RSS

Category Archives: Sense stories / बोध कथाए

ગુરુની શિખામણ


એક યુવાન માણસે ત્યાગની પ્રતિજ્ઞા લીધી અને સ્વામી બની ગયો. તેના ગુરુએ તેને ત્રણ વસ્તુથી દૂર રહેવાનું કહ્યું, સોનુ-સ્ત્રી અને કીર્તિ.

એક દિવસ સ્વામી નદી પાર કરતો હતો અને તેના ધ્યાન પર આવ્યું કે નદી કિનારાનો થોડોક ભાગ ધોવાઈ ગયો હતો. પછી તેણે જોયું કે સોનાના સિક્કા ભરેલા થોડાક વાસણો ખુલ્લાં થઈ ગયાં હતા. તેણે વિચાર્યું “મારે આની જરૂર નથી કારણ મેં દુનિયાનો ત્યાગ કર્યો છે, પરંતુ જો હું એક મંદિર બાંધું તો તે સારું છે.” આથી તે કેટલાક બિલ્ડરો પાસે ગયો અને પોતાને જે મળ્યું હતું તે દેખાડ્યું અને તેમને એક મંદિર બાંધવાનું કહ્યું. બિલ્ડરો એકબીજાને કહ્યું “એક સ્વામી પાસે આટલા બધા પૈસા શા માટે હોવા જોઈએ? ચાલો આપણે તેને નદીમાં ફેંકી દઈએ અને પૈસા આપણી વચ્ચે વહેંચી લઈએ.”

તે સ્વામી લગભગ ડૂબી ગયો હતો, પરંતુ ઈશ્વરની કૃપાથી કોઈક રીતે બચી ગયો. પછી તેણે આખરી નિર્ણય કર્યો “ગમે તે થાય, પૈસાને અડવું નહીં.” તે જંગલમાં ઘણે દૂર ચાલ્યો ગયો. જયારે કોઈ તેને મળવા આવતું તો તે કહેતો “ત્યાં જ થોભો. જો તમારી પાસે કંઈ ધન હોય તો નજીક આવતાં પહેલાં તેને બાજુએ મુકો.”

એક મહિલા આવી અને સ્વામીએ આદેશ આપ્યો “મારી નજીક આવશો નહિ.” તેણીએ કહ્યું “સ્વામી, હું માત્ર અહીં દરરોજ ખાવાનું મૂકીને ચાલી જઈશ.” પરંતુ તે દરરોજ થોડીક તે સ્વામીની વધારે નજીક આવતી. સ્વામીને વિશ્વાસ હતો કે તેણી સારી વ્યક્તિ હતી. તેણે વિચાર્યું “તેણી ખરેખર મારી સંભાળ રાખવા માંગે છે અને હું તેને જ્ઞાન આપું તેમ ઈચ્છે છે.”

એક દિવસ તે મહિલા સ્વામીને સાથ મળે તે માટે એક બીલાડી લઈ આવી. પરંતુ બીલાડી સ્વામી માટે તૈયાર કરેલો ખોરાક નહોતી ખાતી. સ્વામીએ વિનંતી કરી “મારે બિલાડી માટે દરરોજ થોડુંક દૂધ જોઈશે.” તેણી એક ગાય લઇ આવી. સ્વામીએ પૂછ્યું “આ ગાયની સંભાળ કોણ રાખશે?” તેણીએ પૂછ્યું “હું તેની સંભાળ રાખું?” સ્વામી સંમત થયો.

તે મહિલા સ્વામીની વધુને વધુ સંભાળ રાખવા લાગી. છેવટે તેઓ સાથે રહેવા લાગ્યા, અને તે સ્ત્રીએ તેનું બાળક ધારણ કર્યું. એક દિવસ તે સ્વામી બાળકની સંભાળ રાખતો હતો ત્યારે બીજો સ્વામી આવ્યો અને કહ્યું “તને શું થઈ ગયું છે?”

સ્વામીને જયારે ખ્યાલ આવ્યો કે તે ફરી પાછો દુનિયા સાથે કેટલો બંધાઈ ગયો છે, ત્યારે તે રડવા લાગ્યો. તે જંગલમાં વધુ ઉંડે ચાલ્યો ગયો. તેણે ખૂબ ગંભીરતાપૂર્વક અભ્યાસ કર્યો અને થોડાં વર્ષો પછી કેટલીક સિદ્ધિઓ (શકિતઓ) મેળવી. 

એક દિવસ એક નજીકના ગામના માણસે તેને શોધી કાઢ્યો તેણે પ્રણામ કાર્ય અને કહ્યું “સ્વામીજી, તમે ખૂબ દયાળુ છો અને આટલા મોટા જ્ઞાની પુરુષ છો. હું ખૂબ ગરીબ છું; મારાં બાળકો પાસે પૂરતું ખાવાનું પણ નથી. મને મદદ કરો!” સ્વામીજીએ કહ્યું “મારી દાઢીનો એક વાળ લઇ લે અને તારા કબાટમાં રાખ. આવતી કાલે તારો કબાટ પૈસાથી ભરાઈ જશે. પરંતુ બીજા કોઈને આ વાત કરીશ નહિ.”

જયારે તે માણસ ઘરે પાછો ફર્યો ત્યારે તેણે સ્વાભાવિક રીતે તેની પત્ની પાસે વાત ખૂલ્લી કરી, અને તેની પત્નીએ બીજા ઘણાને વાત કરી. સમાચાર ઝડપથી દૂર દૂર પ્રસરી ગયા. સેંકડો લોકોએ સ્વામી પાસે તેમની દાઢીમાંથી એક વાળ ખેંચવા માટે ભીડ કરી મૂકી. તેનો ચહેરો સૂજી ગયો અને લોહી નીકળવા લાગ્યું. 

ફરી એકવાર તેણે ચાલ્યા જવું પડ્યું અને નવેસરથી અભ્યાસ શરુ કરવો પડ્યો. પરંતુ તે એક અમૂલ્ય બોધપાઠ શીખ્યો હતો. હવે તે સોનુ, સ્ત્રી અને કીર્તિ સાથે સંકળાવાનું પરિણામ જાણી ગયો હતો. ગુરુએ કેમ આ ત્રણ થી દૂર રહેવાનું કહ્યું હતું તે તેને અનુભવથી સમજાયું.

*******

-ચેતન ઠકરાર 

+919558767835

 

ટૅગ્સ: ,

ખુશામતિયાઓ


ખુશામતિયાઓ મનમાં મને કે શેઠ એમની ઉપર રૂપિયા વરસાવશે. પણ શેઠની પાસેથી પૈસા કઢાવવા બહુ જ કઠણ. ચાલો આજે ખુશામતિયાઓને લગતી એક નાની બોધ કથા મમળાવીએ.

એક શિયાળ એક સાંઢને જોઈને તેની સોબત કોઈ રીતે મૂકે નહિ. એ ચરતો ફરે, તો પેલું શિયાળ પણ તેની સાથે સાથે જાય. શિયાળે મનમાં ધારેલું કે પેલા સાંઢના વૃષણ-અંડકોષ જે ટિંગાય છે, એ ક્યારેક ને ક્યારેક ખરી પડવાના અને આપણને ખાવા મળવાના! એટલે પેલો સંઘ જયારે ઊંઘે, ત્યારે એ શિયાળ પણ તેની પાસે લંબાવીને ઊંઘીલે; અને જયારે ઊઠીને ચરતો ફરે, ત્યારે એ પણ પાછળ પાછળ ફર્યા કરે. કેટલાય દિવસો એ પ્રમાણે ગયા, પરંતુ અંડકોષ કંઈ પડ્યા નહિ. એટલે પછી અંતે એ નિરાશ થઈને ચાલ્યો ગયો! ખુશામતિયાઓની પણ એવી જ દશા થતી હોય છે જીવનમાં.

બોધ : જ્યારે જીવનમાંથી ખુશામતિયાઓ ચાલ્યાં જાય તો દુઃખી થવાની બદલે ખુશ થાજો. અથવા જો એને પહેલા ઓળખી જાવ તો પ્રભુનો આભાર માનજો કે તમે એને ઓળખી શક્યા.

-દૂર રહો, ખુશ રહો.

-ચેતન ઠકરાર 

+919558767835

 

ટૅગ્સ:

સાચું જ્ઞાન


પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાન વચ્ચેનો તફાવત સમજવા માટે મદદ મળે તે માટે આજે એક વાર્તા મમળાવીએ, પછી તેના પર વાત કરશું. 

એક ગુરુનો એક વિદ્યાર્થી હતો. જેણે ક્યારેય ગાય જોઈ ન હતી કે દૂધ ચાખ્યું ન હતું, પરંતુ તેને ખબર હતી કે દૂધ પોષણક્ષમ છે. આથી તે એક ગાય શોધવા, તેને દોહવા તથા દૂધ પીવા માંગતો હતો. તે તેના ગુરુ પાસે ગયો અને પૂછ્યું “તમે ગાયો વિશે કંઈ જાણો છો?”

ગુરુએ જવાબ આપ્યો “હા, ચોક્કસ.”

વિદ્યાર્થીએ વિનંતી કરી “મને એક ગાય વર્ણવી દેખાડો.”

આથી ગુરુએ ગાયનું વર્ણન કર્યું “ગાયને ચાર પગ હોય છે. તે એક પાલતું, નરમ પ્રાણી છે. જંગલમાં નહીં પણ ગામડાંઓમાં જોવા મળે છે. તેનું દૂધ સફેદ હોય છે. અને તારાં આરોગ્ય માટે ઘણું સારું છે.” ગુરુએ તેની પૂંછડીને કાન કેવાં હોય છે, વગેરે બધાનું વર્ણન કર્યું. 

ગુરુના વર્ણન પછી વિદ્યાર્થી ગાયની શોધમાં ગયો. માર્ગમાં તેણે એક ગાયનું પુતળું જોયું. તેણે વિચાર્યું “આ ચોક્કસ એ જ છે, જે મારા ગુરુએ વર્ણવ્યું હતું.” સંજોગવશાત તે દિવસે નજીકમાં રહેતા કેટલાક લોકો તેમનાં ઘરને ચૂનો લગાડતા હતા અને ચૂનો ભરેલી એક બાલટી તે પૂતળાં પાસે પડી હતી.

તે વિદ્યાર્થીએ તે જોઈ અને નક્કી કર્યું “આ જ એ દૂધ હોવું જોઈએ જે પીવા માટે સારું છે.” તે થોડુંક ચૂનાનું ધોળ ગળી ગયો અને ભયંકર બીમાર થઈ ગયો, તેને હોસ્પીટલમાં લઈ જવો પડ્યો.

તે સાજો થયો પછી તેના ગુરુ પાસે ગયો અને ગુસ્સે થઈને આરોપ લગાડ્યો “તમે શિક્ષક નથી!તમારું ગાયનું વર્ણન જરાપણ સચોટ ન હતું.”

ગુરુએ પૂછ્યું “વાત શું છે? શું થયું?”

વિદ્યાર્થીએ જે બન્યું હતું તે સમજાવ્યું અને ગુરુએ પૂછ્યું “તે તારી મેળે ગાયને દોહી હતી?”

“ના.” વિદ્યાર્થીએ જવાબ આપ્યો.

“માટે જ તું હેરાન થયો.”

*******

આજે બુદ્ધિશાળીઓમાં હેરાન થવાનું કારણ એ નથી કે તેઓ ખરેખર જાણતા નથી. તેઓ થોડુંક જાણે છે, પરંતુ તેઓ જે જાણે છે તે તેમનું પોતાનું જ્ઞાન નથી. અને આથી જ તેઓ હેરાન થાય છે. થોડુંક અથવા આંશિક જ્ઞાન, આંશિક સત્યની જેમ હંમેશા જોખમી હોય છે. આંશિક એ સત્ય જ નથી, એવું જ આંશિક જ્ઞાન સાથે છે. ડાહ્યા માણસો સત્યને પ્રત્યક્ષ સમજે છે. પ્રત્યક્ષ અનુભવ એ જ્ઞાનની કાયદેસરતાની અંતિમ કસોટી છે. જયારે તમે સત્યને પ્રત્યક્ષ રીતે જાણી લીધું છે, તો તમને શ્રેષ્ઠ પૂરાવો મળી ગયો છે. 

મોટાભાગના લોકો તેના વડીલો અને મિત્રો પાસે જાય છે અને પોતાનું દ્રષ્ટિબિંદુ રજુ કરે છે. તેમના અભિપ્રાયમાં પોતાનું સમર્થન ઈચ્છે છે. પોતે જે કાંઈપણ વિચારે છે, તેને વિશે બીજા તમારી સાથે સંમત થઈને “હા, તમે જે વિચારો છો તે સાચું છે.” એવું કહીને સમર્થન આપે તેમ બધા ઈચ્છે છે. પરંતુ બીજા કોઈકનો અભિપ્રાય એ સત્યની કસોટી નથી. જયારે તમે પ્રત્યક્ષ રીતે સત્ય જાણો છો તો તમારે તમારા પડોશી કે તમારા શિક્ષકને પૂછવાની જરૂર નથી. તમારે પુસ્તકોમાં પણ સમર્થન શોધવું નથી પડતું. 

આધ્યાત્મિક સત્યને બહારના સાક્ષીઓની જરૂર નથી. જ્યાં સુધી તમને શંકા પડે, એનો અર્થ એવો છે કે તમારે હજુ જાણવાની જરૂર છે. જ્યાં સુધી તમે એવી અવસ્થા પ્રાપ્ત ન કરો, જ્યાં બધું સ્પષ્ટ છે, જ્યાં સુધી તમારી બધી શંકાનું સમાધાન ન થાય, ત્યાં સુધી પ્રત્યક્ષ અનુભવના માર્ગ પર ચાલો. એકલો પ્રત્યક્ષ અનુભવ જ સાચાં જ્ઞાન સુધી પહોંચી શકે છે. 

આપણે ક્યાં સુધી રિવાજોના નામે અથવા પરંપરાના નામે બધું કરશું? જાતે સત્ય અથવા જ્ઞાન શોધવાની તસ્દી લીધા જેવી છે.

જય શ્રી કૃષ્ણ 

-ચેતન ઠકરાર 

+919558767835

 

ટૅગ્સ:

સત્યની ચકાસણી


એક ગુરુ શિષ્ય પ્રવાસ કરતા હતા. એ જ્યાંથી પસાર થતા હતા તે ગામના સ્ટેશન માસ્તર તેમની પાસે આવ્યા અને કહ્યું “મને અભ્યાસ કરવા માટે કંઈક આપો. હું વચન આપું છું કે હું વફાદારી પૂર્વક તેને અનુસરીશ.”

ગુરુએ શિષ્યને કહ્યું “તેમને કશુંક નિશ્ચિત અભ્યાસ કરવા માટે આપ.”

શિષ્યએ કહ્યું ” શા માટે એક મૂર્ખે બીજાને ગેરમાર્ગે દોરવો જોઈએ? તમે તેને સૂચન કરો તે વધુ સારું રહેશે.” (શિષ્યની વિનમ્રતા જોવા જેવી છે, જેને ખબર છે કે હજુ તેણે ઘણું શીખવાનું બાકી છે એટલે પોતાની જાતને મૂર્ખ કહેવામાં સંકોચ નથી.)

ગુરુએ શિષ્ય સામે વ્હાલથી જોયું અને પછી સ્ટેશન માસ્તરને કહ્યું “આજ પછી ખોટું બોલીશ નહિ, એ નિયમનો આવતા ત્રણ મહિના સુધી વફાદારીપૂર્વક અભ્યાસ કર.”

તે પ્રદેશના મોટાભાગના રેલબોર્ડના કર્મચારીઓ અપ્રમાણિક હતા અને લાંચ લેતા હતા. પરંતુ આ માણસે નક્કી કર્યું કે હવે તે લાંચ નહીં લે અને ખોટું નહીં બોલે. 

એ જ અઠવાડિયે તેમનાં મુખ્ય કાર્યાલયમાંથી એક સુપરવાઈઝર તેમની તથા તેમના સહાયકોની તપાસણી માટે આવ્યો. સ્ટેશન માસ્તરે સુપરવાઇઝરના અણીયાળા પ્રશ્નોનો પ્રામાણિકતાથી ઉત્તર આપ્યા. આ પૂછપરછ તેમના કર્મચારીઓ માટે ઘણી ગંભીર મુશ્કેલી લઈ આવી. સ્ટેશન માસ્તરના પોતાના સહિત જેઓ લાંચ લેતા હતા તે બધા કર્મચારીઓ પર કામ ચલાવાયું. સ્ટેશન માસ્તરે વિચાર્યું “હજી તો માત્ર તેર જ દિવસ થયા છે, અને જોવો હું કેવી મુસીબતમાં છું! ત્રણ મહિનાના સમયમાં મારુ કોણ જાણે શું થશે?”

થોડા વખતમાં તેની પત્ની અને બાળકો તેને છોડી ગયાં.એક મહિનામાં તો તેની જિંદગી એક જ સ્પર્શથી પત્તાંના ઘરની જેમ વેરણ છેરણ થઈ ગઈ. 

સ્ટેશન માસ્તર જયારે ખુબ જ યાતનામાં હતા તે સમયે ગુરુ અને શિષ્ય ત્યાંથી બહું દૂર કોઈ નદીને કિનારે હતા. ગુરુ એક વૃક્ષની નીચે સુતા હતા અને ઓચિંતા હસવા લાગ્યા. તેમણે શિષ્યને કહ્યું ” તને ખબર છે શું થઈ રહ્યું છે? પેલો માણસ, જેને મેં ખોટું ન બોલવાની સૂચના આપી હતી તે આજે જેલમાં છે.”

શિષ્યએ પૂછ્યું ” તો તમે હસો છો કેમ?

ગુરુએ કહ્યું “હું તેના તરફ નથી હસતો, હું આ મૂર્ખ જગત પર હસું છું!”

સ્ટેશન માસ્તર સાચું બોલતો હોવા છતાં, તેની ઑફિસની બાર વ્યક્તિઓએ એકઠા થઈને કહ્યું કે તે ખોટું બોલતો હતો. તેમણે તેને એક ને જ લાંચ લેનાર દોષી ઠરાવ્યો. તેને જેલમાં પૂરવામાં આવ્યો અને બાકી બધાને છોડી મુકાયા. જયારે તે સ્ટેશન માસ્તર કોર્ટમાં ગયા ત્યારે જજે તેમના તરફ જોઈને પૂછ્યું “તમારા વકીલ ક્યાં છે?”

સ્ટેશન માસ્તરે કહ્યું” મારે વકીલની જરૂર નથી.”

જજે કહ્યું “પરંતુ કોઈ તમને મદદ કરે તેમ હું ઈચ્છું છું.”

“ના”, સ્ટેશન માસ્તરે કહ્યું “મારે કોઈ વકીલની જરૂર નથી, હું સત્ય બોલવા-કહેવા માંગુ છું. તમે ગમે તેટલા વર્ષ સળીયા પાછળ ધકેલી દો તેનો વાંધો નથી. હું ખોટું નહીં બોલું. હું લાંચમાં ભાગ પડાવતો હતો. પછી હું એક જ્ઞાની પુરુષને મળ્યો, જેણે મને કહ્યું કે ગમે તે થાય ક્યારેય ખોટું બોલીશ નહિ. મારી પત્ની અને બાળકો મને છોડી ગયા છે. મેં નોકરી ગુમાવી છે, મારી પાસે પૈસા કે મિત્રો નથી અને હું જેલમાં છું. આ બધું એક જ મહિનામાં બન્યું છે. ગમે તે થાય વાંધો નહીં પણ મારે હજી વધારે બે મહિના સત્યની ચકાસણી કરવાની છે. સર, મને સળીયા પાછળ ધકેલી દો, મને વાંધો નથી.”

ન્યાયધિશે વિરામ જાહેર કર્યો અને સ્ટેશન માસ્તરને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો. પૂછ્યું “તમે આ કહ્યું તે જ્ઞાની પુરુષ કોણ છે?” સ્ટેશન માસ્તરે ગુરુનું વર્ણન કર્યું. સદ્ભાગ્યે તે ન્યાયધિશ પેલા ગુરુના આશ્રમમાં તેના શિષ્ય બનીને રહી ચુક્યા હતા. તેણે સ્ટેશન માસ્તરને નિરપરાધ જાહેર કર્યો અને કહ્યું “તું સાચા માર્ગ પર છે, તેને વળગી રહેજે. હું ઈચ્છું છું કે હું પણ તેમ કરી શકું.”

ત્રણ મહિના પછી તે માણસ પાસે કશું જ ન હતું. ત્રણ મહિના પૂરા થવાના બરાબર તે જ દિવસે તે શાંતિથી એક વૃક્ષ નીચે બેઠો હતો, જયારે તેને એમ જણાવતો તાર મળ્યો કે “તમારા પિતા પાસે જમીનનો એક વિશાળ ટુકડો હતો, જે લાંબા સમય પહેલાં સરકારે લઈ લીધો હતો. હવે સરકાર તમને વળતર આપવા માંગે છે.” સ્ટેશન માસ્તરને આ જમીન વિશે જાણ પણ ન હતી. 

તેણે વિચાર્યું “આજે, મેં ખોટું ન બોલવાના ત્રણ મહિના પૂરા કર્યા છે અને મને આટલો બધો બદલો અપાયો છે.” તેણે તે વળતર તેની પત્ની તથા બાળકોને આપી દીધું અને પત્ની અને બાળકોએ આનંદથી કહ્યું “અમે તમારી પાસે પાછા આવવા માંગીએ છીએ.”

“ના” સ્ટેશન માસ્તરે કહ્યું “અત્યાર સુધી તો મેં ત્રણ મહિના સુધી ખોટું ન બોલવાથી શું થાય છે તે જ માત્ર જોયું છે. હવે હું એ જાણવા માંગુ છું કે આખી જિંદગી ખોટું ન બોલું તો શું થશે?”

*******

-ચેતન ઠકરાર 

+919558767835

 

ટૅગ્સ: ,

ભક્તિનો ઘમંડ


નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી. એમનું મન વાંચીને ભગવાને કહ્યું : “નારદ, અમુક જગ્યાએ જાઓ. ત્યાં મારો એક મહાન ભક્ત વસે છે. એની ઓળખાણ કરજો, કારણ કે એ મારો સંનિષ્ઠ ભક્ત છે.”

નારદ ત્યાં ગયા અને જોયું તો એક ખેડૂત હતો. એ વહેલો ઊઠતો અને એક જ વાર હરિનું નામ બોલી, હળ લઇ ખેતરે ઉપડી જતો અને આખો દિવસ એ ખેતી કરતો. રાતે ફરી વાર હરિનામ બોલી એ ઊંઘી જતો. નારદ મનમાં વિચારવા લાગ્યા ‘આ ગામડિયો ભગવાનનો ભક્ત શી રીતે હોઈ શકે? હું એને આખો દિવસ સાંસારિક કાર્યોમાં વ્યસ્ત જોઉં છું અને એનામાં પવિત્રતાનું કોઈ ચિન્હ જોવા મળતું નથી.’

નારદજી ભગવાન પાસે પાછા ગયા અને પોતે કરેલી નવી ઓળખાણ બાબત પોતે જે માનતા હતા તે કહ્યું. એટલે ભાવને નારદના હાથમાં તેલ ભરેલો એક કટોરો આપી કહ્યું : “નારદ, આ તેલનો કટોરો લઈ આ નગરની પ્રદક્ષિણા કરી લાવો. પણ તેલનું એક ટીપુંયે ઢોળાય નહીં એનું ધ્યાન રાખજો.”

નારદે કહ્યા પ્રમાણે કર્યું અને એ પાછા આવ્યા ત્યારે ભગવાને એમને પૂછ્યું: ” નારદ, તમે નગર ફરતે જતા હતા ત્યારે તમે મને કેટલી વાર યાદ કર્યો હતો?”

નારદે કહ્યું: “એક વાર પણ નહીં, પ્રભુ. આ તેલથી છલછલતા કટોરાનું ધ્યાન રાખવાનું હોય ત્યાં તમને સ્મરવાનું શી રીતે બને?”

ભગવાન બોલી : “આ એક તેલના કટોરાએ તમારું ધ્યાન એવું તો બીજે વાળ્યું કે તમે મને સદંતર ભૂલી જ ગયા. પણ પેલો ગામડિયો જુઓ, કુટુંબ અને સંસારનો ભાર વેંઢારતો એ રોજ મને બે વાર સ્મરે છે.”

આજની વાસ્તવિકતા: આપણી આજુબાજુ શું આપણે આવા નારદ નથી જોતા? શું ભક્તિનો ઘમંડ કરતી વ્યક્તિ નથી જોતા? કોઈ નહિ તો આજથી આપણે તો નક્કી કરી શકીએ કે નહિ કે આજથી હું ભક્તિનો ઘમંડ નહિ કરું. આપણે શું કરીએ છીએ તેની બધી જ ખબર ઈશ્વરને હોય જ છે…. ઘમંડ કરવાની જરૂર નથી. આખા દિવસમાં બસ એક વાર પ્રેમથી યાદ કરીશું તો પણ ઘણું છે. ભગવાન પ્રેમ, ભાવ અને સમર્પણના ભૂખ્યા છે, તેમને પણ ઢોંગ કે ઘમંડ નથી ગમતું. 

જય શ્રી કૃષ્ણ 

-ચેતન ઠકરાર 

+9558767835

 

ટૅગ્સ: , ,

ફરિયાદ


આત્મસમર્પણમાં ફરિયાદને કશું સ્થાન નથી.

દેહનાં સુખદુઃખ તો છે જ. જેને ઈશ્વર-પ્રાપ્તિ થઇ હોય તે પોતાનાં મન, પ્રાણ, દેહ, આત્મા, એ સમસ્ત તેને અર્પણ કરે છે. ચાલો એક આવી વાર્તા મમળાવીએ.

વનવાસ દરમિયાન કોઈ એક સરોવરમાં સ્નાન કરતી વખતે રામ-લક્ષમણે સરોવરને કાંઠે માટીમાં ધનુષ ખૂંચાડી રાખ્યું. સ્નાન પછી લક્ષમણ માટીમાંથી ધનુષને ખેંચી કાઢીને જુએ છે તો ધનુષનો છેડો લોહીથી ખરડાયેલો દેખાયો. એ જોઈને રામ બોલ્યા : “ભાઈ જો, જો; એમ લાગે છે કે કોઈ જીવની હિંસા થઇ ગઈ!”

લક્ષમણે માટી ખોદીને જોયું તો એક મોટો દેડકો, મરણતોલ અવસ્થામાં હતો. એને જોઈને રામ કરું સવારે કહેવા લાગ્યા કે “તારે માથે ધનુષનો છેડો પડ્યો ત્યારે તે અવાજ કેમ કર્યો નહિ? તો અમે તને બચાવવાનો પ્રયાસ કરત. જયારે સાપ પકડે, ત્યારે તો બહુ જ બૂમો પાડે છે!”

દેડકો બોલો : ” રામ! જયારે સાપ પકડે, ત્યારે હું એમ કહીને બૂમો પાડું કે ‘રામ બચાવો, રામ બચાવો!’ પણ અત્યારે તો જોઉં છું કે ખુદ રામ જ મને મારી રહ્યા છે, તો કોને બોલાવું ? એટલે મૂંગો રહ્યો છું!”

બોધ: આપણે ઈશ્વરને ફરિયાદ ના કરવી જોઈએ, એ જે કરતા હોય એ આપણા સારા માટે જ કરતા હોય છે. એમના અગણિત ઉપકારો અને આશીર્વાદ આપણા પર છે. આપણે બસ ઈશ્વરને પ્રેમપૂર્વક સંપૂર્ણ સમર્પણ કરવાની જરૂર છે.

જય શ્રી કૃષ્ણ 

-ચેતન ઠકરાર 

+919558767835

 

ટૅગ્સ: ,

ઈશ્વર ઉપર સ્નેહ


ઈશ્વર પર અત્યંત પ્રેમ ના આવે ત્યાં સુધી પ્રેમ-ભક્તિ આવે નહિ. અર્જુન, મીરાં, અને નરસિંહ મહેતામાં આપણને આ જોવા મળે છે. ઈશ્વર પ્રત્યેના પ્રેમ વિશે એક વાર્તા મમળાવીએ.

ત્રણ ભાઈબંધો વનમાં થઈને ચાલ્યા જાય છે, એટલામાં એક વાઘ દેખાયો. એક મિત્રે કહ્યું “અલ્યા, હવે આપણા બધાનું મૌત છે “

બીજા એ કહ્યું “કેમ, મૌત શું કામ? ચાલો ઈશ્વરને બોલાવીએ!”

એટલામાં ત્રીજાએ કહ્યું “ના, ઈશ્વરને શા માટે તસ્દી આપવી? ચાલોને આપણે જ આ ઝાડ પર ચઢી જઈએ.”

જેણે કહ્યું “આપણા બધાનું મૌત આવ્યું”, તે જાણતો નથી કે ઈશ્વર રક્ષણહાર છે. જે બોલ્યો કે “ચાલો ઈશ્વરને બોલાવીએ” એ જ્ઞાની છે. તેને જ્ઞાન છે કે ઈશ્વર જ સૃષ્ટિ, સ્થિતિ, સંહાર બધું કરે છે. અને જે બોલ્યો કે “ઈશ્વરને શા માટે કષ્ટ દેવું? ચાલો, અપને જ ઝાડ પર ચડી જઈએ” તેની અંદર ઈશ્વર ઉપર અપાર સ્નેહ જન્મ્યો છે, પ્રેમનો ઉદય થયો છે. અને પ્રેમનો સ્વભાવ જ એવો છે કે પ્રેમી પોતાને મોટો મને અને પ્રેમના પાત્રને નાનો માને; કદાચ પાછું તેને દુઃખ થાય તો? તેની માત્ર એક જ ઈચ્છા હોય કે જેને તે ચાહે છે, તેના પગમાં કાંટો સરખોય ન વાગે.

બોધ / આજની પરિસ્થિતિ: કેટલા લોકો ઈશ્વરને પ્રેમ કરે છે? ખુદ તકલીફમાં હોય એટલે જાતે રસ્તો ગોતવાની બદલે તરત ઈશ્વરને યાદ કરીને તકલીફ આપીએ છીએ. આપણે ઈશ્વરને પ્રેમ કરવા કરતા તો આપણી અપેક્ષાઓ પુરી કરવાનું મશીન સમજી બેઠા છીએ. તકલીફમાં હોઈએ ત્યારે વધુ જોરથી યાદ કરીએ છીએ. ભગવાન જે કરે છે એ સારા માટે જ કરે છે, તો આપણે એમનો આભાર માનવો જોઈએ ના કે ફરિયાદ કરવી. વાસ્તવમાં તો માણસના મનનું ધાર્યું ના થાય એટલે ઈશ્વર અથવા કિસ્મત પર દોષ નાખે પણ હકીકતમાં એમનો અહમ ઘવાણો હોય એ એમનાથી સહન નથી થતું. દુનિયા ઈશ્વરનાં નામે પોતાના અહમની જ પૂજા કરે છે. બધું નિર્ધારિત કરેલું જ હોય છે, બસ યોગ્ય સમયે એ થતું હોય છે પણ આપણે એને માટે તૈયાર નથી હોતા અથવાતો સ્વીકારી શકતા નથી. ઈશ્વરને પ્રેમ કરો, એમની કૃપા હંમેશા બની રહેશે. 

જય શ્રી કૃષ્ણ 

-ચેતન ઠકરાર 

+919558767835

 

ટૅગ્સ: , , ,

ઈશ્વરમાં અડગ શ્રદ્ધા


શ્રદ્ધામાં અસાધારણ સામર્થ્ય છે પણ અહંકાર વિનાશકારી છે.

પોતાના ગુરુમાં અનંત વિશ્વાસ ધરાવતો એક ચેલો, માત્ર ગુરુનામ લેતાં લેતાં ચાલતો-ચાલતો નદી પાર કરી ગયો. આ જોઈ એના ગુરુને વિચાર આવ્યો: “શું મારા નામમાં આટલી શક્તિ છે? તો પછી હું જાતે કેટલો મહાન અને સમર્થ હોઈશ!” ‘હું’, ‘હું’, ‘હું’ બોલતાં બોલતાં બીજે દિવસે એના ગુરુએ નદી પર ચાલવાની કોશિશ કરી પણ જેવો એમણે પાણી પર પગ દીધો તેવા એ ડૂબી ગયા; દુર્ભાગ્યે એને તરતાં પણ આવડતું ન હતું. શ્રદ્ધા ચમત્કાર સર્જી શકે પણ મિથ્યાભિમાન કે અહંકાર મનુષ્યનો નાશ નોતરે.

શ્રદ્ધાના અસાધારણ સામર્થ્ય વિશે એક બીજું ઉદાહરણ આપણને રામાયણમાંથી મળે છે. નિર્ગુણ બ્રહ્મના અવતાર હતા તે રામને લંકા જવા માટે સેતુ બાંધવો પડ્યો હતો. પણ રામનામ લખેલા પથ્થર તરી રહ્યા અને પુલ બની ગયો, રામનામમાં શ્રદ્ધા ધરાવતા હનુમાન એક કૂદકે સાગર પાર કરી ગયા હતા અને સામી બાજુએ પહોંચી ગયા હતા. એમને પુલની જરૂર પડી ન હતી.

હજુ એક નાની વાર્તા મમળાવીએ, શ્રદ્ધા અને ભક્તિ જોઈએ. શ્રદ્ધાનું જોર કેટલું, તે સાંભળો. એક માણસને લંકાથી સમુદ્ર ઓળંગીને જવું હતું. વિભીષણે કહ્યું કે આ વસ્તુ કપડાને છેડે બાંધી રાખો. એના પ્રભાવથી તમે સહીસલામત ચાલ્યા જશો; પાણી ઉપર થઈને જઈ શકશો. પરંતુ ઉઘાડીને જોશો નહિ, ઉઘાડીને જોવા જતાં જ ડૂબી જવાના.

એ માણસ સમુદ્રની ઉપર થઈને મજાનો ચાલ્યો જતો હતો. શ્રદ્ધાનું એટલું જોર. થોડુંક ચાલ્યા પછી તેને વિચાર આવ્યો કે “વિભીષણે એવી તે શી ચીજ બાંધી દીધી છે કે જેથી પાણી ઉપર થઈને ચાલી જઈ શકું છું?” એમ વિચાર કરીને લૂગડાની ગાંઠ છોડીને જોયું તો તુલસીના પાંદડા પર માત્ર ‘રામ’ નામ લખેલું. ત્યારે એને થયું કે “અરે, બસ આ જ ચીજ!!!” એ વિચાર આવતાંની સાથે જ ડૂબી ગયો!

બોધ: સંપૂર્ણ શરણાગતિ અને ઈશ્વરમાં અડગ શ્રદ્ધા જ બધાં ચમત્કારી કૃત્યોના મૂળમાં છે.

આજની પરિસ્થિતિ: આપણે લોકો ભગવાનની ભક્તિ, પૂજાપાઠ કોઈને કોઈ આશાએ કરીએ છીએ. ચાલો એનો પણ વાંધો નહિ, પણ એમના પર શ્રદ્ધા પણ 100% રાખી શકતા નથી એટલે હેરાનગતિ વધુ ભોગવીએ છીએ. સંપૂર્ણ સમર્પણ અને શ્રદ્ધા હોઈ તો કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઈશ્વર આપણને હેમખેમ બહાર લાવી આપે. અર્જુને પોતાના મનના બધા સંશયો કૃષ્ણને પૂછ્યા ત્યારે આપણને ગીતા જેવો મહત્વનો ગ્રંથ પ્રાપ્ત થયો તે બદલ આપણે અર્જુનનો આભાર માનવો જોઈએ. બધા સંશયો દૂર થયા પછી અર્જુને કૃષ્ણ સમક્ષ સંપૂર્ણ સમર્પણ અને શરણાગતિ સ્વીકારીને કૃષ્ણે કહ્યા માર્ગે ચાલ્યો તો મહાભારત જેવું યુદ્ધ પણ જીતી શક્યો. આપણે એ સત્ય સમજવા છતાં પણ એ કરી નથી શકતા. અફસોસની વાત તો એ છે કે માણસ જે ભક્તિ કે પૂજાપાઠ કે વ્રત કરે છે એનું એને અહંકાર કે અભિમાન હોય છે. અને અહંકાર કે અભિમાન જ્યાં હોય ત્યાં શ્રદ્ધા કે શરણાગતિ હોઈ શકે?

હરે રામ, હરે કૃષ્ણ… કૃષ્ણ કૃષ્ણ હરે હરે…. 

-ચેતન ઠકરાર 

+9558767835

 

ટૅગ્સ: ,

અંતરનો ભાવ


જેવો અંતરનો ભાવ તેવો લાભ.

બે ભાઈબંધ રસ્તે થઈને ચાલ્યા જાય છે. વચમાં એક જગ્યાએ ભાગવત-પાઠ થતો હતો. એક મિત્ર કહે છે કે “ચાલ ભાઈ, જરા ભાગવત સાંભળીએ.” એ સાંભળીને બીજાએ ત્યાં ડોકું તાણીને જોયું, અને પછી એ ત્યાંથી વેશ્યાને ઘેર ગયો. જરા વાર પછી તેના મનમાં બહુ અફસોસ થયો. તે પોતાની જાતને કહેવા લાગ્યો કે ‘ધિક્કાર છે મને! મારો મિત્ર ત્યાં હરિ-કથા સાંભળે છે, અને હું આ ક્યાં પડ્યો છું?’ બીજી બાજુ જે મિત્ર ભાગવત કથા સાંભળતો હતો તેને પણ મનમાં દુઃખ થયું અને તે વિચારવા લાગ્યો કે ‘હું કેવો મૂર્ખ છું? શું આ મહારાજ કાંઈક બરાડી રહ્યા છે ને હું અહીં નકામો સાંભળી રહ્યો છું, જયારે મારો મિત્ર ત્યાં મજા કરે છે!’

એ બંને જયારે મરી ગયા, ત્યારે જે ભાગવત સાંભળતો હતો તેને યમદૂતો લઇ ગયા, અને જે વેશ્યાને ઘેર ગયો હતો તેને વિષ્ણુદૂતો વૈકુંઠમાં લઇ ગયા. ભગવાન મન જુએ.

બોધ: કોણ શું કામ કરે છે, કોણ ક્યાં પડ્યું છે એ નથી જોતા. ભગવાન ભાવગ્રાહી છે, ભક્તિ પ્રિય છે. ભગવાનને વેવલાવેડા કે દેખાડો કરનાર જરા પણ ના ગમે. અર્જુન અને ઉધ્ધવ કૃષ્ણના ખરા ભક્ત હતા અને એટલે જ કૃષ્ણની સહુથી નજીક હતા એ બંને. 

આજની પરિસ્થિતિ: મેં ઘણા લોકો જોયા છે; જે પૂજા પાઠ કરતા હોય, મંદિરે કે હવેલીએ જતા હોય, પણ એમનું મન પૂજાપાઠ કરતા-કરતા ઘરમાં કોણ ક્યાં શું કરે છે તે તરફ ધ્યાન વધુ હોય છે, સલાહ સૂચનો સાથે ચાલતા હોય. કોઈ પણ પાઠ નો અર્થ સમજ્યા વગર કરે રાખે, ઘરમાં ભાગવત, રામાયણ, ગીતા અને બીજા ધાર્મિક ગ્રંથો હોય તો પણ વાંચવાનો સમય નથી એમ કહે. વાંચતા હોય તો પણ સમજતા નથી કે નથી જીવનમાં ઉતારતા. કારણકે એ બધું કરતી વખતે ધ્યાન બીજે જ હોય છે. ગીતામાં કૃષ્ણ ભગવાને ધ્યાનયોગ વિષે અમથું આટલું બધું કહ્યું છે? પણ સમજે કોણ?

શિવપુરાણમાં પણ શંકર ભગવાને કહ્યું છે કે દિવસભરમાં ખાલી એક વાર શુદ્ધ મન અને ધ્યાનથી “ૐ નમઃ શિવાય” બોલશો, મને યાદ કરશો તો પણ એ મારા ગણોમાં સ્થાન પામશે. પણ આપણે અત્યારે જોઈએ અમુક લોકોને તો પુરાતન કાળથી ચાલી આવતી પરંપરાને સમજ્યા વગર આગળ વધાર્યે જાય છે, બસ વડીલોએ કહ્યું કે ફલાણા ધર્મ ધુરંધરોએ કહ્યું એટલે એ સાચું અને એ જ કરવાનું. ભલા માણસ, પેલા ધ્યાનથી વાંચો, સમજો અને પછી અનુસરણ કરો.

હરિ હરિ.

-ચેતન ઠકરાર 

+919558767835

 

ટૅગ્સ: , ,

શાંતિ


આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ અને બોલતા પણ હોઈએ છીએ કે બધું છે પણ શાંતિ નથી. શાંતિ બાહ્ય ચીજ નથી, તે આપણી અંદર જ રહેલી હોય છે. ચાલો આજે આપણે આના પર શ્રીમદ્દ ભાગવતની એક બોધ કથા સમજીએ. શ્રીમદ્દ ભાગવતમાં કહ્યું છે કે અવધૂતે ચોવીસ ગુરુઓમાંથી સમળીને પણ એક ગુરુ માની હતી. આજે એ જ સમળીની વાર્તા સમજીએ.

એક જગ્યાએ માછીમારો માછલાં પકડતા હતાં, એટલામાં એક સમળી આવીને ઝડપ મારીને એક માછલું ઉઠાવી ગઈ. સમળી પાસે માછલું જોતા જ તેની પાછળ હજારેક કાગડા પડ્યા અને કાં-કાં-કાં  કરીને ભારે કાગારોળ મચાવી મૂકી. માછલું લઈને સમળી જે બાજુએ જાય, કાગડાઓ પણ તેની પાછળ પડીને તે જ બાજુએ જાય. સમળી દક્ષિણ બાજુએ ગઈ, તો કાગડા પણ એ જ બાજુએ ગયા. ઉત્તર બાજુએ સમળી ગઈ તો કાગડાઓ પણ એ બાજુએ ગયા. એ પ્રમાણે પૂર્વ બાજુએ, પશ્ચિમ બાજુએ એમ સમળી ચારેકોર ભમવા લાગી. છેવટે હેરાન થઈને ચક્કર મારતી મારતી ફરતી હતી એવામાં માછલું તેની ચાંચમાંથી પડી ગયું. એટલે કાગડાઓ સમળીને છોડીને માછલાની પાછળ ગયા. પછી સમળી નિશ્ચિંન્ત થઈને એક ઝાડની ડાળી ઉપર જઈને બેઠી. બેસીને વિચાર કરવા લાગી કે આ માછલાએ જ બધી ગરબડ ઉભી કરી હતી. હવે માછલું પાસે નથી એટલે હું નિશ્ચિંન્ત થઇ.

બોધ: અવધૂતે સમળીની પાસેથી એક ઉપદેશ લીધો કે જ્યાં સુધી પાસે માછલું હોય, એટલે વાસના હોય, ત્યાં સુધી જ કર્મ રહે. અને કર્મને અંગે વિચારો, ચિંતા અને અશાંતિ આવે. વાસના-ત્યાગ થતાં જ કર્મનો ક્ષય થાય અને શાંતિ મળે.

આજની પરિસ્થિતિ  : આપણી આજુબાજુ પણ આવા કાગડા હોય છે, જે શાંતિ નથી લેવા દેતા હોતા. આપણી પાસેથી કંઈક લઇ લેવા માટે કે પડાવી લેવા માટે અને આપણે એનાથી બચવામાં શાંતિનો અનુભવ નથી કરી શકતા. આપણે જેટલું વહેલું સમજી શકીશું એટલી વહેલી શાંતિ મળશે.

