RSS

Category Archives: Nayna Shah

આગમન


શૈલ ઓફિસથી લગભગ મારતા સ્કુટરે ઘરે આવેલો. આજે એની જિંદગીની સૌથી મોટી ખુશીના સમાચાર સાંભળવા મળવાના હતા. ક્ષમાએ સવારના જ તબિયત વિષે ફરિયાદ કરી હતી ત્યારે શૈલે કહેલું “ક્ષમા! હું આજે ઓફિસ નહીં જઊં. તારી સાથે દવાખાને આવીશ.” પણ ક્ષમા એ જ જક કરીને કહ્યું, “નહીં શૈલ, મારી સાથે તારાં  મમ્મી આવાના છે અને સાંજે તું ઓફિસથી ઘેર આવીશ ત્યારે ખબર તાે પડશે જ ને?”

આખા રસ્તે શૈલ  વિચારતો હતો કે આટલી ખુશીના સમાચાર હોવા છતાંય ક્ષમાના ચહેરા પર આનંદ કેમ નથી? કદાચ તબિયત વધુ ખરાબ હશે કે અન્ય કોઈ કારણ હશે? શૈલની ઈચ્છા તાે દાેડીને ક્ષમા પાસે પહોંચી જવાની હતી પણ નીચે રસોડામાંથી મમ્મી બોલી, “શૈલ! હાથ પગ ધોઈને રસોડામાં આવી જા. ચા તૈયાર જ છે અને ગરમ નાસ્તો પણ બનાવ્યો છે.” છતાંય શૈલ દાેડતાે દાદર ચઢી ક્ષમા પાસે પહોંચી ગયો.

ક્ષમાને જોતા જ બોલી ઊઠયો, “ક્ષમા! ડાેકટરે શું કહ્યું?”

ક્ષમા શૈલ સામે જોતા ઉદાસ સ્વરે બોલી, “હા આપણી ઈચ્છા  ટૂંક સમયમાં જ પૂરી થઈ જશે.”

શૈલ ક્ષમા સામે જાેતાં બોલ્યો, “ક્ષમા!આટલી મોટી ખુશીની વાત હોવા છતાંય તું ઉદાસ કેમ છે? આપણા લગ્નને સાત વર્ષ થઈ ગયા અને સાત વર્ષ પછી એક બાળકના આગમનના સમાચારે મને પાગલ બનાવી દીધો છે. પણ તું ઉદાસ કેમ છે? ક્ષમા આજે  તાે હું  તારી ઉદાસીનું કારણ જાણીને  જ રહીશ .”

“શૈલ બેટા! તારી ચા ઠંડી થઈ જશે. જલ્દી આવી જા.” શૈલની મમ્મીએ એને ફરીથી બુમ પાડી. ક્ષમા શૈલ સામે જોતાં બોલી, “મમ્મી બોલાવે છે.”

“મને ખબર છે, પણ જ્યાં સુધી તું કારણ નહીં કહે ત્યાં સુધી હું અહીંથી ખસવાનાે નથી.” શૈલે જક  કરતાં કહ્યું ત્યાં સુધીમાં શૈલની મમ્મીએ ફરીથી શૈલને  બૂમ  પાડી તેથી તાે શૈલ  બોલી ઉઠ્યો ,” ક્ષમા! હવે મમ્મી મને બોલાવવા ઉપર આપણા રૂમમાં આવે એ પહેલા તું મને કારણ કહે.”

ક્ષમા ગભરાઈ ગઈ હતી. બોલી “શૈલ હું તને બધું જ કહીશ,  મારે પણ કોઈ વાત મનમાં રાખવી નથી. પણ તું પહેલા ચા-નાસ્તો કરી આવ.” ક્ષમા વિચારતી હતી કે  શૈલ ને શું કહે? કયાંથી શરૂઆત કરે? શૈલ ખૂબ સમજુ અને સંસ્કારી યુવાન છે, બહુ મોટી પોસ્ટ પર છે. લગ્નના સાત વર્ષ સુધી બાળક નહીં હોવા બાબત કોઈ વાત ઉચ્ચારી નથી. આજની શૈલની ખુશી અસીમ છે એ જોતાં લાગે છે કે સાત વર્ષ સુધી એનું દુઃખ છુપાવી રાખ્યું હશે?

કદાચ આટલી બધી ખુશી મારા આગમન વખતે મારા પપ્પાને થઈ હશે? જવાબ  કદાચ સંજોગો  જ આપી શકે. પોતે કેટલું યાદ કરે? એનું જીવન જ વ્યથાથી  ભરેલું છે. પણ એ ભરપૂર વ્યથાથી શૈલ અજાણ છે. પોતાને જેટલો અન્યાય થયો છે એટલો અન્યાય આવનારને એ થવા નહીં દે. પાેતે તાે કયારેય  પ્રેમનાં બે શબ્દો સાંભળ્યા ન હતા. એ  સમજતી થઇ ત્યારથી એના કાને માત્ર એક જ શબ્દ સંભળાતો રહેલો, “પથરાે.” પાેતે પથરાે એટલે શું એ કયાં સમજી શકતી હતી? એટલે તો એકવાર એની દાદી ને પૂછેલું, “દાદીમા …દાદીમા…હું પથરાે છું?”

ત્યારે દાદીમાની આંખો કરુણાથી છલકાઈ ઊઠી હતી અને દાદી માં એના કપાળે ચુંબન કરતા બોલેલા “ના બેટા, તું તાે મારી પરી છું. એક દિવસ એક રાજકુમાર ઘોડે ચડીને આવશે અને તને લઈ જશે પરીઓના દેશમાં.”

“દાદીમાં,  તમે પણ મારી સાથે પરીઓના દેશમાં આવજો. હું તમને મારી સાથે લઈ જઈશ. તમે ખૂબ સારા છો.” ક્ષમા દાદીમાને ગળે બાઝી પડતા બોલી ઊઠી હતી.

એ જેમ જેમ  સમજણી થઈ તેમ તેમ પથરાનાે અર્થ  સમજતી થઈ ગયેલી. આમ તો એને એક મોટી બહેન પણ હતી. પણ અે પ્રથમ સંતાન હોવાથી લક્ષ્મી ગણી એનું સ્વાગત કરેલું. ત્યારબાદ જ્યારે એના આગમનની શક્યતા જણાઈ  ત્યારે  તેની મમ્મી ડોકટર પાસે દોડી ગઈ  હતી અને કહેલું, ” ડાેકટર! તમે ટેસ્ટ કરી આપો તો મારે તો પુત્ર જ જોઈએ છે. પુત્રી હોય તો પડાવી નાંખીશ. પણ કુદરત ને કંઈક જુદું જ મંજૂર હતું એટલે રિપોર્ટમાં ‘ મેલ ચાઈલ્ડ’ આવ્યું. રિપોર્ટ ખોટો આવ્યો. જો કે દાદી માં ના કહેવા મુજબ રિપોર્ટ આવ્યા બાદ મમ્મી ખુબ  ખુશ રહેતી હતી. એનો પગ જમીન પર પડતો ન હતો એના રોમરોમમાં ખુશી વ્યાપી ગઈ હતી. પણ ત્યારબાદ એની જિંદગી નું શું? વારંવાર એની મમ્મી એની સામે જોઈ ને કહેતી, ‘મારું નસીબ ફૂટલું; બીજું શું? લોકોને ભગવાન છોકરાઓ આપે છે અને મારે જ પથરાઓ …’કયારેક  કોઈક ને ત્યાંથી પુત્ર જન્મ ના પેંડા આવે ત્યારે પણ એ નિ:સાસા સાથે કહતી, ” મારા કરમ…મારા નસીબ જ …”અને આંસુ સારતી .

ક્યારેક એ  કોઈ ચીજની માગણી કરતી તેની મમ્મી તરત બોલી ઉઠતી, ‘ જેટલું ઘસડાય એટલું બાપનું ઘસડી જાવ. ‘

કયારેક એના પપ્પા એના માટે નવી  ચીજવસ્તુ લાવતા તો એની મમ્મી તરત  બરાડી  ઉઠતી,” આપણા બુઢાપાનાે વિચાર કર્યો છે કે  બધું લુટાવી દેવાનું છે?  આપણા પેટે છોકરો નથી કે પાછલી ઉંમરમાં આપણને કમાઈને  આપવાનાે છે. જે ખર્ચ કરો એ રીતમાં કરો. આપણે તો બધું કમાઈ  કમાઈને પેલા જમ જેવા જમાઇઓને જ આપવાનું…? અરે.. રે…મારા નસીબમાં એક પુત્ર નથી. ‘ કહેતાં એ  અવારનવાર એની મમ્મી રડતી. એ જ્યારે એસએસસી બોર્ડ માં પ્રથમ આવી ત્યારે ને આશા હતી  કે મારી પ્રગતિ બદલ મારી મા મને ચોક્કસ બીરદાવશે. પણ એની  આશા ઠગારી નીવડી. કેટલા બધા ઈનામો અને રોકડ મળી હતી! એ જોઈને પણ મમ્મી પણ ખુશ થઇ ન હતી ,”  ઠીક છે ,તારા પૈસા આવ્યા છે તો સોનું ખરીદી લેજે .જે થોડું ઘણું આવ્યું  એ ખરું. તારો બાપ  તાે બેંકમાં સામાન્ય ક્લાર્ક છે. બધું તમારી પાછળ ઉડાવી દઈએ તો અમારું  ભવિષ્ય  શું?”

ક્ષમા તો મમ્મીની દરેક બાબત હસવામાં કાઢી નાખતી હતી .પણ પોતે તો કેટલી બધી સ્વમાની હતી?  મમ્મીના વ્યંગ  બાણોથી કંટાળી એને ભણવાની સાથે ટ્યુશન વગેરેનું પણ નાનું મોટું કામ કરવા માંડેલું અને પોતાનો ખર્ચ પોતે જ ઉપાડી લીધી હતી. આ બદલ પણ એની મમ્મી એને ક્યારેય એની પ્રશંસા કરી ન હતી. અને ક્યારેય એની મમ્મી એ પૂછ્યું પણ નહોતું કે, “ક્ષમા! તારે  પૈસાની જરૂર છે?”  અને ક્ષમાએ  પણ ક્યારેય પૈસા માગ્યા ન હતા .છતાં ક્ષમાનું  મન કહેતું કે પોતે પણ મા-બાપ પાસે જક કરે, રિસાય,કોઈ મનાવે. અરે, એમાં તો જિંદગીની ખરી મજા છે.  પણ એને ક્યારેય જિંદગીની આવી  મજા માણવા મળી જ કયાં હતી?

જો કે કદાચ દાદીમાનું ભવિષ્ય સાચું પડેલું. શૈલ રાજકુમાર થી કંઈ કમ ન હતો અને ખરેખર લગ્ન બાદ એને એવું જ લાગતું હતું કે એ પરીઓના દેશમાં આવી ગઈ છે. કેટલા પ્રેમાળ લોકો વચ્ચે આવી પડી હતી! એની સાસુ ને જોતાં અેને હંમેશ લાગતું  કે આ જ મારી મા છે. કેટલો પ્રેમ આપેલો! વારંવાર કહેતા હતાં, “ઈશ્વરે મને ક્ષમા આપીને દીકરી નહીં હાેવાનું દુખ ભુલાવી દીધું છે.” ક્ષમાને કયારેય છીકં પણ આવે તેની સાસુ જાગે અેને બામ ઘસવા  બેસી જાય .અને શૈલ…એની તો વાત જ જુદી હતી.

ગ્રેજ્યુએટ થયા બાદ બંને એક જ ઓફિસમાં સાથે નોકરી કરતા હતાં. પરિચય ધીરે ધીરે પ્રેમમાં પલટાતાે ગયો. ક્ષમાએ શૈલને  કહેલું, “શૈલ,  લગ્ન એકદમ સાદાઇથી કરવાનું હોય તો જ મને આ સંબંધ મંજૂર છે.” અને બિલકુલ  ધામધૂમ વગર શૈલ અને ક્ષમાના લગ્ન પતી ગયા હતા. આડકતરી રીતે તો ક્ષમા એ એની માને  લપડાક મારવા બરાબર જ આ પગલું ભર્યું હતું. અને ક્ષમા ઘરમાંથી પણ કયાં કોઈ ચીજ વસ્તુ લઈ ગઈ હતી?  હા,  એની દાદીએ અેને લગ્ન સમયે આપવા માટે આપેલો અછોડેા એ સાથે લાવેલી. દાદીની યાદ આવતા ની સાથે જ એનો હાથ ગળામાં પહેરેલા અછાેડા બાજુ ગયો.  દાદીની યાદ સાથે કેટલી યાદો સંકળાયેલી હતી! દાદીમાએ તાે એને  કહેલું, “ક્ષમા બેટી, તારી મા તને ધિક્કારે છે એનું કારણ એની પુત્રેએષણા છે. એટલું જ નહીં, જ્યારે તારો જન્મ થયો ત્યારે અમે બધાએ દિવસો સુધી વાત નહીં કરવાનું વિચારેલું. પણ થોડા કલાકો બાદ જ એને ખબર પડી ગઈ કે એણે જન્મ પુત્રને નહીં પણ પુત્રીને આપ્યો છે, અને આ સમાચાર મળતાની સાથે એણે રડવાનું ચાલુ કરી આખી હોસ્પિટલના સ્ટાફને ભેગો કરેલો .અને કેટલાય દિવસો સુધી તારું મોં પણ જોયું ન હતું .

આ વાત સાંભળ્યા બાદ ક્ષમાને દિવસો સુધી ખાવાનું ભાવતું ન હતું. અરે ,એનું આગમન આટલું બધું દુઃખ દાયક હતું! “ક્ષમા! સોરી … મમ્મી ની બેનપણી આવી ગઈ હતી એને મૂકવા જવું પડ્યું. “હા, તો આપણી વાત આગળ કહે…. બોલ ક્ષમા તને શું દુઃખ છે? “

શૈલ મને તારા થી દુર જવું  નહિ ગમે. હવે હું મહિનાઓ સુધી તારાથી દૂર જતી રહીશ. ક્ષમા ઉદાસ ચહેરે બનેલી.  શૈલ!

ખડખડાટ હસતાં  હસતાં બોલ્યો, ” બસ આટલી જ વાત …મમ્મી તો કેટલાય દિવસોથી કહે છે કે ક્ષમા ને  હું મારાથી દુર કરવાની નથી. હું એને પિયર મોકલવાની નથી એને ડિલિવરી આપણે ત્યાં જ કરાવીશું મારી વહુ નહીં,  દીકરી છે .હવે તો ખુશ ને?”

ક્ષમા ફિક્કું હસી બોલી “અને શૈલ,બીજી પણ એક વાત છે. ધાર કે આપણું આવનાર બાળક પુત્રને બદલે પુત્રી હોય તો …શું તું, મમ્મી …બધા પ્રેમથી સ્વીકારશો?”

“ક્ષમા !પુત્ર હોય કે પુત્રી, શું ફરક પડવાનો છે? અને અત્યારે તો ખુશ રહેવાને બદલે આવું  બધું વિચારે છે ?” શૈલે ક્ષમાનો હાથ હાથમાં લેતાં કહ્યું.

“એ તો ઠીક છે શૈલ,  પણ બીજી…ત્યારબાદ ત્રીજી પણ પુત્રી જ  જન્મસે તો તું એનો પ્રેમથી સ્વીકાર કરી શકીશ?” ક્ષમા એકી શ્વાસે બોલી ઊઠી.”

“ક્ષમા ! આજ પછી તું ક્યારેય એવી વાત કરી મારી નજરમાંથી ઉતરી ના જઈશ. ક્ષમા એક વાત યાદ રાખ. બાળક એ બાળક છે. પછી એ પુત્ર હોય કે પુત્રી…શું ફરક પડે? બાળક એ તો દેવદૂત છે. ઈશ્વરને જ્યારે પૃથ્વી પર અવતારવાનું  મન થાય છે ત્યારે એ બાળક સ્વરૂપે આવે છે અને ઈશ્વરનું આગમન તો પ્રિય જ  હોય.” ક્ષમા શૈલના ચહેરા સામે જાેઈ રહી. ક્ષમાના ચહેરા પરથી ઉદાસીનતા ગાયબ થઈ ગઈ હતી. તેની જગ્યાએ એક સંતોષદાયક સ્મિત ફરકી ઉઠ્યું હતું.

વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 13, 2021 માં Nayna Shah

 

ટૅગ્સ:

સુખ, સુખ અને સુખ


ઉષ્માએ નજર ઉંચી કરીને જોયું અને ચા નો કપ તૈયાર હતો. હજી તેમાંથી વરાળ નીકળી રહી હતી. બાજુમાં થરમોસ પણ તૈયાર હતું. ઉષ્માએ લખેલાં પાનાં વ્યવસ્થિત ગોઠવ્યા. ગરમ ચાના થોડા ઘૂંટડા ભર્યા. તે ચા પીતા વિચારતી હતી કે પોતે કેટલી ભાગ્યશાળી છે! આવું નસીબ કેટલાનું હશે!

બપોરના બે વાગ્યા હતા. પોતે બરાબર બાર વાગ્યાની લખવા બેઠી હતી. પરંતુ તેના સાસુ તેને કેટલું સમજે છે! તેનું કેટલું ધ્યાન રાખે છે! એ હજી વિચારતી ત્યાં તેના સાસુ બોલ્યા “બેટા, હું બે-ત્રણ કલાકમાં પાછી આવી જઈશ. તું તારું લખજે. મેં તારી ચા પણ તૈયાર કરીને થમાેઁસમાં ભરી છે .” અને ઉષ્મા તરફ પ્રેમાળ સ્મિત કરી એ બહાર નીકળ્યાં.

ઉષ્માએ થોડું લખ્યું ત્યાં ડોરબેલ રણકી ઉઠી. ઉનાળામાં ભર બપોરે કોણ આવ્યું હશે? એવું  વિચારતાં ઉષ્મા ઊભી થઈ થઈ. બારણું ખોલતાં જ સ્તબ્ધ બની ગઈ. થોડી મિનિટો સુધી એ કંઈ બોલી જ ન શકી. આવનાર સ્ત્રી ઉષ્માને ઉમળકાભેર ભેટી પડી અને ઉષ્મા રુંધાયેલા  સ્વરે બોલી ઊઠી, “દીદી!”  બંને એકબીજાને ક્યાં સુધી જોતાં જ રહ્યા.  ઉષ્માને  એકાએક કંઈક ખ્યાલ આવ્યો હોય તેમ બોલી, “દીદી! અંદર તો આવ. દીદી! આખરે તેં મને શોધી કાઢી,નહીં? દીદી! સાચુ કહે,તમે બધાં મને યાદ કરતા હતા? ઘરે બધા મજામાં છે? અરે દીદી  તારો સામાન ક્યાં છે? તું એકલી આવી છે?”

“ઉષ્મા, તું એક સાથે આટલા બધા સવાલો પૂછે તો હું કઈ રીતે  જવાબ આપું? તારા દરેક પ્રશ્નનો જવાબ આપીશ, પણ થોડી ધીરજ તો રાખ.”

“હા દીદી, તારી વાત સાચી. તું બેસ. હું પહેલા પાણી લઇ આવું. પછી આપણે વાતો કરીએ. ઉષ્મા પાણી લેવા ગઈ એ દરમિયાન દીદીએ એક નજર ઘરમાં ચારે તરફ નાખતાં તેમની ઉચ્ચ મધ્યમ વર્ગીય સ્થિતિનો સહેજે ખ્યાલ આવી જતો હતો. દરેક વસ્તુ ઢંગ થી  સુરુચીપૂર્ણ રીતે ગોઠવાયેલી હતી. ” દીદી! પાણી. હવે તો કહે દીદી, તેં મને કઈ રીતે શોધી? તમે મને યાદ કરતા હતા?”

“ઉષ્મા, તને શોધવા નો એક રસ્તો હતો અને તે એ કે તારી વાર્તાઓ. પરંતુ મુંબઈના કોઈ મેગેઝીમાં તારી વાર્તાઓ તારા ગયા પછી વાંચવા માં આવતી ન હતી એટલે માની લીધેલું કે તે લખવાનું છોડી દીધું હશે. પરંતુ એક મહિના પહેલાં મારા પતિની બદલી ઇન્દોર થી બે કલાક દુર એવા ગામમાં થઈ. અહીંના છાપાઓમાં તેમજ મૅગેઝિનમાં હું વાર્તાઓ વાંચતી હતી. મેં એકવાર મારા પતિને કહ્યું ‘ગુલમોહર ‘ના ઊપનામે લખતી વ્યક્તિ ઉષ્મા જ લાગે છે. શૈલી પણ ઊષ્મા જેવી જ છે. વળી અમુક પ્રસંગો નું વર્ણન પણ આપણા જીવનને મળતું આવતું હતું. મેં આ બાબતે મારા પતિનું ધ્યાન દોર્યું  તેા એ કહે, “ઉષ્મા! એવું કાંઈ નહિ. વાર્તાની વિશેષતા એ છે કે વાંચનારને લાગે કે જાણે કે આ આપણું  જ જીવન છે. અને વાર્તા પણ વાસ્તવિકતા વગર તો બનતી જ નથી ને?” પરંતુ આ બધી વાતો માનવા મન તૈયાર ન હતુ. મેગેઝીનના તંત્રીને વિનંતી કરી કે મને ‘ગુલમહોર’ નું સરનામું આપો અને એમને જ્યારે સરનામું આપ્યું ત્યારે હું આનંદવિભોર બની ગઈ. કારણ મારી ધારણા સાચી ઠરી હતી. ઉષ્મા !મા બાપનું દિલ છે, તને યાદ તાે કરે જ  ને ?પણ તું જે રીતે ઘર છોડીને જતી રહી એ આઘાત એટલો તો અસહ્ય હતો કે….”

ઉમા થોડુ અટકી એ જોતાં ઉષ્મા બોલી, “દીદી! શા માટે અટકી? જે હોય તે કહે ,બેધડક કહે .હું સાંભળવા તૈયાર જ છું .”

“ઉષ્મા જ્યારે પણ તું યાદ આવે છે ત્યારે તારી સાથે તારી અસામાન્ય બુદ્ધિ અને તેજસ્વિતા પણ યાદ આવે છે. મમ્મી-પપ્પાને એ જ દુઃખ હતું કે તારા જેવી સમજું અને ગુણીયલ છોકરી લગ્નના આગલા જ  દિવસે ઘર છોડીને ચાલી જાય અને અઠવાડિયા પછી છાપામાં આવે કે તેં કોઇક અજાણ્યા સૂચિત નામના છોકરા સાથે લગ્ન કરી લીધા છે તો કેટલું દુઃખ થાય? તું નહીં સમજી શકે. દુઃખનું ઓસડ દહાડા. મમ્મી પપ્પા દુઃખ ભુલતાં ગયા. દુઃખ ભુલ્યા વગર છુટકાે  પણ ન હતો. તારા તાે કંઈ સમાચાર જ ન હતા. એમની પણ ઉંમર થવા આવેલી છે. સાજામાંદા  રહે છે અવારનવાર. હું ત્યાં જતી હતી. એમને આપણા બે સિવાય બીજું છે પણ કોણ?”

ઊમાએ ઊષ્મા  સામે જોયું .એની આંખોમાંથી આંસુ ટપકતાં હતા. બોલી “દીદી, મેં તો માનેલું કે મમ્મી પપ્પા મને સમજી શકશે પણ…હવે જવા દો એ વાત. હું ભાગી ગઈ ન હતી, પરંતુ લગ્નના ત્રણ દિવસ પહેલાં જ હું ધૈવત ને મળવા ગઈ હતી. તેને કહ્યું, “તારા મા-બાપ ને તમે બે બહેનો  સિવાય છે પણ કોણ? ઉષ્મા! લગ્ન બાદ હનીમૂન કરવા આપણે અમેરિકા જઈશું. બે ટિકિટની વ્યવસ્થા કરી લીધી છે. પણ એ પૈસા તારા પપ્પા પાસે ફેરા ફરતી વખતે માંગીશ. દીદી! મેં ત્યારે જ  નિશ્ચય કરી લીધો કે જે છોકરો લગ્ન વખતે સસરા પાસે પહેલાં જ  ફેરામાં અમેરિકા ની ટિકિટના પૈસા માંગે તે બાકીના ફેરામાં તાે શું નૂ શું માંગે? તે ઉપરાંત પૈઠણમાં ખૂબ મોટી રકમ આપવાનું નક્કી થયું હતું. સોનું, ટીવી, ફ્રીઝ બધું ખરીદેલું. સ્કુટર પણ આપવાનું હતું. ત્યારબાદ પપ્પા પાસે મૂડી ખાસ રહેતી ન હતી. તેમાંય ધૈવત  વધારે માગણી કરે, પપ્પા મારા સુખ અને એમની ઈજ્જત ખાતર જરૂર તેની માગ પૂરી કરત-  દેવું કરીને પણ. તો પાછલી જિંદગીમાં એમનું શું થાત? હું માત્ર આ કારણે જ ધૈવત  સાથે લગ્ન કરવાની ના પાડું  તાે પપ્પાને એમની ગરીબી અને પુત્ર નહીં હોવાનું દુઃખ થાત. અને હું ચાલી ના ગઈ હોત તો બળજબરીથી પણ  ધૈવત સાથે મારા  લગ્ન કરાવત. એક આખો દિવસ મેં ખૂબ વિચાર્યું અને નિર્ણય કર્યો કે ઘર છોડીને જતા રહેવું. પણ મુંબઈમાં તો તમે મને ખાેળી જ કાઢેા. તેથી મેં મારી એક બહેનપણી જે હોસ્ટેલમાં રહેતી હતી અને ઈન્દોર ની હતી, તેને વાત કરી કે થોડા દિવસ મને તારે ત્યાં ઈંદાેર લઈ જા. અમે ઇંદાેર આવ્યા. તેના ઘરનાને મારી વાતની ખબર પડી. દરેકે મારા પ્રત્યે હમદર્દી બતાવી. પરંતુ મારી બહેનપણીના કાકાનો દીકરો સૂચિત મારી પાસે આવીને બોલ્યો, ” હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, મારે તમારા જેવી જ પત્ની ની જરૂર છે તમારી ઈચ્છા હોય તો ….”અને મેં પણ એ પ્રસ્તાવ સ્વીકારી લીધો .બસ પછી હું અહીં જ છું. મુંબઈ આવી જ નથી.”

ઉષ્મા થોડીવાર અટકી. ઉમા આશ્ચર્યથી તેના તરફ જોતી રહી .પછી કંઇક યાદ આવી ગયુ હોય તેમ બોલી, “ધૈવતના ત્યારબાદ એક મહિને લગ્ન થયેલા. તેણે તેની પત્નીને કાઢી મૂકી હતી. અને અત્યારે બીજી કોઈ શ્રીમંત યુવતિ સાથે લગ્ન કર્યા છે. ઉષ્મા !તેં ખરેખર સારું પગલું ભર્યું! પરંતુ આ રીતે લગ્ન કરી ને તું સુખી તો છે ને ? દીદી !સાચું કહું તાે મેં માત્ર સુખ, સુખ અને સુખ જ જાેયું છે. પ્રેમાળ પતિ છે. માબાપના પ્રેમ ની ઉણપ ન સાલે એવા સાસુ-સસરા છે અને એક બાબો છે. એ અત્યારે સ્કૂલે ગયો છે. તારો સંસાર કેવો ચાલે છે દીદી?”

“મારા પતિ મુંબઈમાં નોકરી કરતા હતા. પરંતુ હાલમાં એમને નોકરી બદલી. એ ફાેરેસ્ટ ઓફિસર છે.  બે બેબી છે. બંને મજામાં છે.” ઉષ્મા હજી કંઈ પૂછવા જતી હતી ત્યાં જ ડોરબેલ રણકી ઊઠી. તેના સાસુ પાછા આવી ગયા હતા. બોલ્યા ,”ઉષ્મા! મારૃં કામ જલ્દી પતી ગયું. તારી વાર્તા લખાઈ ગઈ? તેં ચા પીધી કે નહીં ?અે હજી આગળ કંઈક બોલવા જતાં હતાં ત્યાં જ એમની નજર એક અજાણી સ્ત્રી પર પડી ને અટકી ગયાં.

ઉષ્મા બોલી, “મમ્મી! મારી મોટી બહેન છે. એની બદલી નજીકમાં જ થઇ છે. મને મળવા આવી છે.”

“ચા નાસ્તો કર્યો કે નહીં? ઉષ્માને હવે  જ ખ્યાલ આવ્યો કે વાતોમાં  એ વિવેક કરવાનું પણ ભૂલી ગઈ હતી. ઊમાએ નમસ્કાર કર્યા અને ઉષ્માનાં સાસુએ આશીર્વાદ આપતાં કહ્યું, ” બેટી! સદા સુખી રહે. હવે તો તું અહીંયા આવી એટલે મારી ઉષ્મા પણ ખુશ રહેશે.”

ઉમા આ સાંભળીને  સ્તબ્ધ બની ગઈ. એ વિચારી રહી હતી કે દહેજ વગર ઉષ્મા એ લગ્ન કર્યા છે એટલે તેને સાસરે દુઃખ હશે. એના બદલે ઉષ્માને કેટલો બધો પ્રેમ મળે છે !એના સાસુ પણ ઉષ્મા માટે ‘ મારી ઉષ્મા’ શબ્દ વાપરે છે. ઉમા વધુ વિચારે તે પહેલાં જ એને સાસુ બોલી ઊઠયાં ,”તારા મમ્મી પપ્પાની તબિયત સારી છે? તેઓ મજામાં છે? તું એકલી કેમ આવી છે ?”

ઉમા ફરીથી ચમકી. એને હતું કે ઉષ્માએ મા-બાપની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે એટલે એના સાસરે કોઈ મમ્મી-પપ્પા વિષે પૂછે છે જ નહીં. પણ વસ્તુસ્થિતિ બિલકુલ ઉલટી હતી.  ઉષ્માના સાસુ બીજા રુમ માં ગયા કે ઉમા બોલી ઊઠી ,”ઊષ્મા તું તો ખરેખર નસીબદાર છે. તારા સાસરે બધા તને ખૂબ પ્રેમ કરે છે, નહીં?”

“સાચું કહું દીદી!   મારા સાસુ તો હંમેશા કહે છે કે મારી  ઊષ્મા ને કંઈ પણ દુઃખ પડે તેા તે ક્યાં જાય? બિચારી માટે પિયર નો દરવાજો બંધ છે. જે ગણો એ એના માટે અમે  જ છીએ. અને અમારી ફરજ છે કે તેને ક્યારેય મા-બાપની ખોટ સાલવા ના દેવી.”

ઉષ્મા આગળ કંઈક બોલવા  જતી હતી, ત્યાં તેના સાસુ રૂમમાં પ્રવેશતા બોલ્યા, “હવે તમે બંને નાસ્તો કરી લો.” અને ઉમા સામે જોઈને બોલ્યા, “ઉષ્મા,  લખવા બેસે ત્યારે તેને ખાવા-પીવાનું ધ્યાન જ રહેતું  નથી. મારે જ યાદ રાખવું પડે છે. જો હું થર્માેસમા ચા મૂકીને ગઈ હતી, અને એને એ પીવાનું  ય યાદ ન રહયું.” ઊમાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. એ માની પણ શકતી ન હતી કે સાસુ વહુનું આટલું બધું ધ્યાન રાખે. અત્યારે પણ ઉષ્મા તેની સાથે વાતો કરી રહી હતી અને ચા નાસ્તો તેના સાસુ જ  લાવેલા…તે પણ કેટલા પ્રેમથી !

ત્યાં જ ડોરબેલ રણકી અને ઉષ્માનો પતિ અને તેનો પુત્ર દાખલ થયા. ઉષ્માએ ઘડિયાળમાં જોયું પતિ તથા પુત્રને જોડે વહેલા આવેલા જોઈ આશ્ચર્ય પામતા કોઈ કંઈ પૂછે તે પહેલાં જ તેના સાસુ હસતાં હસતાં બોલ્યા ઘડિયાળમાં જોવાની જરૂર નથી. મેં  જ સૂચિત ને ફોન કરીને બોલાવ્યો અને કહ્યું કે અદ્વૈતને એ સ્કૂલેથી સાથે લેતો આવજે. એ પણ એના માસી ને મળે ને? થોડીવાર વારમાં એના પપ્પા પણ આવી જશે “.ઉષ્માને થયું કે તેના મનની વાત જાણે  એના સાસુએ સાંભળી લીધી હતી.

ઊમાએ તાે આટલા બધા પ્રેમાળ વાતાવરણની કલ્પના પણ કરી ન હતી.એ તો હજુ પણ માની શકતી ન હતી કે સાસરીમાં વહુ ને માટે આટલો બધો પ્રેમ- ઇજ્જત હોઈ શકે. ઊમાને તાે બીક હતી કે ઉષ્મા કદાચ સુખી નહિ હોય. કોણ જાણે એના સાસરે  બધાનાે સ્વભાવ પણ કેવાે હશે? પરંતુ અહીં તો બધા એની સાથે એવી રીતે વાતો કરતા હતા જાણે કે વર્ષો નો પરિચય હોય. વાતોમાં પણ પ્રેમની સરવાણી વહેતી હતી. જૂની વાતોનો ક્યાંય ઉલ્લેખ સરખો ન હતો .

ઊષ્માના સસરા પણ હવે આવી ગયા હતા .ઉષ્માના સાસુ-સસરા તો એની સાથે એવી રીતે વર્તતા હતા જાણે કે એમની પુત્રી ! અને ઉમાને  અધિકારપૂર્વક ઠપકાે પણ એકલા આવવા બદલ આપ્યો. ઊમા  બચાવ કરતાં થોડાક ઉદાસ સ્વરે બોલી, “મારી બે બેબીઓને અહીં ગામડામાં ગમતું નથી. ઘરની બહાર જ નથી નીકળતી. મુંબઈમાં અંગ્રેજી માધ્યમમાં ભણતી હતી. ગામડામાં અંગ્રેજી માધ્યમની સ્કૂલ નથી એટલે સ્કુલે પણ છોકરીઓ જતી નથી. ઘેર હું અને એના પપ્પા છોકરીઓને ભણાવીએ છીએ.”

વાતમાં ને વાતમાં સાંજ થવા આવી. ઊમા જવા તૈયાર થઈ ગઈ ત્યારે બધાએ ખૂબ આગ્રહ પૂર્વક રોકાવાનું કહ્યું,પરંતુ ઊમાએ “ઘેર બંને પુત્રીઓ અને પતિ રાહ જોતા હશે” કહી  વાત ટાળી અને જ્યારે ઊમા  જવા તૈયાર થઈ ત્યારે  ઊષ્માના સાસુ સાડી આપતા બોલ્યા, “બેટી! સહેજ પણ આના-કાની ના કરીશ. નહીં તો અમારું દિલ  દુઃખાશે. તું પણ અમારી ઉષમા જેવી જ દીકરી છું.” વિદાય વખતે ઊમાનુ દિલ લાગણીથી ભરાઈ આવ્યું. ઊમા ઘેર પહોંચી ત્યારે ખૂબ ખુશ હતી.

બહેનનાે સુખી સંસાર તેની સામે ખડો થઇ ગયો હતો. કેટલું સંસ્કારી અને પ્રેમાળ કુટુંબ હતું !આખી રાત તે પતિ અને પુત્રીઓ સાથે ઊષમાની તથા તેના ઘરની વાતો કરતી રહી એટલું જ નહીં, તે રાત્રે પત્ર દ્વારા ઉષ્માના સુખી સંસાર નું વર્ણન તેના મમ્મી-પપ્પાને લખી નાખ્યું. બે દિવસ બાદ એક  બપોરે ઉમાના ઘરની ડોરબેલ રણકી ઉઠી. ઉમા એ બારણું ખોલ્યું તો સ્તબ્ધ બની ગઈ. સામે ઉષ્માના સસરા ઉભેલા.  શું બોલવુ   એ ખબર પડતી ન હતી ત્યાં જ સ્નેહાળ  સ્મિત વેરતા ઊષ્માના  સસરા બોલ્યા,”મને ઘરમાં આવવાનુ નહીં કહે?”

ઊમા ક્ષોભ છુપાવતા બોલી, “હું તાે તમને જોઈને એટલી ખુશ થઈ ગઈ કે તમને કયા શબ્દોમાં આવકાર આપવો એ જ ખબરના પડી.”

ઉષ્માના સસરા બોલ્યા ,”બેટી !  હું ખાસ કામે આવ્યો છું. તારા પતિ …” ત્યાં જ એક જુવાન આવ્યો. ઉષ્માએ પતિ નો પરિચય કરાવ્યો અને ઉષ્માના સસરા વાત આગળ ચલાવતા બોલ્યા, “હું ,તમારી બંને પુત્રીઓને લેવા આવ્યો છું. ઈન્દોરમાં મારા મિત્રની ઓળખાણથી બંને જણને અંગ્રેજી માધ્યમની શાળામાં એડ્મિશન મળી ગયું છે અને બંને જણાં મારે ત્યાં જ રહેશે”.

ઉમા અને તેના પતિની ખુશીની સીમા ન હતી. તેમની મૂંઝવણનો અંત સહેજમાં આવી ગયો હતો. પરંતુ હજી આ વાત માન્યામાં આવતી ન હતી. પતિ-પત્નીના મનની મૂંઝવણ તેઓ સમજી ચૂક્યા અને હસતાં  હસતાંબોલ્યા, “અમારા અધ્વૈત ને બહેન નથી. એને એક સાથે બે બહેનો મળશે તો બહુ જ ખુશ થઇ જશે .”

દિવસો પસાર થવા લાગ્યા. બંને બહેનોને માસીને ત્યાં ગમવા લાગ્યું. હવે ઉષ્માના માતા-પિતાએ પણ ઉષ્મા સાથે  પત્ર વ્યવહાર ચાલુ કર્યો હતો. એકવાર ઉષ્માનો સાસરીયા ના આગ્રહ ને  વશ થઈને દીકરી ને ત્યાં નહીં રહેવાનો નિયમ નેવે મૂકીને  ઈંદાેર પણ આવી ગયા. દાૈહિત્ર અધ્વેતને રમાડી ગયાં અને પુત્રીનો સુખી સંસાર જોઈ આનંદિત બની ગયા.

પરંતુ બંને પુત્રીઓ દૂર જવાથી ઊમા અને તેના પતિને ઘર ખાલી લાગવા લાગ્યું અને તેઓએ  નિર્ણય કરી લીધો કે આ નોકરી છોડી પાછા મુંબઈ જતા રહેવું અને તેમના નસીબ એ ત્યાં નોકરી પણ મળી ગઈ. એ દરમિયાન વર્ષ પૂરું થવા આવ્યું હતું. બંને પુત્રીઓ પ્રથમ નંબરે પાસ થઈ હતી. હવે તેઓ પાછાં મુંબઈ જઈ રહ્યા હતા. પરંતુ વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયેલી છતાં ઈંદાેર છોડીને મુંબઈ પાછા ફરતાં બંને પુત્રીઓની આંખો  માં આંસુ આવી ગયા. એ જોઈ  ઊમા અને તેનો પતિ ઉષ્માના સાસરિયાંએાને કહ્યા વગર ના રહ્યા કે ,”અહીં કંઈક એવું છે કે આવનાર ને આ જગ્યા છોડીને જવું ગમતું નથી.”

ઉષ્માના  સસરા ગંભીર અવાજે બોલ્યા, “સાચી વાત છે . અહીં માત્ર પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ છે. એક મનુષ્ય બીજા મનુષ્યને સમજવા પ્રયત્ન કરે, તેની મુસીબતોમાં મદદ કરે, હૃદયથી સ્નેહ આપે,  એવા વાતાવરણમાં દુઃખ પ્રવેશી પણ ના શકે. ત્યાંનું વાતાવરણ સ્વર્ગ થી સહેજ પણ ઊતરતું ના હોય.” સહેજ સ્મિત કરતા ઉમેર્યું, “અને સ્વર્ગ છોડીને જવું તો  કોઈને ગમે જ નહીં ને?”

વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 7, 2021 માં Nayna Shah

 

મમ્મી ! તું સાચી…


“તું શું બોલી રહી છે. એ તને ખબર પડે છે? આ તારું ઘર નથી. ચાલ  ઊઠીને હાથ પગ – માેં ધોઇ કાઢ, તારે કોલેજ જવાનું મોડું થશે .”

“મમ્મી! મેં લગ્ન કોર્ટમાં કરી લીધા છે. એની મુદત તો ક્યારનીય પૂરી થઈ ગઈ, પણ હવે તું નાની બનવાની છું અને સમાજ એવું ના સમજે કે હું કુંવારી છું .”અલ્પના એકીશ્ર્વાસે બાેલી ગઈ. અલ્પનાની મમ્મી થોડી ક્ષણો કંઈ જ બોલી ન શકી. બીજી  ક્ષણે આંખાેમાં આંસુ ના પૂર ધસી આવ્યા. ગુસ્સાે પણ કાબૂ બહાર જતો હતો. તેથી બરાડી ઊઠી,”કોણ છે એ  છોકરો? તે અમને વાત પણ ના કરી ? તું તો અમારું એકનું એક સંતાન, અમે તારા ધામધૂમથી લગ્ન કરાવત. તેં આ શું કર્યું? “

“મમ્મી મને વિશ્વાસ હતો કે તું લગ્ન નહીં કરાવે. એથી જ મેં આ પગલું ભર્યું છે. એ લોકો આપણા કરતાં ઊતરતી જ્ઞાતિના છે.”

“અલ્પના મેં ક્યારેય જ્ઞાતિને મહત્વ આપ્યું નથી. મેં સંસ્કારને જ મહત્વ આપ્યુ છે. બાકી શબરીજી કે કેવટ પણ ક્યાં ઉચ્ચ જ્ઞાતિના હતા? છતાં ઉચ્ચ જ્ઞાતિ વાળા માટે પણ એ વંદનીય છે. બોલ એ છોકરો કોણ છે? “

“બાજુની સોસાયટીમાં રહેતો પ્રવીણ કે જે તને નથી ગમતો. તું અનેકવાર મને એનાથી દૂર રહેવાનું કહી ચૂકી છું. મમ્મી! પ્રવીણ અબજપતિ છે. મારે અેને ત્યાં કંઈ જ કામ કરવું નહીં પડે. મારા જતા પહેલાં એ લોકોને ત્યાં મારા નામે કાર પણ આવી ગઈ છે અને ડ્રાઈવર પણ રાખી લીધો છે. હમણાં મને લેવા માટે આવશે.”

“અલ્પના !  તારી ખુશી થી જા પણ ફરી ક્યારે આ ઘરમાં આવીશ નહીં. હવેથી આ ઘરના દરવાજા તારા માટે સદાને માટે બંધ થઈ ગયા છે એવું માની લેજે. તારા પપ્પાને પણ હું વાત કરું છું. પણ આ મારો આખરી નિર્ણય છે.”

જોકે બાજુના રૂમમાં તૈયાર થઈ રહેલા  અલ્પના ના પપ્પા એ બધી જ વાત સાંભળી લીધી હતી તેથી રૂમમાં આવીને બોલ્યા ,”તારી મમ્મી નો ફેંસલો મને મંજુર છે તું આ ઘરમાં ક્યારેય પણ પગ ના મુકીશ મેં તારા માટે… “

અલ્પના વચ્ચેથી વાત કાપતાં બોલી, “તમારા મિત્રનો દીકરો જે બિલકુલ મધ્યમવર્ગનો, માથામાં તેલ ચીપકાવી ફરતો, પૈસા પૈસા માટે મહેનત કરતો, આવક જાવક ના  બે છેડા માંડ ભેગા કરતો એ મને બિલકુલ પસંદ નથી.”

“વિદર્ભ ભલે અબજપતિ નથી પણ બાપના પૈસે પ્રવીણ જેવી તાગડધિન્ના કરતો નથી. મહેનત કરીને સાથે સાથે ભણે છે, જ્યારે બાજુની સોસાયટીમાં રહેતો અબજોપતિ નબીરા નાે બાપ લાંચ  લેતા પકડાયો હતો અને જેલમાં પણ ગયો છે. મહેનત વગર નો પૈસો સુખ નથી આપતો.પ્રવિણ ના મોટાભાઇનો વિવાહ  તૂટ્યો. ત્યારબાદ લગ્ન કર્યા અને છૂટાછેડા લીધા. એની બેન સાસરેથી પાછી આવી છે. પહેલીવાર ના લગ્ન બાદ  એણે પણ છુટાછેડા લીધા અને બીજી વખત લગ્ન કર્યા બાદ છુટાછેડાનો કેસ ચાલે છે. પૈસો તમને સુખ આપશે એવું માની લેવાની જરૂર નથી અને મહેનત વગર નો પૈસો તમને ક્યારેય સુખ નહીં આપી શકે .હજી પણ મોડું થયું નથી તું સમજ… “

ત્યાં જ કારનું હોર્ન વાગ્યું. પ્રવીણ તથા ડ્રાઇવર આવી ગયા હતા. અલ્પના દોડતી બહાર આવી ગઈ, પપ્પા તરફ નજર કરતા બોલી ,”હું પહેરેલ કપડે તમારું ઘર છોડીને જવું છું મને ખાતરી છે કે તમે આશિર્વાદ નહી આપો. હું હવે પછી ક્યારેય આ ઘરમાં તમારી ઈચ્છા નથી તો, નહીં આવું ” કહેતા કારનો દરવાજો ખોલી પ્રવિણ સાથે જતી રહી.

અલ્પના ના મા-બાપ ક્યાં સુધી આંસુ સારતા રહ્યા. આજે અેમને  પહેલીવાર મધ્યમ વર્ગના હોવાનું દુઃખ થયું. મધ્યમ વર્ગના હોવું એ ગુનો નથી, પણ પોતાની જ દીકરી પૈસાની ચમક દમક માં આટલી હદ સુધી પ્રભાવિત થઇ જશે અને નાનપણથી આપેલા સંસ્કાર ભૂલી જશે એવું વિચાર્યું પણ ન હતું. અલ્પનાના પપ્પા મન મુકીને ના રડી શક્યા. ના મનની વાત પણ કોઈ ને કરી શક્યા!  મનમાં મુંઝાતા જ  રહ્યા અને ચાર પાંચ મહિનામાં જ એટેક આવતા સુતા બાદ ઉઠી ના શકયા. અલ્પના ને બાબો આવ્યો ત્યારે તેની ઘણી ઈચ્છા હતી કે એકવાર જઈ  મા બાપ ની માફી માંગી લે.

અલ્પનાને પણ લગ્ન બાદ લાગ્યું કે બંને ઘરના વાતાવરણ અને સંસ્કાર માં ઘણો જ  ફેર છે. લગ્નના બીજા જ દિવસે એ ઉઠી ને બોલી ,”કરાગ્રે વસતે…”ત્યાં જ પ્રવીણ બોલી ઊઠ્યો “હજી તો   સવારના છ વાગ્યા છે. અમારા માટે અડધી રાત કહેવાય.”

પણ અલ્પના ભક્તિભાવથી બોલી રહી હતી અને પલંગ નીચે પગ મુકતા બોલી, “સમુદ્રે વસતે ..”

હવે પ્રવીણ બરાબર ગુસ્સે થતાં બોલ્યો “તારા  રાગડા બંધ કર અને મને સુવા દે, તું પણ સૂઈ જા. આ ઘરમાં કોઈપણ સવારે નવ વાગ્યા પહેલાં ઉઠતું નથી.”

અલ્પના ક્યાંય સુધી પડખાં ફેરવતી રહી. અને જ્યારે નવ વાગે પ્રવીણે સુતા સુતા બુમ મારી” , અરે, સેવકરામ તું ક્યાં મરી ગયો? હજી સુધી ચા નથી મૂકી ?”

અલ્પના જાણતી હતી કે સેવક રામ  ઘણી મોટી ઉંમરના છે, એને પણ તુંકાર થી બોલવવાના? એ તો ઠીક સવાર પણ આવા અપશબ્દોથી શરૂ કરવાની? ભગવાનનું નામ પણ નહીં લેવાનું? નાના-મોટાં ને માન  પણ નહીં આપવાનું? આવા અપશબ્દો તેમના ઘરમાં ક્યારેય બોલાતા નહિ.

અરે એકવાર વાસણ કરવા આવતી છોકરીને એણે કહેલું “એ..ઈ, કામ બરાબર કર, પૈસા આપીએ છીએ. બસ તમારે હરામ નું ખાવું છે ..”અને મમ્મી એ સાંભળી ગઈ અને ગુસ્સે થઈને બોલી, “અલ્પના !  એ છોકરી ની માફી માગ. એનું નામ એ…ઈ નથી એનું નામ જાનકી દીદી છે. કયારેક માણસ થાકી પણ ગયું હોય તો એને શાંતિથી કહેવું જોઈએ. એ પણ મજૂરી કરીને પૈસા કમાય છે. ‌એની માફી માગ. પોતે માફી ના માગી તો એ દિવસે મમ્મી ઉપવાસ કર્યો હતો. જો કે બીજે દિવસે એને જાનકીદીદી ની માફી માંગી હતી. મમ્મીએ ત્યારે પણ કહ્યું હતું “આ છોકરી મહેનત કરી પોતાનું તથા ઘરનું પૂરું કરે છે. એવી વ્યક્તિ સામાન્ય ના હોય. અને બીજી વાત તમારા બાેલવા પરથી તમારા સંસ્કાર છતાં થાય છે. તમારે માન મેળવવું હોય તો બીજાને માન આપતા, પ્રેમ આપતા શીખો.”

‌એનો બાબાે રાત્રે રડતો ત્યારે પ્રવીણ ખૂબ ખૂબ ગુસ્સે થઇ જતો. વારંવાર કહેતો, “બાબો મારી મમ્મી રાખશે. આપણા તો હરવા ફરવા ના દિવસો છે. આ ઝંઝટ ના જોઈએ.” પ્રવીણ નોકરી ધંધો નહિ કરતો હોવાથી આખો દિવસ નવરો જ રહેતો. પોતે સામાન્ય દેખાવ વાળાે  અને અપ્સરાને પણ શરમાવે એવી રુપના ના ખજાના જેવી અલ્પના અેને ખુબ પસંદ હતી અને એમાંય  બાળકના જન્મ બાદ તેનું રૂપ વધારે ખીલી ઊઠ્યું હતું.

શરૂઆતના દિવસોમાં તો અલ્પના ને પ્રવિણ એની પાસે રહે  એ ખૂબ ગમતું પણ વખત જતાં એને લાગવા માંડ્યું કે પોતે પૈસા ને મોહી પડી હતી. બધી બહેનપણીઓ જ્યારે પોતાનાે પતિ નોકરી થી પાછો આવે એની રાહ  જોતી બેઠી હોય,  રસોઈ તૈયાર રાખી હોય. જ્યારે પોતાનો પતિ તો ચોવીસ કલાક ઘરમાં જ હોય. એની એક બહેનપણીએ કહ્યું પણ ખરું ,”અલ્પના !તારા સસરા ની આવક સારી છે એમાં બે મત નથી પણ તારા સસરા નિવૃત્ત થશે પછી શું? અને સાંભળ , બેઠા બેઠા  ખાવાથી તો કુબેરનાે ભંડાર પણ ખાલી થઈ જાય છે અને તારા સસરા ની મિલકત માં તારા જેઠ તથા નણંદ નો પણ ભાગ તો ખરાેજ  ને.”?

‌અને ત્યારબાદ અલ્પનાએ એકવાર પ્રવીણને કહ્યું પણ ખરું કે, “તમે ક્યાંક નોકરી ધંધો કરો.આખો દિવસ ઘરમાં શું બેસી રહેવાનું?”

ત્યારે પ્રવીણે એ અલ્પના પર ગુસ્સે થઈ હાથ ઉપાડ્યો હતો “તુ ભૂખી  મરે છે? નોકરી એટલે ગુલામી. હું નોકરી નથી કરવાનાે. આખો દિવસ ધંધામાં રચ્યાપચ્યા રહેવાનું મને પસંદ નથી. પણ સાચી વાત તો એ છે  કે તું મારાથી કંટાળી ગઈ છું. તને કોઈ બીજો સગલાે પસંદ પડ્યો છે? તારા મનની વાત કર, નહીં તો તને મારી મારીને તારા હાડકાં ભાંગી નાખીશ.” અલ્પના ડઘાઈ ગઈ હતી. આવા પ્રતિભાવની તાે એને આશા જ ન હતી.

‌મમ્મી ઘણી યાદ આવતી હતી. હવે પપ્પા પણ હયાત ન  હતા. એના મનમાં ઊંડે ઊંડે આશા હતી કે આખરે મા છે તો મને બોલાવશે જ ને? પણ મમ્મી તરફથી કોઈ સંદેશો મળતો ન હતો. કાકા, મામા ,માસી ફાેઈ દરેક જણ મારફતે એને તપાસ કરી હતી કે એની મમ્મી એને યાદ કરે છે કે નહીં? પણ દરેક જણે કહ્યું કે “તારી મમ્મીની જિંદગી ભક્તિમય બની ગઈ છે. મંદિરમાં પૂજા-પાઠ કરે છે. ઘેર આવીને થાેડી રસોઈ બનાવી ભગવાનનું નામ લે છે.”

ક્યાંય કોઈ  એ એવું તો ના જ કહ્યું કે તારી મમ્મી તને યાદ કરે છે. દિવસે દિવસે પ્રવીણે અલ્પના પર હાથ ઉપાડવાનું વધારી દીધું હતું. અલ્પના ફરી વાર એક દીકરીની મા બની ગઈ હતી. હવે પ્રવીણને તેનામાં રસ ઓછો થતો જતો હતો. એકાદવાર અલ્પનાએ રડતાં રડતાં મમ્મીને ફરિયાદ પણ કરી હતી, ” મમ્મી! હું દુઃખી છું મારે પાછું આવવું છે.”

ત્યારે જો કે એની મમ્મીને ઘણું દુઃખ થયું હતું છતાં પણ કહ્યું હતું, “અલ્પના તુ  તો સંસ્કારી ઘરની છું. એ લોકો એમના સંસ્કાર છોડી નથી શકતા, તો શું કામ તારા સંસ્કાર છોડી દે છે? એક સંતના શબ્દોથી વાલિયો લૂંટારો વાલ્મીકિ ઋષિ બની શકતો હોય તો શું તારા શબ્દાે બૂઠ્ઠા છે? તારા શબ્દો માં તાકાત નથી ?અને મારી વાત સાંભળી લે કે સ્ત્રી એ સહનશક્તિની સાક્ષાત મૂર્તિ છે. છુટાછેડા એટલા માટે થાય છે કે નારી ની સહન શક્તિ ઘટી ગઇ છે અને મા-બાપનો સહારો મળી રહે છે. તુ  મારી દીકરી છું. હું તને ક્યારેય મારી સાથે રાખીશ નહિ. જિંદગીનાે પડકાર ઝીલે  લે, પ્રેમથી તારા પતિને  સમજાવ. બાગનાે એક   છોડ કાઢી બીજી જગ્યાએ વાવીએએ તો એને ત્યાં પાંગરતા સમય લાગે છે .પણ એ ભવિષ્યમાં વટવૃક્ષ બને છે અને હા, હવે થી મને ફોન ના કરીશ.”

‌અલ્પના ને લાગ્યું કે મમ્મીના શબ્દો માં દ્રઢતા અને આત્મવિશ્વાસ છે. મમ્મી એને ઘેર આવવાની ના કહી પણ મમ્મીના દરેકે દરેક શબ્દમાં દ્રઢતા હતી. અલ્પનાએ જોયું કે પ્રવીણને જૂદી જૂદી ડિઝાઈન ના કપડાં પહેરવાનો ખૂબ શોખ છે. એ પોતાના દિકરા અને દીકરી ને પણ આધુનિક ડિઝાઈન ના કપડાં  પહેરાવે છે. તેથી જ અલ્પના એક દિવસ કહ્યું , “આપણે પણ દરજી બેસાડીને જુદી જુદી જાતના કપડાં સીવડાવીએ તાે? અને ઓળખીતાઆેને ભેટ આપી શકીએ.”

પ્રવીણને  બધાંને આપીને મોટાઈ બતાવવાનો પહેલેથી શોખ હતો. પ્રવીણને  અલ્પનાની  એ વાત  ગમી ગઈ. ધીરે ધીરે અલ્પના એ એનાં વખાણ કરવા માંડયાં અને એને પ્રોત્સાહન આપી કપડાંની દુકાન ચાલુ કરાવી. અલ્પના નું કહેવું હતું હતું, “મારે પણ તમારી સાથે જ  દિવસ વીતાવવાે છે. આપણા દીકરા-દીકરીને મમ્મી રાખે છે ને?”

દિવસે દિવસે અલ્પનાની મહેનત રંગ લાવવા માંડી. પ્રવીણને ધંધામાં રસ પણ પડવા માંડ્યો હતાે. એક દિવસ અલ્પના મંદિર ગઈ  ત્યાં તેની મમ્મી બેઠી હતી, અલ્પના પગે લાગતા બોલી, ” મમ્મી!  તું જ  મારી ભગવાન છે. તારી હિંમતથી આજે હું સુખી છું. મમ્મી! મને ઘરમાં ના બોલાવે તો કંઈ નહીં, તારા દિલના દ્વાર મારા માટે હંમેશા ખુલ્લા રાખજે. મમ્મી! તું સાચી હતી… “

વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮

 
Leave a comment

Posted by on નવેમ્બર 5, 2020 માં Nayna Shah

 

મધ્યબિંદુ


શારદાનું આગમન મોટાભાઈને હંમેશ માટે ગમતું. જો કે મોટાભાઈના વિશાળ કુટુંબમાં ક્યારે કેટલા મહેમાનો આવે છે કે જાય છે , એની ક્યારેય કશીય ગણતરી હોતી નથી અને આવનાર દરેક વ્યક્તિનેય એવું લાગતું કે આ ઘરમાં તેા તે વર્ષોથી રહે છે, જ્યારે શારદાનું તાે એ પિયર હતું. શારદા ઘણીવાર કહેતી, ” મોટાભાઈ! તારા ઘરમાં મને જે શાંતિ મળે છે એવી શાંતિ મને મારા ઘરમાં પણ નથી મળતી. ક્યારેક થાય છે કે પૃથ્વી પરનું સ્વર્ગ એટલે જ આ ઘર .આ ઘરને જોયા પછી કોઈ ક્યારેય સ્વર્ગની મનોકામના ના કરે.”

શારદા જ્યારે જ્યારે મોટાભાઈના ઘરમાં પગ મૂકતી એ સાથે જ શાંતિનો શ્વાસ લેતા કહેતી ,” બસ ,મોટાભાઈ ! હવે મને ખૂબ શાંતિ લાગે છે .” પરંતુ આજની વાત જુદી હતી .શારદાએ મોટાભાઈ ની સામે જોયું એ સાથે જ એનાથી ધ્રુસકું મુકાઈ ગયું. મોટાભાઈના દરેક સવાલનો જવાબ માત્ર ધુ્સકામાં જ અપાતો જોઈ આખરે માેટાભાઈએ જ કહ્યું,” શારદા! જમવાનું તૈયાર છે. તું મુસાફરી કરીને આવી છું. થાકી ગઈ હોઈશ. જમીને સુઈ જા. હું પણ થોડું કામ પતાવીને આવુ છું. પછી શાંતિથી વાત કરીશું . જ્યારે તને વાત કરવાની ઈચ્છા થાય ત્યારે કહેજે, વાત કરવી હોય તો કરજે, ના કરવી હોય તો પણ મને વાંધો નથી. હા પણ તું દુઃખી ના થઈશ, તને જેમાં આનંદ આવે એવું કર. શારદા, તું તો જાણે છે કે મારા ઘરમાં આંસુના પ્રવેશ પર પ્રતિબંધ છે અને તારા મોટાભાઈ તરીકે તારી ખુશીથી વધુ હું શું ઈચ્છું ?”

બીજા દિવસે શારદાએ એકાંત મળતાં જ કહ્યું, “માેટાભાઈ ! ખરેખર તમે નસીબદાર છો. તમારે પાંચ દીકરા અને એ પાંચેય દીકરાની પાંચ વહુઓ છતાં બધા કેટલાં સંપીને રહે છે! ક્યારેય કોઈની વચ્ચે મન દુઃખ નથી થતું ….મારે તો માત્ર બે પુત્રો છે અને બે વહુઓ. જ્યારે હું નિ:સ્પૃહાને કંઈક કહું તો એ તરત જ કહેશે કે, તમને તો નિર્મોહી જ વહાલી છે અને નિર્મોહીને કંઈક કહું તો નિર્મોહી તરત જ કહેશે કે તમને તો નિ:સ્પૃહા જ વહાલી લાગે છે ને! એ તો ઠીક, એ બંને જણા પણ અંદરોઅંદર લડે છે અને બંને જુદા રહેવાની વાત કરે છે. મોટાભાઈ ! તકલીફ એ છે કે એ બંને માને છે કે હું એમના કરતાં બીજીને બધુ પ્રેમ કરું છું. એટલે તાે હું બધાને છોડીને તમારી પાસે આવી છું. અરે, ઘણીવાર તો હું કહું છું, તમારા મામાને ત્યાં જુઓ .પાંચ પાંચ વહુઓ પણ સંપીને રહે છે, જ્યારે તમે બે જણ પણ ….”

શારદાની વાત વચ્ચેથી કાપતાં જ માેટાભાઈ બાેલી ઊઠયા, “શારદા! એક કામ કર. તું થોડા દિવસ અહીં રહે. તને બધી વાત સમજાઈ જશે. દર વખતે તું આવીને મહેમાનોના રૂમમાં રહે છે, પણ આ વખતે તું મોટાભાઈ ભાભી જોડે જ એમના રૂમમાં રહે. તને ઘણી બધી વાતો સમજાઈ જશે. જે વાત ક્યારેય કોઈ જાણતું નથી એ બધી વાતો તું જાણે અને સમજે એવું ઈચ્છું છું અને તને જે કંઈ અયોગ્ય લાગે એ મને કહેજે. તું આખો દિવસ પાંચેય જણ ની દિનચર્યા જોયા કર. દરરોજ રાત્રે મને વાત કરજે.”

‌થોડા જ દિવસો બાદ શારદા બોલી, “મોટાભાઈ ! સૌથી મોટી વહુ શુભદા આખો વખત કામ કરે છે, જ્યારે સૌથી નાની વહુ જ્ઞાનદા કશું જ કામ કરતી નથી. યશદા ને વરદા નોકરીએ જતાં પહેલાં તૈયાર થવામાં ખાસ્સો સમય બગાડે છે. તૈયાર થાળીએ જમી લે છે અને મેઘદા તાે ઘરનું ને બહારનું થાેડું થાેડું કામ કર્યા કરે છે. જે કે મેઘદા માેટે ભાગે શુભદા કહે છે એમ જ કરે છે. પણ બધા ય મોટું મન રાખે છે. બાકી એકાદ વહુ કામ કરે અને બાકીની વહુઓ તૈયાર થાળી ખેંચીને જમવા બેસે એવું ના ચાલે.” શારદા એકી શ્વાસે આ બધું બોલી ગઇ.

મોટાભાઈ શારદા સામે જોતા બોલ્યા, ” શારદા! આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ પ્રેમ અને સંપ રાખવાની જવાબદારી વડીલોની છે. મધ્યબિંદુ જોયું કે જ્ઞાનદા ઘરનાં બધાં બાળકોને ભણાવે છે. એટલું જ નહીં, બાળકો એની જોડે એટલા હળીમળી ગયાં છે કે એની પાસે તરત ભણવા બેસી જાય છે. પરિણામસ્વરૂપ, આ ઘરનો દરેક બાળક સ્કૂલમાં પ્રથમ નંબરે પાસ થાય છે. તારા જેવી જ વાત શરૂઆતમાં શુભદાએ મને કહેલી ત્યારે મેં શુભદાને મારી પાસે બેસાડીને કહેલું કે તારા પગલે ઘરમાં શુભ કામની શરૂઆત થઈ છે. તારું નામ શુભદા, તું તાે સાૈથી મોટી છું એટલે દરેક રીતે પ્રેમમાં સૌ પ્રથમની હકદાર તું જ છે. જેમ અમે તને પ્રેમ આપીએ છીએ તેમ તું પણ જ્ઞાનદાને પ્રેમ આપ. ત્યાર બાદ મેં જ્ઞાનદાને પણ બોલાવી. હું જાણતો હતો કે જ્ઞાનદા પુષ્કળ શ્રીમંત કુટુંબમાંથી આવેલી છે. એને ક્યારેય કંઈ જ કામ કર્યું નથી. હા ભણવામાં ખૂબ તેજસ્વી હતી. મને ખબર હતી કે એ કામ કરી શકવાની નથી. તેથી મેં કહ્યું કે જ્ઞાનદા! તું તો સૌથી નાની વહુ છે. મને ખૂબ લાડકી છું અને તારી તેજસ્વી કારકિર્દી થી અંજાઈ ને મેં તારું નામ જ્ઞાનદા રાખયું છે. આ ઘરમાં ઘણાં બધાં બાળકો છે એ બધાંને ભણાવવાની જવાબદારી આજથી તારી; અને એ કામ એણે સહર્ષ સ્વીકારી લીધું. દરેક વહુ ઈચ્છતી હતી કે પોતાનું બાળક પ્રથમ નંબરે પાસ થાય. ટ્યુશનમાં આવવા જવાનો સમય બગડે તે ઉપરાંત એક કલાકમાં બાળક કેટલું શીખી શકે? જ્યારે જ્ઞાનદા તો આખો વખત બાળકો સાથે રમતી અને બાળકો ને રમાડતાં રમાડતાં પણ ભણાવી લેતી. ખરેખર બાળકો સાચવવા એ પણ એક અગત્યનું અને મોટું કામ છે.

‌”શારદા! જ્યારે બીજા નંબરની વહુ મેઘદા આવી ત્યારે શુભદા અને મેઘદા વચ્ચે મનદુઃખ ઘણા થતાં હતાં. પણ બંનેને મેં વારાફરતી પાસે બેસાડીને એકબીજાની ગેરહાજરીમાં સમજાવેલાં. શુભદાને મેં કહેલું કે શુભદા! તું માેટી છું. તારું મન ઘણું જ મોટું છે. અમને તારા પર ઘણો પ્રેમ છે. અમે ઈચ્છીએ કે તું મેઘદા પર પણ એટલો જ પ્રેમ રાખ અને મેઘદાને પણ બોલાવી ને કહ્યું કે મેધદા! તારું નામ મેં મેઘદા કેમ રાખયું છે એ ખબર છે? મેધ હંમેશાં પોતે વરસીને બીજાને આનંદ આપે છે. તું પણ ચારે બાજુ તારો પ્રેમ વરસાવી ને આ ઘરને સ્વર્ગ માં બદલી લે. મને તારા માટે ખૂબ જ માન છે. તું ઇચ્છે છે તો શુભદા પર પર પ્રેમ વરસાવીને એને જીતી લે. તેં તો અમારા બંનેના મન જીતી જ લીધાં છે. હવે એક શુભદાનું મન જીતતાં તને કેટલી વાર લાગશે ?”

મોટાભાઈ, થોડું અટકી શારદા સામે જોતા બોલ્યા, ” શારદા! આ વાતની બંને વહુઓ પર જાદુઈ અસર થઇ. બંને જણા એકબીજાને વધુમાં વધુ પ્રેમ આપવા તત્પર રહેવાં લાગ્યા. યશદા અને વરદા એ મારી ત્રીજા અને ચોથા નંબરની પુત્રવધૂઓ- એ બંને જણાં નોકરી કરતા હતાં. યશદા આ ઘરમાં આવી ત્યારે શરૂઆતમાં યશદાનું નોકરી કરવાનું શુભદા અને મેધનાને ખૂંચતું હતું. પરંતુ યશદા ખૂબ સંસ્કારી કુટુંબમાંથી આવેલી. પહેલો પગાર થતાં જ શુભદા, મેધદા અને અને એની સાસુ માટે સાડીઓ ખરીદી લાવી. બધાંએ લેવાની ના પાડી ત્યારે બોલી કે હું માનું છું કે તમે મારો પ્રેમ ઠુકરાવી દીધો છે અને એની આંખમાં આવેલાં આંસુ જોઈ બધાએ સાડીનાે સ્વીકાર કર્યો. પરંતુ, ત્યારબાદ યશદાની ચકોર આંખો એ વાતનું ધ્યાન રાખતી કોને કઇ વસ્તુની જરૂર છે. ઘરમાં કઈ વસ્તુ જોઈએ છે, ક્યારેક છોકરાઓની ચોપડીઓ, તાે કયારેક કાેઈનું સ્વેટર કે કાેઈના પેન્ટ કે ખમીશનું કાપડ – પગાર થતાં એ બધી વસ્તુઓ ઘરમાં આવી જતી. ત્યારબાદ તો વરદા પણ નોકરી કરતી આવી. પરંતુ વરદા પણ યશદાનું જોઈ એ પ્રમાણે જ વર્તવા માંડી. એટલું જ નહીં , ખરીદી કરતા વઘેલાે પગાર બંને જણા મારા હાથમાં મૂકી દેતાં. દરેક પુત્ર પણ પોતાનો પગાર મારા હાથમાં આપી દે છે .” શારદા! તું નહિ માને કે અત્યારે બધાંય દીકરા અને વહુઓને માટે આ પૈસામાંથી મેં પાંચ બંગલા એક જ લાઈનમાં ખરીદી લીધા છે. છતાંય કોઈ જુદાં રહેવા તૈયાર નથી. દરેકને એવું લાગવા માંડ્યું છે કે અમે એકબીજા વગર અધૂરાં છીએ. અહીં બધા જ એકબીજાની જરૂરિયાતોનો વધુને વધુ ખ્યાલ રાખવા માંડયાં છે અને પછી તો શું કે તમે પ્રેમ આપો તો સામે પ્રેમ મળે જ. અત્યારે કદાચ પાંચમાથી એકાદ જણ પણ જો પિયર જાય છે તાે ઘરમાં બાકીના બધા સભ્યો ઉદાસ બની જાય છે.

‌”શારદા! તું આજે આ ઘરને સ્વર્ગ માને છે પણ ધરને સ્વર્ગ બનાવવા પુષ્કળ મહેનત કરવી પડે છે. દરેકનાં મન સાચવવા પડે છે અને મન જીતવા માટે ક્રોધ નહીં પણ પ્રેમનું હથિયાર ઊગામવુ પડે છે. અત્યારે પાંચેય વહુઓ એવું જ માને છે કે અમને એમના માટે ખૂબ જ પ્રેમ અને માન છે; શારદા ! એક વાત યાદ રાખ, જેમ વર્તુળમાં એક મધ્યબિંદુ હોય ત્યાંથી તમે વર્તુળ સુધી કોઈપણ લીટી દોરો તેનું માપ સરખું જ આવે તેમ કુટુંબમાં વડીલનું સ્થાન એક મધ્યબિંદુ જેવું છે. કુટુંબના કોઈ પણ સભ્ય પ્રત્યે, એકસરખો જ પ્રેમ અને માન રાખવાનાં હોય છે. ભૂલ દરેકની થાય છે પણ એ વ્યક્તિને એકલીને પાસે બેસાડીને પ્રેમથી કહેવાનું હોય છે. બીજી વ્યક્તિના દેખતાં અપમાન કરીને નહીં. શારદા! જો દરેક વડીલ આવું મધ્યબિંદુ બની જાય તો મને નથી લાગતું કે પૃથ્વી પર સ્વર્ગ ના ઉતરે .”

‌બીજા દિવસે સવારે મોટાભાઈએ આંખ ખાેલી ત્યારે રૂમમાં શારદાની પથારી ખાલી હતી. બહાર નીકળીને જોયું તો શારદા બેગ તૈયાર કરી રહી હતી. મોટાભાઈ સામે નજર મળતાં જ બોલી ,” મોટાભાઈ! મને રોકવાનો પ્રયત્ન ના કરતાં. હું જાઉં છું. મારે પણ બનવું છે મધ્યબિંદુ… “

-શ્રીમતી નયના શાહ
Mob No 79844 73128

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 30, 2020 માં Nayna Shah

 

ચપટી આપો , ખોબો ભરો


“તાજગી ભાભી નથી ?”આશ્ર્લેષા અે આવતાંની સાથે જ ફોઈને પ્રશ્ન કર્યો. પ્રશ્ન સાવ સામાન્ય હતો .પરંતુ તાજગી ના સાસુને આ પ્રશ્ન તીર ની જેમ વિંધતો હતો. ઘરમાં પ્રવેશતી દરેક વ્યક્તિ તાજગી  વિશે પૂછતી હતી . જાણે કે આ ઘરમાં વર્ષેા થી રહેતી વ્યક્તિઓ નું કંઈ સ્થાન ના હોય અને માત્ર મહિનાથી પરણીને આવેલી તાજગી આ ઘરની સર્વેસર્વા ના હોય!

“આશ્ર્લેષા બહેન હું તમારા માટે મહેંદી જ પલાળતી હતી. મમ્મી તો ક્યારના  કહેતા હતા કે હું કામ કરીશ, પણ તું આશ્લેષા માટે બધી તૈયારી કર.” અને તાજગી સાસુ સામે નજર કર્યા વગર પોતાની રુમ બાજુ જવા લાગી.

તાજગી જાણતી હતી કે સાસુની આંખમાં થી અત્યારે અંગારા વરસતા હશે. પરંતુ ત્યાં જ આશ્લેષા, “ફાેઈ, તમે કેટલા સારા છો! ભાભી નસીબદાર છે .” કહેતી કહેતી તાજગી ના રૂમ માં ગઈ .

તાજગીની સાસુને આશ્લેષાના શબ્દો  ઘણા જ ગમ્યા. પરંતુ તાજગી આશ્લેષા પ્રત્યે જે પ્રેમ બતાવી રહી હતી એ એના સાસુને પસંદ ન હતું. વર્ષોથી ભાઈ બેન વચ્ચે મિલકત બાબતે મન દુઃખ હતું. તાજગીના સાસુ કોઈપણ ભાેગે પોતાનો અડધો ભાગ છોડવા તૈયાર ન હતા. એ કહેતા, “મારા સાસરે ગમે એટલી મિલકત હોય  એનો અર્થ એ નથી કે પિયર ની મિલકત માં આપણો ભાગ જતાે કરવો .” પરિણામે ભાઈ બહેન વચ્ચે બોલવા વહેવાર હતો જ નહીં.

પરંતુ લગ્ન પહેલા તાજગી એ તૃષાંતને પૂછ્યું હતું “તૃષાંત,  તમારા કુટુંબમાં તમારે  બધા સાથે મનદુઃખ કેમ છે?  શું મન દુઃખ દૂર થઈ શકે એમ નથી? “

“તાજગી , ઈચ્છા તાે મારી પણ  એવી જ છે. પરંતુ મમ્મી અને મામા ને મિલકત બાબતે ઝઘડો છે.” કહેતા ,તૃષાંતનાે  સ્વર રૂંધાઈ  ગયો.

તાજગી હસીને કહ્યું “તો મામા સાથે  ઝઘડો તાે મમ્મી ને  અને એમના ભાઈને મિલકત બાબત છે.  તમારે  તો  મામા સાથે ઝઘડો નથી ને ? આપણે બંને સાથે જઈને  તમારા મામા ને કંકોત્રી આપી આવીશું.  મને વિશ્વાસ છે કે તમારા મામા મારી વાતનો અસ્વીકાર નહીં કરે.”

તૃષાંત થોડી પળેા પૂરતો ભાવિ પત્ની સામે જોઈ રહ્યો. બોલ્યાે “તાજગી, હું વર્ષોથી મામા સાથે બોલવા ઇચ્છતો હતો. મામાને ત્યાં રહેવા જવા ઈચ્છતો હતો.અાશ્લેષા સાથે તોફાન કરવા ઈચ્છતો હતો. પરંતુ  કોણ જાણે મારામાં  એટલી હિંમત ન હતી ,કારણ મને થતું હતું, મામા મને કાઢી મૂકશે તાે? પરંતુ આજે તાે તેં  મારા મનની વાત કરી.  તાજગી!આપણે  જરૂરથી મામાને ત્યાં જઈશું.  મને વિશ્વાસ છે  કે મામા તારી વાત માની જશે. ખરા દિલથી કરેલો આગ્રહ કાેઈ ટાળી  શકે જ  નહીં.”

“તૃષાંત  ! મામા કાઢી મૂકે તો પણ ઘરની બહાર પગ મૂકવાે કે કેમ એ આપણા મનની વાત છે. કદાચ  ગુસ્સામાં કંઇ બોલે તો ,મોટા છે અને  બોલ્યા ,એમ માનવાનું. પરંતુ હું નથી માનતી કે નવી આવનાર વહુ સાથે કોઈ ખરાબ વર્તન કરે.”

તૃષાંત! વાત આગળ ચલાવતા બોલ્યો ,” કાકા વર્ષોથી મુંબઈ રહે છે. કાકા કહે છે છે  કે મારી મમ્મી એમને પ્રેમથી બોલાવતી નથી. અમે ક્યારેક જ  આવીએ છીએ છતાં પણ અમને કોઈ  બોલાવતું નથી.” તૃષાંતે ભાવિ પત્ની આગળ હૈયાવરાળ ઠાલવી.

‌”તૃષાંત ,આપણા લગ્નની કંકોત્રી તો કાકા ને મોકલજે  જ. અને છતાં પણ જો કાકા ના આવે તો આપણે લગ્ન બાદ માથેરાન ફરવા જઈશું  ત્યારે એક દિવસ મુંબઈ કાકાને ત્યાં જઈશું. બસ આટલી નાની વાતનું મન દુઃખ હોય તો હું કાકાનું મન સહેલાઈથી જીતી શકીશ. મને વિશ્વાસ છે કે આપણે ચપટી ભરીને પ્રેમ આપીએ તો બદલામાં ખોબો ભરીને પ્રેમ મેળવી શકીશું.”

ત્યારબાદ તાજગી તથા તૃષાંત ત્યાં ગયા ત્યારે  મામાએ બંનેનું ભાવભર્યું સ્વાગત કર્યું અને વર્ષોનો વિખૂટો પડેલો પુત્ર પોતાને ત્યાં આવ્યો હોય એમ એને ભેટી પડતાં મામા ની આંખો ભીની થઈ ગઈ હતી .આશ્લેષા એ તો દોડીને તૃષાંત નો હાથ પકડી લીધો હતો અને બોલી હતી,  “તૃષાંત છેલ્લા દસ વર્ષથી તારો જમણો હાથ મારી રાખડી વગર સુનો પડી ગયેલો ને શું હું તને યાદ ન હતી આવતી ? આજની જેમ – ૧૦ વર્ષ પહેલાં કેમ ના આવ્યો?” કહેતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.આશ્લેષા એકની એક હતી અને તૃષાંત  પણ. વર્ષોથી બંને સગા ભાઈબેન માફક રહેતા હતા .પરંતુ આજે જાણે વર્ષોથી વિખૂટા પડેલા ભાઈ બેન મળી ગયા હતા.

‌આશ્ર્લેષા નું આગમન તાજગી ના સાસુને  પસંદ નહોતું .પરંતુ  તાજગી જે રીતે હસી હસીને આશ્ર્લેષા સાથે વાત કરતી હતી એ જોઈને આશ્ર્લેષા સાથે ખરાબ વર્તન પણ તે કરી શકતા નહોતા .તાજગી એ જ આશ્ર્લેષા ને કહેલું. ” દીદી, તમારા વિવાહ ના આગલા દિવસે તમે મારે ત્યાં આવજો હું મેંહેદી મૂકી દઇશ. વિવાહ ના દિવસે તમને તૈયાર કરીશ .તાજગી આ ડહાપણ પણ તેના સાસુ ને પસંદ ન હતું.

રાત્રે તૃષાંત ઓફિસેથી આવતાં એના મમ્મી એ  ફરિયાદ ચાલુ કરી હતી “તૃષાંત! તાજગી એની મનમાની કરે છે તારા મામા સાથે આપણે સંબંધ નથી છતાં પણ સંબંધ રાખે છે.”

“મમ્મી તારે અને મામા ને મિલકત નો ઝગડો છે આપણી પાસે પુષ્કળ પૈસા છે મામા તો સામાન્ય કારકુન છે તું એટલો ત્યાગ ના કરી શકે ?આપણી પાસે શું નથી ? મમ્મી,  જીવવા માટે કેટલો પૈસો જોઈએ અને જેટલો જોઈએ એના કરતાં પણ વધુ પૈસા આપણી પાસે છે”.

“‌તૃષાંત—! તું પણ આજકાલ ની આવેલી તાજગી ના વાદે ચઢ્યો?”

“‌આ બધું કોના માટે, તારા માટે જ છે ને? મમ્મી ,તું એવું જ માનતી  હોય તો મારે  એ મિલકત જોઈતી નથી અને તૃષાંત બીજા રૂમમાં ગયો . પાછો ફર્યો ત્યારે એના હાથમાં એક લાંબુ કવર  હતું. મમ્મીના હાથમાં મૂકતા બોલ્યો ,મમ્મી તારે મિલકત જ જોઈએ છે ને ?તો લે મારા લગ્ન નિમિત્તે મામા એ  ઝગડા વાળી  મિલકત મારા નામે કરી મને ભેટ આપી છે.”

‌ઘડીભર  તૃષાંતને એના મમ્મી જોઈ રહ્યા. જાણે કે આ વાત સ્વપ્ન સમી હતી. તૃષાંત  બરાડી ઉઠ્યો ,”મમ્મી હજી તને અવિશ્વાસ આવતો હોય તો આ વાંચી લે .પણ એક વાત યાદ રાખજે કે આ બધી  મિલકત હું આશ્લેષા ને એના લગ્નમાં ભેટ આપી દેવાનો છું.”

ગુસ્સામાં તૃષાંત બીજા રૂમમાં જતો રહ્યો .એની મમ્મીની આંખો માં આંસુ આવી ગયા. જે મિલકત માટે એ વર્ષોથી સગા ભાઈ જોડે સંબંધ તોડી બેઠી હતી એ ભાઈ એ તો પ્રેમથી બધી મિલકત પોતાના પુત્રને નામે કરી દીધી અને પુત્ર પણ કેવો જળકમળવત રહ્યો. તાજગીના સાસુ ને લાગ્યું કે પોતાની જ કંઈક ભૂલ હશે. ભાઈ તો પહેલેથી જ ઉદાર હતો. પણ પોતે એની મમ્મી ના બધા જ દાગીના ઉપરાંત મિલકતમાં અડધો ભાગ માંગેલો. જ્યારે તાજગી તો ઘરમાં આવતાંની સાથે જ મામા જોડે મીઠો સંબંધ બાંધી દીધો હતો.

‌છેલ્લા અઠવાડિયા નું ચિત્ર તાજીગીનાં સાસુ સમક્ષ તરવરવા લાગ્યું. કુટુંબના લગભગ બધા સભ્યો સાથે વર્ષોથી મનદુઃખ ચાલ્યા કરતું હતું. પરંતુ ત્રણેક દિવસ પહેલાં જ તેમના દિયર મુંબઈથી આવ્યા ત્યારે હલવાનું પેકેટ, ભાભી તથા તાજગી માટે સાડી અને તૃષાંત માટે શર્ટ નુ કાપડ લઈને આવેલા. આવતાની સાથે જ તાજગીના સાસુને પગે લાગતા બોલેલા”, ભાભી ,તમે મારી પસંદ નો કેટલો ખ્યાલ રાખો છો! તૃષાંત અને તાજગી સાથે તમે યાદ રાખીને મારા માટે ભાખરવડી અને લીલો ચેવડો મોકલેલો. મને લાગ્યું, વર્ષો પછી પણ ભાભી મને એટલેા જ યાદ કરે છે.  મારી પસંદ નો એટલો જ ખ્યાલ રાખે છે .ભાભી!  હું લગ્નમાં ના આવ્યો તે બદલ દિલગીર છું, પણ તમે વિશાળ હૃદય રાખી તૃષાંત- તાજગીને આશીર્વાદ લેવા મારે ત્યાં મુંબઈ મોકલ્યા. ભાભી! ભૂલ મારી હતી. મારે બધું ભૂલીને લગ્નમાં આવવું જોઈતું હતું. તાજગી કહેતી હતી કે મમ્મી તમને ખૂબ યાદ કરે છે !તમે અમારા લગ્નમાં ના આવ્યા એ બદલ હવે અમે ફરીથી પાછા વડોદરા જઈએ ત્યારે આપણે બધા અઠવાડિયું સાથે રહીશું ભાભી! મારાથી અઠવાડિયું રહેવાય એમ નથી, પણ તમારો આગ્રહ હતો અને મારે ઓફિસનું કામ વડોદરાનું હતું એટલે બે દિવસ રહેવાય એમ આવ્યો છું.”

‌એ બે દિવસ ઘરનું વાતાવરણ ઊલ્લાસમય રહ્યું હતું.

‌તાજગીનાં સાસુએ હકીકતમાં ભાખરવઙી કે લીલો ચેવડો મોકલ્યા જ ન હતા. પરંતુ દિયર ની વાત પરથી સમજી ચૂક્યા હતા કે તાજગીએ દિયર પાસે તેમની ભરપૂર પ્રશંસા કરી હશે. વર્ષોના મનદુઃખ ઘડીકમાં ઓગળી ગયા હતા . લાગતું હતું જાણે કોઈ ઝઘડો જ ન હતો .બે ભાઇઓએ પણ મોડે સુધી વાતો કરી હતી. તૃષાંતની ની વાત સાંભળી એની મમ્મીની આંખમાં આંસુ આવી ગયા હતા. એ આગળ કઈ વિચારે એ પહેલાં જ એને અવાજ સંભળાયો,

“મોટીબેન, આવું? ” તૃષાંતની  મમ્મી ભાઈની સામે જોઈ રહી. તૃષાંતના લગ્નમાં ભાઈએ  હાજરી આપી હતી .પણ પોતે ભાઈ સામે માત્ર ફિક્કું સ્મિત જ કર્યું હતું. જો કે તાજગી અને તૃષાંતના પ્રેમ આગળ ભાઈ એ અપમાન ગળી ગયો હશે. હવે એ વાત તાજીગી ના સાસુને પણ સમજાઈ ચૂકી હતી.” બહેન! હજી પણ તું રીસાયેલી છે ? કાલે આશ્ર્લેષાના ‌વિવાહ છે .જમાઈ ઘેર આવવાના છે. બહેન, તુ ધેર નહીં  આવે?

તાજીગીના સાસુનો કંઠ રૃઘાઈ ગયો. “ભાઈ  કેમ નહીં આવું ? મોટીબેન તો માની જગ્યાએ હોય છે. વાંક મારો જ હતો.” કહેતા એ ધ્રુસકે ધ્રુસકે રડી પડયાં.

તાજગી અને તૃષાંત પણ એમની રૂમમાંથી મામા ને મળવા બહાર આવેલા .તૃષાંત મમ્મી પાસે જઈને બોલ્યો, ” મમ્મી !જો બધાંને  તારા પ્રત્યે કેટલો પ્રેમ છે! મમ્મી! પ્રેમ તો ચપટી જેટલાે આપો તો સામે ખોબો ભરીને મળે. મમ્મી! આ વાત તાજગી પાસેથી શીખવા જેવી છે .”

તૃષાંતનુ  વાક્ય પૂરું થતાં જ બધાના મોં પર સંતોષનું સ્મિત રેલાઈ ગયું હતું.

વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 19, 2020 માં Nayna Shah

 

ખોવાય છે


પવિત્રાએ ઘડિયાળમાં જોયું, રાત્રિના બે વાગી ગયા હતા. પણ એની આંખોમાં ઊંઘ ની જગ્યાએ આંસુ હતા .જો કે પતિ દેવાંશ ઘસઘસાટ ઊંઘતો હતો .એના નસકોરાનો અવાજ સંભળાઈ  રહ્યો હતો. ચાર વર્ષનો સમય આમ જ વીતી ગયો હતો. એને શું વિચાર્યું હતું અને શું થઈ ગયું. દરેક મનુષ્યના જોયેલા સ્વપ્ન સાચા પડતા હશે!પોતે તો કેટલા સ્વપ્નો સેવેલા, એ બધા જ સ્વપ્ન  ચાર વર્ષમાં  બળીને રાખ થઈ ગયા હતા. ઈશ્વરને એ પ્રાર્થના કરતી કે મને આવી જિંદગી થી છુટકારો આપો અથવા દેવાંશ ના સ્વભાવ માં સુધારો કરો ,પરંતુ ભગવાને એની બેમાંથી એક પણ પ્રાર્થના સાંભળી ન હતી.

ગઈકાલે એની સાથે નોકરી કરતી અપર્ણા મળી ગઈ હતી. અપર્ણાએ અને એને જિંદગીના ૨૦ વર્ષ સુધી સાથે જ કામ કર્યું હતું .ઘણીવાર એને થતું કે એને જો કોઈક પૂરે પૂરું સમજી શક્યું હોય તો એની સહેલી  અપર્ણા.પણ એની બે પુત્રીઓ કોયલ કે કોમલ પણ એને સમજી શક્યા ન હતા. પતિ ની તો વાત જ જુદી હતી .એનો સમય આખી દુનિયાને સલાહ સૂચનો આપવામાં જ વ્યતીત થતો હતો .અપર્ણા એ તો પવિત્રા ને જોતાની સાથે જ કહ્યુ,”પવિત્રા તું કંઈ તકલીફ માં છું? તારુ શરીર ઉતરી ગયું છે .મોં પર જાણે કે ઉત્સાહ અને ઉમંગ નો સતત અભાવ લાગી રહ્યો છે .કોઈ મુશ્કેલી હોય તો મને કહે. “

પવિત્રા એઅંદર નો ભાવ છુપાવતા કહેલું “તું કેવી વાત કરે છે !બંને દિકરીઓ એમના સાસરે સુખી છે .ચાર વર્ષ બાદ તું મને મળે છે એટલે તને એવું લાગે છે. હવે તો મારા પતિ પણ નિવૃત્ત છે એ તો મારાથી પણ એક વર્ષ પહેલાં નિવૃત્ત થઈ ગયા છે. હવે તું બોલ મને ક્યાં દુઃખ હોય?હા ,પણ ઉંમર વધે એની અસર શરીર પર તો વર્તાય જ ને? “

પવિત્રા તારે વાત કરવી કે નહીં એ માટે તું સ્વતંત્ર છે .મારા સ્વભાવમાં પણ કોઈની સાથે બળજબરી કરીને વાત કઢાવવાનું નથી હું પણ ઉંમરમાં તારાથી એક મહિનાે જ નાની છું, મેં પણ મારા વાળ તડકામાં મા સફેદ નથી કર્યા. પવિત્રા વિચારતી હતી કે જતાં જતાં અપર્ણા કેટલી  વાસ્તવિક વાત કહી ગઈ. એની પાસે અનુભવ છે એમ મારી પાસે પણ અનુભવ છે .પવિત્રા એ અપર્ણા સામે જોયું ત્યારે જ એ સમજી ગઈ હતી કે અપર્ણા ખૂબ જ ખુશ છે .નિવૃત્તિ પછી વધુ ખુશ લાગતી હતી. એટલું જ નહીં, એનું વજન પણ વધી ગયું હતું ,પણ એ કશું બોલી નહીં. જો કે સમજી ગઈ હતી  ઘણું બધું.

પવિત્રા નિવૃત્ત થવાની હતી ત્યારે અપર્ણા  ને જ બધા પૂછતા હતા કે પવિત્રા ને શું ભેટ આપવી? અપર્ણા તો એની અંતરંગ સહેલી હતી. બોલી “અઠવાડિયા પછી જ  હોળી આવે છે. પવિત્રાની ઈચ્છા અબીલ ગુલાલ ચાંદીની વાટકીમાં ભરી ઠાકોરજીને ખેલ ખેલાવાની છે. એ ચાંદીની વાટકાઓ  ખરીદવા જવાની છે,એના બદલે આપણે જ એને  ભેટ તરીકે ચાંદીની વાટકીઓ આપીએ.”

બધા એ અપર્ણા નું સૂચન વધાવી લીધું હતું. એને ચાંદીની વાટકીઓ નિવૃત્તિને દિવસે આપવામાં આવી ત્યારે એની ખુશીની કોઇ સીમા ન હતી .જ્યારે ઓફિસમાં બધા એ એ પવિત્રા ને બે શબ્દો બોલવા ના કહ્યા ત્યારે પવિત્રા એ કહ્યું કે, “નિવૃત્તિ એટલે મનગમતી પ્રવૃત્તિ કરવાનો સમય. જયાં સમયનું બંધન નથી ,પોતાની બધી જવાબદારીઓ પૂર્ણ થઇ ગઇ હોય અને પોતાની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકો. અરે, હું તો એટલે સુધી કહીશ કે નિવૃત્તિ બાદ બધી ઘડિયાળો ને પણ નિવૃત્તિ આપી દેવી જોઈએ.”

પવિત્રા અત્યંત ખુશ હતી .ઘરે આવેલી ત્યારે પતિએ ઉત્સાહ પ્રદર્શિત કરતાં કહ્યું કરતાં કહ્યું ,”સારું હવે આપણે આપણી રીતે જીવીશું. સૌપ્રથમ તો આવતીકાલે આપણે બોડી ચેક-અપ કરાવે જઈશું .હવે આપણે તબિયત સાચવવાની ઘણી જરૂર છે. તું જલ્દી રસોઈ બનાવી દેજે રાત્રે નવ વાગ્યા પછી આપણે પાણી પણ પીવાનું નથી”.

પવિત્રા ના ઊત્સાહ પર પાણી ફરી વળ્યું. એને તો હતું કે પતિ કહેશે કે નોકરીનો વર્ષોનાે અથાક ઉતાર .આજે આપણે બહાર જમવા જઈશું. એટલું જ નહીં એના પતિએ તો એટલે સુધી કહ્યું કે, “હવે આપણી ઉંમર થઈ ગઈ છે બને તો સાંજે હવે હલકો ખોરાક ખીચડી, મોરયો  એવું જ કંઈક કરવું. એને હતું કે આખી જિંદગી એને પૈસા પાછળ દોટ મુકી છે હવે તો એ પૈસા ભોગવવાનો સમય આવ્યો છે. કોઈ પુસ્તકાલયમાં સભ્ય બની પુસ્તકો વાંચવા હતા. જાત જાતની વાનગીઓ ઘરે બનાવી હતી.

પરંતુ બીજા દિવસે બોડી ચેકઅપ માટે ગયા ત્યારે પણ પતિએ કહેલું કે જમીને પછી બીજા ટેસ્ટ કરાવવાના છે એટલે સાથે થેપલાં અને અથાણું લઈ લેજે. ત્યાંની કેન્ટીનમાં બેસીને ખાઈ લઈશું અને એક થરમોસ માં ચા  પણ લઇ લેજે. ચા ને થેપલા ખાવાની મજા આવશે. એક વાત નક્કી હતી કે ત્યાં કેન્ટીન હતી અને ત્યાં ચા તો મળતી જ હોય તો શું ક્યારેક બહાર   ચા નાસ્તા ના થાય ? વિરોધ કરવાનું તો પવિત્રાના સ્વભાવમાં હતું જ નહીં.અત્યાર સુધી બંને છોકરીઓ ના ટ્યુશન રાખ્યા ન હતા કે ન તો સ્કૂલ બસ કે સ્કૂલ રિક્ષા બંધાવી હતી .પોતે જ બંને દીકરીઓ ને ભણાવતી અને પોતે જ સ્કૂટર ઉપર દીકરીઓને સ્કૂલે મૂકી આવતી હતી.

ક્યારેક કામવાળી ના આવે તો જાતે કામ કરવું પડતું .રવિવારની એક રજામાં તો ઢગલો કામ રહેતું .ઘર ની થોડી સાફસુફી,તે ઉપરાંત ઘરની ખરીદી ,ક્યારેક થોડું ફાટેલું તૂટેલું કે સિલાઈ માંથી નીકળી ગયેલા કપડાંને જાતે મશીન મારવા બેસતી. દીકરીઓની ધરખમ  ફી ભરવાની હોય અને એમાંય  મોટી દિકરીને પેમેન્ટ સીટ  પર એડમિશન મળેલું.ખર્ચમાં સતત વધારો થતો જતો હતો. છતાંય એ કસરથી જીવતી હતી. પૈસો હોવા છતાંય શેર રિક્ષામાં ઓફિસ જતી હતી. ક્યારે સવાર પડતી ને ક્યારે સાંજ પડતી એ જ પવિત્રાને ખબર પડતી ન હતી. હવે આવી મશીન જેવી જિંદગી થી એને કંટાળો આવતો હતો .બંને દીકરીઓ મોટી થઈ ગયા પછી એના લગ્નની જવાબદારીઓ, ત્યારબાદ બંને દીકરીઓની વારાફરતી ડિલિવરી ,નિવૃત્ત થઈ ત્યાં સુધી બધું પતી ગયું હતું .હવે તો એને વિચારેલું કે હું શાંતિથી ઠાકોરજીની પૂજા કરીશ. બંટા ગોળી જ  આટલા વર્ષો ભગવાનને ધરાઈ છે હવે હોળી પર સફેદ વાઘા પહેરાવી હોળીના ભગવાનને ખેલ  ખેલાવીશ. શિયાળામાં તો સૌભાગ્ય સુંઠ.,કેસરની સામગ્રી બધું કરીશ .ઉનાળામાં ગુલકંદ, પનો ,ગુલાબ ,વરિયાળી વગેરેના શરબતો ધરાવીશ. ચોમાસામાં તો જેઠ સુદ પૂનમથી 17 17 દિવસ સુધી મગ ના વૈઈડા ,જાંબુ વગેરે ધરાવીશ .એ ઉપરાંત ઉત્સવ પર માનભોગ, મઠડી ,બુંદી ,મગસ,ઘુધરા વગેરે કરીશ .ગુસાંઇજી નાે ઉત્સવ  માગશર વદ નોમ આવશે ત્યારે જલેબી બનાવીશ. ઉત્સવ પર ભગવાનને કેસરી વાઘા પહેરાવીશ. દિવાળી ની તો વાત જ જુદી .એ દિવસે ભગવાનને જરીના વાઘા પહેરાવીશ.હવે તો હું અન્નકુટ પણ કરીશ.

