RSS

Category Archives: Dr. Arti Rupani

શિશુ મંદિર


“એ જ રંગ રૂપ..! એ જ નાક નકશો.. એ જ જાણે ઘૂઘરી રણકતી હોય એવો મધુર અવાજ.. પણ ચહેરા પરની આભા અલગ..! પુખ્તતા અલગ.. નટખટપણું ને અલ્લડતા જાણે ક્યાંય ચાલ્યા ગયા હતાં. 10 વર્ષનાં થર ચડાવી દઈએ તો સૂચિ આવી જ લાગતી હોવી જોઈએ..” સૂચિને ઓળખવામાં કદંબની ભૂલ ક્યારેય ના થઈ શકે..! એનાં દરેક શ્વાસને પણ ઓળખતો  હતો કદંબ.. પણ એણે કેમ એવું વર્તન કર્યું કે જાણે ઓળખતી જ ના હોય..! આજથી 10 વર્ષો પહેલાં ઘણાં પ્રશ્નો નિરુત્તર છોડીને જ ક્યાંક ચાલી ગઈ હતી સૂચિ.. અને આજે આટલાં વર્ષે જ્યારે મળી છે ત્યારે પણ ઘણાં પ્રશ્નો નિરુત્તર રહી ગયા..

“આ બાળકો માટેનો કલાસરૂમ છે. અહીં શિશુ મંદિરનાં બાળકોને રાખવા અને ભણાવવામાં આવે છે. આ બાળકોનાં શારીરિક વિકાસની સાથે તેનો સામાજીક, માનસિક, બૌદ્ધિક વિકાસ થવો પણ ખૂબ જરૂરી છે. અહીંનો મુખ્ય ઉદ્દેશ ન્યૂરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર ધરાવતાં બાળકોનાં રિહેબિલિટેશન એટલે કે પુનઃવસનનો છે. જેમાં આવા બાળકોને રોજિંદી ક્રિયા માટે સ્વાવલંબી બનાવવામાં મદદ કરવામાં આવે છે.. સૌથી પહેલો જે જોયો એ બાળકોની કસરત માટેનો રૂમ હતો.. ત્યાં બાળકોને જે તકલીફ હોય એ મુજબની કસરત કરાવવામાં આવે છે.. એમાં કલર થેરાપી, સ્પીચ થેરાપી, ઓક્યુપેશન થેરાપી એ બધાનો સમાવેશ થાય છે.. ઓક્યુપેશન થેરાપી દ્વારા હાથની પકડ સુધારવા, હાથનાં નાના સ્નાયુઓની તાકાત વધારવા, બુદ્ધિપૂર્વક રોજિંદી ક્રિયાઓમાં હાથનો વપરાશ સુધારવા માટેની પ્રવૃત્તિ બાળકોને શીખવવામાં આવે છે. મુખ્યતયા બાળકની શારીરિક કાર્યક્ષમતાનો આધાર બે બાબત પર હોય છે. ગ્રોસ મોટર સ્કીલ એટલે કે એવી ક્રિયા જેમાં શરીરનાં મોટા કદનાં સ્નાયુઓનો ઉપયોગ થાય છે. જેમકે ચાલવું, દોડવું, કૂદકા મારવા, પગથિયાં ચડવા, ભાંખોડિયાભર ચાલવું વગેરે જ્યારે બીજી ફાઇન મોટર સ્કીલ કે જેમાં હાથ, પગનો પંજો વગેરેનાં નાના સ્નાયુનો ઉપયોગ થાય છે જેમકે, ચમચી પકડવી, પેનથી લખવું, લોટ બાંધવો વગેરે.. રિહેબિલિટેશન કાર્યમાં ગ્રોસ મોટર વિકાસ ફિઝિયોથેરાપી દ્વારા તથા ફાઇન મોટર વિકાસ ઓક્યુપેશનલ થેરાપી દ્વારા સુધારી શકાય છે.” નેહાબેન આખી સંસ્થાની મુલાકાત કરાવતા જતાં હતાં અને સમજાવતા જતાં હતાં.

“નેહાબેન.. પેલા કસરત વાળા રૂમમાં જે પિંક કલરનો ડ્રેસ પહેરેલ બહેન હતાં એ કોણ હતાં..? અને એ કેટલાં વર્ષથી અહીં છે” કદંબે પૂછ્યું..માગધીએ કોણી મારીને કદંબની સામે એવું ના પૂછવા ઈશારો કર્યો..

“કોણ.. પેલા ફિઝિયોથેરાપીસ્ટ? એ તો ડો. શાખાબેન.. બહુ જ હોશિયાર છે. ક્યારથી છે એ તો મને ખબર નથી. હું પોતે 5 વર્ષથી અહીં સેવા આપું છું.. ત્યારની તો જોઉં છું એમને..આખી જિંદગી એમની અહીં જ સમર્પિત કરી દીધી છે એમણે.. બાળકોને ખૂબ પ્રેમથી સાચવે છે.. એક્ચ્યુલી અહીંનાં મુખ્ય કર્તા હર્તા જ એ છે એમ કહીએ તો ચાલે.. એ છે તો શિશુ મંદિર છે..” કદંબને આઘાત લાગ્યો.. સૂચિએ એનું નામ પણ બદલી નાખ્યું!

આગળનાં રૂમમાં ગયા ત્યાં ઘણાં બાળકો રમતાં હતાં. એમાં કોઈ કોઈ બાળકો ગોળ ગોળ ચકરડી જ ફર્યા કરતાં હતાં. ત્યાં એક બેન એક નાના બાળકને બોલનો ઘા કરી એ પકડે એવી કોશિશ કરતાં હતાં તો એક ડોક્ટર બાળકને એક કપડામાં ટાઈટ વીંટાળીને પ્રેસર આપવાની કોશિશ કરતાં હતાં. પેલું બાળક ખૂબ રડયે જતું હતું. નેહાબેન એક બાળકીને વ્હાલથી બોલાવવા ગયા.. “દ્રષ્ટિ.. દ્રષ્ટિ..! આ બાજુ જો.. જો તારા માટે શું લાવી છું..” પેલી છોકરીએ ના તો એની સામે જોયું કે ના તો એની સામે હસી.. ઉલ્ટી ત્યાંથી ભાગીને બીજી જગ્યાએ ગોળ ગોળ ફરવા લાગી.

“આ સ્પેશિયલી ઓટીઝમ વાળા બાળકો નો રૂમ છે.. એ બાળકોને કોમ્યુનિકેશન, કો ઓર્ડિનેશન,  અને સોશિયલ ઇન્ટર એક્શનનો પ્રોબ્લેમ હોય છે. રિપીટેડ મૂવમેન્ટ કર્યા કરે અને કોઈ પણ સામે આંખ મેળવીને જુએ નહીં કે હસે પણ નહીં.. તે એની જ દુનિયામાં રહેવાનું પસંદ કરે છે. આ બાળકો મોટાં ભાગે હાઇપર એક્ટિવ હોય છે. અને કરૂણતા એ છે કે એમને કશી તકલીફ છે એ સમજતાં મા બાપને પણ વાર લાગે છે. ઘણી વાર બાળક 5-6 વર્ષનું થાય ત્યાં સુધી મા બાપ સમજી નથી શકતા. એટલે એમને ટ્રીટમેન્ટ આપવામાં પણ મોડું થઈ જાય છે કારણકે આવા બાળકોને સારવારની અસર 12 કે 14 વર્ષ સુધી થાય છે. એ પછી ખાસ ફરક પડતો નથી.”

“અને અહીં મોટાં ભાગે સી.પી. ચાઈલ્ડ એટલે કે સેરીબ્રલ પાલ્સી વાળા બાળકો છે. મગજનો લકવો હોય છે આ બાળકોને..જન્મ સમયે, જન્મ પહેલાં માતાનાં ગર્ભમાં અથવા જન્મ બાદ એક વર્ષમાં વિકસતા મગજને કોઈ કારણસર નુકસાન કે ઇજા પહોંચવાથી ઉદભવતી પરિસ્થિતિ. જેમાં મગજ ને થયેલાં નુકસાનનાં પ્રમાણમાં બાળકને તકલીફ હોય છે. આ બાળકોને સાચવવા એટલે આખી જિંદગી આપી દેવી.. કારણકે આ બાળકોને ગ્રોસ મૂવમેન્ટમાં પણ તકલીફ હોય છે. જેને લઈને કોઈ પણ અંગોનાં સ્નાયુઓ જકડાયેલા હોવા, હલન ચલન મર્યાદિત તો ઘણી વાર શરીરનાં અવયવોની ક્રિયા અનિયંત્રિત હોવી જેવી ફરિયાદો પણ હોય છે. અમુક સી.પી. બાળકો શારીરિક સાથે માનસિક વિસંગતતા ધરાવતાં હોય છે. ” કદંબે જોયું તો એક બાળક ઘસડાતું ચાલતું હતું. એનાં પગ કામ નહોતાં કરતાં. દેખાવમાં એ મંદ બુદ્ધિ લાગે. અમુક બાળકોનાં હાથ તો અમૂકનાં પગ અને સ્પીચમાં તકલીફ હતી.

એક બાળકનો ચહેરો ઘણો મોટો અને ગરદન ટૂંકી લાગતી હતી. આંખો સ્હેજ ત્રાંસી હતી. સ્નાયુઓ ઢીલા હતાં. સાંધાઓ લચી પડેલાં હતાં. મંદ બુદ્ધિ જેવો લાગતો હતો. આવા ચેહરા વાળા ઘણાં બાળકો કદંબે આ પહેલાં પણ જોયા હતાં. “એને ડાઉન સિન્ડ્રોમ છે..મોંગોલ ફેસ તમે સાંભળ્યું હશે.. એક જિનેટિક બીમારી. એનો માનસિક વિકાસ યુવાન હોવા છતાં 8 વર્ષનાં બાળક જેટલો જ હોય છે.”

“અને આ બધાં એમ. આર. ચાઈલ્ડ.. મંદબુદ્ધિનાં બાળકો..” નેહાબેન એક પછી એક દરેક બીમારીનો પરિચય કરાવતાં જતાં હતાં.