જય શ્રી કૃષ્ણ 

-ચેતન ઠકરાર 

+9558767835

 

 

વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે


વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે, ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ હોવો જોઈએ તો મજા આવશે…

૧.
બે સજ્જનો મારામારી કરી રહ્યા હતા
પૂછતાં માલુમ પડ્યું કે ‘અહિંસા’ વિશે ડિબેટ ચાલી રહી હતી
– હિતેશ તરસરિયા

૨.
ગરમીએ શેઠજીને દવા લેવડાવી,
નોકર તો રોજ લીમડો વાટીને પીતો.– પરીક્ષિત જોશી

૩.
કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.
”કાળીના એક્કા જેવા.”
– સંજય ગુંદલાવકર

૪.
મારી પાસે ઘર હતું,
આજે પૈસા છે…
– નિમેષ પંચાલ

૫.
બપોરનો તડકો
જીવનમાં લાગેલી લાય કરતાય,
આજ મીઠો લાગ્યો!
– તૃપ્તિ ત્રિવેદી

૬.
એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો,
એ ૧૧ કુંવારીકાને જમાડશે.
– દક્ષા દવે

૭.
વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા.
આંખો જ બોલી છે વાંક કોનો!
– દેવદત ઠાકર.

૮.
પત્ની પિયર ગઈ…
ટીફીનમાં મનપસંદ મળ્યું.
– દિવ્યેશ સોડવડીયા

૯.
આ વધારાનાં વૃક્ષો કાપીને મેદાન સાફ કરો,
અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવવાનો છે…
-હિતેશ તરસરિયા

૧૦.
“ગઈ-કાલે પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી, વિજેતાઓને ઇનામ આપી દેવાયા છે, હવે આ કાગળ કંઈ કામના નથી, સળગાવી નાખ”
ક્લાર્ક દ્વિધામાં હતો, દરેક કાગળ પર બાળકોએ લખેલું હતું ‘SAVE TREES’
– હિતેશ તરસરિયા

૧૧.
વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ, યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો.
પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું: “મા ના ખોળે !!!”

 
 

ટૅગ્સ:

સંસ્કાર


ગામના એક કુવા પર 3 મહિલાઓ પાણી ભરવા માટે ઉભી હતી. અને તેમના ત્રણેય નાં દિકરાઓ સામેના મેદાનમા રમતા હતા.

ત્યારે એક મહીલાનો દીકરો રમતા રમતા તેની માઁ પાસે આવ્યો અને બોલ્યો by , mom , I am going to home ત્યારે એની માઁ બોલી કે “જુઓ આ મારો દીકરો છે, અને તે અંગ્રેજી મિડિયમ માં ભણે છે..”

થોડીવારમાં બીજી મહીલાનો દિકરો પણ ત્યાં પોતાની માઁ પાસે આવ્યો અને by , mom by કહીને ઘરે જતો રહ્યો. તે મહીલા બોલી કે “જુઓ મારો દીકરો CBSE માં ભણે છે..”

ત્યાં ત્રીજી મહિલાનો દિકરો ઘરે જવા માટે તેમની માઁ પાસે આવ્યો આગળના બંન્ને છોકરાઓની જેમ તેને પણ પોતાની માઁ સામે જોયું અને તેની માઁ પાસેથી પાણીનું માટલુ લઇ ખભે મુકયું, અને બીજા હાથમાં પાણીની ડોલ પકડીને કહ્યું કે “ચાલ માઁ હવે આપણે બન્ને ઘરે જઇએ.”

ત્યારે દિકરાની માઁ બોલી કે “જુઓ આ મારો દીકરો છે, અને તે ગુજરાતી મિડિયમ માં ભણે છે.”

ઉપરોક્ત વાત નુ તાત્પર્ય એટલું જ કે લાખો રુપિયા ખર્ચીને સંસ્કાર ખરીદી શકાતા નથી. ભણતર જેટલુ જરૂરી તેટલુ જ ઞણતર , સંસ્કાર તો આપને જ આપવા પડે.

 
Leave a comment

Posted by on નવેમ્બર 6, 2020 માં Sense stories / बोध कथाए

 

ટૅગ્સ:

ઈસપની એક બોધકથા


એક વાર એક ગરુડ એક શિકારીએ બિછાવેલી જાળમાં ફસાઈ ગયું. ગરુડ જ્યાં ફસાયું હતું તેની નજીક જ એક ખેતરમાં એક મજૂર કામ કરી રહ્યો હતો. તેને એ સુંદર પક્ષીની દયા આવી ગઈ. તેણે એ ગરુડને બચાવી લીધું. ગરુડે આંખો થકી તે મજૂરનો આભાર માન્યો.

થોડા દિવસ પછી તે ખેડૂત એક જર્જરિત દીવાલને અઢેલીને બેઠો બેઠો થાક ઊતારી રહ્યો હતો. એ વખતે અચાનક પેલું ગરુડ ત્યાં ધસી આવ્યું. તેણે ખેડૂતના માથા પર તડકાથી બચવા બાંધેલું કપડું ખેંચી લીધું અને થોડી ઊંચાઈએ ઊડવા માંડ્યું.

ખેડૂત અકળાઈ ગયો. તેને અફસોસ થયો કે મેં એ દિવસે આ ગરુડને બચાવ્યું અને આજે તે મારું માથું ઢાંકવાનું કપડું છીનવીને ભાગ્યું. ખેડૂત ગરુડની પાછળ દોડ્યો. એ જ વખતે પેલી જર્જરિત વિશાળ દિવાલ તૂટી પડી!

ખેડૂતને સમજાયું કે હકીકતમાં એ ગરુડે તેનો જીવ બચાવીને પોતાના ઉપકારનો બદલો વાળ્યો હતો.

આ ઈસપ કથા પરથી એ બોધ મળે છે કે કોઈ હિતેચ્છુ માણસની સારા હેતુથી કહેવાયેલી વાત કે કરાયેલી ચેષ્ટા કડવી લાગે ત્યારે તેને દુશ્મન ગણીને પ્રતિક્રિયા આપવાને બદલે તેનો હેતુ સમજવો.

સાભાર : ઈસપની બોધકથાઓ

 
Leave a comment

Posted by on નવેમ્બર 4, 2020 માં Sense stories / बोध कथाए

 

ટૅગ્સ:

એક હૃદયસ્પર્શી વાર્તા (માઈક્રોફિક્શન)


“સાહેબ, મારો પગાર વધારો ને…” નોકરે શેઠને આજીજી કરી…

શેઠ તાડુક્યા : “કેમ…?”

નોકરની આંખમાં આંસુ આવી ગયા

અને બોલ્યો : “મારા છોકરાને ખબર પડી ગઈ છે કે બધા તો બે ટાઈમ જમે છે !”

 
Leave a comment

Posted by on નવેમ્બર 1, 2020 માં Sense stories / बोध कथाए

 

ઉપરવાળા નો હિસાબ


દિવાળી નો દિવસ હતો..ઘર ના બારણે અચાનક….ડોર બેલ વાગ્યો .. મેં બારણું ખોલ્યું… સુટ-બુટ અને બેગ સાથે એક વ્યક્તિ સ્માઈલ આપી મારી સામે ઉભો હતો..મેં કીધું..બેટા.. કોનું કામ છે…?

એ હસીને બોલ્યો..તમારૂ…..

