતાં એ અનુભવતી- એ વિચારે કે કદાચ એણે સાગરને અપનાવ્યો હોત તો આ સઘળું  સુખ સરિતાને બદલે એનું હોત.

અલબત્ત, છત્રીસ વર્ષે મુરતિયાઓ જોવાનું તો એનું આજે પણ ચાલુ હતું, પણ હવે તે દરેકમાં સાગરને જોવા ઝંખતી હતી–જે શક્ય ન હતું.

થોડીક સ્વાર્થી બુદ્ધિ અને કાચી સમજનાં કારણે એનાં યોગ્ય સમયે–યોગ્ય વ્યક્તિની પસન્દગી પર ન લેવાઈ શકાયેલ નિર્ણયનાં અભાવે એની જિંદગીમાં એક ઠહેરાવ આવી ગયો હતો. જ્યાંથી એ આગળ વધવા માંગતી હતી પણ આગળ વધી નહોતું શકતી.

સંપૂર્ણ.

પ્રસ્તુત કર્તા : ઉર્વી હરિયાણી

 
Leave a comment

Posted by on જુલાઇ 11, 2020 માં Urvi Hariyani

 

તબીબ


વાત આજ એક અઝીઝની કરું છું,
કોઈની નહિં એક તબીબની કરું છું,

દર્દ સઘળા સૌના દૂર કરે પળમાં,
કહાની એવા મરીઝની કરું છું,

યુવાની આખી ખર્ચી અભ્યાસમાં,
મોજ વગરના ગરીબની કરું છું,

જીવન તમામ કુરબાન ફરજમાં,
નખશીખ એવા શરીફની કરું છું,

સમય નથી ગમતાં શ્વાસ ભરવા,
આપે જે જીવન રકીબની કરું છું,

અકળાવે જ્યારે અસાધ્ય રોગો,
સાંભરે છે જે હબીબની કરું છું,

મહેલ મહોલાતોનો સ્વામી તો છે,
સુતો રુગ્ણાલયે નસીબની કરું છું.

-પાયલ ઉનડકટ

#HappyDoctorsDay

 
Leave a comment

Posted by on જુલાઇ 1, 2020 માં Payal Unadkat

 

ટૅગ્સ: