RSS

Monthly Archives: ડિસેમ્બર 2018

કાયર


“હેલ્લો…”

“હા કોણ ? આ ફોન તો નિર્માણ નો છે, તમારી પાસે કઈ રીતે આવ્યો? નિર્માણ ક્યાં છે?”

“ધીરે મેડમ, તમારાં  સવાલોના જવાબ આપવા ફોન કર્યો છે તમને, આ ફોન જેમનો છે એનો અકસ્માત થયો છે અને લાસ્ટ ડાયલ માં તમારો નંબર હતો એટલે તમને ફોન કર્યો, તમે જલ્દી સરકારી હોસ્પિટલ એ આવો.”

“હેં !!! કેમ કરતાં ? પણ હું તો… ” નિયતિ ના શબ્દો ડૂમો બનીને ગળામાં જ અટકી ગયા.

નિર્માણ અને નિયતિ બંને મેટ્રિમોનિયલ સાઈટ પર મળ્યા હતા, બંને યુવાન, સરખી ઉંમરના અને એકજ ફિલ્ડમાં નોકરી કરતા હતા. પણ બંને ની જ્ઞાતિ અને શહેર અલગ અલગ હતા. પ્રારંભિક માહિતીની આપ-લે પછી નિર્માણ ને લાગ્યું કે એના મમ્મી જ્ઞાતિ બહાર લગન ની મંજૂરી નહિ આપે, એટલે એણે પણ નિયતિને વિના સંકોચે એ વાત કરી અને કહ્યું કે…

“મારા પપ્પા મને અને મમ્મીને મારા બચપણમાં જ મૂકીને અકસ્માતમાં મૃત્યુ પામ્યાં , મને અને મમ્મીને મામાએ સહારો આપ્યો અને મને આજે આ મુકામ પર લાવવામાં મારા મમ્મી અને મામાનો બહું મોટો ફાળો છે એટલે હું..”

“ઇટ્સ ઓકે નિર્માણ, મને તમારી આ નિખાલસતા ગમી, પણ આપણે એક સારા મિત્ર તો બની શકીયે ને ? કે પછી એમાં પણ તમારા મમ્મી અને મામાને વાંધો હશે!!!!”

“બસ હો, ટોન્ટ ના મારો “

“ટોન્ટ નથી મારતી નિર્માણ, પણ ચોખવટ કરું છું, એવું ના બને કે આપણા મિત્રતા ના સબંધ થી તમારા મમ્મીને કોઈ ઠેસ પહોંચે. કારણકે આજકાલ એક છોકરી અને છોકરાના સંબંધને બધા લફરું ગણી લે છે, કોઈ મિત્રતા તરીકે ઝટ સ્વીકારતું નથી.”

“સાચું છે, પણ મારા મમ્મી અને મામા સાવ એટલા જુનવાણી પણ નથી.”

આમ નિયતિ અને નિર્માણ ના જીવનમાં નવા સબંધ નું નિર્માણ થયું અને બંને વચ્ચે વાતચીત નો પ્રવાહ વહેતો રહ્યો, પરંતુ વિધાતાની નિયતિ કંઈક અલગ જ હતી, મિત્રતાએ ક્યારે પ્રેમી પંખીડા નું રૂપ ધારણ કરી લીધું એ બંનેમાંથી કોઈને ખબર ન પડી, બંનેનો પ્રેમ અત્યંત ગાઢ બની ગયો અને બંનેએ નક્કી કર્યુંકે નિર્માણના મમ્મીને માનવી લેશે. નિર્માણે એની જોબ નિયતિના શહેરમાં ટ્રાન્સફર કરાવી, એ વિચારીને કે નિયતિને મમ્મી મળશે અને મળતી રહેશે તો મમ્મીને પણ નિયતિ ગમવા લાગશે અને જ્ઞાતિ ભૂલી જશે, અને લગ્નની મંજૂરી આપી દેશે. આવા વિચારોમાં પોતાના સ્વપ્નોનું નિર્માણ કરતો કરતો નિર્માણ બાઈક પર જતો હતો અને એક્સીડેન્ટ થયું અને નિયતિને ફોન આવ્યો.

*****

નિર્માણને હોસ્પિટલ સમયસર પહોંચાડવામાં આવ્યો તેમાં તેનો જીવ તો બચી ગયો પણ તે કોમામાં ચાલ્યો ગયો, આ બાજુ નિયતિ પાસે પ્રાર્થના કરવા સિવાય કોઈ રસ્તો નહોતો, અને નિયતિની અવિરત પ્રાર્થના ના જોરે નિર્માણ ત્રણ મહિનાના અંતે કોમામાંથી બહાર આવ્યો અને એણે તરતજ નિયતિને ફોન કર્યો, કારણકે એને ખબર હતી કે નિયતિની હાલત શું હશે અને એની પ્રાર્થનાથીજ એ કોમામાંથી બહાર આવ્યો, નિયતિ ફોન પર ખુશીથી રડી પડી અને ભગવાનનો ખુબ આભાર માન્યો, આ બાજુ નિર્માણે પણ એના અને નિયતિના સબંધ વિષે ઘરમાં વાત કરવાંનું નક્કી કર્યું.

નસીબજોગે નિર્માણને વિદેશમાં જોબની ઓફર મળી, અને એણે નિયતિને સમજાવી કે તે ત્યાં સેટ થઇ પછી મમ્મીને ત્યાં તેડાવી લેશે અને પછી મનાવી લેશે, પણ વિધાતાએ આ વખતે પણ કંઈક અલગજ ઘડ્યું હતું તેની જાણ નિર્માણને એરપોર્ટ પર ઉતારતાં જ ખબર પડી, કોઈ મિત્રનું પાર્સલ સાથે લઇ આવવું તેને ભારી પડી ગયું અને તે પ્રતિબંધિત પાર્સલ સાથે લાવવાના આરોપસર જેલ હવાલે થઇ ગયો. મામા ની ઓળખાણ અને મહેનત, નિયતિની ફરીવાર અવિરત પ્રાર્થનાના જોરે નિર્માણ 11 મહિનાના જેલવાસ માંથી મુક્ત થઇ પાછો આવ્યો.

નિર્માણ ભાંગી પડ્યો હતો, નિયતિએ તેનામાં ફરીથી હિમ્મત અને જોશ નું સિંચન કરીને તેને નવેસર થી જીવન જીવવા પ્રેરણા આપી, સાથ આપ્યો અને બંને એ ફરીથી નક્કી કર્યુંકે હવે બંને એક થઈને જ રહેશે, સાથે જ રહેશે. પણ કહે છે ને કે, “જો તમારે ભગવાનને હસાવવા હોઈ તો તમારે તેમને તમારા ભવિષ્યનું આયોજન કહેવાનું..” 

આ વખતે પણ વિધાતાએ પોતાની કરામત બતાવી અને નિર્માણના મમ્મીનું અવસાન થઇ ગયું, નિર્માણ ફરી ભાંગી ગયો, અને આ વખતે પણ નિયતિએ તેને સાથ અને પ્રેમથી ફરીથી સંભાળ્યો અને તેને તેની મમ્મીના અસ્થિ વિસર્જન ની ક્રિયા પતાવીને ફરીથી નવી જિંદગી જીવવા પ્રોત્સાહન આપ્યું, પણ વિધાતાને નિયતિ અને નિર્માણ સાથે ક્રૂરતા કરવામાં મજા આવતી હોઈ એમ અસ્થિ વિસર્જન કરવા જતા નિર્માણની કારનો રસ્તામાં અકસ્માત થયો, અને તેમાંના 3 લોકોને ભગવાને નિર્માણ પાસેથી છીનવી લીધા પરંતુ નિયતિના પ્રેમ અને અસ્થાને લીધે નિર્માણ બચી તો ગયો પણ ફરી એકવાર તે કોમા માં ચાલ્યો ગયો.

*****

“યાર, તારી સ્ટોરીમાં તો એકતા કપૂરની સિરિયલ કરતા પણ વધુ ટવીસ્ટ અને ટર્ન છે, આ સાચું છે કે પછી…..!!”

નિયતિએ વર્ષો પછી તેની સાથે વિધાતાએ કરેલી ક્રૂર મજાકની વાત આજે તેની ફ્રેન્ડ મુક્તિ સાથે શેર કરીને થોડી મુક્ત થવા માંગતી હતી, પણ મુક્તિને માનવામાં આવ્યું નહિ એટલે તેને ફરીથી પૂછ્યું… “આ સાચું છે કે પછી કોઈ સિરિયલની વાર્તા ?”

“કાશ, આ વાર્તા મેં જોઈ અથવા વાંચી હોત, આવી વાર્તા જોવાની અને વાંચવાની મજા આવે પણ જયારે જીવવાની આવે ત્યારે જિંદગી બહુ લાંબી લાગે.”

“હમ્મ… પછી આગળ શું થયું નિયતિ?”

“મેં નિર્માણને કોઈપણ જાતની આશા વગર અને સાચી નિયતથી પ્રેમ કર્યો હતો, હું ફરી ભગવાન સામે યુદ્ધે ચડી, અને મારા નિર્માણને…. સોરી નિર્માણને ફરીથી કોમામાંથી બહાર કાઢવા ભગવાનને મજબૂર કર્યા પણ આ વખતે નિર્માણના મામા, શકુની મામા બન્યાં અને અમને બંનેને અલગ કરવાનો કારસો રચવા લાગ્યાં.”

“નિર્માણે પણ એમનો સાથ આપ્યો !!!??”

“ખબર નહીં પણ શકુની મામાએ શું કર્યું, અમે લાસ્ટ ટાઈમ મળ્યા ત્યારે બસ એક કવર આપી કઈ બોલ્યા વગર જતો રહ્યો, કવર ખોલી જોયું તો લેટરમાં ફક્ત એકજ વાક્ય હતું, મને ભૂલી જજે.

“અને તે તેને રોક્યો પણ નહિ!!!?”

“હું હજુ કઈ વિચારું, તેને પૂછું, તેનો ચહેરો વાંચવા જાવ તે પહેલાં તો તે કવર આપીને જતો રહ્યો, લેટર વાંચીને મારા મનમાંથી અને મોઢામાંથી એકજ વાક્ય નીકળ્યું ‘કાયર‘ “

*****

નિર્માણ ના મામાએ શું અને કેવો ખેલ રચ્યો તે હજુ સુધી નિયતિને ખબર નથી પડી, નિર્માણ અત્યારે કેનેડામાં એની ફેમિલી સાથે સેટ છે. અને નિયતિ હજુ સેટ નથી થઇ શકી, કારણકે તેને હવે પ્રેમ શબ્દથી નફરત થઇ ગઈ છે, અને એકલવાયું જીવન જીવે છે.

(સત્ય ઘટના- પાત્રોના નામ ફેર સાથે )

-ચેતન ઠકરાર

9558767835

 

ટૅગ્સ: ,

સહકાર થી સફળતા સુધી


“ભાઉ, શું છોકરી તરીકે જન્મ લેવો એ ગુનો છે?”

“શું થયું? કેમ આજે આમ પૂછે છે?”

“જ્યારથી સમજણી થઈ ત્યારથી જોતી આવું છું, પણ કોઈને કહેવાની હિમ્મત નથી ચાલતી. પણ જ્યારથી તમારી સાથે પરિચય થયો, ત્યારથી એક ભાઈની કમી જે વર્ષોથી હતી એ પુરી થઈ હોઈ એવું લાગે છે, કદાચ ગયા જનમ ની કોઈ લેણાદેણી હશે. અને તમારી સાથે ખુલી ને બોલી શકું છું, જેટલું હું મમ્મી પાપા જોડે ખુલીને બોલી નથી સકતી.”

“ગોળ ગોળ વાત નાં કર બેટા, મુદ્દ્દા પર આવ, શું થયું? કેમ આજે નિરાશાવાદી વાતથી દિવસની શરૂઆત કરી?”

“કેમ કહું તમને? ક્યાંથી શરૂઆત કરું એજ નથી સમજાતું!!?”

“મનમાં હોઈ એ અને જે શબ્દો મગજમાં આવે એજ બોલ કોઈ પણ જાતનાં સંકોચ વગર.”

“છોકરીઓને બધા ગંદી, કામુકતા, વાસનાની નજરે કેમ જોતાં હશે? શું એ જયારે અમને એવી નજરે જોતા હશે ત્યારે એમને એની માં કે બહેન વિશે વિચાર નહિ આવતો હોય? લાગ મળે ત્યારે હાથ અડાડવો, આંખ મારવી, ગંદી કોમેન્ટ કરવી, વગેરે… કહેતા પણ શરમ આવે એવા અનુભવ કરતા હોઈએ અને સાંભળતા હોઈએ. ઘરે વાત કરીએ તો તો બહાર નીકળવા ના દે. એક તો તમને મારા પાપા ની ખબર છે કે એ કેટલાં ગુસ્સાવાળા અને વહેમીલા છે.”

“હાં , તો તું મને કહી શકે, શું થયું?”

“એટલેજ તો તમને યાદ કર્યા અત્યારે, મારે નાનપણના એક ખરાબ અનુભવ ની વાત શેર કરવી છે તમારી સાથે. પપ્પાને ધંધામાં નુકસાની ગઈ હતી, ગામમાં રહી શકે એવી પરિસ્થિતિ નહોતી, એટલે મને હોસ્ટેલમાં મુકવાનું નક્કી કર્યું, મેં ઘણો વિરોધ કર્યો, મમ્મી પાસે કરગરી, રડી, પણ મારુ કઈ ચાલ્યું નહિ, મારા પપ્પા પાસે મમ્મી નું પણ કઈ ચાલે નહિ એ મને ખબર હતી, તો પણ બાળસહજ જીદ્દ કરી મમ્મી પાસે કે પપ્પાને સમજાવ કે હું કોઈપણ હાલતમાં રહી લઈશ પણ મારે હોસ્ટેલ નથી જાવું, મમ્મીએ વાત કરી તો પપ્પાએ એમને મારીને ચૂપ કરાવી, હું અને મમ્મી બંને પપ્પાના કહેરથી સહમી ગયાં, મમ્મીને પણ નાનું ની ઘરે મૂકી આવવાના હતાં.