મેં કીધું…પણ મેં તમને ઓળખ્યા નહીં….

એ સજ્જન વ્યક્તિ બોલી.. વડીલ..સારા કાર્ય..કરનાર.. તેના સત્કાર્યો ની નોંધ કદી લેતા હોતા નથી…એ સત્કાર્યો કરી ને ભૂલી જતા હોય છે..પણ તેના કાર્ય ની નોંધ ભગવાન જરૂર રાખતા હોય છે…. આટલુ બોલી…એ વ્યક્તિ મને પગે લાગ્યો….

મેં કીધું..આપ નું નામ….?

શ્યામ….

આવ બેટા…. અંદર આવ…મેં તેમને અંદર બોલાવ્યા….

એ સોફા ઉપર બેઠા.. અને ટેબલ ઉપર બેગ ખોલી…. ફ્લેટ ની સ્કીમ નું બ્રોશર કાઢ્યું… અને શ્યામ બોલ્યો….વડીલ..તમે નવરાત્રીમાં અમારી ફ્લેટ ની સ્કીમ જોવા આવ્યા હતા….આ એ જ સ્કીમ છે…. તમને…C બ્લોક નો 503 નંબર નો રોડ તરફ બાલ્કની વાળો ફ્લેટ ગમ્યો હતો….બરાબર…

હા બેટા.. પણ એ મારા બજેટ બહાર ની સ્કીમ છે…..પિન્ટુ અને કાવ્યા ….શાંતિ થી વાતો અમારી સાંભળતા હતા….

શ્યામે….ફ્લેટ ની ચાવી કાઢી..અને મને પગે લાગી….એ ચાવી મારા હાથ મા મૂકી ..

અરે ભાઈ ..તમારી પુરી ઓળખ વગર..મારે આ ચાવી ન જોઈએ. મેં તમને કીધુ..કે મારી..કેપીસીટી બહાર ની વાત છે…આ સ્કીમ મારા માટે ફક્ત સ્વપન સમાન છે.

પણ રૂપિયા તમારી પાસે કોણે માંગ્યા…વડીલ…એ 20 વર્ષ પહેલાંની દિવાળી તમે યાદ કરો….શ્યામ બોલ્યો એક યુવાનને તમે નદી ના પુલ ઉપર થી પડતા રોક્યો હતો….એ યુવાન હું છું… એ વખતના તમારા શબ્દો, અને તમારી આર્થિક મદદ હું જીંદગી આખી કેમ ભૂલી શકું ? તમે મને એ સમયે કીધુ હતું….અરે બેટા… આવું અવિચારી પગલું ભરતા પહેલા એટલું તો વિચાર…ઘરે કોઈ તારી રાહ જોતું હશે… આવું પગલું લેવાનું કારણ….? શ્યામ બોલ્યો…સાહેબ દિવાળી આજે છે….પગાર કે બોનસ કાંઈ મળ્યું નથી ..રોજ પત્ની અને બાળકો ને વાયદા કરતા કરતા આજે દિવાળી પણ આવી ગઈ..ઘરે હું..ખાલી હાથે કેવી રીતે જઈશ….

તમે કીધું..હતું બેટા… પિક્ચર ને કંટાળાજનક સમજી અધવચ્ચે પિક્ચર છોડી કદી જતા ન રહેવું..પિક્ચર ની ખરી મજા ઈન્ટરવલ પછી પણ હોઇ શકે…જીંદગી માટે પણ આવું જ છે..

તમે…મારો હાથ પકડી… તમે જે મંદિરે જઈ રહ્યા હતા ત્યાં મને લઈ ગયા…. તમે…પાંચ મિનિટ એ માતાજી ના મંદિરે પ્રાર્થના કરી…પછી મને કીધુ..બેટા અહીં સાચા દિલ થી પ્રાર્થના કરનાર દરેક વ્યક્તિ ની ઈચ્છાઓ પૂરી થાય છે…તું આંખ બંધ કરી ને અનુભવ કરી લે….

મેં..એ દિવસે બંધ આંખ કરી માઁ ને પ્રાર્થના કરી..હે માઁ… મારી ઝોળી ભરી દે…હું..ઘરે ખાલી હાથે કઈ રીતે જઈશ..મદદ કર..

તમે મને પૂછ્યું…બેટા… શુ માંગ્યું..?

મેં ભીની આખે કીધું… પગાર અને બોનસ….

તમે કીધુ…કેટલી રકમ થાય છે…

મેં કીધું…હતું 20000

તમે..મારા હાથ માં 20000 મુકતા બોલ્યા…અહીં જાગતી માઁ બેઠી છે…..જીંદગીમાં માઁ નો હાથ અને સાથ છોડતો નહીં….તારા દરેક કાર્ય એ પુરા કરશે….

તમે કીધુ હતું…મારો પગાર વધ્યો …એ તફાવત ની ચઢેલ રકમ માઁ ના ચરણ મા હું મુકવા આવ્યો હતો…મેં માઁ ને કીધુ.. હે માઁ… આ રકમ ની તારા કરતા…આ બાળક ને વધારે જરૂર છે..તો હું આ રકમ તેને આપું છું….

આજે પણ એ પવિત્ર મંદિર જગ્યા અને એ પવિત્ર વ્યક્તિ ને હું ભુલ્યો નથી…વડીલ….આ ચાવીની મારી નજરમાં કોઈ કિંમત નથી…..જો તમે એ દિવસે મને આત્મહત્યા કરતા રોક્યો ન હોત તો….? તમે ફ્લેટ ની સ્કીમ જોવા આવ્યા ત્યારે… મેં તમને ઓળખી લીધા હતા..અને તમારી તમામ માહિતી ઓફિસ મા રેકોર્ડ ઉપર રાખવા મેં સ્ટાફ ને કીધુ હતું…

અરે બેટા.. મેં કોઈ અપેક્ષા સાથે તને મદદ કરી ન હતી…માઁ …જે તરફ ઈશારો કરે ત્યાં મદદ કરી દો.. એવું હું ઘણાવખત થી માનતો થયો છું..હવે મંદિરો ને રૂપિયા ની જરૂર નથી…

શ્યામ ઉભો થયો ..હાથ જોડી બોલ્યો….વડીલ આ ફ્લેટ ની ચાવી તમારે રાખવી જ પડશે…આ મારા કાર્ય ને પણ માઁ …નો.ઈશારો જ સમજી મને તમારા આનંદ નો ભાગીદાર બનાવો..

અમારી સામે…હાથ જોડી..શ્યામ બોલ્યો વર્ષો પહેલા… આ મહાન વ્યક્તિએ .. મારી દિવાળી ના દિવસો આનંદ થી ભરી દીધા હતા..
આજે..આપણે બધા તમારા નવા ઘર માં પગ મૂકી આનંદ થી દિવાળીની ઉજવણી કરીયે….

મિત્રો… ખરાબ..અને સારા કર્મ ની ભલે આપણે નોંધ ના લેતા હોઈએ પણ ઉપરવાળા નો હિસાબ ચોખ્ખો હોય છે….. તેની આપવા ની અને ઝૂંટવી લેવા ની રીત અલગ છે. જો એ આપવા બેઠો…તો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે..આપશે અને ઝૂંટવી લેવા બેઠો.. તો…પોતડી પણ ખેંચી નાખશે..

-પાર્થિવ.

 
Leave a comment

Posted by on નવેમ્બર 1, 2020 માં Sense stories / बोध कथाए

 

ટૅગ્સ: