RSS

Category Archives: Vicky Trivedi

પિયર


દિવાળીની રજા હતી એટલે શાળાએ જવાનું નહોતું. મારી ધર્મપત્ની છાયાને ખબર જ હોય કે શાળામાં રજા હોય કે રવિવાર હોય એટલે મને મોડા સુધી ઊંઘવાની ટેવ. આમ દેખો તો એ ટેવ એણીએ જ પાડી હતી. જ્યારે મારા લગન થયા ત્યારે મહિના પછી મને શિક્ષકની નોકરી મળેલી. હા એ સાચું છે કે છાયાના પગલાં મારા ઘરમાં શુકનિયાળ હતા.

લગ્ન પહેલા હું બાપુની એ વાતને અન્ધશ્રદ્ધા જ માનતો કે નાના પગવાળી કન્યા શુકનિયાળ હોય! પણ લગન પછી જ્યારે મને એક જ મહિનામાં નોકરી મળી ત્યારે હું છાયાના પગ જોયા કરતો! ઘણીવાર મને એ કહેતી પણ ખરા, “એય, તમે શું આ પગ જોયા કરો છો? મારો ચહેરો નથી ગમતો શુ?”

“હોય કાઈ ગાંડી? આ તો તારા પગ એટલા માટે દેખું છું કે તું મારા ભરોસે ચાલીને આ ઘરમાં આવી ગઈ પણ એ પિયરના અંગણાનો સ્પર્શ યાદ તો કરતા જ હશે ને?”

ભોળી છાયાને હું એ રીતે પિયરની યાદોમાં પરોવીને મૂળ વાત ઉડાવી દેતો. પણ મને એ ક્યાં ખબર હતી કે એ પિયરની યાદમાં ખોવાઈ જતી એટલે જ એ વાત જવા દેતી બાકી એ સાવ ભોળી તો ન જ હતી!

એ પછી મારે નોકરી માટે રાજકોટ જવાનું થયુ. બા બાપુજીને ગામડે મૂકી હું અને છાયા રાજકોટમાં ભાડાના ઘરમાં ગયેલા. થોડોક સામાન થોડાક ચોપડા કપડા અને બિસ્તરા…! નવા નવા તો મને થોડું ફાવ્યું નહી પણ આપણે મર્દ જાતને શું હોય? ગમે ત્યાં ફીટ થઇ જ જઈએ ને! મને તો ખાસ કઈ ગામડું કે બા બાપુજી યાદ ન આવતા. મારો તો આખો દિવસ શાળામાં ભણાવવામાં જતો અને સાંજે રજીસ્ટર બનાવવામાં કે પછી ટેસ્ટ તૈયાર કરવામાં જતો! પણ છાયા માટે નવી જગ્યા જરાક અજાણી હતી.

પહેલા તો બા બાપુ સાથે હતા એટલે બા સાથે વાતોમાં એનો સમય નીકળી જતો. ઘણીવાર મારા પાડોશની બહેનો કે ભાભીઓ પણ બેઠક માટે આવતા! ગામડામાં જે નવી વહુ આવે એને જોવા ને જાણવા કુવારી કન્યાઓ આવે એવો રીવાજ જ ગણી લ્યો ને! સાચું કહું તો એક વહુ તરીકે કેવી રીતે રહેવું, શું બોલવું, એ બધું જ્ઞાન ગામડામાં તો નવી આવેલી વહુને જોઇને જ શીખતા ત્યારે ક્યાં ટીવી અને સીરીયલ હતી! હવે તો સીરીયલમાં દરેક કુવારી કન્યાને સાસરીયે શું કરવું એના બધા દાવપેચ એકતા કપૂર શીખવે છે!

પણ ત્યારની વાત અલગ હતી!

નવા શહેરમાં છાયા માટે ન તો બા હતી ન એ બધી કન્યાઓ કે ભાભીઓ એટલે આખો દિવસ પિયરની યાદો વાગોળ્યા કરતી! અને સોમથી શની સુધી તો ભરાઈ જતી. નોકરીના એક જ અઠવીડિયામાં જ્યારે પહેલો રવિવાર આવ્યો કે છાયા હું જાગુ એ પહેલાં તૈયાર થઈ ગઈ હતી! હું જાગ્યો એટલે તરત મને ચા આપીને કહ્યું, “જલ્દી તૈયાર થઈ જાઓ.”

“કેમ ક્યાં જવું છે? અહીં આપણને કોણ ઓળખે?” મનેય નવાઈ થઇ.

“અરે પિયરમાં.”

“હે પિયર? પણ કાલે સવારે તો નોકરીએ જવું પડશે.”

“હા તો રાતની બસમાં પાછા આવશું પણ નાનકો જીદ કરે છે બનેવીલાલને નોકરી મળી એની મીઠાઈ લઈને આવ એટલે આવ.”

મારુ મન તો નહોતું પણ હું સવારથી કજીયો કરવા નહોતો ઇચ્છતો એટલે મેં હા માં હા ભેળવી. હું તૈયાર થઈ ગયો. સ્ટેશન જઈને અર્ધો કલાક રાહ જોઈ. બસ આવી ત્યારે મેં એનો ચહેરો જોયેલો વર્ણન ન કરી શકાય એટલી એ રાજી હતી! અમે બસમાં બેઠક લીધી ત્યાં મેં એને યાદ કરાવ્યું,

“પણ અલી આપણે મીઠાઈ તો લીધી જ નથી, ત્યાં ગામડા ગામમાં શુ મળશે?”

ખડખડાટ હસીને છાયાએ મારા ઉતરેલા ચહેરા તરફ જોયું ત્યારે એના એ હાસ્યમાં ઘણા શબ્દો હું કળી ગયો કે જેને હું ભોળી સમજતો હતો એ મને બનાવી ગઈ! નાનકાને મીઠાઈ માટે નહીં પણ પોતે પિયરનું આગણ ખૂંદવા માટે જ મને બનાવી ગઈ હતી!

ખેર જે થયું એ થઈ ગયું હવે કાઈ એનાથી વઢવાથી ફરી ઘરે જઈને ઊંઘવા તો નથી જ મળવાનું ને? એમ વિચારી હું મારા હોઠ ઉપર એક સ્મિત લાવી એની પાસે એક આદર્શ પતિની જેમ બેસી રહ્યો.

અમે બપોરે મારા સાસરિયે પહોંચ્યા ત્યારે તો અચ્છો અચ્છો વાનાવાળી મહેમાન ગતી મળી. સાંજ સુધી હું મારા તોફાની નાનકડા સાળા અને મારા ગંભીર સસરા સાથે વાર્તાલાપમાં ત્રાસી ગયો કેમ કે ખાટલાંના એક છેડે મારા ગંભીર સસરા ત્રિકમલાલ અને બીજે છેડે મારો સાળો રમણ બેઠો હતો અને મારી પાસે ચહેરો એક જ હતો.

સસરાની વાત ઉપર ગંભીર ચહેરો કરી હું બેઠો હોઉં ત્યાં પેલી તરફથી રમણ મને કૂણી મારે એટલે એની સામે મારો એ ગંભીર ચહેરો લઈને ફરું એટલે એ નારાજ થઈ જાય. ત્યાં સુધી તો ઠીક હતું પણ જ્યારે રમણ મને એની બહેનના એટલે કે છાયાના નાનપણના ફોટા મને એના બાપુ દેખે નહિ એમ છાના છાના બતાવતો. અને એ ગાંડી ઘેલી નાનકડી છાયાને જોઈ ખખડાટ હસતા હસતા મારા સસરા તરફ જોતો એટલે થોડી વારે કંટાળીને મને ગાંડો સમજીને ઉભા થઇ મંદિરે ચાલ્યા ગયા.

સાંજ સુધી છાયા તો એની મા સાથે વાતો કરતી રહી પછી મેં જ જ્યારે એની અડોશ પાડોશની બહેનપણીઓ ગઈ તયારે એને ટકોર કરી કે કાલે શાળાએ જવાનું છે એટલે એ ઉભી થઈ ગઈ.

દીકરી અને મા વચ્ચે ઘણી ખેંચમતાણ ચાલી પછી છેવટે મારી નોકરી ખાતર અમને વિદાય મળી. મારા માટે એ સ્નેહ ત્યારે તો એક મજાક જ હતો કેમ કે પુરુષ ગમે ત્યારે ઘર છોડીને જાય એને માત્ર દુઃખમાં જ મા બાપ યાદ આવે. મારેય એવું જ હતું. હું ભાગ્યે જ બા બાપુને યાદ કરતો. પણ સ્ત્રીને તો પિયર યાદ આવે જ એમાંય નવપરિણિતને તો ખાસ યાદ આવે!

અમે ત્યાંથી નીકળ્યા અને વળતા પણ એ જ રીતે ધક્કામુક્કીવાળી બસમાં રાજકોટ પહોંચ્યા. રાતે અગિયાર વાગે ઘરના દરવાજે આવ્યા ત્યાં તો શરીર એટલું થાકયું હતું અને મગજ એટલું કંટાળ્યું હતું કે હું સીધો જ જઈને ખાટલામાં પડ્યો એવો સુઈ ગયો….

આ તો એક ઉદાહરણ હતું જેને હું ભોળી સમજતો એ છાયા મને બનાવી ગઈ હોય એવું. એ પછી તો બાપુ બીમાર છે, બહેનપણીને બાબો આવ્યો છે, નાનકાને હાઈસ્કૂલમાં પ્રથમ નંબર આવ્યો છે એવા કેટ કેટલા બહાના કરીને મને એ એક જ દિવસમાં રાજકોટથી એના પિયર અને પિયરથી પાછા રાજકોટની દોઢસો કિલોમીટરની મુસાફરી કરાવી દેતી.

હું એ બધું ચલાવી લેતો કેમ કે બિચારી અજાણ્યા શહેરમાં કોની જોડે વાતો કરે? અડોશી પાડોશી તો હતા પણ હવે પારકી માના જણ્યાઓ કેવા હોય? ઠીક મારા ભાઈ! એટલે એ સોમથી શનિ મનોમન કંટાળીને છ દિવસની મહેનતે કોઈ નવું બહાનું બનાવીને એ દોઢસો કિલોમીટરની સફર કરાવી દેતી! ને પછી તો મનેય આદત પડી ગઈ હતી એ સફરની કે કોઈ વાર એ મને ન જગાડે તો પણ મારી આંખ રવિવારે ચાર વાગે ખુલી જ જતી!

છાયા પિયર વગર રહી જ ન શક્તી એમ કહું તો પણ ખોટું નથી. પણ તે છતાં એક જ દિવસમાં છાયા કેટલી બદલી ગઈ હતી? બસ એ એક ઘટના ઘટી ને છાયા મારો પડછાયો બની ગઈ.

એકવાર મેં નવું નવું સ્કૂટર લીધેલું. હજુ બરાબર મને આવડ્યું નહોતું. ક્યાંથી આવડે જેને શીખવવા કહેતો એ શિક્ષક પેટ્રોલ પતી જાય ત્યાં સુધી ખુદ આંટા મારતા અને કહેતા જતા. જો વિનોદભાઈ આ રીતે ટન લેવાનો, આ રીતે રેસ આપવો, આ રીતે ગીયર બદલવા. પણ એ લોકો ચલાવે તો મને ક્યાંથી આવડે? તેમ છતાં હું એમ વિચારતો કે ધીમે ધીમે જોઈ જોઇને શીખી લઈશ પણ એ દિવસે જયારે નીલકંઠ મહેતાએ સ્કુટર હાઈવે ઉપર લીધું અને પેટ્રોલ પૂરું થઇ ગયું ત્યારે એ મહોદય તો પોતાના સસરાના ઘરે ચાલ્યો ગયો કેમ કે એ એવા પ્લાનીન્ગથી જ મને સ્કુટર શીખવવા આવ્યો હતો! એ સમયે તો પેટ્રોલ પંપ પણ ઓછા હતા એટલે મારે પગપાળા સ્કુટર લઈને ઘરે આવવું પડ્યું.

મારા નવા સ્કુટરથી એ લોકો વટ પાડી ગયા અને મજા પણ લઇ ગયા! ખેર એ દિવસ પછી મેં સાહસ કરીને સ્કુટર જાતે જ ચલાવવાનો નિર્ણય કર્યો. અને સ્કુટર લઈને હું શાળાએ જવા લાગ્યો. પણ એ સાહસ મોઘું પડ્યું! એક દિવસ શાળાએથી આવતા હું પડ્યો અને મારી કંમરમાં ઇજા થઇ.

ઓપરેશન અને સતત બે મહિનાના આરામ પછી પણ ડોકટરે મને ટુ વહીલર ચલાવવાની ચોખ્ખી ના પાડી. તેમજ એક જ જગ્યાએ ઘણીવાર બેસી ન રહેવું એ પણ ખાસ ચેતવણી આપી. દર અર્ધા કલાકે એક વાર ખુરશીમાંથી ઉભા થઇ જવાનું.

એ તો સારું થયું કે શાળામાં મારી મરજી મુજબ હું ચાહું ત્યારે ખુરશીમાં બેસી જતો ચાહું ત્યારે ઉભો થતો. પણ જો બીજી કોઈ નોકરી હોય તો હું દર અર્ધા કલાકે ઉભો થાઉં એ કેવું લાગે?

ઘરે પણ મને છાયા ટીવી જોવા ન દેતી. અર્ધો કલાક થાય કે એ સ્વીચ પાડી દેતી! “ચાલો ઉભા થઇ જાઓ, એક આંટો મારી આવો આગણા સુધી.” કહી મને હાથનો ટેકો આપી ઉભો કરી દેતી.

એ પછી એક બે વાર હું અને છાયા પેલી દોઢસો કિમિની મુસાફરીમાં ગયા પણ સતત બસમાં બેસવાથી અને ખરબચડા ખાડાવાળા રોડમાં પછડાવાથી સાંજે મારી કંમર પકડાઈ જતી. પારાવાર દુખાવો થયો. ફરી ડોકટરે મને છેલ્લી ચેતવણી આપી કે હવે હું તમારો કેસ હાથમાં જ નહિ લઉં!

એ પછી તો કયારેય છાયાએ મને એકેય રવિવારે સવારે ચાર વાગ્યે જગાડ્યો નથી… નથી તો એ મને એકલો મૂકીને ક્યારેય પિયર ગઈ. પછી તો પોતાનું ઘર લીધું એટલે મારા બા બાપુને પણ મેં રાજકોટ લાવી દીધા. આજે તો મારો દીકરો શુનીલ પણ કોલેજમાં આવી ગયો છે. એનું મન થાય તો એ મામા રમણને ત્યાં જાય છે. પણ છાયા હજુ સુધી ક્યારેય પિયર નથી ગઈ!! પિયર શબ્દ સાંભળી જે છાયા ઘેલી થઇ જતી એ છાયા અઢાર વર્ષથી પિયર જવાનું નામ જ નથી લેતી!! મેં ઘણી વાર એને બળપૂર્વક કહ્યું પણ એ ન ગઈ તે ન જ ગઈ!!

આજે તો હવે એને હું એક મોટી ના ના એના જીવનની મોટી ભેંટ આપવાનો છું. મેં કાલે રાત્રે જ ગાડી ખરીદી છે અને ગળીની બહાર મૂકી છે. ના ના ગાડી તો છાયા માટે ભેટ નથી ભેંટ તો એ છે કે હમણાં શુનીલ ગળીના છેડેથી ગાડી લઇ આવશે એટલે હરખાતી હરખાતી છાયા ગાડીને વધાવશે. ને પછી શુનીલને બા બાપુનું ધ્યાન રાખવા ઘરે જ રાખીશ ને હું ને છાયા પેલી દોઢસો કિમીની સફરે ઉપડી જઈશું! હા કેમ કે ગાડી તો કાયમ શુનીલ ચલાવશે હું તો બસ એક દિવસ છાયાને લઇ જવાનો છું. ને હા ગાડી મેં ડ્રાઇવિંગ શાળામાં બરાબર શીખી લીધી છે. વિનોદભાઈ કઈ એટલા મુર્ખ નથી કે સ્કુટરવાળો કિસ્સો ફરી થવા દે!!

ગાડીમાં દર અર્ધા કલાકે એ મને બ્રેક કરાવશે જંપ આવશે એટલે ચીસ પાડીને બ્રેક કરાવશે પણ એ બધું તો ચાલશે બસ એ મને આ સફર ઉપર જવાની છૂટ આપે તો એ બધું તો વસુલ છે! બિચારી મનમાં તો રોજ નાનકાને ને બા બાપુને યાદ કરતી હશે ભલે રમણ મોટો થઇ ગયો પણ એના માટે તો નાનકો જ રે’શે ને????

બસ ચા પૂરી કરીને એને કહું છું ચાલ છાયા તારા આ નાનકડા શુકનિયાળ પગથી પિયરનું આંગણું ખુંદવા! જો નહિ માને તો મને ક્યાં નથી આવડતું એને પિયર ભેગી કરતા !!!!

-વિકી ત્રિવેદી

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 8, 2020 માં Vicky Trivedi

 

ટૅગ્સ:

જીવન મૃત્યુ


રોહનની આંખોમાં એક અજબ ઉદાસી હતી. એને પોતાની જાત પર દયા આવી રહી. ના કદાચ એને પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો. પોતાના નકામા અને બેમતલબ જીવન પર ગુસ્સો આવી રહ્યો હતો. એના પાસે જીવનમાં હસવા માટે કોઈ કારણ ન હતું કે ખુશ થવા માટે કોઈ બહાનું ન હતું. તેના જીવનથી તે કંટાળી ગયો હતો. એના જીવનમાં કોઈ ન હતું. ન કોઈ એને ચાહનારું, ન કોઈ એને ઠપકો આપનાર, ન કોઈ એના સાથે હસનાર કે ન કોઈ એના પર ગુસ્સો કરનાર. એ એકલો હતો. જીવન ભરથી એકલો જ હતો.

તે પોતાના વિચારોમાં ડૂબેલો શહેરની બહાર આવેલ એક પુલ પર ઉભો હતો.

લગભગ રાતના બે એક વાગ્યા હતા. પુલ પર ચારે તરફ પોસ્ટ લેમ્પનું અજવાળું ફેલાયેલું હતું. એણે એક નજર શહેર તરફ કરી… ચાંદનીની શીતળતામાં આખું શહેર સુઈ રહ્યું હતું. દુર ક્યાંક ચાલ્યા જતા વાહનોની હેડલાઈટસ, પોસ્ટ લેમ્પનું અજવાળું અને ચંદ્રની આછી ચમકતી ચાંદની એક પળ માટે એને એ દ્રશ્ય જોઈ જીવવાનું મન થયું પણ બીજી જ પળે એણે નિર્ણય કર્યો કે ના, જીવવાનો કોઈ અર્થ નથી. એને લાગતું હતું કે એણે મરી જવું જોઈએ કેમકે એ શહેરમાં કોઈ એને માટે ન હતું… હા, એ દરેક માટે હતો પણ બસ ટાઈમ પાસનું સાધન. કોઈએ એને ક્યારેય એના કરતા વધુ મહત્વ આપ્યું જ ન હતું.

એના હ્રદયમાં જરાક દુઃખ, એક આછેરો ખચકાટ અનુભવાયો… એની નજર આકાશમાં ચમકી રહેલા સુંદર સિતારાઓ પર પડી… દુનિયા કેટલી સુંદર છે.. પણ એ મારા માટે નથી…! એ બધું વિચારવાનો હવે કોઈ અર્થ ન હતો એણે નક્કી કરી લીધું હતું અને હવે કોઈ ટર્નીંગ બેક ન હતો… પાછા ફરવાનો કોઈ રસ્તો ન હતો… એને પાછા ફરવાનો કોઈ અર્થ પણ ન હતો દેખાઈ રહ્યો. એણે પોતાની કાંડા ઘડિયાળમાં નજર કરી. કલાક અને મિનીટ કાંટો બને જુગલબંધી રચીને સવા બે નો સમય બતાવી રહ્યા હતા.

એ જીવનના ક્રોસરોડ સુધી પહોચી ગયો હતો અને એણે સરળ રસ્તો શોધી કાઢ્યો હતો… જીવનને ટૂંકાવી નાખવાનો રસ્તો – જે એકમાત્ર વિકલ્પ એને દેખાઈ રહ્યો હતો. એણે માનસિક તૈયારી કરી લીધી હતી.

જીવના જીવવા માટે એની પાસે કોઈ લક્ષ ન હતું… એના જીવનમાં કોઈ ચોક્કસ દિશા ન હતી.. એનામાં કોઈ સ્કીલ ન હતી… કોઈ આવડત ન હતી…. કોઈ ટેલેન્ટ ન હતું… કે પછી એની લાયકાત અને ટેલેન્ટને કોઈ સમજી શક્યું ન હતું… જે હોય તે એને જીવનમાં કોઈ મકસદ દેખાઈ રહ્યો ન હતો. એણે અનેક વાર પોતાની જાતને ઢંઢોળી હતી… અનેક વાર પોતાના આત્માને સવાલ કર્યો હતો… એણે અનેક વાર જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો કે એના જીવનનો શું મકસદ છે પણ એને ક્યારેય કોઈ જવાબ મળ્યો નહી.

એ એક અર્થહીન જીવન જીવી રહ્યો હતો… કમ-સે-કમ એને એવું લાગી રહ્યું હતું અને કદાચ એની આસપાસ જે લોકો જીવતા હતા એમને પણ જેમને લીધે રોહન પોતાના જીવનને નકામું સમજવા લાગ્યો હતો. એ જ્યાં કામ કરતો હતો એ કંપનીના બોસને, એ જે મકાનમાં ભાડે રહેતો હતો એ મકાન માલિકને એ જે વિસ્તારમાં જીવતો હતો એ વિસ્તારમાં રહેતા લોકોને બધાને એમ જ લાગતું હતું કે એનું જીવન અર્થહીન અને નકામું હતું.એને ઘણીવાર લાગતું કે પોતે જે જીવન જીવી રહ્યો છે એ યોગ્ય છે પણ બીજી જ પળે કોઈ વ્યક્તિ એની સામે સાબિત કરી જતું કે એ ખોટો છે એના જીવનનો કોઈ અર્થ નથી.

ધીમે ધીમે એને પોતાને પણ લાગવા માંડ્યું કે બધા સાચા છે એના જીવનનો કોઈ અર્થ નથી. એણે પુલ પરથી કુદીને જીવ આપી દેતા પહેલા ફરી એક નજર ચારે તરફ કરી… શહેર હજુ એ જ સુખની શોબતમાં સોડ તાણીને સુતેલ હતું.. કેટલાક કમભાગી લોકો દુર ફૂટપાથ પર સુતા હતા.. ક્યાંક ક્યાંક દુર કુતરાઓ ફરી રહ્યા હતા તો ક્યાંક કોઈ પુર પાટ ઝડપે દોડી જતી કારોના હોર્ન સંભળાઈ રહ્યા હતા.. એકંદરે ત્યાનું વાતાવરણ એક શહેરના વાતાવરણ જેવું અનેક ચીજોના મિશ્રણથી ડહોળાયેલ વાતાવરણ હતું.

એણે એક છેલ્લી નજર શહેર તરફ કરી. મને કોઈ મિસ નહિ કરે… મને કોઈ યાદ નહિ કરે… મારી પાસે કોઈ એવું હતું જ ક્યાં જે મારી પરવા કરતુ હોય? કદાચ આવતી કાલે છાપામાં મારા મૃત્યુના સમાચાર આવશે તો એમાં લખાયેલ મારા નામને પણ કોઈ ઓળખતું નહિ હોય. હું મરી ગયા બાદ પણ મારા પાછળ કોઈ આંસુ નહિ બગાડે. રોહને વિચાર્યું.

એને પોતાનું જીવન ખરેખર નકામું લાગી રહ્યું હતું. એના મૃત્યુ બાદ એની બોડી લેવા માટે પણ કોઈ ક્લેમ નહિ કરે.. એને સળગાવવા કે દફનાવવાનું કામ પણ મ્યુનીસીપાલીટીના અધિકારીઓએ કરવું પડશે. કદાચ એ દુનિયામાં ક્યારેય કોઈના માટે કાઈ હતો જ નહિ.

એકાએક એનું ધ્યાન થોડેક દુર થઇ રહેલ કોઈ પ્રવૃત્તિ તરફ ગયું. એણે એ તરફ જોયું એક નાનકડી છોકરી – લગભગ સાત આઠ વર્ષની છોકરી પોતાના હાથમાં કાળા રંગના એક ગલુડિયા સાથે ફૂટપાથ પર બેઠી હતી. એને નવાઈ લાગી. એ નાનકડી છોકરી અત્યારે કેમ જાગતી હશે???

રોહનને એ છોકરીની પ્રવૃતિમાં રસ પડ્યો. એણે એ તરફ ધ્યાન આપ્યું. એ નાનકડી છોકરીએ એકદમ મેલું થયેલ ફ્રોક પહેરેલ હતું. કદાચ એ ફ્રોકનો મૂળ રંગ સફેદ હશે પણ એ મેલું થઈને અડધું કાળા જેવા રંગનું થઇ ગયું હતું. તેના વાળ પણ ઓળ્યા વિનાના અને દિવસોથી ધોયેલ ન હોય એવા અનટાઈડી અને અનડન હતા. તે એક કોથળા જેવું પાથરીને એના પર બેઠેલ હતી.

એવું લાગી રહ્યું હતું કે એ પોતાના ગલુડિયાને રમાડવામાં વ્યસ્ત હતી. એના ખોળામાં રહેલ ગલુડિયું પણ એના જેટલું જ ખુશ દેખાઈ રહ્યું હતું. એ કાળા રંગનું હતું અને એની પૂછ્ડીનો ભાગ સફેદ હતો. એ નાનકડી છોકરી એને પોતાના હાથમાં રહેલ એક પ્લાસ્ટીકની બેગમાંથી નીકાળીને ટોસ ખવડાવી રહી હતી. એ છોકરી ગલુડિયાને ખવડાવતા પહેલા ટોસ્ટને પોતાના ફ્રોક વડે લુછીને ચોખ્ખા કરી રહી હતી. રોહને એ જોયું અને એ હસ્યો…!! એને થયું કાશ હું પણ એ નાનકડી બાળકી જેમ ખુશ રહી શકતો હોત!!!

એ બાળકીએ ફરી એક ટોસ નીકાળ્યો… એ ટોસને પણ એણીએ પોતાના ફ્રોક વડે લૂછ્યો.. એના ગંદા અને મેલા થયેલ ફ્રોક વડે લુછીને ગંદો થયેલ એ ટોસ ગલુડિયાને ખવડાવવાને બદલે એ છોકરી પોતે જ ખાવા લાગી.. રોહન સમસમી ઉઠ્યો.. શું એ જીવન હતું??? કદાચ એ બાળકીનું જીવન પણ પોતાની જેમ જ નકામું હતું??

ફરી બાળકીએ એક ટોસ નીકાળ્યો અને એ ટોસને પોતાના ગંદા ફ્રોક સાથે લુછવાથી એ ચોખ્ખો થતો હોય એવા ભ્રમ સાથે એને મેલા ફ્રોક વડે લૂછ્યો અને એ ટોસને બે સરખા ભાગમાં વહેચી એક ટુકડો પોતે ખાવા લાગી અને બીજો ટુકડો એના ગલુડિયાને ખવડાવ્યો.

ઠંડો પવન ફૂંકાવાનું શરુ થઇ ગયું હતું.. રોહનને થયું ખરેખર આ દુનિયા એકદમ ખરાબ છે અહી કોઈકને બધું જ મળી જાય છે અને કોઈકને ખાવા માટે પણ નથી મળતું… આ ઘાતકી અને દુષ્ટ દુનિયાને અલવિદા કહેવાનો સમય થઇ ગયો છે એમ વિચારી રોહન પુલની કિનાર તરફ જવા લાગ્યો.

એણે પુલ પરથી એક નજર નીચે કરી… પોતે નીચે પડશે ત્યારે જમીન સુધી એના શરીરને પહોચતા કેટલો સમય થશે એનો અંદાજ લગાવ્યો.. કદાચ એકાદ મિનીટ અને બસ બધું સમાપ્ત.. શું થશે ખરેખર બધું એક પળમાં શાંત થઇ જતું હશે? શું એકાએક લાઈટ ચાલી જાય અને ટીવી સ્ક્રીન કાળી ધબ્બ થઇ જાય એમ બધું કાળું થઇ જશે કે પછી કોઈ ટીવી બગડી ગયું હોય અને ધીમે ધીમે એમના દ્રશ્યો ઝાંખા થઇ જાય એમ આ દુનિયા ધીમે ધીમે મારી નજરો સામેથી ઓઝલ થવા લાગશે??? જે થાય તે એને કોઈ ફરક પડવાનો નથી…

કદાચ મરવા કરતા પણ એને એ સમયે કૂદવું બહુ અઘરું લાગી રહ્યું હતું. શું કૂદવું, મરવા કરતા પણ અઘરું છે?? શું મને તકલીફ અને પીડા થશે?? શું એ તકલીફ હું જીવતા ભોગવી રહ્યો છું એના કરતા વધુ હશે???

મને મરતા કેટલા સમય લાગશે? હું કેટલા સમય સુધી નીચે પડ્યો તરફડીશ અને પીડાઈશ?? અનેક સવાલો રોહનના મનમાં હતા.

હવે એ બધા સવાલોના જવાબ મેળવવાનો સમય થઇ ગયો છે. એણે નક્કી કર્યું. એણે પુલની રેલીંગ તરફ નજર કરી. આસાનીથી એની પર ચડીને બીજી તરફ કુદકો લગાવી શકાય તેમ હતો. એણે રેલીંગ હાથમાં પકડી અને રેલીંગ પર ચડવા લાગ્યો.

એણે એક પળ માટે આંખો બંધ કરી અને કહ્યું દુષ્ટ દુનિયા… અલવિદા…

“હજુ સમય નથી થયો.. અત્યારે કુદીશ તો નીચે પડ્યા પડ્યા અડધા કલાક સુધી પીડાવું પડશે..” રોહનને એકાએક અવાજ સંભળાયો.

મીઠા ગીત જેવો એ અવાજ હતો. એણે આંખો ખોલી અને પાછળ જોયું તો એ ગલુડિયાવાળી નાનકડી છોકરી પાછળ ઉભી હતી.

“તને શું ખબર કે હજુ મારા મારવાનો સમય નથી થયો?” રોહને પૂછ્યું.

“મને બધાના મરવાનો સમય ખબર છે.. હું એ પણ જાણું છું કે તું કેમ મરવા માંગે છે…” છોકરીએ કહ્યું.

“હું કેમ મરવા માંગું છું?” રોહન રેલીંગ પરથી નીચે ઉતર્યો અને પૂછ્યું.

“કેમકે તને એમ લાગી રહ્યું છે કે તારું જીવન નકામું છે.” નાનકડી બાળકીએ કહ્યું.

“તે મને કુદવાની ના કેમ પાડી?”

“કેમકે તારા બદલે હું હોત તો હું અડધો કલાક રાહ જોવત કેમકે નીચે પડ્યા તરફડવા કરતા અહી આરામથી પુલ પર ઉભા રહેવું શું ખોટું છે?” નાનકડી છોકરીએ કહ્યું.

“તું કોણ છે?” રોહનને નવાઈ લાગી કેમકે એ જાણતો હતો કે જો એ છોકરી કોઈ સામાન્ય બાળકી હોત તો એ આમ વાત કરી શકત નહિ.

“મારા ઘણા રૂપ છે હું ક્યારેક નાનકડી બાળકી હોઉં છું તો ક્યારેક કાળા કપડા વાળી વિધવા ક્યારેય નાનકડું ગલુડિયું હોઉં છું તો ક્યારેક ખૂંખાર ભેડિયા..”

“મેં તારા દેખાવની વાત નથી કરી તું કોણ છે?” રોહને પૂછ્યું, એના અવાજમાં એની ગભરાહટ દેખાઈ રહી હતી.

“હું એ જ કહું છું હું જેવા વ્યક્તિ પાસે જાઉં છું એવું સ્વરૂપ ધારણ કરું છું. કોઈ સારા માણસ પાસે જાઉં ત્યારે નાનકડી બાળકીના રૂપે જાઉં છું અને એ સમયે મારા હાથમાં એક રૂપાળું ગલુડીયું હોય છે. કોઈ ખરાબ વ્યક્તિને લેવા જાઉં ત્યારે હું એક વિધવા સ્ત્રીના રૂપમાં હોઉં છું અને મારા સાથે એક ખૂંખાર ભેડિયા હોય છે… તને મળીને આનંદ થયો રોહન… આઈ માય સેલ્ફ ઇઝ ડેથ… લોકો મને મોતના નામે ઓળખે છે.” એ નાનકડી બાળકીએ કહ્યું.રોહનના શરીરમાંથી ઠંડીનું એક લખલખું પસાર થઇ ગયું.

“તું…. તું… કો.. કોણ છે…? તે શું… કહ્યું.” રોહનની જીભ તોતડાવા લાગી.

“તે જે સાંભળ્યું એ જ હું મોત છું.”

“તું મને લેવા આવી છે?” રોહને પૂછ્યું.

“મારે ઘણા કામ હોય છે… ખાસ કરીને લોકોને લઇ જવાનું… મારે આજે પણ આ પુલ પરથી બે લોકોને લઇ જવાના છે.”

એ શબ્દો સાંભળી રોહનના શરીરમાંથી ઠંડીનું લખલખું પસાર થઇ ગયું. પોતે ત્યાં મરવા આવ્યો હતો એ છતાં એને ડર કેમ લાગી રહી હતી એ એને સમજાઈ રહ્યું ન હતું. રોહનનું શરીર ધ્રુજવા લાગ્યું એણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે એના સામાન્ય જીવનમાં ક્યારેય કોઈ સુપર નેચરલ ઘટના પણ થઇ શકે.

તેણે મેહનત કરીને પોતાના મોમાં ભેગુ થયેલ થુંક ગળા નીચે ઉતાર્યું કદાચ એનું ગળું સુકાઈ રહ્યું હતું.

“તે અડધા કલાકની વાર છે એમ કહ્યું?”

“હા… તું અત્યારે કુદીશ તો પણ તારે અડધો કલાક નીચે પડ્યા રહી તરફડવું પડશે..”

“અને બીજું કોણ?” રોહને પૂછ્યું, “તે હમણાં કહ્યું કે તું કોઈ બે વ્યક્તિને લેવા આવેલ છે.”

“એનો સમય થાય ત્યારે એ આવી જશે મારે કોઈની પાસે એને શોધવા જવું નથી પડતું સમય થાય ત્યારે લોકો આપમેળે મારી પાસે ચાલ્યા આવે છે…!! ક્યારેય ક્યારેક કોઈ તારા જેવા ઉતાવળિયા વહેલા આવી જાય છે.” એ નાનકડી છોકરીએ કહ્યું. હવે તેનો આવાજ મીઠા ગીત જેવો ન હતો એ કર્કશ બની રહ્યો હતો.

“તું ખરેખર ડેથ છે?” રોહને પૂછ્યું, એને હજુ પોતાની આંખો પર વિશ્વાસ થઇ રહ્યો ન હતો.

“હા, હું ડેથ છું.. D… e… a…t… h… અને D કેપિટલમાં. જેથી બોલવામાં જરાક ડરાવણું લાગે.” એ નાનકડી બાળકી હસી.

“મતલબ હું અત્યારે કુદીશ તો પણ તું મને સમય પહેલા નહિ લઇ જાય? અને મારે પુલ નીચે પડ્યા પડ્યા રાહ જોવી પડશે?” રોહને પૂછ્યું.

એ બાળકીએ પોતાના ગલુડિયા પર હાથ ફેરવતા હકારમાં માથું હલાવ્યું, “મેં તારો રેકોર્ડ ચેક કર્યો છે અને જોયું કે તું સારો માણસ છે તેથી મને લાગ્યું કે તને એક ચેતવણી આપવી જોઈએ.. તને નીચે પડ્યા પડ્યા તરફડતા અને પીડાતા જોવાનું મને નહિ ગમે.”

રોહનને નવાઈ થઇ. શું તકદીર હતી??? જેની દુનિયામાં કોઈને ફિકર ન હતી એની મોતને ફિકર હતી… પણ એ ફિકર શું કામની અંતે તો એ એને લેવા જ આવી હતીને?

“છતાં તારે ઉતાવળ હોય તો તું કુદી શકે છે પણ તું તારા જ લોહીના ખાબોચિયામાં પડ્યો હોઈશ અને ચીસ પાડવા માંગતો હોઈશ પણ તારા ગળામાંથી આવાજ નહિ નીકળે કેમકે તારી ગરદન મરડાઈ ગઈ હશે અને એમાં રહેલ સ્વરપેટી તૂટી ગઈ હશે… સ્વરપેટી વિના અવાજ નીકળવો અશકય છે… તારી આંખો તારા તૂટેલા હાથ પગ અને ચિરાઈ ગયેલ ખોપડીને જોઈ રહી હશે એનાથી તને ખાસ ફરક નહિ પડે કેમકે તારી ખોપડી તૂટી જવાથી અંદર રહેલ મગજ ડેમેજ થઇ જશે અને તારી આંખો મગજને જે જોયું એનો સંદેશો મોકલવાનો નિષ્ફળ પ્રયાસ કરશે પણ ચેતા તંતુઓ તૂટી ગયા હોવાથી એ દ્રશ્ય સંદેશ તારા મગજ સુધી નહિ પહોચે અને તને તેની કોઈ અસર નહિ થાય પણ મને એ જોવું નહિ ગમે… હું એ બધું જોઇને બોર થઇ ગયેલ છું.” મોતે કહ્યું.

રોહનનું શરીર ફરી એક ધ્રુજારીમાંથી પસાર થઇ ગયું. એની આંખ સામે મોત મૃત્યુ કેવું હશે એનું વર્ણન કરી રહી હતી. કદાચ એ મરવા માટે નીકળેલો માણસ હતો નહીતર કોઈ કાચા પોચાની છાતીના પાટિયા બેસી જાય.

“તું કાઈ બીજું પૂછવા માંગે છે?” નાનકડી બાળકીએ પૂછ્યું.

“ના, મારી પાસે કોઈ ખાસ સવાલ તો નથી. મારા જીવનમાં કોઈ ચીજનું મહત્વ નથી આમ પણ હું મરવા જઈ રહ્યો છું તો કોઈ સવાલ કે જવાબથી શું ફરક પડે.” રોહને કહ્યું.

“હા, પણ શું તું જાણવા નહિ માંગે કે વરસો પહેલા પણ હું આ સ્થળેથી બે વ્યક્તિઓને લઇ ગઈ હતી?”

“એ કોણ હતા?”

“બે યુવતીઓ.. એમની કોઈએ હત્યા કરી નાખી હતી.”

“હા, મેં સાંભળ્યું હતું કે એમના ખૂની હજુ સુધી પકડાયા નથી.” રોહને કહ્યું.

“હા, એ જ… એ લોકોએ એ બંનેને મારી નાખી.. એ બે હતા..” નાનકડી બાળકીએ કહ્યું.

“તું મને જ આ ચેતવણી આપવા આવી હતી કે કોઈ અન્યને પણ આ ચેતવણી આપે છે?” રોહને પૂછ્યું.

“ના, મેં હજુ સુધી કોઈને ચેતવણી નથી આપી… આજે હું જરાક નવરાસ હતી એટલે વહેલી આવી ગઈ હતી… મારે કોઈને લઇ જવા હજુ અડધો કલાક રાહ જોવાની હતી એટલે મેં એ સમયનો સદુપયોગ કર્યો.” નાનકડી બાળકીએ કહ્યું.રોહન હસ્યો… એનું જીવન કેવું હતું એ જીવતે જીવ દુનિયા માટે ટાઈમ પાસનું સાધન હતો અને મરતા સમયે મોત પણ એનો ઉપયોગ ટાઈમ પાસ માટે કરી રહ્યું હતું.

“હવે એક છેલ્લો પ્રશ્ન.. તે કહ્યું કે મારે થોડાક સમય પછી કૂદવું જોઈએ… કદાચ હું કુદવાનો મારો નિર્ણય બદલીને પાછો જતો રહું તો?” રોહને પૂછ્યું.

એ નાનકડી બાળકીના ચહેરા પરથી સ્મિત અદશ્ય થઇ ગયું એના બદલે એની આંખોમાં એક અજબ ચમક દેખાવા લાગી. એનો ચેહરો જરાક કરડો બની ગયો. હવા જાણે એકદમ થંભી ગઈ અને એકાએક ચારે તરફ કોઈ ગજબ અંધકાર ફેલાવા લાગ્યો.

રોહન એ જોઈ ગભરાવા લાગ્યો.. એ ઠંડી રાતમાં પણ એના કપાળ પર પરસેવાના બિંદુઓ એકઠા થઇ ગયા કેમકે પવન થંભી ગયો હતો.

“મોતને કોઈ છેતરી શકતું નથી… એને ક્યારેય માત કરી શકાતું નથી… હું આજ સુધી ક્યારેય ખાલી હાથ પાછી નથી ગઈ.. તું ચિંતા ન કર.. હું અફર છું.. મને ટાળી શકાતું નથી… મોત જેની સાથે મળવાનું નક્કી કરે એને મળીને જ જાય છે ભલે એ મુલાકાત ટાળવાની કોઈ લાખ કોશિશ કેમ ન કરે.” એ બાળકીનો અવાજ ધીરે ધીરે વધુને વધુ કર્કશ બન્યે જતો હતો.

એકાએક રોહને એક ચીસ સાંભળી… એણે ચીસની દિશામાં જોયું.. બે માણસો એક યુવતીને ઢસડીને રોડની બાજુ પર લઇ જઈ રહ્યા હતા.

“હેય જા એની મદદ કર… એ યુવતી મરવા નથી માંગતી… તું મોત છે… તું એ બંનેને મારી શકે છે એ યુવતીને તું બચાવી શકે છે.” રોહને મોત તરફ જોઈ કહ્યું.

“કેમ..? હું મોત છું એ ભૂલી ગયો કે શું? મારું કામ લોકોને મારવાનું છે કોઈને બચાવવાનું નહિ.”

રોહને એ ચીસ સંભળાઈ હતી એ તરફ જોયું એ બંને કાતિલ માણસો એ યુવતી સાથે શું કરવા જઇ રહ્યા હતા એ સમજતા એને વાર ન લાગી. એણે છાપામાં આગળ બંને યુવતીઓ આ પુલ નીચેથી મરેલી હાલતમાં મળી હતી એમની સાથે શું થયું હતું એ વાંચ્યું હતું.. એને ખબર હતી એ કાતીલોએ એ યુવતીઓ સાથે બળાત્કાર કરી એમને મારી નાખી હતી અને એ લોકો કદાચ આજે પણ આ યુવતી સાથે એ જ કરવાના હતા.

એણે એક નજર મોત તરફ કરી… મોત શું થવાની રાહ જોઈ રહ્યું હતું એ એને સમજાઈ ગયું… મોતે કહ્યું હતું કે એ આજે આ પુલ નીચેથી બે લોકોને લઇ જશે… રોહન સમજી ગયો એક એ પોતે હતો અને બીજી એ યુવતી હતી.. એને તો મરવું જ હતું પણ એ યુવતી એ જીવવા માટે એ કાતીલો સામે કરગરી રહી હતી.

રોહન એ તરફ દોડ્યો..

એ સીધો જ જઈને એક કાતિલ સાથે અથડાયો અને એ કાતિલ દુર પછડાઈ ગયો.. કદાચ મોત સામે હતું એટલે કે શું રોહનમાં કોઈ અજબ શક્તિ આવી ગઈ હોય એમ તે બીજા તરફ જોઈ ઉભો રહ્યો… એ બીજા કાતીલે પોતાની ગન રોહન તરફ ધરી અને કહ્યું, “પહેલા તને મારવો પડશે અને પછી આ યુવતીને… કેવી કિસ્મત છે ગઈ વખતે પણ અમે આ પુલ નીચે બે ખૂન કર્યા હતા અને આ વખતે એક જ છોકરી ઉઠાવી છે છતાં મારે બે ખૂન કરવા પડશે..” કહી એ હસ્યો….

રોહને પોતાની કાંડા ઘડિયાળમાં નજર કરી. હજુ પોતાના મરવાના સમયને મોતે કહ્યા મુજબ ચાર મીનીટની વાર હતી… મોતે એને એની મોતનો બરાબર સમય કહ્યો હતો.

એણે ઉછળીને એ ગનવાળા વ્યક્તિ પર તરાપ મારી… એના હાથમાંથી ગન છીનવી લીધી. એ ઝપાઝપી દરમિયાન એક ગોળી છુટી જે એ કાતીલની ખોપરીમાં ઉતરી ગઈ હતી. રોહન એના હાથે શું થઇ ગયું એ સમજી શકે એ પહેલા જે બીજા વ્યક્તિને એણે આવતા જ પછાડી દીધો હતો એ એના સામે બાથ ભીડવા આવી પહોચ્યો હતો અને રોહને બીજી ગોળી ચલાવવી પડી. જે એ બીજા વ્યક્તિનો જીવ લઇ ગઈ.

રોહને યુવતી તરફ જોયું.. એ ગોળીબાર અને હત્યાકાંડ જોઈ બેભાન થઇ ઢળી પડી હતી. રોહન ફરી મોત તરફ દોડ્યો… એ નાનકડી બાળકી પોતાના ગલુડિયા સાથે ત્યાં જ ઉભી હતી અને હસી રહી હતી.

“આ બધું શું છે…? હું મર્યો કેમ નહિ..?” રોહિતે પોતાની કાંડા ઘડિયાળમાં જોતા કહ્યું.

“મેં ક્યારે કહ્યું હતું કે તું મરવાનો છે…?? મેં કહ્યું હતું કે હું બે લોકોને લઈને જઈશ અને એ બે લોકોને હું લઈને જઇ રહી છું.” નાનકડી બાળકીએ કહ્યું.

“તું મોત છે મને એ લોકોની ગોળીથી મરાવી નાખ્યો હોત તો મારે આત્મહત્યા કરવી જ ન પડત ને?” રોહને કહ્યું.

“પણ તું તો ડરીને ઘરે પાછો જવાનો હતો… તારો જીવ આ પુલ પરથી કુદવામાં ચાલવાનો જ ન હતો… તારું મોત આજે લખેલ જ નહોતુ. તું હજુ જીવીશ… તે જે યુવતીને બચાવી છે એ તારા પ્રેમમાં પડશે.. હું ગયા બાદ એ ભાનમાં આવે ત્યાં સુધી અહી જ રહેજે.. તારું જીવન હજુ બાકી છે… હું તને તારા પ્રેમ સાથે મિલન કરાવવા આવી હતી..” મોતે કહ્યું.

“મોત લોકોને એકબીજાથી જુદા કરે છે… લોકોને અલગ કરે છે… તો તું મને કોઈ સાથે મળાવવા કેમ આવી હતી?” રોહનને કાઈ સમજાય એમ ન હતું. કેમ કે જે થઇ રહ્યું હતું એ માત્ર સપનાઓમા જ થતું હોય છે…

“કેમકે તું મરી રહ્યો ત્યારે તારી આંખોમાં મોતનો કોઈ ડર ન હતો… તું હજુ સુધી ક્યારેય જીવ્યો જ નથી તો મરી કઈ રીતે શકે… મરવા માટે પહેલા જીવવું જરૂરી છે.. તો જ મને દેખીને ડર લાગે.”

“તો તે મારા સાથે વાતચીત કેમ કરી…” રોહને કહ્યું.

“જસ્ટ ટાઈમ પાસ..” એ નાનકડી યુવતીએ કહ્યું અને તે એક કાળા કપડાવાળી વિધવામાંમાં ફેરવાઈ ગઈ… એનું ગલુડિયું એક ભયાનક ભેડિયા બની ગયું અને એ બંને પેલા બે કાતિલોની આત્મા લેવા એ તરફ જવા લાગ્યા.

રોહન એ યુવતી ભાનમાં આવે એની રાહ જોઈ ત્યાં જ ઉભો રહ્યો… કદાચ એ જાણી ગયો હતો કે દરેકના જીવનનો કોઈકને કોઈ હેતુ જરૂર હોય છે… પોતાના જીવનનો પણ હતો – એ યુવતીને બચાવવાનો. એના હોઠ એક આછા સ્મિતમાં મલક્યા અને પોતાને જે યુવતી પ્રેમ કરવાની હતી એના ચહેરા તરફ જોવા લાગ્યો.. એ ખરેખર સુંદર દેખાઈ રહી હતી.

-વિકી ત્રિવેદી

 
Leave a comment

Posted by on સપ્ટેમ્બર 11, 2020 માં Vicky Trivedi

 

પ્રેમ


પ્રેમ

નોંધ : આ લેખ સમજાશે નહિ છતાં વિચાર કરી શકશો તો ચોક્કસ સમજાશે. પણ 100 માંથી 95 લોકો સમજ્યા પછી પણ એના ઉપર વિચાર નહિ કરી શકે કેમ કે માણસ પોતાનો સ્વભાવ ક્યારેય બદલી નથી શકતો એટલે એ ક્યારેય લાલચ છોડતો જ નથી.

આ વિષય ઉપર લખવું આમ તો મને ગમતું જ નથી પણ કોણ જાણે કેમ મારા ઉપર લાસ્ટ બે મહિનામાં ત્રણ ચાર આવા સવાલો કરતા ઇમેઇલ આવ્યા એટલે લખું છું.

***

પ્રેમ એ સાથે રહેવાથી ઉદભવતી એક લાગણી છે. માણસના જીવનમાં એની સૌ પ્રથમ શરૂઆત માના પેટમાં થાય છે. મા એના બાળક સાથે અને બાળક એની મા સાથે રહે છે અને ત્યારે તો ફક્ત એ બે વચ્ચે જ સંબંધ હોય છે. અહી “સાથે રહેવાથી” શબ્દ ઉપર ભાર મુક્યો છે કેમ કે ફક્ત જોવાથી કે સાંભળવાથી કોઈ પ્રેમ થતો નથી. ( જોકે બધાને જોવાથી જ પ્રેમ થાય છે એટલે મારે એ જ સમજાવવું છે કે એ પ્રેમ છે જ નહીં )

લગભગ બધાને કોલેજમાં પ્રેમ થઈ જાય છે. અમુકને તો લવ એટ ફર્સ્ટ સાઇટ થાય. આ આખી વાત જ હાસ્યાસ્પદ છે. એ તો ફક્ત નજરને ગમેલી વ્યક્તિ છે એ આપણા મનને ગમેલી નથી. પ્રેમ ત્યારે જ ઉદભવે છે જ્યારે કોઈ વ્યક્તિ આપણા મનને આપણા દિલને ગમે. અને દિલને ક્યારેય કોલેજમાં બેચ ઉપર બેઠેલી વ્યક્તિ ગમે જ નહીં. જેને આપણે ઓળખતા જ નથી , જેનું ઘણીવાર તો નામ પણ ખબર નથી એ વ્યક્તિ આપણા દિલને મનને ક્યારેય ગમતી જ નથી. એ તો ફક્ત નજરને ગમી છે. જેમ દુકાનમાં કપડાં લેવા જઈએ ત્યારે 100 માંથી એકાદ શર્ટ કે ટી શર્ટ આપણી નજરને ગમે છે. અને પછી વર્ષ કે બે વર્ષ પછી એનો રંગ ઉડી જાય , એનું કપડું ઘસાઈ જાય ફાટી જાય ત્યારે એ જ શર્ટ કે ટી શર્ટ નજરને નથી ગમતી. એ ફેંકી દેવામાં આવે છે. ટૂંકમાં નજરને ગમેલી વ્યક્તિ કે વસ્તુ એ કોઈ પ્રેમ નથી એ એક પ્રકારનું આકર્ષણ છે. અહીં આકર્ષણનો લોકોએ અર્થ ખરાબ કર્યો છે એવો અર્થ ન સમજવો. આકર્ષણ તો કુદરતી છે. કોઈ સાવ અજાણ્યા બાળકને જોઈએ તો એની સામે સ્માઈલ કરવાનું મન થાય છે એનો અર્થ કઈ ખરાબ નથી થતો. પણ એ બાળકથી આપણને પ્રેમ છે એવુ ન કહી શકાય એ ફક્ત આંખોને ગમ્યું છે કેમ કે એનો સ્વભાવ આપણે જાણતા નથી. શક્ય છે એની પાસે થોડા દિવસ દોસ્તી કરીએ તો પછી એ ન ગમે. એ તોફાની હોય કે એ વસ્તુઓ ચોરી લેતું હોય વગેરે વગેરે આદતો હોય તો પછી એ નજરને પણ નથી ગમતું. પણ જો એ જ બાળક સાથે રહ્યા પછી ખબર પડે કે સરળ છે તો એ પહેલાં જેમ જ ગમતું રહે છે. ટૂંકમાં પ્રેમ સાથે રહ્યા વગર ઉદભવે એ અશક્ય વાત છે. અને કોઈ એવો દાવો કરે તો એ તદ્દન ખોટી વાત છે.

એક દાખલો લઈએ. ઘણીવાર એવી વ્યક્તિ પાછળથી આપણને ગમી જાય છે જેની સાથે ઝઘડ્યા હોઈએ. આ બાબતે મને તો સોથી વધુ વખત અનુભવ થયો છે. એક લેખક તરીકે મને આજ સુધી એવી 100 વ્યક્તિઓ મળી છે જેમણે મારી સાથે દલીલો કરી હોય ઉગ્ર બન્યા હોય અને પછી બે મહિના પછી મેસેજ કર્યો હોય સોરી હું તમારી વાત ત્યારે સમજી નહોતી / નહોતો. ખેર બધાને આવા એક બે અનુભવ તો ઓછામાં ઓછા હશે જ. પણ એ ક્યારે શક્ય બન્યું ? સાથે રહ્યા ત્યારે ને ? અહીં સાથે રહેવુંનો અર્થ એક ઘરમાં રહેવું એવો જરાય નથી. ફેસબુક કે વોટ્સએપ ઉપર તમે કોઈ વ્યક્તિ સાથે રહો તો એનો સ્વભાવ જાણ્યા પછી તમને એ ગમવા લાગે.

આનાથી વિરુદ્ધ પરિસ્થિતિ પણ ઉદભવે છે. ઘણીવાર લોકો શરૂઆતમાં તમને કહેતા હોય યુ આર ગ્રેટ, સરસ અને સાચો માણસ છો તું વગેરે વગેરે અને પછી એ જ વ્યક્તિ તમને કહે કે મેં તને સારો સમજ્યો હતો/હતી..! કેમ? કેમ કે એ વ્યક્તિને તમારા માટે કોઈ પ્રકારનું આકર્ષણ જન્મ્યું હતું જે સમય જતાં ન રહ્યું. એટલે એ વ્યક્તિએ તમને જજ કરી દીધા. તમે સારા નથી એવું કહી દીધું. આવા અનુભવ પણ મને તો ઘણા છે. ( એક વાતની સ્પષ્ટતા અહીં કરવી ઘટે કે આકર્ષણ શબ્દનો અર્થ જે તમે કરો છો એવો અર્થ આ લેખમાં નથી. અહીં આકર્ષણ એટલે કે કોઈ વ્યક્તિનું કોઈ પાસું પહેલી નજરે ગમી જાય ) એવું આકર્ષણ ટકાઉ નથી હોતું. એ સમય જતાં ઉતરી જાય છે.

હવે મુખ્ય વાત. પ્રેમમાં લગભગ બધા એમ જ કહેતા હોય છે પેલીએ મને ચિટ કર્યો અથવા પેલાએ મને ચિટ કરી ! એ મને ન સમજી શક્યો / શકી. વગેરે વગેરે આક્ષેપો આપણે સાંભળીએ છીએ. પણ કેમ? કેમ કે એ પ્રેમ હતો જ નહીં. એ ફક્ત નજરને ગમેલી વ્યક્તિ હતી મનને હૃદયને નહિ. અને નજરની પસંદગી ફકત જોવાનું હોય ત્યારે જ સ્વીકાર્ય રહે છે જ્યારે સાથે રહેવાનું હોય ત્યારે મન અને હૃદય નજરની પસંદગીને સ્વીકારતા નથી. મન અને હૃદયની પસંદગી અલગ હોય છે. એ વ્યક્તિનો સ્વભાવ દેખે છે, એનું વર્તન દેખે છે, એ સારું હોય તો જ એ વ્યક્તિ સાથે રહેવું શક્ય બને છે નહિતર ફક્ત કહેવા પૂરતો જ સંબંધ રહે છે. અને એ સબંધ નજરને લીધે ટકે છે પણ છેલ્લે મન અને હૃદય બળવો કરીને એ સબંધ ઉપર પૂર્ણ વિરામ મૂકી દે છે.

આ કિસ્સાઓ કોલેજમાં ખૂબ થતા હોય છે. લગભગ બધાને પ્રેમ કોલેજમાં જ થાય છે ! ( હા હા હા ) હસવું આવે નહિ ? હા એ હસવા જેવી જ વાત છે કેમ કે એ નજરને ગમે એ ઘટના છે હ્ર્દયને ગમે એ ઘટના નહિ. અમુકને તો કોલેનના 1st ડે જ લવ થઈ જાય !!!!! પણ એ લવ નથી એ તો નજરને ગમેલું કઈક દ્રશ્ય છે. હા એ ફક્ત દ્રશ્ય જ છે જેને જોવું જ ગમે છે. એ વ્યક્તિ સાથે રહ્યા પછી કેટલા લોકો છેક સુધી રહ્યા છે ? મેં તો એવો ભાગ્યે જ કોઈ કિસ્સો જોયો છે જેમાં કોલેજમાં છોકરા છોકરીને લવ થયો હોય અને એમના મેરેજ થયા હોય અને ખાસ એ મેરેજ ટક્યા હોય. આવો મેં એક પણ કિસ્સો નથી જોયો જોકે અમુક કિસ્સાઓ એવા બને છે એમાં ના નથી પણ 98% કિસ્સામાં છોકરો અને છોકરી મહિનો કે વર્ષ સાથે રહીને છૂટા પડી જાય છે. કેમ છુટા પડવું પડ્યું ? કેમ કે એ તો બંનેને ફક્ત નજરથી ગમેલા હતા.

હવે એક જુના જમાનાનું ઉદાહરણ લઈએ. એક સમય હતો જ્યારે છોકરો છોકરી એકબીજાને જોયા વગર જ લગન કરતા/થતા. પછી સાથે રહેતા અને સાથે રહ્યા પછી પ્રેમ થતો. પ્રેમ થતો એનું કારણ એ ન હતું કે બંનેના સ્વભાવ એક જેવા હોતા. ત્યારે પણ બધાના સ્વભાવ અલગ જ હોતા પણ ત્યારે બે વસ્તુ બનતી એક તો લગન પછી નિભાવયા વગર છૂટકો જ નહોતો અને બીજું કે થોડો બદલાવ પતિમાં અને થોડો બદલાવ પત્નીમાં સાથે રહેવાથી આવતો. અને એ બદલાવ આવવાની પ્રક્રિયા એ જ પ્રેમ. અને એ બદલાવ નિરંતર આવ્યા જ કરતો અને છેલ્લે સુધીમાં તો પતિ પત્ની એકાકાર બની જતા. એકાકાર મતલબ બંનેના વિચાર જાણે એક જેવા બની જતા. (અપવાદ હતા ત્યારે પણ બહુ ઓછા જેમ કે દારૂડિયા પતિ મળતા ત્યારે એ અશક્ય હતું) ખેર પણ લગભગ ઘણા કિસ્સામાં પતિ પત્ની સુખી જ હતા આજની સરખામણીમાં. અને એટલે જ એ જમાનામાં પતિના મૃત્યુ પછી પત્ની સફેદ કપડાં પહેરતી, બંગડીઓ ફોડી દેતી, ઘરેણાં ઉતારી દેતી. કારણ શું? તમે એમ કહેશો કે એ તો ફક્ત રિવાજ હતો. ના એ રિવાજ નહોતો. એ દુઃખ હતું. આખું જીવન જેની સાથે એકાકાર થઈને જીવ્યા હોઈએ એનાથી અલગ થવાની વેદનાનો એ પડઘો હતો. એ રિવાજ બન્યો જ એટલા માટે હતો કે ત્યારે પતિના મૃત્યુ પછી પત્નીને કોઈ શોખ ન રહેતા…..! (આ વાત ઘણાને નહિ સમજાય) પણ પછી પતિ પત્ની વચ્ચેનો પ્રેમ ઘટતો ગયો. આધુનિક પ્રેમ (આકર્ષણ) જન્મ્યો અને પતિ પત્ની જરૂરત માટે જ સાથે રહેતા હોય એવો જમાનો આવ્યો. (એમાં પણ અપવાદ તો હતા જ ઘણા પહેલાની જેમ જ જીવતા હતા પણ જે મોડર્ન વિચારો આવ્યા એના લીધે ઘણા ઘરમાં પ્રેમ પણ મોડર્ન બન્યો) એમાં એવું થતું કે પતિ પત્ની વચ્ચે વિખવાદ રહેતા અને છતાં ધક્કા મારીને ગાડી ચલાવ્યે જતા. પતિના મૃત્યુ પછી એવી પત્ની બંગડીઓ ન તોડતી, સફેદ કપડાં ન પહેરતી, ઘરેણાં ન ઉતારતી. અને પછી આનો વિરોધ થયો એટલે અમુક સ્ત્રીઓ જેમને સારા પુરુષ મળ્યા ન હતા એ સ્ત્રીઓએ કહ્યું કે પતિ મરી જાય એનાથી કઈ સ્ત્રીને ઘરેણાં ન પહેરાય, રંગીન કપડાં ન પહેરાય એ તો ખોટી વાત છે. એ તો ગુલામી છે. સ્ત્રીની સ્વતંત્રતા વિરોધી છે. આ રીતે ખરાબ પુરુષોથી કંટાળેલી સ્ત્રીઓએ સ્વેચ્છાએ ઘરેણાં રંગીન કપડાંનો ત્યાગ કરવાની રીત ને ખોટા રિવાજ કહીને એને નાબૂદ કર્યા. એનું કારણ ફક્ત એ સ્ત્રીઓને મળેલા ખરાબ પુરુષો હતા જો એ સ્ત્રીઓને સારા પતિ મળ્યા હોત તો આ બળવો ન થાત. આ સ્વેચ્છાને રિવાજમાં ખપાવી ન દોત.

ખેર પણ આધુનિક વિચાર, બદલાવ ત્યારે જ આવે છે જ્યારે કઈક ખોટું થાય છે. એમાં કોઈનો દોષ હોતો જ નથી. પણ એનું પરિણામ બધાને ભોગવવું પડે છે.

આ પ્રક્રિયા ચાલતી જ ગઈ. સારી સ્ત્રીઓ ખરાબ પુરુષના ઘરમાં દુઃખી થઈ એટલે એમણે ફરી નવો વિચાર લાવ્યો કે આ તો હજુ અમારું શોષણ થાય છે. અને અંતે એક દિવસ એવો આવ્યો કે લગન પહેલા છોકરો કેટલું કમાય છે, શુ કરે છે, કેટલું ભણેલો છે, વગેરે વગેરે બધું જ પૂછીને લગન થતા. આ નવી સિસ્ટમમાં થોડાક વર્ષો સુધી છોકરીઓને યોગ્ય પાત્ર મળતા હતા પણ પછી એમાંય પોકળતા આવી. સમાજના એ લોકો જેમને કોઈ કામ ધંધો કર્યા વગર કમાઈ લેવું હતું એ લોકો એજન્ટ તરીકે કામ કરવા લાગ્યા. છોકરા તરફથી છોકરી શોધવાનું અને છોકરી તરફથી છોકરા શોધવાનું કામ થવા લાગ્યું. એ કામમાં પૈસા ત્યારે જ મળે જો સોદો થાય. જો સોદો ન થાય તો એમના ખિસ્સા ખાલી રહે. અને જ્યાં સોદો હોય ત્યાં શુ હોય ? અસત્ય ફક્ત માર્કેટિંગ ! બસ ત્યારથી ચિટિંગ શરૂ થઈ. આ એજન્ટો છોકરાની અને છોકરીની ખામીઓ છુપાવીને સોદો પાક્કો કરતા અને એમ પોતાનું ઘર ચલાવતા. એટલે છોકરો છોકરી લગન પછી અફસોસ કરતા. એટલે ફરી નવો વિચાર લાવવાની જરૂર ઉભી થઇ. હવે શું કરવું તો આપણને સારું પાત્ર મળે? પણ એ પછી કોઈ નવો વિચાર કોઈને આવ્યો નહિ. એટલે એ સિસ્ટમ ચાલતી રહી.

ખેર પણ પછી શિક્ષણમાં એકાએક જ વધારો થયો. શૈક્ષણિક ક્રાંતિ જેને કહેવાય તે સમય આવ્યો અને ભણતી છોકરીઓ અને છોકરાઓ પાસે નવો વિચાર આવ્યો. લવ મેરેજ ! અને શરૂ થયો લવ મેરેજનો દોર. પણ એમાં તો પહેલા કરતાં પણ વધારે કારમી નિષ્ફળતા મળી. લવ મેરેજમાં તો છોકરો અને છોકરી બંને ભણેલા હોય એટલે બુદ્ધિશાળી હોય અને બંને એકબીજાને બનાવી શકે. એમાં એવું જ થતું હતું ખાસ કરીને. ભાગ્યે જ કોઈ છોકરો છોકરી સારા હોય એવા એકબીજાને મળે. એવું હોય ત્યાં ટકતું ખરા પણ મોટા ભાગના કિસ્સામાં સુંદર છોકરી મેળવી લેવા માટે અસત્ય ઉપર પ્રેમ ચાલતો અને લગન પછી એ અસત્યનો પરદો ખસતા જ છુટા છેડા ! આ દરેક બાબતમાં શુ મહત્વનું હતું? “સાથે રહેવું” જ દરેક કિસ્સા માં મહત્વનું હતું. સાથે રહેવાથી જ કાતો પ્રેમ થયો અથવા ખોટા પ્રેમનો ભ્રમ તૂટ્યો. આ પ્રક્રિયા ચાલુ રહી અને પછી મોટા શહેરોમાં અમુક અમુક જગ્યાએ પાછળથી પેલો પરદો ન ખસે એ માટે લિવ ઇન રિલેશનશિપ નો દોર આવ્યો (જોકે આપણા દેશમાં આવું હજુ ખાસ જોવા નથી મળતું) પણ છતાંય એકટર, ક્રિકેટર, એ બધા લોકોમાં આ દોર આવ્યો છે. પણ છતાં એમાંય કશું કાંદા કાઢ્યા નથી. તમે સર્ચ કરજો ઘણી બધી અભિનેત્રીઓએ અને અભિનેતાઓએ લગ્નના દશ કે બાર વર્ષ પછી છુટા છેડા લીધા છે. (સેફ અલી ખાન આનું ઉદાહરણ છે જ એ સિવાય આવા તો 100 એક્ટરોએ છુટા છેડા લીધા છે)

ટૂંકમાં જે પ્રેમ હતો જ નહીં એ સાથે રહ્યા પછી ભ્રમ તૂટી ગયો. આ પ્રક્રિયા સતત ગમે તેટલા બદલાવ લાવવા છતાં અટકી નથી. કેમ કે ફક્ત નજરને ગમેલું હતું. મનને હૃદયને નહિ.

આ તો હિસ્ટ્રી હતી. પણ આનો ઉપાય શુ ?

વેલ , ઉપાય એક જ છે પરંપરાને તોડો. અહીં પરંપરા એટલે કોલેજમાં જાય એ બધા નવા નવા એમ જ સમજે છે કે કોલેજ પ્રેમની શાળા છે. ત્યાં પ્રેમ થાય. અને લગભગ 100 માંથી 90 કોલેજમાં પ્રેમમાં પડે છે. નજરના પ્રેમમાં! અને પછી ભ્રમનો પરદો ખસે એટલે પ્રેમ ગાયબ! કેમ કે એ આકર્ષણ હતું. બીજી પરંપરા છે તૈયાર થવાની. કોલેજમાં બધા તૈયાર થઈને જાય. આ જ તો મૂર્ખાઈ છે ને. પ્રેમને વળી સારા દેખાવાથી શુ મતલબ? એ તો નજરને લલચાવવાનો કીમિયો છે. અને જેમ તમે કૃત્રિમ સારા દેખાઈને સામેવાળી વ્યક્તિને અકર્ષવાની કોશિશ કરો છો તેમ એ પણ એ જ કામ કરે છે. ટૂંકમાં બંને તરફ છેતરપિંડીનો જાણે ધંધો માંડ્યો છે!

ઘણા એવું કહેતા હોય છે કે અમને તો સાચો પ્રેમ હતો પણ અમારા મા બાપ ન માન્યા! અરે તમને તમારા મા બાપે કદાચ રોક્યા હશે પણ આ ફિલ્મોના હીરો હિરોઈન એમને તો ગમે ત્યાં ગમે તેની જોડે લગન કરવાની છૂટ જ છે ને! અરે કરે જ છે ને! પણ કેટલા ટકે છે? (જે સાથે રહીને પ્રેમ ઉદ્દભવવા દઈ પછી લગન કરે છે એ ટકે છે) બાકીના બધા નજરના પ્રેમ વાળા આખરે કોર્ટમાં જ જાય છે !

આ પરંપરા તોડી નાખો કે પ્રેમ આમ જોવામાં ગમતી વ્યક્તિ જોડે થાય. પ્રેમ સાથે રહ્યા પછી જ શક્ય છે એ સિવાય શક્ય નથી જ. એટલે ખોટા આવા વહેમમાં ન રહો કે તમને લવ એટ ફર્સ્ટ સાઇટ થયો છે કે પછી દેખાવડા છોકરા / છોકરીથી પ્રેમ થયો છે! આ પોતાની જાતને છેતરવાનો એક ધંધો છે બીજું કશું જ નથી.

એનો ઉપાય એક જ છે. પ્રેમને ટાર્ગેટ કરો જ નહીં. ફક્ત દોસ્તી કરો. દોસ્તીમાંથી સાથે રહેવાથી લાંબા સમયે પ્રેમ આપમેળે જાગશે અને તો જ એ પ્રેમ ટકશે બાકી તો કોર્ટમાં જ એની પુર્ણાહુતી થવાની!

અને જો સાથે રહીને પ્રેમ વિકસે છે તો પછી એને મજબૂત કઈ રીતે કરવો એ પણ એક માનસિક પ્રક્રિયા છે. એના બે પાસા છે.

1. તમે સાથે રહીને (અહીં સાથે રહીને એટલે કે લગન કર્યા પછી અથવા પહેલા ગમે તે હોઈ શકે) પ્રેમ ઘડયો છે એને મજબૂત બનાવવા જો તમે પુરુષ છો તો….. 1. તમારા સ્વભાવથી અલગ પ્રકારના પુરુષની દોસ્તી ટાળો, તમારો સમય પહેલાની જેમ જ વાપરો, કઈ જ સ્પેશિયલ તમારી પત્નીને ન આપો, કેમ કે એ સ્પેશિયલ સમય કે ગિફ્ટ તમે કાયમ નહિ આપી શકો. અને જ્યારે નહિ આપી શકો ત્યારે એ દુઃખી થશે. દુઃખ શુ છે? દુઃખ એટલે સરખામણી. તમે સારા સમયે તમારી પત્નીને આપેલી જરૂર કરતાં મોંઘી ગિફ્ટ જ્યારે ખરાબ સમયે કઈ ન આપી શકો ત્યારે એ ભૂતકાળ યાદ કરે છે કે પહેલા તો આવી ગિફ્ટ આપી હતી હવે કેમ નહિ? બદલાઈ ગયો? અને પ્રેમ કમજોર પડવાની શરૂઆત થાય છે જો પત્ની સમજુ ન હોય તો. અને એવું જરૂરિ નથી કે પ્રેમ કરતી પત્ની સમજુ હોય. એને વ્યવહારિક બાબતો ન સમજાતી હોય એ પણ સંભવ છે એટલે કૃત્રિમ બધું પહેલેથી જ ટાળો. તમે જે આસાનીથી આપી શકો છો એ જ આપો એને. જે તમે કાયમ આપી શકો એટલું જ આપો તો એ કાયમ ખુશ રહેશે. અમુક લોકો નવા નવા લગન પછી ફરવા જાય અને મોંઘા મોંઘા કપડાં લાવે ને વગેરે વગેરે કરે છે અને પછી જ્યારે એ શક્ય ન હોય ત્યારે મન દુઃખ થાય છે. હવે એ પહેલાં જેવા નથી રહ્યા! આ ઝેર પહેલા હળવું હોય છે પછી જ એ વધારે ઘોળાઈને ફેલાય છે તીવ્ર બને છે. આવું કોઈ કહે ત્યારે સમજાય નહિ પણ જેમના છુટા છેડા થયા છે એ બધા પહેલા તો સાથે જ રહેતા હતા અને એમને એમ જ હતું કે અમે લાઈફ ટાઈમ સાથે જ રહીશું કેમ કે આ બધી વાતો એ સમજ્યા નહોતા.

2. જો તમે સ્ત્રી હોવ તો…… બીજીની સ્ત્રીની લાઈફ સ્ટાઇલ તમારી સાથે સરખાવવાની ભૂલ ન કરો. ફલાણી બધું કરે છે તો હું કેમ નહિ? કેમ કે ફલાણીના પતિને તો ક્યાંક લફરું પણ હશે એટલે એ બધું કરે અને તમારા પતિને ક્યાંય આડા સંબંધો નથી એટલે તમારે તમારી રીતે જ અમુક કામ ન કરવા જોઈએ એટલી સમજ હોવી જોઈએ તમારી અંદર. બીજાની સાથે તમારી જાત, તમારું ઘર, સરખાવશો નહિ તો ક્યારેય તમને કશુંય નવું કરવાની ઈચ્છા નહિ થાય (નવું મતલબ નકામા અખતરા) અને કશુંય નકામું અજુગતું નહિ કરો તો પહેલાની જેમ જ સરળ રીતે આજીવન તમારું ઘર ચાલતું રહેશે…..!

-વિકી ત્રિવેદી

નોંધ : સમય ઓછો હોય એટલે હું જોડણી વગેરે બીજી વાર ચેક નથી કરતો તમારે ફક્ત જીવનમાં કઈક સારું સાચું લાગે એ ઉતારવાનું છે જોડણી નથી જોવાની 😊

 
Leave a comment

Posted by on મે 20, 2020 માં Vicky Trivedi

 

બાળક


બાળક :

બાળકને ધમકાવ્યા – માર્યા – ડરાવ્યાં કે લાલચ આપ્યા વગર કઈ રીતે દિશા સૂચન કરવું ?

ચાઈલ્ડ સાયકોલોજી.

બાળકો માટે કેટલીક ગેરસમજ જે આપણે ફક્ત ક્યાંકથી સાંભળીને સ્વીકારી લીધી છે.

1. હજુ તો નાનો / નાની છે હમણાં એ ન સમજે.
2. એ તો મોટો થશે એટલે સમજશે.

આ આપણી સૌથી મોટી ગેરસમજ છે. કારણ કે આપણે દરેક વાતે આ એક વાક્ય બોલીને બાળકને અન્ડરએસ્ટીમેટ કરીએ છીએ. વાસ્તવિકતા અલગ છે. તદ્દન અલગ. વાસ્તવમાં તો બાળક જ એક માત્ર જીવ છે જેને દરેક વિષયમાં રસ છે.

તમે ક્યારેય વિચાર્યું છે એક ઉંમર પછી દરેક વ્યક્તિને અમુક વિષયમાં જ રસ હોય. દા.ત. મોટા ભાગના લોકોને પૈસા કમાવામાં રસ હોય પણ શું એ દરેક વ્યક્તિને સ્પોર્ટ્સમાં – ચિત્રમાં – લેખનમાં – ભણવામાં – ટીવીમાં – વિડીયો ગેમમાં – વગેરે અલગ અલગ વિષયમાં રસ હોય છે? ના. એક ઉદાહરણ લઈ લઈએ પુસ્તક વાંચનારની સંખ્યા પુસ્તક ન વાંચનાર લોકોની સંખ્યાના કેટલા ટકા હોય છે? મારા અંદાજે લગભગ 1%. ( આ કોઈ ઓફિસયલ સર્વે કરીને મેળવેલી ટકાવારી નથી પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણા વર્ગમાં ભણતા 100 વિદ્યાર્થીઓમાંથી જનરલી 1 કે 2 વિદ્યાર્થી જ મોટા થઈને બુક લવર્સ બને છે. )

ટૂંકમાં એક ચોક્કસ ઉંમર પછી કોઈ પણ વ્યક્તિને માત્ર અમુક વિષયમાં જ રસ હોય છે બાકીના વિષયમાં નહીં. પણ તમે બાળકની મેન્ટાલીટી નોટ કરજો. તમારા બાળકને દરેક વિષયમાં રસ છે. એને તમારા ઘરમાં થતી દરેક વાત સાંભળવી છે. તમે ક્યારેક છાની છાની વાત કરતા હોવ તો બાળક આડી નજરે ધ્યાનથી સાંભળશે. તમને ખબર છે તમારું બાળક જાસૂસ પણ છે. પતિને ખબર ન હોય કે પત્ની કઈ જગ્યાએ પૈસા સંતાડીને સાચવીને રાખે છે પણ બાળકને ખબર હોય છે. તમારા બાળકનું વર્તન ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે લગભગ દરેક વિષયમાં બાળકને રસ છે. એને બહાર રમવા પણ જવું છે. એને ટીવી પણ જોવી છે. એને તમારી વાતો પણ સાંભળવી છે. એને મોબાઈલ પણ જોઈએ છે. એને દરેક અજાણ્યા શબ્દનો અર્થ સમજવો છે. સ્કૂલમાં પડોશમાં કે ટીવીમાં જે શબ્દનો અર્થ ન સમજાય એ શબ્દને યાદ રાખીને એ તમને પૂછશે કે આનો અર્થ શું થાય? સ્કૂલમાં સાંભળેલો શબ્દ ઘરે આવતા સુધી એ ભૂલતો નથી. કેમ ? કેમ કે એને દરેક વિષયમાં રસ છે.

હવે જનરલી શું થાય છે? આ દરેક વિષયમાં જન્મતો રસ વાલીઓ અને શિક્ષણ વ્યવસ્થા અમુક ચોક્કસ બાબતોમાં ડાયવર્ટ કરી નાખે છે જેમ કે 18 વર્ષ પછી ત્રણ ટાર્ગેટ આપવામાં આવે છે. પૈસા કમાઓ – નોકરી લો – છોકરી શોધો. અથવા નોકરી મેળવો તો પૈસા આવશે અને તો છોકરી મળશે. લગભગ તરુણાવસ્થા સુધી બાળકને બધા જ વિષયમાં રસ હોય છે. બાળકને જ નહીં પ્રાણીને પણ એવું જ હોય છે. તમે તમારા એરિયામાં કુતરીના બચ્ચા અને કુતરીને નોટ કરજો. ગલૂડિયા પ્લાસ્ટિકની બોટલ ચાવી જશે – જૂતા ચાવી જશે – છોડ અને ફૂલ ઉખાડી નાખશે – ગાડીની નીચે સંતાઈ જશે – તમારી સાથે રમશે વગેરે અનેક વર્તન કરશે. પણ કુતરી આવું કંઈ જ નથી કરતી. કારણ કે એની તરુણાવસ્થા પૂરી થઈ ગઈ છે. એના હોર્મોન્સ બદલાઈ ગયા છે. એને હવે બધા વિષયમાં રસ નથી. જ્યારે ગ્લૂડિયાઓને હજુ બધા વિષયમાં રસ છે. હવે આ જ ગ્લૂડિયા મોટા થતા એમની આદત બદલાઈ જાય છે. આદત હંમેશાં “રસ” ( ઇન્ટરેસ્ટ ) ઉપર ડિપેન્ડ કરે છે. આ મોટા થયેલા ગ્લૂડિયા માટે હવે બે ચાર સબ્જેક્ટ જ ઇન્ટરેસ્ટિંગ છે. જેમકે કુતરી શોધવી – ખાવા પીવા શોધવું અને ખાઈને આખો દિવસ પડ્યા રહેવું. હવે એ ગાડી નીચે સંતાય નહીં – બોટલ કે છોડ ચાવે નહીં. ( અપવાદ હોઈ શકે ) એનો રસ હવે ખાવા પીવામાં અને સુવામાં છે. કારણ ? કારણ કે એને ટ્રેઇન કરવામાં નથી આવ્યું.

હવે એ જ કૂતરું જ્યારે ટ્રેઇન કરવામાં આવે ત્યારે એ મોટા થયા પછી પણ આ બધું જ કરે છે. સંતાવું – જરૂર વગર દોડવું – જરૂર વગર કુંદવું – માલિક જોડે રમવું. કારણ ? કારણ એને નાની ઉંમરે દિશા સૂચન કરવામાં આવ્યું છે. એક અજાણ્યું કૂતરું તમારા ઘરમાં આવીને પાણીના માટલાને અડશે પણ તમારા ઘરે ઉછરેલું કૂતરું એવું નહીં કરે. જનરલી ગામડાઓમાં કૂતરું ( ઘરે ઉછરેલું ) આંગણું ક્રોસ કરીને ઓરડામાં નથી જતું. શહેરમાં પણ એવું જ હોય સિવાય કે તમે એને પહેલેથી જ આખા ઘરમાં ફેરવો.

આ કૂતરા ઉપર જે ઇફેક્ટ થાય છે એ જ ઇફેક્ટ બાળક ઉપર થાય. ટ્રેઇન કર્યા વગરનું બાળક મોટું થઈને પેલા કૂતરા જેમ કે અમુક ચોક્કસ વિષયમાં જ રસ લેશે. જેમકે ખાવું પીવું અને સુઈ રહેવું. ખાવા પીવા માટે માણસે કમાવું પડે છે એટલે એ કમાય છે. બાકી બધું સેમ.

આ થઈ જન્મથી યુવાની સુધીની સફર.

હવે આ સફર સુધારવી કઈ રીતે? બાળપણમાં જ. તમે ડાઈવર્જન આપીને બાળકને યોગ્ય રસ્તો બતાવી શકો છો. કઈ રીતે ? એ વિચારવાનો વિષય નથી સમજવાનો વિષય છે. સૌથી પહેલા તો તમારે એના માટે સતત કોન્સિયસ રહેવું પડે. ઘણી બધી ભેજામારી કરવી પડે. અને આ બધું એક દિવસમાં થાય નહીં. સતત એની તૈયારી કરવી પડે.

તમારે નાનપણથી જ તમારા બાળક ઉપર ફોક્સ કરવું પડે. એ શું કરે છે. કઈ રીતે કરે છે. એને શેમાં રસ છે. કેવો રસ છે. એને જો કશું જ રોકટોક ન કરવામાં આવે તો એ આખો દિવસ શું કરવામાં પોતાનો સમય કાઢે છે? આવું તમે ક્યારેય ચેક કર્યું? ના લગભગ કોઈએ આવું ચેક કર્યું નહિ હોય. આપણે તો બસ સ્કૂલની ફી ભરીને એમ સમજીએ કે હવે ત્યાંથી મારુ બાળક બધું શીખીને આવશે. કઈ રીતે શીખીને આવશે? એ કોઈ સેવા માટેની સંસ્થા છે? એ તો એક બિઝનેસ છે. ત્યાં એ જ શીખવવામાં આવે જે એક ચોક્કસ સિલેબસમાં આવે છે. સાઈન થિટા – કૉસ થિટા – પાયથાગોરસનો પ્રમેય – વર્તુળ – ક્ષેત્રફળ અને ઘનફળ – ત્રિકોણ – સામેની બાજુ – પાસેનો ખૂણો – પૂરક કોણ – લંબ – સમાંતર રેખા – છેદ – બિંદુ ને કિરણ…… અથવા હાઇડ્રોજન અને હિલિયમના બનેલા તારા – ઘર્ષણ – ન્યુટનના નિયમ – પ્રકાશનું પરાવર્તન – ગતિ – બળ – ઉચ્ચાલન – નેનો કણ – બકી બોલ – આર્કિમિડિઝનો સિદ્ધાંત – અલગિકરણ – વિભાગ્ય નિસ્યન્દન – ધાતુ – અધાતુ – ઉતપલાવકતા – ગુરુત્વાકર્ણ – વેગ – સમાંતર જોડાણ – શ્રેણી જોડાણ – બોઝ આઈન્સ્ટાઈન થિયરી……… વગેરે વગેરે વગેરે……. પણ શું એવું જરૂરી છે કે તમારું બાળક એન્જીનીયર અથવા ડોકટર જ બનશે?

ધારો કે અલંકાર – છંદ – સમાસ – જોડણી – નિપાત – સંજ્ઞા – વિશેષણ – નામ – સર્વનામ – વિભક્તિ – વિરામ ચિહ્નન….. અથવા મુઘલ – બાબર – સિંધુ ખીણની સંસ્કૃતિ – આર્ય – દ્રવિડ – હુણ – નિસાદ – યુએચી – ડચ – પોર્ટુગીઝ – અંબોહવા – વનસ્પતિ – પાઈન અને દેવદાર – પીટ – એન્ટરેસાઇટ – લિગ્નાઇટ – બીટયૂમિન્સ – રેલવે – પુન:પ્રાપ્ય સંસાધન – 1857 નો વિપ્લવ – તાત્યા ટોપે – રાજા રામમોહન રાય…… વગેરે વગેરે….. પણ શું એવું જરૂરી છે કે તમારું બાળક ગુજરાતી – હિન્દી કે સંસ્કૃત ભાષાનો પ્રોફેશર બને ? કે ઇતિહાસવિદ બને ?

સ્કૂલમાં કેટલા વિષય ભણાવે ? 10 – 12 ??? એટલે શું માણસ પાસે કશુંક કરવા માટે 10 – 12 ઓપશન જ હોય છે ? માણસની લાઈફમાં 10 – 12 રસ્તા જ હોય છે ? ના અનેક રસ્તા અનેક ઓપશન જીવનમાં હોય છે. પણ આપણે બાળક જોડેથી એ ઓપશન છીનવી લીધા છે એમાં સૌથી મોટું પરિબળ છે “શિક્ષણનો ધંધો” યસ શિક્ષણ ફક્ત એક ધંધો બની ગયો છે એટલે ઓપશન રહ્યા જ નથી. કઈ રીતે નથી રહ્યા. દિવસમાં 12 કલાક બાળક જાગે. એમાં 6 કલાક સ્કૂલ. 3 કલાક ટ્યુશન. 2 કલાક ટ્યુશન + સ્કૂલ હોમવર્ક – 1 કલાક ન્હાવા ધોવા અને જમવાનો. બાર કલાક પતી ગયા. એ ક્યારે વિચારે? એ કોઈ વિષયમાં રસ ક્યારે લે? એને સમય જ ક્યારે મળે? આ શિક્ષણ છે કે માનસિક ટોર્ચર ? એમાં સ્કૂલમાં શિક્ષક ધમકાવે. ટ્યુશનમાં પરીક્ષાની સતત બીક આપે. ઘરે વાલી લોહી પીવે. રસ્તામાં સાધનો અને મોટા છોકરાઓનો ત્રાસ. તમને તો એ કઈ કહેતા જ ડરે. સેરિંગ નામનો શબ્દ તો એની ડિક્શનરીમાં છે જ નહીં. મશીન બની ગયું છે મશીન.

આ મશીન હવે થોડું મોટું થાય એટલે આ 10 વર્ષ સતત જે ત્રાસ – થાક – અપમાન સહન કર્યું હોય એના લીધે એ થોડી શક્તિ આવતા જ અવળે રસ્તે ફંટાય. ફ્રેન્ડ્સ બનાવે. એની માનસિક શાંતિ માટે પાર્ટીઓ કરે. વ્યસન તરફ જાય. રખડવામાં એને આઝાદી લાગે. ઘરે આવવું ગમે નહીં. ઘરમાં બધું સિક્રેટ સિક્રેટ ગેમ જેવું હોય. પપ્પા ઘરે આવે ખાઈને સુઈ જાય. કદાચ પ્રશ્ન પૂછે તો સ્કૂલ વિશે પૂછે ભણવા વિશે પૂછે બીજો કોઈ પ્રશ્ન નહીં. તને કેમ છે – હવે તું શું વિચારે છે – તને શેમાં રસ છે – તને શું ગમે છે – કોઈ જ સવાલ નહીં. મમ્મી તો એમ જ સમજે કે સારા કપડાં ખાવા પીવા અને સ્કૂલની ફી ભરીને અમે અમારી જવાબદારી પૂરી કરી. અરે પગાર તો તમે ઘરે કામવાળીને પણ આપો છો – જુના કપડાં પણ આપો છો અને ખાવા પીવા પણ આપો છો. એનાથી એ તમારી ફેમિલી મેમ્બર બની જાય? નેવર.

પછી એક દિવસ અચાનક બાપ પૂછે : તું સિગરેટ પીવે છે ? આ પ્રશ્નનો હવે કોઈ મતલબ છે? તમે પહેલા ક્યારેય એને ભણવા સિવાયનો કોઈ સવાલ કર્યો છે?

બસ આ રીતે આપણે જનરલી એક બેજવાબદાર યુવાનનું સર્જન કરીએ છીએ. અને તેનું કારણ છે આપણે ખુદ બેજવાબદાર હતા.

100 માંથી 90 છોકરા છોકરીઓ આ રીતે જ ઉછરે છે. જે શીખે છે એ ફ્રેન્ડ્સ જોડેથી કે ફિલ્મો કે સિરિયલમાંથી શીખે છે. મા બાપ જોડે તો વાત કરતા જ ડરતા હોય છે. સાચું શું ખોટું શું એ નક્કી કરવા માટે એમની પાસે થર્મોમીટર છે જ નહીં. જો મને ખબર જ ન હોય કે શરીરનું તાપમાન કેટલું હોય તો એને નોર્મલ કહેવાય તો પછી મારે મારુ તાપમાન માપવાનો કોઈ મતલબ ખરો?

આ થયા પ્રશ્ન હવે સોલ્યુશન જોઈએ.

સોલ્યુશન ત્યારે જ આવે જ્યારે તમને પ્રશ્ન ખબર હોય. જવાબ તમારી જોડે જ હોય છે. વાસ્તવમાં તો આપણે પ્રશ્ન શોધવાનો હોય છે. પ્રશ્ન શોધો એટલે જવાબ તો તરત મગજમાંથી બહાર આવે છે.

એક નાનકડું ઉદાહરણ લઈએ : સૌરભ એક પ્રાઇવેટ ફર્મમાં એમ્પ્લોયી હતો. એ યુવાન હતો મહેનતુ હતો પણ એને નોકરીમાં કંટાળો આવતો કારણ કે બોસ એને સતત ટોકયા કરતો. એને સમજાતું નહીં કે આ કાંટાળાના સોલ્યુશન માટે મારે શું કરવું? કારણ કે એ જવાબ શોધે છે. એ પ્રશ્ન નથી કરતો કે મને કંટાળો કેમ આવે છે?

એક વાર એણે પોતાની જાતને પ્રશ્ન કર્યો તો એને જવાબ મળી ગયો. પ્રશ્ન કરવાથી એને સમજાઈ ગયું કે કાંટાળાનું કારણ એ છે કે પૂરતી મહેનત કરવા છતાં બોસ સારું વર્તન નથી કરતો. હવે જો એ સીધે સીધું બોસને જઈને કહે કે તમે મારી મહેનત જોતા નથી, મારી મહેનતના પ્રમાણમાં તમે મારી સાથે બરાબર વર્તન કરતા નથી. એવું કહે તો બોસ ચિડાઈ જાય.

સૌરભે એક યુક્તિ અજમાવી તો એનું સોલ્યુશન મળી ગયું. કેવી યુક્તિ? ત્યાં જ એક પ્રશ્નની સૂચિ મળી. પ્રશ્ન 1. મને કંટાળો આવે છે. પ્રશ્ન 2. મને કંટાળો આવે છે કારણ કે હું પ્રામાણિક છું મહેનતું છું છતાં બોસ મને ક્રેડિટ નથી આપતા. પ્રશ્ન 3. હું શું કરું તો બોસ મારી સાથે સારું વર્તન કરે? જે બોસને મારુ કામ, પ્રામાણિકતા અને મહેનત નથી દેખાતા એને હું શું કરું તો મારી પ્રામાણિકતા અને મહેનત સમજાય ? જો હું 15 દિવસ આ ઑફિસમાં હાજર ન હોઉં તો આ બધું મારુ કામ અને જે બીજાના ભાગનું કામ પણ હું કરી લઉં છું એ કોણ કરે? અને એ ન થાય તો બોસને સમજાઈ જાય કે ઑફિસમાં મારી ગેરહાજરીને લીધે અવ્યવસ્થા ફેલાય છે. મારી ગેરહાજરી એટલે કે હું રજા ઉપર જાઉં.

સૌરભે નક્કી કર્યું અને 15 દિવસની રજા લે છે. બીજા દિવસથી જ બોસને તકલીફ પડવા લાગી. ઘડી ઘડી બીજા માણસોને એની ચેમ્બરમાં બોલાવીને આ ફાઇલ તે ફાઇલ મંગાવી. પણ બધાની ફાઇલ ઉપર નંબર હોય. બીજા માણસોને તો એ નંબર યાદ પણ ન હોય. શોધીને લાવતા સમય નીકળે.

બીજા દિવસે ત્રીજા દિવસે ચોથા દિવસે સતત આવું થવા લાગ્યું. જે માણસને કામ સોંપ્યું હોય એ બહાર જઈને બીજાને પૂછે ફાઈલો ક્યાં છે? નંબર કઈ રીતે સમજવાના? કોઈએ વળી સૌરભને ફોન કરીને પૂછ્યું આ નંબર કઈ રીતે સમજવાના ? બધી ફાઇલ ખોલીને અંદર નામ જોવાના ? એમા તો કેટલો સમય જાય અહીં તો 200 ફાઇલ છે….! સૌરભે જવાબ આપ્યો કોમ્પ્યુટરમાં જે ક્લાયન્ટનો ડેટા હોય એ એક નંબરથી સેવ થાય. એ નંબર સર્ચ કરો એટલે નામ આવી જાય અથવા નામ સર્ચ કરો તો નંબર મળી જાય. ( થતું એવું કે બોસને જે ક્લાયન્ટનો ફોન આવે કે રૂબરૂ મળવા આવે એનું નામ લઈને ફાઇલ મંગાવતા. સૌરભ તો એ ક્લાયન્ટનો ડેટા સર્ચ કરીને નંબર જોઈ લેતો અને એ નંબરની ફાઇલ કાઢી આપતો પણ બીજાને આ બધી ખબર નહોતી. ) આખરે બોસ અચાનક જ બીજા માણસોને બોલવા લાગ્યા, “એક ફાઇલ લાવતા 10 મિનિટ? પેલો સૌરભ તો એક મિનિટમાં લાવતો હતો….. એક ફાઇલ મંગાવું એમાં ય બહાર જઈને બધા ગુસપુસ ચર્ચાઓ કરવાની?”

આવું અનેક બાબતોમાં થયું. બોસને ખબર જ નહોતી કે હું આ લોકોને ધમકાવતો નથી પણ ઇંડાયરેક્ટ રીતે પેલાના વખાણ કરું છું જે વખાણ મેં ક્યારેય એના કર્યા જ નથી.

હવે ધારો કે સૌરભે બોસને સીધું એમ કહ્યું હોત કે મને ક્રેડિટ આપો તો? તો બોસ એમ કહોત કે હું પગાર આપીને માણસો રાખું છું મફતમાં નહીં. મારુ કામ પગારથી થાય છે જે તારી જગ્યાએ બીજો માણસ પણ કરી શકે.

પંદર દિવસે સૌરભ જ્યારે ઑફિસ આવ્યો ત્યારે બોસે એને આવતા જ વેલકમ કહ્યું. એ દિવસે બોસે સૌરભને કોઈ વાતે ટોક્યો નહીં કારણ કે બોસ સમજી ગયા હતા કે જો આ માણસ ન હોય તો મારી ઑફિસમાં જે કામ એક મહિનામાં થાય છે એ બે મહિનામાં થાય.

અહીં સમજવાનું શું છે? તમને કોઈ સમસ્યા હોય તો એ રજૂ કરવાનો કોઈ અર્થ નથી. સામેવાળાને તમે શું ફાયદો આપો છો એ એને સમજાવું જોઈએ તો જ એ વ્યક્તિ તમારી સમસ્યાનું સોલ્યુશન લાવી આપે.

આ ઉદાહરણ પરથી એક વાત સમજી લો દલીલ – ઝઘડવું – લડવું કે ઓછી સમજશક્તિ વાળી વ્યક્તિને સીધે સીધો પ્રશ્ન કરવો એ સાવ નિર્થક છે.

આ જ તો એક વાલી તરીકે તમારે સમજવાનું છે. તમારા બાળકમાં પણ એ જ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ કામ કરે.

તમારે એવું કંઈક કરવું પડે કે તમારું બાળક ખુદને પ્રશ્ન કરતું થાય. એક ઉદાહરણ આપીશ. મારો એક સ્ટુડન્ટ હતો. એને વિજ્ઞાનમાં કોઈ જ રસ નહીં. આ સ્ટુડન્ટના ઘરે હું પર્સનલ ટ્યુશન આપતો. એને મારુ કે ધમકાવું તો આ પૈસાદાર બાપનો છોકરો ઘરે મારી ફરિયાદ કરીને મારા પેટ ઉપર જ લાત મારે. હું કેવું ભણાવું છું કેટલી મહેનત કરું છું એ કશું જ એ ન વિચારે. જોકે આ છોકરો બીજા વિષય તો બરાબર ભણતો પણ એને વિજ્ઞાનમાં જરાય રસ નહીં. એને કંટાળો આવતો. મેં મારી જાતને પ્રશ્ન કર્યો કે મારે શું કરવું જોઈએ? મને એકાએક યાદ આવ્યું કે આ છોકરો વેકેશનમાં મારી જોડેથી એક આખી પેનડ્રાઇવ ભરીને હોલીવુડ ફિલ્મો લઈ ગયો હતો અને એમાંથી એને સાયન્સફિક્શન અને એલિયન્સની ફિલ્મો વધારે ગમી હતી. એણે મને પૂછ્યું પણ હતું કે સર સાચે એલિયન્સ હોય?

મને એક આઈડિયા આવ્યો. મેં ટ્યુશનમાં થોડા દિવસ વિજ્ઞાન ભણાવવાનું જ બંધ કરી દીધું. હું એની જોડે એલિયન્સની વાતો કરતો. એને એમાં રસ પડતો. હું જાણી જોઈને બધી વાતોમાં વૈજ્ઞાનિક શબ્દોનો ઉપયોગ કરતો. એને ઘણા પ્રશ્ન થતા જેમ કે બીજા ગ્રહ ઉપર ઓક્સિજન હોય? બીજા ગ્રહથી પૃથ્વી સુધી કઈ રીતે આવી શકે? ત્યાં એ લોકો શું ખાતા હશે? કોણે આ બધું શોધ્યું કે એલિયન્સ હોય છે? મેં એને ઘણા સવાલોના જવાબ આપ્યા પણ બધા એ રિતે આપ્યા કે એને પૂરું સમજાય નહીં. છેવટે થોડા દિવસ પછી એણે કહ્યું કે સર આ બધું સમજવું હોય તો શું કરવું પડે? હવે યોગ્ય સમય હતો એને સમજાવવાનો. મેં એને પૂછ્યું એલિયન્સવાળી ફિલ્મને શું કહેવાય? એણે કહ્યું સાયન્સ ફિક્શન. મેં કહ્યું કેમ એને સાયન્સ ફિક્શન કહેવાય ? એમાં સાયન્સ શબ્દ કેમ છે? એ થોડીવાર ચૂપ થઈ ગયો અને પછી પૂછ્યું કે સાયન્સ આવડે તો આ બધું સમજાય હે ને સર? મેં કહ્યું ઈકજેકટલી.

બસ ત્યારથી એને સાયન્સમાં રસ પડી ગયો. એના પછી તો કંઈ કેટલાય સુપર હીરોના કોસ્ચ્યુમ કઈ રીતે બને – સુપર હીરો હવામાં કઈ રીતે કૂદી શકે ? એ બધું સાયન્સમાં કેમ નથી આવતું ? એવા પ્રશ્ન એ કરતો. હું એને સમજાવતો કે આપણે કૂદી કેમ નથી શકતા ? એટલે કે અમુક હદથી વધારે કૂદી કેમ નથી શકતા? એ વિચારમાં પડતો. હું એને કહેતો કેમ કે આપણને ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. હવે જો આપણે લાંબો કે ઊંચો કૂદકો મારવો હોય તો શું કરવું પડે? એ તરત કહેતો ગુરુત્વાકર્ષણ ઘટાડવું પડે રાઈટ? હું કહેતો યસ પણ એ ઘટે કઈ રીતે? એ ઘટાડવા માટે આપણે ગુરુત્વાકર્ષણને સમજવું પડે ને. જે તારી બુકમાં છે જ. ધારો કે તું કેટલું ઊંચું કૂદી શકે ? એણે જવાબ આપ્યો : સર 3 બટન. મેં એને સરળ શબ્દોમાં સમજાવ્યું કે તું 3 બટન કૂદી શકે છે કેમ કે તું ગુરુત્વાકર્ષણ બળ સામે થોડું ક તારું પોતાનું બળ લગાવી શકે છે. હવે આર્યન મેન કેમ 25 ફૂટ કૂદી શકે છે? એ તરત બોલ્યો કેમ કે આર્યન મેન પાસે મારા કરતાં વધારે તાકાત છે એટલે એ ગુરુત્વાકર્ષણ બળ સામે મારા કરતાં વધારે બળ લગાવી શકે છે. મેં કહ્યું યસ પણ એ બળ શેના લીધે લાગે છે? એણે જે મશીન બનાવ્યું છે જેની અંદર એ રહે છે એ મશીનને લીધે એ બળ લગાવી શકે છે. પણ એ મશીનમાં બળ ક્યાંથી આવે? કારણ કે એ મશીનમાં ઉર્જા ઉતપન્ન થાય છે.

પછી મેં કહ્યું જો વિજ્ઞાનમાં ક્યાંય એલિયન્સ કે આર્યન મેન વિશે તો લખેલું ન હોય કેમ કે આ બંને તો વિજ્ઞાનના એક અંગ બરાબર પણ નથી એટલે વિજ્ઞાન એને મહત્ત્વ ન આપે પણ ઇંડાયરેક્ટ આર્યન મેન કઈ રીતે કુદે છે એ વિજ્ઞાનમાં છે જ. અરે તારી બુકમાં પણ છે જ. તારે ઉર્જા – બળ – જટિલ યંત્ર – ગુરુત્વાકર્ષણ બળ વગેરે બધું જ બુકમાં આવે છે ને? એના ઉપર જ તો આર્યન મેન જીવે છે – એનું મશીન કામ કરે છે અને એ લાબું અને ઊંચું કૂદી શકે છે.

બસ એ દિવસથી એને વિજ્ઞાનમાં રસ પડવા લાગ્યો. પછી તો ધાતુ અધાતુ વિશે આવે એટલે એ તરત કહેતો સર આ કેપટન અમેરિકાની ઢાલ કોઈ મજબૂત ધાતુમાંથી બની હશે નહીં? વાયરના ગૂંચળાને ગોળ ગોળ ફેરવવાથી ચુંબકીય ઉર્જા ઉતપન્ન થાય છે એ વિશે ભણતા ભણતા એ પૂછતો કે સર પેલા મુવીમાં પેલું મશીન ગોળ ગોળ ફરે એટલે એમાં ઉર્જા ઉતપન્ન થાય અને એ ઉર્જા વાપરીને હીરો ભૂતકાળમાં જાય હે ને?

તમે જોયું ? જો મેં એને મારીને કે ધમકાવીને ભણાવવા પ્રયત્ન કર્યો હોત તો ? તો કંઈ જ ન થાઓત. તો એ બાળક પોતાનું મગજ એ દિશામાં લગાવોત કે હું શું કરું તો આ શિક્ષક મારા ઘરે આવતો બંધ થઈ જાય. પણ મેં જે કર્યું એના લીધે એનું મગજ એ વિચારવા લાગ્યું કે હું શું કરું તો મને એલિયન્સ કે સુપર હીરો વિશે સમજાય?

ટૂંકમાં તમે બાળકનું મગજ કઈ રીતે કઈ દિશામાં ડાયવર્ટ કરો છો એના ઉપર બાળકનો ઇન્ટરેસ્ટ ડિપેન્ડ કરે છે.

એક મારા ઓળખીતા બેન છે એમની છોકરી નાની છે. એને ભણવામાં રસ નથી. આવડે ખરા મગજશક્તિ છે પણ એને ભણવામાં રસ નથી. એને એક્ટિંગ ગમે છે. એ ઘરે સ્કૂલમાં એક્ટિંગના કોઈ પ્રોગ્રામ હોય તો એમાં ભાગ લે છે પણ ભણતી નથી. આ બેનને સમજાતું નથી કે મારે શું કરવું. એમણે મને વાત કરી કે મારે શું કરવું જોઈએ?

મેં એમને કહ્યું કે તમારી બેબીને જેમાં રસ છે એ વિષય ઉપર જ એને આડકતરી રિતે પ્રશ્ન કરતી કરો. એને એક્ટિંગ ગમે છે તો એને એકટર પણ ગમતા હશે. એના માટે કોઈ એકટર રોલ મોડલ પણ હશે. એને એના જેવું બનવું હશે. દા.ત. દીપિકા કે શાહરુખ ખાન.

તમે જો સીધું જ તમારી બેબીને એમ કહેશો કે તું ભણીશ નહીં તો આમ થશે કે તેમ થશે તો એ એને ધમકી લાગશે. એને ખુદને રસ જગવો જોઈએ તો જ એ ભણશે. તમારે હવે એક કામ કરવાનું છે. ઘરમાં એક્ટર્સ વિશે વાત કરવાની. દા.ત. તમે રસોઈ કરતા હોવ તો તમારે ઘરમાં કોઈ જોડે એવી વાત કરવાની કે દીપિકા આટલું ભણી છે. પ્રાઇમરીમાં એને ભણવાનું ન ગમતું. સ્કૂલમાં સુઈ જતી. પછી એક દિવસ એ ઓડિશન આપવા ગઈ અને ત્યાં અંગ્રેજીમાં સવાલ પુછ્યા ત્યારે દીપિકાને ન આવડ્યા. પછી એણીએ એક્ટિંગ સાથે સાથે ભણવામાં ધ્યાન આપ્યું. બીજા વર્ષે ઓડિશનમાં એને અંગ્રેજીમાં પૂછેલા સવાલો સમજાયા અને એ ઓડિશનમાં પાસ થઈ. પછી તો દીપિકાએ ભણવા ઉપર એટલું ધ્યાન આપ્યું કે એનું અંગ્રેજી પાક્કું થઈ ગયું અને છેવટે એને હોલીવુડ મુવીમાં પણ રોલ મળી ગયો. જો અંગ્રેજી ન શીખી હોત તો વિન ડીઝલ એને પોતાની ફિલ્મમાં ન રાખોત. આ તો જોકે કાલ્પનિક વાત છે પણ આવા અનેક કિસ્સાઓ તમે એક્ટર્સ વિશે ગૂગલમાં શોધી શકો અને એની ચર્ચા ઘરમાં કરી શકો.

તમારી બેબી એ બધું જ સાંભળશે અને ખુદને પ્રશ્ન કરતી થશે. એને પોતાની રીતે જ ભણવામાં રસ જાગશે. કારણ કે એ જે સાંભળશે એના વિશે એને પ્રશ્ન થશે જ. એને એમ થશે કે દીપિકા મેમ ભણ્યા હતા તો મારે ય ભણવું જોઈએ નહિતર મને અંગ્રેજી નહિ આવડે.

આ મુજબ તમે તમારા બાળકને કોઈ પણ દિશામાં ડાયવર્ટ કરી શકો છો. આ થિયરી તમારા બાળક માટે જ નહીં પણ બોસ – ફેમિલી કે મિત્ર ગમે ત્યાં કામ આવે છે. પણ બાળક માટે ખાસ કામ આવે છે કારણ કે બાળકને દરેક વિષયમાં રસ હોય છે એને જાણવાની ભૂખ હોય છે. જો તમે સમય કાઢીને એના વિશે વિચારો અને સતત આ થિયરીથી બાળકને ડાયવર્ટ કરો તો તમે તમારા બાળકનું પેફેક્ટ ઘડતર કરી શકો છો.

પણ હા એક વાત યાદ રાખજો. બાળક કોઈ પણ વાત તરત ભૂલી પણ જાય છે. એને જેટલું યાદ રહે છે એટલું જ એ ભૂલી જાય છે. તમારા બાળકને સતત આ રીતે ડાયવર્ટ કરવું પડે. આ કોઈ એક દિવસની પ્રોસેસ નથી. આ સતત પ્રક્રિયા છે. જો તમે તમારા અંગત જીવનમાં વધારે પડતા વ્યસ્ત રહો અને આ પ્રક્રિયા ભૂલી જાઓ કે બે ચાર દિવસે કંટાળીને બધું પડતું મૂકો તો એનું કોઈ રિઝલ્ટ મળવાનું નથી.

– વિકી ત્રિવેદી

 
Leave a comment

Posted by on મે 3, 2020 માં Vicky Trivedi

 

પ્રપોઝ


અમે મેરીટ બેકરી આગળ ઉભા સુમનની રાહ જોઈ રહ્યા હતા. શિયાળાના દિવસો હતા એટલે સાંજ થતા જ અંધારું અને ઠંડી બંને જોર પકડવા લાગ્યા હતા. મોનિકાએ તેનો કોટ પહેરેલ હતો એટલે તેને વાંધો ન હતો અને અનિરુદ્ધ તથા જયેશને મોડી રાત સુધી ઠંડીમાં પણ બાઈક પર રખડવાની આદત હતી એટલે એમને કોઈ ફરક પડે તેમ ન હતો. બસ એ ક હું જ હતો જેને એ ઠંડીમાં થથરતા સુમનની રાહ જોવાની હતી. મને સ્વેટર કે ઓવરકોટ પહેરવાની પણ છૂટ મળે તેમ ન હતી. બધાનું માનવું હતું કે પ્રપોઝ કરવા જઈએ ત્યારે માત્ર જીન્સ અને ટી-શર્ટ જ હોવું જોઈએ અને એમાય ખાસ જયેશે બધાને ચડાવ્યા હતા કે હું એ જીન્સ અને ટી-શર્ટમાં હીરો લાગુ છું એટલે છોકરી ના ન પાડે એ માટે મારે એ જ કપડામાં જવું જોઈએ.

આઠ વાગવા આવ્યા હતા.. ટ્યુશનનો સમય પૂરો થાવની તૈયારી હતી.. આકાશમાં ચંદ્ર ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો.. તારાઓ પણ જાણે એની સાથે આંખમિચોલી રમવા આવ્યા હોય એમ ઘડીક દેખાતા અને ઘડીક અદશ્ય થઇ જતા હતા. તમને થશે હું કોઈ કવિની જેમ સજીવારોપણ અલંકાર વાપરી રહ્યો છું પણ પ્રેમી અને કવિમાં કોઈ જ ફેર નથી હોતો એ વાત તમે કોઈને પ્રપોઝ કરવા જાઓ ત્યારે જ સમજાશે.

કવિ કલ્પના કરીને પોતાના શબ્દોને અમુલ્ય અને સર્વથી ચડીયાતા સમજવા લાગે છે તો પ્રેમી કલ્પનાઓની દુનિયામાં ડૂબી પોતાની પ્રેયસીને દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ તરીકે જોવા લાગે છે. બંને વચ્ચે ફર્ક માત્ર વિગતનો જ છે.

એ આકશમાં ખસતો ચંદ્ર કોઈ અજીબ ઉતાવળમાં હોય તેમ લાગી રહ્યું હતું! કદાચ સુમન નામનો બીજો ચાંદ ટ્યુશનમાંથી છૂટી લાલ ઇંટોથી બનેલ એ મકાનના દરવાજા બહાર આવે તે પહેલા તે છુપાઈ જવા માંગતો હતો. કદાચ એને પોતાના કરતા સુંદર વ્યક્તિનો સામનો કરવાનું પસંદ ન હતું પણ હું સુમન નામના ચાંદને જોવા ત્યાં ઉભો હતો.

મારા ઈન્તજારનો સમય પૂરો થયો હોય એમ સુમન તેની બે ફ્રેન્ડસ સાથે એ લાલ ઇંટોથી બનેલ બિલ્ડીંગની બહાર આવી. એક ઠંડી હવાની લહેરખી એના ગાલને ચૂમીને એના ખુલ્લા વાળ સાથે રમીને આગળ નીકળી ગઈ અને એ સાથે જ જાણે મારું હ્રદય ઈર્ષાથી સળગી ઉઠ્યું.

સુમન તેની ફ્રેન્ડસ સાથે મારાથી થોડેક દુર આવીને ઉભી રહી. તેઓ કોઈક અપકમિંગ ફિલ્મ વિશે વાતો કરી રહ્યા હતા.

“નવા જ હીરાનું ફિલ્મ છે.” એક ફ્રેન્ડ બોલી

“મમ્મી પપ્પા પરમીશન આપે તો આવીશ.” સુમન એમને જવાબ આપી રહી હતી.

એમની વાતચીત સાંભળી હું મારા ભૂતકાળમાં ખોવાઈ ગયો, મારી પાસે ખોવાઈ જવા માટે લાંબો ભૂતકાળ ન હતો. આમ તો મને એકવીસ વરસ થયા હતા પણ મારી પાસે માત્ર એક જ દિવસનો ભૂતકાળ હતો એમ કહું તો ચાલે. જરાક અજીબ લાગશે?

“લાઈટ, એકશન, કેમેરા!!!” ના, એ મારું જીવન ન હતું. હું કોઈ ફિલ્મી હીરો ન હતો. મેં મારી જાતને ક્યારેય કોઈ ફિલ્મી હીરો સાથે સરખાવી ન હતી કેમકે હું જાણતો હતો કે હું એક સામાન્ય પરિવારમાંથી આવતો સામાન્ય છોકરો હતો. અને લાઈટ, એક્શન, કેમેરા જેવા શબ્દોના સપના દેખવા મારા માટે યોગ્ય ચીજ ન હતી…!!હું દેખાવે સુંદર હતો અને બોડી પણ ઠીકઠાક હતી એટલે કોલેજના મિત્રો મને ઘણીવાર કહેતા, “સાહિલ તું જરાક પ્રયત્ન કરે તો હીરો બની શકે તેમ છે.”

