RSS

Category Archives: Poems / कविताए

Very Nice Poems

શુભદિવાળી


ના રહે કોઈને ધનની તરસ,
હોય એવી સૌની ધનતેરસ,

ના રહે કોઇ જ ચહેરો ઉદાસ,
હોય એવી સૌની કાળીચૌદસ,

બને વર્ષની હરપળ રઢિયાળી,
હો એવી સૌની શુભદિવાળી,

વરસે પ્રેમભાવ અરસપરસ,
બને એવું સૌનું નવલું વરસ,

મન મહીં પ્રગટાવી સ્નેહદીપ,
ઊજવીએ એમ ભાઇબીજ.

-પાયલ ઉનડકટ

 
Leave a comment

Posted by on નવેમ્બર 13, 2020 માં Payal Unadkat

 

માનું છું


ગઝલને છંદમાં ઢાળી શકું સૌભાગ્ય માનું છું.
નથી એ પ્રાસ ખાલી ભાવનું સાતત્ય માનું છું.

લખાવે લાગણીના ગીત શબ્દોનો સહારો લઇ,
કવનમાં સૂર આપે એમને આરાધ્ય માનું છું.

ભલે ગાડી ઝરૂખાં સાહ્યબી સુવર્ણ લલચાવે,
જરા પરવાહ કરતાંને જ મારું હાસ્ય માનું છું.

મળે કિંમત સમર્પણની સબંધોમાં ન આશા છે,
ગઝલના શેર પરની વાહવાહી દ્રવ્ય માનું છું.

સફેદી વાળની ને આંખના ઊંડાણ શોભા છે,
કરચલી ભાલની મારી સહજ લાવણ્ય માનું છું.

સતત અવહેલનાના મારથી એકાંતને ભેટી,
મળી જે ભીડ શબ્દોની ખરું સૌજન્ય માનું છું.

અલગ અંદાજ છે મારો અલગ છે માન્યતા મારી,
મળ્યું હૈયે લગાડીને જીવું એ ભાગ્ય માનું છું.

-પાયલ ઉનડકટ

 
Leave a comment

Posted by on નવેમ્બર 7, 2020 માં Payal Unadkat

 

મુસાફર


હોય હૈયે હોઠથી બોલાય ના.
ના ગમે એ શબ્દથી વિંધાય ના.

હાથ જોડો વાંક ના હો તો’ય પણ,
એ વગર અવસર બધા સચવાય ના.

ટાંકણાના મારને ખમવા પડે,
એ વગર પથ્થર કદી પૂજાય ના.

દઈ વચન મુખ ફેરવે નિષ્ઠુર થઇ,
શું હ્રદય એનું જરા કચવાય ના?

આંખથી વરસે અમીજળ મીઠડાં,
શું ભર્યુ મનમાં કશું સમજાય ના.

બાળમાનસ પર લખાયું ભારથી,
મોટપણથી પણ કદી ભૂંસાય ના.

છો મુસાફર આ સફરના ચાર દિ’,
શ્વાસ આ મઝધારમાં અટવાય ના.

-પાયલ ઉનડકટ

 
Leave a comment

Posted by on નવેમ્બર 5, 2020 માં Payal Unadkat

 

હતો


બાજુમાં આવી ને ખોવાયો હતો.
મે કર્યું મંથન એ પડછાયો હતો.

વાસ્તવિકતા ના હતી એમાં જરા,
માત્ર સ્પંદનથી એ સચવાયો હતો.

સૂર્ય તપતા ને સમાયો શૂન્ય થઇ,
લાગ્યું મુજમાં ક્યાંક રોપાયો હતો.

સાંજ થાતા દોટ મેલી આભમાં,
દિવસે સાથે સતત ચાલ્યો હતો.

મેં તો માન્યુ’તું સદાનો સાથ છે,
શું ખબર અજવાશથી આવ્યો હતો.

-પાયલ ઉનડકટ

 
Leave a comment

Posted by on નવેમ્બર 2, 2020 માં Payal Unadkat

 

ટૅગ્સ:

કરિશ્મા…


(લગાગા લગાગા લગાગા લગા)

કરિશ્મા કહું કે કરામત કહું !
પ્રભુ તવ કૃપાને હું ચાહત કહું!

જો ઉતર્યો છે આંગણ સુરજ હેમનો,
હું એને વધાવી તથાગત કહું!

ન માળા જપી ના ગવાયું ભજન,
છતાં દર્દ હર તો હિફાજત કહું!

લઈને પરીક્ષા જીતાડે મને,
હું આ રીતને તારી ગમ્મત કહું!

તું સોંપે મને હું કરુ ના કરુ,
કરે કામ મારા શરાફત કહું!

-પાયલ ઉનડકટ

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 31, 2020 માં Payal Unadkat

 

દેજો


પાંદડે પાંદડે પોઢી ઝાકળ,
ઝાકળને થોડું સુવા દેજો.

સૂરજને કહેજો વ્હેલો ન આવે,
ઝાકળને છે રાતનો ઉજાગરો.

વગડે વગડે વાતો રે થાય,
ઝાકળને પાંદડાં સાથે શું નાતો ?

થાય તે વાતો થવાં દેજો,
ઝાકળને થોડું સુવા દેજો.

શિયાળાની ધીમી ધીમી શરુઆતની શુભેચ્છાઓ

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 31, 2020 માં Poems / कविताए

 

પ્રભુ તારી કસોટીનું કરામત નામ રાખ્યું છે


(લગાગાગા×4)

પ્રભુ તારી કસોટીનું કરામત નામ રાખ્યું છે.
કરે પરવાહ તું એનું મહોબત નામ રાખ્યું છે.

નજર સામે ન આવે તું ના પૂછે હાલ શબ્દોથી,
મિલાવે હાથ આફતમાં શરારત નામ રાખ્યું છે.

ગગનમાં ચાંદ તારા ને ધરા પર પર્ણ પુષ્પો છે,
સતત વહેતા આ જળનું મેં ઇનાયત નામ રાખ્યું છે.

કરે છે બંદગી તારી ખુદા દિલથી જે દુ:ખી છે,
જમાનાએ તે પ્રીતિનું ખુશામત નામ રાખ્યું છે.

કરી છે સાફસૂફી તે જરા ઠપકારથી ઈશ્વર,
અમે તારી અદાનું આ હિફાજત નામ રાખ્યું છે.

પ્રભાતે ઓશ બિંદુમાં ઝબોળાઈ ખીલી ઊઠ્યું,
અમે એ ફૂલને ચૂમી નજાકત નામ રાખ્યું છે.

ભર્યો છે પ્રેમ દિલમાં આંખમાં કરુણામયી ધારા,
અમે આ શ્વાસને તારી અમાનત નામ રાખ્યું છે.

-પાયલ ઉનડકટ

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 30, 2020 માં Payal Unadkat

 

અહમનો ધુમાડો ઉડાડો ગગનમાં


(લગાગા×4)

અહમનો ધુમાડો ઉડાડો ગગનમાં,
કરો વાવણી વ્હાલની થોડી મનમાં,

ખર્યાં પાનની વાત પકડી ફરો શું!
વધાવી લો કૂંપળ ઘણી છે ચમનમાં,

સ્વજનનાં દીધેલાં ઝખમ સાચવીને,
મઢાવો કલમથી તમારાં કવનમાં,

પ્રસિદ્ધિ છતાંયે આ મન ઝંખતું’તું,
તું કારો કરે મિત્ર એવો વતનમાં,

ભલે મીર મારો દમામી અદાથી,
છે તાકાત જગ જીતવાની નમનમાં,

ના શ્રદ્ધા પ્રભુ પર ના ભક્તિ ગમે છે,
મજા મેળવે શું હરિના ભજનમાં!

કરું એ વિનંતી ના ફૂલો મુકાવો,
ગઝલની કિતાબો રખાવો કફનમાં.

-પાયલ ઉનડકટ

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 29, 2020 માં Payal Unadkat

 

રાધિકા તો કાનુડાની પ્રીત છે


રાધિકા તો કાનુડાની પ્રીત છે,
શ્વાસ એના શ્યામને અર્પિત છે,

બંસરીના સૂરથી દોડી જતી,
કાનજી તો રાધિકાના મીત છે,

પ્રેમગોષ્ઠી એમની મશહૂર થઇ,
વેદ પુરાણે બધી અંકિત છે,

નામ કાન્હા સંગ એ લેવાય જો,
રાધિકાની પ્રીતની એ જીત છે,

પ્રેમમાં વિરહ મળે અંતે સદા,
કાન રાધાને મળી એ રીત છે.

-પાયલ ઉનડકટ

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 24, 2020 માં Payal Unadkat

 

ગરબો


(ગાલગા×4 ગા)

મેં તો ગરબો સજાવ્યો ઘણાં હોંશથી રે…
માત અંબા પધારો ગગન ગોખથી રે…

ઓઢી નવરંગ તે ચુંદડી નીસરી રે,
સાથ સહિયરને લીઘી મેં તો ચોકથી રે…

કેટલાં ઓરતા રાસ રમવા જગાવ્યા
કામ ઝટપટ પતાવ્યા એનાં મોહથી રે…

સાંજ પડતા રમીશું અમે ચોકમાં રે,
રાહ જોતી હતી બાવરી ભોરથી રે!

મારી સંગે રમો જો ભવાની હવે રે,
દાંડિયા સાથ અથડાય છે શોરથી રે,

તું કરે નાશ વૃત્તિ અસૂરી બધી રે,
જો ડરે દુશ્મનો પણ ઘણા કોપથી રે.

સર્વ લોકો મનાવે તહેવાર ને રે,
ભક્ત હરખે ઉડાડે ગુલાલ છોળથી રે.

-પાયલ ઉનડકટ

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 20, 2020 માં Payal Unadkat

 

હુંકાર


(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)

છે મહામારી અને જોખમ ઘણા સંસારમાં,
જાનની પરવાહ છોડે કેટલા સરકારમાં?

એટલી તાકાત ના અજમાવશો પડકારમાં,
આંખમાં ઉભરે પછી એ આગના આકારમાં,

ના ગમે જે વાત એ ખાડે દટાવી નાખજો ,
આવરો ના અણગમાને કોઇપણ તકરારમાં,

છે હવેલી બંધ ને મંદિર બધા સોપો પડ્યો,
ધોળ કિર્તન સાંભળી લેજો હ્રદય ધબકારમાં,

છે ગરીમા રામની એ મૌનમાં દેખાય છે,
હાક ને પડકાર તો રાવણ કરે લલકારમાં,

એકલા હાથે હલેસું કેમ રે મારી શકો?
અંગ ડાબું દોડશે જમણું હશે સહકારમાં,

જીતશે બાજી કરી યા હોમ થઇને આદરી,
કેટલી ટપકે ખુમારી શીશના હુંકારમાં.

-પાયલ ઉનડકટ

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 15, 2020 માં Payal Unadkat

 

ઈશ્વર તને છૂટ છે


(ગાગાલગા ગાલગા×2)

ભૂલું તો ફટકારજે ઈશ્વર તને છૂટ છે,
તું દંડ પણ આપજે ઈશ્વર તને છૂટ છે,

આ મેં કર્યુ છે કહેતી છો પ્રજા શાનમાં,
અસ્તિત્વ દેખાડજે ઈશ્વર તને છૂટ છે,

દાવો નથી કે હમેશા સત્યવાદી જ છું,
પણ જૂઠથી ટાળજે ઈશ્વર તને છૂટ છે,

દીપક ઝળહળે ને અંધારા જતા કાયમી,
આવી મને પ્રકાશજે ઈશ્વર તને છૂટ છે,

મંદિર ભગત આવતા ડરશે સહજ જો ,
સત્કર્મ એ વાળજે ઈશ્વર તને છૂટ છે.

-પાયલ ઉનડકટ

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 14, 2020 માં Payal Unadkat

 

રગેરગમાં


પલીતે પ્રીત બાળો તો,જલન થાશે રગેરગમાં.
શબદથી આગ ચાંપો તો, અગન વ્યાપે રગેરગમાં.

ના બાળો આમ ભીનેરાં હ્રદયને આપ કાંડીએ,
તમારામાં સજાવો તો,હવન લાગે રગેરગમાં.

ઠિઠુરતી રાત ગાળીશું, ગઝલનાં તાપણાં કરજો,
ચલમ ફૂંકીને ગાળો તો પવન ગાજે રગેરગમાં.

મને લાગે છે કે મારે તો મૃગજળને પીવાનું છે,
તરસ રણની બુઝાવો તો શુકન ભાસે રગેરગમાં.

ઉપાધીઓ ને આફત સૌ ચડી ચકડોળ આવે તો,
હરખથી એ વધાવો તો,સ્વજન જાગે રગેરગમાં.

-પાયલ ઉનડકટ

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 12, 2020 માં Payal Unadkat

 

હરાવી નહિ શકો


ભેજ છે જે કાષ્ઠમાં એને જલાવી નહિ શકો,
કોતરાયું કાળજે એને છુપાવી નહિ શકો,

હાથ ઝાલીને હરિનો નાવ જે હંકારતા,
લાખ કોશિશો કરો એને ડુબાવી નહિ શકો,

ડંખ લાગ્યા જે કળીને બાગના ભમરા થકી,
કેટલું જળ સીંચશો એને સજાવી નહિં શકો,

આવતી આફત બધી કળ કે બળે ટાળો તમે,
કર્મમાં માંડેલ છે એને ફગાવી નહિ શકો,

સત્ય છે એ જીતશે માની ઉતર્યા હોડમાં,
ક્રિષ્નને તો કાળિયાથી પણ મરાવી નહિ શકો?

મોત લઇને મુઠ્ઠીમાં સરહદ ઉપર જે જાગતાં,
વીરને એ બોમ્બમારાથી ડરાવી નહિ શકો,

જે સ્વજનને જીતવા ગમતી કરે છે હાર ને,
છે ધરાના ઓલિયા એને હરાવી નહિ શકો.

-પાયલ ઉનડકટ

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 11, 2020 માં Payal Unadkat

 

થાક્યો


અધર પર ધરેલા જુઠાણાથી થાક્યો,
ના સચ્ચાઇ જેમાં પુરાવાથી થાક્યો,

નસીબે હતું એ પલકમાં ગુમાવ્યું,
લકીરોના એવા સુધારાથી થાક્યો,

નિહાળે સતત પણ ના સંગમ કદીયે,
હું ને તું સરીખા કિનારાથી થાક્યો,

ઉછળતા પહોંચી જવા મંજિલે જે,
સમંદર સમાતા એ મોજાંથી થાક્યો,

સબંધોને માની ઘરેણું સજાવ્યા,
એ ફરિયાદ કરતા ખજાનાથી થાક્યો,

કરી’તી દુઆ મેં તો નવરાશની બહુ,
મેં જાતે જે ઝંખ્યો અજંપાથી થાક્યો,

કહેતા ફરો છો થશે કાલ સારું,
તમારા બધાના દિલાસાથી થાક્યો.

પાયલ ઉનડકટ

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 10, 2020 માં Payal Unadkat