RSS

Monthly Archives: જાન્યુઆરી 2020

નેત્રમ


શિયાળાની સવાર ,ગુલાબી ઠંડીનો અહેસાસ અને ઉપરથી રજાનો દિવસ શહેરની મધ્યમાં આવેલ 10 માળના ટાવરના છઠ્ઠા માળેની બાલ્કનીમાં બેઠા ચા પીતા છાપું વાંચવાની મજા જ કઈ અલગ હોય છે.

પ્રદ્યુમન આ આહલાદક આનંદ ની મજા માણતો હતો. એ પ્રકૃતિ પ્રેમી હતો, બાલ્કનીમાં નાનાં-મોટાં જુદા જુદા ફૂલોના કુંડાઓ રાખ્યાં હતાં તે ઉપરાંત પક્ષીઓને પીવા પાણી અને અનાજ ચણવાનું પાત્ર પણ રાખેલ હતું. બાલ્કનીની બેઠક તેમને ઉદ્યાનમાં બેઠા હોવાનો આભાસ કરાવતો હતો. તે ઉપરાંત લોક પરિચય મેળવી રજાના દિવસોમાં કામ ઊપરાંત પરિચય થયેલ નવા મિત્રને મળવું,બેસવું લગભગ દરેક રજાઓમાં આ એનો નિત્યક્રમ રહેતો.

અચાનક ધડામ.. દઈ ને ઘરનો દરવાજો ખુલે છે. કૃપ તેનો 13 વર્ષનો દીકરો ક્રિકેટ કોચિંગ માંથી આવે છે. કૃપ સાથે કેમ્પમાં આવતો બીજો છોકરો પણ ઘરે આવેલો હતો. કુતૂહલ વશ પ્રદ્યુમન એ છોકરાંને બોલાવે છે.” બેટાં.. તારું નામ શું છે? એકદમ ફૂટડો, શારીરિક સ્વસ્થ, વિવેકી વર્તન વાળો છોકરો એના મૃદુ અવાજમાં કહે છે, “”નેત્રમ”.

નામ સાંભળી પ્રદ્યુમનના હૈયે એક અજબની ટાઢક વળે છે. મનોમન વિચારે છે “કેવું સરસ કુદરતનું સર્જન છે. આ છોકરો આટલો સરસ છે તો તેના માતા-પિતા કેવા હશે?” પ્રદ્યુમનને નેત્રમ સાથે વધુ વાતો કરવાનું મન થાય છે. ” બેટા.. તું ક્યાં રહે છે? તારા મમ્મી-પપ્પા શું કરે છે?” નેત્રમ આંગળી વડે ઈશારો કરતાં જવાબ આપે છે, ” ત્યાં સામે જ અમારો ફ્લેટ છે. મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પા શિક્ષક છે.હજુ વાત આગળ કરવા જાય ત્યાં કૃપના બોલાવવાથી નેત્રમ કૃપના રૂમમાં જાય છે. અને ક્રિકેટ કીટ વિશેની માહિતી લઈ જતો રહે છે.

પ્રદ્યુમન રવિવારનો દિવસ હોય અને કઈ ખાસ અન્ય કામ પણ ન હોય કૃપને બોલાવી કોચિંગ વિશે અને નેત્રમ વિશે પૂછે છે. કૃપ જવાબમાં કહે છે,”પપ્પા નેત્રમ આજથી જ કોચિંગમાં આવ્યો અને મારી કીટ જોવા તેમજ એની પૂછપરછ કરવા આવેલો, એ ત્યાં સામેના ફ્લેટમાં જ રહે છે.” પ્રદ્યુમન સહજ રીતે સરસ તને કોચિંગમાં જવા-આવવા કંપની મળી ગઈ. તે એમનો કોન્ટેક્ટ નંબર તો લીધો ને” કૃપ જવાબ આપે છે. “હા પપ્પા નેત્રમએ એમના પપ્પાનો નંબર આપ્યો છે”

પ્રદ્યુમન નવરાશ ની પળ હોય મનોમન નેત્રમના પપ્પા સાથે ઓળખાણ કરવા વોટ્સએપ પર મેસેજ શરૂ કરે છે. મસેજની આપ-લે થાય છે અને થોડીવારમાં સારા ચેટ ફ્રેન્ડ બની જાય છે. એમનું નામ કંદર્પભાઈ, એમનું એડ્રેશ, કઈ સ્કૂલમાં જોબ કરે છે, વિગેરે ઘણી જ વાતો કરે છે. મેસેજમાં કંદર્પભાઈ ઘરે પધારવાનું આમંત્રણ પણ આપે છે.

પ્રદ્યુમન એમની દૈનિક ક્રિયાઓ પુરી કરી બની ઠની નીકળી પડે છે કંદર્પભાઈના ઘરે. ત્યાં પહોંચી ડોરબેલ વગાડે છે. નેત્રમ ઘરનો દરવાજો ખોલે છે. “આવો અંકલ..” પ્રદ્યુમન ઘરમાં પ્રવેશે છે ત્યાં સોફા પર કંદર્પભાઈ નેત્રમને પૂછે છે. “બેટા કોણ આવ્યું?” નેત્રમ જવાબ આપતાં, ” પ્રદ્યુમન અંકલ… કૃપના પપ્પા..”

કંદર્પ ભાઈ એમને મીઠો આવકાર આપતાં અંદર બોલાવે છે અને સોફા પર બેસાડે છે. પણ પ્રદ્યુમન અવાચક હોય છે. એ કંદર્પભાઈને મળી થોડો સ્તબ્ધ થઈ જાય છે. તેના મનમાં પ્રશ્નોની વણઝાર ઉમટી પડી હોય છે.કારણ કંદર્પભાઈને આંખો જ નથી હોતી!!! કંદર્પભાઈ તેમના પત્ની ક્રિષ્નાબેન પ્રદ્યુમન ભાઈ માટે પીવાનું પાણી લઈ આવવા કહે છે. ક્રિષ્નાબેન પાણી લઈ આવે છે અને જ્યારે પ્રદ્યુમન તેની સામે જુવે છે ત્યારે એના શરીર માંથી વીજળી પસાર થઈ જાય છે. કારણ ફરી એ જ ક્રિષ્નાબેનને પણ આંખો નથી હોતી. બંને પ્રજ્ઞાચક્ષુ હોય છે. નેત્રમ પ્રજ્ઞા ચક્ષુ દંપતીનો લાડકવાયો એકનો એક દેવનો દીધેલ પુત્ર હોય છે.

પ્રદ્યુમન અવાચક હોય, કંદર્પભાઈ પ્રદ્યુમન ને,” શું થયું અમને જોઈ હેબતાઈ ગયાં!! હા.. હા..હા.. અરે ભાઈ આતો ઈશ્વર નિર્મિત છે. એમણે અમારી આંખો લઈ લીધી પણ અમારી છઠ્ઠી ઇન્દ્રિય જાગ્રત કરી દીધી. હાલ અમે બંને કલ્પના દ્રષ્ટિ વડે જે રંગો જોઈ શકીએ એ તમે કોઈ જ ન જોઈ શકો. અત્યારે સમય એટલો ઝડપી થઈ ગયો છે. અને વિજ્ઞાન પણ એટલું આગળ વધ્યું છે કે હાલ અમો તમારી જેમજ સ્માર્ટફોન પણ વાપરતાં થઈ ગયા છીએ. ભલે ઈશ્વરએ અમને આંખો નથી આપી પણ અમને નેત્રમ આપ્યો છે. એ મારી આંખ જ છે. અમે જન્મગત અંધ છીએ એટલા જ જાગરી છીએ. અમે એકબીજાના સહારે બધું જ કરી શકીએ છીએ. અને જિંદગીના 40 વર્ષો પસાર કર્યા બાદ હવે કોઈ ડર નથી બસ હવે નેત્રમ એની જીવનની પગથિયાંઓ ચડવા માંડે બસ એટલે ઈશ્વર પાસે પ્રાર્થના છે.”

પ્રદ્યુમન કંદર્પભાઈની વાતોથી મંત્ર મુગ્ધ થઈ જાય છે.,”કંદર્પભાઈ તમે મુંજાતા નહીં કંઈ પણ કામ હોયતો મને કહેશો નેત્રમને પગથિયાં ચડવા ટેકો હું આપીશ.” કંદર્પભાઈ એ ફરી હસતાં કહે છે,” હું મુંજાતો નથી કારણ એ જ કે ઈશ્વર તમારી જેમ જુદા જુદા સ્વરૂપે જ ડગલે-પગલે સહાય આપી જ દે છે. અમે અમારી તપશ્ચર્યા કરે જઈએ છીએ. અમે અમારી તપશ્ચર્યા પુરી થશે ત્યારે એ જ હાથ પકડી આગળના માર્ગે લઈ જશે”

કંદર્પભાઈની વાતોથી પ્રભાવિત પ્રદ્યુમનની આંખોમાં પાણી આવી જાય છે પહેલાં નેત્રમ અને પછી પ્રજ્ઞાચક્ષુ દંપતી તરફ જોઈ સોફા પરથી ઉઠે છે. નેત્રમ ના માથા પર પ્રેમાળ હાથ ફેરવી કંદર્પભાઈને હાથ મેળવી ત્યાંથી રવાના થઈ જાય છે. મનોમન સંકલ્પ કરે છે કંદર્પભાઈ અને ક્રિષ્નાબેન ને એમની સગી આંખે દેખતાં કરવા.

તેર વર્ષનો બાળક પણ નાના મનમાં ઘણું સમજતો હતો પણ વ્યક્ત નહોતો કરી શકતો. ધીમે ધીમે મક્કમ મગજે નેત્રમ ભણતરમાં પણ આગળ વધતો ગયો. પ્રદ્યુમન એમના નિત્યક્રમ મુજબ દરેક રવિવારે જુદા જુદા લોકોને મળવા લાગ્યો પણ હવે પછીનો એમનો એક જ લક્ષ રહ્યો લોકોને નેત્રદાનના યજ્ઞ માટે લોકોને જોડવાનો.

પ્રદ્યુમન એમના પુત્ર કૃપની જેમજ નેત્રમને પણ માર્ગદર્શન આપવા લાગ્યાં. અને એક આંખના ડોકટર બનવા માટે પ્રોત્સાહિત કરે છે.આ તરફ કંદર્પભાઈ એક સફળ શિક્ષક તેમજ જે રીતે સમયસાથે તાલ મિલાવી જે રીતે આગળ વધ્યા હતાં એ બીજા અનેક અંધબાળકો ને ઉદાહરણ રૂપ બને છે એ અંધબાળકોને સ્વાવલંબનના પાઠ શીખવે છે.

વર્ષો વીતી જાય છે નેત્રમ જોત-જોતામાં એક સફળ આંખનો ડોકટર બને છે. પ્રદ્યુમનભાઈ એક નેત્રદાન માટેની એક સંસ્થા ઉભી કરે છે. બંનેના વર્ષોના પ્રયત્નો બાદ એક દાતા મળે છે અને સૌ પ્રથમ નેત્રમ આ દાતાની આંખો એમની જન્મદાત્રી ક્રિષ્નાને લગાવી યજ્ઞની શરૂઆત કરે છે.

વર્ષો બાદ ક્રિષ્નાબેન એમની નવી આંખો વડે એમના પુત્રને જુવે છે. ક્રિષ્નાબેન ને મળેલી આંખોની અદમ્ય ખુશી કંદર્પભાઈને હોય છે. અંતે કંદર્પભાઈ પુત્ર નેત્રમને પૂછે છે, “બેટા તારી ‘માં’ ને નેત્રદાન કરનાર દાતા કોણ છે?” નેત્રમની આંખોમાં આંશુ આવી જાય છે અને એ કહે છે. “પપ્પા.. માં ને નેત્ર આપનાર બીજું કોઈ નહીં પણ પ્રદ્યુમનકાકા જ છે” કંદર્પભાઈ સ્તબ્ધ થઈ પૂછે છે, “બેટા.. કંઈક સમજાય તેવું કહે.” નેત્રમ કંદર્પભાઈને સત્ય હકીકત જણાવતા, “પપ્પા.. પ્રદ્યુમન અંકલ તમારી આંખો માટે દાતા શોધવા અમદાવાદ ગયેલા હતાં, ત્યાં એમને એક દાતા મળ્યાં હતાં. અંકલ તમારાં માટે એ ખૂશ ખબર લઈ આવત હતા ત્યારે એમનો લીમડી હાઇવે પર અકસ્માત થાય છે અને સ્પોટ ડેથ થાય છે. એમની ઈચ્છા મુજબ એમના નેત્ર દાન કરવાના હતાં જે મા ને આપવામાં આવી. અને જે દાતાની માહિતી લઈ અમદાવાદથી આવતાં હતાં એ આંખો આવતીકાલે તમને લગાવવામાં આવશે. કાકા એ ઉપાડેલ સંકલ્પ એમણે એમની અંતિમક્ષણો સુધી નિભાવી.”

*******

લેખક : ઉજાસ વસાવડા

મો.૯૯૧૩૭૦૧૧૩૮

ઇમેઇલ:-ujasvasavada@gmail.com

 

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 31, 2020 માં Ujas Vasavda

 

ટૅગ્સ: ,

શિશુ મંદિર


“એ જ રંગ રૂપ..! એ જ નાક નકશો.. એ જ જાણે ઘૂઘરી રણકતી હોય એવો મધુર અવાજ.. પણ ચહેરા પરની આભા અલગ..! પુખ્તતા અલગ.. નટખટપણું ને અલ્લડતા જાણે ક્યાંય ચાલ્યા ગયા હતાં. 10 વર્ષનાં થર ચડાવી દઈએ તો સૂચિ આવી જ લાગતી હોવી જોઈએ..” સૂચિને ઓળખવામાં કદંબની ભૂલ ક્યારેય ના થઈ શકે..! એનાં દરેક શ્વાસને પણ ઓળખતો  હતો કદંબ.. પણ એણે કેમ એવું વર્તન કર્યું કે જાણે ઓળખતી જ ના હોય..! આજથી 10 વર્ષો પહેલાં ઘણાં પ્રશ્નો નિરુત્તર છોડીને જ ક્યાંક ચાલી ગઈ હતી સૂચિ.. અને આજે આટલાં વર્ષે જ્યારે મળી છે ત્યારે પણ ઘણાં પ્રશ્નો નિરુત્તર રહી ગયા..

“આ બાળકો માટેનો કલાસરૂમ છે. અહીં શિશુ મંદિરનાં બાળકોને રાખવા અને ભણાવવામાં આવે છે. આ બાળકોનાં શારીરિક વિકાસની સાથે તેનો સામાજીક, માનસિક, બૌદ્ધિક વિકાસ થવો પણ ખૂબ જરૂરી છે. અહીંનો મુખ્ય ઉદ્દેશ ન્યૂરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર ધરાવતાં બાળકોનાં રિહેબિલિટેશન એટલે કે પુનઃવસનનો છે. જેમાં આવા બાળકોને રોજિંદી ક્રિયા માટે સ્વાવલંબી બનાવવામાં મદદ કરવામાં આવે છે.. સૌથી પહેલો જે જોયો એ બાળકોની કસરત માટેનો રૂમ હતો.. ત્યાં બાળકોને જે તકલીફ હોય એ મુજબની કસરત કરાવવામાં આવે છે.. એમાં કલર થેરાપી, સ્પીચ થેરાપી, ઓક્યુપેશન થેરાપી એ બધાનો સમાવેશ થાય છે.. ઓક્યુપેશન થેરાપી દ્વારા હાથની પકડ સુધારવા, હાથનાં નાના સ્નાયુઓની તાકાત વધારવા, બુદ્ધિપૂર્વક રોજિંદી ક્રિયાઓમાં હાથનો વપરાશ સુધારવા માટેની પ્રવૃત્તિ બાળકોને શીખવવામાં આવે છે. મુખ્યતયા બાળકની શારીરિક કાર્યક્ષમતાનો આધાર બે બાબત પર હોય છે. ગ્રોસ મોટર સ્કીલ એટલે કે એવી ક્રિયા જેમાં શરીરનાં મોટા કદનાં સ્નાયુઓનો ઉપયોગ થાય છે. જેમકે ચાલવું, દોડવું, કૂદકા મારવા, પગથિયાં ચડવા, ભાંખોડિયાભર ચાલવું વગેરે જ્યારે બીજી ફાઇન મોટર સ્કીલ કે જેમાં હાથ, પગનો પંજો વગેરેનાં નાના સ્નાયુનો ઉપયોગ થાય છે જેમકે, ચમચી પકડવી, પેનથી લખવું, લોટ બાંધવો વગેરે.. રિહેબિલિટેશન કાર્યમાં ગ્રોસ મોટર વિકાસ ફિઝિયોથેરાપી દ્વારા તથા ફાઇન મોટર વિકાસ ઓક્યુપેશનલ થેરાપી દ્વારા સુધારી શકાય છે.” નેહાબેન આખી સંસ્થાની મુલાકાત કરાવતા જતાં હતાં અને સમજાવતા જતાં હતાં.

“નેહાબેન.. પેલા કસરત વાળા રૂમમાં જે પિંક કલરનો ડ્રેસ પહેરેલ બહેન હતાં એ કોણ હતાં..? અને એ કેટલાં વર્ષથી અહીં છે” કદંબે પૂછ્યું..માગધીએ કોણી મારીને કદંબની સામે એવું ના પૂછવા ઈશારો કર્યો..

“કોણ.. પેલા ફિઝિયોથેરાપીસ્ટ? એ તો ડો. શાખાબેન.. બહુ જ હોશિયાર છે. ક્યારથી છે એ તો મને ખબર નથી. હું પોતે 5 વર્ષથી અહીં સેવા આપું છું.. ત્યારની તો જોઉં છું એમને..આખી જિંદગી એમની અહીં જ સમર્પિત કરી દીધી છે એમણે.. બાળકોને ખૂબ પ્રેમથી સાચવે છે.. એક્ચ્યુલી અહીંનાં મુખ્ય કર્તા હર્તા જ એ છે એમ કહીએ તો ચાલે.. એ છે તો શિશુ મંદિર છે..” કદંબને આઘાત લાગ્યો.. સૂચિએ એનું નામ પણ બદલી નાખ્યું!

આગળનાં રૂમમાં ગયા ત્યાં ઘણાં બાળકો રમતાં હતાં. એમાં કોઈ કોઈ બાળકો ગોળ ગોળ ચકરડી જ ફર્યા કરતાં હતાં. ત્યાં એક બેન એક નાના બાળકને બોલનો ઘા કરી એ પકડે એવી કોશિશ કરતાં હતાં તો એક ડોક્ટર બાળકને એક કપડામાં ટાઈટ વીંટાળીને પ્રેસર આપવાની કોશિશ કરતાં હતાં. પેલું બાળક ખૂબ રડયે જતું હતું. નેહાબેન એક બાળકીને વ્હાલથી બોલાવવા ગયા.. “દ્રષ્ટિ.. દ્રષ્ટિ..! આ બાજુ જો.. જો તારા માટે શું લાવી છું..” પેલી છોકરીએ ના તો એની સામે જોયું કે ના તો એની સામે હસી.. ઉલ્ટી ત્યાંથી ભાગીને બીજી જગ્યાએ ગોળ ગોળ ફરવા લાગી.

“આ સ્પેશિયલી ઓટીઝમ વાળા બાળકો નો રૂમ છે.. એ બાળકોને કોમ્યુનિકેશન, કો ઓર્ડિનેશન,  અને સોશિયલ ઇન્ટર એક્શનનો પ્રોબ્લેમ હોય છે. રિપીટેડ મૂવમેન્ટ કર્યા કરે અને કોઈ પણ સામે આંખ મેળવીને જુએ નહીં કે હસે પણ નહીં.. તે એની જ દુનિયામાં રહેવાનું પસંદ કરે છે. આ બાળકો મોટાં ભાગે હાઇપર એક્ટિવ હોય છે. અને કરૂણતા એ છે કે એમને કશી તકલીફ છે એ સમજતાં મા બાપને પણ વાર લાગે છે. ઘણી વાર બાળક 5-6 વર્ષનું થાય ત્યાં સુધી મા બાપ સમજી નથી શકતા. એટલે એમને ટ્રીટમેન્ટ આપવામાં પણ મોડું થઈ જાય છે કારણકે આવા બાળકોને સારવારની અસર 12 કે 14 વર્ષ સુધી થાય છે. એ પછી ખાસ ફરક પડતો નથી.”

“અને અહીં મોટાં ભાગે સી.પી. ચાઈલ્ડ એટલે કે સેરીબ્રલ પાલ્સી વાળા બાળકો છે. મગજનો લકવો હોય છે આ બાળકોને..જન્મ સમયે, જન્મ પહેલાં માતાનાં ગર્ભમાં અથવા જન્મ બાદ એક વર્ષમાં વિકસતા મગજને કોઈ કારણસર નુકસાન કે ઇજા પહોંચવાથી ઉદભવતી પરિસ્થિતિ. જેમાં મગજ ને થયેલાં નુકસાનનાં પ્રમાણમાં બાળકને તકલીફ હોય છે. આ બાળકોને સાચવવા એટલે આખી જિંદગી આપી દેવી.. કારણકે આ બાળકોને ગ્રોસ મૂવમેન્ટમાં પણ તકલીફ હોય છે. જેને લઈને કોઈ પણ અંગોનાં સ્નાયુઓ જકડાયેલા હોવા, હલન ચલન મર્યાદિત તો ઘણી વાર શરીરનાં અવયવોની ક્રિયા અનિયંત્રિત હોવી જેવી ફરિયાદો પણ હોય છે. અમુક સી.પી. બાળકો શારીરિક સાથે માનસિક વિસંગતતા ધરાવતાં હોય છે. ” કદંબે જોયું તો એક બાળક ઘસડાતું ચાલતું હતું. એનાં પગ કામ નહોતાં કરતાં. દેખાવમાં એ મંદ બુદ્ધિ લાગે. અમુક બાળકોનાં હાથ તો અમૂકનાં પગ અને સ્પીચમાં તકલીફ હતી.

એક બાળકનો ચહેરો ઘણો મોટો અને ગરદન ટૂંકી લાગતી હતી. આંખો સ્હેજ ત્રાંસી હતી. સ્નાયુઓ ઢીલા હતાં. સાંધાઓ લચી પડેલાં હતાં. મંદ બુદ્ધિ જેવો લાગતો હતો. આવા ચેહરા વાળા ઘણાં બાળકો કદંબે આ પહેલાં પણ જોયા હતાં. “એને ડાઉન સિન્ડ્રોમ છે..મોંગોલ ફેસ તમે સાંભળ્યું હશે.. એક જિનેટિક બીમારી. એનો માનસિક વિકાસ યુવાન હોવા છતાં 8 વર્ષનાં બાળક જેટલો જ હોય છે.”

“અને આ બધાં એમ. આર. ચાઈલ્ડ.. મંદબુદ્ધિનાં બાળકો..” નેહાબેન એક પછી એક દરેક બીમારીનો પરિચય કરાવતાં જતાં હતાં.

“અને આ બધાં બાળકો માટેની ભોજન શાળા, આ બોયઝ હોસ્ટેલ.. આ ગર્લ્સ હોસ્ટેલ.. અહીં બે પ્રકારનાં બાળકો હોય છે.. ઘણાં અહીં જ રહે છે.. અને ઘણાં નજીકનાં શહેરમાં હોય એ ફક્ત સ્કૂલમાં ભણવા માટે આવે છે. એમનાં માટે વાહનની વ્યવસ્થા પણ હોય છે.” કદંબે જોયું કે ભોજન શાળાથી લઈ, રસોડું, હોસ્ટેલ બધું એકદમ સ્વચ્છ ને સુઘડ હતું. હોસ્ટેલમાં દરેક બાળક માટે અલગ બેડ અને એમાં પણ રેકઝીનનાં કવર યુક્ત ઘણી પથારીઓ હતી. “ઘણાં બાળકોને ટોયલેટ વગેરેની હજુ ખબર નથી પડતી એટલે આવી પથારીઓ રાખવામાં આવી છે. એક બેન છે જે 24 કલાક આવા બાળકોની સંભાળ લે છે.

“અહીં બાળકોને રાખવાની કોઈ ફીઝ હોય છે..?” માગધી એ પૂછ્યું.

“અહીં બે પ્રકારનાં બાળકો છે. સધ્ધર કુટુંબનાં લોકો અહીં બાળકોને સારું શિક્ષણ, સારવાર અને ઉછેર મળી રહે એ માટે મૂકી જતાં હોય છે. રજાઓમાં એમને એમનાં ઘરે મોકલી દેવામાં આવે છે.. પણ સાચું કહું..? રજા પડે ને બાળકો રડવા લાગે છે..એમને ઘરે જવું પણ નથી હોતું.. એ બાળકોનાં માતા પિતા પાસેથી ફી લેવામાં આવે છે.. એ લોકો તો ઘણી વાર અન્ય બાળકની સારવાર માટેનો ખર્ચ પણ ઉઠાવે છે.. એ લોકો ઘરે બેઠાં બેઠાં પોતાનાં બાળકોની એક્ટિવિટી જોઈ શકે એ માટે ઠેક ઠેકાણે અહીં કેમેરા પણ રાખવામાં આવેલ છે..” કદંબને યાદ આવ્યું કે ભોજન શાળામાં એણે આવો કેમેરા જોયો હતો.

“બીજા બાળકો છે કે જેમનાં માતા પિતા નથી હોતાં કે નથી સાચવવા માંગતા એ એમને અહીં જ છોડી જાય છે.. એવા બાળકો ઘણી દયનીય સ્થિતિમાં અહીં આવે છે અને એમને સાચવવાનાં અહીં કોઈ પૈસા લેવામાં નથી આવતાં. અને એ બાળકોને જ વિધિવત રીતે દતક પણ આપીએ છીએ.. પણ કોઈ જ આ બાળકોને દતક લેવા નથી આવતું. તમારાં જેવા વિરલાઓ જ ક્યારેક અહીં આવી પહોંચે છે.  બાકી તો આ જ એમનું ઘર છે અને અમે જ એમનાં મા બાપ..!” માગધીની આંખમાં પાણી આવી ગયા. કદંબ પણ ઢીલો થઈ ગયો.

“બેન.. બધી પ્રકારનાં મા બાપ અમે તો જોયા છે.. એવા પણ જોયા છે કે જેમને આવું સંતાન આવે એ પછી આખી જિંદગી ખર્ચી નાખે છે. બીજું સંતાન પણ નથી કરતાં જેથી આમને સરખો સમય આપી શકે.. અને એમની સંભાળ એ જ એમનો જીવન ધ્યેય બની જાય છે..બહુ અઘરું હોય છે બેન આવા બાળકોને સાચવવા.. તમે સરખો વિચાર તો કર્યો છે ને..! 24 કલાક નો દિવસ પણ ઘણી વાર ટૂંકો પડે છે.. અને એવા પણ મા બાપ જોયા છે કે આવા સંતાનોને ભગવાન ભરોસે છોડી દે છે. કસરત પણ નથી કરાવતાં. એક જશે તો બીજું આવશે એમ સમજીને..!” માગધીથી સિસકારો નીકળી ગયો..

“ઘણી વાર એમ થાય કે મા બાપ પણ ધન્ય જ છે.. આવા બાળકોને સાચવવા એ ખૂબ મોટી જવાબદારીનું અને ખર્ચાળ કામ છે. જેને પંડનાં ઠેકાણા ના હોય એ કરે કેટલું.. છોકરાઓ તો એમ છતાં ય સચવાઈ જાય બેન.. પણ છોકરીઓનું શું.. સંડાસ પેશાબ ની ખબર ના પડતી હોય એવી છોકરીઓને જ્યારે માસિક ધર્મ શરૂ થાય ત્યારે સૌથી વધુ તકલીફ થાય છે. જમાનો પણ ખરાબ છે. એટલે ધ્યાન પણ ખૂબ રાખવું પડે છે. તકેદારી રૂપે છોકરીઓનાં ગર્ભાશય જ કઢાવી નાખવા પડે છે.. મોટા ભાગે તો કોઈ સંસ્થા પણ છોકરીઓને રાખવા તૈયાર થતી નથી. પણ અમારું આ શિશુ મંદિર બધા માટે ખુલ્લું છે.. છોકરીઓ અને છોકરાઓ માટે પણ..

“ખબર નહીં ઈશ્વર ક્યા પાપ કર્મોની સજા બાળકોને અને મા બાપને આપતો હશે..”માગધી હતાશ થઈને બોલી પડી..

“અરે બેન.. એ શું બોલ્યા.. આ બાળકો પાપી નથી.. અમે તો દ્રઢતાથી માનીએ છીએ કે આ બધા બાળકો ઈશ્વરનું જ સ્વરૂપ છે.. એટલે જ તો આ સંસ્થાનું નામ પણ શિશુ મંદિર રાખ્યું છે.. અને અહીં આવતાં કોઈ પણ બાળકને અમે શિશુ નારાયણથી જ ઓળખીએ છીએ.. તમને રોગોની સમજ આપવાની હતી એટલે મેં એ રીતે સમજાવ્યું.. બાકી આ બધામાંથી કોઈને અમે દિવ્યાંગ કે સ્પેશિયલ ચાઈલ્ડ પણ નથી કહેતાં.. આ બધા તો શિશુ નારાયણ જ છે અમારાં માટે તો.. ગયા જન્મનાં કોઈ યોગીઓને એનાં થોડાં કર્મો ભોગવવાનાં બાકી રહી ગયેલ હોય ત્યારે આવા નારાયણ રૂપ અવતાર ધારણ કરે છે અને એમનાં બાકી રહેલ કર્મો ભોગવે છે.. આ એમનો છેલ્લો જન્મ હોય છે.. આવા યોગીઓની સેવા તો ભાગ્યશાળી લોકોને મળે છે.. જે મા બાપ આ વાત સમજી નથી શકતા એ કમનસીબ છે.. અને આ વાત તમે મને કરી એ કરી પણ અમારા શાખાબેન સામે આવી વાત ભૂલે ચૂકે પણ ના કરતાં.. નહીં તો એ અહીંથી જ તમને કાઢી મૂકશે અને બાળક દતક લેવાનું તો તમારે માંડી જ વાળવું પડશે..” નેહાબેને માગધીની વાતથી દુઃખી થઈને કહ્યું.. કદંબને આ બધી વાતો જાણીતી લાગી.. સૂચિ પણ એમ જ તો કહેતી અને એને લઈને જ તો બન્ને વચ્ચે ઝઘડાઓ થતાં..

આગળ ચાલતાં ચાલતાં બધાં મેદાનમાં આવ્યા. ત્યાં એક સ્ટેજ જેવું ઉભું કરેલ હતું જેમાં ઘણાં બધા શિશુ નારાયણ ત્યાં સંગીતનો જલસો માણી રહ્યા હતાં. કોઈ ઢોલ વગાડી રહ્યું હતું તો કોઈ માઈકમાં ગીત ગાઈ રહ્યું હતું. કોઈનાં હાથમાં ખંજરી હતી.. સૂર તાલની કોઈને પરવા ન્હોતી. બધાં પોત પોતાની મસ્તીમાં સંગીત મહેફિલ માણી રહ્યા હતાં.

“આ લોકોને સંગીતની તાલીમ પણ અપાય છે?” કદંબે પૂછ્યું.

“સંગીત જ નહીં.. આ લોકોને તમામ પ્રકારની તાલીમ અપાય છે.. સંગીત, નૃત્ય, સ્પોર્ટ્સ, સીવણ, હેંડીક્રાફ્ટ.. આ બાળકોને ઘણી વાર અમુક કુદરતી બક્ષિસ પણ હોય છે.. આ પ્રકારની તાલીમ આપતાં આપતાં બાળકોની ટેલેન્ટ ને અમે ઓળખીએ છીએ અને પછી એમાં ખુલ્લું મેદાન આપીએ છીએ.. વારંવાર એ લોકોનો ટેલેન્ટ શો પણ કરીએ છીએ.. એમાં પણ આ બાળકો દ્વારા બનાવવામાં આવતાં દીવડા, અગરબત્તી, થેલા વગેરે તો ખૂબ વેંચાય પણ છે.. અને એ બાળકો થોડાં સ્વનિર્ભર થતાં પણ શીખે છે.. તમે નહીં માનો.. ઓલો કાર્તિક ત્યાં બેઠો છે એ તો ગયા વર્ષે સ્પેશિયલ ચાઈલ્ડ માટેની બેડમિન્ટન સ્પર્ધામાં નેશનલ લેવલ પર વિનર થયો છે..”

“શું વાત કરો છો..! આ બાળકોમાં આટલું બધું ઇમ્પ્રૂવમેન્ટ મળે છે?” કદંબે નવાઈથી પૂછ્યું.

“અરે સાહેબ.. ઘણી વાર તો બાળકો નોર્મલ પણ થઈને જાય છે. હજુ પાછલાં વર્ષે જ આમાંથી બે છોકરીઓને અમે ધામધૂમથી પરણાવી. અને સાહેબ એનો આનંદ જે છે ને.. એ તો ઘરનાં છોકરાંઓ પરણે ત્યારે ય નથી આવતો..” નેહાની આંખોમાં ચમક આવી ગઈ.

આ બધી વાતો ચાલતી હતી ત્યાં એક નવ દસ વર્ષનો બાળક જે સરખું ચાલી પણ ન્હોતો શકતો એ આવીને અચાનક કદંબને વળગી જ પડ્યો અને એની તોતળી ભાષામાં કદંબને ‘પપ્પા.. પપ્પા’ કરવા લાગ્યો.. કદાચ એનાંથી વધુ એ બોલી શકતો ન્હોતો કે એને ફાવતું ન્હોતું.. પણ એ એટલાં જોરથી કદંબને વળગી પડ્યો કે જાણે ક્યારેય આ પકડ ઢીલી ના કરવા માંગતો હોય.. કદંબે પણ એને પોતાનાં બાહુપાશમાં સમાવી લીધો.. બન્નેની જન્મો જન્મની તરસ જાણે પૂરી થઈ રહી હોય એ રીતે..એ દ્રશ્યથી ત્યાં ઊભેલાં દરેકની આંખમાં પાણી આવી ગયું.

“બિલ્વ.. છોડી દે દીકરા.. એ પપ્પા નથી..” નેહા બાળકને અલગ કરવાની કોશિશ કરી રહી હતી પણ એ અલગ થવા જ તૈયાર ન્હોતો.. આખરે ચોકલેટની લાલચ આપીને એને અલગ કર્યો.

“માફ કરજો સાહેબ..! એ છોકરાની માનસિક ઉંમર 3 વર્ષનાં બાળકથી વધુ નથી. બોલતાં પણ વધુ શીખ્યો નથી. નાનપણથી પપ્પાનું ઘેલું છે. પપ્પાને ક્યારેય જોયા નથી એટલે કોઈ પણ પુરુષને જુએ કે પપ્પા-પપ્પા કહીને વળગી પડે છે. ચાલો.. તમારી બાળક દતક લેવા માટેની ફોર્માલીટીઝ પૂરી કરી લઈએ. અમુક જરૂરી ફોર્મ ભરી આપો એટલે લીગલ પ્રોસીઝર શરૂ થઈ શકે. આ બાળકોને દતક લેવા બહુ ઓછા લોકો આવે છે એટલે તમારે લાંબો સમય વેઇટ પણ નહીં કરવું પડે. ફોર્મ ને જરૂરી કાગળ્યા સબમિટ કર્યા બાદ તમારા ઘરે માણસો તપાસ કરવા આવશે અને બધું બરોબર હશે તો થોડાં સમયની અંદર તમને બાળક મળી જશે.”

“માફ કરજો બેન.. પણ શું અમને અમારી પસંદનું બાળક જોઈતું હોય તો એ મળી શકે..? આ બિલ્વને ગળે લગાડતી વખતે મને લાગ્યું કે જાણે મારું પોતાનું જ સંતાન છે.. શું આ બિલ્વ અમને દતક મળી શકે?” માગધીએ પણ સહમતિ પૂર્વક સૂર પૂરાવ્યો.

“બિલ્વ..? પણ એ તો..!” નેહા પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં જ શાખા ત્યાં આવી ગઈ.. એ આ બધું જ દ્રશ્ય દૂર ઉભી ઉભી જોઈ રહી હતી.

“નેહા..તું ઓફિસમાં જા અને જરૂરી કાગળ્યા તૈયાર કર.. હું આ લોકોને લઈને આવું છું..”

“હા.. તો શું કહેતાં હતાં તમે..? તમારે બિલ્વ દતક જોઈએ છે.. ઓકે.. એ થઈ જશે.. પણ તમે બાળકને વ્યવસ્થિત સાચવી શકશો..? ઘણાં લોકોને આવા બાળકોની સૂગ હોય છે.” શાખાએ તીરછી નજરે કદંબ તરફ જોતાં કહ્યું.

“સૂચિ…!”

“શાખા.. શાખા નામ છે મારું.. ડો. શાખા..”

“ઓકે.. માફ કરજો ડો. શાખા.. પણ હું એટલે કે અમે.. હું અને મારી વાઈફ માગધી બન્ને બિલ્વને સગા દિકરાથી પણ વધુ સારી રીતે સાચવીશું એનું વચન આપીએ છીએ.. .કેમ માગધી..?” કદંબે આડકતરી રીતે માગધીનો પરિચય પણ આપી દીધો.

***********

શિશુ મંદિરથી આવ્યા ત્યારનો કદંબ બેધ્યાન હતો.. કોઈ જ કામમાં એનું મન લાગતું ન્હોતું.. બે દ્રશ્યો વારંવાર એની આંખ સામે આવ્યા કરતાં હતાં. શિશુ મંદિરનાં બાળકો, બિલ્વ.. અને બીજું.. સૂચિ… એટલે કે ડો. શાખા.. સૂચિને ઓળખવામાં કદંબે કોઈ જ ભૂલ કરી ન્હોતી. પણ સૂચિ કેમ અજાણ્યાની જેમ વર્તન કરતી હતી. એણે કેમ નામ બદલ્યું છે.. આટલાં વર્ષે મળી છે તો પણ આ રીતે..!

વારંવાર એનું મન સૂચિ તરફ ખેંચાતું હતું. 22 વર્ષની સૂચિ એટલે જાણે ધરતી પરની અપ્સરા.. રંગ, શરીર, દેહ લાલિત્ય.. બધું જ જાણે ઈશ્વરે એને ભરી ભરીને આપ્યું હતું.. ખૂબ નિરાંતે ઘડી હતી ઈશ્વરે એને.. અને કદંબ… કદંબ પણ કંઈ કામદેવથી કમ ન્હોતો.. કેટલીય રતિઓ એનાં તરફ આકર્ષાઈ હતી. પણ કદંબને કોઈ આજ સુધી ગમી ન્હોતી. પણ સૂચિને જ્યારે પહેલી વાર જોઈ ત્યારે જ ભાન ભૂલી ગયો હતો.. એક નાટકમાં મેનકાનો રોલ કરી રહી હતી.  કદંબ પ્રેક્ષકોમાં હતો. ત્યારની એ મેનકાએ આ વિશ્વામિત્રની તપસ્યા ભંગ કરી હતી.. લગ્ન કરું તો આ મેનકા સાથે જ..! અને પછી શરૂ થયો મેનકાને પટાવવાનો વણથાક્યો અવિરત ક્રમ…!

“સલીમ કો અનારકલી ભા ગઈ હે ભાઈ.. અબ યે ઢૂંઢો કિ અનારકલી કહાઁ રહતી હે, ક્યા કરતી હે..” કદંબે ગુલાબ સૂંઘતા સૂંઘતા સલીમની અદામાં મિત્રોને કહ્યું.. ને મિત્રો પણ એવા જીગરજાન.. તરત જ કામે લાગી ગયા.. “ફિઝિયોથેરાપીસ્ટ છે. એક હોસ્પિટલમાં નોકરી કરે છે.. અહીં આ શહેરમાં એકલી જ રહે છે. ગામડે મા બાપ છે.  જેટલી સુંદર છે, એટલી જ બિન્દાસ, અલ્લડ.. ગુણોમાં પણ બત્રીસ લક્ષીણી છે.. ઘણાં ભમરાઓએ આ ફૂલનો રસ ચૂસવાની કોશિશ કરી છે પણ નાકામયાબ રહ્યા છે..” રિપોર્ટ બધો હાજર હતો. હવે શરૂ થયા મજનુનાં લેલાની આસપાસ ચક્કર.. અને મજનુ પણ કંઈ જેવો તેવો થોડો હતો..! કદંબ હતો..! કદંબ એક વાર જે નક્કી કરે એ કરીને જ રહે.. આખરે લેલા-મજનુ, સલીમ-અનારકલી પછી બીજી કોઈ જોડી લોકપ્રિય થઈ હોય તો એ કદંબ ને સૂચિની હતી.. લોકો ઈર્ષ્યા કરતાં આ જોડીની.. બન્નેને એક બીજા વિના એક મિનિટ ના ચાલે.. જાણે એક બીજા માટે જ બન્યા હોય..! બસ એક જ વાતે ઝઘડાઓ થતાં.. કદંબ સુંદરતાનો આશિક હતો.. એનાંથી કુરૂપતા સહન ના થતી.. સૂચિ પણ હંમેશા તૈયાર થયેલી જ હોવી જોઈએ એની પાસે.. સુંદર જ લાગવી જોઈએ… ત્યાં સુધી પણ વાંધો ન્હોતો.. પણ સૂચિનું કામ…! એ હોસ્પિટલમાં સેરેબ્રલ પાલ્સી અને મંદ બુદ્ધિનાં બાળકોની સારવાર કરતી.. અને એ એને ગમતું કામ હતું.. જ્યારે કદંબ માટે..! મોઢામાંથી લાળ ટપકતી હોય, સંડાસ-પેશાબનું ભાન ના હોય, તોતડી બોલી હોય, હાથ કે પગ કે શરીરનાં અન્ય કોઈ અવયવો ખામી યુક્ત હોય.. આવા બાળકોને જોઈને કદંબને સૂગ ચડતી.. એ કાયમ સૂચિને એનું કામ છોડી દેવા સમજાવતો.. “પૈસાની ક્યાં જરૂર છે સૂચિ..? હું સારું જ કમાઉં છું ને..! સતત નેગેટિવિટીની વચ્ચે રહેવાથી આપણે પણ નેગેટિવ થઈ જઈએ.. ઈશ્વરે કેવી સરસ દુનિયા બનાવી છે.. કેટલું બધું સુંદર છે આ દુનિયામાં.. એની વચ્ચે રહે ને..!”

“તને આ બધું નેગેટિવ લાગે છે કદંબ? આ બાળકોની સેવા કરવાથી મળતી શાંતિ, સંતોષને તું નેગેટિવ કહે છે..? તું જેને નેગેટિવ કહે છે ને એ જ મારાં જીવનનું ધ્યેય છે.. આ બાળકો સાથે હોઉં છું ત્યારે હું દુનિયાની સૌથી અમીર વ્યક્તિ હોઉં છું..”

એક દિવસ આ વાતને લઈને એ બન્ને વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો અને બીજા દિવસથી જ એ ગુમ થઈ ગઈ. પહેલાં થોડાં દિવસો તો એની તપાસ પણ ના કરી.. આવશે એને જરૂર હશે તો.. પણ સમય જતો ગયો એમ સૂચિની યાદ એને સતાવવા લાગી. ફોન કર્યો તો નમ્બર અસ્તિત્વમાં ન્હોતો. હોસ્પિટલ, ઘર બધે તપાસ કરી જોઈ.. એ નોકરી છોડીને ચાલી ગઈ હતી.. એનાં ગામડાનાં ઘરે તપાસ કરતાં જાણવા મળ્યું કે એનાં થોડાં સમયમાં લગ્ન છે ને હવે એને પરેશાન ના કરે.. બહુ આઘાત લાગ્યો હતો કદંબને.. “એક વાર વાત તો કરવી હતી સૂચિ.. ઝઘડાને આટલું મોટું સ્વરૂપ આપ્યું..!

થોડાં સમય સુધી તો દેવદાસ બનીને ફર્યા કર્યું.. જે બાળકોને લઈને ઝઘડાઓ થતાં એમને ધીમે ધીમે પ્રેમ કરવાનું શરૂ કર્યું.. થાય એટલી એમની સેવા કરવાનું શરૂ કર્યું.. અને જેમ જેમ આ બાળકોને પ્રેમ કરતો ગયો એમ એને સૂચિ માટે પણ વધારે માન થતું ગયું.. આ બાળકોની પ્રેમની જરૂરિયાતને એ સમજવા લાગ્યો.. પ્રેમનો સાચો અર્થ પણ સમજવા લાગ્યો. પ્રેમ એ લેવાની નહીં પણ આપવાની વસ્તુ છે એ પણ સમજાયું.. અને સાચો પ્રેમ શરીરની સુંદરતાનાં આધારે કે ત્યાં સુધી કે ગુણોનાં આધારે પણ નથી થતો.. એ તો બસ હોય છે.. પાણીનાં પ્રવાહની જેમ વહેતો રહે છે અને એનાં માર્ગમાં જે કોઈ આવે એને કોઈપણ ભેદભાવ વગર પલાળતો રહે છે.. હકીકત એ હતી કે આ બાળકોએ જ એને પ્રેમ કરતાં શીખવ્યો. ત્યારથી જ નક્કી કર્યું કે ભવિષ્યમાં તક મળશે ત્યારે આવા કોઈ બાળકને દતક લઈને એ પોતાની ભૂલનો પશ્ચાતાપ કરશે..

સૂચિનાં વિરહમાં 2 વર્ષ આમ જ વિતાવી નાખ્યા. આખરે ઘરનાં લોકોની સમજાવટથી 2 વર્ષ બાદ એક સુંદર સુશીલ કન્યા માગધી સાથે લગ્ન કરી લીધા.. પરંતુ લગ્નનાં 8-8 વર્ષો છતાં માગધીનો ખોળો સૂનો જ રહ્યો. બધા તરફથી બાળક દતક લેવાનું સૂચન આવ્યું જેને કદંબ અને માગધીએ સહર્ષ આવકાયું.. કદંબે વધુ સૂચન કર્યું કે “નોર્મલ બાળકોને તો બધાં દતક લે માગધી..! હું તો કોઈ ડિસેબલ બાળકને દતક લેવા માંગુ છું.” માગધીએ કદંબનાં સૂચનને વધાવી લીધું.

**************

બધી જ ફોર્માલિટીઝ પૂરી થઈ ગઈ હતી. આખરે વર્ષોથી સૂના ઘરમાં બાળકની કીકીયારી સાંભળવાનાં દિવસો આવી જ ગયા. માગધી અને કદંબ ઉત્સાહમાં હતાં તો સાથે સાથે બન્નેને પોતાની જવાબદારીઓનું પણ ભાન હતું. બિલ્વની તકલીફો વિશે જાણીને ઘણાં કસરતનાં સાધનો વસાવી લીધા હતાં ઘરમાં.. એ દરમ્યાન બે ત્રણ વાર ડો. શાખાને મળવાનું થયું પણ તેણે અજાણ્યા જેવું જ વર્તન કર્યું. હવે તેનાં પણ લગ્ન થઈ ગયા હશે એટલે જૂના દિવસોને એ યાદ નહીં કરવા માંગતી હોય એમ સ્વીકારીને કદંબે પણ પોતાનાં મનને મનાવી લીધું હતું. હવે એણે પોતાનું બધું ધ્યાન બિલ્વમાં કેન્દ્રિત કર્યું.. આ દરમ્યાનમાં માગધી અને કદંબ અવારનવાર બિલ્વ પાસે જતાં. બિલ્વ પણ એ લોકો સાથે એકદમ હળી મળી ગયો હતો. આજે બિલ્વને લેવા જવાનો હતો.

શિશુમંદિરની ઓફિસે બધી ફોર્માલીટીઝ ચાલતી હતી. માગધી બિલ્વની સાથે બહાર મેદાનમાં રમતી હતી. કદંબ હજુ ઓફિસમાં જ હતો. ડો. શાખા અને કદંબ અત્યારે એકલા જ હતા. કદંબ ને એની સાથે વાત કરવાનો મોકો મળી ગયો.

“આ બધી પ્રક્રિયાઓમાં મદદ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર સૂચિ.. ઓહ સોરી.. ડો. શાખા..”

“સૂચિ કહી શકે છે તું..” સૂચિએ નજર કાગળ્યામાં રાખીને જ જવાબ આપ્યો.

“થેન્ક્સ..! એની વે.. ઘણાં વર્ષો પછી મળી છો એટલે સવાલ તો ઘણાં છે.. પણ એક જ પૂછીશ.. સુખી છે ને તારા સંસારમાં? તારાં હસબન્ડ શું કરે છે? મળાવ તો ખરા ક્યારેક…”

“હા.. એટલે.. કે.. સૂચિ બોલતાં થોથવાતી હતી એ કદંબે અવલોકન કર્યું.. સુખી છું.. ખૂબ સુખી છું..”

“તું મને એક એબનોર્મલ બાળક દતક આપવા તૈયાર થઈ ગઈ? તને ખબર છે મારી એ લોકો પ્રત્યેની નફરત છતાં..!”

“એબનોર્મલ નહીં.. શિશુ નારાયણ” સૂચિ રોષપૂર્વક બોલી ઉઠી..

“આઈ એમ વેરી વેરી સોરી.. ભૂલથી નીકળી ગયું.. “

“મને એ પણ ખ્યાલ છે કે આપણે જુદા પડ્યા પછી તેં આ બાળકો માટે ઘણું કામ કર્યું છે.. તારાં મનનો પશ્ચાતાપ જ્યારે તને આવું સંતાન દતક લેવા સુધી પ્રેરતો હોય ત્યારે હું તને રોકવા વાળી કોણ..?”

એટલામાં બિલ્વ ઘસડાતો દોડતો આવ્યો. નેહા એની પાછળ એને પકડવા દોડી હોય એ રીતે આવતી હતી. બિલ્વ આવીને જલ્દીથી સૂચિનાં ખોળામાં ગોઠવાઈ ગયો.. એણે કદંબ તરફ આંગળી ચીંધીને એટલું જ કહ્યું “પપ્પા.. પપ્પા..” સૂચિએ એનાં માથા પર હાથ ફેરવ્યો.. એને ચૂમીઓથી નવડાવી દીધો.. “હા દિકરા..! એ જ તારાં પપ્પા છે.. તારે હવે એમની સાથે જ રહેવાનું છે..” આટલું બોલતાં બોલતાં સૂચિ પોતાની જાત પરનો કાબૂ ગુમાવી બેઠી. રડી પડી. બિલ્વ કશું જ સમજતો ના હોય એમ હાથમાં રહેલાં દડા સાથે રમતો રહ્યો.. કદંબ આ દ્રશ્યથી થોડો હેબતાઈ ગયો..

“મેડમ.. તમે ધન્ય છો.. પારકાં છોકરાઓને અન્યાય ના થાય એટલાં સારૂ પંડનો છોકરો દતક દઈ દેવાનો નિર્ણય તો તમારા જેવા દેવી જ કરી શકે.. જેવા તેવાનું એ કામ નહીં..” નેહા બોલી ઉઠી.. આ વાત સાંભળીને કદંબ ખુરશીમાંથી લગભગ ઉભો થઈ ગયો..

“સૂચિ.. સોરી.. ડો. શાખા..બિલ્વ તમારો દિકરો છે? તમે એને દતક આપવા તૈયાર થયા છો..? પણ શા માટે..? કદંબ બોલી ઉઠયો.

“આ મારો સ્વૈચ્છિક નિર્ણય છે કદંબજી.. કોઈ ભાવનામાં આવીને મેં આ પગલું નથી ભર્યું.. મારો આ દિકરો.. જન્મ્યો ત્યારનો ‘મા’ પણ બોલતાં નથી શીખ્યો.. પણ ‘પપ્પા’ બોલે છે.. દરેક પુરુષને જોઈને એને ‘પપ્પા’ કહીને વળગી પડે છે. પિતાનાં પ્રેમ માટે તરસ્યો છે.. કદાચ એને ‘પપ્પા’ મળી જાય તો એની તબિયતમાં પણ થોડો સુધાર આવે..! ને આમ પણ મારી પાસે તો અહીં કેટલાં બધાં દિકરા દિકરીઓ છે..! ઉલ્ટું, ખુદનાં દિકરા પ્રત્યેની આસક્તિનાં લીધે હું બીજાં છોકરાઓ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય કરી બેસતી હતી જે હવે નહીં કરું.. અને રહી વાત બિલ્વની.. તો એની સમજ તો હજુ 3 વર્ષનાં બાળક જેટલી જ છે.. એટલે એ તો થઈ જશે એડજસ્ટ.. તમારી અને માગધીજી સાથે ભળી પણ ગયો છે..”

“પણ ડો. શાખા.. આપનાં હસબન્ડ..? એનાં પપ્પાનું શું..! તમે એમ કેમ કહો છો કે પિતાનાં પ્રેમ માટે તરસ્યો છે..! શું એનાં પપ્પા..?”

“સાહેબ.. ડો. શાખાએ લગ્ન નથી કર્યા.. ને નામ પણ ના લો એનાં પપ્પાનું સાહેબ..! ડો. શાખાબેન એક છોકરાંને પ્રેમ કરતાં.. પણ એ તો આવાં બાળકોને નફરત કરતાં.. ડો. શાખા બેનની તો જીંદગી જ આ હતી.. એટલે જ શાખાજીએ તેને છોડી દીધો. અને એ પછી તો શાખાજીનું પોતાનું બાળક જ..! એટલે જ એમણે ફરી ક્યારેય એ છોકરાંને સંપર્ક ના કર્યો.. હવે બિલ્વ ફક્ત શાખાજીનો દિકરો નથી. હવે એ આખા શિશુ મંદિરનો દિકરો છે..” નેહાનાં જવાબથી કદંબની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ..! “સૂચિએ લગ્ન નથી કર્યા..! એટલે કે બિલ્વ…! બિલ્વ મારો જ દિકરો છે..! મારો અને સૂચિનો..!” એણે પ્રશ્નાર્થ નજરે સૂચિ સામે જોયું. સૂચિએ આંખો ઢાળી દીધી..

કદંબને સૂચિ સાથેની છેલ્લી મુલાકાત અને ઝઘડો યાદ આવી ગયા. પ્રેમનાં નશામાં બન્ને બહુ નાજુક પળોમાં સરી પડ્યા હતાં. એ પછી સૂચિએ પૂછ્યું હતું.. “કદંબ.. આપણે હવે લગ્ન ક્યારે કરીશું..”

“બહુ જલ્દીથી જ.. પણ મારી એક વિનંતી છે સૂચિ..! પ્લીઝ.. તું તારી આવી જોબ છોડી દે. કોઈ બીજી શોધી લે.. સતત આવા બાળકો વચ્ચે રહેવાનું..!”

“પણ એમાં તને વાંધો શું છે…! હું ક્યાં તને ફોર્સ કરું છું કે તું પણ એ લોકો સાથે સમય વિતાવે..!”

“ના સૂચિ.. તને ખબર છે.. હું બધું સહન કરી શકું પણ કુરૂપતા મારાથી સહન નથી થતી.”

“તું એમ કેમ વિચારી શકે કદંબ.. ધાર કે કાલે મને જ કંઈ થઈ ગયું તો..? ધાર કે આપણું બાળક જ એવું આવ્યું તો..!” સૂચિ ઉગ્ર થઈ ગઈ..

“બસ.. ઇનફ સૂચિ.. આવી નેગેટિવ વાતો નહીં કર..!”

“આ નેગેટિવ વાત નથી કદંબ.. થવા કાળ ગમે તે થઈ શકે.. આપણું બાળક એવું આવ્યું તો તું શું એનો સ્વીકાર નહીં કરે..?” સૂચિ ખૂબ ગુસ્સામાં બોલી.

“હા… નહીં સ્વીકાર કરું જા..! એવું બાળક આવ્યું ને તો એને એ જ ક્ષણે હું કોઈ અનાથાશ્રમમાં આપી દઈશ..” કદંબ ક્ષણિક આવેશમાં બરાડી ઉઠ્યો.. અને આ ઝઘડો એમનાં સંબંધો માટે અંતિમ ઘાતક શસ્ત્ર સમાન નીવડ્યો.

માગધી જલ્દીથી ઓફિસમાં અંદર આવી. બિલ્વને સૂચિનાં ખોળામાંથી ખેંચીને તેડી લીધો.. “બદમાશ..! છૂપાછૂપી રમવામાં અહીં છેક આવીને સંતાઈ ગયો.. હું તો તને બહાર શોધતી હતી..” એમ કહીને એ બિલ્વને ગલગલિયા કરવા લાગી.. બિલ્વ પણ હસવા લાગ્યો.. “છૂપાછૂપીની રમત તો ઘણી વાર ઉપરવાળો પણ આપણી સાથે રમી જાય છે માગધી…!” કદંબનાં મોઢામાંથી સરી પડ્યું. સૂચિ આ વેધક દ્રશ્ય જોઈ ના શકી.. એ જલ્દીથી આંખોનાં ખૂણાં લૂંછતાં બહાર નીકળી ગઈ.

*******

લેખિકા : ડૉ. આરતી રૂપાણી

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 30, 2020 માં Dr. Arti Rupani

 

ટૅગ્સ: ,

પુર્ણ પ્રેમ


સાથ નહીં સંગાથ આપ
વિચારીને નહીં
એમ જ આપ…

હું માંગીશ નહીં
તું સમજીને આપ

જોખીને નહીં
બેહિસાબ આપ

કોઈ સ્વાર્થથી નહીં
પૂર્ણ પ્રેમથી આપ

દિવસો, મહિના, વરસો નહીં
જીવનભર આપ

નિયમો સૌ કોરે રાખ
બંડખોર બનીને આપ

નામની નથી પરવા કોઇ
સ્નેહના સંબંધે આપ
આંખોની ભાષા સમજીને
હ્રદયના ધબકારે આપ

પૂર્ણતાની નથી મંછા
થોડું થોડું સઘળું આપ

શું જોઈએ છે પુછીશ નહીં મને
મને તારો વિશ્વાસ જ જોઈએઆપી શકે તો એજ આપ….

” અરે .. જાનું આમ તું મારી સાથે અબોલા ન કર.. તારું મૌન મારો જીવ લઈ રહયો છે!”

“તું એ જ લાગનો છે.. કાલે પેલી ચિબલી સાથે તે વાત જ શા માટે કરી? આજે એક દિવસ હું તારી સાથે નહીં જ બોલું..”

“જાનું… મને માફ કર પ્લીઝ.. નેક્સટ ટાઈમ હું ધ્યાન રાખીશ..”

શહેરના બગીચામાં સવારે ચાલવા આવેલ રાકેશના કાને કુંજલ અને સૌમિલ વચ્ચે ચાલી રહેલો સંવાદ અથડાયો અને સહજ એનાથી હસી જવાયું. રાકેશનું હાસ્ય સૌમિલથી સહન ન થયું. અને તે રાકેશ તરફ ધસ્યો..,” શું અંકલ અમારી વાત માં મજા લો છો! ક્યારેય પ્રેમ કર્યો હોય તો ખબર પડે. આ છોકરીઓના નખરાં, એની માંગણીઓ કેવી હોય છે તમને ખબર છે? સાલું આ પ્રેમ કરીને પણ કેટલું ટેંશન પાળું છું.”

થોડી દૂર બેઠેલી કુંજલ ઉભી થઇ આવી,”એટલે… હવે હું તારા માટે ટેંશન છું! હું નખરાં કરું છું? હું તારી પાસે માંગણીઓ મુકું છું એ તને ભારી પડે છે! તો પછી આ જાનું… જાનું… કરી આખો દિવસ મારી આગળ પાછળ શા માટે ફરે છે! આખો દિવસ સાથે હોવા છતાં રાત્રે તારા વિના ઊંઘ નથી આવતી, ગીત ગાય ને સંભળાવ એવા મેસેજ ,ફોન કોલ્સ બધું નાટક જ છે? જા આજથી તારું અને મારું બ્રેક અપ.” કુંજલ આટલું બોલી છણકો કરી ચાલી ગઈ.

સૌમિલ રાકેશ તરફ ફરીને,” શુ અંકલ તમે તો મારું પાંચમી વાર બ્રેકઅપ કરાવ્યું!” આટલું કહી ને જાનું…. જાનું… બુમો નાંખતો કુંજલ પાછળ દોડતો જાય છે.

કુંજલ અને સૌમિલ કોલેજમાં ભણતાં પ્રેમી પંખીડા હતા, રોજ સવારે એ બને બગીચામાં ભેગા મળી પ્રેમાલાપ કરે. રાકેશ 35 વર્ષનો પરિણિત યુવાન શહેરની માધ્યમિક શાળામાં આચાર્ય હતો. એમને એમ.એસ.સી. બી.એડ કરેલું ત્યાર બાદ આચાર્યની પરીક્ષા પાસ કરેલી. અને શહેરની સરકારી માધ્યમિક શાળામાં આચાર્યનું પદ શોભવ્યું હતું. રાકેશને નાની ઉંમરમાં જ સફળતાઓ મેળવેલી હતી. એ રોજ સવારે બગીચામાં ચાલવા જતો અને ત્યાં આ પ્રેમી પંખીડા ને જોઈ એમના દિવસો યાદ કરતો. આજે સવારે કુંજલ અને સૌમિલ સાથે અનાયાસે જ બનાવ બનેલો. આ બનાવને અંતે રાકેશ મનોમન એક જ વાત વિચારતો રહ્યો. ” હું તો માત્ર હસ્યો જ હતો એમાં ‘હું’ બ્રેકઅપ નું કારણ શા માટે ? અને ‘હું’ એટલો પણ મોટો નથી કે 21 વર્ષના છોકરાઓ મને અંકલ કહે!!”

બીજે દિવસે સવારે ફરી પ્રેમી પંખીડા એક બીજામાં ઓતપ્રોત થઈ બેઠાં હતાં. રાકેશ ને નવાઈ લાગી અને મનોમન,”હજુ કાલે તો બ્રેક અપ થયેલું! આ આજની યુવા પેઢીએ પ્રેમ શબ્દ ને મજાક બનાવી દીધો છે”.

રાકેશ બંને ની પાસે જાય છે અને, “તો આજે ફરી પેચ અપ થઈ ગયું?”

કુંજલ હળવું સ્મિત આપે છે અને સૌમિલ એક આંખ મિચાવી અંગુઠો બતાવી તેમનો મુક પણ હકારમાં જવાબ આપે છે. પછી રાકેશને મનમાં એક પ્રશ્ન ખૂંચતો હતો એ પૂછી નાખે છે, “બાય ધ વે!! હું તમને ક્યાં એંગલથી અંકલ જેવો દેખાવ છું?” સૌમિલ હાથ જોડવાનો અભિનય કરી,”સર! આઈ એમ સોરી.. બધાને અંકલ કહી સંબોધવાની મને આદત છે. હું મારા મીત્રોને પણ વાત વાતમાં અંકલ કહું છું.” આ વાત સાંભળી ત્રણેય હસી પડે છે.

રાકેશ પાછો ફરતો હોય છે. ત્યાં પાછળ થી કુંજલ રાકેશ ને , “સર..એક મિનિટ … મારે પણ તમને એક પ્રશ્ન કરવો છે. તમને કાલે અમારી વર્તણુંક માં એવું શું લાગ્યું કે હસવું આવી ગયું?”

રાકેશ કુંજલના પ્રશ્નનો જવાબ આપતા, “ખોટું ન લગાડશો પણ તમે લોકોએ પ્રેમ શબ્દને મજાક બનાવી દીધો છે. ક્યારેક કૃષ્ણ ચરિત્ર વાંચો, રોમિયો જુલિયત વાંચો, પ્રેમ ઉપર ઘણા સાહિત્યો લખાયાં છે. ક્યારેક પ્રેમ શું છે એ તો સમજો! પ્રેમ કોઈ દિવસ કરવાનો ન હોય એ તો સહજ થાય. પ્રેમ માત્ર વિજાતીય જાતિ સાથે હોય તેવું પણ જરૂરી નથી. સૌમિલ એ વાત કરી ‘મારૂં પાંચમી વખત બ્રેકઅપ થયું’. એટલે શું સમજવાનું!! પ્રેમમાં બ્રેકઅપ- પેચઅપ થોડું હોય. જો કૃષ્ણજી અને રાધાજી ઈશ્વરીય અવતાર થઈને પણ એક બીજાને પામી નહતાં શક્યાં, પણ એમનો પ્રેમ આજે એક પ્રતીક છે. તમે લોકોતો ફિલ્મી ટાઈપ પ્રેમની વાતો કરો છો. નાના છોકરા કે છોકરીઓ ને જ્યારે કોઈ ઢીંગલી કે રમકડાં તરફ લગાવ થઈ જાય ત્યારે એ સૂતાં, બેઠાં, ઊઠતાં દરેક વખતે એ સાથે રાખે,એના વિના એ રડવા લાગે. એ જ રીતે એ નિર્જીવ રમકડા ની જગ્યા એક વિજાતિય જીવ એ લીધી અને તેના વિના ન ચાલે એવું વારંવાર મનને તમે જ સમજાવેલું હોય છે. પ્રેમતો એક અલભ્ય અનુભુતી છે. જેને પ્રેમ થયો છે એ વ્યક્તિ નજીક હોય કે ન હોય તેની હાજરી હંમેશ અનુભવાતી હોય, હદયના તાંતણાઓ મળી ગયાં હોય. પ્રેમમાં પામવા કરતાં આપવું વધુ ગમે. પ્રેમમાં તો બોલ્યાં વિના સમજી જવાનો ભાવ હોય. પ્રેમમાં ક્યારેય ફરિયાદ ન હોય માત્ર સમર્પણ ભાવ જ હોય. પ્રેમમાં રિસમણા કે મનામણાં ક્યારેય ન હોય. પ્રેમ તો સતી સાવિત્રીનો પણ હતો કે જે તેના પતિને યમરાજ પાસેથી પાછો લઈ આવે છે”. પ્રેમ વિશે વાતો કરતાં રાકેશની આંખોમાં અશ્રુબિંદુ આવી જાય છે.

સૌમિલ અને કુંજલને એક ધારા વાતો સાંભળતાં અને એકીટશે જોતાં રાકેશની ભીનીઆંખો જોવે છે. કુંજલ સહજતાથી રાકેશને, “સર.. તમને પણ પ્રેમ થયો હતો.શું તેની યાદ આવી?”

રાકેશ તેનું માથું હકાર માં ધુણાવે છે અને જગ્યાએથી ઉભો થાય છે, ” ચાલો કાલે મળીશું મને મોડું થાય છે” કહી બગીચા માંથી જતો રહે છે.

રાકેશના ગયા બાદ સૌમિલ અને કુંજલ ને રાકેશનું વોલેટ પડેલું મળે છે. સૌમિલ વોલેટ ઉપાડી ખોલે છે. વોલેટમાં એક રૂપાળી, જોઈને કવિઓની કવિતા બની જાય, ચિત્રકારનું એક અલભ્ય તૈલી ચિત્ર બની જાય, સ્વર્ગની અપ્સરાને પણ ઝાંખી પાડે એવી એક સ્ત્રીનો ફોટો જોવે છે. એ ફોટો કુંજલને બતાવે છે,” જાનું… આ ફોટો તો જો..વોહટ એ પ્રિટી વુમન, કદાચ સરના વાઈફ હશે. આમાં સરનું વિઝીટિંગ કાર્ડ છે તેના પર એડ્રેશ પણ છે ચાલ આપણે સરને વોલેટ દેતાં આવીએ”. કુંજલ સૌમિલને સંમતિ આપે છે.

બંને જણ રાકેશના ઘરે પહોંચે છે. ઘરના દરવાજા પર તકતી પર કોતરણી વાળા અક્ષરોમાં મિ. રાકેશ શુક્લા અને મિસિસ. અમિ શુક્લા એમ.એસ.સી. બી.એડ. લખેલું હોય છે. કુંજલ ડોર બેલ વગાડે છે. થોડીવાર પછી રાકેશ ટ્રેકિંગ સૂટમાં જ દરવાજો ખોલે છે. સામે સૌમિલ અને કુંજલને જોઈ થોડો અચંબિત થાય છે પણ સૌમિલના હાથમાં પોતાનું વોલેટ જોઈ બંને ને આવકારે છે.

ઘરમાં પ્રવેશતાં જ સુવ્યવસ્થિત ગોઠવાયેલ ઘર જોઈ કુંજલ ખુશ થાય છે. ઘરની દીવાલ પર રાકેશ, અમિ અને તેના એકના એક દીકરા રુદ્ર ના ફોટાઓ લગાવેલા હોય છે. દીવાનખંડમાં રાકેશ બેસવાનું કહી રસોડા તરફ જાય અને થોડી વારમાં એક ટ્રે માં ત્રણ કપ ચા લઈ આવે છે.

રાકેશને ચા લઈને આવતાં જોઈ કુંજલ ઉભી થઇ સામે લેવા જાય છે, “સર.. લાવો હું લઈ લઉ.” ચાની ટ્રે લઈ એ દીવાનખંડમાં આવેલ ટીપોય પર રાખે છે અને ત્રણેય સાથે બેસી ચા પીવાનું શરૂ કરે છે. સૌમિલ કુંજલ ને ચા પીતાં..અમિ વિશે પૂછવાનો ઈશારો કરે છે. કુંજલ સૌમિલ ના ઈશારા સમજી રાકેશને, “સર… મેડમ… નથી દેખાતાં?” રાકેશ કુંજલ તરફ સ્મિત કરી, “એ હજુ સૂતી છે.” હજુ વાકય પૂરું થયું ન થયું ત્યાં બેડરૂમ માંથી એક સુરીલા અવાજે ,” રાકેશ… હું ઉઠી છું.” રાકેશ તુરંત જ ઉતાવળી ચાલે બેડરૂમ તરફ જાય.

થોડો સમય વીતી જાય છે પણ રાકેશ રૂમની બહાર નથી આવતો. કુંજલની ઉત્સુકતા વધી હોય છે એ ચોર પગલે બેડરૂમમાં શુ બની રહ્યું છે એ જોવા જાય છે. રૂમમાં બનતી પ્રક્રિયા ઓ જોઈ કુંજલ અવાચક થઈ જાય છે. લગભગ પાંચેક મિનિટ બાદ કુંજલ દોડી સૌમિલ પાસે આવી સોફા પર બેસે છે. કુંજલનો ચહેરો ક્ષોભિત હોય છે કદાચ બેડરૂમમાં ચોરીથી જોતા એ પકડાઈ ગઇ હશે.

રાકેશ બેડરૂમની બહાર આવે છે અને સૌમિલ-કુંજલ પાસે બેસે છે. બંનેના ચહેરા પર આશ્ચર્યનો ભાવ દૂર કરવા રાકેશ પોતાની વાત કહે છે,” અમિ હલન ચલન કરી નથી શકતી હું તેનું રૂટિન કાર્ય કરાવવા ગયો હતો. અમિ અને હું તમારી જેમ જ કોલેજ કાળથી ,પહેલાં મિત્રો અને પછી પ્રેમીઓ છીએ. અમે અમારા વડીલોની સંમતિ સાથે એકબીજા ના જીવનસાથી બન્યાં, લગ્નજીવન ના બે વર્ષ, જ્યારે પ્રેમીઓ તરીકે આઠ વર્ષ અમે એકબીજાને સમર્પિત જીવન નો અનેરો આંનદ ઉઠાવ્યો. જેમ બે પૈડાં એક ધરી સાથે જોડાઈ એક સાથે રસ્તા પર દોડે તેમ અમે લગ્નરૂપી ધરીથી જોડાઈ જીવનપથ પર દોડતાં હતાં.

પ્રથમ ખુશીના પડાવ સ્વરૂપે અમિ અને મારા જીવનમાં રુદ્રનો પ્રવેશ થાય છે. અમે બંને ખુબજ ખુશ હતા, પણ ઈશ્વર ને અમારી પરીક્ષા લેવાનું સૂઝયું હશે તે અમિ સખત તાવમાં પટકાઈ. તાવ તેના મગજ પર ચડી ગયો અને તેના જ્ઞાનતંતુને શિથિલ કરી નાખ્યા. અમિ બેભાન અવસ્થામાં જતી રહી. અમિ ને છ મહિના બેભાન અવસ્થામાં જ દવાખાને રાખી અને ત્યારબાદ દાક્તર એ કહી દીધું હવે ઘરે લઇ જાવ અને શ્વાસ ચાલે ત્યાં સુધી સેવા કરો.

હું અમિને મારી સાથે ઘરે લાવ્યો, મને મારા પ્રેમ માં વિશ્વાસ હતો. મારાથી બનતી તમામ પ્રકારની ટ્રીટમેન્ટ ઘર બેઠા કરાવી ઈન્ટરનેટ પર વિદેશના જુદા જુદા ડોક્ટર સ્પેશિયાલિસ્ટ સાથે ચર્ચાઓ કરી આજે સાડા ત્રણ વર્ષ બાદ સજાગ થઈ છે. એનું શરીરની ચેતાઓ હજી મગજના જ્ઞાન તંતુ સાથે જોડાયા નથી જેથી પોતાની જાતે કશું જ કરી શકતી નથી. અમારા પ્રેમની શક્તિ એ અમિને સજાગ કરી દીધી અને એક દિવસ પહેલાં જેવી જ દોડતી કરી દઈશ.”

આખી વાત પૂરી કરે છે ત્યાં જ રુદ્ર ઊઠીને આંખો ચોળતો “ડેડી દુધુ આપો” કરતો બહાર આવે છે. કુંજલ અને સૌમિલ રડેલી આંખો સાથે રાકેશને આવજો કરી ઘરની બહાર નીકળી જાય છે. રાકેશ રૂદ્ર ને વ્હાલ કરતાં તેડી ને રસોડા તરફ એક માં તરીકે નો રોલ અદા કરવા જાય છે.

(સત્ય બનાવ પરથી પ્રેરિત) 

*******

લેખક : ઉજાસ વસાવડા

મોબાઈલ: +919913701138

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 29, 2020 માં Ujas Vasavda

 

ટૅગ્સ: ,

એક ગેરસમજણ


“બાય પપ્પા…”

“બાય બેટા.. તોફાન ન કરતાં… અને મમ્માને હેરાન પણ ન કરતાં…”

“હા…પપ્પા.બાય….”

“સ્મૃતિ..બાય…તારું ધ્યાન રાખજે…મમ્મી-પપ્પાને મારી યાદી આપજે…”

“હા..ભલે…તમે પણ તમારું ધ્યાન રાખજો… આજે વાતાવરણમાં બફારો બહુજ છે.. કદાચ માવઠું થશે..દૂધ ફ્રીઝમાં રાખ્યું છે.. બાઈને મેં બધું સમજાવી દીધું છે. તમારા ઓફિસે જવા પહેલાં રોજ આવી જશે.”

“ઓકે.. થેંક્યું.. સ્વીટહાર્ટ.. હું તમને લોકોને લેવા આવીશ..ચાલો …બસ ઉપડે છે.. બાય..”

આશ્લેષે તેની પત્ની સ્મૃતિ અને દીકરી દિવ્યાને બસમાં બેસાડી સ્મૃતિના ઘરે વેકેશન સબબ મોકલી રહ્યો હતો, જોકે જૂન મહિનાનો સમય હતો અને સ્કૂલનું વેકેશન ખુલવા પહેલાનું છેલ્લું અઠવાડિયુ હતું તેમ છતાં તેઓ સિમલા-મનાલીની ટુરમાં ગયાં હતાં અને તેથી સ્મૃતિ તેના પિયર જઈ ન શકતા, છેલ્લું એક અઠવાડિયું પીયર રહેવા જઈ રહી હતી. આશ્લેષ પણ બીજા દિવસથી નોકરી જોઈન કરવાનો હતો.

આજની રાત આશ્લેષ માટે એ એકાંતભરી રાત વિતવાની હતી. વાતાવરણ તેનો મિજાજ બદલવાના મુડમાં હતું, સાંજના સમયે પવન ફૂંકવાનો શરૂ થઈ ગયો હતો. આશ્લેષ ઘરમાં એકલો હોઈ જાતે સાંજની ચા બનાવી મગમાં ભરી ટીવીમાં ન્યુઝ ચાલુ કરે છે. ન્યુઝ ચેનલમાં વાવાઝોડાની આગાહીના સમાચાર આવી રહ્યાં હતાં. મગમાંથી ચાની હળવી ઘૂંટ ભરતાં ટીવીની ચેનલો ફેરવી રહ્યો હતો. આશ્લેષને એક અજબની અકળામણ અનુભવાતી હતી. ટીવી પર થોડી વારે જુના ગીતો, તો થોડી વારે ન્યુઝ મૂકી રહ્યો હતો. તેમનાં મગજમાં ભૂતકાળના વિચારોનો વંટોળ હતો કંઈક મૂંઝાયેલો હતો. બહાર સૂર્યદેવતાં કાળા ડિબાંગ વાદળો પાછળ છુપાઈ ગયાં હતાં. અને આમ પણ સંધ્યાકાળ થઈ ગઈ હોય સૂર્યદેવતાં ઘર તરફ પ્રસ્થાન કરી રહ્યાં હતાં.

આશ્લેષ ટીવી બંધ કરી ઘરના ઉપરના રૂમની બાલ્કનીમાં આરામ ખુરશી ઢાળી, એક લવસ્ટોરીની નવલકથા લઈ આરામખુરશીમાં બેસી નવલકથા વાંચવા લાગ્યો. નવલકથા વાંચતા તેના અતિતના સંભારણા વાગળવા લાગ્યો. વાતાવરણમાં પલટો આવ્યો હોય, ઠંડૉ પવન આવી રહ્યો હતો અને સાથે દૂરથી ભીની માટીની ખુશ્બૂ આવી રહી હતી. અતીતના સંભારણાથી મન વ્યાકુળ હોવા છતાં એ વાતાવરણનો એક આહલાદક અનુભવ કરી રહ્યો હતો. નવલકથા વાંચતા તેને ઉંઘ આવી જાય છે. અને ઉંઘમાં સમયનું ભાન રહેતું નથી.

અચાનક એકધારી ડોરબેલ વાગવાથી આશ્લેષ સફાળો જાગી બેસે છે. કાંડા પર ઘડિયાળ જોતાં રાત્રીના 10 વાગ્યા હોય છે, અને મુશળધાર વરસાદ વરસતો જોવા મળે છે. મનોમન બબડતા, ” બેઠાં બેઠાં ઊંઘ ચડી ગઈ… જમવાનું પણ રહી ગયું… હવે આ ચાલુ વરસાદે લોજ પણ બંધ થઈ ગઈ હશે!! પણ.. અત્યારે આ વરસાદમાં આટલીબધી ડોરબેલ કોણ વગાડી રહ્યું છે?” ડોરબેલ એકધારી વાગી રહી હતી. કંઈક અઘટીત ઘટયાની આશંકા થઇ રહી હતી.”.

આશ્લેષ ઝડપથી પગથિયાં ઉતરી ઘરના દરવાજા ખોલે છે. એક યુવાન સ્ત્રી સફેદ ભીનાં વસ્ત્રોમાં ઘરમાં ધસી આવે છે અને સોફા પર જઈ આશ્લેષ તરફ પીઠ રાખી બેસી જાય છે. આશ્લેષ એકિટશે આ સ્ત્રી તરફ જોયા કરે છે. આમ અચાનક યુવાન સ્ત્રી ઘરમાં ધસી જતાં આશ્લેષ પણ થોડો ગભરાઈ જાય છે. પણ સામે ઉભેલી સ્ત્રી પણ ખૂબ ગભરાયેલી હોય આશ્લેષ થોડી હિંમત એકઠી કરી, ” બહેન આમ ઘરમાં ક્યાં આવી ગયા?…..તમે ભીના છો!!..સોફા પણ ભીનો થઈ જશે! … કોણ છો તમે અને કોનું કામ છે?

પેલી સ્ત્રી સોફા પરથી ઉભી થઇ જાય છે. તે ભીના કપડાં અને ઠંડીના લીધે ધ્રુજી રહી હતી. તે ગભરાતા આશ્લેષ તરફ નીચું મો રાખી ફરે છે અને રસ્તા તરફ અંગુલી નિર્દેશ કરી, ” ત્યાં પવનના લીધે એક વૃક્ષ ધરાશાયી થયું!! આશ્લેષ તેને પૂછતાં, ” હા … તો.. !!” પેલી સ્ત્રી , ” એ મારી ઉપર આવી જાત જો હું ખસી ન હોત તો! હું બચી ગઈ.. પણ મને હજુ એ દ્રશ્ય નજર સમક્ષ હોય ડર લાગી રહ્યો છે.”

આશ્લેષ ઘરના દરવાજા બંધ કરી સ્ત્રીની નજીક જાય છે. એ સ્ત્રી પણ ગભરાતા આશ્લેષ તરફ મો ઉંચુ કરી જોવે છે. આશ્લેષ અને સ્ત્રી એકબીજા તરફ જોઈ અવાચક બની જાય છે. આશ્લેષના મનમાં ઉદગાર નીકળી પડે છે, ” જાગુ!!…..તું….” આશ્લેષના મનમાં રહેલ શબ્દો તેની જિહ્વા પર નથી આવતા પણ પેલી સ્ત્રી બોલી ઉઠે છે, ” આષુ……..તું અહીંયા? આ તારું ઘર છે…..!!”

બંનેના ચહેરા પર આશ્ચર્ય ભાવ સાથે એક આનંદની અનુભૂતિ વર્તાય છે. વર્ષો બાદ બે મિત્રો અને મિત્રથી પણ વિશેષ એવા જાગુ-આષુ અનાયાસે ભેગા થઈ ગયા હતા. બંનેની આંખોમાં ચમક હતી. આશ્લેષ જાગુને, ” ઓહો… વ્હોટ એ સરપ્રાઇઝ…મિસ જાગૃતિ વખારીયા તમે આટલી મોડી રાતે અને આવા વાતાવરણમાં!! સોરી… જાગૃતિ વખારીયા જ ને કે પછી…..” જાગુ તેની સામે સ્ત્રી સહજ ગુસ્સા સાથે, ” ના… હજુ વખારીયા જ છું…હું કંઈ તારા જેવી નથી…” ક્ષણિક બંન્નેની આંખો માંથી અગન જ્વાળાઓ ઝરવા લાગે છે.

આશ્લેષની નજર જાગૃતિના ભીના ચોંટેલા કપડાં સાથે થોડી થોડી વારે ઠંડીના લીધે ધ્રુજતાં દેહ પર પડે છે. આશ્લેષ તેને પોતાના બેડરૂમ તરફ ઈશારો કરી, ” એ બધી વાતો પછી કરીએ, પહેલાં તું આ ભીના કપડાં બદલી થોડી ફ્રેશ થઈ જા, ત્યાં અમારા બેડરૂમમાં મારી પત્ની સ્મૃતિના કોઈ કપડાં પહેરી લે.” જાગૃતિ આશ્લેષના ઈશારા તરફ આવેલ રૂમમાં જતી રહે છે. થોડીવાર બાદ એ સ્મૃતિનું નાઈટગાઉન પહેરી બહાર આવે છે.નાઈટગાઉન પહેરેલી જાગૃતિમાં આશ્લેષને સ્મૃતિ દેખાવા લાગે છે.

એકિટશે જોતા આશ્લેષને જાગૃતિ પૂછે છે, ” શું જોવે છે? હું હજું કુંવારી જ છું?” આશ્લેષ જાગૃતિના આ વાક્યથી કઈ સમજી શકતો નથી થોડો ડઘાઈને જાગૃતિ સામું જોઈ રહે છે. જાગૃતિ અચાનક એક અટ્ટહાસ્ય કરે છે, ” અરે! હું મજાક કરી રહી છું. સાત વર્ષ પહેલાં જો નિર્ણય લીધો હોત તો આજે હું આ ઘરની એક સભ્ય તારી પોતાની જાગુ હોત. એની વે… મને ભુખ લાગી છે. રસોડું કંઈ તરફ છે? તું કંઈ લઈશ?” જાગૃતિ પોતાના ઘરની જેમ વર્તવા લાગી હતી, આશ્લેષ આ બધું જોઈને પણ કંઈ વિરોધ વ્યક્ત નહોતો કરી શકતો, કદાચ તેને આ બધું ગમતું હતું. તે જાગૃતિને હકારમાં પોતાનો ચહેરો ધુણાવે છે અને રસોડા તરફ અંગુલી નિર્દેશ કરે છે.

જાગૃતિ રસોડામાં જતાં જ આશ્લેષ સોફામાં બેસી ભૂતકાળમાં જતો રહે છે. જાગૃતિ અને આશ્લેષ બન્ને એકબીજાને પ્રેમ કરતા હતાં. બન્નેની જાતિ-સમાજ એક જ હતો પણ જાગૃતિના પિતા એક પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ હતાં જ્યારે આશ્લેષ એક સામાન્ય કુટુંબ માંથી આવતો હતો. તેના પિતા વર્ષો પહેલા જ હાર્ટએટેકથી ગુજરી ગયા હતાં. બંનેનો મેળાપ ન થવા પાછળ માત્ર આર્થિક પરિસ્થિતિ અને જાગૃતિના પિતાની જીદ હતી. જાગૃતિ અને આશ્લેષ એકબીજાના પ્રેમમાં એટલા ગળાડૂબ હતાં કે છૂટા પડતાં બન્નેને ઘણો જ આઘાત પહોંચ્યો હતો. આશ્લેષને કોલેજના છેલ્લા દિવસે એક ચિઠ્ઠી મળી હતી જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું. “જાગૃતિના લગ્ન કોઈપણ ભોગે તારી સાથે નહિ થવા દઉં. તારા પોતાના ખાવાના સાસાં છે તું મારી પરી જેવી દીકરીને કેમ રાખીશ? અને છતાં પણ જો ઉપરવટ જઇ તે કોઈ પગલું ભર્યું છે તો હું આપઘાત કરીશ અને તેના માટે જવાબદાર તને ગણાવીશ. પછી જેલના સળીયા ગણતો રહેજે.”

જાગૃતિના પપ્પાના આ પત્રના લીધે આશ્લેષ ભીરુ પ્રકૃતિનો હોય ડરી જાય છે. તે જાગૃતિને મળ્યા વગર જ શહેર છોડી જતો રહે છે પણ તેને લાગેલા આઘાતના પરિણામે એ ડિપ્રેશનનો ભોગ બને છે.આશ્લેષને ડિપ્રેશનના રોગ માંથી સ્મૃતિ બહાર લઈ આવે છે અને છેલ્લે બન્ને પરણી જાય છે.

” હજું પણ તું લવસ્ટોરી વાંચે છે?” જાગૃતિનો પ્રશ્ન આશ્લેષની અતીતની વિચારધારા પર રોક લગાવે છે. આશ્લેષનું ધ્યાન ડાઇનિંગ ટેબલ પર બેઠેલી જાગૃતિ પર પડે છે. ડોરબેલ વાગતાં જ્યારે આશ્લેષ દોડી ઉપરથી નીચે આવતો હોય છે ત્યારે હાથમાં રહેલ નોવેલ ડાઈનીંગ ટેબલ પર મૂકી હોય છે. એ નોવેલ જાગૃતિના હાથમાં આવતાં પ્રશ્ન પૂછે છે.

જવાબમાં આશ્લેષ , “ભુતકાળની બધી વસ્તુઓ મેં નથી છોડી જે છોડવા મજબુર થયો હતો તે જ છોડી હતી.” જાગૃતિ ડાઈનીંગટેબલ પર મેગી ખાતાં, ” અચ્છા! સરસ..તારી ચા બનાવી છે તારે પીવી હોય તો આવજે, નહિતર પછી હું પી જઈશ.” બેફિકરાઈથી હકપુર્વક જાગૃતિ મેગી ખાતા આશ્લેષને કહે છે.

આશ્લેષ ડાઇનિંગ ટેબલ પર બેસી ચા ની ચૂસકીઓ લેવાનું શરૂ કરે છે. જાગૃતિ સીધો જ પ્રશ્ન કરે છે, ” તે કેમ મને તરછોડી? હું તને મારુ સર્વસ્વ દેવા તૈયાર હતી. મારા ગર્ભશ્રીમંત પપ્પાને છોડીને તારી સાથે રહેવા હું તૈયાર થઈ હતી અને માત્ર કોલેજમાં મારી સાથે હરવા-ફરવા અને તારું સ્ટેટસ બધાને ઉંચુ બતાવવા મારી સાથે પ્રેમનું નાટક કર્યું!! પ્રવાસમાં જ્યારે હું તને સંપૂર્ણ સમર્પિત થવા તારી પાસે આવી ત્યારે પણ તે મને તારાથી દૂર હડસેલી હતી.આમ તો ત્યારેજ મારે સમજી જવું હતું પણ હું પ્રેમમાં પાગલ હતી અને મને સર્વત્ર તું જ દેખાતો હતો. તને ખબર છે તું મને તારી ચિઠ્ઠી મોકલી જતો રહ્યો પછી મેં આત્મહત્યા કરી હતી. પણ મારા પપ્પાએ ડોક્ટરની ટીમને બોલાવી બચાવી લીધી?”

આશ્લેષ વચ્ચેથી જાગૃતિને રોકતાં, ” એક મિનિટ મારી ચિઠ્ઠી? મેં તો તને કોઈ ચિઠ્ઠી ન’હોતી લખી? બલકે મને તારા પિતાજીની ચિઠ્ઠી કોલેજના છેલ્લા દિવસે મળી હતી, જેના લીધે હું શહેર છોડી જતો રહેલો અને ડિપ્રેશનનો ભોગ બનેલ હતો ” જાગૃતિ મેગી ખાતા અટકે છે અને આશ્લેષને, ” તે ચિઠ્ઠી ન’હોતી લખી? તો એ ચિઠ્ઠી કોણે લખી હતી?” આશ્લેષ જાગૃતિને, “કદાચ તારા પપ્પાએ તો…..!!” બન્ને એકબીજાની સામે જોઈ રહે છે.

બન્ને સામ-સામે આવી એકબીજાની અંતરની વાત કરી હળવા થાય છે. જાગૃતિને તેના પિતાજીએ કરેલા કૃત્યના લીધે ખુબજ અફસોસ થાય છે. જાગૃતિ અને આશ્લેષ લગભગ રાત્રીના 3 વાગ્યા સુધી ભૂતકાળની વાતો વાગોળે છે. જાગૃતિ અને આશ્લેષ વચ્ચે તેનો સૂસુપ્ત પ્રેમ ફરી જાગ્રત થાય છે. એક-બીજાની વધુને વધુ નજીક આવે છે. બન્નેના હ્રદયના ધબકાર દોડવા લાગે છે ગરમ શ્વાસોચ્છવાસનો એકબીજાને અનુભવ થવા લાગે છે. અને બનેના હોઠ એકબીજાના હોંઠને સ્પર્શવા આતુર થતાં હોય છે ત્યાં જ આશ્લેષને જાગૃતિ પાછળની દીવાલ પર સ્મૃતિ અને દિવ્યાનો ફોટો દેખાય છે. આશ્લેષ પોતાની ઊર્મિઓ પર કાબુ મેળવી જાગૃતિથી દુર જતો રહે છે.

આશ્લેષ જાગૃતિથી દૂર જતા જ જાગૃતિ પાછા પણ ઝડપી પગલે આશ્લેષના બેડરૂમ તરફ જાય છે. થોડીવારમાં ફરી એના સફેદ વસ્ત્રો પહેરી બહાર નીકળે છે અને ઘરના દરવાજા તરફ આગળ વધે છે, દરવાજે ઉભા રહી આશ્લેષને, ” આષુ…એક ગેરસમજણના લીધે મેં તારો કે તે મારો સંપર્ક ન સાધ્યો અને આપણને મળેલા પત્રોને જ સાચા માની બેઠા જેના પરિણામે આ ભવમાંતો આપણે ઐકય ન સાધી શક્યા પણ આવતે ભવ જરૂર મળીશું.” જાગૃતિ ઝડપી ચાલે આગળ વધવા લાગે આશ્લેષ તેની પાછળ જાય છે. અચાનક એક વીજળી ચમકે છે આશ્લેષની આંખો અંજાઈ જાય છે. આંખો ચોળીને સામે જુએ છે તો એક તોતિંગ ઝાડ નીચે કચડાયેલ સ્ત્રીને સૌ ઊંચકી સાઈડ પર લેતાં હોય છે. આશ્લેષ નજીક જઈ જુએ છે તો એ સ્ત્રી બીજું કોઈ નહીં પણ જાગૃતિ જ હતી.

*******

લેખક : ઉજાસ વસાવડા
મો. +919913701138 
ujasvasavada@gmail.com

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 28, 2020 માં Ujas Vasavda

 

ટૅગ્સ: ,

કુશલી ખુશ છે


‘દોડ કુશલી લાલ લાઇટ થઈ.’ ચાર રસ્તા પર વાહનોની વણઝાર અટકતી જોઈને રાજિયાએ બૂમ પાડી. કુશલી ઝબકી ઉઠી અને મોટરોને સ્કૂટરો વચ્ચે થઈને દોડી. દેશના તિરંગા વેચવા. કુશલી અને એનો ભાઈ રાજિયો ને એવા થોડા બાળકો આખો દિવસ ધમધમતા રહેતા ચાર રસ્તે નાનીનાની વસ્તુઓ વાહન ચલાવનારાઓને વેચવાનું કામ કરતાં હતાં. ત્યાં જ રોડ પર એક બાજુએ બેસીને એમની મા રંગીન રમકડાં વેચતી હતી. કોઈ વાર ફળનો ટોપલો લઈને બેસતી તો કોઈ વાર દિવાળીના દીવા ને એવું બધું. ચાલતા જતાં લોકો એના ઘરાકો હતાં અને વાહન ચલાવનારાઓ આ છોકરાંવના ઘરાકો. મોટરો તો ઘણી આવતી જતી અને મોટરસાયકલો અને સ્કૂટરો ય ઘણાં આવતાં. એ બધા લાલ લાઇટ થાય અને ઊભા રહે એટલી વાર આ છોકરાંવનો ઘરાકીનો ટાઈમ. સવારે નવેક વાગે એ બધાં દેખાવા માંડે તે છેક મોડી રાત સુધી. લીલી લાઇટ હોય ત્યારે બધાં રસ્તા પરના ટેલીવિઝનના શોરૂમ સામે ગોઠવાઈ જાય. લાલ લાઇટ થઈ કે બૂમ પડે ને બધાં વાહનોની આસપાસ વીંટળાઇ જાય. આજકાલ તિરંગા વેચવાના હતાં. બીજી વાર બીજું કશું હોય. બારે મહિના ટાઢતડકોવરસાદ જે હોય તે આ કામ ચાલુ જ હોય. એમ તો બીજી સ્ત્રીઓ પણ આ જ કામ કરતી. એમનાં છોકરાં ય મોટરગાડીઓની આસપાસ ફરતાં આ જ કામ સાથે. માના પહેલા ખોળાના બે જોડિયાં. છોકરો ને છોકરી. ટીવી પર રામાયણ જોઈને છોકરીનું નામ પાડ્યું કૌશલ્યા અને છોકરો રાજેન્દ્ર. પણ ફૂટપાથ પર વસનારનાં છોકરાંને કોણ એવા નામે બોલાવે? એટલે છોકરીનું નામ પડી ગયું કુશલી ને એનો ભાઈ રાજિયો. એમ તો માને એના પછી ય બીજા બે હતાં. ટીનુ ને ચિનુ. સવારે બધાં જોડે આવે ને સાંજે જોડે પાછા.

લાલ લાઇટ થયાની બૂમ પડીને કુશલી સફાળી દોડી. રાત સુધીમાં ચાલીસ તિરંગા વેચવાના હતા. એને એના બાપાએ કહેલું કે જો હોશિયાર રહીશ તો હમણાં આઝાદી દિન આવે છે એટલે તિરંગા વેચાઈ જશે. જો ના વેચે તો… બાપાએ બોલવાનું અધૂરું મૂકેલું પણ કુશલીને ખબર હતી કે બાપાએ કહ્યા પ્રમાણે ન થાય તો બાપાનો માર ખાવાનો. બીજું કશું ખાવા ના મળે. આમ તો વેચાઈ જાય પણ બીજા છોકરાં ય હોય ને? એટલે જ બૂમ પડે કે તરત દોડવાનું. કુશલી દોડી. એક મજાની મોટર પાસે ઊભી રહી. મોટરમાં એના જેવડી જ એક છોકરી હતી. છોકરીએ એની માને કંઈક કહ્યું. માએ મોટરનો કાચ ખોલીને કુશલી પાસેથી પાંચ તિરંગા લીધા. કુશલી રાજી થઈ ગઈ. એણે જોયું કે મોટરમાં બેઠેલી પેલી છોકરીએ તિરંગો છાપેલું ટીશર્ટ પહેરેલું ને ટૂંકું પેન્ટ ને પગમાં બૂટ. એવામાં લીલી લાઇટ થઈ. વાહનો ફરી દોડવા માંડયાં ને કુશલી પાછી ફૂટપાથ પર આવી ગઈ. એણે જોયું કે દુકાનના ટેલિવિઝનમાં ય દોડવાની રેસમાં પહેલી આવેલી એક છોકરી તિરંગો પકડીને ઊંચા પગથિયાં પર ઊભી હતી. કુશલીને સપનું આવ્યું.કૌશલ્યા દોડી રહી છે. કોઈ મોટેથી બોલતું હતું. ‘ બક અપ કૌશલ્યા બક અપ.’ ખુલ્લા ભૂરા આકાશ તળે સૂરજના અજવાળામાં લોકોની ભીડ એને જોઈ રહી છે. બૂમો સંભળાય છે, ‘બક અપ કૌશલ્યા,બક અપ.’ એ જોર લગાવીને દોડી રહી છે અને જોતજોતામાં છેક દોરી સુધી પહોંચી જાય છે. કોઈ એને ઊંચકી લે છે અને સૌથી ઊંચા ટેબલ પર ચડાવી દે છે. પરસેવે નીતરતો લાલઘૂમ હસતો ચહેરો, હાથમાં તિરંગો લહેરાય છે. ‘કેટલા વેચ્યા છોડી?’ માએ પૂછ્યું. ‘પાંચ જ ગયા? જ દોડ જલ્દી કર વાલામૂઈ. ત્યાં પેલો દૈત રાત પડે પૈસા માગશે. જો લાલ લાઇટ થઈ.’ કુશળી સફાળી દોડી. હજી કેટલા બધા તિરંગા વેચવાના બાકી છે? ટ્રાફિક વચ્ચે એક સ્કૂટર ઊભેલું હતું. બે રંગીન કપડાં પહેરેલી છોકરીઓને એણે તિરંગા બતાવ્યા અને હસી. ‘ઓહ સો ક્યૂટ કીડ નો?’ એક જણી બોલી. ‘બાય ટેન તિરંગા. ગ્રુપમાં આપીશું. સો ક્યૂઊઊટ કીડ. ડ્રેસઅપ થાય તો ચાઇલ્ડસ્ટાર લાગે. ટેન એટલે દસ તિરંગા આપ. લે આ ફીફ્ટી રૂપીઝ’. છોકરીઓએ અંગ્રેજી-ગુજરાતી ભેગી ભાષામાં કહ્યું. કુશલી રાજી થઈ. ટેન તિરંગાના ફીફ્ટી રુપીઝ મળ્યા એટલામાં લીલી લાઇટ થઈ ગઈ. સ્કૂટર ઉપડી ગયું. કુશલી પાછી ટેલિવિઝનની દુકાન પાસે આવી ગઈ. ‘મા, લે ટેન તિરંગાના પૈસા.’ ‘કેટલા ગયા?’ ‘કીધું તો ખરું ટેન, દસ.’ કુશલી આજે બે નવા શબ્દો શીખી ટેન એટલે દસ ફીફ્ટી એટલે પચાસ. એને આ બધા મોટરવાળાઓ બોલે એવું બોલવું બહુ ગમતું’તું. વળી એકસામટા તિરંગા લેનારા બે વાર મળ્યા એટલે કુશલી રાજી થઈ ગઈ. એ ફરી પાછી ટીવી જોવા બેસી ગઈ. ટીવીમાં અનારકલી ડ્રેસ પહેરેલી એક છોકરી નાચતી હતી. એના પગે બાંધેલા ઘૂઘરા છમ્મ છમ્મ વાગતા હતા.

કૌશલ્યા ચક્કર ચક્કર ચક્કર ફરતી હતી. એના ડ્રેસનો ઘેર હવામાં ઊડતો હતો. મોટા થિયેટરમાં એને જોતાં લોકો તાળીઓના ગડગડાટથી એને વધાવતા હતા. ચક્કરોની ગતિ વધતી ગઈ, વધતી ગઈ…આખરે ઢોલકની છેલ્લી થાપ અને કૌશલ્યાનું નૃત્ય પૂરું થયું. સામે ઊંચી ખુરશી પર બેઠેલી એક રૂપાળી સ્ત્રીએ પાસે આવીને હસતી હાંફતી કુશલીને ઊંચકી લીધી. ‘માર્વેલસ!’ એ બોલી. ‘યુ આર માર્વેલસ.’ ત્યાં તો પ્રેક્ષકોએ બૂમો પાડવા માંડી, ‘વન્સ મોર, વન્સ મોર’ અને તાળીઓ સાથે આનંદની ચિચિયારીઓ. તબલાની થાપ ફરી એક વાર ઘૂઘરાનો ઘમકાર અને ફરી ચક્કર, ચક્કર, ચક્કર…
‘એ ય કુશલી કેમ આમ ગોળ ગોળ ફરે છે? અથડાઇ જઈશ થાંભલા જોડે ને પડીશ તો તારો બાપો ઊભી કરવા આવશે, ડફોળ?’ માએ કર્કશ અવાજે બૂમ પાડી ને કુશલી રોકાઈ ગઈ. માએ એક ધક્કો માર્યો. ‘ જા દોડ, લાલ લાઇટ થઈ.’ કુશલી તિરંગા લઈને રોકાયેલાં વાહનોની ભીડ વચ્ચે દોડી. હજી પચીસ તિરંગા વેચવાના બાકી હતા. બપોરનો સમય હતો વાહનો ઓછાં હતાં. વળી તડકો ય હતો. લોકોને અત્યારે એની સામે જોવાની નવરાશ પણ નહોતી. કુશલીને ભૂખ લાગી હતી. માથે તડકો એને ય નહોતો ગમતો પણ હજી કેટલા બધા તિરંગા વેચવાના હતા? એને નવરાશ નહોતી. એને જોકે સ્કૂટરવાળાઓને વેચવાનું વધારે ગમતું. ભલે એક એક જ લે. એ એક સ્કૂટર પાસે ગઈ. ત્યાં ખભે થેલો લટકાવેલા બે જણાને જોયા. બેય જણાએ એક સરખા લેંઘોને ઝભ્ભો પહેરેલા. છોકરો કોણ ને છોકરી કોણ ખબર ના પડે. કુશલી હસી. હીહીહી… પેલા બે જણાએ જોયું ને એને બોલાવી. ‘કેટલાના આપે છે?’ ‘વન ફાઇવ રૂપી.’ કુશલીએ સવારે શીખેલા જ્ઞાનનો ઉપયોગ કર્યો. ‘લે આ તો ઈંગ્લિશ બોલે છે!’ એકે કહ્યું. ‘ધેટ્સ રાઇટ. ઇટ્સ અ મેટર ઑફ એકસ્પોઝર’ બીજાએ કહ્યું. ‘આપણે આપણો નેક્સ્ટ પ્રોજેકટ આ બાળકોને ભણાવવાનો કરીએ?’ ‘ગુડ આઇડિયા.’ પહેલાએ કહ્યું. ત્યાં તો લીલી લાઇટ થઈ ગઈ. એ બે જણાં સ્કૂટર એક તરફ લઈ જઈને રોકાઈ ગયા ને કુશલીને પૂછ્યું, ‘ભણવા જાય છે?’ ‘ના, અહીં વસ્તુઓ વેચું છું..’ ‘ભણવું ગમે?’ ‘હા’ કુશલી શરમાઇ ગઈ ને ખુશ થઈ. એ હસી. ‘સો સ્વીટ સ્માઇલ!’ સ્કૂટરવાળાઓમાં આગળ બેઠેલી છોકરી હતી એ કુશલીને ખબર પડી ગઈ હતી. હસતી હોય એમ એ બોલી, ‘ટુ તિરંગા આપ.’ કુશલીએ બે તિરંગા આપ્યા અને બોલી, ‘ટેન રૂપી.’ પેલા બે જણાં હસી પડ્યા અને સ્કૂટર મારી મૂક્યું. કુશલીના હાથમાં દસ રૂપિયા હતા. એટલામાં ફરી ટ્રાફિક અટક્યો. કુશલી ફરી એક વાર વાહનો વચ્ચે ફરવા માંડી. એકાદ તિરંગો વેચ્યો પણ એ તો ક્યાં હતી?

સામે સરસ કપડાં પહેરીને લોકો બેઠા છે. એ સ્ટેજ પર ઊભી છે. ત્યાં ય લોકો બેઠા છે અને કૌશલ્યા એમના સવાલોના અંગ્રેજીમાં જવાબ આપે છે. સાંભળનારા ચકિત છે. આવડી નાની છોકરી આવી રીતે આત્મવિશ્વાસ સાથે બોલે અને શું તો નોલેજ? એના એકેએક જવાબ પર તાળીઓના ગડગડાટ, કેમેરાના ઝબકારા અને હોલમાં સંપૂર્ણ શાંતિ. કૌશલ્યા બોલવાનું પૂરું કરે છે. સ્ટેજ પર બેઠેલા લોકોમાંથી એક ચશ્મા પહેરેલો માણસ માઇક પાસે આવીને જાહેરાત કરે છે. ‘ ધ વિનર ઇન ફાઇનલ રાઉન્ડ ઈઝ યંગ બ્રિલિયન્ટ કૌશલ્યા.’ ફરી કેમેરાના ઝબકારા. કૌશલ્યા હાથમાં ટ્રોફી ઊંચી પકડીને ઊભી છે. ચમકતી, આનંદિત આંખો અને નિખાલસ સ્મિતને ઝડપી લેવા કેટલાય કેમેરાનું એકસાથે ઝબકવું.

‘અબે એય છોડી. આમ ટ્રાફિક વચ્ચે કેમ ઊભી છે? મરવાની થઈ છે? ભાગ અહીંથી’. હાથમાં દંડો પકડેલો એક માણસ કુશલીને દબડાવે છે. ‘હાવ રોંચા જેવા આ લોકો!’ એ દંડો ફટકારે એ પહેલાં કુશલી ઝબકીને જાગી ગઈ અને સામે બેઠેલી માની પાસે પહોંચી ગઈ. ‘માડી ભૂખ લાગી, ખાવાનું દે.’ કુશલી બોલી રહે એ પહેલાં માએ પૂછ્યું, ‘હજી કેટલા બાકી છે? બપોર તો થઈ ગઈ. ઝટ કર. એટલામાં રાજિયો ય દોડતો આવ્યો. ‘માડી ખાવા દે.’ માએ ટોપલી નીચે રાખેલી થેલીમાંથી મમરા કાઢીને આપ્યા પોતે ય લીધાને બોલી, ‘ધ્યાન રાખજો. સાંજ સુધીમાં બધા વેચવાના છે. ને કુશલી તારું ધ્યાન શેમાં હોય છે? ઉપરાઉપરી લાલ લાઇટો થાય છે ને ડાફોળિયા મારતી રહે છે? સાંજ પડે પૈસા નહીં આલે તો તારો બાપ જોવા જેવી કરશે જાણે છે ને?’ બાપે ય બિચારો શું કરે? પેલા લાલિયા પાસેથી ઉધાર લઈને માલ વેચવાનો ને સાંજ પડે એને ચૂકવણું કરવાનું. જે વધે તેમાંથી છ જણનું પેટ ભરવાનું. એ પોતે ય મજૂરી કરતો જ હોય. ‘હશે ચલ, ઘડીક વાર સૂઈ જા.’ માએ હેતથી કહ્યું. કુશલી ટીવી જોતી જોતી સૂઈ ગઈ. ઊંઘમાં ય એ તો ઘડીકમાં નાચતી ને ઘડીકમાં દોડતી જ હતી.

શી ખબર કુશલી કેટલું ઊંઘી પણ માએ જ્યારે એને જગાડી ત્યારે રસ્તા પર સાંજનો ટ્રાફિક દોડવા માંડ્યો હતો. કુશલી ફરી પાછી તિરંગા વેચવામાં લાગી ગઈ. કાલે તો આઝાદી દિવસ હતો એ એને ખબર હતી. એટલે જ તિરંગા વેચી જ નાખવાના હતા. આજના આજે ને બીજા કાલે. તિરંગા વેચાયા. એક બે, એક બે કરતાં જવા માંડ્યા. કુશલીને નિરાંત થઈ. બધા જો વેચાઈ જાય તો જ રાતે ખાવા મળશે ને બધા વેચાઈ જવાની તૈયારી ય હતી. બસ હવે બે જ તિરંગા બાકી હતા. કુશલીને થયું, આ તિરંગા પોતે જ રાખી લે તો? બે ય નહીં તો બસ એક જ, એક જ. એવા સરસ સુંવાળા પ્લાસ્ટિકના હતા કે એને વારે વારે ગાલ પર ફેરવવાનું મન થઈ જાય. પણ વેચવાના તિરંગાનું એવું કરતી કોઈ જુએ તો આવી જ બને. અહીંયા ય એના પર નજર તો રાખનારા હતા જ. ધોલધપાટ રાતને બદલે હમણાં જ શરૂ થઈ જાય.

રાત પડી ગઈ. ટ્રાફિક ધીમો પડી ગયો. લાલલીલી લાઇટો તો હજી ય થતી હતી પણ વાહનોવાળા હવે ઘેર પહોંચવા ઉતાવળા થતા હોય ત્યાં તિરંગા લેવાનું કોણ કરે? ઘેર જવાનો વખત થયો તો ય બે તિરંગા તો રહી જ ગયા. રાજિયાને ય ચાર રહી ગયેલા. છોકરાં સમેત મા ઘેર પહોંચી. બાપ હાજર જ હતો ઉઘરાણી કરવા.

‘કેટલા રહ્યા?’ પૈસા લેવા હાથ લાંબો કરતાં એ બોલ્યો. ‘રાજિયાના ચાર, કુશલીના બે.’ મા આટલું બોલી રહી ત્યાં તો બાપ તૂટી પડ્યો. બેચાર ધોલ તો ઠોકી જ દીધી બે ય છોકરાંને ને થોડી ગાળો ય. માએ વાર્યો, કાલ વધારે વેચવાની ખાત્રી આપી ત્યારે માંડ રોકાયો ને પૈસા લઈને લાલિયાને આપવા જતો રહ્યો. ‘ખબરદાર છે. ખાવાનું આપ્યું છે આ બે યને તો…’ જતાં જતાં ધમકી આપતો ગયો. જો કે માએ એના આવતાં પહેલાં બે યને થોડું ખવડાવી દીધું. ઊંઘાડી ય દીધા. આખા દિવસની ખુલ્લામાં રખડપટ્ટીથી થાકેલાં બે ય છોકરાં પથારીમાં પડ્યાં એવાં ઊંઘવા માંડયાં. રાજિયો ઘસઘસાટ ઊંઘી ગયો. ફાટેલી ગોદડીની પથારી પર ઊંઘતી કુશલી સપનાં જોતી રહી. દિવસે દીઠેલાં સપનાં ને હવે રાતનાં નવાં સપનાં. એણે તો સપનાં જ જોવાનાં હતાને? ક્યાં કદી ય પૂરાં થવાના હતાં આ દસ વર્ષની છોકરીનાં એકે ય સપનાં? તો ય કુશલી ખુશ છે. કુશલી સપનાં જુએ છે.

*******

લેખિકા : સ્વાતિ મેઢ

મોબાઈલ: ૯૭૨૪૪૪૨૫૮૬.

email: swatejam@yahoo.co.in

 

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 27, 2020 માં Swati Medh

 

ટૅગ્સ: ,

અસલીયત


એક રાજા ના દરબારમાં એક અજાણી વ્યક્તિ નોકરી માટે આવે છે…. રાજા તેની લાયકાત પુછે છે…જવાબમાં અજાણી વ્યક્તિ કહે છે કે “હું અક્કલથી કોઇ પણ જાતનો ગુચવાયેલો કોયડો ઉકેલી શકું છું… 

રાજા એ એમને ધોડાના તબેલા ની જવાબદારી સોંપી દે છે…

થોડા દિવસો પછી રાજા તેમના અતિ મોંધા અને પ્રિય ધોડા બાબતે અભીપ્રાય પુછયો.. 

જવાબમાં નોકરે કંહ્યુ કે “ ધોડો અસલી નથી.” 

રાજા એ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે ધોડાની નસલ તો અસલી છે, પરંતુ તેની માં મરી ગઈ હતી એટલે તે ગાયને ધાવીને મોટો થયો હતો… 

રાજા એ નોકરને પુંછયું કે “તને આ કેવી રીતે ખબર પડી ?”

નોકરે જવાબ આપ્યો કે “નામદાર ધોડાઓ મોઢામાં ધાસ લઈને મોઢુ ઉંચુ કરીને ખાતા હોય છે જયારે આ ધોડો ગાયની માફક નીચે નમીને મોઢુ નીચે રાખીને ધાસ ખાતો હતો. “

રાજા એ ખુશ થઈને નોકરના ધરે અનાજ,ધી,અને પક્ષીઓનું માંસ મોકલી આપ્યું, નોકરને બઢતી આપી ને તેને રાણી નાં મહેલમા નોકરી આપી, અને પછી રાજા એ તેની રાણી બાબતે સવાલ કર્યો તો જવાબમાં નોકરે કંહ્યુ કે  “રાણી ની રહેણીકરણી તો મલિકા જેવી છે પણ તે રાજકુમારી નથી….”

રાજા આશ્ચર્ય ચકીત થઈ ગયો… તરત જ તેણે તેની સાસુને બોલાવી… 

સાસુએ ખુલાસો કર્યો કે “મારી દિકરી જન્મી કે, તરત જ તમારી સાથે તેની સગાઇ કરી નાખવામાં આવી હતી.. પરંતુ છ મહિનામાં જ મારી દિકરી મરી ગઈ… એટલે બીજી કોઇ છોકરીને અમે ગોદ લીધી, જે આજે તમારી રાણી છે… “

રાજા એ નોકરને પુંછયુ કે “તને આ કઈ રીતે ખબર પડી ? “

નોકરે જવાબ આપ્યો કે “ખાનદાની લોકોનાં અન્ય લોકો સાથેનો વ્યવહાર ખુબજ સાલસ અને નમ્ર હોય છે જે આપની રાણી માં નથી… “

રાજા એ ખુશ થઈને ફરીથી નોકરને ધરે અનાજ, ધેટા,બકરા આપીને પોતાના દરબારમાં સ્થાન આપ્યું… 

થોડા વખત પછી રાજા એ નોકરને બોલાવ્યો અને તેમણે પોતાનાં વિષે જાણવાની ઇચ્છા પ્રગટ કરી.

જવાબમાં નોકરે કંહ્યુ કે “અભય વચન આપો, તો તમારી અસલીયત બાબત કહુ” 

રાજા એ આપ્યું..,  એટલે નોકરે કંહ્યુ કે “ના તો આપ રાજા છો કે, ના તો તમારો વ્યવહાર રાજા જેવો છે” 

રાજા ગુસ્સાથી લાલપીળો થઈ ગયો પણ જાન માફીનું વચન આપ્યું હતું એટલે સમસમીને ચુપ રહ્યો અને રાજા એ પોતાના પિતા પાસે જઈને પુછયું કે “હું ખરેખર કોનો દીકરો છું…?? “

જવાબમાં તેના પિતા એ કંહ્યુ કે “હા સાચી વાત છે. મારે કોઇ ઓલાદ ન હતી તેથી મેં તને એક કસાઈ પાસેથી ગોદ લીધો હતો… “

રાજા અચરજ પામી ગયો અને નોકરને પુછયું કે “તને કેવી રીતે ખબર પડી …? “

જવાબમાં નોકરે કંહ્યુ કે “બાદશાહ જયારે કોઇને ઇનામ આપે તો તે હીરા , મોતી અને ઝવેરાતના રૂપમાં આપે છે પરંતુ તમે તો મને કાયમ અનાજ,માંસ, ધેટા, બકરા વિ. ઇનામમાં આપ્યા જે વહેવાર કોઇ કસાઈ ની ઓલાદ જેવો હતો… “

*******

બોધ :- માણસની અસલીયત તેના લોહી નો પ્રકાર, સંસ્કાર, વ્યવહાર અને નિયત ઉપર નિર્ભર કરે છે… હેસિયત બદલાઇ જાય છે, પણ ઔકાત તો તેની તે જ રહે છે…‼ વિજ્ઞાન માં D.N.A. ની શોધ અમથી જ નથી થઈ.., પૈસો આવે એટલે મન ની અમીરાત પણ આવે તેવું હોતું નથી…..‼ તેના માટે સંસ્કારી ખાનદાન નાં D. N. A. જરુરી હોય છે…!!!!

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 26, 2020 માં Sense stories / बोध कथाए

 

ટૅગ્સ: ,

નિવૃત્તિ – પ્રવૃત્તિ આનંદમય


રેવતી ને તો જાણે આજે બધા જ સ્વપ્ન પૂરા થાય જશે એવું લાગી રહ્યું હતું. રેવતીને તો જીવનનો ભરપુર આનંદ લેવો હતો. હવે એ આનંદ પણ મળી જશે. રેવતી નિવૃત્ત થઇ એજ દિવસે એને બેંકમાં ભાષણ આપતાં કહેલું, “માણસ નિવૃત્ત તો ક્યારેય થતો જ નથી. નિવૃત્તિ બાદ એ મનગમતી પ્રવૃત્તિમાંથી ભરપૂર આનંદ ઉઠાવે છે. નિવૃત્તિ બાદ બધી જ દુનિયાની ઘડિયાળો ચાલે કે બંધ પડી જાય એની સાથે એને કોઈ જ નિસ્બત હોતી નથી. ઈચ્છા પ્રમાણે જીવન જીવવું એ પણ એક લહાવો હોય છે. જિંદગીના શબ્દકોષમાં એક નવો શબ્દ ઉમેરાશે – આરામ. એ પણ ગમે તે સમયે ઉઠી જવું અને ગમે તે સમયે સૂઈ જવું. માણસ પોતાની ઈચ્છાઓનો માલિક.”

રેવતી એ નિવૃત્તિના ભાષણ વખતે ખૂબ જ સુંદર વ્યક્તવ્ય રજુ કરેલું ત્યારે ઘણા બધાને થયેલું કે આપણે પણ જલદીથી નિવૃત્તિ લેવી જોઈએ. સરકાર સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરે તો લઇ લેવી જોઈએ.

રેવતીના બોલવામાં એક આકર્ષણ હતું. જિંદગીને ભરપુર માણવાની ઈચ્છા હતી.

જો કે રેવતી નિવૃત્ત થઇ ત્યારે જ એનો પગાર લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. અરે અનો પગાર તો પડી જ રહેતો હતો. એના પતિનો ધંધો તો ધમધોકાર ચાલતો હતો. લાખો રૂપિયાનું ટર્નઓવર થતું હતું. એનાથી પણ ઘણો વધુ પૈસો એનો પતિ કમાઈ લેતો હતો. વેપારી સમાજમાં એનું નામ હતું. હા, એ સ્વભાવે તોછડો જરૂર હતો પરંતુ વેપાર કરતી વખતે એવી રીતે વાત કરતો કે લાગે કે આ માણસને જીભ નો ડાયાબિટીસ થઇ ગયો છે. એ કારણે જ એનો ધંધો ધમધોકાર ચાલતો હતો.

રેવતી ઘરે આવી ત્યારે ખુબ જ ખુશ હતી. આજે તો જાણે ઘરની દિવાલો પણ એનું સ્વાગત કરતી હોય એવું એને લાગી રહ્યું હતું. એને જિંદગીભર ટી.વી. જોવાનો સમય પણ ક્યાં મળતો હતો ? ઘણીવાર તો બેંકમાંથી આવતાં જ રાતના નવ દસ વાગી જતાં. જો કે એ સમજતી હતી કે આટલો તગડો પગાર મળતો હોય તો એના પ્રમાણે કામ તો રહેવાનું જ. એ તો પુરી નિષ્ઠાથી કામ કરતી હતી. એને ઘરની તો ચિંતા હતી જ નહીં ઘેર નોકર રસોઈયો હતા. વર્ષો જુના હતા. હવે તો એ બધા જાણે ઘરના સભ્ય જ બની ગયા હતા. પતિ પણ જયારે વહેલા ઘેર આવે ત્યારે એમના ફોન ચાલુ જ હોય. સવારે થોડો સમય તો મળતો કે જયારે એ એ ઉતાવળમાં ભગવાન ને દીવો અગરબત્તી કરી દેતો. બાકી રજા ને દિવસે પત્નીને સાથે લઇ કોઈ મિત્ર કે સગાને ત્યાં જવું કે એ લોકોને પોતાના ઘેર બોલાવવા.

જો કે રેવતી ના પતિ પ્રજ્ઞેશનું કહેવું હતું કે આપણે મિત્રોને ત્યાં જઈએ, ક્લબમાં જઈએ સગાઓને ત્યાં જઈએ તેથી સંબંધો ગાઢ બને, નવી ઓળખાણો થાય અને આપણો ધંધો વધુ ને વધુ વિકાસ પામે. જેટલી વધુ ઓળખાણ એટલો ધંધો સારો ચાલે. રેવતી ને થતું કે માણસ ને જીવવા માટે કેટલા પૈસા જોઈએ. એની પાસે એટલા પૈસા હતા કે સાત પેઢી ખાય તો પણ ખૂટે નહીં. દિકરો અને વહુ ડૉકટર હતા. અમેરિકામાં એમની પ્રેક્ટીસ ખૂબ સારી ચાલતી હતી. એક રીતે કહી શકાય કે પૈસાની ટંકશાળ જ હતી.

રેવતી ને થતું કે હવે એ રસોઈ કરનાર મહારાજ ને છોડી દેશે. એની રીતે એ રસોઈ બનાવશે. એ વિચાર સાથે જ એને ટી.વી. ચાલુ કર્યું તો ટી.વી. પર રસોઈ શો ચાલુ હતો. રેવતી બોલી, “ચલો, ભગવાને મારા મનની વાત સાંભળી.”

રેવતી પતિની રાહ જોઈ રહી હતી. એને વિશ્વાસ હતો કે આજે છેલ્લો દિવસ હતો તો પતિ મને લેવા આવશે. પરંતુ એની ધારણા ખોટી પડી. પ્રજ્ઞેશ રાતના નવ વાગે આવ્યો. રેવતી ને હતું કે પતિ પૂછશે કે, “વિદાય સમારંભ કેવો રહ્યો ?” પરંતુ પતિએ કશું જ ના પૂછ્યું. રેવતી એ જ કહ્યું, “હવે થી હું ઘરે જ છું. તમે પણ હવે ધીરે ધીરે ધંધો સમેટી લો. આપણે જિંદગીનો ભરપુર આનંદ ઉઠાવીશું.”

“એટલે તું કહેવા શું માંગે છે ? હું ધંધો સમેટીને આખો દિવસ તારુ મોં જોઇને બેસી રહું ? હું તો ઘરમાં ગાંડો થઇ જઉં અને તેં જિંદગીમાં કયો આનંદ નથી માણ્યો ? હિરા જડીત દાગીનાઓથી તું લદાયેલી રહે છે. તારા નામે બંગલો, ફાર્મ હાઉસ બધુ જ છે. ઘરમાં નોકર રસોઈયા છે. શું એ જિંદગીનો આનંદ નથી ? હવે કયો આનંદ માણવાનો બાકી છે. હવે તો ઘેર જ છું તો હું મારા એકાઉન્ટ તૈયાર કરતાં માણસ ને રજા આપી દઈશ હવે થી તું બધા એકાઉન્ટ તૈયાર કરજે. ”

રેવતી ની આંખ માં આંસુ આવી ગયા. પતિની નિવૃત્તિ નો અર્થ એવો તો ના હોય કે એને ઘરમાં રહી પત્નીનું મોં જોયા કરવાનું. આજે વર્ષો બાદ રેવતી ને એના મા બાપ યાદ આવ્યા. એના પિતા કહેતા હતા કે, “દુનિયામાં એંસી ટકા ઝગડા પૈસાને કારણે જ થાય છે. પ્રજ્ઞેશ ના ઘરમાં પૈસો છે, નોકર ચાકર છે, ધંધો ઘણો સારો ચાલે છે તું રાણી બનીને રહીશ. હવે લાંબો વિચાર કર્યા વગર પ્રજ્ઞેશને હા કહી દે.”

એને પ્રજ્ઞેશને હા કહી દીધી હતી. પૈસાની તો રેલમછેલ હતી પણ રેવતી સમજી ગઈ હતી કે પ્રજ્ઞેશમાં તોછડાઈ ઠાંસી ઠાંસી ને ભરેલી છે. તેથી તો એ કામ સિવાય વાત કરતી ન હતી. નિવૃત્તિના દિવસો પસાર થતાં હતાં. એને વાંચવાનો શોખ હતો. નજીકના પુસ્તકાલયમાં જઈ પુસ્તકો લઇ આવતી. ક્રિકેટનો પણ એટલો જ શોખ હતી. જયારે નાની હતી ત્યારે ટી.વી. ન હતા એ રેડિયો પર મેચ સાંભળતી. હવે ટી.વી. પર મેચ જોતી. નિવૃત્તિ પછી એને એકાઉન્ટ નાં નફા નુકશાન થી દૂર રહેવું હતું. પરંતુ પતિ એને એ કામ સોંપવા માંગે છે. એટલે કે એક ગરીબ એકાઉન્ટ લખનાર માણસને કાઢી મુકવો. આટલો પૈસો હોવા છતાંય લોભનો અંત જ નથી. પૈસાથી તમે પાર્થિવ વસ્તુ ખરીદી શકશો. પરંતુ કોઈ ગરીબના આંસુ નહીં લુછી શકો. કોઈ બાળકના મોં પરનું સ્મિત નહીં ખરીદી શકો.

આખરે રેવતી એ નિર્ણય કરી લીધો કે એ આ ઘર છોડીને જતી રહેશે. એની પાસે ઘણી બચત હતી. એનું વ્યાજ તો આવતું જ હતું. તે ઉપરાંત નિવૃત્તિ પછી એનું પેન્શન પણ આવતું હતું. દિકરા વહુને તો પૈસાની જરૂર હતી જ નહીં. પતિને તો પત્નીના બેંક ખાતામાં કેટલા પૈસા છે એની સાથે જ નિસ્બત હતી.