“ભાઈ, હીરો બનવું હોત તો આર્ટ કોલેજમાં જોડાઈ ગયો હોત.. મને માત્ર આ વાણીજય પ્રવાહમાં ગ્રેજ્યુએશન પૂરું કરી કોઈક સારી એવી એકાઉન્ટન્ટની નોકરી મળી જાય તો બસ… આપણે એવા હીરો બનવાના ગાંડા સપના જોતા જ નથી.” હું કહેતો.

મેં એકવીસ વરસ સુધી જે જિંદગી જીવી હતી એમાં અસામાન્ય કે ખાસ કહી શકાય તેવું કશું જ ન હતું. મને ડાયરી લખવાનો શોખ ન હતો એટલે મેં નથી લખી બાકી જો મારી પાસે મારા ભૂતકાળના એ એકવીસ વરસની ડાયરી લખેલ હોય અને તમારા હાથમાં સોપી દઉં તો એ ડાયરીનું એક એક પાનું તમને કંટાળો આપવા સિવાય કોઈ કામ કરી શકે નહિ. યુ શૂડ થેંક મી કે મેં ડાયરી નથી લખી!! મેં ડાયરી નથી લખી કેમકે હું મારા જીવનના એ બોરિંગ ટ્વેન્ટી વન યર્સ કોઈની સાથે શેર કરવા માંગતો ન હતો.

મને લાગતું હતું કે જીવનમાં મેં જે બોરેડમ ભોગવ્યું હતું એ વિના કારણે કોઈને સંભળાવીને શું કામ હેરાન કરવું??? મારા વિચારો હતા કે જે ચીજ કોઈને ખુશી ન આપી શકે તે ચીજ બધાની સાથે વહેચીને શું ફાયદો???

મને ખબર નથી હું સાચો હતો કે ખોટો હતો પણ મારા જીવનમાં એકવીસમાં વરસે જે થયું એ મારે બધાની સાથે શેર કરવું જ રહ્યું કેમકે એ સાંભળી જરૂર બધાની આંખો હર્ષથી છલકાઈ જશે. કેમ ન છલકાય? કોઈ એક વ્યક્તિના જીવનને એકવીસ વરસ સુધી તમે સ્થિર જોયું હોય અને એકાએક તે ધસમસતા નદીના પ્રવાહની જેમ ઉછાળવા કુદવા લાગે તો એ જોઇને આંખોમાં હર્ષના આંસુ તો છલકાય જ ને???

માનવ હૃદય હોય છે એવું કોઈકનું દુ:ખ દેખી દુખી થઇ જાય છે ને ક્યારેક ક્યારેક કોઈકની ખુશી દેખી ઈર્ષા કરવા લાગે છે! પણ મને ખાતરી છે કે મારી ખુશી જોયા બાદ પણ તમે મારી ઈર્ષા નહિ કરો.. નવાઈ લાગી???

મને ખાતરી કઈ રીતે હોઈ શકે???

મને ખાતરી છે કેમકે મારા જેવા સ્થિર વ્યક્તિ જો જીવન જીવવાનું શરુ કરતો હોય તો કોઈ ઈર્ષા નથી કરતુ પણ ઉલટું તેના માટે હર્ષના આંસુ વહાવે છે.. કોલેજમાં પણ એવું જ થયું હતું. મેં જયારે મિત્રોને કહ્યું કે મને પ્રેમ થઇ ગયો છે. સાંભળવું છે બધાના રીએક્શન કેવા હતા???

“વોટ..? આર યુ સાહિલ??? તું સાહિલ જ છે કે કોઈ બીજું વ્યક્તિ તારું રૂપ લઈને આવી ગયું છે?” મોનિકાએ કહ્યું હતું.

“હું સાહિલ જ છું.. કેમ મને પ્રેમ ન થઇ શકે.?” મેં કહ્યું.

“હું સપનું તો નથી જોઈ રહ્યો ને?? મોનિકા પ્લીઝ મને એક થપ્પડ માર.. જો મને ગાલ પર વાગશે તો જ હું માનીશ કે હું સપનું નથી જોઈ રહ્યો પણ ખરેખર કોલેજમાં સાહિલના સામે ઉભો છું.” અનિરુદ્ધે મજાક કરતા કહ્યું.કેમ તમને બધાને મજાક લાગે છે?? જે વ્યક્તિ આટલા વર્ષો સુધી સુકા થડીયા જેવું જીવન જીવ્યો હોય એને પ્રેમ ન થઇ શકે?” મેં કહ્યું.

“યાર, મારે કોઈ કાનના ડોક્ટર પાસે જવું પડશે.. મને લાગે મને એવું કઈક સંભળાઈ રહ્યું છે જે સાંભળવું અશક્ય છે… સાહિલને પ્રેમ થઇ ગયો… ઈમ્પોસીબલ.” જયેશે કહ્યું. એને બોલવા સાથે હાથ અને મોના ચેનચાળા કરવાની આદત હતી.

“તમને વિશ્વાસ ન થતો હોય તો કાઈ નહી. હું જાઉં છું પણ એટલું યાદ રાખજો કે કોઈક વ્યક્તિની લાઈફ એના જીવનના અમુક વર્ષો પસાર થયા બાદ પણ શરુ થઇ શકે છે અને મારી સાથે પણ એવું જ થયું છે મને લાગે છે કે મેં આજ સવારથી જ જીવવાનું શરુ કર્યું છે મને લાગે છે કે આજે સવારે મેં જયારે એને જોઈ ત્યારે મારો ફરીથી જન્મ થયો છે.. જવાદો તમને વિશ્વાસ નહિ થાય.” મેં ગુસ્સા સાથે કહ્યું અને કોલેજ કેમ્પસ છોડી જવા લાગ્યો.

“હેય.. હેય.. હેય.. સાહિલ.. વી આર જોકિંગ યાર..” મોનિકાએ મને રોકતા કહ્યું. દરેક વાતમાં વી આર જોકિંગ યાર બોલવાની એને આદત હતી.

“ગુસ્સે કેમ થાય છે યાર અમે તો બહુ ખુશ છીએ કે તને પ્રેમ થયો.” અનિરુદ્ધે કહ્યું.

“કમ ઓન મેન… મેં તને કહ્યું હતું ને કે તું હીરો બની શકે એમ છે બસ તારે થોડોક પ્રયાસ કરવાની જરૂર છે.” જયેશ તો રીતસર મને ભેટી જ પડ્યો. એને મને હીરો બનાવવાનું અજબ ઘેલું લાગેલ હતું. ઘણી વાર તો એ કોઈ ફિલ્મ જોઇને આવતો ત્યારે કહેતો સાહિલ તારા જેવો સેમ હીરો હતો બસ તારા જેટલો હેન્ડસમ ન હતો..!!! મને નવાઈ લાગતી કે એ મને કેમ હમેશા હીરા સાથે સરખાવતો.

“શું યાર.. તું આખો દિવસ મને હીરો.. હીરો.. હીરો… કહ્યા કરે છે? જે છોકરીએ આજે સવારે મારા જીવનને બદલી નાખ્યું એણીએ તો મારા સામે જોયું પણ ન હતું.” મેં ફરિયાદ ભર્યા અવાજે કહ્યું.

“પણ બેટા હીરો જો હીરો જેવા કપડા પહેરીને જાય તો કોઈનું ધ્યાન એના પર પડે ને તે દેવ-આનંદના જમાનાના કપડા પહેરેલ હશે.. ઈસ્ત્રી કરેલ પાટલુન અને એવું જ લીનનનું શર્ટ..” મોનિકાએ કહ્યું.

“હા, મારા પપ્પાએ પણ એ કપડા પહેરવાનું હવે છોડી દીધું છે એ પણ લુઝ જીન્સ પહેરવા લાગ્યા છે.” અનિરુદ્ધે તેના પપ્પાના કોઈ મહાન પરાક્રમનું વર્ણન કરતો હોય તેવા અવાજે કહ્યું.

“બસ… હવે સલાહ આપવી સહેલી છે પણ કઈક કરવું બહુ મુશ્કેલ છે. મને તો સ્ટાઈલનો ‘સ’ પણ નથી આવડતો હું શું કરીશ??” મેં મૂંઝાતા કહ્યું.

“બસ એટલું જ ને? તું એક કામ કર… ખિસ્સામાં કેટલા રૂપિયા છે?” અનિરુદ્ધે કહ્યું.

“બસો રૂપિયા..” મેં કહ્યું.

“સીટ.. બસોમાં તો એક બેલ્ટ પણ નહિ આવે આપણે તારા માટે સૂઝ, જીન્સ, ટી- શર્ટ વગેરે ખરીદવું પડશે..” અનિરુદ્ધે કહ્યું.

“કેમ પરફ્યુમ અને મોજા તારા પપ્પાના ચોરીને લાવીશું?? એય જોઇશે ને?” મોનિકાએ અનિરુધ્ધ તરફ જોઈ કહ્યું.એય… બાપ સુધી નહિ જવાનું… ગર્લફ્રેન્ડ છે તો લીમીટમાં રહેજે.” અનિરુધ્ધ અને મોનિકા વચ્ચે ઝઘડો શરુ થઇ ગયો હોત પણ મોનિકા એ એ જ તેના રોજના ડાયલોગ જસ્ટ જોકિંગ યારની મદદ વડે મામલો થાળે પાડી દીધો.

“અરે આપણા પાકીટમાં લોટ રૂપિયા છે.. ભાઈ જો હીરો બનતો હોય તો આપણે આખું પાકીટ ખાલી કરવા તૈયાર છીએ.” જયેશે કહ્યું.

જયેશની બે ચીજો મને ક્યારેય નથી સમજાઈ એક તો એ પોતાના માટે હમેશા બહુવચન પ્રત્યય વાપરતો.. એ પોતાના માટે બહુવચનના શબ્દોનો ઉપયોગ કેમ કરતો?? અને બીજું એને મને હીરો બનાવવાનું ઘેલું કેમ લાગેલું રહેતું…??

“કેટલા છે તારા પાકીટમાં?” મોનિકાએ પૂછ્યું.

“કેટલા એટલે??? તારે જોઈએ છે કેટલા એ બોલને બાકી આપણા પાકીટમાં કેટલા છે એનો હિસાબ તો મેં કદી મમ્મી પપ્પાનેય નથી આપ્યો? આ તો ભાઈને હીરો બનાવવો છે એટલે બાકી કોઈની હિંમત નથી આપણને પૂછી શકે કે પાકીટમાં કેટલા છે?” ફરી જયેશે પોતાનો લવારો શરુ કરી નાખ્યો.

“બસ.. બસ.. હવે.. ત્રણ ચાર હજાર જોઇશે.. તારા આ દેવ-આનદને ટાઈગર શ્રોફ બનાવવા માટે.” અનિરુદ્ધે કહ્યું.

“એ, અનિયા… ચારના પાંચ હજાર લઈલે બાકી ભાઈને કોઈ એલ ફેલ હીરા સાથે સરખાવીશ નહિ.. સાહિલ ભાઈ સાહિલ ભાઈ જેવો જ લાગવો જોઈએ.. કોઈ હોલીવુડ એકટર એની તોલે નથી આવી શકે એમ અને તું આવા બે ચાર ફિલ્મો આપી ગાયબ થઇ જાય એવા નવા છોકરા સાથે સાહિલભાઈને સરખાવે છે.” જયેશ એકવાર બોલવાનું શરુ કરે પછી કદાચ એને જ ખયાલ ન રહેતો કે એ શું બોલી રહ્યો છે અને કોના વિશે બોલી રહ્યો છે.

“હા, હા.. તારા સાહિલે એક વરસમાં દસ હિટ ફ્લ્મો આપી છે ને? લાવ હવે પાંચ હજાર એને હીરો બનાવી લાવીએ?” મોનિકાએ કહ્યું.

“પકડ..” જયેશે પાકીટ ખાલી કરી પીસ્તાલીશો આપતા કહ્યું, “પાંચસો તો તમારી પાસે પણ હશે જ ને?”

“એમ જ કહે ને કે તારા પાસે પીસ્તાલીસો જ છે.” અનિરુદ્ધે કહ્યું.

“જાને. આપણે પાકીટ કદી ખાલી કરતા નથીં. બાકી હજુ એક પાંચસોની પડી છે.” જયેશે છંછેડાઈ કહ્યું.

“જવાદે, અનિરુદ્ધ.. મારી પાસે છે.” મોનિકાએ કહ્યું.

આખો દિવસ મોનિકા અનિરુદ્ધ અને જયેશ મને આ દુકાને અને તે દુકાને લઈને રખડ્યે ગયા. લગભગ મેં એકવીસ વરસમાં એ શહેરના જે વિસ્તારો જોયા પણ ન હતા એ બધા વિસ્તારો મને એમણે એક જ દિવસમાં બતાવી નાખ્યા. પણ સારી વાત એ હતી કે મને એ દિવસે એ નકામી રખડપટીનો જરાય થાક ન લાગ્યો. સાચું કહું તો મને પણ એ દિવસે હું હીરો લાગવા માંડ્યો હતો. સાંજે પાંચ વાગ્યે તેઓ મને પાછા કોલેજ લઇ આવ્યા.

“બોલ હવે એ છોકરી કોણ છે?” મોનિકાએ કહ્યું.

“સુમન.” મેં કહ્યું, “અમારા ટ્યુશનમાં નવી જ આવી છે.”

“શું વાત છે.. સાહિલ વેડ્સ સુમન કેટલું મસ્ત લાગશે.” અનિરુદ્ધે કહ્યું.

“તારું ટ્યુશન કેટલા વાગે હોય છે?” જયેશે કહ્યું.

“સવારે આઠથી દસ અને બીજી વાર સાંજે એકાઉન્ટનું ટ્યુશન છ થી આઠ.” મેં કહ્યું.

“ચલ તો આજે એને પ્રપોઝ કરી જ નાખ.” અનિરુદ્ધે કહ્યું.વોટ?” મેં કહ્યું, “આટલી ઉતાવળ નહિ કરો મને જરાક ટ્રેનીગ આપો.. હજી મને પ્રપોઝનો ‘પ’ પણ બરાબર નથી આવડતો અને તમે મને પ્રપોઝ કરવા મોકલી રહ્યા છો?”

“આજે પ્રપોઝ ડે છે બેટા.. આજે મોકો ચુકી ગયો તો ફરી એક વરસ રાહ જોવી પડશે…” મોનિકાએ કહ્યું.

“કેમ બાકીના દિવસે પ્રપોઝ ન કરાય?” મેં પૂછ્યું. મને એ બાબતમાં ખાસ સમજ કે અનુભવ એકેય ન હતા.

“કેમ નહિ? પણ આજે ખાસ દિવસ છે.” અનિરુદ્ધે કહ્યું, “મેં પણ મોનિકાને ગયા વર્ષે આજ દિવસે પ્રપોઝ કર્યું હતું.”

અંતે બહુ સમજાવટ બાદ હું તૈયાર થયો અને અમે બધા ટ્યુશન બહાર મેરીટ બેકરી આગળ સુમનની રાહ જોવા લાગ્યા.

“એય ક્યાં ખોવાઈ ગયો.. એની ફ્રેન્ડસ જતી રહી હવે એ એકલી જ છે જા, એની પાસે જઇ એને પ્રપોઝ કર.” અનિરુદ્ધના શબ્દોએ મને ભૂતકાળમાંથી બહાર તાણી લાવ્યો. સવારના ભૂતકાળમાંથી !!!

“હું મોબાઈલથી શૂટ કરી રહ્યો છું હીરો જેમ પ્રપોઝ કરજે.” જયેશનું સ્પીકર હજુ ત્યાનું ત્યાં જ અટકેલ હતું.

હું જયેશ કે અનિરુદ્ધને જવાબ આપ્યા વિના જ સુમન તરફ જવા લાગ્યો.

સુમન અને મારા વચ્ચે થોડાક ડગલાનું જ અંતર હતું એ મને જોઈ રહી હતી. એની આંખો મારા પર અને મારી આંખો એની આંખો સાથે લોક થયેલ હતી. એ ત્યાં હતી અને હું એની સામે હતો. બસ ધેટ વોઝ ઇનફ.

હું એની તરફ ચાલ્યે જ ગયો એમ કરતા એમ કહું કે મારાથી એના તરફ ડગલા ભરાઈ ગયા તો વધુ યોગ્ય રહેશે કેમકે એ સમયની મારી ક્રિયાઓ કર્તરી કરતા કર્મણી વધુ હતી…!! ના હું જયેશ કહે એ મુજબ હીરો પણ નથી કે લેખક પણ નથી બસ પ્રેમમાં બધું લખાઈ જાય છે…!!

મારા અને સુમન વચ્ચે કઈ જ અંતર ન હતું રહ્યું. એ મને માત્ર ત્યારે જ સમજાયું જયારે મેં એના શ્વાશની સુવાશને અનુભવી. એના હોઠ આછા સ્મિતમાં મલકી રહ્યા હતા. અને કદાચ એ મારા જીવનની એ ક્ષણ હતી જયારે સમય મારા માટે થંભી ગયો.. એક પળ માટે જયેશનું સપનું પૂરું થઇ ગયું હું હીરો બની ચુક્યો હતો.. મારા હોઠ પણ સુમનના હોઠની જેમજ આછું સ્મિત ફરકાવી રહ્યા હતા પણ કદાચ મારા સ્મિતમાં એના જેવી નજાકતતા ન હતી.

એ ક્ષણ મારા માટે ખાસ હતી. મને એમ લાગી રહ્યુ હતું કે જાણે અમારા સ્મિત અમને એક બનાવી રહ્યા હતા.. અમારા સ્મિત અમારા વચ્ચે કોઈ સેતુ બની ગયા હતા અને અમારા મનની લાગણીઓ એ સેતુ પર સવાર થઇ એકમેકના હ્રદય સુધી જઇ રહી હતી. એ ક્ષણ ગજબની હતી મારી પાસે કશુ જ ન હતું અને મારી પાસે બધું જ હતું. અમને બેમાંથી એકેયને ખયાલ ન હતો કે અમે કેટલા સમય સુધી ત્યાં ઉભા રહ્યા- એકમેકની આંખમાં આંખ પરોવીને.

હું એને પ્રપોઝ કરવા માંગતો હતો પણ મને એમ લાગતું હતું કે અમે બંને એકબીજાને કઈ કહેવાને બદલે માત્ર એકબીજાને જોયા જ કરીએ. સમય કદાચ ત્યાજ થંભી જાય..! પણ એ શક્ય ન હતું.

હું થ્રી મેજિકલ વર્ડ્સ બોલવા માટે પોતાની જાત સાથે સંઘર્ષ કરી રહ્યો હતો પણ જાણે શબ્દો મારા ગાળામાં અટકી ગયા હતા. તેઓ બહાર આવવા ન હતા માંગતા. કદાચ મને ડર હતી કે જો એ મારા એ શબ્દોને નહિ સ્વીકારે તો મારું હ્રદય ધબકવાનું બંધ કરી દેશે…!!

હું કોઈ હીરોની માફક એક ડગલું પાછળ હટીને મારા એક ધૂંટણને સહારે જમીન પર અરધો બેસી ગયો. હું જે કહેવા માટે આવ્યો હતો એ કહેવા માટે મેં મો ખોલ્યું, “આઈ…” મારા મોમાંથી પ્રથમ અક્ષર બહાર આવ્યો અને એ સાથે જ સુમનનો ઉપવન સમો ચહેરો ખીલી ઉઠ્યો, એ ઉપવનની શોભા સમા એના ગુલાબસા હોઠ મલકી ઉઠ્યા.

કદાચ એ ‘ના’ કહેશે તો એ વિચાર સાથે રડવા તૈયાર થયેલ મારી આંખોમાં ખુશીના આંસુઓ આવી ગયા.

“….લવ યુ.. સુમન.” મેં થ્રી મેજિકલ વર્ડ્સ બોલવામાં સફળતા મેળવી. અને સુમનના બાગ સમા એ ચહેરા પર જાણે ગુલાબ અને સફેદ લીલી ખીલી ઉઠ્યા…!! તેનો ચહેરો ક્યાંક ક્યાંક બ્લસને લીધે લાલ ગુલાબ સમો તો ક્યાંક ક્યાંક તેની સુંદરતાને રજુ કરતો વાઈટ લીલીઝ જેવો દેખાઈ રહ્યો હતો.

મારા શબ્દો પુરા થતા જ એના રોઝ લીવ્ઝ ફૂલ લીપ્સ ફરી મલક્યા અને તેના ગાલના ખંજન મને કહેવા લાગ્યા કે એને મારો પ્રેમ મંજુર હતો. તેના એ હળવા સ્મિત સાથે સાહિલનું જીવન શરુ થયું….એકવીસમાં વર્ષે મારું જીવન શરુ થયું.. એકાઉન્ટન્ટ બનવાનું સપનું જોતા સાહિલનું નહિ પણ જયેશ જે હીરો સાહિલનું સપનું જોતો એ સાહિલનું જીવન શરુ થયું.. એક પળમાં સુમન મારા માટે બધું જ બની ગઈ. માત્ર એક જ પાનું મારા જીવનની ડાયરીમાં લખાયું જે બોરિંગ ન હતું અને મને લાગે ત્યાં સુધી એ વાંચતા તમે પણ બોર નહિ જ થયા હો.

લેખક : વિકી ત્રિવેદી

 
Leave a comment

Posted by on માર્ચ 17, 2020 માં Vicky Trivedi

 

દરવાજો…..


યામીનું શૂટિંગ ચાલતું હતું. કોઈ સોન્ગના દ્રશ્યો લેવાતા હતા. રોમાન્ટિક સોન્ગના દ્રશ્યોમાં યામી અને તેનો સાથી કલાકાર માનવ બંને કોઈ નદી કિનારે દેખાતા હતા. કેમેરા ફોક્સ થતા હતા. ડાયરેકટર અને ટિમ અવનવા એંગલથી કેમેરા ગોઠવીને શુટિંગ કરતા હતા. દ્રશ્યમાં પ્રજાને ગમે એ પ્રકારના બોલ્ડ સીન્સ લેવાતા હતા. સોન્ગના અંતમાં રાતનો સીન હતો.

લાકડા બાળીને આગ પેટાવાઈ. નદીની રેતમાં ટૂંકા કપડામાં યામી અને તેનો સાથી કલાકાર માનવ આગની બાજુમાં બેઠા હતા. ડાયરેક્ટરે કેમેરામેનને સૂચનાઓ આપી પછી યામી અને માનવને કહ્યું કિસનો સીન છે. થોડો ઉન્માદ લાગવો જોઈએ. માનવે ડોકું ધુણાવ્યું. અને એ છેલ્લો સીન ભજવાઈ ગયો….. પણ યામીને તે કાલ્પનિક સીન વાસ્તવિક ભૂતકાળમાં લઈ ગયો. તેને અનાથ આશ્રમની ઓફીસમાં ઉભેલો નંદુ યાદ આવ્યો. નંદુએ પકડેલો હાથ યાદ આવ્યો. તેણે કરેલું ચુંબન યાદ આવ્યું. અને પછી તેના શબ્દો કાનમાં પડ્યા , “યામી તું ચિંતા ન કરતી તારા ભાઈને તારી જેમ નહિ જીવવું પડે. હું જરૂર કઈક કરીશ…..”

વર્ષો જુના એ શબ્દોમાં ડાયરેકટરના અવાજો ભળી ગયા. તે કંઈક ઉદાસ મને ઉભી થઈ અને તેના ટેન્ટમાં ચાલી ગઈ કપડાં બદલી તેના ડ્રાઈવરને સૂચના આપી અને તે તેની ગાડીમાં રવાના થઈ. ઘર આગળ જતાં ડ્રાઈવરે ગેટ ખોલ્યો અને ગાડી અંદર લીધી.

દરવાજે જઈને તેણીએ પાછા ફરીને જોયું. બંધ થઈ ગયેલા અનાથ આશ્રમના તૂટેલા દરવાજા આગળ કૂતરા ઊંઘયા હતા. તે અંદર ચાલી ગઈ. તેની મા સુઈ ગઈ હતી. તે કિચનમાં ગઈ સેન્ડવીચ બનાવી અને ખાવા બેઠી પણ ખાઈ ન શકી. તે ઉભી થઈને તેની મા સૂતી હતી એ રૂમમાં ગઈ. તેની માને બરાબર ઓઢાડીને તે બહાર આવી અને ઉપરના માળે ગઈ. ઉપરના માળની બાલ્કનીમાં તે કાયમી એક આરામ ચેર રાખતી જ્યાંથી આશ્રમનો ગેટ દેખાતો. ઘડિયાળમાં તેણીએ ટાઈમ જોયો. મોડું થઈ ગયું હતું એટલે ભાઈને ફોન કરવાનો વિચાર માંડી વાળ્યો. એ બિચારો સુઈ ગયો હશે. જયુંને ભણવા તેણીએ બહાર મોકલ્યો હતો. તે રોજ લગભગ તેને એકવાર ફોન તો કરતી જ પણ આજે મોડું થયું.

તેણીએ ગેટ તરફ ફરી નજર કરી. સિગારેટ કાઢી અને સળગાવી. ધુમાડાની આરપાર આશ્રમનો દરવાજો કાટ ખાઈ ગયેલો દરવાજો દેખાતો હતો.

મોડલિંગનું તેનું આ દશમુ વર્ષ હતું. નવ વર્ષમાં તે ખૂબ કમાઈ હતી. ચાલીના મકાન તૂટી પડ્યા હતા એ આખી ચાલી ખરીદી લીધી હતી. ચાલીમાં એક બંગલો ઉભો કર્યો હતો. વિશાળ ગાર્ડન – ગાર્ડનમાં પાર્કિંગ – બેઠકો બધું જ હતું.

પણ કશુંક ન હતું. જીવનમાં ભૂખમરો – શોષણ – ગરીબી – માનસિક ત્રાસ – એ બધા ભયાનક દિવસો ગયા હતાં. પોતે ખુદ ઘણાની નોકર હતી એને બદલે આજે તેના ઘરે પાંચ નોકર હતા. નવીન શેઠની મોટરમાં પહેલીવાર બેઠી ત્યારે તેને જાણે એમ લાગ્યું હતું કે પોતે હવામાં ઉડે છે. જાણે તે પતંગિયું છે અને હમણાં જ કોસેટોમાંથી નીકળ્યું છે. જાણે તેને પાંખો આવી છે અને તે ઉડે છે. એવી એના કરતાં પણ મોંઘી અને આરામદાયક છેલ્લી ઢબની ત્રણ ગાડીઓ તેની પાસે આજે હતી. પણ તે ઉડી શકતી નહિ. તે જાણે ઢસડાતી હતી. તેના અંગો છોલાતા હતા.

છેક છેડા સુધી સિગરેટ આવી ગઈ ત્યારે અચાનક તે સ્વપ્નમાંથી બહાર આવી. ફરી બીજી સિગરેટ સળગાવી. ફરી એ જ દરવાજા સામે તાકી રહી. ત્યાં જાણે નંદુ ઉભો હતો. સુઘડ સરળ સીધો સાદો નંદુ. ગેટના ઓટલા ઉપર પુસ્તક લઈને બેઠો નંદુ – હસતો નંદુ તેને દેખાયો. અને અચાનક ઉદાસ નંદુ તેની આંખમાં આવ્યો. છેલ્લે તેને જ્યારે જોયો હતો ત્યારે તેના હસમુખ ચહેરા પરથી સ્મિત ઉડી ગયેલું હતું. તેની આંખમાં કશુંક પ્રશ્નો હતા. પૂછ્યા વગરના રહી ગયેલા પ્રશ્નો જોકે આજે હવે યામીને સમજાતા હતા. તે હસતો ઉદાસ નંદુ તેને ત્યાં તૂટેલા ઓટલા ઉપર બેઠેલો દેખાયો. નંદુ ત્યાં જ બેસતો. સાંજના પોણા છથી સવા છ કે છને વીસ સુધી તે ત્યાં બેસી રહેતો.

આ રોજની ઘટના હતી. ચાલીની પાસે મ્યુઝીક ડાયરેકટર નવીનનું મોટું મકાન હતું. યામી તેના ઘરનું કામ કરીને આવતી. બરાબર છ સવા છ થયા હોય ત્યારે તે પાછી આવતી. નંદુ પણ તેની નોકરીથી સાડા પાંચે આવતો. હાથ મો ધોઈને પાછો અનાથ આશ્રમના દરવાજે આવીને પોણા છ વાગ્યે બેસી જતો. હાથમાં કશુંક ચોપડી રાખતો પણ નજર સામે દેખાતા ચાલીના હરોળમાં ઉભેલા ઓરડાઓ તરફ રહેતી. છ કે છ ને પાંચ થાય એટલે યામી ચાલીમાં પાછી ફરતી. રસ્તાના વળાંકે આંબાનું ઝાડ હતું એની ડાળીએ ઝૂલતા એક પાનને તોડવા તે કુદતી અને નંદુ તે જોતો. પાન હાથમાં રાખી તે ઘર સુધી જતી અને નંદુ તેને જોઈ રહેતો. ઘરના બારણે જઈને તે પાછું ફરીને આશ્રમના દરવાજે જોઈને હસતી. સામે નંદુનો હસમુખો ચહેરો પણ હસતો દેખાતો.

પણ ઘરમાં જતા જ તેનું સ્મિત ઓગળી જતું. તેની વિધવા મા ખાટલામાં સૂતી હોય. બીમાર અશક્ત મા અંધારીયા ઓરડામાં જાણે મોતની રાહ જોતી હોય. ના સમજ જયું અંદર તેના ઢીંગલા ઢીંગલીથી રમતો હોય.

“યામી આવી…..” યામીને જોતા તે બોલતો , “ભૂખ લાગી છે મને……”

“લે તું ચોકલેટ ખા……” કહીને તે નાના ભાઈને ચોકલેટ આપતી, “એટલામાં હું ચા બનાવું……”

“બેટા આવી……” એટલી વારમાં અશક્ત મા ખાટલામાં બેઠી થતી, “આ છોકરો ક્યારનો ખાવું ખાવું કરે છે…..”

“બસ મા બે મિનિટમાં બનાવી દઉં…….”

પણ બનાવવાનું શું હોય. કોઈ દિવસ ખીચડી. કોઈ દિવસ સવારની ખીચડીને વધારવાની. કોઈ દિવસ ટોસને ચા…..

એક તરફ નવીન શેઠની મોટર તેલ બાળતી ત્યારે અહીં યામીના ઘરે ચૂલામાં નાખવા કેરોસીન નતું. તે લાકડા નાખીને આગ કરતી. ભૂગળીથી ફૂંક મારતી. ધુમાડો આંખમાં જતો અને આંખ બળતી. બીજી તરફ ભૂખ્યા ભાઈનું પેટ ભૂખથી બળતું. ત્રીજી તરફ આશ્રમની બાજુના મંદિરે ભગવાનની મૂર્તિ આગળ દિવાઓમાં ઘી બળતું.

તે ઉદાસ થતી. રાતે જયું અને મા સુઈ જતા પછી પણ તે જાગતી. તે નંદુની વાત યાદ કરતી. નંદુ કહેતો મને નોકરી તો મળી ગઈ છે હવે બસ એક બે વર્ષમાં પગાર વધશે. તું ચિંતા કરતી નહિ. અને નંદુ માત્ર બોલતો જ નહોતો. તેની માની ટીબીની દવા કરવામાં જે ખર્ચ થતો એ નંદુ જ આપતો. તે કહેતો આપણે તારા ભાઈને ભણાવીશું.

“કેટલું ભણે એને નોકરી મળે નંદુ ?” તે પૂછતી.

“એ તને નહિ સમજાય…..” યામી ચાર ભણીને કામે લાગી હતી એટલે તેને આ બધું સમજાતું નહિ પણ નંદુ છતાંય કહેતો , “મારાથી પણ વધારે ભણાવીશું એને મોટો ઓફિસર બનાવીશું…..”

“નવીન શેઠ જેવો મોટો ?” તે પૂછતી. કારણ તે નવીન શેઠને ભણેલો ગણેલો ઓફિસર સમજતી. તેને એ ખબર નહોતી કે નવીન શેઠ સાત પેઢીથી શેઠ હતો તેને કે તેના ખાનદાનમાં કોઈને ભણવાની છૂટ નહોતી.

થોડીવાર નંદુ હસી જતો , “અરે ગાંડી એ નવીન શેઠ ભણેલો નથી….. એ તો ખાલી મ્યુઝીક ડાયરેકટર છે….. પૈસા છે એની પાસે……” પછી તે આનંદમાં જ તેને નજીક ખેંચીને કહેતો , “તું ખૂબ ભોળી છો……”

ને યામી ખરેખર ભોળી હતી. તે માથું ઓળતી ફુટેલા કાચમાં જોતી પણ તે માત્ર ચોટલો બનાવવા તેને ખબર નહોતી કે તે રૂપાળી છે. તેને ખબર નહોતી કે તેના શરીરમાં ફેરફાર થાય છે. તેને બસ સવારથી સાંજ ત્રણ વિચાર આવતા. નંદુને જોવાનું. મા ને દવાઓ આપવાનું અને જયુંને જમાડવાનું. તે ખુશ હતી. તેને આ બધાનું દુઃખ નહોતું એવું ન’તું પણ આ જ તેની કિસ્મત છે એવું તે માનતી. અને નંદુ ઉપર તેને ભરોસો હતો. નંદુએ જ જયુંને નિશાળે બેસાડ્યો હતો. નંદુએ જ તેને જરૂરી વસ્તુઓ લાવી આપી હતી.

પણ દિવસો હજુ વધારે ખરાબ લખેલા હતા….. તેની મા સાજી થતી નહોતી. જયું હવે ખીચડી ખાઈને થાક્યો હતો. તે ઘણીવાર ખાધા વગર સુઈ જતો.

એવામાં નંદુ પણ મહિના માટે બહાર ગયો હતો. તે જ્યાં નોકરી કરતો એ શેઠના કામે તેને બહાર જવાનું થયું હતું. નંદુ વગર તેને હમણાં કોઈ હિંમત આપવાવાળું નહોતું. તે વિચારોમાં ખોવાતી.

એક દિવસ તે નવીન શેઠના ઘરે કામે ગઈ હતી. તે કામ કરતી હતી અને નવીન શેઠની નજર તેના ઉપર પડી. તે અહીં વર્ષોથી કામ કરતી. પણ હવે તે મોટી થઈ હતી. અચાનક જ નવીન શેઠની આંખમાં તેના અંગો દેખાયા.

તે કામ કરીને નવીન શેઠ પાસે પૈસા માંગતી હતી ત્યારે નવીને કહ્યું , “તારે પૈસા કમાવા છે ઘણા બધા ?”

“એટલે શેઠ ?”

“એટલે તારે હિરોઇન બનવું છે ?” નવીન શેઠ તેના શરીરને જોતા જોતા બોલ્યો હતો.

“હિરોઈન ટીવીમાં આવે એવી ? હું ?” તે કૈક નવાઈથી બોલી હતી.

“હા એવી…..”

ને બસ એ દિવસથી તેનું જીવન પેલો ભૂખમરો પેલી માનસિક ત્રસ્ત અવસ્થા બધું વિખેરાવા લાગ્યું….. નવીન શેઠ તેને પૈસા આપવા લાગ્યો. તેના ભાઈને ભણાવવાની વાતો તેની ચાલીનું મકાન બદલવાની વાતો. તેને સારા કપડાં આપવાની વાતો. તેની માની દવાઓની વાતોમાં….. ને એ બધાને બદલે યામી સાથે શેઠ મસ્તી કરતો. ધીમે ધીમે તેના શરીર સુધી…..

******

ચાલીનું મકાન બદલાયું હતું. તેની મા થોડી ઠીક થઈ હતી. ભાઈની થાળીમાં ખીચડીને બદલે શાક રોટલી પડવા લાગી હતી. બીજા ઘણા બદલાવ આવ્યા હતા….. અને એમાં સૌથી મોટો ફેરફાર એ હતો કે પરણ્યા વગર પણ યામી હવે કુંવારી નહોતી……

એક દિવસ નંદુ પાછો આવ્યો. નંદુના સમાચાર સાંભળતા જ યામી તેને મળી હતી. નવા સુંદર કપડામાં યામીને જોઈને નંદુ હેબતાઈ ગયો હતો. તે સુંદર લાગતી હતી એટલા માટે નહીં પણ તે જાણે એ યામી હોય જ નહીં. તેના ચપ્પલ પણ નવા હતા. નંદુ સમજદાર હતો. દુનિયા તેણે જોઈ હતી. તેને ખબર હતી યામી જાતે આટલું કમાઈ ન શકે. અને દુનિયામાં કોઈ માનવ એટલો દયાળુ તેણે હજુ સુધી જોયો ન હતો જે આવી દયા કોઈ ઉપર વગર મતલબે કરે.

“તું આ કપડાં ક્યાંથી લાવી ?” તેણે પૂછ્યું હતું.

“અરે આ કપડાં જ નહીં નંદુ ચાલીનું મકાન પણ બદલ્યું છે. હવે તો સારા ઘરમાં રહીએ છીએ…..” તે હસીને બોલતી ગઈ. ઘણું બધું બોલતી ગઈ. મહિનામાં શું શું થયું એ બધું જ. સિવાય કે નવીન શેઠના ઓરડામાં થયેલા કામ. તે સિવાયનું બધું જ યામી બોલતી ગઈ.

“પણ આ બધું…..?” નંદુ નવાઈથી બોલ્યો પણ તે વાક્ય પૂરું કરે તે પહેલાં જ યામી બોલી , “પેલા નવીન શેઠ ખરાને……”

બસ પછી નંદુને કઈ સાંભળવાનું રહેતું નહોતું. નવીન શેઠને તે બરાબર ઓળખતો હતો. તે આવી રૂપાળી છોકરીઓને મોડેલ બનાવતો અને તેના બિસ્તર ગરમ રાખતો… એ બધું નંદુ જાણતો હતો…

નંદુનો ચહેરો પડી ગયો. તે કશું બોલ્યા વગર ઉભો રહ્યો.

“શું થયું અચાનક આમ કેમ આજે ઉદાસ છે નંદુ ?”

“ના બસ હું થાક્યો છું એટલે……” તેણે વાત ટાળી હતી…..

ત્રણેક અઠવાડિયા નંદુ વિચારોમાં રહ્યો હતો. યામીએ કામ કરવાનું બંધ કર્યું હતું. તેના નવા મકાને નવીન શેઠની મોટર તેને લેવા મુકવા આવતી એ તે જોતો….

ને એક દિવસ તેણે તેના કપડાં અને સામાન પેક કર્યો. વહેલી સવારની બસમાં તે શહેર છોડીને રવાના થયો…..

******

યામી બસ એ જ યાદો તાજી કરતી ખુરશીમાં બેઠી હતી. જીવનના ઘણા દરવાજા ખોલવામાં એક મુખ્ય દરવાજો કાયમ માટે બંધ થઈ ગયો…..

તેણીએ ચોથી સિગરેટ સળગાવી. થાકીને હારીને ફરી માથું ખુરશીમાં ટેકવ્યું. તેના ચહેરા આગળ ઉડતા સિગરેટના ધુમાડામાં તેનો ભૂતકાળ જાણે રડતો રડતો ઉડતો હતો….. આ ભયાનક દુનિયાના ભયાનક ચહેરાઓ વચ્ચે તે હવે સુખી જીવતી હતી પણ એ બધા ચહેરાઓથી તેને હવે સુગ ચડતી હતી….. ને એટલે જ એક ચહેરો તેને કાયમ પેલા દરવાજા આગળ દેખાતો….. નંદુ…… પણ નંદુનો એ ચહેરો હવે હસમુખ નહોતો……

******

લેખક : વિકી ત્રિવેદી

 
Leave a comment

Posted by on માર્ચ 16, 2020 માં Vicky Trivedi

 

છૂટ…..


ટેબલ ઉપર પ્લેટ મૂકી. બુમો પાડી. આ ચોથી બૂમ હતી. નાના હતા ત્યારે રાજુ અને હેતલ તરત દોડી આવતા. કે પછી એ ઘર નાનું હતું તેથી જલ્દી સાંભળતા હશે ? મોટા થયેલા આ રાજુ અને હેતલના વર્તન જોઉં છું અને મને એવો વિચાર આવે છે કે શું આ મોટા ઘરમાં મારો અવાજ નહિ સંભળાતો હોય ? કે પછી મારા અવાજની કોઈ કિંમત નથી ? માણસે બે વાર શું કામ બોલવું પડે ? તેવું મેં એક વાર્તામાં વાંચ્યું હતું. એક નાનકડું બાળક રડતા રડતા બોલે તો તેના શબ્દો સમજાય નહિ. બાકીના બધા પૂછે , “શું કહ્યું?” બાળક મોઢું ચડાવે બીજી વાર બોલે નહિ. પણ તેની મા સમજી ગઈ હોય. સાંભળનારને તેની મા એના શબ્દો સમજાવે. તે મારા શબ્દોનું પણ હવે એવું જ હશે ? કોઈ ધ્યાન આપતું નથી કે….

અરે તું આ શું વિચારે છે ? ક્યાં મા અને છોકરાની વાત ક્યાં શબ્દો ક્યાં કિંમત…. તું ગાંડી થઈ ગઈ છે. કે પછી હવે હવે….. ક્યાંક એવું તો નથી સરોજિની કે તું આ રોજિંદા જીવનથી થાકી છે….. આ બધી ફરિયાદો એ થાકના પડઘા તો નથી ને ક્યાંક…..?

હા એવું જ હોતું હશે માણસનું ? માણસને એમ જ લાગે કે મેં જ બધુ કર્યું છે… હું જ એકલા હાથે સઘળું કરું છું… ને ત્યારે એના મનમાં વિચારો આવે… કામનો થાક ક્યાં લાગે છે ? તો તો મજૂરો ક્યારના મરી ગયા હોત. થાક તો વિચારોનો લાગે છે… હા હા એવું જ હોય છે માણસ જ્યારે એમ વિચારે બધું મારે કરવાનું ??? એકલાને ? ત્યારે જ એ થાકે છે….

હું મારી અંદરની જાત સાથે સંઘર્ષ કરતી હતી. કોણ જાણે શું સાચું ને શું ખોટું પણ આ હવે સાચુકલી હું થાકી છુ. ના ના કંટાળી છુ. પણ થાક અને કંટાળો અલગ હોય ? એક જ નહીં ? ફરી અંદરથી પ્રશ્ન થયો. ઉત્તર તૈયાર હતો : થાક શારીરિક હોય કંટાળો માનસિક હોય.

તો આ થાક કે કંટાળો જે હોય તે ત્યારે કેમ નહોતો આવતો જ્યારે એ જીવતા હતા અને બાળકો પણ નાના હતા ને ઉપરથી એમની કચકચનો તોટો ક્યાં હતો ?

પહેલા તો નાનકડું મકાન હતું. એ જીવતા હતા ત્યાં સુધી એ મકાનમાં જ રહેતા. કંજૂસ માણસનું ઘર તો ઠીક મન પણ નાનું હોય. આવું હું મનમાં બોલતી. એમની સામે તો બોલાય નહિ. આમેય એમની કચકચ ચાલુ જ હોય….. ને એમાં વધારે માથાકૂટ કોણ કરે ? મરતું શો બધું….. હિયાકાશ વધારીને શું કરવાનું….

ના એવી સાડી ન લેવાય. હજુ આપણે છોકરા મોટા કરવાના છે. તને કઈ ભાન છે કે નહીં સરોજિની ? ત્યારે તો છોકરાય નહોતા. છેવટે સસ્તી લઈને પાર કરવાનો.

ખાવામાં પણ એવા જ. બજાર ભેગા આવે. ચોખાની સાત જાત દેખે પછી પૂછે આમાં ઠીક ક્યાં છે ? સારા ક્યાં એ ન પૂછે…. હું કહું આપણે રોજ લઈએ એ જ લો વાત પતે…. દુકાનવાળા પણ એમની આદતને ઓળખે….. શરમ આવતી. નાનપ લાગતી. આવો કંજૂસ માણસ ?

થિયેટરમાં પડોશીઓ જતા. આપણે થિયેટર એટલે દારૂનો અડ્ડો જાણે. નામ લેવાય નહિ. એમાં શું જોવાનું હોય સરોજિની ? ખોટા ખોટા દ્રશ્ય હોય. કા’તો હીરો કરોપડતી હોય કે પછી સાવ ગરીબ… મિડલ ક્લાસનો હોય એવું કોઈ ફિલ્મ આવે અને એમાં કઈ શીખવા જેવું હોય તો જઈએ બોલ. હવે આમાં ડાકુઓના ફિલ્મમાં શું જોવાનું ? બે માણસ ડાકુઓને મારી નાખે એમ ? ને પોલીસ શું જખ મારતી હશે ? ન જોયું હોય તો શોલે…… વાત ભમીને શોલે ઉપર આવી જતી. ગમે તે ફિલ્મની વાત હોય છેવટે અંત શોલે ઉપર આવે. મેં એક વાર કિધેલું કે મને એ ગમે છે તેથી. એ હતા નિયમવાળા. પેલી વિધવાવાળું એમણે સાંભળ્યું હશે કે જોયું હશે એટલે ફિલ્મની વાતમાં શોલે ઉપર દાઝ કાઢે જ.

ટીવી પણ માંડ લાવેલું એ ય આ રાજુની જીદે. પણ અવાજ તો એટલો રાખવાનો કે ટીવીને કાન ભીંડાવીને બેસો તો સંભળાય. થોડો અવાજ ઊંચો કરીએ તો……. ભૈ સાબ મારે લખવાનું કે નહીં ? હિસાબ બિસાબ કરવાના કે તમારી જેમ બસ દેવાળું ફૂંકવાનું…..? ખીજ ચડે એટલે ટીવી જ બંધ કરવાની…..

ને ટીવી બંધ થઈ. આ પાંચમી બૂમ પછી ઉપર હેતલની રૂમમાં ટીવી બંધ થઈ. રાજુ મોબાઈલમાં જોતો જોતો નીચે આવ્યો. કશુંક લખતો હતો. વોટ્સએપમાં.

“મોર્નિંગ મોમ……” બંને બોલ્યા બેઠા. ખાવા લાગ્યા. હું જોઈ રહી..

“મમ્મી શું બનાવ્યું છે ?” રાજુ નાનો હતો ત્યારે પૂછતો. હેતલ તો પહેલેથી જ રસોડામાં આવીને જોઈ જતી. એ બધું કઈ નહિ. જે હોય તે ખાઈ લેવાનું. ભાવે એટલું. ન ભાવે તો ઉભા થઈને રૂમમાં. બહાર ઘણું ય મળે છે. કેન્ટીનો ભરેલી પડી છે. રેસ્ટોરા અને હોટેલો હકડેઠઠ ભીડ, ક્યારેક મને થાય છે ઘરનું ખાવાનું આટલું નબળું થઈ ગયું હશે? આટ આટલા લોકો આ કેન્ટીનો લારીઓ દુકાનો રેસ્ટોરાંઓ અને હોટેલોમાં ભરેલા હોય છે. મોબાઈલમાં માથું નાખીને ચમચી મોઢામાં ઓરતા હોય છે. આ બધાને ઘર નહિ હોય ? કે પછી ઘરનું રાંધેલું હવે નબળું થઈ ગયું છે ?

“પણ થોડુંક તો લે બેટા……” રાજુ ઉઠ્યો બે મોઢા ભરીને. મારાથી બોલાઈ ગયું.

“નો મોમ હું આમેય સ્નેહલ જોડે જવાનો છું જમવા…..” તેણે કહ્યું.

“પણ બેટા મોબાઈલ મૂકે તો ભાવે ને ?” આમ તો હવે મેં બોલવાનું બંધ કરી દીધું હતું પણ કોણ જાણે રાજુના સુકલડકી શરીર સામે જોઇને મારાથી બોલાઈ ગયું.

“મોબાઈલ મૂકી દઉં ? મોમ સ્નેહલ ઓનલાઇન છે…..”

સ્નેહલ….. લ કાઢીએ તો સ્નેહ….. પણ સ્નેહ એટલે શું ? તેના નામમાં ફક્ત નામ પૂરતો સ્નેહ….. જીવનમાં….. કશું જ નહીં…. શું કહેવાય ? હા પ્રેક્ટિકલ લાઈફ.

તે ઉભો થઈને ચાલ્યો ગયો. સ્નેહલ… છોકરી દેખાવડી. બોલકણી. ચપડ ચપડ બોલે. અંગ્રેજી છાંટે. આંગળીઓ હાથ માથું આંખો હલાવીને બોલે. જોતા તો મને ય ગમી ગયેલી. આવી હતી એક વાર ઘરે. રાજુને એની જોડે વાત કરતો જોઈને મને શંકા ગઈ હતી. પૂછ્યું મેં , “બેટા કઈ પ્રેમ બ્રેમના ચક્કર છે…..”

“નો મોમ શી ઇઝ માય gf…..”

એટલે gf થી પ્રેમ ન હોય ? નવાઈ લાગેલી. પણ આવું ન પૂછ્યું. શબ્દો ફેરવીને પૂછ્યું , “એટલે લગનનો વિચાર ખરો ?”

“સ્ટુપીડ જેવી વાત કરે છે મોમ…. એ બીજા જોડે પરણવાની છે. આ તો બસ જસ્ટ અત્યારે મારી જોડે રિલેશનશિપમાં….. પછી એ એના રસ્તે હું મારા રસ્તે……”

પતી ગયું. ખલાસ. એ દિવસે જ ખબર પડી હતી કે મારો દિકરો ગયો. રમકડું છે મારો દીકરો નથી. એ રમે છે ઢીંગલી સાથે અને ઢીંગલી એની સાથે. બંને જાણે છે કે રમત છે. છતાંય રમે છે. આમનો સંસાર કેમ નભશે ? પણ આ તો આખીયે પેઢી એવી છે. હેતલ પણ એવી જ ને. તેને ય bf છે. શેનો bf ઢીંગલો.

પણ મેં જ બગાડી હતી. નહિ…. હેતલ ઉભી થઈ અને તેનો ફોન રણક્યો. મારા વિચાર તૂટ્યા. રાજુ તો ક્યારનો સીડીઓ ચડી ગયો હતો. હેતલ પણ દોડતી સીડીઓ ચડી ગઈ. હું એકલી પ્લેટો…. શૂન્યતા. શબ્દો ના ના વિચારો ને હું…. હું કોણ ? સરોજિની ? ના ના ઢીંગલી…..!

બેઠી રહી. પ્લેટો…. પ્લેટો ઉપર ચમકતો પ્રકાશ…. ને મારુ ઝાંખું મોઢું….. ને પેલા વિચાર….

મેં જ બગડ્યા નહિ ? હેતલને હું કહેતી તું એરેન્જ મેરેજ ના કરતી. મમ્મા યુ આર એ ગુડ મધર….. ધૂળ ગુડ મધર ? મારા ઉપર થોપેલી કચકચને હું ત્રાસ સમજતી. વિચારતી મારી જેમ હેતલ ને રાજુ શું કામ જીવે ? રાજુ વધારે ભણેલી છોકરી લાવે હેતલ વધારે ભણેલા છોકરા સાથે જાતે ગોઠવાઈ જાય. નો સિનેમા. નો મોંઘા ચોખા. નો મોંઘી સાડી…. એ વિચારોમાંથી જન્મી સ્વતંત્રતા… કે સ્વચ્છંદતા ?

પણ સસ્તા ચોખાય ખાતા તો હતા ને ? પેટ ભરીને. કદી બગડે નહિ. બગડ્યા ? બગડે તો સવારે વધારી દેવાના. પણ બગાડ નહિ. કેવા નિયમો ? એ કહેતા તમે રાતે ખાધા નથી એ ચોખા વધારીને ડબ્બામાં ભરી દે. તમે તો દેવાળું ફૂંકશો પણ મારે જીવતો હોઉં ત્યાં સુધી તો ઘર સાચવવું ને ! મારા મર્યા પછી જે કરવું હોય એ કરજો…

ને જાણે એમને ખબર હતી કે એમના મર્યા પછી આ ઘરના નિયમો બદલાઈ જશે. અમે દેવાળું ફૂંકીશું એટલે જ એ વીમો લઈને બેઠા હતા. મને તો ખબર પણ ક્યાં હતી ? પગારમાંથી પ્રીમિયમ ભરાતા. 20 લાખનો વીમો. ને એ ગયા…… પૈસા મળ્યા. મોટું ઘર લીધું. છોકરાઓને ભણાવ્યાં. સાચું કહું તો કેટલાય દિવસ તો હું જાણે આઝાદ થઈ હોય એમ લાગતું. કોઈ કચકચ નહિ. સાડી જોકે હવે લેવાની રહેતી નહોતી પણ ચોખા થોડા સારા લાવતી. ઘરમાં વસ્તુઓ પણ વસાવી હતી.

એ તો રાડો પાડતા. બિનજરૂરી વસ્તુઓ શું કરવાની ઘરમાં ? વસ્તુઓથી કઈ જીવાય છે ? ત્રેવડ કરકસર નિયમોથી માણસ સુખી થાય. વસ્તુઓથી નહિ.

પણ મેં લાવી વસ્તુઓ.. કરકસર બંધ કરી.. વિચારો નિયમો બદલ્યા…. અને બધું બદલાઈ ગયું….

સામે લટકતી એમની છબીમાંથી ચશ્મા પાછળની આંખો જાણે મને કહેતી હોય એમ લાગ્યું , “કરી લીધું મરજી મુજબ ? રહ્યું આ ઘર ? થઈ ગયું ને બધું ઢીંગલા ઢીંગલી જેવું ?”

અરે તમે ચૂપ થશો ભૈ સાબ…. હું બોલી પડી….

“કોને કહે છે મોમ ?” લાલચોળ હોઠથી હેતલ બોલી. ક્યારે એ સીડીઓ ઉતરીને તેની બેગ લઈને આવી એ ય ધ્યાનમાં ન રહ્યું.

“ના કોઈને નહિ આ માખીઓ……”

“મોમ યુ આર ક્રેજી…..” તે ચાલતી થઈ…. બારણું બંધ થઈ ગયું…. ફરી બારણું ખોલ્યું….. કોઈ બહાર ગયું…. કોણ ગયું ? ઢીંગલો….. રાજુ….. મારો દીકરો…. ના ના સ્નેહલનો ઢીંગલો…..

હાસ્તો ક્રેજી જ ને બેટા….. મનમાં હું બોલી…. ના ના ક્રેજી નહિ….. રાજુ કહે છે તેમ સ્ટુપીડ….. એ પણ એમ જ કહેતા…. ગાંડી….. પણ એ ગાંડી શબ્દમાં પ્રેમ હતો નહિ ? કઈક પોતાપણું હતું નહીં ? એ પાછી અંદરની સરોજિની બોલી….. આ સ્ટુપીડ અને ક્રેજીમાં પોતાપણું છે કે ધિકકાર ??? ના ના છોકરાઓ કઈ માને ધિક્કારે ખરા ? આ તું શું વિચારે છે ? મારી જાતને મેં દબાવી…

સાચું કેમ સ્વીકારતી નથી તું ? પાછો અવાજ અવાજ આવ્યો…. એ બિચારા કરકસર કરીને નિયમોમાં જીવીને આ ઘરને ઘર રાખતા. સાવ નાના મનનો માણસ એવું હું એમને કહેતી. પણ કેટલું મોટું મન ? બીમારી હતી એ ખબર હતી પણ કોઈ દિવસ મને કહ્યું નહિ. મર્યા પછી આ ઘર ઘર રહે એ માટે વીમો પણ લીધો. મર્યા પછીએ પૈસા આપીને ગયા…..

હું ઉભી થઈ. વાસણ કરવા હતા…. પણ ઉભા થતા જ ચક્કર આવવા લાગ્યા…. હું સોફામાં બેસી ગઈ. હવે તો આ ઢીંગલીના હાથ પગ ભાગી ગયા છે. કોઈ ખિજાયેલા બાળકે એની ઢીંગલી તોડી નાખી હોય એમ. બસ હવે ઢીંગલીની ડોક મરડાઈ જાય એટલે પાર….. પછી બધી છૂટ…..

*******

લેખક : વિકી ત્રિવેદી

 
Leave a comment

Posted by on ફેબ્રુવારી 12, 2020 માં Vicky Trivedi

 

ટૅગ્સ: ,

ટકોરો


આનંદ અપાર્ટમેન્ટના ચાર બ્લોકસમાં કુલ 28 ફ્લેટ. તેમાં ત્રીજા માળે મારુ મકાન પણ ખરું. અંકિત એલ. દ્વિવેદી સ્ટીલની પ્લેટમાં ચમકતા કાળા અક્ષરોવાળું બારણું ખોલીને અંદર પ્રવેશું એટલે મારી બીજી દુનિયા. મારી પોતાની દુનિયા. દરેક માણસને બે દુનિયા હોય છે. એક જેને પૃથ્વી કહીએ બીજું ઘર. આ બે દુનિયા વચ્ચે એક દરવાજો છે જેની ચાવી માણસ પાસે હોય છે. બંને દુનિયા અલગ છે. એક દુનિયા થાક – ત્રાસ – દુઃખ – વિચારો – સારી ખરાબ પરિસ્થિતિ આપે છે. ને બીજી દુનિયા નાનકડી છે.

એ બીજી દુનિયા કોઈ માટે એક રૂમની હોય છે કોઈ માટે પાંચ હજાર સ્કવેર ફૂટમાં વિસ્તરેલી હોય છે. પણ બીજી દુનિયાની સાપેક્ષે તે ખૂબ નાની છે અને કદાચ એટલે જ તેમાં સમાય પણ ઓછું. ફક્ત આરામ – માલિકી – બેપરવાહ લાપરવાહીઓ – હાસ્ય – જોરથી બોલવાની છૂટ…. વગેરે મુઠ્ઠીભર ચીજો… મારે પણ આ બે દુનિયા વચ્ચે એક બારણું હતું…

સવારે અંકિત એલ. દ્વિવેદી લખેલી પ્લેટવાળું બારણું ખુલે એટલે અલગ અલગ અવાજોની બીજી દુનિયામાં મારા પગ પડે. ઉપર રંજનબેનના ઘરની ઘંટીનો ઘરઘર – સામેવાળી મોનીકાનો ‘જલ્દી તૈયાર થા વાન આવી ગઈ પ્રતીક…..’નો મોટો ઘાટો – સીડીઓ ઉપર ફરતી રમેશની સાવરણીનો બોદો અવાજ – નવી લિફ્ટનો મંદ સરસરાટ – સીડીઓ ઉપર ચાલતા ભારેખમ વજન નીચે કચડાઈ જતા બુટનો ઠકઠક….. ને ઓફિસે બોસ શું કહેશે તેની કલ્પનાઓથી જન્મતા મનની ભીતર ઉઠતાં અવાજો અલગ… દરવાજો ખોલતા જ દુનિયા બદલાઈ જાય.

સીટી બસના દરવાજામાં ચડો એટલે અંબિકાનગર સુધી તેના તે જ દ્રશ્યો. રામુના પાર્લર ઉપર એક હાથમાં ચાનો કપ લઈને બીજા હાથે સિગરેટના ધુમાડા કાઢતા જુવાન છોકરાઓ – નગરપાલિકાની કોલેજ ભણી જતી સુંદર છોકરીઓ ને તેમની પાછળ માખીઓ જેમ પડેલા નર માખાઓની ગોશિપના દ્રશ્યો – છાપાવાળાની ખખડેલી સાઇકલની ઘંટડી અને પછી બોસની ઓફીસ આગળ અચાનક બ્રેકના અવાજ સાથે મારે ઉતરી પડવાનું. શર્ટની બાય નીચે સંતાકૂકડી રમતા બાળક જેમ સંતાયેલી ઘડિયાળમાં સમય જોવા બાય સહેજ ઊંચી કરીને સીડીઓ ચડી જવાની.

એ દિવસે પણ એમ જ હું બે દુનિયા વચ્ચેની સફર કરીને ઓફિસે પહોંચ્યો.

” અંકિત…..” ઓફીસમાં દાખલ થતાં જ બોસે કહ્યું હતું , “તું ફટાફટ નાસ્તો કરી લે તારે નીકળવાનું છે…..”

“ક્યાં જવાનું છે આટલું વહેલું ?”

“તું એ ચિંતા છોડ રિક્ષામાં નથી જવાનું…..” બોસે બે ફાઈલો મારા આગળ મુકતા ખુલાસો કર્યો , “મુંબઈ જવું પડશે……”

“આજે જ ?” મેં નવાઈથી પૂછ્યું.

દાસ કાકાએ ફક્ત આંખો નમાવી અને મને થોડા પૈસા આપ્યા. “જો આમાં બધું વિસ્તરથી લખેલું છે. તું ફાઇલ વાંચી લેજે. તને બધું સમજાઈ જશે…..”

મારી જરાય ઈચ્છા નહોતી જવાની. કારણ અમદાવાદથી મુંબઈ જાઓ અને ત્યાં કામ પતાવો એટલે કઈ સાંજે પાછા આવી શકાય નહીં. બીજા દિવસે રવિવાર હતો. મારો એક જ દિવસ. સોમથી શનિ તો હું મશીન જેમ કામ કરતો. રવિવારે ક્યાંક મિત્રો જોડે ગપાટા મારવા – બાજી રમવાની છૂટ મળતી. શરૂઆતમાં તો રવિવાર પણ ન મળતો. આરતી કશુંકને કશુંક કાઢતી. કૈક ખરીદી કરવા કે પછી જમવા કે કોઈ સબંધીનાં ઘરે જવાની વાત રવિવારે સવારે જ એ કાઢી દેતી. પણ ચાર છ વખત મેં નછૂટકે ગુસ્સાથી એને કીધું કે મને એક રવિવાર મળે એમાં તો જીવવા દે યાર. પછી ધીમે ધીમે એની મારા રવિવાર ઉપર પકડ ઓછી થઈ.

પણ હવે આ બોસે શું કાઢ્યું નવું. આ રવિવાર ગયો પાણીમાં….. મરતા મને મેં ફાઇલ ઉઠાવી અને નીકળ્યો…

થાકીને મુંબઈના રસ્તાઓ ઉપર ભટકીને ઓફિસરોને સમજાવીને પાછો ટ્રેનમાં હું અમદાવાદ ઉતર્યો. સોમવારે સવારે લગભગ આઠ વાગે જ હું ઉતર્યો હોઈશ. સીધો જ ઓફિસે ગયો.

“આવ મારો સિંહ…….” દાસ કાકાએ કહ્યું.

“તમારું કામ થઈ ગયું છે પણ મને હવે…..”

“બે દિવસની રજા આપી જા…… બસ… ખુશ……” મારુ મન કળી ગયા હોય એમ દાસ કાકા બોલ્યા.

હાશ……. મારા જીવમાં જીવ આવ્યો. થયું સીધો જ ઘરે જાઉં. આરતીને કહું મસ્ત કડક કોફી બનાવે. ત્યાં સુધી નહાઈ લઉં અને પછી નીકળી પડું દોસ્તોના ઘર બાજુ. બે દિવસ મોજ મસ્તી અને થાકને ટાટા બાય બાય…..

પણ અંકિત એલ. દ્વિવેદીની પ્લેટવાળો દરવાજો ખોલીને અંદર ગયો તો એ દુનિયા બદલાઈ ગઈ હતી. અંદર પેસતા બે ચાર ચપ્પલ અને સેન્ડલ આમ તેમ મળ્યા. બેડરૂમમાં ચોળાયેલી ચાદર પડી હતી. બે ચાર જોડી કપડાં બેડની બાજુમાં એક ખુરશીમાં ઊંધા કરેલા પડ્યા હતા. મેં છેલ્લે જેમ મુક્યા હતા એમ જ. હું કિચનમાં ગયો. કિચનની સેલ્ફ ઉપર તપેલી પડી હતી. તપેલીમાં ગરણી અને ડોઈ એમની એમ હતી. એક ઘોડામાં ધોયા વગરના વાસણો પડ્યા હતા.

ક્યાં ગઈ હશે આરતી ? મેં બેગ મૂકી. બુટ ઉતાર્યા. મને એમ કે આટલામાં ક્યાંક ગઈ હશે. સામેવાળાને ત્યાં પૂછવા ગયો પણ સામે દરવાજા ઉપર તાળું લટકતું હતું.

કંટાળીને મેં નહાઈ લીધું. કબાટ ખોલ્યું અને કપડાં બદલ્યા. છેવટે બીજા રૂમમાં ગયો. ત્યાં ટેબલ ઉપર કાગળ પડ્યો હતો.

તમે મુંબઈ નીકળ્યા પછી સમાચાર આવ્યા કે નયનનો અકસ્માત થયો છે. ભાવનગર હોસ્પિટલમાં દાખલ કર્યો છે. હું જાઉં છું. બે જોડી કપડાં કબાટમાં ધોયેલા પડ્યા છે. તમારા એક જોડી મોજા પણ પેન્ટની સળમાં દબાવેલા છે. ત્યાં કબાટમાં તમારા ઘરે પહેરવાના લેંઘો અને ઝભ્ભો ધોયેલા છે. તમે આવીને બે દિવસની રજા તો લેશો જ. એટલે ઘરે લેઘા ઝભ્ભા ઉપર ચલાવી લેજો. ધોયેલા કપડાં બગાડતા નહિ.

હું અટક્યો. અરે એક જોડી તો આવીને જ પહેરી લીધા… આગળ વાંચ્યું…

હું બે દિવસે ફરી લખીશ. ઘડિયાળમાં ટકોરો બગડી ગયો છે. પાંચ વાગે દૂધ લેવા નીચે જજો. દૂધવાળો ઉપર નથી આવતો. સવારે વહેલા જાગીને છાપું અંદર લઈ લેજો. પેલા ગલુડિયા છાપું સીડીઓ ઉપર ખેંચી જાય છે.

કાગળ મૂકીને હું આવ્યો રૂમમાં. ઘડિયાળ સામે જોયું. આ ઘડિયાળ બે વર્ષ પહેલાં લાવી હતી. એક વર્ષ પહેલાં તેનો ટકોરો બગડી ગયો હતો. હવે ખાલી સમય બતાવે છે.

હું નીચે ગયો. પાર્લર પરથી દૂધ લઈ આવ્યો. કોફી શોધી. પાંચ મિનીટ પછી કોફીની પડીકી મળી. તપેલી લીધી. પાણી નાખ્યું. કોફી બનાવી. પીધી. મનમાં થયું ભાઈ કંટાળીને આવ્યા એમાં આ ઉપાધિ વધારાની.

બેડરૂમમાં જઈને વેર વિખેર બેડ ઉપર સૂતો. સુઈ ગયો. કલાકે જાગ્યો. ભૂખ લાગી હતી. જાતે બનાવતા આવડે નહિ. બહાર કશુંક ખાઈ આવું. પણ પર્સમાં જોયું તો પૂરતા પૈસા નહિ. મુંબઈમાં ખર્ચી નાખ્યા હતા.

આરતીના કબાટમાં કદાચ હશે થોડા ઘણા રૂપિયા. તેનું કબાટ ખોલ્યું. કપડાં તપાસ્યા. નીચેના ડ્રેસ કાઢ્યા. સ્ત્રીઓ પૈસા સાચવીને મૂકે એવી ખબર હતી. બધા કપડાં બહાર કાઢીને બેડ ઉપર નાખ્યા. નીચેથી એકાદ ડ્રેસની બેવડમાંથી નોટો નીકળી. હાશ.

પણ આ કપડાં સરખા કરવા પડશે ને. આવીને કરું. હમણાં ભૂખ લાગી છે. ચલ ભાઈ જલ્દી ચાલ. ગયો. હોટેલમાં જમીને આવ્યો. સિગરેટ સળગાવી. આરતીના કપડાં સરખા કરવા બેઠો. બે ચાર ઉપરના ડ્રેસ સરખા કર્યા ત્યાં કંટાળ્યો. કરવું તો પડશે જ ભાઈ. નહિતર ઊંધીશ ક્યાં ? નીચેથી જુના ડ્રેસ નીકળ્યા. હમણાં ઘડી કરી એ ડ્રેસ અને આ જુના ડ્રેસમાં ફરક લાગ્યો. જુના ડ્રેસ મોટા હતા. આરતી આટલી પતળી થઈ ગઈ હશે ? ને મને લગન કર્યા ત્યારના દિવસો યાદ આવ્યો. હા એ થોડી જાડી હતી. હવે નથી રહી. હું થોડો જાડો થયો છું પણ એ થાકી છે.

આખરે કપડાં મુક્યા અને ઘડિયાળ જોઈ. ખુરશી ખેંચીને દીવાલ પરથી ઉતારી. ઘરને લોક કર્યું અને ઘડિયાળ લઈને બજારમાં ગયો. એક દુકાને ઘડિયાળનો ટકોરો ઠીક કરાવ્યો.

ઘણા દિવસ આમ જ વીતી ગયા. ફરી એક કાગળ આવ્યો.

હવે એને સારું છે. હું કાલે સાંજે આવીશ.

કાગળ મુક્યો.

શનિવારે ઓફિસેથી પાછો આવ્યો. ઝભ્ભા લેઘામાં જ સ્તો. આ ચાર પાંચ દિવસોમાં મને ખુબ કસ્ટ પડ્યો હતો. પહેલા મને એમ હતું કે દરવાજા બહારની દુનિયામાં જ થાક ત્રાસ તકલીફો ફરિયાદો હોય છે. પણ એવું નથી. આ વેર વિખેર ઘર જમવાનું ચા વાસણ કપડાં બધું એમને એમ નથી થતું…..

આ દરવાજા અંદરની દુનિયામાં પણ એ જ થાક ત્રાસ ફરિયાદો તકલીફો હોય છે પણ એને આરતી આરામમાં ફેરવે છે. મને થયું મારે રવિવારે મિત્રો જોડે બાજી રમવા ન જવું જોઈએ. રવિવાર એને આપવો જોઈએ.

હું તૈયાર થયો. થોડા પૈસા લીધા ઘરને લોક કર્યું અને સ્ટેશને ગયો.

આરતી મને જોઈને ગભરાઈ , “તમે અહીં આવ્યા ?”

“હા હું આવ્યો….. રવિવારે રજા હોય ને….. મને થયું એકલી આવે એના કરતાં લેતો આવું.”

તે નવાઈથી હસી. રાત મેં ત્યાં વિતાવી. તેના ભાઈને હવે સારું હતું. પગમાં ફ્રેક્ચર હતું. પણ વધારે સર્જરીની જરૂર નહોતી પડી.

રવિવારે લગભગ નવ વાગે અમે નીકળ્યા. બપોરે ઘરે પહોંચ્યા. ઘરમાં ઘૂસતા જ આરતી નવાઈથી જોઈ રહી. બુટ સેન્ડલ એની જગ્યાએ ગોઠવાયેલા હતા. તે અંદર ગઈ. બેડની બાજુમાં પડેલી ખુરશીમાં એકેય કપડું નહોતું. તેણીએ કબાટમાં જોયું. મારા કપડાં વ્યવસ્થિત ધોયેલા ઘડી કરીને મુકેલા પડ્યા હતા. હું દરવાજે બંને હાથ પસારીને હસતો ઉભો હતો. તે મને નવાઈથી જોઈ રહી.

“આ બધું તમે કર્યું ?”

“ના મેં અઠવાડિયા પૂરતા બીજા લગન કર્યા હતા…..”

બંને હસી પડ્યા….

“ચલો હું જમવાનું બનાવું ફટાફટ….”

“ના રે આપણે બહાર જઈએ……”

“પણ તમારે બહાર જવું હશે ને…. થાક્યા હશો બાજી રમવા નથી જવું ?”

“શેની બાજી ? ચલ જલ્દી કર આપણે જઈએ મને ભૂખ લાગી છે……” મેં કહ્યું….

તેના ચહેરા ઉપર કૈક વિશિષ્ટ આનંદ હતો. જે પહેલા ક્યારેય મેં જોયો નહોતો…..

“ચાલો……” તે તૈયાર થઈને આવી. અમે નીકળ્યા બરાબર તે જ સમયે ઘડિયાળમાં ટકોરો પડ્યો.

“આ ઘડિયાળનો ટકોરો તમે ઠીક કરાવ્યો ?” આરતીએ પૂછ્યું.

“ના ના ટકોરે મને ઠીક કર્યો છે…….”

“એટલે…..” તે નવાઈથી બોલી. તેને કઈ સમજાયું નહીં….

“એટલે કઈ નહિ……” મેં કહ્યું અને સીડીઓ ઉતરવા લાગ્યા , “આરતી જીવનમાં ટકોરા થવા જરૂરી છે……”

“શેના ટકોરા ? શું બોલો છો ?”

“કઈ નહિ મને ભૂખ લાગી છે એટલે ગમે તે બોલું છું……” હું હસ્યો…. તે પણ હસી…..

*******

લેખક: વિકી ત્રિવેદી

 
3 ટિપ્પણીઓ

Posted by on ફેબ્રુવારી 6, 2020 માં Vicky Trivedi

 

ટૅગ્સ: ,

દરવાજો : સુખ દુઃખનો…


એ સમયે હું ગીરના જંગલમાં એક વૃક્ષ તરીકે જન્મ્યું હતું. મારા મા બાપ મારી પાસે જ હતા પણ ક્યારેય અમે એક બીજાને સ્પર્શી ન શકતા. મારા જન્મથી જ હું બહુ તકલીફોમાં મોટું થયું હતું. જંગલમાં જન્મ્યું હતું એટલે ઢોર ઢાંખરનો ડર સતત મારા માતા પિતાને રહેતો! જે વૃક્ષ શહેરમાં લોકોના ઘરે કે નર્સરીમાં જન્મે છે એ તો નસીબવાળા હોય છે કે એમને કોઈ શાકાહારી પ્રાણીઓનો ડર નથી હોતો. તેમ છતાં મને એક વાતનો આનન્દ છે કે હું જંગલમાં જન્મ્યું એટલે મને માતા પિતા મળ્યા નહિતર જો નર્સરીમાં જન્મ્યું હોત તો હું અનાથ હોત, કોણ મારા માતા પિતા છે એ પણ મને ખબર ન હોત! તેમજ નર્સરીમાંથી મને કોણ ક્યાં લઈ જાઓત, નવી જગ્યાએ મને ફાવોત કે નહીં? એ જમીન મને માફક આવોત કે નહીં? એ બધા પ્રશ્નો મને નથી નડ્યા.

તેમ છતાં જંગલમાં જન્મેં એ વૃક્ષને સતત જંગ લડવી જ પડે. હું છ મહિનાનું થયું ત્યારે એક વાર હું બીમાર પડ્યું હતું. મારા પગમાં (મૂળિયામાં) ઉંધઇ થઈ હતી. મારા માતા પિતા બિચારા માત્ર ચિંતા જ કરી શકતા કેમ કે એ બન્ને પોતાની જગ્યાએથી હલી શકતા જ નહીં. વ્રુક્ષોને પણ કેવી જિંદગી હજાર હાથ હોય પણ કામના એકેય નહી! એતો સારું થયું કે પછી વરસાદ થયો અને મને પૂરતું પાણી મળી ગયું નહિતર આજે હું ન હોત!

હું જ્યારે એકાદ બે વર્ષનું થયું ત્યારે મારી હાઈટ ખાસ્સી વધી ગઈ હતી. પછી તો હું છેક મારા બાપુના ખભા સુધી પહોંચી ગયું હતું. અને મારી મા તો મારા કરતાં નીચી લાગતી મને! ત્યારે હું મારા માતા પિતાનો ચહેરો પહેલીવાર એકદમ નજીકથી જોઈ શક્યું હતું….

હું મોટું થઈ ગયું પછી તો ઉનાળામાં પણ મારા મૂળિયા ઊંડાણમાંથી પાણી લઈ આવતા એટલે મને મૃત્યુનો (સુકાઈ જવાનો) કોઈ ભય હતો નહિ. હું મારા મારા માતા અને પિતા સામે જોયા કરતું અને પવનમાં મારા નાના નાના હાથ (ડાળીઓ) હલાવીને એમની સાથે આખો દિવસ વાત કરતું. એ પછી તો કેટલાય પક્ષીઓને મેં આશરો આપ્યો! ચકલી, પોપટ, કાગડો કેટલાય પક્ષીઓ મારા ઉપર રહેવા લાગ્યા હતા.

આમ અમારું જીવન સુખમય ચાલતું હતું કે એકવાર એક કઠિયારો આવ્યો. કઠિયારાના હાથમાં રહેલી કુહાડીની ધાર જોઈને અમને ત્રણેયને ફાળ પડી. કઠિયારે પહેલા તો મારા પિતાજીના શરીરને જોયું પણ મારા પિતાજી તો ઉંમરને લીધે કમ્મરમાંથી વળી ગયા હતા એટલે કઠિયારે મારી મા તરફ નજર માંડી. મને તો બહુ બીક લાગી કે હવે મારી જનેતા નહિ રહે. મેં ઘણી ચીસો પાડી પણ અવાજ નીકળ્યો જ નહીં! મારે ક્યાં જીભ કે મોઢું હતું જ!

કઠિયારે મા તરફ જોયું અને કદાચ મા પતળી લાગી એટલે પછી એ સીધો જ મારા તરફ આવ્યો. મારુ એકદમ સીધું અને મજબૂત શરીર જોઈને કઠિયારે કુહાડી નીકાળી મારા ઉપર નિશાન સાધ્યું!

મને આજેય યાદ છે કે કઠિયારાની કુહાડીનો પહેલો જ ઘા મારા ઉપર પડ્યો ત્યારે મારા કરતાં વધારે પીડા મારા માતા પિતાને થઈ હતી! પણ શું કરીએ? અમે ત્રણેય મજબુર હતા. એટલી મજબૂતાઈ હોવા છતાં અમે સામે લડત ન જ કરી શક્યા! આમ તો અમને કોઈ મારી ન શકોત પણ મારા જ જાત ભાઈએ દગો કર્યો હતો પછી મારુ શુ ચાલે? એ કુહાડીનો હાથો મારા કોઈ વૃક્ષ ભાઈનો જ હતો ને? અને મને સ્પષ્ટ દેખાતું હતું કે એ હાથો મને કપાતું જોઈને રાજી થતો હતો! માણસના હાથમાં રહીને એની અંદર પણ ઈર્ષા આવી ગઈ હતી કે હું કપાયું હાથો બન્યો તો આ કેમ ન કપાય?મારા નસીબે લખ્યું એમ, કઠિયારો મને ઘા ઉપર ઘા આપતો જ રહ્યો અને હું ધીમે ધીમે મરતું ગયું. મારા માતા પિતા કરુણ દર્દથી રડતા રહ્યા.

હું સાવ કપાઈ ગયું એટલે પછી એક એક કરીને મારા હાથ કાપી દેવામાં આવ્યા. પછી તો હું સાવ પાંગળુ લાગવા માંડ્યું! મને એમ થતું હતું કે હવે મારુ આ જીર્ણ શરીર અહીંથી દૂર લઈ જાય તો સારું કેમ કે મારી આ હાલત મારા મા બાપથી દેખાતી નહિ જ હોય!

ઈશ્વરે મારી એ પ્રાર્થના મંજુર રાખી. મને તરત જ એક ટ્રકમાં ભરીને શહેરમાં લઈ આવ્યા. મને એક લાઠીમાં પટકવામાં આવ્યું! એ પણ મને મારા બીજા જાત ભાઈઓ કરતા અલગ રાખવામાં આવ્યું કેમ કે હજુ હું લીલું હતું. હું લાઠીમાં પડ્યું પડ્યું રાત દિવસ રડતું હતું. મને તો એમ હતું કે હવે હું મરી જઈશ પણ મારા નસીબમાં હજુ ઘણું લખેલું હતું. વિધિના લેખ તો મારા નસીબમાં પણ હતા જ ને!

હું ત્રણેક દિવસ ત્યાં જ લાઠીમાં પડ્યું રહ્યું. ધીમે ધીમે મારા શરીરની શક્તિ ઓછી થવા લાગી અને દસ દિવસમાં તો હું સુકાઈ ગયું! સુકાઈ ગયા પછી પણ મારો જીવ ન જ નીકળ્યો! કેમ જાણે હજુ કેટલા દુઃખજોવાના બાકી હતા??

હું ત્યાં પડ્યું પડ્યું મોતની રાહ દેખતું હતું ત્યાં એક દિવસ એક સુથાર આવ્યો અને મને ફરી ટ્રકમાં ભરીને પોતાના ઘરે લઈ ગયો. એ મને ઘરે લઈ ગયો પછી ફરી મારા ત્રણ ટુકડા કરી દીધા! પણ હા આ વખતે તો મને કુહાડી જેટલી વેદના નહોતી થઈ. કેમ કે આરીથી હું જલ્દી કપાઈ ગયું.

ત્યારબાદ તો મારા શરીરના ટુકડાઓ સાથે એ સુથારે ખબર નહિ શુ શુ કર્યું. કેટલી જગાયેથી કાપ્યું, ક્યાંક ખાચા પાડ્યા તો ક્યાંક નકશીદાર કોતરણી કરી. મારા ઉપર રંધો તો કેટલી વાર ફર્યો હશે એની કોઈ ગણતરી જ નથી!

પણ એ બધા દુઃખો, શેણી, હથોડી, રંધો, ખીલીઓ, બધું દુઃખ સહન કરી લીધા પછી મારી આખી જાત જ બદલાઈ ગઈ. મારા શરીર ઉપર જે કડક, ખરબચડી અને કાળી બદસૂરત છાલ હતી એના બદલે લિસુ, સફેદ અને ખુબસુરત આવરણ આવી ગયું હતું….. હું તો રાજી રાજી થઈ ગયું! સુંદરતા કોને ન ગમે!

બસ કાંઈક ખૂટતું હતું તો એ હતું મારા શરીરનો બીજો ભાગ! બીજા જ દિવસે મારા શરીરનો બીજો ભાગ પણ મારી સાથે જોડી દેવામાં આવ્યો. અને પછી તો મને ધૂળ માટીમાં મુકવાનો બદલે લઈ જઈને ઘરમાં જ મુક્યુ.

બે દિવસ મને ઘરમાં એમ જ રાખ્યુ પછી ત્રીજા દિવસે સુથારના દિકરે મને સનમાઈકાથી ઢાંકી નાખ્યું. શરૂઆતમાં તો મને ગુગળામણ થઈ, ખુબ અકળામણ થઇ પણ જયારે આખું શરીર ઢંકાઈ ગયું ત્યારે મારી સુંદરતામાં એક ઓર જ વધારો થઈ ગયો હતો. હું તો નાચી જ ઉઠ્યું!એના પછી ત્રીજા દિવસે મારા ઉપર કાંઈક એવું છાંટવામાં આવ્યું જે મને જરાય ન ગમ્યું. પણ સુથાર અને એના દીકરાની વાત ચીત પરથી મને ખબર પડી કે એ તો દવા હતી! હા એ ઉઘઈની દવા હતી. સાચું કહું તો મને એ સુથારે બહુ વેદના આપી હતી છતાં મારુ નવું સ્વરૂપ જોઈને હું એને પણ મનોમન આભાર કહેતું હતું. મને ઉધઈની તો નાનપણથી જ બીક હતી એટલે એ સુથારના દીકરાને તો ચૂમી લેવાનું મન થયું મને! ખેર પણ હું ક્યાં તમારા જેવા હોઠ ધરાવું છું??

ચોથા દિવસે સુથારના ઘરે બે ત્રણ માણસો આવ્યા. મને એમ કે આ સુથારના મહેમાન હશે પણ જ્યારે એ લોકો મારી નજીક આવ્યા ત્યારે એ કહેવા લાગ્યા, “માનજીભાઈ આ દરવાજાનો શુ ભાવ છે?”

“દરવાજો????” તો હું હવે વૃક્ષ મટી ગયું છું એમને? તો હવે હું વૃક્ષ નાન્યેતર જાતિમાંથી દરવાજો પુર્લિંગ બની ગયું છું એમને? મને ત્યારે જ ખબર પડી કે મારું નામ હવે દરવાજો છે!

મને એ દિવસે રઘુભાઈએ પુરા પાંચ હજારમાં ખરીદ્યો હતો. હું તો રાજીના રેડ થઈ ગયો હતો કે પેલો કઠિયારો તો મને સાવ મફતમાં લઈ ગયો હતો પણ આ રઘુભાઈએ તો મારા માટે પુરા પાંચ હજાર રૂપિયા ખર્ચ્યા છે બોલો! તમને એમ થશે કે મને વળી રૂપિયામાં શુ સમજ પડે? પણ હું માણસો સાથે રહ્યો ને એટલે મને રાત દિવસ એજ શબ્દ સંભળાતો ‘પૈસા’ એટલે હું ય એ બધું શીખી ગયો છું.

એ દિવસે લગભગ સોમવાર હતો. મને રઘુભાઈએ માનજી ભાઈના ઘરથી એક છકડામાં બેસાડ્યો. પેલા કઠિયારે અને એના માણસોએ તો મને ટ્રકમાં પછાડ્યો હતો ત્યારે તો મને કેટલું વાગ્યું હતું! પણ આ રઘુભાઈ તો બિચારા સારા હતા એમણે મને સાચવીને છકડામાં બેસાડ્યો અને હું પડી ન જાઉં એ ખાતર મને પકડીને ઉભા પણ રહ્યા હતા. ઘરે જઈને પણ મને એટલી જ કાળજીથી ઉતર્યો હતો. ઘર પણ જોઈએ તો કેવું સુંદર! અને હતું પણ એક દમ નવું! હું સમજી ગયો કે અહીં મને મુખ્ય દરવાજા તરીકે જ જીવન મળશે કેમકે હજુ ઘરને દરવાજો જ નહોતો લગાવેલ! મારા અંદાજે તો રઘુભાઈએ કદાચ આજે જ ઘરનું મુહૂર્ત કર્યું હશે! હું તો રાજીના રેડ થઈ ગયો. થયું લાવ નાચી લવ! પણ પછી થયું ના ના આ ભારી શરીરે નાચું અને જો પડી જાઉં તો બિચારા સુથારની બધી મહેનત પાણીમાં જશે!

મને નીચે ઉતારીને રઘુભાઈએ છકડાવાળાને ભાડું આપીને રવાના કર્યો એટલે મને એમ કે હમણાં મને અંદર લઈ જશે! પણ રઘુભાઈ તો મને એકલો મૂકીને જ ઘરમાં ચાલ્યા ગયા! મારા તો બધા જ અરમાન પાણીમાં ગયા!

હું ઉદાસ થઈને બહાર બેઠો હતો ત્યાં તો ઘરમાંથી રઘુભાઈ એક સ્ત્રી સાથે બહાર આવ્યા. મેં જોયું તો એ સ્ત્રીના હાથમાં એક થાળી હતી, મેં થોડું ધ્યાન વધારે લગાવ્યું તો થાળીમાં મને ચોખા કંકુ પણ દેખાયા. મને તો કઈ સમજાયું નહીં. એ સ્ત્રી મારી પાસે આવી અને પોતાના હાથની એક આંગળી કંકુમા બોળીને મારા માથા ઉપર પાંચ ટપકા કર્યા. ટપકા કરીને પછી મારા ઉપર સ્વસ્તિક દોર્યો. એ પછી તો રઘુભાઈએ મારા ઉપર એક ફૂલોનો હાર લગાવ્યો.

મને તો ત્યારે જ ખબર પડી કે આ બધી મારી વધામણી હતી! વધામણી થઈ ગયા પછી તો મને એક કારીગર બોલાવીને ફિટ કરવામાં આવ્યો. ફિટિંગ થઈ ગયા પછી મને રઘુભાઈ અને પેલી સ્ત્રીએ ચાર પાંચ વખત ઉઘાડ બંધ પણ કર્યો. મને સાંજ સુધી તો થોડી અકળામણ થઈ! ખુલ્લામાં રહેલો ખરા ને! પણ સાંજે જ્યારે રઘુભાઈના બાળકો આવ્યા ત્યારે મને જોઈને એ પણ રાજી થઈ ગયા. પછી તો આજુબાજુ વાળા પણ મને જોવા આવ્યા.મને તો થયું કે હું કેટલો નસીબદાર છું કે મને લોકો આમ જોવા આવે છે! બધાએ મારા ખૂબ વખાણ કર્યા એટલે જાણે હું તો મારું આગળનું બધું દુઃખ ભૂલી જ ગયો!

રાત્રે બધા મને જોઈને ગયા પછી પેલી સ્ત્રી કે જેનું નામ ગંગાબેન હતું એણે મને બંધ કરીને અંદરથી સાંકળ દઈ દીધી!

મને શરૂઆતમાં તો બધા સાચવતા પણ જ્યારે રઘુભાઈના બાળકો ઝઘડતા ત્યારે મને ધડ કરતો પછાડી દેતા. મને વેદના થતી પણ બાળકો શુ સમજે? હું તો તરત માફ કરી દેતો બંને બાળકોને. ઘણીવાર સુરભી અને આકાશ સંતા કુકડી રમતા ત્યારે મારી પાછળ સંતાઈ જતા. આમ મને એ નિર્દોષ બાળકો સાથે રમવા પણ મળ્યું! ઘણીવાર હું વિચારતો ક્યાં એ જગલમાં સિહ અને વાઘ જેવા ભયાનક પ્રાણીઓ ને ક્યાં હું અહી આ કોમળ કોમળ બાળકો વચ્ચે આવી ગયું!! આવી કિસ્મત બધાને ન હોય!

પણ જેમ જેમ હું જૂનો થતો ગયો એમ એમ બધાએ મને સાચવવાનું બંધ કરી દીધું. ઘણીવાર ગંગાબેન મારી પાછળ મેલા કપડાં પણ લટકાવતા. ત્યારે તો મને એમ થતું કે ચોખ્ખી ના પાડી દઉં! આ વળી શુ મારે એવી તીવ્ર વાસ કેમ સહન કરવાની? પણ મારે ક્યાં અવાજ હતી? મારે એ સહન કરી જ લેવું પડતું!

એટલું જ નહીં રઘુભાઈ અને એમનો પરિવાર જ્યારે બહાર ક્યાંય જતા ત્યારે મારે સાવ એકલા રહેવું પડતું. રાત્રે ઘરમાં કોઈ ન હોય ત્યારે પેલો અંદરના રૂમનો દરવાજો મારા ઉપર હસતો કેમ કે જો કોઈ ચોર આવે તો પહેલા તો મને જ મારે ને! પણ હું કઈ ડરપોક નહોતો. આખી રાત હું જાગતો અને મેં નિર્ણય કર્યો હતો કે હું ટુકડા ટુકડા થઈ જઇશ ત્યાં સુધી કોઈને આ ઘરમાં આવવા નહિ જ દઉં!

રઘુભાઈ અને એમનો પરિવાર દર વર્ષે ક્યાંકને ક્યાંક ફરવા જતા ત્યારે હું એવી જ રીતે દ્રઢતાથી ઉભો રહેતો પણ સદભાગ્યે મને ક્યારેય કોઈ ચોરનો ભેટો થયો જ નહીં! પેલા અંદરના દરવાજાના ઓરતા અધૂરા જ રહી ગયા! એ સદાય મારા ઉપર ઈર્ષા કરતો કેમ કે ઘરે જે પણ આવે એ મને જ દેખતું એને કોઈ દેખતું નહિ! પણ એને એ સમજવું જોઈએ કે મેં એના કરતાં વધારે દુઃખ જોયા છે એટલે જ હું મોખરે છું!

ખેર છોડો ઈર્ષા તો તમારા માણસોની અંદર હોય જ એની વાત તમને શું કહેવાની અમે બધા તમારી જોડેથી જ તો શીખ્યા છીએ ને? વાત છે મારા જીવનની તો હવે એ બધી વાતને તો ઘણા વર્ષો થઈ ગયા છે. હું દરવાજો બન્યો એ પછી તો દોમ દોમ સુખ સાહ્યબીમાં હું મારા માતા પિતાને પણ ભૂલી ગયો હતો. આજે હવે મારી અંદર એવી શક્તિ નથી રહી. હવે તો મારા શરીર ઉપર ઠેર ઠેર પાટા બાંધ્યાં છે, પેલો અંદરનો દરવાજો તો ક્યારનોય તૂટી ગયો છે. હવે મારી પણ એજ હાલત છે હું પણ ઘણા દિવસનો મહેમાન નથી, ત્યારે મને ફરી મારા મા બાપ યાદ આવે છે. એ કેવી હાલતમાં હશે? ખેર હું ત્યાં જઇ નથી શકવાનો તો એ વિચારીને શું ફાયદો? એ સુખમાં હોય કે દુઃખમાં હું ક્યાં જઈ શકવાનો છું?

હવે તો મારું રૂપ અને સુંદરતા પણ એવા નથી રહ્યા! એટલે હવે મને કોઈ ધ્યાનથી નથી જોતું. એટલે હવે હું છેક જન્મ્યો ત્યારથી આજ સુધીની સફર યાદ કરીને મારો સમય વિતાવું છું. સામે વૃદ્ધ રઘુભાઈ ખુરશીમાં બેઠા બેઠા છાપું વાંચે એ જોઈ કોઈ વાર એમ થાય કે માણસ હોય કે વૃક્ષ દરેક જ્યારે વૃદ્ધ થાય ત્યારે એક ખૂણે જ બેસવું પડે! મને એમ જ લાગે છે કે એ છાપું વાંચવાનો તો માત્ર ડોળ કરે છે ખરેખર તો એ પણ મારી જેમ જ એ છાપાના શબ્દોમાં ક્યાંક પોતાનો ભૂતકાળ શોધે છે! મેં આ જ દરવાજે એમને પોતાની દીકરીને વળવતા રડતા જોયા છે. મેં એમને ઘણી વાર ચિંતામાં જોયા છે ઘણીવાર હસતા જોયા છે!

રઘુભાઈ અને હું બંને હવે પાકેલ પાન છીએ ત્યારે કોઈ કોઈ વાર વહેલી સવારે દીકરો ઓફિસે જતા જતા રઘુભાઈને કૈક સંભળાવતો જાય ત્યારે ગંગાબેન એક કપ ચા લઈને આવે છે અને બંને પછી પોતાના ભૂતકાળની વાતો કરે છે, હશે છે, રડે છે. મારે પણ રઘુભાઈ જેમ જ છે. રઘુભાઈનો દીકરો આકાશ તો હવે મને અડતો પણ નથી ક્યાંક માર શરીરનો તૂટેલું કોઈ ભાગ વાગી જાય કે એના શર્ટને ખૂણો અડીને ફાટી જાય તો! એ જ બાળક જે મારી પાસે સંતાઈને રમતું હસતું એ આજે મને સાવ હડધૂત કરે છે. છતાં હું એને માફ કરું છું કેમ કે હવે તો મારા માટે પણ એ દીકરા જેવો જ છે ને! માણસ પાસેથી હું ઈર્ષા શીખ્યો એ સાથે એક બીજી વસ્તુ પણ શીખ્યો છું. હા એ છે લાગણી. હું એટલા વર્ષથી અહીં છું એટલે મને ઘરના સભ્યોથી લાગણી થઈ ગઈ છે.

હવે એક દિવસ એવો આવશે જ્યારે મને અહીંથી કાઢીને કાતો ફેંકી દેવામાં આવશે કા તો જો શિયાળો હશે તો પાણી ગરમ કરવા મને ટુકડા કરી કરીને બાળી નાખશે! બસ મારી એક જ ઈચ્છા છે કે એક વાર રઘુભાઈની દીકરી મળવા આવે એને જોયા પછી મને અહીંથી તો સારું કેમ કે જ્યારે સુરભી આવે છે ત્યારે રઘુભાઈ અને ગંગાબેન જેમ મને પણ ખૂબ આનંદ થાય છે!

ખેર એ તો વિધિના લેખ હશે એમ થશે પણ હમણાં તો ક્યારેક ક્યારેક રઘુભાઈ અને ગંગાબેન અહીંથી પસાર થાય છે ત્યારે આ પાવડી ઉતરવા મારો ટેકો લે છે એ સ્પર્શ જ મારા માટે બધું છે. કેમ કે એ વૃદ્ધ થયા એટલે એમને પોતાના શરીર ઉપર ભરોસો નથી પણ હજુ મારા ઉપર છે મારો ટેકો લે છે એ જોઈ મને હજુયે સુખની લાગણી અનુભવાય છે…..

*******

લેખક: વિકી ત્રિવેદી

 

 
2 ટિપ્પણીઓ

Posted by on ફેબ્રુવારી 5, 2020 માં Vicky Trivedi

 

ટૅગ્સ: ,

આશરો


“ડોસો ગયો?” શંભુ મહારાજને પડોશની મહિલાનો અવાજ સંભળાયો.

“હરામખોર છે. ત્રણ મહિનાથી અહી પડ્યો છે. પરોણો તો એક બે દી’નો હોય. જોર મારીને પાંચ દી રે.” આરતીની સાસુનો કર્કશ અવાજ સંભળાયો.

શંભુ મહારાજને ખબર હતી કે પોતે અહી દીકરીના ઘરે અણગમતો મેહમાન હતો પણ શું કરે? પોતે છેલ્લા ત્રણ મહિનાથી અહી હતો. ચારેક દિવસ પછી જ આરતીની સાસુ અને જમાઈનું વર્તન બદલાઈ ગયું હતું. છેલ્લા એક બે મહિનાથી તો આરતીનું પણ વર્તન બદલાઈ ગયું હતું છતાં પોતે અહી પડ્યો હતો! ક્યાં જાય?

“દીકરીના ઘરે ખાતા એને શરમ પણ નહિ આવતી હોય?” ફરી એજ મહિલા બોલી.

“શરમ હોય તો આવે ખરો?” આરતીની સાસુએ દાંત ભીંસ્યા.

“આરતીને ભાઈ નથી, નહિ?” પેલી પડોશણ વધારે આગ લગાવતી હતી.

“ભાઈ તો છે, પણ ડોસાને દીકરીના ઘરનું ખાવામાં જ મજા આવે છે.” આરતીની સાસુ બોલી.

આરતી રસોડામાં બધું સાંભળતી હતી. રસોડામાંથી બહાર આવીને શંભુનાથ સુતા હતા એ રૂમમાં આવી.

“પપ્પા.” આરતીના અવાજમાં નફરત હતી.

“લો આ તમારી બેગ, મહેરબાની કરીને હવે તમે ચાલ્યા જાઓ.”

“બેટી…”

“પપ્પા, તમને તો કઈ થતું હશે કે નહિ પણ મારાથી આ મેંણા ટોણા સંભળાતા નથી.” આરતી કડક સ્વરે બોલી.

“પણ ક્યાં જાઉં હું આ ઉમરે?” શંભુનાથ અસહાય હતા.

“કેમ તમારે નખ્ખોદ ગયું છે? બીજી પણ બે દીકરીઓ છે ને, માનસી અને ભૂમિ. ભૂમિ અને માનસીને ઘરે પણ કેમ જાઓ? તમારો દીકરો જીવતો છે ને. અશ્વિનભાઈને ઘરે જાઓ. ન રાખે તો ગામના ચાર લોકોને ભેગા કરો. જખ મારીને રાખશે.” આટલું બોલીને આરતી બે હાથ જોડીને ઉભી રહી.

શંભુ મહારાજે કશું બોલ્યા વગર બેગ લીધી. આરતીની આંખોમાં પણ આંસુ હતા. એણીએ આમતેમ જોયું પછી એક પાંચસોની નોટ એના પપ્પાના હાથમાં થમાવી દીધી.

“વહુ બેટા, હું સામેવાળા કંચનબેનને ત્યાં જઈને આવું છું.” આરતીની સાસુ બહાથી જ બોલી.

“ભલે, મમ્મી.” આરતીએ એની સાસુને જવાબ આપ્યો અને ફરી શંભુનાથ તરફ ફરી.

“પપ્પા, તમેં મને ઘણું આપ્યું છે. વીસ તોલા સોનું. વાસણો, કપડા, ફર્નીચર. પણ પપ્પા હું તમને રાખી શકું એમ નથી. તમે જે આપ્યું એના ઉપર મારો કોઈ અધિકાર નથી. તમારી ભૂલ હતી પપ્પા. તમે દેવું કરીને અમને ત્રયેય બહેનોને દહેજ આપ્યું. મકાન પણ વેચી નાખ્યું. તમે ભાડે રહેવા ગયા. અને હવે તમારે આમ અપમાનિત થવું પડે છે.”“મારી ભૂલ હતી?” શંભુનાથ બબડ્યા.

“હા પપ્પા, તમે સમાજમાં વટ પાડવા તમારા ગજા બહારનું દેવું કરીને દહેજ આપ્યું એ તમારી ભૂલ હતી.”

“હશે બેટા. જેવા નસીબ. ભૂમિને ત્યાં જતો રહું. એને સાસુ સસરા છે નહી.” શંભુનાથ બોલ્યા.

“તમને અશ્વિનના ઘરે જવામાં વાંધો શું છે?”

“મારી જઈશ પણ એના ઘરે તો નહિ જ જાઉં. હું નીકળું છું બેટા.”

“પપ્પા, ભૂમિ કે માનસી ગમે ત્યાં જશો તમને ચાર મહિના ઉપર કોઈ નહિ કઢાવે. હજી કહું છું માની જાઓ. અશ્વિનના ઘરે ચાલ્યા જાઓ. તમેં કહો તો હું સાથે આવું.”

“કઈ રીતે જાઉં અશ્વિનના ઘરે? એણે તો મારી જીદગી બગાડી છે. કોલેજ કરવા મુક્યો ત્યાંથી નીચી જાતની છોકરી લઇ આવ્યો. મેં એને ઘરમાં પેસવા દીધો ન હતો. મારી માલ-મિલકત તમને ત્રયેય બહેનોને આપી દીધી. તમારા લગ્ન પાછળ ઘર પણ વેચી દીધું. એને એક પાઈ પણ મેં આપી નથી. હવે એના ઘરમાં પગ મુકું હું? મારે પણ સ્વાભિમાન છે. અને એ હલકી જાતની એની વહુના હાથે રાંધેલું હું ખાઉં?”

“સ્વાભિમાન!! પપ્પા તમારું સ્વાભિમાન રહ્યું છે ખરું? સવારમાં મારી સાસુ જે બોલતી હતી એ સાંભળ્યા પછી પણ તમને લાગે છે કે તમારું સ્વાભિમાન બચ્યું છે? અને વાત રહી નીચી જાતની તો દીકરીઓને ઘરે કુતરા જેમ કટકા ખાવા કરતા એના હાથના રોટલા ખાવા શું ખોટા? લોકો વાતો તો નહિ કરે ને કે દીકરીઓના ઘરે ખાય છે. હરામખોર નફફટ આવું તો તમારે નહિ સાંભળવું પડેને. અને અમે પણ ઈજ્જતથી જીવી શકીશું.”

“અશ્વિન મને રાખશે ખરો?”

“તમે જાઓ તો ખરા. રાખશે. અમે તમને રાખીએ તો અમારીને તમારી બધાની આબરૂ ઓછી થાય છે, પપ્પા. એ નહિ રાખે તો એની આબરુ જશે અને ન રાખે તો અહી જેમ પડ્યા તા એમ જ પડ્યા રેજો. ધોકો લઈને મારવા તો નહિ જ આવે. અશ્વિનના ઘરનું એડ્રેસ છે તમારી પાસે?”

“ના નથી. મેં એની ક્યાં પછી કોઈ ખબર લીધી હતી. બેટા, અશ્વિનને ત્યાજ જાઉં છું. તારી વાત માનવી જ પડશે. પણ એ રાખશે ખરો?”

“પપ્પા, એ રાખશે. લો હું તમને એડ્રેસ આપું. મારે ઘણીવાર ફોન પર વાત થાય છે.”

“એ અહી આવે છે?”

“ના પપ્પા, એ અહી આવે તો.. મેં એને કયારેય બોલાવ્યો જ નથી. નથી હું તેના ઘરે કયારેય ગઈ. આ સમાજ… મારા સાસુ સસરા… અને તમે….”

શંભુનાથ ભારે હૈયે આરતીના ઘરેથી નીકળ્યા. આરતીના ઘરથી બસ સ્ટેશન ઘણું દુર તો ન હતું પણ એમનાથી હવે ક્યાં પહેલા જેમ ચાલી શકાતું હતું! એ ઓટો-રિક્ષા કરીને બસ સ્ટેશન પહોચ્યા. પાલનપુરના ભરચક બસ સ્ટેશનમાં પણ શંભુનાથને લાગતું હતું કે જાણે પોતે એકલો રણમાં ઉભો હોય- નિસહાય અને બેબસ.

કોઈક મુસાફરને પૂછ્યું કે થરાદની બસ ક્યાં આવશે? પેલાએ ઉતાવળમાં જવાબ આપ્યો, “સામે જુઓ, કાકા? બસ લાગેલી જ છે.”

શંભુનાથ ધીરે ધીરે બસ લાગેલી હતી ત્યાં પહોચ્યા. શ્વાસ ચડી ગયો હતો. મહા મુસીબતે એ બસમાં ચડ્યા. બસમાં હજુ બે ચાર સીટ ખાલી હતી. એ એક સીટમાં જઈને બેઠા. શ્વાસ બેસે એ માટે એમણે આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લેવાનું ચાલુ કર્યું. એમની આંખો સામે બારેક વર્ષ પહેલાનું દ્રશ્ય તરવરવા લાગ્યું.અશ્વિન કોલેજથી ઘરે આવવાનો હતો. પોતે ખુશ હતા કે અશ્વિનની કોલેજ પૂરી થઇ. હવે એ કમાવાનું શરુ કરશે. પોતાની જવાબદારીઓ ઓછી થશે. ત્યાજ દરવાજે અશ્વિન અને એક છોકરી આવીને ઉભા રહ્યા. એમણે છોકરીને આવકાર આપ્યો. બંને ઘરમાં આવ્યા. અશ્વિન અને એ છોકરી એમના પગે પડ્યા ત્યાજ તેઓ પૂછી બેઠા, આ કોણ છે બેટા?

“પપ્પા, મેં લગ્ન કરી નાખ્યા છે!”

અશ્વિનનો જવાબ સાંભળી પોતાના કાન ઉપર વિશ્વાસ ન હોય એમ એ ચોકી ઉઠ્યા.

“શું? તે લગ્ન કરી નાખ્યા?” એમનાથી પૂછાઈ ગયું.

“હા, પપ્પા”

“પ્રેમ લગ્ન??? આ છોકરીની જાત શું છે?”

“પપ્પા, આ સીમા, મારા ભેગી જ ભણતી હતી. એના મા બાપ આ દુનિયામાં નથી. એના મામાને ઘેર રહેતી હતી.”

“એની જાત શું છે?” એ ઉકળી ઉઠ્યા.

“વણકર છે પણ પપ્પા, એના મામા નોકરી….”

“નીકળી જા મારા ઘરમાંથી. તારું મોઢું ન બતાવતો મને ક્યારેય.” એ જોરથી બરાડ્યા.

અશ્વિનની મમ્મી બિચારી ડરની મારી કશું બોલી નહિ.

અશ્વિન પણ મારા જેવો સ્વાભિમાની છે. એણે કોઈ આજીજી ન કરી. એ સીમાને લઈને તરત જ નીકળી ગયો. પોતાના પુત્ર પર ગર્વ અનુભવતા હોય એમ એ યાદ કરી જરાક મલક્યા. સમય સમયનો ખેલ છે. ત્યારે એમનું ગામમાં સારું એવું માન હતું. માનસીના તો લગ્ન લેવાઈ ગયા હતા. અશ્વિનના કારણે એમની આબરૂમાં કઈ ફરક પડ્યો ન હતો. બે નાની દીકરીઓના લગ્ન પણ ધૂમધામથી લેવાઈ ગયા. બે દીકરીઓના લગ્નમાં પણ અશ્વિનને એમણે ન જ બોલાવ્યો. બિચારી દીકરીઓ અને અશ્વિનની માએ ઘણી આજીજી કરી હતી પણ એ એકના બે ન થયા હતા.

અશ્વિન ગામથી પાંચેક કિલોમીટર દુર જ શહેરમાં રહેવા લાગ્યો હતો. એ એક ખાનગી બેંકમાં નોકરી કરતો હતો એવા સમાચાર લોકો પાસેથી મળેલા. પણ તેમણે ક્યારેય અશ્વિન વિશેની કોઈ વાત સાંભળવાની તસ્દી લીધી ન હતી.

એ થરાદ બસ સ્ટેશને ઉતર્યા. ઓટોવાળાને એડ્રેસની ચિઠ્ઠી આપી. ઓટોવાળાએ એમને અશ્વિનના ઘર સામે જ ઉતાર્યા.

એજ છોકરા અને વહુના ઘરે જવાનું હતું જેમને ઘરમાંથી હડધૂત કરીને કાઢી મુક્યા હતા. એમના પગ ઉપડતા ન હતા. એમણે ભારે હૈયે પગ ઉપાડ્યા. ઘરના દરવાજે પ્રવેશ્યા ત્યાજ ઘરમાં રમતું એક સાતેક વર્ષનું બાળક બોલ્યું, “મમ્મી, કોઈ આવ્યું છે.”

એક સ્ત્રી રસોડામાંથી બહાર આવીને બોલી, “કોણ છે બેટા?”

શંભુનાથ સામે જોઇને એ મૂંઝાઈ ગઈ.

“ક્યાંથી ઓળખે? બે મિનીટની એમની મુલાકાત હતી અને એને પણ આજે બારેક વર્ષ વીતી ગયા હતા.” શંભુનાથ વિચારતા હતા.

“આવો દાદા, બેસો.” એ બોલી.

શંભુનાથ ખુરશીમા બેઠા.

“નીરવ બેટા, પાણી લાવ.”

પેલા બાળકના હાથમાંથી શંભુનાથે ખચકાતા ખચકાતા પાણી લીધું. પાણી પીતા પીતા એમણે ઘરમાં નજર દોડાવી. એક રૂમ, હોલ અને કિચન હતા. હોલમાં સાદું કલર ટી.વી. હતું. ઘરમાં ઝાજું ફર્નીચર દેખાતું ન હતું.ભાડાનું ઘર છે બેટા કે ઘરનું લીધું છે?” શંભુનાથે પૂછ્યું.

“દાદા, ભાડે રહીએ છીએ. આ મોઘવારીમાં ઘરનું ઘર ક્યાંથી લેવાય? દાદા, તમને ઓળખ્યા નહિ.” પેલી સ્ત્રી જરાક મૂંઝવાતી હોય એમ બોલી.

“હું શંભુનાથ, અશ્વિનનો પિતા.” શંભુનાથ નીચું જોઇને બોલ્યા.

“પપ્પા, તમે?? મેં તમને ઓળખ્યતા જ નહિ.” ગળામાં રહેલો દુપટ્ટો માથે ઓઢતા એ બોલી.

“મોમ, કોણ છે આ? તારા પપ્પા તો નથી એમ તું કહેતી હતી ને!” નીરવ બોલ્યો.

“બેટા, આ તારા પપ્પાના પપ્પા છે. તારા દાદા.”

“દાદા!!” નીરવ નાચવા લાગ્યો. “દાદ આવ્યા…. દાદા આવ્યા….”

“બેટા? અશ્વિન ક્યાં છે?”

“એ હવે આવતા હશે. પાંચ વાગે એમને બેંકમાંથી છુટ્ટી પડે છે. હું ચા બનાવું.”

સીમા રસોડામાં ગઈ ત્યાજ અશ્વિન ઘરમાં પ્રવેશ્યો. પિતાને જોઇને એ હબકી ગયો. “તમે? કેમ આવ્યા છો અહી?”

“બેટા, માણસ ઘરડો થાય એટલે એને સહારાની જરૂર પડે.” શંભુનાથ માંડ માંડ બોલ્યા.

“સહારો? તમે અમને કઈ આપ્યું છે? નીકળો અહીંથી?” અશ્વિન બરાડ્યો. રસોડામાંથી સીમા દોડી આવી.

“સીમા, તે એમને ઘરમાં બેસવા જ કેમ દીધા?” અશ્વિન સીમા તરફ જોઇને ફરી બરાડ્યો.

“ના કઈ રીતે બોલું. એમનુ જ ઘર છે આ. એમનો અધિકાર છે અહી રહેવાનો. મારા પિતા હોત તો હું ના કહી દેત પણ એમને કઈ રીતે ના કહું.. એમના દીકરાનું ઘર છે, દીકરાનું ઘર….” સીમા બોલી.

શંભુનાથ અને અશ્વિન સીમાનો જવાબ સાંભળી અવાક થઇ ગયા. કોઈ કઈ બોલી શક્યું નહિ.

ફરી સીમા જ એ ખામોશી તોડતા બોલી, “ભૂતકાળને યાદ કરવાનો કોઈ ફાયદો નથી. એમણે આપણને કશું નથી આપ્યું એ વાત સાચી છે તમારી પણ… જો હવે આપણે પણ એમની સાથે એવો વ્યવહાર કરીશું તો એમનામાં અને આપણામાં ફરક શું રહેશે? એ તો જુનવાણી મગજના છે. એમણે આપણને સમજ્યા નહિ પણ આપણે તો હવે સમજવું પડશે. આપણને એમણે સહારો આપ્યો ન હતો એ વખતે આપણે બંને યુવાન હતા અને આજે પણ આપણે કોઈના આશરે નથી તો પણ આપણને કેટલું દુ:ખ થયું હતું ત્યારે. હવે જો આપણે એમને આ ઉમરે સહારો નહિ આપીએ તો એમને કેટલું દુ:ખ થશે?”

“પણ સીમા….”

અશ્વિન બોલ્યો ત્યાજ સીમા ફરી બોલી, “તમારે એમને રાખવા કે ન રાખવા એ તમારી મરજી. પણ યાદ રાખજો નીરવ મોટો થઈને એજ શીખશે જે એણે જોયું હશે. એ નહિ શીખે જે એને આપણે શીખાવાડીશું.”

સીમાના શબ્દો સાંભળી શંભુનાથની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. અશ્વિનનો ગુસ્સો પણ હવે ઓગળી ગયો હતો. અશ્વિન શંભુનાથને ભેટી પડ્યો અને રડતા રડતા બોલ્યો, “પપ્પા, આ ઘર પણ તમારું જ છે.”

શંભુનાથ અવાચક બની વિચારી રહ્યા. જે ઉંચી જાતના જમાઈઓને મેં જે આપ્યું એનો કોઈ અર્થ વળ્યો નહિ પણ આ નીચી જાતની વહુ જેને મેં ઘરથી કાઢી મૂકી હતી એણે જ મને આશરો આપ્યો….. અને શંભુનાથની આંખો ભીની થઇ ગઈ….!!!!!’

*******

લેખક : વિકી ત્રિવેદી

 

 

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 21, 2020 માં Vicky Trivedi

 

ટૅગ્સ: ,