ખરેખર સંસારની જવાબદારી સાથે આર્થિક ઉપાર્જન કરવાનું બધું કરી શકી એ. મારા ઠાકોરજીની કૃપા હતી .હવે હું મોટાભાગનો સમય પૂજાપાઠમાં વીતાવીશ. મંદિર જઈશ, ઇચ્છા મુજબ જીવીશ. યાત્રાના સ્થળે જઈશ .આટલા વર્ષોમાં તો જવાબદારી સાથે ક્યાંય જવાનું શક્ય ન હતું .નિવૃત્તિ ની મઝા માણવી છે હવે ખબર નહી કેટલા વર્ષો જીવાશે? પણ જેટલું જીવવું છે એટલું ચિંતા વગર આનંદથી જીવું છે.

નિવૃત્તિના બીજે દિવસે બોડી ચેકઅપ બોડી ચેકઅપ પછી ના રિપોર્ટ આવી ગયા હતા. ડોક્ટરોએ રિપોર્ટ જોઈ ને કહ્યું ને ને કહ્યું બધું બરાબર છે પરંતુ ઘી-તેલ જરા ઓછા કરી દેજો. બસ આ વાક્ય સાંભળ્યા બાદ પવિત્રા ની ખાવા-પીવાની વસ્તુઓ પર દેવાંશ ધ્યાન રાખતો .  એ તો ઠીક પરંતુ પવિત્રા થતું કે નિવૃત્તિ કરતા તો મારી નોકરી સારી હતી કે એમાં મને સ્વતંત્રતા હતી .એટલી જ વારમાં દેવાંશ નો અવાજ સંભળાયો , “પવિત્રા ચાર વાગ્યા ગયા છે,  ઉઠવું નથી ?પવિત્રા ને થયું કે કહી દે મારે શાંતિથી જીવવું છે. સવારે ચાર વાગી ગયા  છે ઊઠી ને ધ્યાન કરવાનું.  પછી કસરત કરવાની,  ત્યાર બાદ બે કિલોમીટર દૂર આવેલા બાગ માં ચાલતા જવાનું કે જ્યાં  બધા  સિનીયર્સ સિટીઝન ભેગાથઈ યોગા અને લાફિંગ ક્લબ ચલાવતા હતા. ઉગતા સૂર્યને તો જ્વો  એ તો જાણે કે એનું સ્વપ્ન થઇ ગયું હતું.

વારંવાર પતિ કહે તો, પવિત્રા આજે ફલાણી જગ્યાએ શિબિર છે આપણે જવાનું છે .ત્યારબાદ તો ભાગવત સપ્તાહમાં પણ એ સ્વયંસેવક તરીકે જવા માટે પત્નીનું નામ પણ નોંધાવી દે તો ,એની ઈચ્છા પૂછ્યા વગર કારણ એ તો કહે તો પતિની ઇચ્છા માં જ પત્નીની ઇચ્છા સમાઈ જવી જોઈએ .ત્યારબાદ તો જુદી જુદી સંસ્થાઓમાં માનદ સેવા આપવા જવા લાગ્યા .એમાં ક્યારેક પત્નીની ઇચ્છા પૂછવામાં આવી ન હતી. કોઈ જગ્યાએ ગમે તે સ્વાસ્થ્ય વિશે ભાષણ હોય તો પત્ની સાથે એ પહોંચી જાય. ત્યારબાદ એ પ્રમાણે જુદા જુદા પ્રયોગો કરવા ,ક્યારે કહે જો બાર વાગ્યા સુધી પાણી નહીં પીવાનું . ત્યાર બાદ કાચા શાકભાજી શાકભાજી ખાવાથી ઘણા કાચા શાકભાજી શાકભાજી ખાવાથી ઘણા ફાયદા થાય.

ફરી ક્યારેક કોઈક ભાષણમાં સાંભળે કે સૂર્ય સામે બેસવાથી તમને આખા દિવસની શક્તિ મળી જાય છે તેથી ભોજનની પણ જરૂર ઘણી ઓછી થઈ જાય છે .કયારેક કહે કે દૂધ નહીં પીવાનું તો ક્યારેક કહે કે ખાલી સૂતી વખતે રોટલી અને દૂધ જ  લેવાનું. પવિત્રાને થતું કે એ કહી દે કે આ બધા પ્રયોગો તમે તમારી જાત પર  કરો. એમાં મને ના ઘસડો. ત્યારબાદ તો ખીચડીમાં ઘી લેવાની પણ મનાઇ કરી દીધી  કે ડોક્ટરોએ ઘી -તેલ ઓછા કરવાના કહ્યાં છે.પાછલી ઉંમરમાં ગળપણ તો ઓછું જ કરી નાખવું જોઈએ નહીં તો ડાયાબિટીસ થઈ જાય .હવે ઇચ્છા મુજબ પવિત્રા ન તો  ઘરમાં તળેલી વસ્તુ બનાવી શકતી કે ન તો મીઠાઈ બનાવી શકતી .કોયલ  જયારે પિયર રહેવા આવવાની હતી ત્યારે પવિત્રાને લાગ્યું કે કોયલના આવવાથી મને થોડો આરામ મળશે .પરંતુ કોયલે આવતાંની સાથે જ કહી દીધું મમ્મી હું અહી ખુબ આરામ કરીશ .સાસરીમાં ખૂબ કંટાળી ગઈ છું.

જો કે એનાથી એટલું થયું થયું કે પવિત્રા વહેલા ઊઠીને ધ્યાન ધરવાનું ,ચાલવા જવાનું ,લાફિંગ ક્લબમાં જવાથી મુક્તિ મળી ગઈ હતી. પરંતુ કોયલનો પડયેા બોલ ઝીલવો પડતો હતો. થોડા થોડા વખતે એના પતિને એવી ધૂન હતી કે બોડી ચેક અપ કરાવવું જોઇએ કરાવવું જોઇએ .પવિત્રા ની ઊંચાઈ કરતાં વજન વધારે આવતાં જ એને પતિએ કહ્યું કામવાળી ને છોડી દે. જાતે કચરા-પોતા કર ,વજન ઉતરી જશે. શરીર ચુસ્ત અને સ્ફૂર્તિલું રહેવું જોઈએ. પવિત્રા કંટાળી ગઈ હતી.કાેયલ પિયરમાં આવી હતી,   પરંતુ ક્યારે ય મમ્મીની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કર્યો ન હતો .પવિત્રા નોકરી વખતે જેટલી વ્યસ્ત રહેતી ન હતી એનાથી પણ વધુ વ્યસ્ત રહેવા લાગી .એના પતિની દલીલ હતી કે મનુષ્ય અવતાર વારંવાર મળતો નથી, તેથી બને એટલું બીજાને મદદરૂપ થવું. ક્યાંય  સ્વયંસેવક ની જરૂર હોય ત્યાં પતિ પત્ની પહોંચી જતા. પવિત્રાને થતું કે બીજાને મદદ કરવી જોઈએ એ વાત સાચી, પરંતુ તમારી ઇચ્છાઓ ના ભોગે? છાપામાં જાહેરાત આવે કે ફલાણા ફલાણા ખોવાઈ ગયા છે.  જેનો પત્ર મળે તેને અમારો સંપર્ક કરવો, એવી રીતે ખોવાયેલી વ્યક્તિઓ મળી પણ જાય ક્યારેક નથી પણ મળતી. પરંતુ પોતે શું જાહેરાત આપે કે ખોવાય છે …મારી ઇચ્છાઓ ખોવાય છે.  જે કોઈ શોધી શકે એમ નથી. સંપર્ક  તો હવે ઈશ્વરનાે જ કરવાનાે છે .જે મારી ઇચ્છાઓ પરિપૂર્ણ કરી શકે. બાકી ઈચ્છાઓ તો ખોવાયેલી છે.

વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 19, 2020 માં Nayna Shah

 

મા ફલેષુ કદાચન


સગાઓ વારાફરતી આવતા ગયા .દરેક જણ  કલ્પનાબેન ને જાતજાતના  વાક્યો સંભળાવતા રહેતા હતા. કોઈ કહેતું હતું કે, “દુનિયાનો નિયમ છે કે આંગળીથી નખ વેગળા “તો કોઈ કહેતું હતું કે ,”જેના તે તેના ,પારકા તે કંઈ પોતાના થતા હોય? કલ્પનાબેન ,તમે તો ખરેખર દૂધ પીવડાવીને સાપ  ઉછેર્યાે છે. “

કલ્પનાબેન દરેકની વાત  સાંભળતા અને કહેતાં ,”હું તો દરરોજ ગીતાપાઠ કરું છું મારા મતે ગીતા એ વાંચવાનો વિષય નથી. ગીતાનો દરેકે દરેક શબ્દ જીવનમાં ઉતારવા જેવો છે .જે વાત ગીતામાં નથી એ બીજે ક્યાંય નથી. દુનિયામાં તો ગીતા જેવો બીજો કોઈ ગ્રંથ નથી. નાનપણથી હું ગીતાપાઠ કરું છું .ગીતાપાઠ મેં મારા જીવનમાં ઉતાર્યો છે .હું સુખમાં છકી નથી જતી કે દુઃખમાં ભાંગી નથી પડતી. ગીતામાં લખ્યું છે તેમ હું સ્થિતપ્રજ્ઞ સ્થિતિ ધરાવું છું .તમે મને કંઈ પણ કહેશો, મારી તો સ્થિત પ્રજ્ઞ સ્થિતિ છે  ,મેં જે કંઈ પણ પણ કર્યું એ મારી ફરજ હતી. એથી આ વિશે હવે હું કંઈ જ સાંભળવા માંગતી નથી. “

કલ્પનાબેન રાતના સૂતી વખતે વિચારતા હતા કે એમને જિંદગીમાં કોઈ વાત નો મોહ રાખ્યો નથી .જ્યારે લગ્ન કર્યું ,આ ઘરમાં આવી ત્યારે લગ્ન પછીના થોડા દિવસો ખૂબ આનંદમાં પસાર થયા હતા. લગ્ન બાદ પતિ પત્ની થોડા દિવસ બહારગામ સાથે જાય છે એ દરમિયાન બંને જણા એકબીજાના સ્વભાવ થી પૂરેપૂરા પરિચિત થઈ જાય છે .કલ્પનાબેન પણ પતિના સ્વભાવને જાણી  ચૂક્યા હતા.

બહારગામથી પાછા ફર્યા બાદ કલ્પનાબેને જોયું કે પતિ ઉદાસ રહે છે. જો કે ઓફિસમાં  તે ઉચ્ચ પદ પર હતા. એમના કહેવા મુજબ તેમના હાથ નીચે કામ કરનારા પણ બહુ સારા માણસો હતા. તો પતિ ઉદાસ કેમ રહે છે એ બાબતે કલ્પનાબેન વિચારતા હતા. કારણ કે ગામડે ખેતી હતી,સાસુ-સસરા નોકરો-ચાકરો રાખી દેખરેખ રાખતાં હતા. ખેતીમાંથી પણ તગડી આવક થતી હતી. શહેરમાં પોતાનું ઘર હતું. એકલા રહેવાનું હતું એ પણ પૂરી નિષ્ઠાથી પતિને સાચવતા હતા. તો પછી ઉદાસ રહેવાનું કારણ શું હતું?

તેથી જ એક દિવસ કલ્પનાબેને પૂછી લીધું “તમને મારા તરફથી કોઈ મનદુઃખ છે? મારી કંઈ ભૂલ થઈ ગઈ છે ?તમે ખૂબ ઉદાસ રહો છો, મને તમારી ઉદાસીનતા નું કારણ કહો તો હું પણ તમને થોડી મદદરૂપ થઇ શકુ.”

પતિ થોડીવાર પત્ની સામે જોઈ રહ્યો રહ્યો. આજકાલની આવેલી તેની પત્ની એને પૂરેપૂરી સમજી ચૂકી છે એ તો એના માટે આનંદનો વિષય હતો. મનમાં વિચાર પણ આવી ગયો કે મા-બાપે ખાનદાન ખોરડું જોઈને આ સંસ્કારી છોકરી સાથે એનાં લગ્ન કરાવ્યા છે, તેથી હવે મનની વાત કરવામાં વાંધો નથી.

થોડા ખચકાટ સાથે કલ્પનાબેન ના પતિ બોલ્યા ,”આમ તો ખાસ કારણ નથી, પણ મને લાગે છે કે હું કંઈક કહું અને તને ના ગમે તો ક્યાંક આપણા સંબંધોમાં  મનદુ:ખ ઊભા ના થાય.”

પતિને વાત કરતા  અટકતા જોઈ કલ્પનાબેન બોલ્યા, “તમે મનની વાત નહીં કરો તો મને ક્યાંથી ખબર પડશે કે તમારા મનમાં શું છે ?હવે આપણે પતિ-પત્ની છીએ એક બીજાના સુખે સુખી અને દુ:ખે દુખી”.

“સાચી વાત છે તારી. તો સાંભળ કે અહીંથી થોડે દૂર એક નાનકડા ગામમાં મારા માસી રહે છે એમને ચાર દિકરીઓ છે. ખેતીની ખાસ આવક થતી નથી. એમના ઘરનું ગાડું માંડ ચાલે છે. મારી ઈચ્છા એમને મદદરૂપ થવાની છે. જો કે મારા મા-બાપ દર મહિને  થોડી ઘણી મદદ તો કરે જ છે. મારા માસા માસીએ મને ઘણો પ્રેમ આપ્યો છે. બંને જણા ખૂબ સારા છે. મારી ઈચ્છા માસીની ચારમાંથી એક દીકરીને અહીં ભણાવવાની છે જો તને વાંધો ના હોય તો.”

પતિ ની વાત પૂરી થતાં પહેલા જ કલ્પનાબેન બોલી ઉઠ્યા, “સાચા દિલથી કરેલી પ્રાર્થના ભગવાન સાંભળે જ છે. તમારી સાથે લગ્ન કરવાની મારી ઇચ્છા એટલા માટે ન હતી કે તમે એક ના એક હતા. તમે નોકરી એ જાવ ત્યારે હું ઘરમાં એકલી પડી જવું અને અમારા ઘરમાં સંયુક્ત કુટુંબ ,એમાં અમે બાર ભાઈ બહેનો અને બે કાકા કાકી અને મારા મા-બાપ મારે એકલા રહેવું જ ન હતું, તમે તો મારા મનની વાત છીનવી  લીધી. તમે જરૂરથી તમારી માસી ની દીકરી બહેન ને લઇ આવો. હું એને મારી દીકરીની જેમ રાખીશ”.

કલ્પનાબેન જોયું કે પતિ ના મોં પર પરમ સંતોષ હતો. ટૂંકસમયમાં નાની ઢીંગલી જેવી માત્ર પાંચ વર્ષની પ્રગતિ ઘરમાં આવી ગઈ. કલ્પનાબેન ખુબ જ ખુશ હતા. ક્યાં સવાર પડતી અને ક્યાં સાંજ પડતી એ જ ખબર પડતી ન હતી. પ્રગતિની વાતોથી ઘરનું વાતાવરણ આનંદમય બની ગયું હતું .પ્રગતિ પણ કલ્પનાબેન જોડે હળીમળી ગઈ હતી. એટલે સુધી કે વેકેશનમાં પણ એના મા-બાપ પાસે જવા રાજી ના હોય .એની દુનિયા એટલે કલ્પનાબેન અને તેમના પતિ.

પ્રગતિના આગમન બાદ પાંચ વર્ષોમાં સૌરભ અને સંસ્કૃતિનું આગમન થઈ ગયું.  ત્રણેય ભાઈ- બહેનો સંપીને આનંદથી રહેતા હતા .પણ સમય ક્યાં કોઇની પ્રતિક્ષા કરે છે! પ્રગતિ ગ્રેજ્યુએટ થઈ એ સાથે જ એના માટે પરદેશથી આવેલા મૂરતિયા નું માંગુ આવ્યું. બંને જણે એક-બીજાને પસંદ કરી લીધા હતા. એટલું જ નહીં, પણ પ્રગતિ ના લગ્ન પણ  કલ્પનાબેન અને તેમના પતિએ પોતાના ખર્ચે કરાવ્યા. લગ્ન બાદ થોડા સમયમાં જ પ્રગતિ ને પરદેશ જવાનું થયું  ત્યારે એની મા કરતાં પણ  વધુ એના ભાઈ ભાભી ને બાઝી ને રડી રહી હતી.