બીજે દિવસે સવારે પપ્પા મને લઈને…ખેંચીને હોસ્ટેલ જવા નીકળ્યાં, અમે બસ સ્ટેશને પહોંચ્યા, બસની રાહ જોતાંતા ત્યાં અમે 15-17 લોકો હતાં, પપ્પા પાંચ મિનિટમાં આવું કહીને ક્યાંક ગયાં, મારી ડરેલી આંખો આમથી તેમ જોવે, મનમાં ભાગીને મમ્મી પાસે જતો રહેવાનો વિચાર આવે, ત્યાં મારી નજર ત્યાં ઉભેલા લોકોમાં એક અંકલ પર પડે છે, જે પપ્પાની ઉંમરના જ હતા, મોઢામાં પાન હતું, દાંત લાલ, ચહેરાં પર અછબડાં ના ડાઘ, એની નજરમાં મને કંઈક અજીબ લાગ્યું, મારી એવડી ઉંમર નહોતી ત્યારે કે મને બીજી કઈ ગતાગમ પડે, મેં તરતજ નજર ફેરવી લીધી અને પપ્પાની રાહ જોવા લાગી, અને અચાનક પાછળથી કોઈકે મારી કમરની નીચે સ્પર્શ કર્યો હોઈ એવું લાગ્યું, મેં પાછળ વળીને જોયું તો એજ અંકલ હતાં અને એના ચહેરાં પર એની ગંદી સ્માઈલ, હું દોડીને થોડી આગળ આવી ગઈ, અને ત્યાં પપ્પા આવી ગયાં, મેં રાહતનો દમ લીધો અને એક છાનું ડૂસકું મુકાઈ ગયું મારાંથી. પપ્પાને તો ખબર પણ ના પડી, કારણકે એ મારી સાથે હતાં પણ નાં હોવા બરાબર એ હું સમજતી હતી પણ એમના આવવાથી બીજાની નજરમાં હું એકલી નહોતી એટલે બચી ગઈ.

હોસ્ટેલ પહોંચ્યા પણ ત્યાં પપ્પાની ગણતરી હતીકે મફતમાં રાખશે એ પુરી નાં થઈ, એટલે અમે પાછા આવવા નીકળ્યા, અંદરથી હું ખુશ હતી કે મમ્મી પાસે રહેવા મળશે અને હોસ્ટેલનું નામ હવે પપ્પા નહિ લે, પણ બસ સ્ટેશન પરના અનુભવથી હું ખળભળી ગઈ હતી. મિશ્ર લાગણીઓ થતી હતી ત્યારે, દુનિયાનો ચહેરો, પપ્પાની કાયરતા, મમ્મી પાસે જલ્દી પહોંચવાની અને એની હૂંફ મેળળવાની ઉતાવળ. બચપણમાં થયેલા એ અનુભવ અને હજુપણ એવીજ નજરોનો રોજ મને અને મારી ફ્રેન્ડ્સને થતો હોઈ છે. બહું ગુસ્સો આવે, પણ કાંઈ કરી શકું એમ નથી. એટલે આજે બધી વાત તમને કરી.”

“હમ્મમ, સારું કર્યું, પણ આટલી નિરાશાવાદી વાતો નાં કર, જમાનો બદલાઈ ગયો છે, સેલ્ફ ડિફેન્સ કરતા શીખવું જ પડશે, અને સાથે સાથે મનોબળ પણ મજબૂત બનાવું પડશે, તારે એવા સ્ટેજે પહોંચવું પડશે કે કોઈની હિંમત ના થાઈ તારી સાથે કંઈપણ આવું કરવાની, લોકો માન સન્માન ની નજરે જુવે, આદર કરે, તારા ઉદાહરણ આપે. તે કોઈ દિવસ એવું સાંભળ્યું કે કોઈ સફળ વ્યક્તિની કોઈએ છેડતી કરી હોઈ? તારામાં કોન્ફિડન્સ ની કમી છે, અને એનું કારણ તારો ઉછેર પપ્પાની બીક ની નીચે થયો છે એ પણ હોઈ શકે, તું તારી ફ્રેન્ડ પાયલને જો, એનો કોન્ફિડન્સ જો, કારણકે એને એની આવડતને આવકનું સાધન બનાવ્યું છે, તું પણ એવું કૈક કરી શકે. તારે અવાજ ઉઠાવો જોઈએ, મને જે વાત કરી તે તું સોશિયલ મીડિયા માં કરી શકે, તને ખબર છે ચૂપ રહેનારા હવે મૂર્ખ માં ખપી જાય છે.”

“મને કોલેજ જવા દેવા સિવાય ક્યાંય બહાર પણ નીકળવા નથી દેતા એ તમને પણ ખબર છે, તો હું શું અને કેમ કરી શકું?”

“મને એક આઈડિયા આવ્યો છે, અને તું એ ઘરે બેઠા પણ કરી શકે એમ છે.”

“શું?”

“આજકાલ ડિજિટલ જમાનો છે, લોકોને વાંચવા કરતા સાંભળવું કે જોવું વધુ ગમે છે, અને હજુ ઓડિયો બૂક નો ખ્યાલ અને ઉપયોગીતા બહું લોકોને ખ્યાલ નથી, તારો અવાજ પણ સારો છે, મને ભરોસો છે કે તારા અવાજમાં લોકોને વાર્તા સાંભળવાનું ગમશે, અને એ તું આરામથી કરી શકીશ, અને તારી ઓળખ પણ તું ચાહે તો છુપી રાખી શકીશ જેથી તને પપ્પા તરફથી કઈ પ્રોબ્લેમ ના થાઈ , પણ એક વખત તું સફળ થઇ ગઈ પછી તારા પપ્પા પણ વિરોધ નહિ કરી શકે, અને તારો કોન્ફિડેન્સ પણ વધશે, ટૂંકમાં તારા બધાજ પ્રોબ્લેમનું સોલ્યૂશન થઇ જશે એવું લાગે છે મને. ”

“આઈડિયા તો સારો છે, પણ શું અમલમાં મૂકી શકાય એવો છે? બૂક્સ ની ચોઈસ, રેકોર્ડિંગ, એડિટિંગ, પબ્લિશ અને જાહેરાત કોણ કરશે?”

“એક વાર તું મનથી તૈયાર થઇ જા, પોઝિટિવ વિચાર, બધું આપોઆપ ગોઠવાઈ જાશે, એટલું અઘરું નથી.”

“તો પણ થોડું કહો તો હિમ્મત આવે.”

“બુક્સની ચોઈસ હું કરી આપીશ અને સાથે લેખક અને પ્રકાશક ની મંજૂરી પણ હું મેળવી આપીશ, રેકોર્ડિંગ અને એડિટિંગ માટે આપણે તારી ફ્રેન્ડ પાયલની મદદ લઇ શકીશુ કારણકે એ એમના વિડિઓઝ એની યુ-ટ્યૂબ ચેનલ પર મૂકે જ છે, પબ્લિશ આપણે પણ કરી શકીએ આપણી યુ-ટ્યૂબ ચેનલ બનાવીને અથવા પ્રકાશક ને તૈયાર કરીને આપીએ અને એ બધું કરે.”

“ઓહો, તમે તો બધુજ વિચારી લીધું. સરસ તો ચાલો કરીએ કંકુના.”

*****

“ભાઉ, આજે મારી 100 મી ઓડિયો બૂક લોન્ચ થવાની છે, અને તમારે ખાસ હાજરી આપવી પડશે, તમે ના હોત તો હું આજે આ સ્ટેજ સુધી પહોંચી ના હોત.”

“મને તારા પર ગર્વ છે, હમણાંજ તારા પર આજના પેપર માં આવેલો લેખ વાંચતો હતો, તારો અવાજ અને વાર્તા કહેવાની શૈલી લોકોને બહુંજ ગમે છે, અને બહુજ ટૂંકા સમયમાં તે 100 ઓડિયો બૂક્સ નો રેકોર્ડ પણ કર્યો, હું આશા રાખું છું કે હવે તને જીવન કે લોકો પ્રત્યે કોઈ ફરિયાદ નહિ હોય.”

“હા ભાઉ, અને આ બધું તમારાં સાથ સહકારને લીધેજ થઇ શક્યું છે.”

-સમાપ્ત-

-ચેતન ઠકરાર

9558767835

 

ટૅગ્સ: ,

મેઘ-મલય


“કેમ ગ્રુપ લેફ્ટ કર્યું ?”

” ઓહ હાઈ, જય શ્રી કૃષ્ણ, બસ એમ જ.”

“જય શ્રી કૃષ્ણ, એમ જ ના હોઈ, આટલા વર્ષો પછી સોશિયલ મીડિયા ને લીધે બધા એકજ જગ્યા પર  ભેગા થઇ શકયા અને તું આમ લેફ્ટ થા એ મગજ માં નથી બેસતું ”

“સોરી, પણ અત્યારે હું કામ માં છું, તો પછી વાત કરીએ”

આટલું કહીને મલય ઑફ્લાઈન થઇ ગયો અને વિચારો ના વંટોળ માં ફસાઈ ગયો, ગ્રુપમાંથી કોઈ નહિ અને મેઘાએ જ કેમ મેસેજ કરી ને પૂછ્યું હશે ? આટલા વર્ષો સાથે ભણ્યાં પણ કોઈ દિવસ વાતચીત પણ નહોતી કરી એકબીજા સાથે, અને આટલાં વર્ષો માં કોણ ક્યાં હતું એ પણ ખબર નહોતી, પણ આ વ્હાટ્સએપ એ બધા સ્કૂલ ફ્રેન્ડ્સને ફરીથી સાથે જોડી દીધા. મલય એની સાથે ભણતા બધાજ મિત્રો કરતાં ખૂબ પાછળ હતો, હજું સુધી એ સફળ તો શું સ્થિર પણ થઇ શક્યો નહોતો, એટલે એણે જયારે ગ્રુપમાં જોયું કે બધાજ ક્યાં ના ક્યાં પહોંચી ગ્યાં છે અને એ હજુ સુધી સફળતાની સીડી ચડવાની તો દૂર ની વાત પણ દર્શન પણ કરી શક્યો નહોતો. એટલે એ થોડી શરમ અને લઘુતાગ્રંથિ અનુભવતો હતો, એને લીધે ગ્રુપમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો, પણ બીજું કોઈ નહિ અને મેઘાએ પૂછ્યું પણ એ એને કહી ના શક્યો.

પણ મેઘા એમ મલય નો પીછો છોડવા માંગતી નહોતી. એણે બીજે દિવસે મલયને ઓનલાઇન જોઈને ફરીથી મેસેજ કર્યો.

“હાઈ ”

“ઓહ હાઈ, કેમ છુઓ?”

“ફોર્માલિટીઝ ના કર, પહેલા મારી વાતનો જવાબ આપ ”

“શું કહું? તમને સાચું કહી નહિ શકું અને ખોટું બોલવાની આદત નથી.”

“તો સાચું કહી દે, મને સાચું સાચવવાની સારી આદત છે. અને આ શું તમને તમને માંડ્યું છે? આપણે સરખી ઉંમરના છીએ, અને સાથે ભણ્યાં છીએ, ‘તુ’ કહીશ તો ચાલશે અને ગમશે.”

“ઓકે, મને થોડો સમય આપો, આટલું જલ્દીથી ખુલીને યા  ખીલીને વાત નહિ કરી શકું.”

“ઓકે, હું રાહ જોઇશ તારા મેસેજ ની.”

******

રોજ આમ થોડી થોડી વાતો કરીને મેઘા  અને મલય એકબીજાના સારા એવા મિત્રો બની ગયા, અને મલયે ગ્રુપ કેમ છોડ્યું એ પણ કહ્યું અને વાતો નો દૌર ચાલતો રહ્યો.

“મલય, એક વાત પૂછું?”

“હાં ”

“સ્કૂલ માં બધા મારાં  વિશે શું બોલતા અને વિચારતાં ?”

“અઘરો સવાલ પૂછી લીધો હો..”

“મને ખબર છે કે આ સવાલનો જવાબ તારા સિવાય કોઈ સાચો નહિ આપી શકે, એટલે તને પૂછ્યું.”

“તમને ખબર જ છે કે આખી સ્કૂલમાં, કોઈ એવું નહિ હોઈ કે જેને તમારા માટે ક્રશ નહિ હોય, પણ કોઈ ની હિમ્મત નહોતી કે તમને પ્રપોઝ કરી શકે, બધા કહેતા કે કેટલી સુંદર છે, સિમ્પલ છે, વગેરે વગેરે….. બધા  પોતપોતાના સંસ્કાર મુજબ તમારાં વિશે બોલતા.”

“હા હા હા હા હા…. અને તું?”

“એજ કે આપડા કોઈ ના હાથમાં નહિ આવે.”

“અને એ સાચું પડ્યું, પણ તારાં જેટલી હિમ્મત કોઈએ આવું કહેવાની કરી નથી.”

“ગ્રુપ છોડવાનું એક કારણ આ પણ હતું, મને દંભ ના આવડે, અને આ પણ તમે પૂછ્યું એટલે કહ્યું.”

“મેં એટલે જ તને પૂછ્યું, હતું જ કે તું સાચું જ કહીશ. ચાલ, તું મને એ કહે કે કેમ તું હજુ એકલો છો?”

“કારણકે મેં પ્રેમ કર્યો તો, એની સજા કાપું છું.”

“ઓહ, હું આશા રાખું કે એ હું નહિ હોવ, હા હા હા હા”

“ના ના , તમે એટલા કિસ્મત વાળા પણ નથી”

“હા, એ મને ખબર છે.”

*****

“મલય, મેં તારાં બ્લોગમાં એક વાક્ય વાંચ્યું તું, ” જિંદગીના 95% પ્રોબ્લેમ રૂપિયાથી સોલ્વ થઇ જાય છે.”

“હા, હું આ વાત વર્ષો થી બધાને કહું છે, અને સાથે એ પણ કહું છું કે પૈસા પાસે એવું કોઈ દુઃખ નથી જેનો રૂપિયા વડે ઈલાજ ના થઇ શકે. પણ આ વાત આજે અચાનક કેમ યાદ આવી ?”

“વાહ, તું તો ફિલોસોફર પણ છો, મલય તને નથી લાગતું કે તું ખોટા ફિલ્ડમાં છો ? મેં તારો બ્લોગ વાંચ્યો, તારી સાથે વાતચીત માં પણ જાણ્યું કે તું સારું એવું લખી શકે છે, પછી ચાહે એ વાર્તા હોઈ, લેખ હોઈ, કવિતા હોઈ કે શાયરી હોઈ, તો તું એ ફિલ્ડમાં આગળ વધ ને, મેં ક્યાંક વાંચ્યું તું કે તમારો શોખ જે સફળતા અપાવી શકે એવી સફળતા બીજું કોઈ ના અપાવી શકે.”

“હા, હું માનું છું એ વાતમાં, પણ તમે ફરીથી વાંચી લ્યો એ વાક્ય જે વાંચી ને તમે મને અત્યારે મેસેજ કર્યો.”

“ફિલોસોફર ની સાથે હાજર જવાબી પણ છો, ગમ્યું. મેં તને એટલે જ મેસેજ કર્યો, મને પણ તારી એ વાતમાં તથ્ય દેખાય છે, અને મારી આજુબાજુ માં એવું બનતા પણ જોવ છું. હું જયારે ઇન્ડિયા આવું છું, ત્યારે બધા બહુંજ  પ્રેમ થી બોલાવે, જે લોકો પહેલા બોલાવતા પણ નહોતા એ લોકો પણ હવે ઘરે જમવાનું આમંત્રણ આપે છે, પ્રસંગોમાં બીજા કરતા મારુ અને સાહેબનું અને અમારી ‘માયા’ નું બહુ સાચવે અને સગવડતા પણ વધુ આપે,  મારી બહેન જે ઇન્ડિયા માં જ સાસરે છે એના કરતાં અમને વધુ માં સન્માન આપે, ત્યારે ત્યારે મને તારું એ વાક્ય બહુજ યાદ આવે. લોકો માટે શું પૈસોજ મહત્વનો હોય ? ”

“હાં , આજના સમાજમાં લોકો એકબીજાને રૂપિયા ના ત્રાજવે જ તોલે છે, રૂપિયો એક સમાંતર ધર્મ જ બની ગયો છે એમ કહીયે તો પણ ખોટું નથી. અને જે સુખ આપે છે અથવા સુખ આપતી પરિસ્થિતિનું નિર્માણ કરે છે તે ધર્મ છે. આ ધર્મનું મૂળ સંપત્તિમાં છે, જો સંપત્તિ ના હોય તો ધર્મનો કોઈ અર્થ સરતો નથી. ”

“તને આવું બધું સુજે છે ક્યાંથી?”

“અનુભવ, જિંદગી રોજ નવા નવા અનુભવ કરાવે છે, હું તો બસ કોઈને કહી ના શકું એટલે બ્લોગ પર લખી મનને હળવું કરીને ફરીથી નવી આશા સાથે (એ જાણવાં છતાં કે માણસ માટે આશાથી મોટી બીજી કોઈ સજા આ દુનિયા માં નથી.) મહેનત કરવા લાગુ, પણ એકલી મહેનત થી નથી થતું, કિસ્મત પણ જોઈએ સાથે.”

“થઇ જશે, નિરાશ ના થા, દુનિયા માં એવા ઘણા લોકો છે કે જેણે સફળતાનો સ્વાદ 40 વરસ પછી ચાખ્યો હોય , તું ધીરુભાઈ અંબાણીને અને KFC ના સ્થાપકને  યાદ કર, મેં તારાં જ બ્લોગ પર  આ બધું વાંચ્યું છે અને તું આમ નિરાશાવાદી વાતો ના કર.”

“હું નિરાશાવાદી વાતો નથી કરતો, કે નથી નિરાશ થતૉ , બસ જયારે કોઈ આમ સાન્ત્વનના શબ્દો કહે ત્યારે થોડું અજીબ  લાગે, સાંત્વનાના શબ્દો ઘણીવાર દુઃખને તાજું કરતાં  હોય છે. અને મને મારી ભૂતકાળની ભૂલો યાદ આવી જાય. ”

“હું કોઈ મદદ કરી શકું તારી?”

“ના ના, હું એક વાત માં દ્રઢપણે  માનું છું કે સંબંધની શાન સાચવવી હોય તો તેને ઉપકારના પડછાયા થી મુક્ત રાખવો. તમે પહેલા એવા વ્યક્તિ છુઓ કે જેણે  મને આમ પૂછ્યું હોઈ, અને  તમે પૂછ્યું એમાં બધું આવી ગ્યું.”

“એમાં ઉપકારની વાતજ ક્યાં આવી ? ચલ , પછી વાત કરીયે, મારે સાહેબના આવવાનો સમય થઇ ગયો.”

*****

“મેઘા, એક વાત કરવી છે.”

“હાં , બોલને ”

“કેમ કહું !!! એ નથી સમજાતું, અને તમે શું સમજશો એ વિચારીને 4 મહિનાથી કહી ન્હોતો શકતો, પણ આજે મારી પાસે કોઈ રસ્તો નહોતો એટલે  હિમ્મત કરીને તમને મેસેજ કર્યો.”

“કેટલા અને ક્યારે જોઈએ છે? મૂંઝાયા વગર ખુલી ને વાત કર.”

“તમને કેમ ખબર પડી!!!?”

“મલય, 3 વરસથી આપણે વાતો કરીયે છીએ, બંને ને એકબીજાંની બધી ખબર છે, તો પણ તું આવા સવાલ કરીશ!!!? ચાલ એ બધું મૂક અને મુદ્દા પર આવ.”

“10, અને એ હું તમને હપ્તે હપ્તે આપી દઈશ.”

“ફિકર નોટ, કાલે તને મોકલી આપીશ. અને પાછા આપવાની ઉતાવળ ના કરતો કે ટેંશન ના લેતો, તારાથી થાઈ  ત્યારે આપજે.”

*****

મેઘાએ મોકલેલા રૂપિયાએ મલય ની જિંદગીમાંથી દુઃખોની બાદબાકી કરી અને સુખોનો સરવાળો, અને મલય એક પછી એક સફળતાની સીડીઓ ચડતો ગયો અને એક દિવસ એણે મેઘાને મેસેજ કર્યો.

“મેઘા, મેં રૂપિયા ટ્રાન્સફર કર્યા છે, મળી જાય એટલે મેસેજ કરી દેજો.”

“અરે, બહું ઉતાવળ કરી તે તો, રાખ હજુ જોઈતા હોઈ તો, મારે હમણાં જરૂર નથી.”

“ના ના, તમારાં  રૂપિયા ફળ્યા  મને, કર્જ તો તમારા રૂપિયાથી પૂરું થઇ ગયું તું, અને પછી તમે કહ્યું એમ જોબ ની સાથે શોખ ને પણ સમય આપ્યો અને સફળતા મળતી ગઈ, ટેંશન દૂર થયું તેને લીધે જોબ અને શોખ બંને માં મારુ 100% આપી શક્યો એટલે 2 વર્ષ ના ટૂંકા ગાળા માંજ હું આજે એક સન્માન જનક સ્થાને છું, અને આ બધાનો શ્રેય ફક્ત ને ફક્ત તમને જ છે. જો તમે મને ત્યારે સાથ અને સહકાર ના આપ્યો હોત, પ્રેરણા ના આપી હોત , તો હું અત્યારે હજુ ત્યાં નો ત્યાં જ હોત.”

“બસ બસ. બહુ થ્યું , આ બધું તે કહ્યું જ છે જયારે જયારે વાત થઇ ત્યારે,  મૂક એ બધું અને મને એ કે હવે તો સ્કૂલના ગ્રુપ માં જોઈન થઈશ ને? ”

“હાં ”

*****

સમાપ્ત

-ચેતન ઠકરાર

9558767835

 

 

 

 

 

 

 

 

 

 

ટૅગ્સ: , ,