રેવતી એ કહેલું કે, “હવે હું ગરીબો અને જરૂરિયાત મંદોની સેવા કરવા માગુ છું. આખી જિંદગીની કમાણીનો સદ્ઉપયોગ કરવા માંગુ છું.”

ત્યારે પ્રજ્ઞેશે કહેલું, “એના કરતાં તું એવું કહેને કે હવે તું તારા પૈસા ઉડાવી દેવા માંગે છે. જયારે જરૂર પડશે ત્યારે પૈસા જ કામ આવશે એ ભૂખ્યા નાગા તારા કામમાં નહીં આવે. ઘરમાં બેસીને મારા ધંધામાં મદદ કર.”

રેવતી એ નિસાસો નાંખ્યો, “હે ભગવાન મારૂ નામ ‘રેવતી’ શા માટે પાડ્યું ?”

કહેવાય છે કે રેવતી ના પિતા ઈશ્વર પાસે જઈને કહે છે મારી પુત્રી માટે પૃથ્વી પર એને યોગ્ય પતિ શોધી આપો. ત્યારે ભગવાને કહ્યું, “પૃથ્વી પર તારી પુત્રીને યોગ્ય એવો એક જ પતિ છે – ‘બલરામ’” પરંતુ હવે તો યુગો વહી ગયા. મનુષ્યની ઉંચાઈ ઓછી થતી ગઈ છે તેથી ભગવાન રેવતી ના મસ્તક પર હાથ મુકે છે અને એની ઉંચાઈ બલરામ કરતાં થોડી ઓછી કરે છે.

ભગવાને તો રેવતીની ઉંચાઈ ઓછી કરી અને યોગ્ય પતિ આપ્યો. પરંતુ મારા પિતાએ ઈશ્વર પાસે પૈસાપાત્ર પતિ માંગી મારા મૂળભૂત સંસ્કારોની ઉંચાઈ આ ઘરમાં આવ્યા પછી ઓછી કરી. પૈસો છે પણ સંસ્કાર નથી એ પૈસાથી સંસ્કાર ખરીદી શકતા નથી. તેથી જ એ એક દિવસ ચિઠ્ઠી લખી ને ઘર છોડી ને જતી રહે છે. જેમાં એને લખ્યું હતું, “હું મારા સ્વપ્ન પુરા કરવા જઈ રહી છું. મારે મારા પૈસા નો સદઉપયોગ કરવો છે. હું લોભ ને ધિક્કારું છું. તમારૂ માનવું છે કે તમે મને જિંદગીમાં બધો આનંદ પ્રાપ્ત કરાવ્યો છે. પરંતુ મારો ખરો આનંદ તમે ક્યારેય નહીં આપી શકો. મારે ગરીબો ના આંસુ લૂછવા છે. બાળકોનું હાસ્ય જોવું છે. વડીલોના આશીર્વાદ લેવા છે.”

બીજી પણ એક વાત કહેવા માંગુ છું કે ઈશ્વરે રેવતી ની ઉંચાઈ ઓછી કરી હતી. એના ગુણો એ જ રહ્યા હતા તેથી તો એ ઈશ્વર ના અવતાર બલરામજી ને પ્રાપ્ત કરી શકી. મને હવે પૈસાનો મોહ નથી. જિંદગીમાં ઘણી એવી પ્રવૃત્તિ છે કે જેમાં અર્થોપજન નહીં પણ દિલની ખુશી હોય. તમારે મારી પ્રવૃત્તિમાં જોડાવવું હોય તો જરૂર આવજો. બાકી હું મારી જિંદગી મારી રીતે આનંદમય પ્રવૃત્તિમાં વીતાવવા માંગુ છું.

જો કે રેવતી ની ચિઠ્ઠી વાંચ્યા પછી પ્રજ્ઞેશ બોલ્યો, “સંસ્કાર ની વાતો કરનાર બધા દંભી છે. ખરી જિંદગી જ અર્થોપજન માટે છે. સામે એને પણ રેવતી ને જવાબ મોકલ્યો હતો.” “જયારે પસ્તાય ત્યારે જરૂર પાછી આવજે. તારા માટે દ્વાર ખુલ્લા જ છે.” રેવતી મનમાં બોલી, “જિંદગી માં કોણ પસ્તાય છે અને કોણ સુખી થાય છે એતો માત્ર ઈશ્વર જ જાણે છે.”

*******

લેખિકા : શ્રીમતી નયના ભરતકુમાર શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮ / ૯૪૨૬૭૨૧૯૫૬

 

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 25, 2020 માં Nayna Shah

 

ટૅગ્સ: ,

ડોક્ટર


રાતના 1 વાગ્યા હતા. મોબાઈલમાં રિંગ વાગી રહી હતી. દીપેનની આંખ ખુલી મોબાઇલની સ્ક્રીનમાં જોયું જેમાં લખેલ હતું ‘હોસ્પિટલ.’ બેડરૂમમાં પતિ પત્ની બે જ સુતા હતા. ફોનની રિંગ વાગતા વૈશાલી જાગી ગઈ હતી. બેડની બાજુમાં જ પડેલ ચપ્પલ પહેરીને તરત જ તૈયાર થઈને દીપેને બાઈકની ચાવી ટેબલ પરથી લીધી. દરવાજો ખોલતા ખોલતા દીપેને વૈશાલી ને કહ્યું, : “વૈશાલી emergency છે, હું હોસ્પિટલે જાઉં છું.”

“હમ્મ” અડધી જાગેલ અને અડધી સુતેલ અવસ્થામાં વૈશાલી એ કહ્યું.

દીપેન હોસ્પિટલમાં કામ કરતા. પોતાના વ્યવસાયને જ ભગવાન માનવા વાળા માણસોમાં ના એક હતા આપણા દીપેનભાઈ. સોરી ડૉ. દીપેનભાઈ પનારા (મીન્સ આપણી સ્ટોરીના હીરો). રાત્રે મોડે ફોન આવવું, દીપેનનું ચાલ્યું જવું આ એક વાર નહોતું બન્યું. શરૂઆતમાં વૈશાલી એ વિરોધ પણ કર્યો હતો પણ હવે તો એ પણ જાણી ગઈ હતી કે દીપેન પોતાના દર્દીઓને ફેમીલી મેમ્બર્સ જ ગણે છે. એકવાર તો બંનેની મેરેજ એનિવર્સરીના દિવસે જ દીપેન કેક કાપીને હોસ્પિટલે ચાલ્યો ગયો હતો.

આવા ઉપરાઉપરી બે ત્રણ બનાવો બને ત્યારે વૈશાલી કહી દેતી, “દીપેન, ક્યારેક ક્યારેક કુટુંબમાં પણ ધ્યાન દેવું જોઈએ અમે પણ ફેમીલી છીએ.”

“શુ કરું વૈશાલી, ડોક્ટરનું કામ જ એવું હોય છે” દીપેન પોતાના બચાવમાં આવું કહેતો .

વૈશાલીને બધું મળતું. સુખ સગવડતા ભર્યું જીવન, ગાડી , સુવિધાજનક ઘર, બધું પણ દીપેનનો સાથ એને ખલતો. એકલું રહેવાની જાણે કે તેને આદત પડી ગઈ હોય એવુંજ સમજી લો.

સમય એક પંખીની જેમ આમજ ઉડતો ચાલ્યો જતો હતો. વૈશાલી પ્રેગ્નેન્ટ થઈ. દીપેન ખુબજ કાળજી રાખતા. તે દિવસે બધા પરિવારના સભ્યો ઓપરેશનના દિવસે લેબર હોસ્પિટલમાં હતા. દીકરાના જન્મ વખતની પીડા વૈશાલીથી સહન નહોતી થતી. દીપેન તેની બાજુમાં જ હતો. પણ દીકરાનો જન્મ થતા જ તેના ફોનની રિંગ વાગી અને તેને જવું પડ્યું. “વૈશાલી, એક બહેન અત્યંત દાજી ગયા છે, મારે જવું પડશે” આમ કહીને દીપેન ચાલ્યો ગયો.

દીકરાના જન્મની કિલકારીઓથી પૂરેપૂરું હોસ્પિટલ ગુંજી ઉઠ્યું હતું. બધા બહુ ખુશ હતા. પણ વૈશાલી ની આંખો ગોતી રહી હતી દીપેનને. કેટલો ખુશીનો પ્રસંગ અને એને એના હોસ્પિટલની અને દર્દીઓની પડી છે.

દીકરાના નામકરણ વખતે થોડો સમય હાજર રહીને દીપેન ત્યારે પણ હોસ્પિટલ ચાલ્યો ગયેલો. તેનું નામ તનુષ રાખેલ. વૈશાલી પૂરો સમય દીકરાની સાળ સંભાળમાં જ વિતાવવા લાગી. એક દિવસ અચાનક દીપેન કામથી વહેલો આવીને કહે છે વૈશાલી આજે હું મારા હોસ્પિટલનો સામાન્ય ડોક્ટરમાંથી મેડિકલ ઓફિસર બની ચુક્યો છું. તનુષને મમ્મીને ત્યાં મૂકીને આપણે આજે બહાર ડિનર કરશું…ચાલ તૈયાર થઈ જા…જલ્દી…

વૈશાલી તૈયાર થઈ બંને એક હોટલના એક ખૂણામાં બેઠા હતા. આ લગભગ 8 કે 7 મહિને તે બહાર જમવા આવ્યા હશે. દીપેન ઓર્ડર આપીને વૈશાલી સમક્ષ જોઈ રહ્યો હતો પણ વૈશાલી નું ઉતરેલું મો જોઈને તેણે પૂછ્યું, “શુ થયું વૈશાલી, બધું બરાબર છે ને?”

“કશું બરાબર નથી. હું હવે તારી સાથે રહી શકું એમ નથી.” વૈશાલી એ કહ્યું.

“પણ”

દીપેનની વાત અધવચ્ચે જ કાપીને વૈશાલી એ કહ્યું, “આજે આ કેટલા સમયે આપણે સાથે જમી રહ્યા છીએ. આપણે એક ઘરમાં રહીએ છુએ પણ એક સાથે નથી. મને એવું લાગે છે કે હવે તમને તમારા કામ સાથે જ મારે એકલા મૂકી દેવા જોઈએ જેથી કોઈ તમને ડિસ્ટર્બ ના કરે”

ડઘાયેલી આંખોથી દીપેન વૈશાલી ને જોઈ જ રહ્યો. બંને અલગ થયા. દીપેનનું મન કામને બદલે વિષાદથી જ ઘેરાવા લાગ્યું. જોતા તો તે નોર્મલ જીંદગી જીવતો હોય એવું લાગતું પણ તેની અંદર તેને વૈશાલી ની ખામી સાલતી હોય એવું લાગતું.

એક સાંજે તે મોડી રાત સુધી સૂતો જ નહીં. એક પુસ્તક વાંચતા વાંચતા તેને નીંદર આવી ગયેલ. અચાનક રાતમાં 2 વાગ્યે રિંગ વાગી. વૈશાલી નો ફોન હતો. દીપેને તરત જ ઉઠાવ્યો. પોતે કઈંક બોલે તે પહેલાં જ વૈશાલી ના રડતા આવજે તેની નીંદર ઉડાડી નાખી હતી.

“દીપેન….તમે જલ્દી અહીં વિસાવદર સરકારી દવાખાને આવી જાવ…તનુષને પેટમાં જોરદાર દુખાવો ઉપડી ગયો છે અને આ કમ્પાઉન્ડર કહે છે કે ડૉક્ટર સવાર સિવાય નહીં આવે. હું શું કરું કશું સમજાતું જ નથી.”

“વૈશાલી તું ફિકર ના કર મારા એક મિત્ર છે ત્યાં દવાખાના માં હું ફોન કરું જ છું એને અને ચિંતા ના કર હું નીકળું જ છું.” દીપેને કહ્યું.

દીપેન 2 કલાક પછી દવાખાને પહોંચ્યા તે પહેલાં દીપેનના મિત્રએ ઓપરેશન શરૂ કરી દીધું હતું. તનુષને નાનું એપેન્ડિક્સ નીકળ્યું હતું. બધું કંટ્રોલમાં જ હતું.

દીપેન ને જોઈને વૈશાલી દોડી અને તેને ગળે મળીને બસ ચોધાર આંસુએ રડવા જ માંડી. “કદાચ આજે બીજું કોઇક હોત અને મેં પણ એની જેમ વિરોધ કર્યો હોત તો આપણાં છોકરાનું શુ થાત દીપેન. આજે આ ડૉક્ટર જે આવ્યા એની પત્ની મારા જેવી હોત અને જો ના આવવા દીધા હોત તો મારા દીકરાનું શુ થાત. હું તમારું કામ ક્યારેય ના સમજી શકી…મારી આ ભૂલ માફીને પણ લાયક નથી. દર્દીઓ પણ કોઈકના સંબંધી હોય છે, કોઈકના સ્નેહીઓ હોય છે એ વાત મારા મગજમાં કેમ ના આવી. સોરી…મને માફ કરી દેજો plz plz plz.”

દીપેન બસ વૈશાલીના આંસુઓને લૂછતાં જ રહ્યા અને એક પણ શબ્દ બોલ્યા વગર ક્યારે એના આંખને વૈશાળીના નિખાલસ શબ્દો ભીંજવી ચુક્યા હતા.

આ વાર્તા આવા દરેક ડોક્ટરોને સમર્પિત જે આપણી રેગ્યુલર લાઈફને રેગ્યુલર રાખે છે.આ વાર્તા દરેક ડોક્ટરના જીવનની વાસ્તવિકતા છે. ડૉક્ટરની મોંઘી ગાડી, બંગલા, જીવનશૈલી, મળતું માં મરતબો આ બધું આપણને દેખાય છે પણ જે શૂળીઓ પાર એ ચાલતા હોય છે એ આપણા સહુ કોઈથી અજાણ હોય છે.

એટલે જ કહે છે ને કે,
“જો સાઝ સે નીકળી હૈ વો તો સબ ને સુની હૈ,
પર જો સાઝ પાર બીતી હૈ વો કિસ દિલ કો પતા હૈ.”

-Dedicated to All Doctors

*******

Source: Unknown  

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 24, 2020 માં SHORT STORIES / लघु-कथाए

 

ટૅગ્સ: ,

જવાબદારી


“ઔર યે લગા સિકસર….” આ શબ્દો જ્યારે કાને પડે છે ત્યારે ચુનીલાલ ભૂતકાળ ની યાદોમાં ખોવાઇ ગયા…

રિંગ રોડ ની સાઈડ માં એક મેદાન માં ક્રિકેટ રમાઈ રહી હતી અને માઇક માં એક ઉત્સાહી,અનુભવી, રમતના જાણકાર વ્યક્તિ એમની આગવી શૈલીમાં પુરે પુરા રસથી તરબોર થઈ ક્રિકેટ ની કોમેન્ટ્રી આપી રહ્યા હતાં, જાણે તેનામાં હર્ષ ભોગલે આવી ગયા હોઇ ,સિકસરનો અવાજ કાને પડતા જ રિંગ રોડ પરથી પસાર થતા ચુનીલાલને થોડીવાર ઉભા રહી રમત જોવાનું મન થયું. બેટિંગ ક્રિસ પર એક અંદાજીત ચૌદ-પંદર વર્ષનો છોકરો રમતો હતો. મધ્યમ ઉંચાઈ ધરાવતો,બોલરને દરેક બોલ પર બાઉન્દ્રી ફટકારતો હતો. તેની રમતમાં ખૂબ જ જોશ હતો. બધા જ પ્રેક્ષકો એ છોકરાનો ખૂબ જ ઉત્સાહ વધારી રહ્યા હતા. ચુનીલાલ આ બધું જોઈને ઉદાસ ચહેરે ઘર તરફ જવા લાગ્યા.

ચુનીલાલ ઘરે ઉદાસ ચહેરે ફરતા જોઈ ચુનીલાલની પત્ની રૂપાએ પૂછ્યું ” શું થયું કેમ ઉદાસ છો?” ” આ ટીનીયો પાછો આજે ખોટું બોલી રમવા ગયો,કેટલી વાર કીધું કે કામ માં ધ્યાન દે પણ માનતો જ નહીં” ચુનીલાલએ નિરાશ થઇ કહ્યું.

ચુનીલાલ એક ખેતમજૂર હતો એના કુટુંબમાં એની પત્ની રૂપા એક દીકરો ટીનીયો અને બે ટીનીયા થી નાની દીકરી ઓ હતી.બધા સાથે એક ખેતરમાં ખેતમજૂરીએ જાય અને ચુની,રૂપા અને ટીનિયો ખેતર માં કામ કરે અને નાનકડી દીકરીઓને ઝાડવા નીચે રમવા બેસાડી દેતાં,મોટા ભાગનો સમય ખેતરમાં કામમાં જ જાય. ટીનીયો ચાર ધોરણ ભણીને ચુનીલાલને ખેતી કામમાં મદદ કરવા લાગ્યો. પણ એ નાનો હતો ત્યારથી ગલીઓમાં ક્રિકેટ રમવાનો શોખીન અને રમતનું તેનામાં આગવું કૌશલ્ય હતું,તેને કુદરતી બક્ષીસ હતી. કોઈ બેટિંગ ટેકનિકનું જ્ઞાન નહીં કે કોઈ કોચિંગ નહીં તો પણ એ બેટિંગ ક્રિઝ પર ઉભો હોય ત્યારે એમને રમતો જોવાની મજા આવે . એક થી એક ચડિયાતા બોલરને ધોબી જેમ કપડાંની ધુલાઇ કરે તેમ ધુલાઈ કરતો.જ્યારે જયારે કોઈ ક્રિકેટની નાની-મોટી ટુર્નામેન્ટ થાયને ગામના બીજા મિત્રો ટીનીયાને એની ટીમમાં રમાડવા પડાપડી કરતાં.

આ ટીનીયાનું રમવાનું તેના બાપુજી ચુનીલાલને ન ગમતું,એમના માટે તો આ નવરાઓનું કામ હતું. જ્યાં બે ટંક ખાવાનું ભેંગુ માંડ થતું હોય ત્યાં રમત રમવામાં સમય બગાડવો કેમ ગમે! ટીનીયો નાનો હતો ત્યારે રૂપા ગમે તેમ ચુનીલાલને માનવી લેતી પણ હવે એ ટીનીયાને સમજાવવા લાગી હતી.

રાત્રે ટીનીયો ઘરે આવ્યો અને તરત જ ચુનીલાલ તાડુક્યા “ટીનીયા તને કેટલી વાર ના પાડી છે કે ખેતી કામમાં ધ્યાન દે. આ રમત પરિવારનું પેટ નહીં ભરે કામ કરીશ તો પૈસા આવશે ને તો જ પેટ ભરાશે. જવાબદારી ઉપાડતા શીખવા માંડ”. ટીનીયો જવાબમાં કહે ” બાપુજી હું ન’તો જ રમવાનો પણ સરપંચના દીકરા જગુ નો હાથ ભાંગી ગયો અને ટીમમાં ખેલાડી ખૂટતાં હતા એટલે મને સોગંદ આપી રમાડયો, આજે ફાઈનલ મેચ હતો ને હું મેન ઓફ ધ મેચ પણ થયો.” “સમજ્યા હવે મેન ઓફ ધ મેચ થવા વાળો અહીંયા ઘરમાં મેન થા’ને”ચુનીલાલ એ નિસાસો નાખતા કહ્યું.

ચુનીલાલ અને ટીનીયા વચ્ચેની વાત ચાલુ હતી ત્યાં કોઈનો બહારથી અવાજ સંભળાય છે,”હું અંદર આવું?”

“હમમ..આ..વો..ને ! ” અચરજ ભરી નજર સાથે ચુનીલાલ એ કહ્યું.” ક્ષમા કરશો પણ હું તમને ઓળખ્યો નહી.”

” હા.. હા.. તમે મને ન જ ઓળખોને મારું નામ એસ.કે.સંઘવી હું સ્ટેટ ક્રિકેટ નો ચીફ સિલેક્ટર છું અહીં ચાલુ ટુર્નામેન્ટ માંથી સારા સારા ખેલાડીઓને પસંદ કરી સ્ટેટ ટીમ માં રમવા લઈ જાવ છું. હું અહીં તમારા દીકરા ટીનીયા વિશે વાત કરવા આવ્યો છું.”

ટીનીયાનું નામ સાંભળીને ચુનીલાલ મુંજાણો, “કેમ ટીનીયા એ વળી શુ કર્યું?એનાથી કાઈ ભુલ થઈ ગઈ?”

“હા” ક્ષણીક બધા સ્તબ્ધ થઈ ગયા!

પછી સંઘવી સાહેબ ખડખડાટ હસતાં “સોરી હું મજાક કરતો હતો આજના ફાઈનલ મેચમાં ટીનીયો ખુબજ સરસ રમ્યો. હું છેલ્લા એક દાયકાથી ટીમ સિલેક્ટ કરું છું અને ગામે ગામ ફરું છું પણ ટીનીયા જેવું બેટિંગ મેં હજુ સુધી નથી જોયું! એમના માં ઇશ્વરીય બક્ષિસ છે તેનું રમત કૌશલ્ય પણ અદભુત છે એ રમત રમવા કરતા વધુ માં એ રમત માણતો હોય છે. ટીનીયાને બહાર બેસી રમતા જોવાની પણ મજા પડે છે. રીયલી હી કેન બીકેમ એ ગુડ બેટ્સમેન”

“હમમ….” ચુનીલાલ રતીભાર સમજ્યો નહીં માત્ર એટલી ખબર પડી કે ટીનીયા ના વખાણ કરતા હતા અને પછી બોલ્યો, “સાહેબ ઇ બધું તો ઠીક ફદીયા કેટલા મળે?”

“શું? ફદીયા? કાંઈક સમજાય એવું કયો”

“પૈસા કેટલા મળશે રમવાના?”

“ઓહ ..હજુ તો પેલા ખર્ચવા પડશે.પણ તેની ચિંતા તમે ન કરશો એ બધું કંઈક ગોઠવી દઇશું, શરૂઆતમાં તો થોડો સંઘર્ષ કરવો પડે પછી સ્ટેટ માંથી રમવા જાય એટલે થોડા રૂપિયા મળે અને પછી જો નેશનલ/ઈન્ટરનૅશનલ ક્રિકેટ રમવા જશે ત્યારે તો પછી દુઃખ ના દા’ડા જતાં રહેશે લાખો કરોડો મળશે.”

ચુનીલાલ એ સંઘવી સાહેબ ને રોકતા “સાહેબ ખોટા સપના ન બતાવો.મેં દુનિયા જોઈ લીધી છે દુનિયા મતલબી છે. ટીનીયો હજુ 15 વરસનો છે એને ન ખબર પડે.અને આ તમારી વાતો મારે પલે ન પડે ,પણ એટલી ખબર પડે કે જયારે બે ટંક ખાવાના ન થતાં હોય ત્યારે લાખો કરોડો ના સપના ન જોવાય.મે મારા કુટુંબ ના પેટ ભરવાની જવાબદારી ઉપાડી છે એ જ ટીનીયા એ પણ કરવાનું છે. “સંઘવી સાહેબ ચુનીલાલ ની વાત સાંભળીને થોડી વાર ટીનીયા સામું જોતા રહ્યા ચુપચાપ ઊભા થઈ ઘરની બહાર નીકળી ગયા.

ખુણા માં ઉભેલ રૂપા ચૂલો ફૂંકવા જતી રહી, ચુનીલાલ પણ ખેતરમાં આંટો મારવા જતા રહ્યા ને 15 વર્ષના ટીનીયાના મનમાં ઘૂઘવતા ઉછળતા સાગરના મોજાં સમાન વિચારો ઉછળવા લાગ્યા ને આંખો વાટે વહેવા લાગ્યાં.

થોડો સમયમાં દૈનિક કાર્ય ચાલવા લાગે છે ટીનીયો એના ભાગ્ય ને કોસતો ખેતી કામમાં લાગી જાય છે. ચુનીલાલ અને રૂપાને તો બીજી બે છોકરીઓને પરણાવવાની પણ હતી એટલે બનેલી ઘટના ભૂલી બંને તો પૈસો જોડવામાં લાગી જાય છે.

અચાનક એક દિવસ વાળું કરવાના સમયે શ્રી સંઘવી સાહેબ આવી પહોંચે છે. તેને જોઈ ચુનીલાલ બોલે છે,” સાહેબ કંઈ ભૂલી ગયા કે પાછા કોઈ ફાઈનલ મેચ માં સિલેક્ટર તરીકે આવ્યા છો?

“ના,ના ચુનીલાલ હું ફરી ટીનીયાને જ લેવા આવ્યો છું.”

“વળી તમને શું થયું?ભુલી જાવ ભાઈ ટીનીયો નહીં આવે. મેં તમને કહ્યું તેમ ટીનીયાએ જવાબદારી લેવાની છે એની બે બહેનોની.”

સંઘવી સાહેબ પુરા જોશ સાથે ” હા તો લેશે જ હું ક્યાં ના પાડું છું.ચુનીલાલ આજે હું પુરી તૈયારી સાથે આવ્યો છું.અને હું ટીનીયાને સાથે લઇને જ જઈશ.”

ચુનીલાલ વળતા જવાબમાં “કાંઈક સમજાય એવું કો’ને ભાઈ?”

સંઘવી સાહેબ પુરા ઉત્સાહ સાથે કહે છે.”ચુનીલાલ તમારો દીકરો હોસ્ટેલ માં રહેશે ત્યાં એ ભણશે,રમશે અને કામ પણ કરશે.અને જે કામ કરશે તેના પૈસા પણ મળશે.”

ટીનિયો ઘરની બહાર ઉભી બધી વાતો સાંભળતો હોય છે.જેવી સંઘવી સાહેબ આ વાત મૂકે છે કે એક અલગ ઉત્સુકતા સાથે ઘરમાં દોડી ને કહે છે, “એ કેવી રીતે સાહેબ?”

ટીનીયાને જોઈ સંઘવી સાહેબને પણ વાત કરવાની ઉત્સુકતા વધે છે,

“સાંભળ , હું જ્યારે અહીંથી ગયો ત્યારે તારા માં-બાપુજી બંનેની આંખો માં મેં એક એવો ભાવ વાંચ્યો કે મને સમજાય ગયું કે એ લોકોને તું રમે એની સામે વાંધો ન હતો માત્ર કમાનાર વ્યક્તિ ઓછી થઈ જાય તેનું દુઃખ હતું. બસ પછી તો પરત જઈ મેં મિટિંગ બોલાવી અને તારા વીડિયો બધાને બતાવ્યા અને આપણી વચ્ચે થયેલ વાર્તાલાપ વિશે વાત કરી. બધા જ કમીટીના સભ્યો હલ શોધવા માંડ્યા,ત્યાં જ મારું ધ્યાન ક્રિકેટ ગ્રાઉન્ડની સાર સંભાળ રાખવા માટે માણસની જરૂરિયાત હોય એવી પ્રપોઝલ પર પડી. અને તરત જ મેં નીર્ણય લીધો કે આ નોકરી ટીનીયાની. બેટા તારે ગ્રાઉન્ડ પાસેના ક્વાટર માં રહેવાનું , ક્રિકેટ ગ્રાઉન્ડ અને પીચની સાર-સાંભળ રાખવાની જેના માટે તને પગાર મળશે બાકીના સમય માત્ર રમવાનું અને નજીકની નિશાળ માં ભણવાનું.”

આ બધું સાંભળી ચુનીલાલ, રૂપા ની આંખમાં ટીનીયાનો પગાર ,જ્યારે ટીનીયા ની આંખમાં ક્રિકેટ રમવાની અભિલાષા પુર્ણ થવાની ચમક દેખાણી. “તો બોલો ચુનીલાલ હવે તો ટીનીયા ને લઈ જાવ ને? સંઘવી સાહેબ બોલ્યા.જવાબ માં ચુનીલાલ પાસે ના કહેવાનું કોઈ કારણ જ ન હતું.

જેવી રીતે દરિયા માંથી મરજીવા મોતીઓ શોધી લાવે તેમ સંઘવી સાહેબ આ જગત રુપી મહાસાગર માંથી ટીનીયા રૂપી મોતી શોધ્યો હતો.

જોત જોતામાં ટીનીયો મોટો ક્રિકેટર બની ગયો અને દુનિયાની સૌથી મોટી ટુર્નામેન્ટમાં એ રમવા ઉતરે છે. એમના માં-બાપુજી જ્યારે એ રમતો હતો ત્યારે એ જ માહોલ, દરેક બોલ પર શોટ મારતા અને પબ્લિકની ચિચિયારીઓ સાંભળતા સ્ટેડિયમમાં બેસીને ટીનીયાના માં-બાપુજી અને બને બહેનો જોતા હતા.ત્યારે ચુનીલાલ સંઘવી સાહેબ તરફ જોઈ. મનોમન સંઘવી સાહેબ અને ખૂબ ખુબ આભાર વ્યક્ત કરે છે. ટીનિયો તો એની બહેનો જ નહીં પણ આખા દેશની જવાબદારી લઈ બેઠો.

“Forget what is missing in your life, Go with the flow persistently with whatever resources are available, if you are destined to win, you will win !”

*******

લેખક: ઉજાસ વસાવડા
મો.: +919913701138

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 23, 2020 માં Ujas Vasavda

 

ટૅગ્સ: ,

કોઇ કંચન કોઇ કથીર


આનંદે જ્યારે આરતી સાથે લવમેરેજ કર્યા અને તેને ઘરે લાવ્‍યો એ સગુણાબહેનને જરાય ગમ્‍યુ નહોતું. અને આરતીએ સાસુનુ મન વાંચી લીધું હતું તરત જ, પણ ચહેરા પર કળાવા દીધું નહોતું. નહિંતર તો દીકરો જેને પરણીને આવે એ નવવધુને પોંખવાની, આવકારવાની તો સાસુને કેટલી હોંશ હોય? પણ સગુણાબહેનતો એમાંથી જ ગયા હતા. તેણે પહેલો પશ્ન આનંદને એ કર્યો હતો કે ‘‘ ક્યાંથી લઇ આવ્‍યો છો એને? કઇ જ્ઞાતિની છે? એના મા-બાપ છે કે પછી કોઇની ભૂલનું કુપરિણામ અનાથઆશ્રમમાં મોટું થયું હોય ત્‍યાંથી ઢસડી લાવ્‍યો છે?‘‘ ‘‘મને જરાય ગમ્‍યું નથી. તારે માટે તો મેં જસુભાઇની જ્યોત્‍સના શોધી રાખી હતી. કેવી ડાહી? કેવી સંસ્‍કારી? કેવી સમજુ? પણ તેં આ કોઇનું પાપ-‘‘

‘‘મમ્‍મી…‘‘ આનંદનો અવાજ ઉંચો થઇ ગયો હતો.: ‘‘એ કોઇનું પાપ નથી મમ્‍મી! આપણી જ જ્ઞાતિના એક વખતના લેન્‍ડલોર્ડઝ કહી શકાય તેવા હરગોવિંદ વાછાણીની આ ત્રીજી પેઢી છે. હરગોવિંદ દાદાના દીકરા ગુણુભાઇની આ દીકરી છે, અને જ્ઞાતિના ઇનામ વિતરણના કાર્યક્રમમાં મને જ્યારે એન્જિનીયરીંગમાં સારા ટકાએ પાસ થવા બદલ ઇનામ મળેલું ત્‍યારે હોમ સાયન્‍સમાં પણ ઉચ્‍ચ ટકાવારી મેળવવા બદલ આરતીનું પણ સન્‍માન થયેલું. અમે બન્‍ને ત્‍યારે એકબીજાના પરિચયમાં આવ્‍યા હતા. અને તેના માતાપિતાની મંજૂરીથી જ અમે લવમેરેજ કર્યા છે. એટલે એ કોઇનું પાપ નથી પણ કોઇના સંસારબાગનું ફૂલ છે, અને એ ફૂલના મા-બાપ હજુ જીવે છે..‘‘

‘‘ઓહોહો, લાંબુચૌડુ ભાષણ આજ તેં તારી માને આપી દીધું! અત્‍યાર સુધી ‘માં‘, ‘માં‘ કરતો દીકરો ‘વહુ‘ ‘વહુ‘ કરવા લાગ્‍યો! આવી એ ભેગો જ તને કંટ્રોલમાં કરી દીધો. કહેવતમાં સાચું કહ્યું છે કે ‘પુત્રના પારણામાંથી, વહુના બારણામાંથી..‘‘ એમ કરતા પગ પછાડીને પોતાના રૂમમાં ચાલ્‍યા ગયા. આનંદ પિતા શરદભાઇ સામે તાકી રહ્યો. પિતાએ આંખોથી જ આશ્વાસન આપીને પછી ટી.વી. જોવા બેસી ગયા. શરદભાઇ આમ શાંત માણસ હતા. આનંદ અને દર્શન બે દીકરા. એક દીકરી જીજ્ઞા સાસરે વળાવી દીધી હતી. ઘરનો હાર્ડવેરનો નાનકડો ધંધો હતો. બન્‍ને દીકરા પૈકી આનંદને મિકેનીકલ એન્જિનિયર બનાવ્‍યો હતો. અને નાનો દર્શન એમ.બી.એ. થયો હતો. આનંદ માટે છેલ્‍લાછ બાર મહિનાથી માગા આવતા પરંતુ આનંદ ટાળતો. અંતે એક દિવસ તેણે આરતી સાથે રજીસ્‍ટર્ડ મેરેજ કરી લીધા. પણ જ્યારે તે તેને ઘરે લઇ આવ્‍યો ત્‍યારનું પોતાની મમ્‍મીનું ઉપેક્ષિ‍ત વલણ તેના દિલને ચૂભી ગયું. એક ફાંસ તેના હૃદયમાં ખટકી રહી.

રાત વીતતી હતી સહજીવનની પહેલી રાત. ઉપરના પોતાના રૂમમાં આનંદ-આરતી સુતા હતા. પણ આનંદના ચહેરા ઉપર મમ્‍મીએ કરેલા શાબ્દિક પ્રહાર ના ઘા સ્‍પષ્‍ટપણે દેખાતા હતા…

આરતીએ એના ચહેરા ઉપર હાથ ફેરવ્‍યો.ઝુલ્‍ફામાં સંવાર્યો અને પૂરા વિશ્વાસથી કહ્યું: ‘આનંદ, તમે ચિંતા કરોમા, બધું જ સારા વાના થઇ જશે. સ્‍વાભાવિક છે આવી કડવી પ્રતિક્રિયા આવે. મને સંદેહ હતો જ. પરંતુ ફરિયાદ નથી. કડવાં આખરે મીઠાં બની જતા હોય છે.‘‘ અને આરતીએ ઘર સંભાળી લેવાનો સંકલ્‍પ કરી લીધો.

લગ્‍નની બીજી જ સવારે વહેલા ઊઠી નાહીધોઇ ભગવાનને દીવા-અગરબતી કરી. ત્‍યાં જ શરદભાઇ ઉઠ્યાં. આમ તો રાત્રે જ આનંદ પાસે ઘરની રૂઢી અને રીતરીવાજો પ્રત્‍યે જાણકારી મેળવી લીધી હતી એટલે શરદભાઇ બ્રશ કરીને ફળિયામાં બાંધેલા હિંચકા ઉપર છાપું લઇને બેઠા કે ગુલાબી બાંધણીમાં શોભતી પુત્રવધુ આરતીએ ગરમાગરમ ચા નો કપ અંબાવ્‍યો.: ‘‘લો પપ્‍પા ચા..‘‘

આજે આ રીતે ચા પીવા મળશે એ કલ્‍પના બહારનું હતું. નહિંતરતો સવા છ એ ઉઠેલા શરદભાઇને સવા સાતે માંડ ચા મળતી પણ આજે? આદુ, ફૂદિના મસાલાની સુગંધથી મહેકતી ચા પીસને શરદભાઇ ખુશ થઇ ગયા. તેમણે તો ચા પીને સાદ પણ પાડ્યો: ‘‘બેટા, આરતી, અડધો‘ક કપ ફરી મળશે?‘‘ ‘‘અરે હા પપ્‍પા… સ્‍યોર.‘‘આ તરફ દિયર દર્શન ઉઠ્યો એ ભેગાં જ તેના માટે નહાવાનું ગરમ પાણી પછી ઇસ્‍ત્રી ટાઇટ કપડા, ત્‍યારબાદ કડક કોફી, થેપલાનો નાસ્‍તો, ત્‍યાર પછી ટીફીન…

‘‘અરે! વાહ…‘‘ દર્શન મનમાં ને મનમાં બોલી ઉઠ્યો. અને સાસુ જ્યારે ઉઠ્યા ત્‍યારે પણ તેમને માટે કોલગેટ લગાવેલું બ્રશ, ગરમ પાણી, ખાખરા-ચા ના નાસ્‍તાની ડીસ ડાઇનીંગ ટેબલ પર પડી હતી. જમીને લેવાની બ્‍લડપ્રેશરની ગોળી પણ ત્‍યાં જ પડી હતી.

-અને આજ બપોરે શરદભાઇ દુકાનેથી જમવા આવ્‍યા ત્‍યારે ઘરના દરવાજામાંથી જ તેમને સુગંધીદાર રસોઇ બની હોવાનો પુરાવો મળી ગયો. હાથ મ્‍હોં ધોઇ તેઓ બહાર આવ્‍યા ત્‍યાં જ પુત્રવધુઅે સુરીલા કંઠે સાદ પાડ્યો: ‘‘ચાલો પપ્‍પા, જમવાનું તૈયાર છે.‘‘ અને તેઓ ડાઇનીંગ ટેબલ પર આવ્‍યા ત્‍યારે પોતાની જીવનસંગિની સગુણા પણ સજોડે જ જમવા બેઠી હતી. આજ આટલા વર્ષે પોતે બન્‍ને સાથે જમવા બેસી શક્યા છે..‘ શરદભાઇએ વિચાર્યું. ગરમાગરમ ફૂલકા રોટલી, આખા રીંગણાનું મસાલેદાર શાક અને લસણથી વઘારેલી કઢી, સંભારો અને સીંગદાળિયાની ચટાકેદાર ચટણીનું ભરપેટ ભોજન જમીને શરદભાઇ તો તૃપ્‍ત થઇ ગયા આજે તેમને અચાનક બા સાંભરી આવી. કેમકે બા આવું સ્‍વાદિષ્‍ટ ભોજન બનાવતી હતી.

આરતીએ ઘરની તમામ વ્‍યવસ્‍થા સંભાળી લીધી. રસોઇ, કપડા, વાસણ માંજવા. ઉપરનીચે બબ્‍બે રૂમના સંજવારી કચરા પોતા. અને હવે તો પોતાને ટુવ્હિલર આવડતું હોવાથી ઘરનું લાઇટ, ટેલીફોન બીલ પણ ભરી આવતી. હવે માત્ર કરિયાણુ અને શાકભાજી લેવાના કામ જ શરદભાઇ માથે રહ્યા.

શરદભાઇ ક્યારેક વિચારે ચડી જતા: ‘ખરેખર પુત્રવધુ ઘરની લક્ષ્‍મી બનીને આવી છે.. કોણ કહે છે કે લવમેરેજ સફળ નથી થતા!! આજે આરતીએ ઘર સાથે પોતાનું બોન્ડિંગ એટલું મજબુત બનાવી આપ્‍યું છે કે એના વગરની કલ્‍પના કરવી ખરેખર મુશ્‍કેલ છે. છતાં પણ સગુણા મન મૂકીને એ છોકરી સાથે બોલતી નથી. મનમાંઠું જ બોલે છે. ક્યારેક ક્યારેક તો મોડી રાત્રી સુધી આરતી, સગુણાના પગ પણ દાબી દેતી હોય છે. અરે, ગયા ગુરૂવારની જ વાત કરોને, સગુણાને તાવ આવ્‍યો ત્‍યારે સતત ચાર કલાક સુધી આરતી એ જ સ્‍તો પોતા મૂકી દીધાં હતા. દરેકની તબિયતનો ખ્‍યાલ રાખતી આરતી આખો દિવસ દોડાદોડી કરતી રહે છે છતા પણ હસતી ને હસતી જ! આ છ મહિનામાં એ છોકરીના ચહેરા ઉપર ક્યારેય કડવાશની એક રેખા પણ જોઇ નથી. છતા પણ સગુણા એને અપનાવી શકી નથી!

અને એક દિવસ આરતી-આનંદના દામ્‍પત્‍યજીવનની ડાળી ઉપર એક ફૂલ બેઠું. શરદભાઇ તો આનંદવિભોર બની ગયા. એણે તે દિવસે સગુણાને એ ખુશી શેઅર કરતા કહ્યુ: ‘સગુણા, આપણાં આનંદને ત્‍યાં.. આપણા ઘરે… આપણા; આંગણે એક નાનકડા પગલાં રૂમઝુમ છૂનછૂન કરતા ફરશે અને એવ્‍યાજને હું અદકા હેતથી રમાડીશ… એક ફૂલ જેમ..‘‘

‘‘હવે વેવલાઇ છોડો અને એને એના ઘરે ગુડાવા દો.‘‘ સગુણાબહેન બોલ્‍યા: ‘હવે એને તેડી જ નથી લાવવી. ભલે એના બાપના ઘરે રહેતી… અહીં આવીને તમને સૌને એવા તો વશ કરી દીધા છે કે તમને આરતી સિવાય કશું જ દેખાવાનું નથી.. હવે જુઓ મારો ખેલ. ઇ જાય ઇ ભેગી જ દર્શનની સગાઇ કરી નાખવી છે. એમ.જી. કાર્પેન્‍ટરવાળા મનોજભાઇની દીકરી ઉર્વશી અત્‍યંત સુંદર, દેખાવડી અને આંગણે ઊભી હોય તો લોકો મોઢામાં આંગળી નાખી જાય તેવી છે. આ બોતડી જેવી નહીં..‘‘ અને એમણે ચપટી વગાડી: ‘‘ચટ મંગની પટૃ બ્‍યાહ.‘‘
શરદભાઇ તો સમસમી ગયા. મનમાં ને મનમાં સગુણા પ્રત્‍યે ફીટકાર વરસ્‍યો. પણ આરતીના સીમંતનો પ્રસંગ છે, ઘરનું વાતાવરણ ન ડહોળાય એટલે ચૂપ રહ્યા! આ તરફ સાવ સાદગીથી સીમંતનો પ્રસંગ સગુણાએ કરી નાખ્‍યો અને આરતી પિયર ચાલી ગઇ. એના ગયાના બીજા જ દિવસે સગુણા દર્શનને લઇને મનોજભાઇના ઘરે પહોંચી ગઇ. માંગુ નાંખી જ દીધું. હવે આવા સુંદર, ભણેલગણેલ છોકરા માટે પોતાની દીકરી આપવાની ના પણ ક્યો બાપ પાડે? વળી ન્‍યાતમાં સારું ઘર ગણાય. ઉર્વશીને સગુણાથોડી જૂનવાણી લાગી પણ તેને થયું કે મારે ક્યાં વધુ રહેવાનું છે? એ તો ભવિષ્‍યે સમજાવી પટાવી દર્શનને જૂદો કરાવી નાંખીશ.

અને સગુણાએ લગ્‍નની તારીખ પણ પાક્કી કરી નાંખી. આનંદ કડવો ઘૂંટડો ગળી ગયો. પણ શરદભાઇ ન રહી શક્યા. :‘‘નહીં સગુણા, જ્યાં સુધી આરતી ન આવે ત્‍યાં સુધી આ પ્રસંગ ન થાય.‘‘ દર્શને પણ કહ્યું: ‘‘હા, મમ્‍મી ભાભી વગર મારા લગ્‍ન નહીં કરું.‘‘

આખરે સગુણાના હથિયાર હેઠા પડ્યા. સવા મહિને આરતીને તેડી લાવ્‍યા. ગુલાબના ગોટા જેવો દીકરો આરતીએ સગુણાના ખોળામાં મૂક્યો ત્‍યારે સગુણા મોઢું ફેરવી લેતા બોલી: ‘‘આને લઇ લો. કેમકે મેં જે સાડી પહેરી છે એ પાંચ હજારની છે, અને આજે મારી ઉર્વશી માટે છાબ ખરીદવા જવાનું છે. નહીને ક્યાંક આ છોકરો મૂતરીને ભરી મૂકશે તો અપશૂકન થશે.‘‘

અને આજ પહેલીવાર આરતીની આંખમાં આંસુ આવ્‍યા પણ મનની પીડા મનમાં જ ગળી ગઇ. આખરે ‘લાલા‘ને શરદભાઇએ અદકા હેતથી ઉંચકી લીધો અને રમાડવા લાગ્‍યા…

આખરે એ દિવસ આવીસ પહોંચ્‍યો જ્યારે ઉર્વશી દર્શન સાથે પરણીને આ ઘરે આવી પહોંચી.

આ તરફ પોતાને નાનું બાળક હતુ છતા પણ આરતીની નિયમિતતા માં કોઇ ફેર ન પડ્યો. એ તો એ જ લાગણીથી ઘરને સંભાળતી હતી. આ તરફ મહારાણી ઉર્વશીદેવી સવા નવે જાગતા. સાસુ સાથે મીઠી મીઠી વાતો કરતા, બપોર ચડ્યે માત્ર પોતાના કામકાજમાંથી પરવારતા. અને જેઠાણીએ ડાઇનીંગ ટેબલ પર મૂકેલી ભોજનની થાળીને ભરપેટ માણી વળી પાછા પોતાના રૂમમાં ઉપર ચડી જતા. અને આ રોજનો ક્રમ થઇ ગયો હવે. તેણે જાણી લીધું કે ઘરમાં જેઠાણીના નામે એક કામવાળી ઓલરેડી હાજર જ છે પછી પોતાને કશું જ કરવાનું રહેતું નથી. હા, આ ઘરમાં એક ‘સાસુજી‘ ને સાચવી લો એટલે ભયો ભયો.! અને સાસુજી પણ ‘ઉરૂબેટા‘ ‘ઉરૂબેટા‘ કર્યા કરતા. બહાર તેને લઇને જ સ્‍તો ખરીદી કરવા નીકળી જતા. સોસાયટીમાં, જ્ઞાતિના ફંકશનોમાં, સગા વહાલાં ને ત્‍યાં તેને લઇને જ સ્‍તો ફરવા નીકળી જતા. આરતી આ બહુ જાણતી હતી. પણ બોલતી ન હતી. દિવસ પસીાર થઇ રહ્યા.
અને એક દિવસ ઘરમાં ચોરી થઇ. દોઢ લાખનો નાની વહુનો સોનાનો સેટ અને સાઇઠ હજાર રૂપિ‍યા રોકડા ગયા. ઘરમાં અફડા તફડી મચી ગઇ. સગુણાએ તો પોલીસને જ કહી દીધું : ‘‘આ મારી મોટી વહુ જ ચોરટી છે.. તેણે જ ચોરી કરી છે, જલે છે એ મારાથી.‘‘ ‘‘અરે સાહેબ‘‘ આખરે શરદભાઇએ ઇન્‍સ્‍પેક્ટરને કહ્યું: ‘એ તદ્દન ખોટ વાત છે. મારી મોટી વહુ તો ગૃહલક્ષ્‍મી છે.‘‘ આખરે તપાસ થઇ અને ચોર પકડાઇ ગયો. પણ તે દિવસે આનંદે શરદભાઇને કહ્યું:‘‘પપ્‍પા, હવે મને એવું લાગે છે કે બધું ભેગું નહીં ચાલે. આપણે ઉપરનીચે અથવાતો ઉપરનો એક રૂમ ફ્કત મને આપો…‘‘ જવાબમાં સગુણા બહેને આરતીની બેગનો ફળિયામાં ઘા કરતા કહ્યું:‘‘ તમારું સ્‍થાન અમથું ય આ ઘરમાં છે જ નહીં. હવે તમે જૂદા થઇ જ જાવ. હું આ શુભ પ્રસંગની રાહ જ જોતી હતી.‘‘

બધાની આંખો ફાટી રહી. આનંદે આરતી નો હાથ પકડી ઘર છોડી દીધું. પણ મુસીબત બીજા દિવસથી શરૂ થઇ. ઉર્વશીદેવી સાડાનવ સુધી જાગ્‍યા જ નહોતા. સગુણાને પણ કડક મીઠી ચા દસ વાગ્‍યા સુધી ન મળી. તો પછી જમવાનું ક્યારે મળશે કોને ખબર?

શરદભાઇ ચા પીધા વગર જ દુકાને ચાલ્‍યા ગયા. અને ત્‍યાં ઉર્વશીદેવીએ ફરિયાદ કરી દીધી: ‘‘મમ્‍મી, મારું તો માથું ચડ્યું છે. હું કિચનમાં ઊભી નહીં રહી શકું.‘‘ કહેતી ઉપર એના રૂમમાં ચાલી ગઇ. સાંજે શરદભાઇ આવ્‍યા ત્‍યારે સગુણા રસોડામાં આવી ગઇ હતી અને રસોઇ બનાવતી હતી. સાંજે દર્શન આવ્‍યો ત્‍યારે શાકનો બગડેલો સ્‍વાદ ચાખીને તેના તો મગજનો પિતો જ ગયો. તે સગુણાબહેન ઉપર રાડો નાખવા લાગ્‍યો. સગુણા કહે: ‘‘મારી ઉપર રાડો નાખવાને બદલે તારી પત્‍ની ને કહે.‘‘ તો ઉર્વશીએ બનાવટી દુ:ખ ચહેરા ઉપર આણી ને પતિની પનાહોમાં લપાઇ જઇને કહ્યું: ‘‘જાનુ, મને તાવ આવી ગયો છે પ્‍લીઝ… મારી થાળી લેતો આવને.‘‘

પછી તો એક દિવસ તાવ, એક દિ‘ માથું, એક દિ‘ પેટ… શરદભાઇ બધો તાલ જોતા હતા. એવામાં એક દિવસ સગુણાબહેનથી ન રહી શકાયું. આખડી પડ્યા ઉર્વશી સાથે. તો ઉર્વશીય કાંઇ ગાંજી જાય એમ નહોતી. બોલી: ‘‘હું તમારી ગોલી આરતી નથી. કામ તો તમારે જ કરવું પડશે સમજ્યાં?‘‘

સગુણાબહેન સમસમી ગયા. શરદભાઇએ તે દિવસે કહ્યું: ‘‘ખબર પડી હવે તને? કોણ કંચન ને કોણ કથીર?‘‘

‘‘હા…‘‘ શરદભાઇને ખભે માથું ટેકવી સગુણાબહેન રડી પડ્યાં :‘‘ મારાથી મોટું પાપ થઇ ગયું, હું મારી સગી દીકરી જેવી આરતીને ન ઓળખી શકી.‘‘ ‘‘તો હવે ઓળખ, કાંઇ મોડું નથી થયું.‘‘

તે દિવસે સાંજ પડ્યે આરતી પોતાના પતિની રાહ જોતી દરવાજો તાકતી હતી ત્‍યાં તો પતિ ને બદલે સાસુને આવેલ જોઇને તે સામે દોડી: ‘‘મમ્‍મી તમે?‘‘ ‘‘હા … દીકરી… તને હું ઘરે તેડી જવા આવી છું મારા નહીં પણ તારા ઘરે‘‘

આરતી સાસુને વળગી પડી. બીજા દિવસની સવારે ફરી પાછો ‘આનંદદર્શન‘ બંગલો ‘લાલા‘ના કલશોરથી જીવંત થઇ ઉઠ્યો.

*******

લેખક : યોગેશ પંડ્યા

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 22, 2020 માં SHORT STORIES / लघु-कथाए

 

ટૅગ્સ: ,

આશરો


“ડોસો ગયો?” શંભુ મહારાજને પડોશની મહિલાનો અવાજ સંભળાયો.

“હરામખોર છે. ત્રણ મહિનાથી અહી પડ્યો છે. પરોણો તો એક બે દી’નો હોય. જોર મારીને પાંચ દી રે.” આરતીની સાસુનો કર્કશ અવાજ સંભળાયો.

શંભુ મહારાજને ખબર હતી કે પોતે અહી દીકરીના ઘરે અણગમતો મેહમાન હતો પણ શું કરે? પોતે છેલ્લા ત્રણ મહિનાથી અહી હતો. ચારેક દિવસ પછી જ આરતીની સાસુ અને જમાઈનું વર્તન બદલાઈ ગયું હતું. છેલ્લા એક બે મહિનાથી તો આરતીનું પણ વર્તન બદલાઈ ગયું હતું છતાં પોતે અહી પડ્યો હતો! ક્યાં જાય?

“દીકરીના ઘરે ખાતા એને શરમ પણ નહિ આવતી હોય?” ફરી એજ મહિલા બોલી.

“શરમ હોય તો આવે ખરો?” આરતીની સાસુએ દાંત ભીંસ્યા.

“આરતીને ભાઈ નથી, નહિ?” પેલી પડોશણ વધારે આગ લગાવતી હતી.

“ભાઈ તો છે, પણ ડોસાને દીકરીના ઘરનું ખાવામાં જ મજા આવે છે.” આરતીની સાસુ બોલી.

આરતી રસોડામાં બધું સાંભળતી હતી. રસોડામાંથી બહાર આવીને શંભુનાથ સુતા હતા એ રૂમમાં આવી.

“પપ્પા.” આરતીના અવાજમાં નફરત હતી.

“લો આ તમારી બેગ, મહેરબાની કરીને હવે તમે ચાલ્યા જાઓ.”

“બેટી…”

“પપ્પા, તમને તો કઈ થતું હશે કે નહિ પણ મારાથી આ મેંણા ટોણા સંભળાતા નથી.” આરતી કડક સ્વરે બોલી.

“પણ ક્યાં જાઉં હું આ ઉમરે?” શંભુનાથ અસહાય હતા.

“કેમ તમારે નખ્ખોદ ગયું છે? બીજી પણ બે દીકરીઓ છે ને, માનસી અને ભૂમિ. ભૂમિ અને માનસીને ઘરે પણ કેમ જાઓ? તમારો દીકરો જીવતો છે ને. અશ્વિનભાઈને ઘરે જાઓ. ન રાખે તો ગામના ચાર લોકોને ભેગા કરો. જખ મારીને રાખશે.” આટલું બોલીને આરતી બે હાથ જોડીને ઉભી રહી.

શંભુ મહારાજે કશું બોલ્યા વગર બેગ લીધી. આરતીની આંખોમાં પણ આંસુ હતા. એણીએ આમતેમ જોયું પછી એક પાંચસોની નોટ એના પપ્પાના હાથમાં થમાવી દીધી.

“વહુ બેટા, હું સામેવાળા કંચનબેનને ત્યાં જઈને આવું છું.” આરતીની સાસુ બહાથી જ બોલી.

“ભલે, મમ્મી.” આરતીએ એની સાસુને જવાબ આપ્યો અને ફરી શંભુનાથ તરફ ફરી.

“પપ્પા, તમેં મને ઘણું આપ્યું છે. વીસ તોલા સોનું. વાસણો, કપડા, ફર્નીચર. પણ પપ્પા હું તમને રાખી શકું એમ નથી. તમે જે આપ્યું એના ઉપર મારો કોઈ અધિકાર નથી. તમારી ભૂલ હતી પપ્પા. તમે દેવું કરીને અમને ત્રયેય બહેનોને દહેજ આપ્યું. મકાન પણ વેચી નાખ્યું. તમે ભાડે રહેવા ગયા. અને હવે તમારે આમ અપમાનિત થવું પડે છે.”“મારી ભૂલ હતી?” શંભુનાથ બબડ્યા.

“હા પપ્પા, તમે સમાજમાં વટ પાડવા તમારા ગજા બહારનું દેવું કરીને દહેજ આપ્યું એ તમારી ભૂલ હતી.”

“હશે બેટા. જેવા નસીબ. ભૂમિને ત્યાં જતો રહું. એને સાસુ સસરા છે નહી.” શંભુનાથ બોલ્યા.

“તમને અશ્વિનના ઘરે જવામાં વાંધો શું છે?”

“મારી જઈશ પણ એના ઘરે તો નહિ જ જાઉં. હું નીકળું છું બેટા.”

“પપ્પા, ભૂમિ કે માનસી ગમે ત્યાં જશો તમને ચાર મહિના ઉપર કોઈ નહિ કઢાવે. હજી કહું છું માની જાઓ. અશ્વિનના ઘરે ચાલ્યા જાઓ. તમેં કહો તો હું સાથે આવું.”

“કઈ રીતે જાઉં અશ્વિનના ઘરે? એણે તો મારી જીદગી બગાડી છે. કોલેજ કરવા મુક્યો ત્યાંથી નીચી જાતની છોકરી લઇ આવ્યો. મેં એને ઘરમાં પેસવા દીધો ન હતો. મારી માલ-મિલકત તમને ત્રયેય બહેનોને આપી દીધી. તમારા લગ્ન પાછળ ઘર પણ વેચી દીધું. એને એક પાઈ પણ મેં આપી નથી. હવે એના ઘરમાં પગ મુકું હું? મારે પણ સ્વાભિમાન છે. અને એ હલકી જાતની એની વહુના હાથે રાંધેલું હું ખાઉં?”

“સ્વાભિમાન!! પપ્પા તમારું સ્વાભિમાન રહ્યું છે ખરું? સવારમાં મારી સાસુ જે બોલતી હતી એ સાંભળ્યા પછી પણ તમને લાગે છે કે તમારું સ્વાભિમાન બચ્યું છે? અને વાત રહી નીચી જાતની તો દીકરીઓને ઘરે કુતરા જેમ કટકા ખાવા કરતા એના હાથના રોટલા ખાવા શું ખોટા? લોકો વાતો તો નહિ કરે ને કે દીકરીઓના ઘરે ખાય છે. હરામખોર નફફટ આવું તો તમારે નહિ સાંભળવું પડેને. અને અમે પણ ઈજ્જતથી જીવી શકીશું.”

“અશ્વિન મને રાખશે ખરો?”

“તમે જાઓ તો ખરા. રાખશે. અમે તમને રાખીએ તો અમારીને તમારી બધાની આબરૂ ઓછી થાય છે, પપ્પા. એ નહિ રાખે તો એની આબરુ જશે અને ન રાખે તો અહી જેમ પડ્યા તા એમ જ પડ્યા રેજો. ધોકો લઈને મારવા તો નહિ જ આવે. અશ્વિનના ઘરનું એડ્રેસ છે તમારી પાસે?”

“ના નથી. મેં એની ક્યાં પછી કોઈ ખબર લીધી હતી. બેટા, અશ્વિનને ત્યાજ જાઉં છું. તારી વાત માનવી જ પડશે. પણ એ રાખશે ખરો?”

“પપ્પા, એ રાખશે. લો હું તમને એડ્રેસ આપું. મારે ઘણીવાર ફોન પર વાત થાય છે.”

“એ અહી આવે છે?”

“ના પપ્પા, એ અહી આવે તો.. મેં એને કયારેય બોલાવ્યો જ નથી. નથી હું તેના ઘરે કયારેય ગઈ. આ સમાજ… મારા સાસુ સસરા… અને તમે….”

શંભુનાથ ભારે હૈયે આરતીના ઘરેથી નીકળ્યા. આરતીના ઘરથી બસ સ્ટેશન ઘણું દુર તો ન હતું પણ એમનાથી હવે ક્યાં પહેલા જેમ ચાલી શકાતું હતું! એ ઓટો-રિક્ષા કરીને બસ સ્ટેશન પહોચ્યા. પાલનપુરના ભરચક બસ સ્ટેશનમાં પણ શંભુનાથને લાગતું હતું કે જાણે પોતે એકલો રણમાં ઉભો હોય- નિસહાય અને બેબસ.

કોઈક મુસાફરને પૂછ્યું કે થરાદની બસ ક્યાં આવશે? પેલાએ ઉતાવળમાં જવાબ આપ્યો, “સામે જુઓ, કાકા? બસ લાગેલી જ છે.”

શંભુનાથ ધીરે ધીરે બસ લાગેલી હતી ત્યાં પહોચ્યા. શ્વાસ ચડી ગયો હતો. મહા મુસીબતે એ બસમાં ચડ્યા. બસમાં હજુ બે ચાર સીટ ખાલી હતી. એ એક સીટમાં જઈને બેઠા. શ્વાસ બેસે એ માટે એમણે આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લેવાનું ચાલુ કર્યું. એમની આંખો સામે બારેક વર્ષ પહેલાનું દ્રશ્ય તરવરવા લાગ્યું.અશ્વિન કોલેજથી ઘરે આવવાનો હતો. પોતે ખુશ હતા કે અશ્વિનની કોલેજ પૂરી થઇ. હવે એ કમાવાનું શરુ કરશે. પોતાની જવાબદારીઓ ઓછી થશે. ત્યાજ દરવાજે અશ્વિન અને એક છોકરી આવીને ઉભા રહ્યા. એમણે છોકરીને આવકાર આપ્યો. બંને ઘરમાં આવ્યા. અશ્વિન અને એ છોકરી એમના પગે પડ્યા ત્યાજ તેઓ પૂછી બેઠા, આ કોણ છે બેટા?

“પપ્પા, મેં લગ્ન કરી નાખ્યા છે!”

અશ્વિનનો જવાબ સાંભળી પોતાના કાન ઉપર વિશ્વાસ ન હોય એમ એ ચોકી ઉઠ્યા.

“શું? તે લગ્ન કરી નાખ્યા?” એમનાથી પૂછાઈ ગયું.

“હા, પપ્પા”

“પ્રેમ લગ્ન??? આ છોકરીની જાત શું છે?”

“પપ્પા, આ સીમા, મારા ભેગી જ ભણતી હતી. એના મા બાપ આ દુનિયામાં નથી. એના મામાને ઘેર રહેતી હતી.”

“એની જાત શું છે?” એ ઉકળી ઉઠ્યા.

“વણકર છે પણ પપ્પા, એના મામા નોકરી….”

“નીકળી જા મારા ઘરમાંથી. તારું મોઢું ન બતાવતો મને ક્યારેય.” એ જોરથી બરાડ્યા.

અશ્વિનની મમ્મી બિચારી ડરની મારી કશું બોલી નહિ.

અશ્વિન પણ મારા જેવો સ્વાભિમાની છે. એણે કોઈ આજીજી ન કરી. એ સીમાને લઈને તરત જ નીકળી ગયો. પોતાના પુત્ર પર ગર્વ અનુભવતા હોય એમ એ યાદ કરી જરાક મલક્યા. સમય સમયનો ખેલ છે. ત્યારે એમનું ગામમાં સારું એવું માન હતું. માનસીના તો લગ્ન લેવાઈ ગયા હતા. અશ્વિનના કારણે એમની આબરૂમાં કઈ ફરક પડ્યો ન હતો. બે નાની દીકરીઓના લગ્ન પણ ધૂમધામથી લેવાઈ ગયા. બે દીકરીઓના લગ્નમાં પણ અશ્વિનને એમણે ન જ બોલાવ્યો. બિચારી દીકરીઓ અને અશ્વિનની માએ ઘણી આજીજી કરી હતી પણ એ એકના બે ન થયા હતા.

અશ્વિન ગામથી પાંચેક કિલોમીટર દુર જ શહેરમાં રહેવા લાગ્યો હતો. એ એક ખાનગી બેંકમાં નોકરી કરતો હતો એવા સમાચાર લોકો પાસેથી મળેલા. પણ તેમણે ક્યારેય અશ્વિન વિશેની કોઈ વાત સાંભળવાની તસ્દી લીધી ન હતી.

એ થરાદ બસ સ્ટેશને ઉતર્યા. ઓટોવાળાને એડ્રેસની ચિઠ્ઠી આપી. ઓટોવાળાએ એમને અશ્વિનના ઘર સામે જ ઉતાર્યા.

એજ છોકરા અને વહુના ઘરે જવાનું હતું જેમને ઘરમાંથી હડધૂત કરીને કાઢી મુક્યા હતા. એમના પગ ઉપડતા ન હતા. એમણે ભારે હૈયે પગ ઉપાડ્યા. ઘરના દરવાજે પ્રવેશ્યા ત્યાજ ઘરમાં રમતું એક સાતેક વર્ષનું બાળક બોલ્યું, “મમ્મી, કોઈ આવ્યું છે.”

એક સ્ત્રી રસોડામાંથી બહાર આવીને બોલી, “કોણ છે બેટા?”

શંભુનાથ સામે જોઇને એ મૂંઝાઈ ગઈ.

“ક્યાંથી ઓળખે? બે મિનીટની એમની મુલાકાત હતી અને એને પણ આજે બારેક વર્ષ વીતી ગયા હતા.” શંભુનાથ વિચારતા હતા.

“આવો દાદા, બેસો.” એ બોલી.

શંભુનાથ ખુરશીમા બેઠા.

“નીરવ બેટા, પાણી લાવ.”

પેલા બાળકના હાથમાંથી શંભુનાથે ખચકાતા ખચકાતા પાણી લીધું. પાણી પીતા પીતા એમણે ઘરમાં નજર દોડાવી. એક રૂમ, હોલ અને કિચન હતા. હોલમાં સાદું કલર ટી.વી. હતું. ઘરમાં ઝાજું ફર્નીચર દેખાતું ન હતું.ભાડાનું ઘર છે બેટા કે ઘરનું લીધું છે?” શંભુનાથે પૂછ્યું.

“દાદા, ભાડે રહીએ છીએ. આ મોઘવારીમાં ઘરનું ઘર ક્યાંથી લેવાય? દાદા, તમને ઓળખ્યા નહિ.” પેલી સ્ત્રી જરાક મૂંઝવાતી હોય એમ બોલી.

“હું શંભુનાથ, અશ્વિનનો પિતા.” શંભુનાથ નીચું જોઇને બોલ્યા.

“પપ્પા, તમે?? મેં તમને ઓળખ્યતા જ નહિ.” ગળામાં રહેલો દુપટ્ટો માથે ઓઢતા એ બોલી.

“મોમ, કોણ છે આ? તારા પપ્પા તો નથી એમ તું કહેતી હતી ને!” નીરવ બોલ્યો.

“બેટા, આ તારા પપ્પાના પપ્પા છે. તારા દાદા.”

“દાદા!!” નીરવ નાચવા લાગ્યો. “દાદ આવ્યા…. દાદા આવ્યા….”

“બેટા? અશ્વિન ક્યાં છે?”

“એ હવે આવતા હશે. પાંચ વાગે એમને બેંકમાંથી છુટ્ટી પડે છે. હું ચા બનાવું.”

સીમા રસોડામાં ગઈ ત્યાજ અશ્વિન ઘરમાં પ્રવેશ્યો. પિતાને જોઇને એ હબકી ગયો. “તમે? કેમ આવ્યા છો અહી?”

“બેટા, માણસ ઘરડો થાય એટલે એને સહારાની જરૂર પડે.” શંભુનાથ માંડ માંડ બોલ્યા.

“સહારો? તમે અમને કઈ આપ્યું છે? નીકળો અહીંથી?” અશ્વિન બરાડ્યો. રસોડામાંથી સીમા દોડી આવી.

“સીમા, તે એમને ઘરમાં બેસવા જ કેમ દીધા?” અશ્વિન સીમા તરફ જોઇને ફરી બરાડ્યો.

“ના કઈ રીતે બોલું. એમનુ જ ઘર છે આ. એમનો અધિકાર છે અહી રહેવાનો. મારા પિતા હોત તો હું ના કહી દેત પણ એમને કઈ રીતે ના કહું.. એમના દીકરાનું ઘર છે, દીકરાનું ઘર….” સીમા બોલી.

શંભુનાથ અને અશ્વિન સીમાનો જવાબ સાંભળી અવાક થઇ ગયા. કોઈ કઈ બોલી શક્યું નહિ.

ફરી સીમા જ એ ખામોશી તોડતા બોલી, “ભૂતકાળને યાદ કરવાનો કોઈ ફાયદો નથી. એમણે આપણને કશું નથી આપ્યું એ વાત સાચી છે તમારી પણ… જો હવે આપણે પણ એમની સાથે એવો વ્યવહાર કરીશું તો એમનામાં અને આપણામાં ફરક શું રહેશે? એ તો જુનવાણી મગજના છે. એમણે આપણને સમજ્યા નહિ પણ આપણે તો હવે સમજવું પડશે. આપણને એમણે સહારો આપ્યો ન હતો એ વખતે આપણે બંને યુવાન હતા અને આજે પણ આપણે કોઈના આશરે નથી તો પણ આપણને કેટલું દુ:ખ થયું હતું ત્યારે. હવે જો આપણે એમને આ ઉમરે સહારો નહિ આપીએ તો એમને કેટલું દુ:ખ થશે?”

“પણ સીમા….”

અશ્વિન બોલ્યો ત્યાજ સીમા ફરી બોલી, “તમારે એમને રાખવા કે ન રાખવા એ તમારી મરજી. પણ યાદ રાખજો નીરવ મોટો થઈને એજ શીખશે જે એણે જોયું હશે. એ નહિ શીખે જે એને આપણે શીખાવાડીશું.”

સીમાના શબ્દો સાંભળી શંભુનાથની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. અશ્વિનનો ગુસ્સો પણ હવે ઓગળી ગયો હતો. અશ્વિન શંભુનાથને ભેટી પડ્યો અને રડતા રડતા બોલ્યો, “પપ્પા, આ ઘર પણ તમારું જ છે.”

શંભુનાથ અવાચક બની વિચારી રહ્યા. જે ઉંચી જાતના જમાઈઓને મેં જે આપ્યું એનો કોઈ અર્થ વળ્યો નહિ પણ આ નીચી જાતની વહુ જેને મેં ઘરથી કાઢી મૂકી હતી એણે જ મને આશરો આપ્યો….. અને શંભુનાથની આંખો ભીની થઇ ગઈ….!!!!!’

*******

લેખક : વિકી ત્રિવેદી

 

 

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 21, 2020 માં Vicky Trivedi

 

ટૅગ્સ: ,

મિત્રતા (ટૂંકીવાર્તા)


લગ્નની મોસમ તો હજુ ખીલી નથી છતાં વિલાયતમાં રહેતા જમાઈને પરત જવાનું હોવાથી ઘડિયા લગ્ન લેવાઈ રહ્યા છે. ગૌરાંગભાઈના ઘરે લગ્નો મંડપ શણગારાઈ ગયો છે. જાનડીઓના મીઠા લગ્નગીત સંભળાઈ રહ્યા છે. વર પૂંખણાની તૈયારી થઈ રહીં છે. પકવાન તૈયાર થઈ ગયા છે. મહેમાનો અવનવી મોઘી ભેટ સોગાદો લઈને આવી રહ્યા છે. ગૌરાંગભાઈ અને તેનો પરિવાર સહુને પ્રેમથી આવકારી રહ્યો છે. ગૌરાંગભાઈ વારે વારે દરવાજા તરફ નજર દોડાવી રહ્યો છે. હજુ મારો જીગરી દોસ્ત મનન કેમ ન આવ્યો? ક્યારેય મોડો ન પડનાર આજે ખરા ટાઇમે કેમ ન આવ્યો. આવે એટલે એની વાત છે. શું મારી દીકરીનું લગ્ન એને નહી ગમ્યું હોય? એવું કેમ બને ? દીકરીના વેવિશાળના પહેલા સમાચાર તો મેં એને આપ્યા ત્યારે પહેલા મુબારક તો તેણે મને આપ્યા હતા. અને આજે એને શું બગડી ગયું ? નક્કી કઈક કારણ હશે. એ આવે એટલે વાત. ગૌરાંગના મનમાં કેટલાય પ્રશ્નો રમવા લાગ્યા. પૂંખણા થઈ ગયા, લગ્નવિધિ શરુ થવાની તૈયારી છે ગૌરાંગ વિયોગ ભોગવી રહ્યો મિત્રનો. તે મિત્રની મિત્રતાના નેપથ્યમાં ડોકિયું કરી ગયો.

મનન અને ગૌરાંગ શહેરમાં એક જ સોસાયટીમાં રહેવા આવ્યા ત્યારથી એવા મન મળી ગયેલા કે ન પૂછો વાત. વીસ વર્ષ એકજ સોસાયટીમાં સાથે રહ્યા. બબે વર્ષના બાળકોને લઈને આવેલા બાળકો, આજ લગ્નમંડપ શોભાવે તેવા થઈ ગયા.વીસ વર્ષમાં બંનેના જીવનમાં કેટલાય તડકા છાંયડા આવ્યા.ગૌરાંગને ધંધામાં ખોટ ગઈ. છેલ્લો ઉપાય સદાને માટે દુનિયા છોડી જવાનો, તે પતિ-પત્ની ને બાળકે પૂર્વ તૈયારી કરી દીધી પણ મનનને જાણ થતાં મદદ કરી ઉગાડી લીધો. તો મનનની પત્નીનું અવસાન થતાં ગૌરાંગના પરિવારે સ્મિતને અને મનનને સાચવી લીધા. ગૌરાંગભાઇની સુરભી ને મનનકુમારનો સ્મિત સાથે રમેલાં સાથે ભણેલાં ને યૌવન જ્યાં મૂછ મરડીને આવ્યું ત્યારે સહજ આંખ પણ રમી ગયેલી. ભણતાં ભણતાં સંસારનાં સ્વપ્નો સજાવેલાં. પરંતુ સંસ્કાર માબાપ માંથી ઉતરી આવેલા એટલે મર્યાદા અકબંધ રહી. હ્રદય હ્રદયને સ્પર્શ કરે,આંખ આંખને નીરખ્યા કરે. વર્ષોના એક જ સોસાયટીમાં સાથે જ રહેવાથી.એમના એકાંત માટે કોઈ પ્રયત્ન કરવો પડે તેમ નહોતો. સ્મિત મોટેભાગે સુરભીના ઘરે જ હોય. તો સુરભી પણ સ્મિતના ઘરે લાંબો સમય રોકાય સ્મિતનું ઘર એમનું આરાધ્ય સ્થળ.બંને પાસપાસે બેસી એકબીજાના હ્રદયને માણ્યા કરે. ભવિષ્યની ઈમારતો ચણ્યા કરે.

‘સ્મિત મને તારું સ્મિત બહુ ગમે છે.’

‘મને તારી સૌરભ ઘેનમાં નાખે છે.’

‘થોડો સમય ખમી જાવ મારા ખાવિંદ લગ્ન ફેરા પછી…’

‘હું પણ એજ રાહ જોઈ રહ્યો છું પછી તો તારી સૌરભમાં ખોવાઈ જવું છે.’

‘સ્મિત, આપણે સ્વપ્નોમાં રમીએ તો છીએ પણ…’

‘પણ શું સુરભી?’

‘આપણે એક થઈ શકીશું?’

‘અરે ગાંડી, એક જ છીએને ?’

‘સ્મિત તું મારી વાત સમજ્યો નહી. આપણી જ્ઞાતિ જુદી છે. આ સમાજ સ્વીકારશે આપણા પ્રેમને?’

‘ તારી વાત સાચી છે. ન સ્વીકારે તો…’

‘ હું તો ગાંડી થઈ જાઉં.’

‘ગાંડા થઈ જવું એટલે જ પૂરું થતું હોય તો એ પ્રેમ કાચો કહેવાય.’

‘તો શું થાય?’

‘આ હ્રદય ચાલે જ કેમ??’

પ્રેમની પરાકાષ્ઠા સાચા અર્થમાં સ્મિતે પચાવી છે. તે સુરભિને જીજાનથી ચાહે છે. આમતો કોઇપણ મહોલ્લો કે ગામ આ પ્રેમની ગંધને પામી જતું હોય છે. પણ સ્મિત સુરભીનો પ્રેમ એવો કઈ અલગારી નહોતો કે કોઈ જાણી જાય. જોકે બંનેના હ્રદયની એકતા વડીલો જાણતા પણ એકબીજામાં ભળી જવા જેટલી નિકટતા જણતા નહોતા. ગૌરાંગભાઈ સુરભીના હાથ પીળા કરવા સમાજમાં યોગ્ય મુરતિયાની શોધમાં લાગી ગયા. તેમણે યોગ્ય પૈસેટકે ખમતીધર અને વિલાયત રહેતા યુવાનનું ઘર શોધી પણ કાઢ્યું. સુરભીના સંસ્કારો બાપ આગળ કાંઈ બોલી ન શક્યા. જોકે સ્મિતને મનનભાઈના કાને વાત નાખી. સુરભી પ્રત્યેનો લગાવ જણાવ્યો. પહેલા તો મનનભાઈ સ્તબ્ધ રહી ગયા. જોકે તે સ્વભાવવશ કોઈ ઉતાવળિયું પગલું ભરે એવા નહોતા. મનનભાઈ ગૌરાંગભાઈ કરતા જરા ઉતરતી જ્ઞાતિના હતા.સુરભી સ્મિત માટે યોગ્ય હતી પણ જુદી જ્ઞાતિના કારણે દીકરાએ ખોટું પગલું ભર્યું છે એવું લાગ્યું. સ્મિતના સ્પષ્ટ શબ્દો ‘હું એના વગર નહી રહી શકું.’ હવે એક બાજુ પુત્ર પ્રેમ ને બીજી બાજુ મિત્રતા.કેવી રીતે કહેવું. બીજું મનનભાઈએ ગૌરાંગભાઈની પડતીમાં મદદ કરેલી.એટલે જો આ વાત કરે તો અહેસાનનો બદલો માંગ્યો કહેવાય. મનનભાઈ સ્મિતના સ્વભાવથી પરિચિત હતા કે એ નકાર સહન નહી કરી શકે. મનનભાઈ પુત્રપ્રેમ ખાતર ગૌરાંગભાઈને ત્યાં દીકરાનું માગું લઈને જવા નીકળ્યા ત્યાં તો…

ગૌરાંગભાઈએ ફોન કરી મનનભાઈને પોતાના ઘરે બોલાવ્યા. મનનભાઈએ વિચાર્યું આજે વાત નાખતો જ આવું. ઘરમાં ચહલપહલ થઈ રહી છે. આજે બધા ખુબ આનંદમાં છે, દીકરી સુરભી સિવાય.

‘ આવ આવ મનન આજે તો આનંદનો દિવસ છે, મોં મીઠું કર.’

‘ શાનો આનંદ છે ગૌરાંગ કહેતો ખરો !’

‘સુરભીનો વેવિશાળ નક્કી થઈ ગયો.’ગોળનો ટુકડો મનનના મોઢામાં મુકતાં.

મનનને ગોળના ટુકડા સાથે દાતમાં જીભ આવી ગઈ. હ્રદય એક ધબકારો ચુકી ગયું.

‘અભિનંદન દીકરી સદાસુહાગણ રહો.’ શબ્દોમાં આશીર્વાદ હતા પણ હ્રદય તો કાંઈક… ગૌરાગે મનનનો હાથ પકડી પોતાની ખુશી વ્યક્ત કરી.’ઘડિયા લગ્ન લેવાના છે.લગ્ન થઈ જાય તો વિઝા નીકળી શકે, જમાઈને વધારે રજા નથી, વિલાયત જવાનું છે. એટલે લગ્ન સાદાઈથી ગામડે કરવાના છે.’ મનનની પોતાની વાત મનમાં જ રહી,શિથિલ હ્રદયે પાછો ઘરે આવ્યો.

કન્યા પધરાવો સાવધાન ! નો ભૂદેવનો પોકાર સંભળાયો ને ગૌરોગ ભાનમાં આવ્યો. ત્યાં હાંફરો ફાંફરો દોડતો મનન આવ્યો. . મનન ગૌરાંગને ભેટી પડ્યો. મહામુસીબતે આંસુ રોકી રાખ્યા.

થોડી સ્વસ્થતા આવતાં મનનને હલાવી નાખતાં

‘ કેમ ભાઈ મિત્રની દીકરીનું લગ્ન ન ગમ્યું? કેમ મોડો પડ્યો. સ્મિત ક્યાં છે?’

‘સુરભીનું લગ્ન થઈ જવા દે પછી કહું છું.’

‘ ના મને અત્યારે જ કહે મારી દીકરી પણ જાણે કે કાકા લગ્નમાં સમયસર કેમ ન આવ્યા.’

‘ ગૌરાંગ જીદ ન કર.’

‘ ના , મારે સાંભળવું છેકે મિત્રની દીકરીના લગ્ન કરતાં એવું મોટું કયું કામ આવી પડ્યું કે ન આવી શક્યો.સુરભીના વેવિશાળના મુબારકબાદ આપ્યા પછી દેખાયો નથી.’

‘સ્મિત હોસ્પિટલ… છે.’

‘ હેં … શું કહ્યું? હોસ્પિટલ? શું થયું ?‘

‘આઘાતી એટેક…’

‘ક્યારે?’

‘ તને મુબારકબાદ આપીને ગયા પછી’ મનનના શબ્દોમાં દર્દ હતું.

સ્મિતના હાર્ટ એટેકની વાત સાંભળતાં સુરભી લગ્નમંડપમાં બેસતાં તેનો પગ પાછો પડ્યો. નીચે ફસડાઈ પડી.આઘાતી હુમલો આવી ગયો. આનંદનો અવસર શોકમાં પલટાઈ ગયો.એ જ શણગારેલી ગાડી સુરભિને લઈ શહેરની પ્રખ્યાત હોસ્પિટલ પહોંચી જ્યાં સ્મિત સૂતો છે. તાત્કાલિક સારવાર મળતાં તે બચી ગઈ. સ્ત્રી વાર્ડમાં જગ્યા ન હોવાથી સ્મિતના વાર્ડમાં શીપ કરી. લગ્ન વગર જાન પછી વળી.જમાઈ… વિલાયત…

સ્વજનોથી આખી હોસ્પિટલ ભરાઈ ગઈ.

‘મનન સ્મિતને એટેક કેમ આવ્યો?’

‘તારી સુરભીને એટેક કેમ આવ્યો હું પૂછી શકું…?’ આંખમાં આંસુ સાથે મનનને કહ્યું.

‘ તું આ વાત જાણતો હતો? આટલી મોટી વાત તે મારાથી છુપાવી? ’

‘ ગૌરાંગ સાચી વાત કહું ? હું તારા ઘરે આપણા સંતાનોના હ્રદયની વાત કરવા જ આવ્યો હતો પણ..’

‘પણ શું?

‘તે મારા મોઢામાં સુરભીના વેવિશાળનો ગોળ મૂકી દીધો હતો.’

‘અરે મિત્ર મને એક અણસાર આપ્યો હોત તો પણ હું આ વેવિશાળ…’

‘ના મિત્ર હું આપણી જ્ઞાતિને કારણે..’

‘તું આવ વાડામાં ક્યારથી માનતો થયો.?’

‘ ’ મનન મૌન રહ્યો.

‘હું પણ કેટલો મુર્ખ છું. મારી કાખમાં હીરો હતો ને જગતમાં શોધવા નીકળ્યો… બોલ, હવે ક્યારે આવે છે માગું લઈને.?’

પાસપાસે પથારીમાં પડેલા બે આત્માઓએ સરવળાટ કર્યો.મનનની આંખમાં હર્ષનાં અશ્રુ ટપકી રહ્યાં.

*******

લેખક : રઘુવીર પટેલ

“જિગર” (ભજપુરા)

મોબાઈલ : +919428769433

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 20, 2020 માં Raghuvir Patel

 

ટૅગ્સ: ,

हीरा और कांच


एक राजा का दरबार लगा हुआ था, क्योंकी सर्दी का दिन था इसलिए राजा का दरबार खुले में लगा हुआ था। पूरी आम सभा सुबह की धूप में बैठी थी। राजा के सिंहासन के सामने एक शाही मेज थी और उस पर कुछ कीमती चीजें रखी हुई थीं। पंडित, मंत्री, दीवान और राजा के परिवार के सभी सदस्य भी वहीं दरबार में बैठे थे।

उसी समय एक व्यक्ति आया और प्रवेश मांगा। जब उसे प्रवेश मिल गया तो उसने कहा-  “मेरे पास दो वस्तुएं हैं। मैं हर राज्य के राजा के पास जाता हूं और ‌अपनी दोनों वस्तुओं को वहां रखता हूं, पर कोई भी उन्हें परख नहीं पाता है और सब हार जाते हैं, और इस तरह से मैं विजेता बनकर घूम रहा हूं, और अब मैं आपके नगर में आया हूं।”

राजा ने बुलाया और पूछा- “क्या वस्तुएं हैं?”

तो उस व्यक्ति ने दोनों वस्तुएं उस कीमती मेज पर रख दीं। वे दोनों वस्तुएं बिल्कुल समान आकार, समान रुप-रंग, समान प्रकाश और यहां तक कि सब कुछ नख-शिख समान था।

राजा ने कहा- “ये दोनों वस्तुएं तो एक जैसी ही हैं।”

उस व्यक्ति ने कहा- “हां! दिखाई तो एक सी ही देती हैं, लेकिन हैं भिन्न। इनमें से एक बहुत ही कीमती हीरा है और एक कांच का टुकड़ा है। लेकिन रूप और रंग सब एक हैं। कोई भी आज तक इसे परख नहीं पाया है कि कौन सा हीरा है और कौन सा कांच का टुकड़ा है। अब कोई भी इन्हें परखकर बताए कि ये हीरा है और ये कांच, और अगर परख खरी निकली तो मैं हार जाऊंगा और ये कीमती हीरा मैं आपके राज्य की तिजोरी में जमा करवा दूंगा। पर शर्त ये है कि यदि कोई नहीं पहचान पाया तो इस हीरे की जो भी कीमत है उतनी धनराशि आपको मुझे देनी होगी। इसी प्रकार से मैं कई राज्यों से जीतता आया हूं।”

राजा ने कहा- “मैं तो नहीं परख सकूंगा।”

दीवान बोले कि “हम भी हिम्मत नहीं कर सकते हैं, क्योंकी दोनों बिल्कुल ही एक समान हैं।”

सब हार गए, कोई भी हिम्मत नहीं जुटा पा रहा था। हारने पर पैसे देने पड़ेंगे, इस बात का तो कोई सवाल ही नहीं था, क्योंकी राजा के पास बहुत धन था, पर राजा की प्रतिष्ठा गिर जाएगी, इसका सभी को भय था। कोई व्यक्ति भी पहचान नहीं पाया।

आखिरकार पीछे थोड़ी हलचल हुई और एक अंधा आदमी हाथ में लाठी लेकर उठा और उसने कहा- “मुझे राजा के पास ले चलो। मैंने सब बातें सुनी हैं, और यह भी सुना है कि कोई परख ही नहीं कर पा रहा है। एक अवसर मुझे भी दो।”

एक आदमी के सहारे वो अंधा आदमी राजा के पास पहुंचा और उसने राजा से प्रार्थना की- “मैं तो जनम से ही अंधा हूं, फिर भी मुझे एक अवसर दिया जाए, जिससे कि मैं भी एक बार अपनी बुद्धि को परखूं, और हो सकता है कि मैं सफल भी हो जाऊं।‌ और यदि सफल न भी हुआ, फिर वैसे भी आप हारे तो हैं ही।”

राजा को लगा कि इसे अवसर देने में क्या हर्ज है और उसने कहा- “ठीक है।”

तब उस अंधे आदमी को वे दोनों चीजें छुआ दी गईं और फिर उससे पूछा गया- “इसमें कौन सा हीरा है और कौन सा कांच, यही तुम्हें परखना है।”

और फिर उस अंधे आदमी ने एक क्षण में ही बता दिया कि “ये हीरा है और ये कांच।”

जो व्यक्ति इतने राज्यों को जीतकर आया था, वो नतमस्तक हो गया और बोला- “बिल्कुल सही है, और आपने ठीक पहचाना है। धन्य हो आप। अब अपने वचन के मुताबिक ये हीरा मैं आपके राज्य की तिजोरी में दे रहा हूं।”

सब बहुत ही खुश हो गए और जो व्यक्ति आया था वो भी बहुत प्रसन्न हुआ कि कम से कम कोई तो मिला परखने वाला।

फिर उस व्यक्ति ने, राजा ने और अन्य सभी लोगों ने उस अंधे आदमी से एक ही जिज्ञासा जताई कि “तुमने यह कैसे पहचाना, कि ये हीरा है और ये कांच।”

उस अंधे आदमी ने कहा- “बिल्कुल सीधी सी बात है। हम सब धूप में बैठे हैं, मैंने दोनों को छुआ और जो ठंडा रहा वो हीरा और जो गरम हो गया वो कांच।”

तात्पर्य : जीवन में भी देखें, जो इंसान बात-बात में गरम हो जाए या उलझ जाए वो कांच है, और जो इंसान विपरीत परिस्थिति में भी ठंडा रहे वो हीरा है।

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 19, 2020 માં Sense stories / बोध कथाए

 

ટૅગ્સ:

જણસ


જેમિષાની સાસુના મનમાં ડર હતો. પોતે ફોન તો કરેલો કે સવારે સાત વાગ્યાની ફ્લાઈટમાં હું આવીશ. મને એરપોર્ટ પર લેવા આવજે. જેમિષાના પતિને રાતપાળી ચાલતી હતી અને નવો પ્રોજેક્ટ ચાલતો હતો એટલે એ આવી શકે એમ ન હતો અને એ પોતે પણ જેમિષાને કહેતાં ખચકાતાં હતાં, પરંતુ હવે જેમિષાને કહ્યા વગર છૂટકો જ ન હતો. એમને તો જોકે વિશ્વાસ હતો કે જેમિષા એરપોર્ટ પર લેવા નહીં આવે, પરંતુ કદાચ જો એ આવે તો પોતાને અચૂક સારું લાગે એમ હતું.

એ પોતે પણ જે વટથી અમેરિકા જેમિષા જોડે ઝઘડીને ગયેલાં ત્યારબાદ એમને લાગતું હતું કે હવે તો ભારતમાં જેમિષા જોડે કઈ રીતે રહેવાશે ? અને જેમિષા પણ એમના ભૂતકાળના વર્તન બદલ બદલો લીધા વગર રહેવાની નથી.

પોતાના દીકરાએ એમની જ કંપનીમાં કામ કરતી પરજ્ઞાતિની છોકરી સાથે લગ્ન કર્યા ત્યારથી એમના મનમાં જેમિષા પ્રત્યે કડવાશે તો હતી જ. જોકે એમણે જેમિષાને જોઈ પણ ન હતી પરંતુ એમનો વિરોધ યથાવત હતો. કારણ પોતાની જ્ઞાતિની સિવાયની જ્ઞાતિની છોકરી કઈ રીતે સારી હોઈ શકે ? તેથી જ જેમિષા જ્યારે પરણીને ઘરમાં આવી ત્યારથી જ એનાં સાસુનું વર્તન જેમિષા માટે ઓરમાયું જ રહ્યું હતું.

પતિ જેટલું જ કમાતી જેમિષાની ઘરમાં કિંમત ન હતી. ચૂપચાપ ઘરનું કામ કર્યા કરતી જેમિષા અળખામણી હતી. પરંતુ દિયરે ચૂપચાપ લગ્ન કર્યા એ સમાચાર જાણી જેમિષાના બંને જેઠ-જેઠાણી અમેરિકાથી આવી ગયાં હતાં અને જેમિષાના પતિ પાસે લગ્ન નિમિત્તની ભેટ પણ માંગી હતી. જેમિષાના પતિએ હસીખુશી આપી હતી. એ તો ઠીક પરંતુ જેમિષાએ પણ બંને જેઠાણીઓને ભેટ સોગાદો આપી હતી. ત્યારે પણ એની સાસુ એવું જ કહેતાં, ‘બહુએ કમાય છે. આપ્યું એમાં શું ઘાડ મારી ? લગ્ન તો વેદમંદિરમાં કરી ખર્ચો બચાવ્યો જ છે ને ?’

જેમિષા લગ્ન બાદ પતિ સાથે બહારગામ ફરવા ન જાય એટલે લગ્ન બાદ તરત જ બંને જેઠ તથા જેઠાણી અમેરિકાથી આવી ગયાં હતાં અને જેમિષાને કહેતાં, ‘સારું થયું કે તું આવી ગઈ, હવે તું અમને ગરમાગરમ રોટલી ખવડાવજે અને તું તો નાની છો એટલે તારા પર અમારો હક બને છે.’

લગ્ન બાદ જેમિષાએ નોકરીમાંથી રજા લીધી ન હતી. ઘરે આવતાં વહેલું મોડું થાય તો પણ જેમિષાએ જ આવીને રસોઈ બનાવવી પડતી. જેમિષા થાકી જતી પણ મોંએથી ફરિયાદ કરતી ન હતી. કદાચ ફરિયાદ કરવાનું એના સ્વભાવમાં જ ન હતું. જેવા સંજોગો હોય એવા સંજોગોમાં હસીને રહેવાનું એવું એ નાનપણથી શીખી ગઈ હતી. પળે પળ હસીને ખુશીને રહેનારને ક્યારેય દુઃખ સ્પર્શી શકતું નથી અને ખરેખર પોતે તો બંને જેઠાણીઓ કરતાં નાની હતી અને બે કામ વધુ કરવાથી સામેનાનું દિલ તમે સહેલાઈથી જીતી શકો છો.

જોકે સમાજમાં સાઈઠ ટકા ઝઘડા પૈસાના કારણે જ થતા હોય છે અને બાકીના ચાલીસ ટકા ઝઘડા કામના હોય છે અને પોતે થોડું વધારે કામ કરે અને એનાથી ક્લેશ ના થતો હોય તો ખોટું પણ શું ? પિયરમાં પણ મા નહીં હોવાથી નાનાં ભાઈ-બહેનોએ એને અઢળક પ્રેમ આપવામાં પાછીપાની કરી ન હતી અને એની અપેક્ષા સાસરીમાં પણ એટલો જ પ્રેમ પ્રાપ્ત કરવાની હતી.

જેમિષાનો પગાર તો એના પતિ કરતાં પણ વધુ હતો. અત્યાર સુધીની એની બચત ઘણી હતી કારણ કે એના પિતા એટલી બધી મિલકત મૂકીને ગયા હતા કે એના વ્યાજમાંથી ઘર સરળતાથી ચાલી શકતું હતું. ક્યારેક એ એના પગારમાંથી નાનાં ભાઈ-બહેનો માટે ભેટ લઈ આવતી તો એ લોકો તરત કહેતાં, ‘બહેન, તારો પગાર તારા લગ્ન માટે રહેવા દે. કાલ ઊઠીને અમે મોટાં થઈ જઈશું અને કમાતાં થઈ જઈશું. તું તારી આવક સાચવીને રાખજે. ભવિષ્યમાં તને જ કામ લાગશે. કદાચ મમ્મી પપ્પા હોત તો પણ તારો પગાર ઘરમાં ન લેત. તું તારો પગાર બચાવતી જ રહેજે. તું અમને સાચવે છે એ જ બહુ મોટી વાત છે અને થોડા સમય બાદ અમે બધાં ભણી-ગણીને નોકરી કરતાં થઈ જઈશું.’

તેથી જેમિષાએ ક્યારેય પૈસાને મહત્ત્વ આપ્યું ન હતું. પરંતુ તેના પતિ જગતની મમ્મીને જેમિષા બીજી જ્ઞાતિની હોવાથી પસંદ ન હતી. બીજી બે મોટી વહુઓને તો સિટીઝનશિપ હતી તેથી મોટા બંને પુત્રો અમેરિકામાં સ્થાયી પણ થઈ ગયા હતા.

જેમિષાની સાસુને અમેરિકાની ચમકદમકની વાતો સાંભળી ત્યાં જવાની અદમ્ય ઈચ્છા હતી. એમની ઈચ્છા એવી હતી કે ત્રણેય પુત્રો અમેરિકામાં રહેતા થઈ જાય તો પોતે પણ કાયમ માટે અમેરિકામાં રહેતી થઈ જાય અને સમાજમાં પોતાનો વટ પડી જાય કે એના ત્રણે દીકરાઓ અમેરિકામાં છે એને પોતે ત્રણેય વહુઓને ત્યાં વારાફરતી રહે અને સાસુપણું ભોગવી શકે પરંતુ જેમિષાએ આવીને બધાં સપનાંઓ તોડી કાઢ્યાં. જગત જેવો કહ્યાગરો પુત્ર એની પસંદગીની છોકરીને અને તે પણ પરજ્ઞાતિની છોકરીને ઘરમાં લાવે એ કઈ રીતે સહન થાય ?

તેથી તો એમણે જેમિષાને હેરાન કરવાનું નક્કી કર્યું હતું. એટલું જ નહીં, સગા-સંબંધીઓમાં પણ કહેતાં રહેતાં કે જ્ઞાતિની છોકરી એ જ્ઞાતિની છોકરી. મેં તો નક્કી જ કર્યું છે કે મારી પાસે જે કાંઈ પણ છે એ બધું મારી બે મોટી વહુઓને જ આપવાનું છે. હા, એના બાપની મિલકતમાંથી ભલેને ત્રણેય જણાં પૈસા લેતાં. બાકી મારી પાસે તો ઘણી જણસો છે.

જ્યારે બંને મોટા દીકરાઓ અને વહુઓએ આ વાત જાણી ત્યારે તેઓ ખૂબ ખુશ થઈ ગયાં હતાં. એટલું જ નહીં પરંતુ સાસુને આગ્રહ કરી કરીને કહેતાં કે તમે અમારી સાથે અમેરિકા ચાલો. જેમિષાની સાસુને તો દોડવું હતું અને ઢાળ મળી ગયો.

ત્યારબાદ તો એમણે જેમિષાને વધુ હેરાન કરવાનું શરૂ કર્યું. મા-બાપ વગરની અનાથ છોકરીમાં શું સંસ્કાર હોય ? સંસ્કાર વગરની છોકરીઓ જ ભાગીને લગ્ન કરે. જેમિષાને થયું કે એ કહી દે કે તમારા દીકરાને તો સંસ્કાર હતા. તો પણ એણે મારી જોડે ભાગીને લગ્ન કર્યા એનું શું ? પરંતુ જેમિષા ચૂપ રહી.

સાસુઓને વહુઓને પજવવાનો અબાધિત અધિકાર હોય છે એવું એણે સાંભળેલું હતું. જોકે આજકાલ સમાજમાં સાસુઓની હાલત પણ દયનીય થઈ ગઈ છે એ પણ એક સત્ય હકીકત છે.

પરંતુ જેમિષા પ્રેમની ભૂખી હતી એણે જિંદગીમાં ક્યારેય પૈસાને મહ્ત્વ આપ્યું ન હતું. પરંતુ એક આશા સાથે જીવી રહી હતી કે જિંદગીમાં સાસરિયામાં પણ મને અઢળક પ્રેમ મળશે. ચૂપ રહેવાથી સામેનાનું દિલ જીતી શકાય છે. એક દિવસ એ પણ એના સાસુનું મન જીતી લેશે.

બંને વહુઓ સમજી ગઈ હતી કે હવે મમ્મી પાસે જે કંઈ દાગીના છે એ અમારા જ છે. તેથી જ જેમિષાની સાસુને બંને વહુઓએ આગ્રહ કરી અમેરિકા સાથે આવવાનું જ કહ્યું. જેમિષાની સાસુ ખૂબ ખુશ હતી. તે તો વારંવાર જેમિષા સાંભળે એમ બોલતી કે આનું નામ વહુ કહેવાય. સાસુના માટે કેટલું કરે છે ? હવે તો હું સુખેથી બંને વહુઓને ત્યાં વારાફરતી રહીશ. મારી તો બંને વહુઓ સંસ્કારી છે.

જેમિષાનું મન કહેતું, મમ્મી, તમે મારી સાથે રહ્યા વગર જ મારા વિશે આવો અભિપ્રાય આપી જ કઈ રીતે શકો ? પરંતુ એ ચૂપ રહેતી.

જ્યારે જેમિષાની સાસુને વિઝા મળી ગયા ત્યારે તો જાણે એમના પગ જમીન પર ટકતા ન હતા.

જેમિષા પર સતત વ્યંગબાણોનો વરસાદ વરસતો રહેતો હતો. બંને વહુઓ સાસુને સમજાવતી રહી કે લોકરમાં તમે કોઈ જ દાગીના રાખતાં નહીં. તમારું અને જગતનું બંનેનું નામ છે. તો જગત લોકરમાંથી દાગીના ઉપાડી એની પત્નીને આપી દેશે. એના કરતાં તમે તમારા હીરાના જે દાગીના પ્લેટિનમમાં છે એ પહેરી લો અને સોનાના દાગીના અમે બંને વહુઓ પહેરી લઈશું. પછી જગત શું કરી શકશે ?

આ વાત જેમિષાની સાસુને પસંદ પડી ગઈ હતી. લોકરના હીરાના દાગીના અમેરિકા જતી વખતે પોતે પહેરી લીધા અને બાકીના દાગીના વહુઓએ પહેરી લીધા હતા. ટૂંકમાં લોકર બિલકુલ ખાલી કરી કાઢ્યું હતું. પોતે પોતાની યોજના પર ખુશ હતાં. કારણ એમની ગેરહાજરીમાં જગત લોકરમાંથી દાગીના લઈ ના શકે.

પરંતુ અમેરિકા પહોંચ્યા બાદ બંને વહુઓ વચ્ચે સાસુને પોતાના ઘરે લઈ જવા બાબત મીઠો ઝઘડો થઈ રહ્યો હતો. એ સાંભળી જેમિષાની સાસુની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. સમગ્ર પૃથ્વી પરની ભાગ્યશાળી નારી પોતાને માનવા લાગ્યાં હતાં. આખરે બંને વહુઓ દીકરાઓ થોડા દિવસ સાથે જ રહે એવું નક્કી થયું.

ધીરે ધીરે બંને વહુઓએ સાસુને કહી દીધું કે જે દાગીના પોતે ભારતથી પહેરીને આવ્યાં છે એમના થઈ ગયા ને સાસુએ પહેરેલા દાગીનાના પણ તેઓએ અંદરોઅંદર ભાગ પાડી દીધા હતા. સાસુ વર્ષોથી આંગળીઓ પર પહેરી રાખતી હીરાની વીંટીઓ પણ વહુઓએ સાસુના અનેક વિરોધ વચ્ચે લઈ લીધી. દાગીના મળી જતાંની સાથે જ વહુઓનું વર્તન બદલાવા લાગ્યું હતું. એમને અમેરિકામાં માત્ર વહુઓનો તિરસ્કાર જ મળતો રહેતો હતો.

એને પતિના શબ્દો યાદ આવતા હતા. ‘આ બધી જણસો તારી પાસે રાખજે. એ તારી બુઢાપાની મૂડી છે. પાસે જણસો હશે તો જ દીકરા વહુઓ ચાકરી કરશે, નહીં તો તારું કોઈ નહીં કરે.’

જે વહુઓ સાસુને સાથે રાખવા માટે ઝઘડતી હતી હવે એ જ વહુઓ સાસુને કાઢી મૂકવા તત્પર હતી. પાછલી ઉંમરમાં વહુઓનો તિરસ્કાર એ સહન કરી શકતાં ન હતાં. અંદર ને અંદર મૂંઝાતાં હતાં. બંને વહુઓએ એમને ખાવાપીવાનું પૂછવાનું પણ છોડી દીધું હતું. એક વાર તો એમણે વહુને ફોન પર વાત કરતાં સાંભળી કે, ‘ડોશી, એક ખૂણામાં પડી રહેશે. કંટાળીને એની જાતે ભારત ભેગી થઈ જશે.’

હવે તો જેમિષાની સાસુનું મન અમેરિકામાંથી ઊઠી ગયું હતું. તેથી જ એમણે ભારત પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી એટલું જ નહીં, છેલ્લી વાર આજીજી કરતાં બોલ્યાં, ‘મારા હીરાના દાગીનાનો સેટ મને પાછો આપી દે.’ પરંતુ બદલામાં માત્ર અને માત્ર તિરસ્કાર જ મળ્યો.

આખરે બધી જ જણસો અમેરિકા છોડીને પાછા ભારત આવવાનું નક્કી કર્યું. પરંતુ જેમિષા પોતાને લેવા ના આવે તો પોતાનું શું થશે ? એકલી કઈ રીતે ઘેર જશે. દીકરાઓએ તો એમની પાસેથી ડોલર પણ છીનવી લીધા હતા. એમની તબિયત પણ લથડતી જતી હતી.

પરંતુ એમના આશ્ચર્ય વચ્ચે જેમિષા એરપોર્ટ પર લેવા આવી હતી. એટલું જ નહીં સાસુને પગે લાગતાં એમના હાથમાંથી બેગ પણ લઈ લીધી. ઘરે આવ્યા બાદ જેમિષાએ સાસુને ગરમાગરમ ચા અને નાસ્તો આપી બોલી, ‘મમ્મી, તમારા માટે ગરમ પાણી નાહવા માટે કાઢ્યું છે. નાહીને તમે સૂઈ જાવ, તમારો થાક ઊતરી જશે. આજે હું ઓફિસ નથી જવાની તમે આરામ કરો.’

થોડા દિવસોમાં જેમિષાને ખ્યાલ આવી ગયો કે સાસુમા અંદરથી મૂંઝાઈ રહ્યાં છે અને જમી પણ શકતાં નથી. તેથી જેમિષા સાસુનો વધુ ને વધુ ખ્યાલ રાખતી થઈ ગઈ હતી. સાસુનું માથું ઓળવા, એમના નખ કાપવા, નાહવા માટે ગરમ પાણી મૂકી આપવું. ચા-નાસ્તો હાથમાં ને હાથમાં આપવો. ક્યારેક એ સાસુને પૂછી પણ લેતી, ‘મમ્મી, તમારે શું ખાવું છે ? તમને કંઈ ઈચ્છા હોય તો કહો. કોઈ બહેનપણીને મળવું છે ? મમ્મી, તમે કોઈ વાતે મૂંઝાશો નહીં. હું તમારી દીકરી જ છું ને ?’

આ વાક્ય સાંભળતાં જ જેમિષાની સાસુની આંખમાં આંસુ આવી ગયાં. બોલ્યાં, ‘જો, મારી પાસે હવે તને આપવા માટે કોઈ જણસ રહી નથી. તું મારી સેવા-ચાકરી કરીશ તો પણ હું તને કંઈ આપી નહીં શકું. મારી પાસે કંઈ જ નથી.’

‘મમ્મી, તમે ખોટું બોલો છો, તમારી પાસે બહુ મોટી જણસ છે.’

‘ના, જેમિષા, બધું મારું લૂંટાઈ ગયું છે. હવે આપવા જેવું કંઈ નથી. આટલા દિવસથી હું જોઉં છું કે તું મારી બહુ જ સેવા કરે છે પણ…’

‘મમ્મી તમારી પાસે જે જણસ છે એ તમને ખબર નથી. તમે આટલા દિવસથી મને સગી માનો પ્રેમ આપી રહ્યાં છો એ જ જણસ મારે જોઈએ છે કે જે કોઈ છીનવી ના શકે. બોલો, તમારી એ જણસ મને કાયમ માટે આપશો ને ?’

જેમિષાનું વાક્ય પૂરું થતાં જ એની સાસુ એને ભેટી પડી અને આ મિલન જોનાર જગતની ખુશીનો પાર ન હતો.

*******

વાર્તાકાર : નયના શાહ
Mob No.- +919426721956

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 18, 2020 માં Nayna Shah

 

ટૅગ્સ: ,

દમયંતી


આજે પણ પ્રસાદમાં કોપરાનું છીણ ને દળેલી ખાંડ હતા. ગઈ કાલે સાકરિયા હતા. રંભાએ પ્રસાદ આપનાર છોકરાને બે વાર પૂછ્યું, ‘આ આપણી સોસાયટીના ગણપતિનો પ્રસાદ છે?’ ‘હા, કેમ એવું પૂછો છો?’

રંભાને આશ્ચર્ય તો થતું જ હતું કે આ શક્ય જ નથી, પણ એ વાસ્તવિકતા હતી, પરંતુ ત્રીજા દિવસે જ્યારે પેંડાનો પ્રસાદ ચાખ્યો ત્યારે એ તરત બોલી ઊઠી, ‘અરે, આ પેંડા તો સોસાયટીના નાકાવાળા કંદોઈના છે ને?’ ‘હા, આજે સોસાયટીવાળાએ પ્રસાદ માટે પૈસા આપ્યા એટલે અમે પેંડા લઈ આવ્યા. હજી તો અમારે ઘણી જગ્યાએ જવાનું છે. હું જઉં છું.’

એ છોકરો પ્રસાદની થાળી લઈને દોડી ગયો. રંભાને ઘણું જ દુઃખ થયું. આવું બને જ કઈ રીતે ? કારણ કે વર્ષોથી અવનવા પ્રસાદ ખાવા ટેવાયેલા બધા આશ્ચર્યચકિત હતા. રંભાએ પૂછી પણ જોયું કે શું પૂનમની તબિયત સારી નથી ?

પ્રસાદ હંમેશાં મીઠો જ લાગે. એ તો માત્ર તુલસીના પાન પર મૂકીને એટલે આપે તો પણ આપણે ઈશ્વરની કૃપા સમજતા હોઈએ, પરંતુ આ વર્ષે એવું ન હતું.

પૂનમ તો દર વર્ષે જુદા જુદા પ્રસાદ ગણપતિની પૂજા માટે કરતી, પરંતુ આ વર્ષે એ કદાચ બહારગામ ગઈ હોય એવું બને કે બીમાર હશે. રંભાના મગજમાં એના વિશે અનેક વિચારો આવવા માંડ્યા હતા.

જ્યારે એ પછીના દિવસે પણ બજારનો આવેલો પ્રસાદ ખાધો ત્યારે રંભાનું મન પૂનમને ત્યાં જવા મજબૂર બની ગયું હતું.

આમ તો પૂનમ એટલે ખૂબ જ કાર્યશીલ. કોઈ પણ કામનો ક્યારેય કંટાળો ના આવે. એમાંય ગણપતિની ચુસ્ત ઉપાસક. દસેદસ દિવસ પૂનમને ત્યાંથી જ પ્રસાદ ઘરે બનાવેલો ગણેશજી આરોગે. એમાંય એટલું બધું વૈવિધ્ય હોય કે કદાચ કંદોઈ પણ વિચારી ના શકે. જાતજાતના મોદક બનાવે, લાડુ બનાવે, કાજુના મોદક, રવાના મોદક, માવાના મોદક, થાલીપીઠના મોદક, બુંદીના લાડુ, ચુરમાના લાડુ ક્યાંય કોઈ પ્રસાદ ફરીવાર બને નહીં. સોસાયટીની બહેનો અને દીકરીઓને બધા પૂનમ પાસે રસોઈ શીખવા મોકલતા.

દસેદસ દિવસ પૂનમ હોંશેહોંશે પ્રસાદ બનાવતી, પરંતુ આ વર્ષે જાણે કે ગણેશજી એનો પ્રસાદ આરોગ્યા વગર વિસર્જન પામશે એવી બીક રંભાને લાગતી હતી. એવું પણ ન હતું કે પૂનમને કોઈ પ્રવૃત્તિ ન હતી. બંને છોકરાઓને પણ જુદી જુદી વાનગીઓ આરોગવા મળતી.

બે વર્ષ પહેલાં જ બંને દીકરાઓના એક જ માંડવે લગ્ન થયેલા અને વારાફરતી થોડા થોડા મહિનાના અંતરે તેઓ યુરોપ અને અમેરિકા કાયમ માટે જતા રહ્યા હતા.

પૂનમ એકલી હતી, પરંતુ પ્રવૃત્તિશીલ હતી. એને તો પ્રવૃત્તિમાં ક્યાંય સમય જતો રહેતો હતો. પુત્રોના ગયા બાદ પણ એ જ દસેદસ દિવસ પ્રસાદ મોકલતી હતી. અરે, એટલું જ નહીં એણે તો એવું પણ સૂચન કરેલું કે, ગણપતિને છપ્પન ભોગ કરવા જોઈએ, પરંતુ દરેક જણાં ખર્ચાનો અને શ્રમનો વિચાર કરતાં, કારણ કે કોઈનેય મહેનત કરવી ગમતી નથી કે નથી ખર્ચ કરવો ગમતો, પરંતુ પૂનમ જુદી માટીની હતી. એની દુનિયા એના પતિથી શરૂ થઈ એના પુત્રોમાં જ સમાઈ જતી.

ત્યારબાદ તો પુત્રવધૂઓ આવવાથી પૂનમ ખૂબ જ ખુશ રહેતી હતી. બંને પુત્રવધૂઓ નોકરી કરતી હતી. જ્યારે એ બંને ઘરે આવે ત્યારે રસોઈ તૈયાર હોય. ક્યારેક પુત્રવધૂઓ કહેતી, ‘મમ્મી અમે રસોઈ કરીશું તમે તકલીફ ના લેતાં.’

ત્યારબાદ પૂનમને લાગતું કે, બંને વહુઓને બહુ જ હોંશ છે તેથી રસોઈમાં મસાલા બાકી રાખતી. રંભા ક્યારેક એના ઘરે જતી ત્યારે એ ખૂબ હોંશથી એને એપલ પાઈ કે જેલી, કે ઘરે જ બનાવેલી જાતજાતની વસ્તુઓ ખવડાવતી.

જોકે, પૂનમના ત્યાંથી કોઈ પણ ખાધા-પીધા વગર પાછું ના જાય. જોકે પૂનમને ક્યારેય કોઈને ઘરે જતા કોઈએ જોઈ ન હતી. તે ઉપરાંત એને ત્યાં પણ કોઈ કામ સિવાય ખાસ આવતું નહીં. એના બંને દીકરા ભણવામાં ખૂબ જ હોશિયાર. પૂનમના ચારે બાજુ વખાણ થતાં, પરંતુ પૂનમ સ્થિતપ્રજ્ઞ સ્થિતિ જેવી રહેતી, કારણ એની દુનિયા એટલે એનો પતિ અને બાળકો જ.

હવે બાળકો જતાં રહ્યાં બાદ પૂનમ ઉદાસ રહેતી હતી. જોકે એનું મન તૂટી ગયું હતું. એણે એવું તો ક્યારેય વિચાર્યું નહોતું એના દીકરાઓ કે જેને એણે પ્રેમથી ઉછેર્યા છે એ જ દીકરાઓ એને કહી દેશે કે ‘મમ્મી, તારે ઘરમાં કામ શું હોય છે ? બંને વહુઓ જ કામ કરે છે.’ પૂનમનું મન તૂટી ગયું હતું. એનો ઉત્સાહ ઓસરતો જતો હતો. બંને દીકરાઓ જ્યારે વિદેશ જતા રહ્યા ત્યારે એ દીકરાઓએ કરેલા અપમાન ભૂલવા માંડી હતી. પુત્રપ્રેમનો અપમાન સામે વિજય થયો હતો. પૂનમને નિરાશ જોઈને એના પતિએ કહેલું ‘હું છ મહિના માટે ઓફિસમાં રજા મૂકી દઉં છું. ચાલ, આપણે બંને અમેરિકા અને યુરોપ ફરી આવીએ. તું પણ દીકરાઓને મળીને ખુશ થઈ જઈશ.’

પરંતુ છ મહિનાને બદલે માત્ર બે મહિનામાં જ પૂનમ પાછી આવી. ત્યાર બાદ એ પહેલાંની જાણે કે પૂનમ રહી જ ન હતી.

બીમાર, ભાંગી પડેલી પૂનમને જોઈને કોઈ પણ કહી શકે કે એ ખુશ નથી. રંભાએ એકાદ વાર પૂનમ સામે મળી ત્યારે ‘જયશ્રી કૃષ્ણ’ કહેલું, પરંતુ રંભાની વાત જુદી હતી, કારણ એ દિવસનો મોટા ભાગનો સમય સગાંવહાલાં અને બહેનપણીઓથી ઘેરાયેલી જ હોય. રંભાના ઘર પાસેથી પસાર થનાર વ્યક્તિને કલાપીનું કાવ્ય યાદ આવી જતું કે, ‘અહો કેવું સુખી જોડું કર્તએ નિર્મ્યું દિસે.’ ઘરમાંથી હાસ્યની છોળો ઉછળતી હોય. રંભા બધાને પ્રેમથી બોલાવતી, પરિણામ સ્વરૂપ એનું ઘર જોતાં લોકોને લાગતું કે, એના ઘરમાં જવાથી જાણે કે ‘પોઝિટિવ ઊર્જા’નો સંચાર થાય છે.

પરંતુ આજે રંભાનું મન બેચેન હતું. પૂનમની એને ચિંતા હતી. એને એ પણ યાદ આવ્યું કે, પૂનમ જ્યારે વિદેશથી પાછી આવી ત્યારે એ બીમાર અને નિરાશ લાગતી હતી, પરંતુ પૂનમને ખાસ કોઈ જોડે આત્મીયતાના સંબંધો તો હતા જ નહીં, કે એની મનની વાત કોઈને કરે.

પરંતુ રંભામાં તો એવી આવડત હતી કે પળભરમાં કોઈ પણ અજાણી વ્યક્તિને પોતાની કરી લેતી. તેથી તો એનું ઘર ભર્યુંભર્યું રહેતું હતું અને રંભા એટલે મદદ શબ્દનો પર્યાય. રંભાને બધાય સોસાયટીમાં માન આપે. પૂનમ સોસાયટીમાં હોવા છતાંય ગણેશજીનો પ્રસાદ ના મોકલાવે એ શક્ય લાગતું જ નહોતું.

તેથી રંભા પૂનમને ત્યાં ગઈ. પ્રેમથી પૂનમ સાથે વાતે વળગી, પરંતુ પૂનમ ઉદાસ ચહેરે બેસી રહી હતી. તેથી જ રંભા બોલી, ‘પૂનમ તું આજે તારા ફ્રીજમાંથી કાઢી તારો બનાવેલો આઈસક્રીમ, જેલી, એપલ પાઈ કંઈ જ નહીં ખવડાવે ?’

પૂનમ આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ એણે કોઈ સાથે એટલી આત્મીયતા તો કેળવી જ નહોતી કે કોઈ એના પર હક કરે. એને એ વાતનું ઘણું જ આશ્ચર્ય થયું, પણ ખબર નહીં કેમ પણ બીજી મિનિટે સારું પણ લાગ્યું કે કોઈક એનું પોતાનું છે કે જે એની પર હક કરી શકે છે. એ વિચાર સાથે જ એની આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી. બોલી, ‘મને રસોડામાં જવું જ નથી ગમતું.’

રંભા પણ પૂનમનું વાક્ય સાંભળી સ્તબ્ધ બની ગઈ. એક સમયની રસોઈ નિષ્ણાત વ્યક્તિ આવું બોલી શકે ? રડતી પૂનમના બરડે હાથ ફેરવતા આવું બોલી ‘આ શક્ય જ નથી. આ વર્ષે તારા હાથે બનાવેલા પ્રસાદ આરોગ્યા વગર ગણેશજી વિદાય લેશે. અરે, તું તો ગણેશજીની ઉપાસક છે. શું ભગવાન પણ તારી જેમ બજારમાંથી લાવીને ખાશે ? મને તો એ વાત ગમી નથી બાકી તો તારી મરજી.’ રંભા એટલું બોલીને પૂનમના ઘરેથી જતી રહી. પૂનમ કશું બોલી પણ ના શકી કે જતી રંભાને રોકી પણ ના શકી.

જોકે બીજે દિવસે પ્રસાદમાં સુખડી હતી. જે મોંમાં મૂકતાંની સાથે જ રંભા સમજી ગઈ હતી કે આ પૂનમે જ બનાવી છે. રંભાને મનથી આનંદ તો થયેલો જ કે પૂનમે કંઈક કર્યું, પરંતુ આ તો જાણે કે બળજબરીનો સોદો હતો. બળજબરીથી થયેલા સોદામાં યંત્રવત્‍ બધું થતું હોય. એમાં ક્યાંય ઉત્સાહ દેખાય નહીં. તે દિવસે પૂનમનો પ્રસાદ હોવા છતાંય પૂનમ આરતીમાં દેખાઈ ન હતી. રંભાને દુઃખ તો ઘણું થયું હતું. એથી પણ વધુ દુઃખ પૂનમની સ્થિતિ જોઈને થતું હતું.

રંભાએ નક્કી કર્યું હતું કે, પૂનમને એની નિરાશામાંથી બહાર લાવીને જ રહેશે.

રંભાને દુઃખ માત્ર એક જ વાતનું હતું કે, પૂનમ જેવી કાર્યશીલ સ્ત્રી એકાએક નિરાશામાં સરકી જાય એ કેમ ચાલે ? આમ તો પૂનમ ક્યારેય કોઈ જોડે હળતીભળતી નહીં. હા, સોસાયટીમાંથી ક્યારેક કોઈક કંઈક નવી વાનગી શીખવા જાય તો એ પ્રેમથી અચૂક શીખવાડતી. એટલું જ નહીં, ચા-નાસ્તો પણ કરાવતી. બાકી પૂનમને ત્યાં કોઈ આવતું-જતું નહોતું, કારણ એની દુનિયા એટલે એનો પતિ દિવ્યાંગ અને એના પુત્રો. જોકે રંભાને ત્યાં તો સતત અવરજવર રહેતી. એનું એક કારણ એ પણ હતું કે એ હંમેશાં હસતી રહેતી. લાગતું હતું કે જાણે રંભાને કોઈ દુઃખ સ્પર્શતું જ નહોતું. એ તો ઠીક રંભાને ત્યાં ક્યારેક કોઈ દુઃખી વ્યક્તિ આવે તો પણ હસીને એના ઘરની બહાર નીકળતી.

તેથી જ રંભાએ એક વાર રસ્તામાં દિવ્યાંગને પૂછી જ લીધું કે, ‘પૂનમ આટલી બધી નિરાશ કેમ રહે છે ?’

દિવ્યાંગે કહ્યું પણ ખરું, ‘હવે એના દુઃખનો કોઈ ઇલાજ જ નથી. એના દીકરાઓ તરફથી સતત અપમાન સહન કરવા પડ્યા. દીકરાઓ એમના સાસુ-સસરાને માન આપે અને પૂનમનું અપમાન કરે. વહુઓ તો સ્વાભાવિક છે કે એના મા-બાપની જ હોય અને જ્યારે પતિ જ એની માનું અપમાન કરતો હોય તો વહુ સ્વાભાવિક રીતે કરે જ. હું પણ પૂનમને પહેલાંની જેમ ખુશ જોવા માગું છું, પરંતુ વિદેશના કડવા અનુભવો એ ભૂલી જ નથી શકતી.’

રંભાએ હસીને કહ્યું, ‘બસ આટલી જ વાત છે. હવે હું પૂનમને પહેલાં જેવી ખુશ રહેતી કરી દઈશ.’

દિવ્યાંગને એના કાન પર ભરોસો નહોતો રહ્યો. શું પૂનમ પહેલાં જેવી થઈ જશે ? નિરાશાથી ઘેરાયેલી પૂનમ નિરાશામાંથી બહાર આવે એ શક્ય જ નહોતું. સવારના દિવ્યાંગ નોકરી પર જાય ત્યાંથી પાછા ફરતાં સુધી પૂનમ ઉદાસ બેસી રહેતી.

રંભા એ તકનો લાભ લઈને અવારનવાર પૂનમને ત્યાં જવા લાગી. તેથી રંભાના મહેમાનો પણ રંભાને શોધતા પૂનમને ત્યાં આવી જતાં. પૂનમને આશ્ચર્ય થતું કે રંભાને ત્યાં કેટલા બધા સગાંવહાલાં તથા મિત્રો આવે છે. રંભા આ જ વાત પૂનમને સમજાવવા પ્રયત્ન કરી રહી હતી કે જિંદગીમાં જેમ દુઃખ હોય છે એમ સુખ પણ હોય છે. જો વ્યક્તિ દુઃખ જ જોશે તો ક્યારેય સુખનો અનુભવ નહીં કરી શકે. રંભા એનું આશ્ચર્ય જોઈને બોલી, ‘પૂનમ, તારે પણ ત્રણ બહેનો, બે ભાઈઓ, નણંદો, દિયરો બધાં જ છે. તું કેમ બધા જોડે સંબંધ નથી રાખતી ? તું બધાને તારે ત્યાં બોલાવ. તું બધાને ત્યાં જા. કોઈ પણ નિરાશા તું વાગોળ્યા કરીશ તો ક્યાંય અંત નહીં આવે. માની લીધું કે તારા દીકરાઓના વર્તનથી તને દુઃખ થયું, પરંતુ તું તારા તથા તારા પતિના ભાઈ-બહેનોને મળતી થા. પ્રેમ એ આપવાથી વધતો જ રહે છે. તું અવારનવાર એમને ફોન કરતી રહે. એમને જમવા બોલાવ. તારા સ્કૂલના મિત્રો પણ હવે દીકરા-દીકરીને પરણાવીને જવાબદારીમુક્ત થઈ ગયા હશે. તું એમનો સંપર્ક કર. જૂના દિવસો યાદ કર. ક્યારેક ભૂતકાળના સ્મરણો અનહદ આનંદ આપતાં હોય છે. બીજું કે પૂનમ, દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ સુખી નથી હોતી એમ કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ દુઃખી નથી હોતી. તમે તમારી જાતે સુખ શોધી લો.’

રંભાના ગયા બાદ પૂનમને પણ લાગ્યું કે, રંભાની વાત ખોટી નથી. વર્ષો દરમિયાન નણંદ, દિયરો કે ભાઈ-બહેનોને દિવાળી સિવાય ફોન પણ નથી કર્યો.

ધીરે ધીરે પૂનમે ફેસબુક પરથી બહેનપણીનો સંપર્ક કરવા માંડ્યો. પૂનમને લાગતું હતું કે એની જિંદગીમાં આ બધાથી બદલાવ આવતો જાય છે. એના ભાઈ-બહેનો, નણંદ-દિયર બધાય ઘરે આવતા જતા થઈ ગયા. પૂનમ પણ ખુશ રહેવા લાગી હતી એટલે સુધી કે શરદ પૂનમ પણ બધા ભાઈ-બહેનોને બોલાવીને ઊજવવાનું નક્કી કર્યું ત્યારે દિવ્યાંગ એનો બદલાયેલો સ્વભાવ જોઈ જ રહ્યો.

પરંતુ જ્યારે દિવ્યાંગને રંભા રસ્તામાં મળી ત્યારે દિવ્યાંગે કહ્યું, ‘તારું નામ રંભા નહીં, પણ દમયંતી હોવું જોઈએ. પૂનમ જીવતી લાશની જેમ જીવતી હતી, પરંતુ એની જિંદગીમાં તે ઉલ્લાસ ભરી દીધો છે. દમંયતીને વરદાન હતું કે એ કોઈ પણ નિર્જીવ જીવને અડકે તો એ સજીવ થઈ જાય. પૂનમને ઉલ્લાસભરી જિંદગી જીવવાની પ્રેરણા આપનાર તને દમયંતી સિવાય બીજું શું કહું ?’

*******

વાર્તાકાર : નયના શાહ
Mob No.- +919426721956

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 17, 2020 માં Nayna Shah

 

ટૅગ્સ: ,