“અને આ બધાં બાળકો માટેની ભોજન શાળા, આ બોયઝ હોસ્ટેલ.. આ ગર્લ્સ હોસ્ટેલ.. અહીં બે પ્રકારનાં બાળકો હોય છે.. ઘણાં અહીં જ રહે છે.. અને ઘણાં નજીકનાં શહેરમાં હોય એ ફક્ત સ્કૂલમાં ભણવા માટે આવે છે. એમનાં માટે વાહનની વ્યવસ્થા પણ હોય છે.” કદંબે જોયું કે ભોજન શાળાથી લઈ, રસોડું, હોસ્ટેલ બધું એકદમ સ્વચ્છ ને સુઘડ હતું. હોસ્ટેલમાં દરેક બાળક માટે અલગ બેડ અને એમાં પણ રેકઝીનનાં કવર યુક્ત ઘણી પથારીઓ હતી. “ઘણાં બાળકોને ટોયલેટ વગેરેની હજુ ખબર નથી પડતી એટલે આવી પથારીઓ રાખવામાં આવી છે. એક બેન છે જે 24 કલાક આવા બાળકોની સંભાળ લે છે.

“અહીં બાળકોને રાખવાની કોઈ ફીઝ હોય છે..?” માગધી એ પૂછ્યું.

“અહીં બે પ્રકારનાં બાળકો છે. સધ્ધર કુટુંબનાં લોકો અહીં બાળકોને સારું શિક્ષણ, સારવાર અને ઉછેર મળી રહે એ માટે મૂકી જતાં હોય છે. રજાઓમાં એમને એમનાં ઘરે મોકલી દેવામાં આવે છે.. પણ સાચું કહું..? રજા પડે ને બાળકો રડવા લાગે છે..એમને ઘરે જવું પણ નથી હોતું.. એ બાળકોનાં માતા પિતા પાસેથી ફી લેવામાં આવે છે.. એ લોકો તો ઘણી વાર અન્ય બાળકની સારવાર માટેનો ખર્ચ પણ ઉઠાવે છે.. એ લોકો ઘરે બેઠાં બેઠાં પોતાનાં બાળકોની એક્ટિવિટી જોઈ શકે એ માટે ઠેક ઠેકાણે અહીં કેમેરા પણ રાખવામાં આવેલ છે..” કદંબને યાદ આવ્યું કે ભોજન શાળામાં એણે આવો કેમેરા જોયો હતો.

“બીજા બાળકો છે કે જેમનાં માતા પિતા નથી હોતાં કે નથી સાચવવા માંગતા એ એમને અહીં જ છોડી જાય છે.. એવા બાળકો ઘણી દયનીય સ્થિતિમાં અહીં આવે છે અને એમને સાચવવાનાં અહીં કોઈ પૈસા લેવામાં નથી આવતાં. અને એ બાળકોને જ વિધિવત રીતે દતક પણ આપીએ છીએ.. પણ કોઈ જ આ બાળકોને દતક લેવા નથી આવતું. તમારાં જેવા વિરલાઓ જ ક્યારેક અહીં આવી પહોંચે છે.  બાકી તો આ જ એમનું ઘર છે અને અમે જ એમનાં મા બાપ..!” માગધીની આંખમાં પાણી આવી ગયા. કદંબ પણ ઢીલો થઈ ગયો.

“બેન.. બધી પ્રકારનાં મા બાપ અમે તો જોયા છે.. એવા પણ જોયા છે કે જેમને આવું સંતાન આવે એ પછી આખી જિંદગી ખર્ચી નાખે છે. બીજું સંતાન પણ નથી કરતાં જેથી આમને સરખો સમય આપી શકે.. અને એમની સંભાળ એ જ એમનો જીવન ધ્યેય બની જાય છે..બહુ અઘરું હોય છે બેન આવા બાળકોને સાચવવા.. તમે સરખો વિચાર તો કર્યો છે ને..! 24 કલાક નો દિવસ પણ ઘણી વાર ટૂંકો પડે છે.. અને એવા પણ મા બાપ જોયા છે કે આવા સંતાનોને ભગવાન ભરોસે છોડી દે છે. કસરત પણ નથી કરાવતાં. એક જશે તો બીજું આવશે એમ સમજીને..!” માગધીથી સિસકારો નીકળી ગયો..

“ઘણી વાર એમ થાય કે મા બાપ પણ ધન્ય જ છે.. આવા બાળકોને સાચવવા એ ખૂબ મોટી જવાબદારીનું અને ખર્ચાળ કામ છે. જેને પંડનાં ઠેકાણા ના હોય એ કરે કેટલું.. છોકરાઓ તો એમ છતાં ય સચવાઈ જાય બેન.. પણ છોકરીઓનું શું.. સંડાસ પેશાબ ની ખબર ના પડતી હોય એવી છોકરીઓને જ્યારે માસિક ધર્મ શરૂ થાય ત્યારે સૌથી વધુ તકલીફ થાય છે. જમાનો પણ ખરાબ છે. એટલે ધ્યાન પણ ખૂબ રાખવું પડે છે. તકેદારી રૂપે છોકરીઓનાં ગર્ભાશય જ કઢાવી નાખવા પડે છે.. મોટા ભાગે તો કોઈ સંસ્થા પણ છોકરીઓને રાખવા તૈયાર થતી નથી. પણ અમારું આ શિશુ મંદિર બધા માટે ખુલ્લું છે.. છોકરીઓ અને છોકરાઓ માટે પણ..

“ખબર નહીં ઈશ્વર ક્યા પાપ કર્મોની સજા બાળકોને અને મા બાપને આપતો હશે..”માગધી હતાશ થઈને બોલી પડી..

“અરે બેન.. એ શું બોલ્યા.. આ બાળકો પાપી નથી.. અમે તો દ્રઢતાથી માનીએ છીએ કે આ બધા બાળકો ઈશ્વરનું જ સ્વરૂપ છે.. એટલે જ તો આ સંસ્થાનું નામ પણ શિશુ મંદિર રાખ્યું છે.. અને અહીં આવતાં કોઈ પણ બાળકને અમે શિશુ નારાયણથી જ ઓળખીએ છીએ.. તમને રોગોની સમજ આપવાની હતી એટલે મેં એ રીતે સમજાવ્યું.. બાકી આ બધામાંથી કોઈને અમે દિવ્યાંગ કે સ્પેશિયલ ચાઈલ્ડ પણ નથી કહેતાં.. આ બધા તો શિશુ નારાયણ જ છે અમારાં માટે તો.. ગયા જન્મનાં કોઈ યોગીઓને એનાં થોડાં કર્મો ભોગવવાનાં બાકી રહી ગયેલ હોય ત્યારે આવા નારાયણ રૂપ અવતાર ધારણ કરે છે અને એમનાં બાકી રહેલ કર્મો ભોગવે છે.. આ એમનો છેલ્લો જન્મ હોય છે.. આવા યોગીઓની સેવા તો ભાગ્યશાળી લોકોને મળે છે.. જે મા બાપ આ વાત સમજી નથી શકતા એ કમનસીબ છે.. અને આ વાત તમે મને કરી એ કરી પણ અમારા શાખાબેન સામે આવી વાત ભૂલે ચૂકે પણ ના કરતાં.. નહીં તો એ અહીંથી જ તમને કાઢી મૂકશે અને બાળક દતક લેવાનું તો તમારે માંડી જ વાળવું પડશે..” નેહાબેને માગધીની વાતથી દુઃખી થઈને કહ્યું.. કદંબને આ બધી વાતો જાણીતી લાગી.. સૂચિ પણ એમ જ તો કહેતી અને એને લઈને જ તો બન્ને વચ્ચે ઝઘડાઓ થતાં..

આગળ ચાલતાં ચાલતાં બધાં મેદાનમાં આવ્યા. ત્યાં એક સ્ટેજ જેવું ઉભું કરેલ હતું જેમાં ઘણાં બધા શિશુ નારાયણ ત્યાં સંગીતનો જલસો માણી રહ્યા હતાં. કોઈ ઢોલ વગાડી રહ્યું હતું તો કોઈ માઈકમાં ગીત ગાઈ રહ્યું હતું. કોઈનાં હાથમાં ખંજરી હતી.. સૂર તાલની કોઈને પરવા ન્હોતી. બધાં પોત પોતાની મસ્તીમાં સંગીત મહેફિલ માણી રહ્યા હતાં.

“આ લોકોને સંગીતની તાલીમ પણ અપાય છે?” કદંબે પૂછ્યું.

“સંગીત જ નહીં.. આ લોકોને તમામ પ્રકારની તાલીમ અપાય છે.. સંગીત, નૃત્ય, સ્પોર્ટ્સ, સીવણ, હેંડીક્રાફ્ટ.. આ બાળકોને ઘણી વાર અમુક કુદરતી બક્ષિસ પણ હોય છે.. આ પ્રકારની તાલીમ આપતાં આપતાં બાળકોની ટેલેન્ટ ને અમે ઓળખીએ છીએ અને પછી એમાં ખુલ્લું મેદાન આપીએ છીએ.. વારંવાર એ લોકોનો ટેલેન્ટ શો પણ કરીએ છીએ.. એમાં પણ આ બાળકો દ્વારા બનાવવામાં આવતાં દીવડા, અગરબત્તી, થેલા વગેરે તો ખૂબ વેંચાય પણ છે.. અને એ બાળકો થોડાં સ્વનિર્ભર થતાં પણ શીખે છે.. તમે નહીં માનો.. ઓલો કાર્તિક ત્યાં બેઠો છે એ તો ગયા વર્ષે સ્પેશિયલ ચાઈલ્ડ માટેની બેડમિન્ટન સ્પર્ધામાં નેશનલ લેવલ પર વિનર થયો છે..”

“શું વાત કરો છો..! આ બાળકોમાં આટલું બધું ઇમ્પ્રૂવમેન્ટ મળે છે?” કદંબે નવાઈથી પૂછ્યું.

“અરે સાહેબ.. ઘણી વાર તો બાળકો નોર્મલ પણ થઈને જાય છે. હજુ પાછલાં વર્ષે જ આમાંથી બે છોકરીઓને અમે ધામધૂમથી પરણાવી. અને સાહેબ એનો આનંદ જે છે ને.. એ તો ઘરનાં છોકરાંઓ પરણે ત્યારે ય નથી આવતો..” નેહાની આંખોમાં ચમક આવી ગઈ.

આ બધી વાતો ચાલતી હતી ત્યાં એક નવ દસ વર્ષનો બાળક જે સરખું ચાલી પણ ન્હોતો શકતો એ આવીને અચાનક કદંબને વળગી જ પડ્યો અને એની તોતળી ભાષામાં કદંબને ‘પપ્પા.. પપ્પા’ કરવા લાગ્યો.. કદાચ એનાંથી વધુ એ બોલી શકતો ન્હોતો કે એને ફાવતું ન્હોતું.. પણ એ એટલાં જોરથી કદંબને વળગી પડ્યો કે જાણે ક્યારેય આ પકડ ઢીલી ના કરવા માંગતો હોય.. કદંબે પણ એને પોતાનાં બાહુપાશમાં સમાવી લીધો.. બન્નેની જન્મો જન્મની તરસ જાણે પૂરી થઈ રહી હોય એ રીતે..એ દ્રશ્યથી ત્યાં ઊભેલાં દરેકની આંખમાં પાણી આવી ગયું.

“બિલ્વ.. છોડી દે દીકરા.. એ પપ્પા નથી..” નેહા બાળકને અલગ કરવાની કોશિશ કરી રહી હતી પણ એ અલગ થવા જ તૈયાર ન્હોતો.. આખરે ચોકલેટની લાલચ આપીને એને અલગ કર્યો.

“માફ કરજો સાહેબ..! એ છોકરાની માનસિક ઉંમર 3 વર્ષનાં બાળકથી વધુ નથી. બોલતાં પણ વધુ શીખ્યો નથી. નાનપણથી પપ્પાનું ઘેલું છે. પપ્પાને ક્યારેય જોયા નથી એટલે કોઈ પણ પુરુષને જુએ કે પપ્પા-પપ્પા કહીને વળગી પડે છે. ચાલો.. તમારી બાળક દતક લેવા માટેની ફોર્માલીટીઝ પૂરી કરી લઈએ. અમુક જરૂરી ફોર્મ ભરી આપો એટલે લીગલ પ્રોસીઝર શરૂ થઈ શકે. આ બાળકોને દતક લેવા બહુ ઓછા લોકો આવે છે એટલે તમારે લાંબો સમય વેઇટ પણ નહીં કરવું પડે. ફોર્મ ને જરૂરી કાગળ્યા સબમિટ કર્યા બાદ તમારા ઘરે માણસો તપાસ કરવા આવશે અને બધું બરોબર હશે તો થોડાં સમયની અંદર તમને બાળક મળી જશે.”

“માફ કરજો બેન.. પણ શું અમને અમારી પસંદનું બાળક જોઈતું હોય તો એ મળી શકે..? આ બિલ્વને ગળે લગાડતી વખતે મને લાગ્યું કે જાણે મારું પોતાનું જ સંતાન છે.. શું આ બિલ્વ અમને દતક મળી શકે?” માગધીએ પણ સહમતિ પૂર્વક સૂર પૂરાવ્યો.

“બિલ્વ..? પણ એ તો..!” નેહા પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં જ શાખા ત્યાં આવી ગઈ.. એ આ બધું જ દ્રશ્ય દૂર ઉભી ઉભી જોઈ રહી હતી.

“નેહા..તું ઓફિસમાં જા અને જરૂરી કાગળ્યા તૈયાર કર.. હું આ લોકોને લઈને આવું છું..”

“હા.. તો શું કહેતાં હતાં તમે..? તમારે બિલ્વ દતક જોઈએ છે.. ઓકે.. એ થઈ જશે.. પણ તમે બાળકને વ્યવસ્થિત સાચવી શકશો..? ઘણાં લોકોને આવા બાળકોની સૂગ હોય છે.” શાખાએ તીરછી નજરે કદંબ તરફ જોતાં કહ્યું.

“સૂચિ…!”

“શાખા.. શાખા નામ છે મારું.. ડો. શાખા..”

“ઓકે.. માફ કરજો ડો. શાખા.. પણ હું એટલે કે અમે.. હું અને મારી વાઈફ માગધી બન્ને બિલ્વને સગા દિકરાથી પણ વધુ સારી રીતે સાચવીશું એનું વચન આપીએ છીએ.. .કેમ માગધી..?” કદંબે આડકતરી રીતે માગધીનો પરિચય પણ આપી દીધો.

***********

શિશુ મંદિરથી આવ્યા ત્યારનો કદંબ બેધ્યાન હતો.. કોઈ જ કામમાં એનું મન લાગતું ન્હોતું.. બે દ્રશ્યો વારંવાર એની આંખ સામે આવ્યા કરતાં હતાં. શિશુ મંદિરનાં બાળકો, બિલ્વ.. અને બીજું.. સૂચિ… એટલે કે ડો. શાખા.. સૂચિને ઓળખવામાં કદંબે કોઈ જ ભૂલ કરી ન્હોતી. પણ સૂચિ કેમ અજાણ્યાની જેમ વર્તન કરતી હતી. એણે કેમ નામ બદલ્યું છે.. આટલાં વર્ષે મળી છે તો પણ આ રીતે..!

વારંવાર એનું મન સૂચિ તરફ ખેંચાતું હતું. 22 વર્ષની સૂચિ એટલે જાણે ધરતી પરની અપ્સરા.. રંગ, શરીર, દેહ લાલિત્ય.. બધું જ જાણે ઈશ્વરે એને ભરી ભરીને આપ્યું હતું.. ખૂબ નિરાંતે ઘડી હતી ઈશ્વરે એને.. અને કદંબ… કદંબ પણ કંઈ કામદેવથી કમ ન્હોતો.. કેટલીય રતિઓ એનાં તરફ આકર્ષાઈ હતી. પણ કદંબને કોઈ આજ સુધી ગમી ન્હોતી. પણ સૂચિને જ્યારે પહેલી વાર જોઈ ત્યારે જ ભાન ભૂલી ગયો હતો.. એક નાટકમાં મેનકાનો રોલ કરી રહી હતી.  કદંબ પ્રેક્ષકોમાં હતો. ત્યારની એ મેનકાએ આ વિશ્વામિત્રની તપસ્યા ભંગ કરી હતી.. લગ્ન કરું તો આ મેનકા સાથે જ..! અને પછી શરૂ થયો મેનકાને પટાવવાનો વણથાક્યો અવિરત ક્રમ…!

“સલીમ કો અનારકલી ભા ગઈ હે ભાઈ.. અબ યે ઢૂંઢો કિ અનારકલી કહાઁ રહતી હે, ક્યા કરતી હે..” કદંબે ગુલાબ સૂંઘતા સૂંઘતા સલીમની અદામાં મિત્રોને કહ્યું.. ને મિત્રો પણ એવા જીગરજાન.. તરત જ કામે લાગી ગયા.. “ફિઝિયોથેરાપીસ્ટ છે. એક હોસ્પિટલમાં નોકરી કરે છે.. અહીં આ શહેરમાં એકલી જ રહે છે. ગામડે મા બાપ છે.  જેટલી સુંદર છે, એટલી જ બિન્દાસ, અલ્લડ.. ગુણોમાં પણ બત્રીસ લક્ષીણી છે.. ઘણાં ભમરાઓએ આ ફૂલનો રસ ચૂસવાની કોશિશ કરી છે પણ નાકામયાબ રહ્યા છે..” રિપોર્ટ બધો હાજર હતો. હવે શરૂ થયા મજનુનાં લેલાની આસપાસ ચક્કર.. અને મજનુ પણ કંઈ જેવો તેવો થોડો હતો..! કદંબ હતો..! કદંબ એક વાર જે નક્કી કરે એ કરીને જ રહે.. આખરે લેલા-મજનુ, સલીમ-અનારકલી પછી બીજી કોઈ જોડી લોકપ્રિય થઈ હોય તો એ કદંબ ને સૂચિની હતી.. લોકો ઈર્ષ્યા કરતાં આ જોડીની.. બન્નેને એક બીજા વિના એક મિનિટ ના ચાલે.. જાણે એક બીજા માટે જ બન્યા હોય..! બસ એક જ વાતે ઝઘડાઓ થતાં.. કદંબ સુંદરતાનો આશિક હતો.. એનાંથી કુરૂપતા સહન ના થતી.. સૂચિ પણ હંમેશા તૈયાર થયેલી જ હોવી જોઈએ એની પાસે.. સુંદર જ લાગવી જોઈએ… ત્યાં સુધી પણ વાંધો ન્હોતો.. પણ સૂચિનું કામ…! એ હોસ્પિટલમાં સેરેબ્રલ પાલ્સી અને મંદ બુદ્ધિનાં બાળકોની સારવાર કરતી.. અને એ એને ગમતું કામ હતું.. જ્યારે કદંબ માટે..! મોઢામાંથી લાળ ટપકતી હોય, સંડાસ-પેશાબનું ભાન ના હોય, તોતડી બોલી હોય, હાથ કે પગ કે શરીરનાં અન્ય કોઈ અવયવો ખામી યુક્ત હોય.. આવા બાળકોને જોઈને કદંબને સૂગ ચડતી.. એ કાયમ સૂચિને એનું કામ છોડી દેવા સમજાવતો.. “પૈસાની ક્યાં જરૂર છે સૂચિ..? હું સારું જ કમાઉં છું ને..! સતત નેગેટિવિટીની વચ્ચે રહેવાથી આપણે પણ નેગેટિવ થઈ જઈએ.. ઈશ્વરે કેવી સરસ દુનિયા બનાવી છે.. કેટલું બધું સુંદર છે આ દુનિયામાં.. એની વચ્ચે રહે ને..!”

“તને આ બધું નેગેટિવ લાગે છે કદંબ? આ બાળકોની સેવા કરવાથી મળતી શાંતિ, સંતોષને તું નેગેટિવ કહે છે..? તું જેને નેગેટિવ કહે છે ને એ જ મારાં જીવનનું ધ્યેય છે.. આ બાળકો સાથે હોઉં છું ત્યારે હું દુનિયાની સૌથી અમીર વ્યક્તિ હોઉં છું..”

એક દિવસ આ વાતને લઈને એ બન્ને વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો અને બીજા દિવસથી જ એ ગુમ થઈ ગઈ. પહેલાં થોડાં દિવસો તો એની તપાસ પણ ના કરી.. આવશે એને જરૂર હશે તો.. પણ સમય જતો ગયો એમ સૂચિની યાદ એને સતાવવા લાગી. ફોન કર્યો તો નમ્બર અસ્તિત્વમાં ન્હોતો. હોસ્પિટલ, ઘર બધે તપાસ કરી જોઈ.. એ નોકરી છોડીને ચાલી ગઈ હતી.. એનાં ગામડાનાં ઘરે તપાસ કરતાં જાણવા મળ્યું કે એનાં થોડાં સમયમાં લગ્ન છે ને હવે એને પરેશાન ના કરે.. બહુ આઘાત લાગ્યો હતો કદંબને.. “એક વાર વાત તો કરવી હતી સૂચિ.. ઝઘડાને આટલું મોટું સ્વરૂપ આપ્યું..!

થોડાં સમય સુધી તો દેવદાસ બનીને ફર્યા કર્યું.. જે બાળકોને લઈને ઝઘડાઓ થતાં એમને ધીમે ધીમે પ્રેમ કરવાનું શરૂ કર્યું.. થાય એટલી એમની સેવા કરવાનું શરૂ કર્યું.. અને જેમ જેમ આ બાળકોને પ્રેમ કરતો ગયો એમ એને સૂચિ માટે પણ વધારે માન થતું ગયું.. આ બાળકોની પ્રેમની જરૂરિયાતને એ સમજવા લાગ્યો.. પ્રેમનો સાચો અર્થ પણ સમજવા લાગ્યો. પ્રેમ એ લેવાની નહીં પણ આપવાની વસ્તુ છે એ પણ સમજાયું.. અને સાચો પ્રેમ શરીરની સુંદરતાનાં આધારે કે ત્યાં સુધી કે ગુણોનાં આધારે પણ નથી થતો.. એ તો બસ હોય છે.. પાણીનાં પ્રવાહની જેમ વહેતો રહે છે અને એનાં માર્ગમાં જે કોઈ આવે એને કોઈપણ ભેદભાવ વગર પલાળતો રહે છે.. હકીકત એ હતી કે આ બાળકોએ જ એને પ્રેમ કરતાં શીખવ્યો. ત્યારથી જ નક્કી કર્યું કે ભવિષ્યમાં તક મળશે ત્યારે આવા કોઈ બાળકને દતક લઈને એ પોતાની ભૂલનો પશ્ચાતાપ કરશે..

સૂચિનાં વિરહમાં 2 વર્ષ આમ જ વિતાવી નાખ્યા. આખરે ઘરનાં લોકોની સમજાવટથી 2 વર્ષ બાદ એક સુંદર સુશીલ કન્યા માગધી સાથે લગ્ન કરી લીધા.. પરંતુ લગ્નનાં 8-8 વર્ષો છતાં માગધીનો ખોળો સૂનો જ રહ્યો. બધા તરફથી બાળક દતક લેવાનું સૂચન આવ્યું જેને કદંબ અને માગધીએ સહર્ષ આવકાયું.. કદંબે વધુ સૂચન કર્યું કે “નોર્મલ બાળકોને તો બધાં દતક લે માગધી..! હું તો કોઈ ડિસેબલ બાળકને દતક લેવા માંગુ છું.” માગધીએ કદંબનાં સૂચનને વધાવી લીધું.

**************

બધી જ ફોર્માલિટીઝ પૂરી થઈ ગઈ હતી. આખરે વર્ષોથી સૂના ઘરમાં બાળકની કીકીયારી સાંભળવાનાં દિવસો આવી જ ગયા. માગધી અને કદંબ ઉત્સાહમાં હતાં તો સાથે સાથે બન્નેને પોતાની જવાબદારીઓનું પણ ભાન હતું. બિલ્વની તકલીફો વિશે જાણીને ઘણાં કસરતનાં સાધનો વસાવી લીધા હતાં ઘરમાં.. એ દરમ્યાન બે ત્રણ વાર ડો. શાખાને મળવાનું થયું પણ તેણે અજાણ્યા જેવું જ વર્તન કર્યું. હવે તેનાં પણ લગ્ન થઈ ગયા હશે એટલે જૂના દિવસોને એ યાદ નહીં કરવા માંગતી હોય એમ સ્વીકારીને કદંબે પણ પોતાનાં મનને મનાવી લીધું હતું. હવે એણે પોતાનું બધું ધ્યાન બિલ્વમાં કેન્દ્રિત કર્યું.. આ દરમ્યાનમાં માગધી અને કદંબ અવારનવાર બિલ્વ પાસે જતાં. બિલ્વ પણ એ લોકો સાથે એકદમ હળી મળી ગયો હતો. આજે બિલ્વને લેવા જવાનો હતો.

શિશુમંદિરની ઓફિસે બધી ફોર્માલીટીઝ ચાલતી હતી. માગધી બિલ્વની સાથે બહાર મેદાનમાં રમતી હતી. કદંબ હજુ ઓફિસમાં જ હતો. ડો. શાખા અને કદંબ અત્યારે એકલા જ હતા. કદંબ ને એની સાથે વાત કરવાનો મોકો મળી ગયો.

“આ બધી પ્રક્રિયાઓમાં મદદ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર સૂચિ.. ઓહ સોરી.. ડો. શાખા..”

“સૂચિ કહી શકે છે તું..” સૂચિએ નજર કાગળ્યામાં રાખીને જ જવાબ આપ્યો.

“થેન્ક્સ..! એની વે.. ઘણાં વર્ષો પછી મળી છો એટલે સવાલ તો ઘણાં છે.. પણ એક જ પૂછીશ.. સુખી છે ને તારા સંસારમાં? તારાં હસબન્ડ શું કરે છે? મળાવ તો ખરા ક્યારેક…”

“હા.. એટલે.. કે.. સૂચિ બોલતાં થોથવાતી હતી એ કદંબે અવલોકન કર્યું.. સુખી છું.. ખૂબ સુખી છું..”

“તું મને એક એબનોર્મલ બાળક દતક આપવા તૈયાર થઈ ગઈ? તને ખબર છે મારી એ લોકો પ્રત્યેની નફરત છતાં..!”

“એબનોર્મલ નહીં.. શિશુ નારાયણ” સૂચિ રોષપૂર્વક બોલી ઉઠી..

“આઈ એમ વેરી વેરી સોરી.. ભૂલથી નીકળી ગયું.. “

“મને એ પણ ખ્યાલ છે કે આપણે જુદા પડ્યા પછી તેં આ બાળકો માટે ઘણું કામ કર્યું છે.. તારાં મનનો પશ્ચાતાપ જ્યારે તને આવું સંતાન દતક લેવા સુધી પ્રેરતો હોય ત્યારે હું તને રોકવા વાળી કોણ..?”

એટલામાં બિલ્વ ઘસડાતો દોડતો આવ્યો. નેહા એની પાછળ એને પકડવા દોડી હોય એ રીતે આવતી હતી. બિલ્વ આવીને જલ્દીથી સૂચિનાં ખોળામાં ગોઠવાઈ ગયો.. એણે કદંબ તરફ આંગળી ચીંધીને એટલું જ કહ્યું “પપ્પા.. પપ્પા..” સૂચિએ એનાં માથા પર હાથ ફેરવ્યો.. એને ચૂમીઓથી નવડાવી દીધો.. “હા દિકરા..! એ જ તારાં પપ્પા છે.. તારે હવે એમની સાથે જ રહેવાનું છે..” આટલું બોલતાં બોલતાં સૂચિ પોતાની જાત પરનો કાબૂ ગુમાવી બેઠી. રડી પડી. બિલ્વ કશું જ સમજતો ના હોય એમ હાથમાં રહેલાં દડા સાથે રમતો રહ્યો.. કદંબ આ દ્રશ્યથી થોડો હેબતાઈ ગયો..

“મેડમ.. તમે ધન્ય છો.. પારકાં છોકરાઓને અન્યાય ના થાય એટલાં સારૂ પંડનો છોકરો દતક દઈ દેવાનો નિર્ણય તો તમારા જેવા દેવી જ કરી શકે.. જેવા તેવાનું એ કામ નહીં..” નેહા બોલી ઉઠી.. આ વાત સાંભળીને કદંબ ખુરશીમાંથી લગભગ ઉભો થઈ ગયો..

“સૂચિ.. સોરી.. ડો. શાખા..બિલ્વ તમારો દિકરો છે? તમે એને દતક આપવા તૈયાર થયા છો..? પણ શા માટે..? કદંબ બોલી ઉઠયો.

“આ મારો સ્વૈચ્છિક નિર્ણય છે કદંબજી.. કોઈ ભાવનામાં આવીને મેં આ પગલું નથી ભર્યું.. મારો આ દિકરો.. જન્મ્યો ત્યારનો ‘મા’ પણ બોલતાં નથી શીખ્યો.. પણ ‘પપ્પા’ બોલે છે.. દરેક પુરુષને જોઈને એને ‘પપ્પા’ કહીને વળગી પડે છે. પિતાનાં પ્રેમ માટે તરસ્યો છે.. કદાચ એને ‘પપ્પા’ મળી જાય તો એની તબિયતમાં પણ થોડો સુધાર આવે..! ને આમ પણ મારી પાસે તો અહીં કેટલાં બધાં દિકરા દિકરીઓ છે..! ઉલ્ટું, ખુદનાં દિકરા પ્રત્યેની આસક્તિનાં લીધે હું બીજાં છોકરાઓ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય કરી બેસતી હતી જે હવે નહીં કરું.. અને રહી વાત બિલ્વની.. તો એની સમજ તો હજુ 3 વર્ષનાં બાળક જેટલી જ છે.. એટલે એ તો થઈ જશે એડજસ્ટ.. તમારી અને માગધીજી સાથે ભળી પણ ગયો છે..”

“પણ ડો. શાખા.. આપનાં હસબન્ડ..? એનાં પપ્પાનું શું..! તમે એમ કેમ કહો છો કે પિતાનાં પ્રેમ માટે તરસ્યો છે..! શું એનાં પપ્પા..?”

“સાહેબ.. ડો. શાખાએ લગ્ન નથી કર્યા.. ને નામ પણ ના લો એનાં પપ્પાનું સાહેબ..! ડો. શાખાબેન એક છોકરાંને પ્રેમ કરતાં.. પણ એ તો આવાં બાળકોને નફરત કરતાં.. ડો. શાખા બેનની તો જીંદગી જ આ હતી.. એટલે જ શાખાજીએ તેને છોડી દીધો. અને એ પછી તો શાખાજીનું પોતાનું બાળક જ..! એટલે જ એમણે ફરી ક્યારેય એ છોકરાંને સંપર્ક ના કર્યો.. હવે બિલ્વ ફક્ત શાખાજીનો દિકરો નથી. હવે એ આખા શિશુ મંદિરનો દિકરો છે..” નેહાનાં જવાબથી કદંબની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ..! “સૂચિએ લગ્ન નથી કર્યા..! એટલે કે બિલ્વ…! બિલ્વ મારો જ દિકરો છે..! મારો અને સૂચિનો..!” એણે પ્રશ્નાર્થ નજરે સૂચિ સામે જોયું. સૂચિએ આંખો ઢાળી દીધી..

કદંબને સૂચિ સાથેની છેલ્લી મુલાકાત અને ઝઘડો યાદ આવી ગયા. પ્રેમનાં નશામાં બન્ને બહુ નાજુક પળોમાં સરી પડ્યા હતાં. એ પછી સૂચિએ પૂછ્યું હતું.. “કદંબ.. આપણે હવે લગ્ન ક્યારે કરીશું..”

“બહુ જલ્દીથી જ.. પણ મારી એક વિનંતી છે સૂચિ..! પ્લીઝ.. તું તારી આવી જોબ છોડી દે. કોઈ બીજી શોધી લે.. સતત આવા બાળકો વચ્ચે રહેવાનું..!”

“પણ એમાં તને વાંધો શું છે…! હું ક્યાં તને ફોર્સ કરું છું કે તું પણ એ લોકો સાથે સમય વિતાવે..!”

“ના સૂચિ.. તને ખબર છે.. હું બધું સહન કરી શકું પણ કુરૂપતા મારાથી સહન નથી થતી.”

“તું એમ કેમ વિચારી શકે કદંબ.. ધાર કે કાલે મને જ કંઈ થઈ ગયું તો..? ધાર કે આપણું બાળક જ એવું આવ્યું તો..!” સૂચિ ઉગ્ર થઈ ગઈ..

“બસ.. ઇનફ સૂચિ.. આવી નેગેટિવ વાતો નહીં કર..!”

“આ નેગેટિવ વાત નથી કદંબ.. થવા કાળ ગમે તે થઈ શકે.. આપણું બાળક એવું આવ્યું તો તું શું એનો સ્વીકાર નહીં કરે..?” સૂચિ ખૂબ ગુસ્સામાં બોલી.

“હા… નહીં સ્વીકાર કરું જા..! એવું બાળક આવ્યું ને તો એને એ જ ક્ષણે હું કોઈ અનાથાશ્રમમાં આપી દઈશ..” કદંબ ક્ષણિક આવેશમાં બરાડી ઉઠ્યો.. અને આ ઝઘડો એમનાં સંબંધો માટે અંતિમ ઘાતક શસ્ત્ર સમાન નીવડ્યો.

માગધી જલ્દીથી ઓફિસમાં અંદર આવી. બિલ્વને સૂચિનાં ખોળામાંથી ખેંચીને તેડી લીધો.. “બદમાશ..! છૂપાછૂપી રમવામાં અહીં છેક આવીને સંતાઈ ગયો.. હું તો તને બહાર શોધતી હતી..” એમ કહીને એ બિલ્વને ગલગલિયા કરવા લાગી.. બિલ્વ પણ હસવા લાગ્યો.. “છૂપાછૂપીની રમત તો ઘણી વાર ઉપરવાળો પણ આપણી સાથે રમી જાય છે માગધી…!” કદંબનાં મોઢામાંથી સરી પડ્યું. સૂચિ આ વેધક દ્રશ્ય જોઈ ના શકી.. એ જલ્દીથી આંખોનાં ખૂણાં લૂંછતાં બહાર નીકળી ગઈ.

*******

લેખિકા : ડૉ. આરતી રૂપાણી

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 30, 2020 માં Dr. Arti Rupani

 

ટૅગ્સ: ,

અડશો માં


“એ અડેલી છે.. આપણાથી એને ના અડાય, અભડાઈ જઈએ..”

“અમુક દિવસોમાં આપણાંથી સેવા ના થાય. જન્મનું પિંદરૂ ને મરણનું ય સૂતક લાગે, ત્યારે પૂજા ના કરાય.”
“એ અમુક જ્ઞાતિનાં છે. એને પાણી દૂરથી અપાય. સ્પર્શ ના કરાય.”

“માસિક ધર્મ દરમ્યાન એણે ઘરમાં અડી લીધું.. ઓહો..! અપરાધ થઈ ગયો..! આખું ઘર ધોવું પડશે..! બધા કપડાં ધોવા પડશે..! આટલું ય એને સમજાતું નથી.. કેવી પાપી છોકરી છે..!”

“આ થાળી ગાયની કહેવાય. એમાં આપણી રોટલી ના અડવી જોઈએ. પાપ લાગે..”

“સ્નાન કર્યા પછી ટોઇલેટ ના જવાય. જવું પડે તો ફરીથી સ્નાન કરવાનું..બાથરૂમ પણ જવું હોય તો ટોઇલેટનાં વાસણમાં ના કરાય. નહીં તો ફરીથી નહાવું પડે..”
“ટોઇલેટ વાળા કપડાં ફરી ના પહેરાય..”

“ફલાણા તો બહુ ધાર્મિક..! કેટલાં બધા નિયમો પાળે..! કેટલી તો મરજાદ પાળે…! અપરશમાં નહાય, નહાઈને ક્યાંય અડે નહીં.. એનાં ઘરમાં આપણે જવું હોય તો પણ એ જ રીતે જવાનું.. આહા… કેટલાં પવિત્ર માણસો..!”

“અમે ડુંગળી લસણ નથી ખાતાં તો પણ અમારાં માટે એમણે બીજી રસોઈ ના બનાવી આપી.. અમે ભૂલમાં જો ડુંગળી લસણ ખાઈ લઈએ તો તો પાપ લાગી જાય, વ્રત કરવું પડે..”

“બુધવારે ને પૂનમે માથું ન ધોવાય, શનિવારે દાઢી ના કરાય કે ચપ્પલ ના લેવાય. મંગળ ને રવિવારે રીંગણાં ના શેકાય..”

“ઉપ્સ.. કેટલું બધું..! કદાચ આખો લેખ આવા જ વાક્યોથી ભરાઈ જાય એટલાં વાક્યો સાંભળ્યા છે આખી જીંદગીમાં. ને મને આજ સુધીમાં આ એકેય વાક્યો પાછળનું તથ્ય સમજાયું નથી. આપણો ધર્મ રસોડાની હાંડલીમાં જ કેમ સમાઈ ગયો છે..! 21મી સદીમાં પણ આપણે બહાર કેમ નથી નીકળી શકતા.. રિવાજો, નીતિ નિયમો પાછળનું કોઈ પણ તથ્ય જાણ્યા વિના એનું આંધળું અનુકરણ કરવાનું ક્યારે બંધ કરીશું..!”

ઈશ્વર કે જે આપણી અત્યંત નજીકનો, આપણો જન્મદાતા, પાલન કર્તા.. એ આપણાથી કોઈ પણ પ્રકારે અભડાઈ કઈ રીતે શકે..! ને વાત વાતમાં જે અભડાઈ જતો હોય, આપણને પાપ ને દોષ લગાડતો હોય એને ઈશ્વર કહેવો જ કઇ રીતે..! શ્રીમદ ભાગવતમાં ઈશ્વર સાથે કોઈ સંબંધ બાંધીને તેને ભજવાનું કહ્યું છે. શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય કે મધુર ભાવે ઈશ્વરને ભજવો જોઈએ. કારણકે જ્યારે કોઈ સંબંધ બાંધીએ છીએ ત્યારે એ આપણો અત્યંત નિકટનો બની જાય છે.. હવે જેને નિકટનો બનાવીએ એને જ આભડછેટ અને નિયમોમાં બાંધીને ફરી દૂર કરવાનો? મા સ્વરૂપે ઈશ્વરને ભજતાં લોકો ને મારે એટલું જ પૂછવાનું કે તમારું સગું બાળક તકલીફમાં હોય ત્યારે એને વ્હાલ કરશો કે આભડછેટ રાખીને એને દૂર બેસાડશો..? ઈશ્વર જો આપણી માં હોય.. જેણે આપણને જન્મ આપ્યો હોય એ આપણાંથી અભડાય કઈ રીતે..? આપણી મુશ્કેલ ભરી પરિસ્થિતિમાં આપણી સાથે રહે કે આપણાથી અભડાઈને દૂર બેસી રહે..! ને જો દૂર બેસી રહેતો હોય તો એવા ઈશ્વરનું મારે તો કામ નથી..”

પવિત્રતા અને અપવિત્રતાની આપણી વ્યાખ્યા કેટલી સંકુચિત થઈ ગઈ છે..! આ બધી જ જાતની મરજાદ રાખતાં ઘણાં લોકોને પાન, તમાકુ, ગુટખા સામે કોઈ જ વાંધો હોતો નથી. અરે.. નિંદા, હિંસા, ઝઘડાઓ સામે પણ કોઈ જ વાંધો હોતો નથી. “એમણે મને માન પણ ના આપ્યું.  લગ્નમાં આમંત્રણ પણ ના આપ્યું.  આટલો જ વહેવાર કર્યો” વગેરે જેવી તમામ ક્ષુલ્લક વાતો પાછળ આવા જ કહેવાતાં શુદ્ધ લોકોને રિસાઈ જતાં ને ઝઘડા કરતાં પણ જોયા છે..એમાં ના તો તેમનાં ધર્મની હાનિ થાય છે કે ના તો પવિત્રતા અભડાય છે.. અને હદ તો ત્યારે થાય છે કે આવા બાહ્ય આચરણ ના પાળતા લોકોને ફક્ત અડવાથી પણ એ લોકોની પવિત્રતા અભડાઈ જાય છે.. એક ક્ષણ માટે ચાલો માની પણ લઈએ કે આ બધી બાહ્ય શુદ્ધિઓ સેવા માટે આવશ્યક છે.. પણ કોઈ અન્ય વ્યક્તિ બાહ્ય રીતે શુદ્ધ ના હોય ત્યારે એ ત્રીજી વ્યક્તિને અડી જવા માત્રથી આપણે અશુદ્ધ કઈ રીતે થઈ જઈએ એ મને ક્યારેય સમજાયું નથી..

શાંતિથી જોઈશું તો સમજાશે કે આપણાં જેટલાં પણ નિયમો કે રીતિરિવાજો આપણાં વડવાઓએ બનાવ્યા છે એમની પાછળનું ઠોસ કારણ હતું. ઉદાહરણ તરીકે એકાદ રિવાજની વાત કરીએ તો લગ્ન સમયે હાથમાં મીંઢળ બાંધવામાં આવે છે.. આનો શું અર્થ હોઈ શકે..? મીંઢળનો ઉપયોગ આયુર્વેદ માં ઉલ્ટી કરાવવા માટે થાય છે. પહેલાનાં જમાનામાં કોઈનું સારું થતું હોય તો લોકો ઇર્ષ્યા ને લીધે એ વ્યક્તિને ઝેર ખવડાવી દેવા સુધી ના અચકાતાં.. ઝેર નો ઈલાજ છે કે ઝેર જેવું પેટમાં જાય એ સાથે જ એને ઓકીને બહાર કાઢવું. હાથમાં મીંઢળ બાંધેલ હોય તો ક્યાંય શોધવા ના જવું પડે અને જો ઝેરી અસર થાય તો તાત્કાલિક મીંઢળ ચૂસીને ઉલ્ટી કરી શકાય એ માટે મીંઢળ બાંધવામાં આવતું.. ધીમે ધીમે સમય સાથે એની પાછળનું કારણ ભૂંસાતું ગયું અને રિવાજ એમને એમ રહ્યો. કોઈએ એ જાણવા સુદ્ધાંનો પ્રયત્ન ના કર્યો કે આવું શું કામ..

રિવાજ છે એટલે સાચું અને એમ ના કરવામાં આવે તો અપશુકન.. આવા તો અનેક રિવાજો પાછળ રસપ્રદ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલાં કારણ મળી આવશે જેનું અહીં વર્ણન કરવા બેસીએ તો વિષયાંતર થઈ જશે. પરંતુ એટલું ખરું કે આપણાં વડવાઓ ખૂબ બુદ્ધિશાળી હતાં. એ આપણી એટલે કે ભારતીય પ્રજાની નસ સારી રીતે ઓળખતાં હતાં.  આપણી ભારતની પ્રજા છે જ એટલી ભોળી.. સ્વામી વિવેકાનંદ કહી ગયા છે કે દરેક વ્યક્તિની માફક દરેક દેશની પણ એક કરોડરજ્જુ હોય જેનાં આધારે દેશ ટટ્ટાર ઉભો રહી શકે અને જેનાં પર આઘાત કરતાં દેશ બરબાદ પણ થઈ શકે. અને ભારત દેશની કરોડરજ્જુ તરીકે એમણે ‘ધર્મ’નો ઉલ્લેખ કર્યો છે. આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે ભારત ધર્મનાં બળે જ આજ સુધી ટટ્ટાર ઉભું છે.. અને ભારત ને ખતમ કરવું હશે તો પણ ધર્મ જ કરશે. રાજકારણીઓ અને બીજા દેશનાં લોકો પણ આ વાત સારી રીતે જાણે છે એટલે જ વારંવાર ધર્મનાં નામ પર જ અંદરોઅંદર મરાવી નાખે છે.

આપણાં વડવાઓ પણ આ વાત સારી રીતે જાણતાં હતાં કે આપણાં દેશની પ્રજા ખૂબ ભોળી અને ધાર્મિક છે.  ધર્મનાં નામ પર લડી મરવા તૈયાર થશે. પરંતુ પોતાની જાત માટે કે શરીર માટે કશું કહેવામાં આવશે તો એનું પાલન નહીં કરે.. આપણી આ જ નસને આપણાં વડવાઓએ પારખી લીધી હતી. આથી જ તમે રિવાજો કે નીતિ નિયમો સામે નજર કરશો તો સમજાશે કે જેટલું કંઈ સ્વાસ્થ્ય માટે સારું હતું એને ધર્મ સાથે જોડી દેવામાં આવ્યું જેથી કરીને લોકો એનું હોંશે હોંશે પાલન પણ કરવા લાગ્યા. પરંતુ થયું એવું કે એ નિયમો સમયાંતરે બદલવા જોઈએ એ ના બદલાતાં આપણે એને જડતાથી એની પાછળનો અર્થ સમજ્યા વિના જ પકડી રાખ્યા. આવા જ નિયમોનાં ભાગ રૂપે આ આભડછેટનાં નિયમને લઇ શકાય.

શૂદ્રને અસ્પૃશ્ય માન્યા કારણકે એ જમાનામાં શુદ્રો એટલે કે લોકોનું મેલું ઉપાડે તે.. અને એ લોકો મેલું કે મળ ઉપાડ્યા બાદ જલ્દીથી હાથ વગેરે ના ધોવે તો એટલા સમય સુધી એમને કશું આપવું હોય તો દૂરથી આપવું જેથી કરીને ચેપ આપણાં શરીરમાં ના પ્રસરે. એમાંથી અસ્પૃશ્યતા ઘર કરી ગઈ. એ પછી ના તો એવા શુદ્રો રહ્યા કે ના તો એવું મેલું રહ્યું. સફાઈ કર્મચારીઓ પણ હવે તો પોતાનાં શરીરને પ્રથમ સાચવતાં થયાં છતાં અસ્પૃશ્યતાનાં રિવાજને કાઢતાં યુગોનાં યુગો લાગ્યા.. આજે પણ ઘણાં લોકો હજુ આ અસ્પૃશ્યતાને માને છે. જે જડતા સિવાય કશું નથી. કોઈ જ્ઞાતિ ક્યારેય અસ્પૃશ્ય હોઈ જ ના શકે.. અસ્પૃશ્ય તો ખરેખર આવા જડ વિચારો છે.

બીજી વાત ટોઇલેટ બનાવવાથી લઈને સ્નાન બાદ ટોઇલેટનાં વાસણને અડવાની.. તો ખરેખર આ હાસ્યાસ્પદ ઘટના ફક્ત ભારતમાં જ બને છે કે લોકો શૌચાલયને કે ટોઇલેટનાં વાસણને અસ્પૃશ્ય માને છે અને એને સ્પર્શ કર્યા બાદ સ્નાન કરે છે. ચોક્કસપણે આની સાથે સ્વાસ્થ્ય જોડાયેલું છે જ કે ટોઇલેટનાં વાસણ પર સૌથી વધુ જીવાણુઓ હોવાની શક્યતા છે એટલે એને અડયા બાદ સ્નાન કરી લીધું હોય તો ચેપ ના લાગે. પરંતુ આજ કાલ ટોઇલેટ સાફ કરવા માટે એટલી પ્રકારની સામગ્રી આવે છે કે જો તમે એ વાપરીને ટોઇલેટને વ્યવસ્થિત સાફ રાખતાં હોય તો ચેપનો પ્રશ્ન ઉપસ્થિત જ નથી થતો.. પરંતુ આ બધા કારણો જાણ્યા વિના ટોઇલેટ માત્રને અસ્પૃશ્ય માનનાર લોકો તો શૌચાલયનો જ ત્યાગ કરવા લાગ્યા અને ખુલ્લામાં મળ મૂત્રનો ત્યાગ કરવા લાગ્યા. અરે પહેલાનાં જમાનામાં ટોઇલેટ જેવી કોઈ સુવિધા ન્હોતી એટલે શાસ્ત્રોમાં એમ લખેલું હોય કે ટોઇલેટ બાદ માટી નાખવી વગેરે તો એનાંથી એ નિયમ ને જ જડપણે વળગી રહીને ઘણાં લોકો એ શૌચાલયનો ત્યાગ કર્યો અને ખુલ્લામાં મળમૂત્ર ત્યાગ કરીને વધુ ચેપ લાગે એવું વાતાવરણ પેદા કર્યું. અને વધુ હાસ્યાસ્પદ તો ત્યારે બની ગયું કે શૌચ ક્રિયાને પણ ધર્મ સાથે જોડી દેવામાં આવી. શૌચ ગયા બાદ સ્નાન કર્યા વિના મંદિરમાં કે દેવતાને સ્પર્શ ના કરાય.. અરે.. હદ થઈ ગઈ..! જ્યાં સુધી એ મળ મૂત્ર આપણાં શરીરની અંદર હતાં ત્યાં સુધી તો અસ્પૃશ્ય ન્હોતાં. અને એનો ત્યાગ કર્યો ત્યાં તો આપણે પણ અસ્પૃશ્ય બની ગયા..! સૌથી વધુ દયા તો એ લોકો પર આવે છે કે જેઓ ફરીથી સ્નાન ના કરવું પડે એ માટે આવા કુદરતી વેગોને ધારણ કરી રાખે છે. અથવા તો કબજિયાતની દવા લેતાં પણ ડરે છે અને અનેક બીમારીઓનો ભોગ પણ બને છે..

ઈશ્વર તો એમ સુદ્ધાં કહે છે કે દરેક મનુષ્ય મારું બાળક છે ને બાળક જો મળમૂત્ર થી ખરડાયેલું હોઈ તો એને સાફ કરીને ખોળામાં લેવું મારી ફરજ છે. બાહ્ય કે આંતરિક અશૌચ સુદ્ધાં ઈશ્વરનાં સ્પર્શ માત્રથી કે નામ માત્રથી પવિત્ર બને છે. પણ કદાચ આ કહેવાતાં ધાર્મિક લોકોને એવી શ્રદ્ધા જ નથી કે ઈશ્વરનું નામ માત્ર ગમે એટલાં અપવિત્ર લોકોને પવિત્ર કરવાની ક્ષમતા ધરાવે છે. અથવા તો એમ પણ કહી શકાય કે તેઓ દ્રઢપણે માને છે કે ઈશ્વર ખાલી મૂર્તિ માં કે મંદિરમાં જ છે… આખરે કેટલો મળ સાફ કરશો આ શરીરનો.. અને શરીરનો તો કદાચ કરી પણ લેશો પણ મનનાં મેલનું શું..! એનાં કરતાં જેવા છીએ એવા એ દયાનિધિને, કૃપાનિધિને શરણે જઈએ.. અરે.. હું તો ત્યાં સુધી કહું છું કે ઈશ્વરનાં અસ્તિત્વની જરૂર પવિત્ર કરતાં અપવિત્ર લોકો ને જ વધુ છે.. પવિત્ર થવાની આપણી શી તાકાત..! એને જ કહીએ કે અમને તન મનથી શુદ્ધ બનાવે..

હવે વાત કરીએ ડુંગળી લસણની તો હા ચોક્કસ પણે ખોરાકની શ્રેણીમાં ડુંગળી લસણ ને તામસી ખોરાક માનવામાં આવ્યા છે. પણ સાથે સાથે પર્યુષિત એટલે કે વાસી વસ્તુ પણ એટલી જ તામસી છે. એ સાથે વધુ પડતી ચટાકેદાર રસોઈ રાજસિક છે. સાત્વિક ખોરાકમાં તો ફક્ત દૂધ, અને ગળ્યું કે ઘી વાળું જ અથવા તો હવિષ્યાન્ન જ આવશે. પરંતુ ખોરાકનું મહત્વ આપણાં અધ્યાત્મ પર કેટલું.. ગીતામાં યુક્તાહાર વિહારની વાત કરી છે. એટલે કે માત્રા યુક્ત આહાર લેવો.. ન વધુ કે ન ઓછો.. એટલો વધુ આહાર ન લઈ લેવો કે ધ્યાન કરવા બેસો ને ઊંઘ આવે અને એટલો ઓછો આહાર ન લેવો કે શરીર ક્ષીણ થવા માંડે.. આનાથી વધુ ખોરાકને અધ્યાત્મ સાથે વધુ લેવા દેવા નથી.

આહાર નો અર્થ થાય છે જે કંઈ ગ્રહણ કરવામાં આવે છે એ.. આ ગ્રહણનો અર્થ ફક્ત જીહવા ઇન્દ્રિય નથી પરંતુ પાંચે પાંચ ઇન્દ્રિયો ત્યાં સમજવી જોઈએ. આપણે ખોરાકની બાબતમાં જ એટલાં જડ થઈ જઈએ છીએ કે બીજી ઇન્દ્રિયો ને ભૂલી જઈએ છીએ.. એટલું જ નહીં.. ડુંગળી લસણ ન ખાનારા વ્યક્તિઓમાં ક્યારેક તમાકુ, બીડી, સિગારેટ, શરાબનું વ્યસન જોવા મળે છે. જાણે એ બધી વસ્તુઓ સાત્વિક હોય..! અને ખરેખર જ જો તામસિકતા નો ત્યાગ કરવો હોય તો એ ફક્ત ખોરાક પૂરતું સીમિત ના રહેતાં વ્યવહારમાં અને દરેક ઇન્દ્રિય સુધી આવવું જોઈએ.. ખરાબ દ્રશ્યો જેમાં પોર્ન ફિલ્મથી લઈને ખરાબ સાહિત્ય આવી જાય એનો ત્યાગ કરીએ.. ખરાબ વાક્યો કે જેમાં ગાળથી લઈને અન્ય વ્યક્તિને દુઃખ પહોંચાડે એવા તમામ શબ્દો, નિંદા કુથલી આવી જાય એવા શબ્દો બોલવા કે સાંભળવાનો ત્યાગ કરીએ. પરંતુ આપણે તો આહારથી ફક્ત ખોરાક અને એમાં પણ ડુંગળી લસણને જ વળગી રહ્યા છીએ. હકીકતમાં ડુંગળી લસણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.. ને આવું જ વિચારીએ તો નોનવેજ ખાતાં કોઈ જ લોકોને આપણે આધ્યાત્મિક કહી જ ન શકીએ.. પણ વિશ્વનો ઇતિહાસ તપાસો.. તપાસતાં ખ્યાલ આવશે કે ખોરાકને અધ્યાત્મ સાથે ઘણો જ ઓછો સંબંધ છે. ને કદાચ ડુંગળી લસણનો ત્યાગ કરીએ તો પણ ક્યારેય નિયમો એવા જડ ના હોવા જોઈએ કે જે અન્ય વ્યક્તિઓ માટે અગવડ ઉભી કરે.. અન્ય વ્યક્તિને ત્યાં મહેમાન બનીને જઈએ પણ અમે તો પ્રસાદ સિવાય કશું લેતાં નથી કે ડુંગળી લસણ ખાતાં નથી કે સૌથી વધુ હાસ્યાસ્પદ તો અન્ય ધર્મનો પ્રસાદ લેતાં નથી આ બધાં નિયમો અન્ય વ્યક્તિઓ માટે અસુવિધા ઉભી કરે છે. આવા નિયમોનો ત્યાગ કરવો અથવા તો એને જડ પણે ના વળગી રહેવું જ યોગ્ય છે.

અને હવે સૌથી વધુ માથાનાં દુખાવા સમાન રિવાજ.. માસિક ધર્મ સમયની અપવિત્રતા.. આની પાછળ બહુ જ સ્પષ્ટ કારણ છે જે બધા જાણે છે કે આ દિવસો દરમ્યાન સ્ત્રી માનસિક અને શારીરિક બન્ને રીતે અત્યંત નબળી પડે છે. એટલે એમને આરામની ખાસ જરૂર હોય છે એટલે એને રસોડા અને ઘરનાં કામથી એટલાં દિવસ દૂર રાખવામાં આવતી. પરંતુ આપણે તો એને પણ અપવિત્રતા સાથે જોડી દીધી. હા.. સ્વાસ્થ્યનું કારણ પણ છે જ.. મેં ક્યાંક વાંચ્યુ છે કે પહેલાનાં જમાનામાં રાજા વગેરે ને મારવા માટે સ્ત્રીઓનો ઉપયોગ કરાતો જેમાં રાજાની રસોઈમાં સ્ત્રીનાં માસિકને ભેળવી દેવામાં આવતું.. માસિકમાં એટલાં ઝેરી તત્વો હોય છે કે મૃત્યુ પણ આણી શકે અને એટલે પણ કદાચ આ દિવસો દરમ્યાન સ્ત્રીને રસોઈથી દૂર રાખવામાં આવતી. પરંતુ આજનાં જમાનામાં જ્યારે પર્સનલ હાઈજિનને લગતી આટલી જાગૃતતા ને વ્યવસ્થા છે ત્યારે આ રિવાજ પણ અર્થહીન બનતો જાય છે. હા.. આરામની આવશ્યકતા ચોક્કસ છે. એટલે એટલાં દિવસ કામ ન કરે એટલું પૂરતું છે. પરંતુ એનાં માટે એને ખૂણો પાળવા મજબૂર કરવી તો નર્યો અત્યાચાર છે. એ દિવસોમાં તો એને સહાનુભૂતિ ને સ્પર્શની ખાસ જરૂર હોય છે અને આપણે એ જ દિવસોમાં એને દૂર બેસી જવા મજબૂર કરી દીધી.

ઘણાં લોકોને તો આ દિવસોમાં સ્ત્રી ઘરમાં ભૂલથી અડી જાય તો આખું ઘર સાફ કરતાં જોયા છે અને એ દિવસોમાં કે જ્યારે સ્ત્રી તણાવ યુક્ત પરિસ્થિતિમાંથી પસાર થતી હોય ત્યારે ‘તેં મારો ધર્મ અભડાવી નાખ્યો’ વગેરે શબ્દો દ્વારા એને દુઃખ પહોંચાડાય છે.

સૌથી વધુ આઘાતજનક તો માસિકનાં દિવસોમાં સ્ત્રીને મંદિર અને ઈશ્વરથી પણ દૂર કરી દીધી… નાનપણથી ઘણી વાર આનું કારણ ઘણાંને પૂછવાની કોશિશ કરી પણ મોટાભાગે તો એ રિવાજ છે ને પાળવો પડે. એમાં દલીલ ના કરાય.. પાપ લાગે.. આવા જ જવાબો મળ્યા.. ઈશ્વરને અડવાથી પાપ પણ લાગી શકે એ મને ક્યારેય ન સમજાયું.. ઈશ્વર જો એમ વાતની વાત માં આપણાં પર પાપ ચડાવતો રહે અને એ પણ એને સ્પર્શ કર્યાનું તો એ ઈશ્વર હોઈ જ ન શકે.. મોટાં ભાગે તો આ બધું આપણે સ્વીકારી લીધું છે.. દલીલ કરવી કે કારણ જાણવાની કોશિશ કરવામાં પણ પાપ લાગી જવાનું હોય તેમ.. કોઈ પણ સ્ત્રી કે વ્યક્તિ પોતાની જાતને અસ્પૃશ્ય માની લે તો એનાંથી વધુ શરમ જનક ઘટના મારાં માટે હોઈ જ ના શકે. જ્યારે આપણે જ આપણી જાતને અસ્પૃશ્ય માની લેશું અને આપણને અડવા માત્રથી બીજા લોકોને પાપ લાગી જશે એવું માનતા થઈ જઈશું તો દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કે સ્વયં ઈશ્વર પણ આપણો ઉદ્ધાર કરવા ન આવી શકે.. ઉલ્ટું આપણે તો એવું શ્રદ્ધાવાન થવું જોઈએ કે આવું માનતાં લોકોને કહેવું જોઈએ કે જો આ દિવસોમાં મને સ્પર્શ કરવાથી તમને પાપ લાગે કે મારાં મંદિરે જવાથી ઈશ્વર અભડાય તો એ તમામ દોષો ને પાપનો ઢગલો હું મારાં માથે ચડાવવા તૈયાર છું. તમે નિશ્ચિંત થઈ જાઓ. સ્વામી વિવેકાનંદ કહી ગયા છે કે પોતાની જાતને પાપી માનવાથી મોટું કોઈ પાપ છે જ નહીં.. જાતને શરીર માનવાનું બંધ કરીને શુદ્ધ આત્મા માનતાં થઈએ.. આત્મા ક્યારેય અશુદ્ધ હોતો જ નથી તો આ બધી અશુદ્ધિઓ ને પાપ તો બહુ દૂરની વાત છે.

અરે.. એટલું તો વિચારો કે આપણે ‘માસિક ધર્મ’ શબ્દ વાપરીએ છીએ. એટલે કે સૃષ્ટિનું સર્જન કરનારી એ પ્રક્રિયાને આપણે ધર્મ શબ્દથી નવાજીએ છીએ અને ત્યારે જ ફરી સ્ત્રીને ધર્મથી ને ઈશ્વરથી દૂર રાખીએ છીએ! અરે.. હું તો કહું છું આ દિવસો જ ખાસ છે જ્યારે ધ્યાન ભજન પૂજા કરવા જોઈએ. કારણકે એ દિવસોમાં સ્ત્રી શારીરિક અને માનસિક બન્ને રીતે તણાવભરી પરિસ્થિતિમાંથી પસાર થાય છે. અને ઈશ્વર પોતાનાં કોઈ પણ બાળકને એની આવી સ્થિતિમાં એકલો તો ના જ છોડે. કદાચ સ્વચ્છતાની દ્રષ્ટિએ કોઈને એમ લાગતું હોય કે આ દિવસોમાં ગંદકી ભર્યું શરીર છે તો મૂર્તિને સ્પર્શ ના કરો એમાં બધું આવી ગયું.. જો કે એ પણ અર્થ હીન જ છે પણ છતાં મનનાં સમાધાન ખાતર આટલું કરવું ઘણું થઈ રહેશે.. બાકી મંદિરથી જ સ્ત્રીને દૂર રાખી દેવી એનાં જેવું મહાપાપ કોઈ નથી.

અંતે એટલું જ કે પ્રશ્ન કરવો એ પાપ નથી. આજ પછી કોઈ તમને જ્યારે ‘અડશો માં’ વાળી વાત કરે તો એનું કારણ પૂછવા ને જાણવા કોશિશ જરૂર કરજો. અને મનનું સમાધાન મળે તો જ એનો સ્વીકાર કરજો. પૂછવાથી પાપ નહીં લાગે એની ખાતરી રાખજો.. અને ‘અડશો માં’ ધર્મમાં માનતાં લોકોને ફક્ત એટલું જ કે અંધાનુકરણ બંધ કરીએ.. પછી એ કોઈ ધર્મ ગુરુનું જ કેમ ના હોય..! જો ખરેખર આપણે ઈશ્વર પ્રાપ્તિ કરવી હોય તો એ ઈશ્વર આવા ‘અડશો માં’ ધર્મથી તો કોસો દૂર છે  એક સમયે જે રિવાજો ને માન્યતાઓ હતાં એની પાછળનું એ સમયનું વૈજ્ઞાનિક કારણ હતું. સમયાંતરે એમાં બદલાવ જરૂરી છે. આજે જૂના રિવાજો જે આજનાં સમય સાથે સુમેળ સાધી શકતાં નથી એનો ત્યાગ કરીને નવા રિવાજો બનાવીએ. જેમ કે.. ગર્ભાવસ્થા દરમ્યાન મોબાઈલ જેવી ચીજોનો ત્યાગ કરવો વગેરે.. કે જે બાળકનાં સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે. અને મને ખાતરી છે કે આવા કોઈ રિવાજોને ધર્મ સાથે જોડીને બનાવવામાં આવે તો લોકો ચોક્કસપણે એનું પણ પાલન કરતાં થાય કારણકે ભારત દેશની પ્રજા ખૂબ ભોળી છે. એને ધર્મનાં નામે તમે ઊંચા પણ લાવી શકો અને છેતરી પણ શકો.. અને સાથે સાથે એ પણ કહેવાનું કે આવા નવા નિયમો કે જે પણ રિવાજો અસ્તિત્વ માં આવે એનાં માટેની સમય મર્યાદા ચોક્કસ નક્કી કરવી કારણકે અમુક સમય પછી અને નવી શોધ ખોળો પછી એ અર્થ હીન બની જતાં હોય છે.

મને ખ્યાલ છે કે મારાં આ લેખથી ઘણાં જ લોકો નારાજ થશે.. ઘણાં લોકોને દુઃખ પણ થશે અને મારી વિરુદ્ધ ઘણું બોલશે પણ ખરાં. એ તમામ લોકોની હું ખરાં અંતઃકરણ પૂર્વક માફી માંગુ છું. કોઈની પણ ધાર્મિક લાગણીને દુભવવાનો મારો ઈરાદો છે જ નહીં.. છતાં એટલી ચેતવણી પણ ખરી કે આપણે જે કોઈ ધર્મને માનતાં હોઈએ એને આપણાં સુધી સીમિત રાખીએ.. આવા જડ નિયમો બીજાં લોકો પણ પાળે એવી આશા ન જ રાખીએ નહીં તો હવેની પેઢી પ્રશ્નો પણ કરશે અને અંધાનુકરણ તો નહીં જ કરે.. એ વૈજ્ઞાનિક આધાર સિવાય આ વાતોને નહીં માને અને સમયાનુસાર આપણે જો આપણાં જડ ધાર્મિક રિવાજોને દૂર ના કરી શક્યા તો નવી પેઢી આવા ધર્મથી કે ઈશ્વરથી વિમુખ થતી જાય તો એનો દોષ કોને લાગશે એ પણ વિચારી રાખવું.. અંતે ફરીથી જેમની લાગણી દુભાઈ હોય તેમની ખરાં અંતઃકરણથી માફી માંગુ છું.

-ડૉ. આરતી રૂપાણી લાખાણી

*******

આ લેખ માટે હું ડૉ. આરતી રૂપાણી લાખાણી નો ખુબ ખુબ આભાર માનુ છું, એમનો આ લેખ મેં પ્રતિલિપિ પર વાંચ્યો હતો, અને મને લાગ્યું કે આ લેખ બને એટલા વધુ લોકો સુધી પહોંચાડવો જોઈએ એટલે આરતીજીને વિનંતી કરીને અને એમની પરવાનગી થી આ લેખ હું આપ સહું માટે અહીં લાવી શક્યો છું.

સાથે મારા થોડા વિચાર પણ આ બાબતે શેર કરીશ. આરતીજીએ સાચું કહ્યું… જ્યારે પણ રિવાજના નામે થોપવામાં આવતા કામ પાર સવાલ કરીએ ત્યારે આપણને એમ કહી ને વડીલો ચૂપ કરાવી દે છે કે “દલીલ ના કરાઈ પાપ લાગે.” આજની પેઢી ને નવો રસ્તો બતાડનારો, જૂની પેઢીને સુધારવા માટે અને આંખ ઉઘાડવા માટે મજબૂત અને સચોટ દલીલ રજૂ કરતો અને આવનારી પેઢી આવી બધી માન્યતાઓ થી દૂર રહી શકે એવો માર્ગદર્શિય લેખ છે. 

પણ લેખિકાએ આ લેખ માં બે વાર માફી માંગી એ મને થોડું અજીબ લાગ્યું અને મેં એમને કહ્યું પણ ખરાં કે તમારે માફી માંગવાની જરૂર હોય લેખ વિષે એવું મને વાંચતી વખતે યા વાંચીને જરાઈ લાગ્યું નહીં… અને તમે એ કામ બે વાર કર્યું … જ્યારે સમાજ માં થતાં ખોટા કર્યો… ખોટી માન્યતાઓ દૂર કરવાની વાત કરતા હોઈએ એ પણ યોગ્ય અને સચોટ દલીલ/કારણો સાથે… ત્યારે લેખ લખ્યા જેટલી જ હિમ્મત એને પ્રકાશિત કરવામાં પણ રાખવી જરૂરી છે.

તો એમણે મને કહ્યું કે “માફી માગવી જરૂરી એટલે છે કે આપણી જ આસપાસનાં અનેક લોકો એને ધર્મનું ઉલ્લંઘન સમજે છે. મારે એમને એટલું જ કહેવું છે કે તમારાં ધર્મ સામે મારો કોઈ વિરોધ કે ધાર્મિક લાગણી દુભાવવનો મારો ઈરાદો નથી. પણ હા.. એ ધર્મ ને તમારાં સુધી જ રાખો ત્યાં સુધી.. એને જો અમારાં સુધી લાવવા માંગતા હોય તો પ્રશ્નો પણ થશે અને વિરોધ પણ.”

ત્યારે મેં કહ્યું : “એમાં લાગણી દુભાવાની વાત જ નથી, ધર્મનું ઉલ્લંઘન એવા લોકો જ સમજે છે જેને ધર્મ વિષે પુરી ખબર જ નથી હોતી, અને તમે સચોટ દલીલ સાથે સભ્ય ભાષામાં લખ્યું છે, અને આપણું સંવિધાન આપણને આપણો મત કે વિચાર દર્શાવાની આઝાદી આપે છે, તો એમાં હું તમારે લેખને અંતે માફી માંગવી જરૂરી નથી સમજતો.”

જો તમે પણ લેખિકા અને મારા વિચારો સાથે સહમત હોવ અને આ લેખ યોગ્ય લાગ્યો હોય, ગમ્યો હોય તો બને એટલા વધું લોકો સુધી આ લેખ પહોંચાડવા વિનંતી.

આભાર સહ,

-ચેતન ઠકરાર

મોબાઈલ : +919558767835

*******

નોંધ : ડૉ. આરતી રૂપાણી લાખાણી ના બીજા લેખ, વાર્તાઓ અને કવિતાઓ વાંચવા માટે આપ એમના પ્રતિલિપિ પ્રોફાઈલ પર અહીં  ક્લીક કરીને વાંચી શકશો.

 
2 ટિપ્પણીઓ

Posted by on જાન્યુઆરી 7, 2020 માં Dr. Arti Rupani