ત્યારબાદ પ્રગતિના અવારનવાર ફોન આવતા. એ પરદેશમાં એના પતિ સાથે સુખી છે એ જાણીને કલ્પનાબેન તથા એના પતિ ખુશ થતા.  જ્યારે પ્રગતિને સારા દિવસો જઈ રહ્યા છે, ત્યારે એ સમાચાર સાંભળતાં જ કલ્પનાબેન ખુશ થઈ ગયા હતા. પરંતુ પ્રગતિ એ એની મમ્મીને અમેરિકા આવવા માટે ટિકિટ મોકલી કે મારા બાળકને સાચવવા તું આવજે. બીજી વખતે દીકરી આવી ત્યારે પણ પ્રગતિ એ એના મમ્મી ને જ  ટિકિટ મોકલી ને બોલાવ્યા. જ્યારે જ્યારે પ્રગતિને તકલીફ પડે ત્યારે એની મમ્મીને જ બોલાવતી. જો કે એક વાત જરૂર હતી કે કલ્પનાબેન જોડે ખૂબ જ સારા સંબંધ રાખતી હતી. પ્રગતિ નોકરી કરતી હતી તેથી વારંવાર મુશ્કેલીના સમયમાં એની મમ્મીને જ બોલાવતી. તેથી જ બધાને લાગતું કે પ્રથમ હક કલ્પનાબેન નો છે, એમને  જ આ છોકરીને નાનેથી મોટી કરી, છતાં પણ જ્યારે જરૂર પડે ત્યારે એની માને કે સાસુ ને બોલાવે છે, ભાભીને  નહીં જ.

જોકે કલ્પનાબેન ના દિકરા દિકરીઓ માટે ત્યાંથી ઢગલો વસ્તુ મોકલતી. કલ્પના બેન વિચારતા  કે આથી વધારે મારે શું જોઈએ? એ તો અમારી દીકરી છે અને દીકરીની વસ્તુ લેવી અમને નથી ગમતી, ત્યારે પ્રગતિ કહેતી ,”ભાભી હું તો મારા નાના ભાઈ અને બહેન માટે મોકલું છું.”

જ્યારે કલ્પનાબેન ના દિકરા અને દીકરી ના લગ્ન હતા ત્યારે પણ પ્રગતિ આવી શકી ન હતી ખરેખર તે કહેતી, ” મને ભારત આવવાની ઈચ્છા નથી થતી”.

પરંતુ પ્રગતિ નો દીકરો ગ્રેજ્યુએટ થયો કે તરત એને એની  પસંદગી ની છોકરી સાથે લગ્ન કરી લીધા.જોકે એ વખતે પણ એના સાસુ તથા એના મમ્મી ને લગ્નની તૈયારી માટે બોલાવેલા. તેથી જ  સગાસંબંધીઓ કહેતા ,”કલ્પનાબેન તમે એને નાનેથી મોટી કરી એનો ગુણ જ  ક્યાં છે?

ત્યારે કલ્પનાબેન કહેતા “પ્રગતિ ને રાખવાનો નિર્ણય શાંત ચિત્તે કરેલો. શાંત મનથી મેળવેલું સુખ મુક્તિ અપાવનારું હોય છે. આવા બંધનમાં નાખતું નથી , મારે શા માટે આશા રાખવી કે પ્રગતિ મને બોલાવે !સુખ મેળવવામાં છે એથી વધુ આપવામાં છે એવી દ્રષ્ટિ કેળવી એ તો પછી દુઃખ થાય જ નહીં.

પ્રગતિ ની યાદો હંમેશા કલ્પનાબેન માટે સુખદ્ હતી .માત્ર લગ્નના પંદર દિવસ બાદ પ્રગતિના સાસુ-સસરા તથા એના મા-બાપ પાછા આવ્યા એના બીજા જ દિવસે પ્રગતિ નો ફોન આવ્યો “ભાઈ ભાભી હું ટિકિટ મોકલું છું તમે અહીં આવતા રહો. હવે તમે દીકરા-દીકરીના લગ્ન બાદ જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા છો. મેં પણ નોકરી છોડી દીધી છે. મારી ઇચ્છા હતી કે હું આખો સમય તમારી સાથે જ રહું. તમે આખી જિંદગી મારા માટે ઘણો ભોગ આપ્યો છે. મારા દીકરા તથા દીકરીના જન્મ વખતે મારે તમને તકલીફ આપવી નહોતી. મારે તો તમને મહારાણીને રાજાની જેમ રાખવા હતા. તમને મારે આખુ અમેરિકા ફેરવવા છે. આટલા વર્ષોમાં અમે ખૂબ કમાયા છીએ. તમારા જમાઈની પણ એજ ઈચ્છા છે કે તમને બંને જણાને અમેરિકામાં ખૂબ ફેરવવા. તમે ડોલરની ચિંતા ના કરતા માત્ર તમારા કપડાં લઈને આવજો. તમારી સેવા કરવાનો લ્હાવો અમને આપજો. તમને બોલાવવાનો ઘણી વખત વિચાર આવતો હતો પણ અમને બંનેને જોડે રજા મળે એમ ન હોતું.જ્યારે રજા  નો મેળ પડ્યો ત્યારે સૌરભ અને સંસ્કૃતિ વારાફરતી દસમા કે બારમામાં હોય. તમે આવી ના શકો એ સ્વાભાવિક છે. તમે આવો, અમારે તમારી ખૂબ સેવા કરવી છે. તમારું સ્થાન તો મા બાપ થી પણ ઉંચુ છે. જેમ આજે પણ આપણે કહીએ છીએ કે દેવકી કરતા યશોદાને કૃષ્ણ એ વધુ મહત્વ આપ્યું છે. તમે તો મારા માટે યશોદા માતા છો.”

ત્યારબાદ પ્રગતિ ઘણું બધું ફોન ઉપર બોલતી ગઈ ,પણ કલ્પનાબેન ના આંસુ રોકાતા નહોતા. આજે પ્રગતિ અને સંસ્કૃતિ બંને દીકરીઓ કલ્પનાબેન માટે સરખી જ લાગણીથી ધરાવી રહી છે.

એ વાતનો કલ્પનાબેન ને અહેસાસ થઇ રહ્યો હતો. એમને તો માત્ર પ્રગતિને દીકરીની જેમ ઉછેરી એ પણ કોઈપણ જાતની અપેક્ષા વગર. ખરેખર ગીતામાં કહ્યું છે કે આપણે શા માટે સુખ ની રાહ જોવી. ખરેખર તો સુખ જ આપણી રાહ જુએ છે કારણ કે એમને જે કર્મ કર્યું એ પણ ફળની આશા વગર.

વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 18, 2020 માં Nayna Shah

 

અન્નકૂટ


પ્રકૃતિને વિશ્વાસ હતો જ કે  નિધિ તાે હા જ પાડશે. નિધિનો સ્વભાવ જ એવો  કે બધા સાથે સહેજમાં હળીભળી જાય. એટલે જ તો એને નિધિને ફોન કરેલો. પ્રકૃતિને વિશ્વાસ હતો જ કે નિધિ એનેા પ્રસ્તાવ સહર્ષ સ્વીકારી લેશે અને નિધિ સાથે દિવસો ક્યાં પસાર થઈ જશે એ ખબર પણ નહીં પડે . એના પતિને આખા વર્ષમાં  માંડ દિવાળી વખતે જ ચાર રજાઓ મળે . એટલે જ બહારગામ જવાનું વિચારેલું. એમાંય નિધિનો સાથ મળે તો નવું વર્ષ હસતા રમતા પસાર થઈ જાય.

પરંતુ ધાર્યા કરતાં વિપરીત જવાબ મળ્યો. નિધિ તો તરત બોલી ઊઠી, “દિવાળીમાં ક્યારેય ફરવા ના જવાય.”

“નિધિ તું અને તે બહારગામ ફરવા આવાની ના કહે તે માન્યામાં નથી આવતું.”

“પ્રકૃતિ, જો હવે દિવાળીનું અઠવાડિયુ જ રહ્યું છે અને મારે ઘણા કામ છે.”

“એટલે તું પાપડ મઠીયા નાસ્તો કરવા બેસીશ. હવે તો બધું બજારમાં તૈયાર મળે છે. હું તો ક્યારેય આવી ઝંઝટમાં પડતી નથી.” પ્રકૃતિ એક શ્વાસે બોલી ઊઠી. નિધિ પર મનમાં ગુસ્સો પણ ચઢયાે.

વર્ષો જૂની બેનપણીના અવાજમાં રહેલો ગુસ્સો પારખતા નિધિને વાર ના લાગી.  તેથી જ એ બોલી “પ્રકૃતિ, આપણે દિવાળી પછી જઈએ.”

“દિવાળી પછી રજાઓ પણ હોવી જોઈએ ને? હવે પહેલાંની જેમ બધા એકબીજાને ત્યાં જતા પણ નથી. સંધ્યાકાળે દીવો કરવાને બદલે લાઈટના તોરણ લગાડી દે છે. દિવાળીની રજાઓમાં પિક્ચરમાં ટિકિટ પણ ના મળે. હોટલો પણ બધી ભરેલી. લાઈનમાં ઊભા રહીએ તો કલાકે નંબર આવે. ઘરમાં કંટાળી જવાય છે.”

“પ્રકૃતિ તારે બહારગામ  જ જવું છે ને તો અમે ગામડે જઈએ છીએ. અમારું ગામ નદી કિનારે છે. દર વર્ષે બધા ભેગા મળીએ છીએ. આખું કુટુંબ એક જગ્યાએ રહીએ છે. તું પણ અમારી સાથે ગામ ચલ.” નિધિએ આગ્રહ કરતાં કહ્યું .

“પણ તમારા કુટુંબમાં મને કોણ ઓળખે ? અને તું મારા પતિનો સ્વભાવ જાણે જ છે કે કોઈ સાથે જલ્દી હળીભળી  શકતા નથી.”

“અમારા કુટુંબમાં તું મને ઓળખે. મારા પતિને ઓળખે. વધુ શું જોઇએ? બસ હવે મારે કંઈ સાંભળવું જ નથી. તું મારી સાથે દિવાળી કરવા મારે ગામ આવે છે. હું જતાં જતાં તમને બંનેને લઈ જઈશ.”

ઘણી આનાકાની બાદ પ્રકૃતિને એનો પતિ ગામડે દિવાળી કરવા તૈયાર થયા. અને સાથે સાથે કહેતા પણ ખરા, ” દિવાળીની રજાઓમાં ઘરમાં બેસીને કંટાળી જઈએ છીએ તાે આ વર્ષે તમારા ગામ આવીશું.”

નિધિ હસતાં હસતાં બોલી, ” પ્રકૃતિ , તને ખબર છે કે અમે આખું વર્ષ આ દિવસાેની રાહ જોતા હોઈએ છીએ. દિવાળીનો તહેવાર માણવો હોય તો  અમારે  ગામ જ આવવું પડે. તહેવાર  શું છે એ સમજાશે.”

“પણ, નિધિ, તમારા કુટુંબમાં કેટલા જણા ભેગા થશે? સુવાની તકલીફ તો નહીં પડે ને? બાકી બધાને એવું તો નહિ લાગે ને કે આપણા કુટુંબના  આ લોકો ની શું જરૂર છે?” પ્રકૃતિએ પોતાની મૂંઝવણ રજૂ કરી.

“અમારા કુટુંબમાં અમે લગભગ પાંત્રીસ જણાં છીએ. બે ચાર જણા કોઈ કારણસર કદાચ ના  આવી શકે એવું બને તો પણ ઓછામાં ઓછા ત્રીસ જણા તાે હોય જ. અમારું આખું સાસરી પક્ષ. ત્રણ કાકાઓ, એમના દીકરા વહુઓ, એમની દીકરી જમાઇઓ, એમના દીકરા દીકરીઓ. ખૂબ મજા આવશે . રહી વાત રહેવા સુવાની,  તો તને કહી દઉં કે દાદાની એટલે કે મારા વડસસરાની ગામમાં મોટી હવેલી છે. પાંત્રીસ જણા રહીશું તો પણ જગ્યા વધશે.”

પ્રકૃતિનું એ વાતે સમાધાન  થયું હતું. પણ હજી પણ એના મનમાં ખચકાટ હતો. મનમાં થતું હતું કે પાંત્રીસ જણા ની રસોઈ કોણ કરશે? તહેવારમાં  ઘરની વહુઓએ રસોડામાં જ પુરાઈ રહેવાનું હોય તો ઘર શું ખોટું? પરંતુ નિધિના માેઢે  વખાણ સાંભળેલા છતાંય એને લાગતું કે નિધિની વાત જુદી છે. એને તો દરબાર ભરવાની ટેવ છે એટલે જ એ બધાને ભેગા કરતી હશે. પરંતુ ઘરમાં ચાર રજાઓમાં કંટાળી જવાની બીકે  એ તૈયાર થઈ  હતી. જ્યારે નિધિ પ્રકૃતિને એની કારમાં લેવા ગઈ ત્યારે રસ્તામાં પ્રકૃતિએ ઘણા સવાલો પૂછ્યા હતા. જેમ કે આટલા બધાની રસોઈ કોણ કરશે? રસોઈયાે સારી રસોઈ બનાવશે? પરંતુ નિધિ હસ્યા કરતી હતી અને કહેતી હતી કે “બધા સવાલો એક સાથે જ પૂછી લઈશ તો ત્યાં મજા નહિ આવે. તું જ ત્યાં જઈને જોજે.”

પ્રકૃતિ ગામડે પહોંચી ત્યાં વિશાળ હવેલી પાસે કાર ઊભી રહી. કારનો અવાજ સાંભળતા જ છોકરાઓ બોલવા માંડયા.  કાકા કાકી આવી ગયા. નિધિને બધા પ્રેમથી બાઝી પડ્યા. પ્રકૃતિને પણ ઘરમાં બધાએ  નામથી જ બોલાવી. “પ્રકૃતિ, તું આવી ગઈ? અમારે ત્યાં તમને ખૂબ ગમશે.” પ્રકૃતિ અને એના પતિને લાગ્યું કે જાણે આખું ઘર એમને ઓળખે છે. નિધિએ બધાને અગાઉથી જ કહી દીધું હશે એ વાત પ્રકૃતિ સહેજમાં સમજી ગઈ. પરંતુ ઘરના દરેક સભ્ય પ્રકૃતિ અને એના પતિને વારાફરતી મળી ગયા.

વાતાવરણ ઉલ્લાસમય હતું. હસવાના, વાતોના અવાજોથી હવેલી ગાજી ઊઠી હતી. પ્રકૃતિને નવાઇ લાગતી હતી કે આટલા બધા માણસો પાંચ દિવસ સુધી જોડે રહે? અને પાછા બધા સમય  કાઢીને આવે? જામનગર, સુરત, અમદાવાદ, વડોદરા બધા જુદા જુદા શહેરોમાં રહેતા સગાઓ ગામડે આવે? શહેરની ઝગમગાટની  જિંદગી છોડીને! અહીં કઈ રીતે ગમતું હશે? જવાનું સ્થળ તો માત્ર નદી કિનારો જ ને? ત્યાં  જ નિધિએ બૂમ પાડી, “પલ્લવી ચા થઈ ગઈ કે નહીં? તારા હાથની ચા પીવા કેટલા દિવસથી રાહ જોતી હતી.” પ્રકૃતિને મનમાં હાશ થઇ કે રાંધનારી  તો છે  જ. પણ રસોડામાં સામેથી જવાબ આવ્યો, “ભાભી, લાેટ બાંધી દીધો છે. ચા પીને ઘુઘરા ભરવા આવી જાઓ.”

“હા, હું  ઘુઘરાનાે સાટાે તો તૈયાર કરીને જ લાવી છું.” પ્રકૃતિએ જિંદગીમાં ક્યારેય ઘુઘરા ભર્યાં ન હતાં. તેથી તેને સંકોચ થતો હતો છતાંય બોલી, “હું મદદ કરવા આવું?” ના …. કારણ કે રેશમી કપડામાં માત્ર કુટુંબની વ્યક્તિઓ જ રસોઈ કરે અને નિધિની એટલી બધી ઝડપ છે કે ઘુઘરા તો એ જ ભરે બાકી કોઈ ના કરે. અને સાટાે  પણ એ જાતે તૈયાર કરીને લાવે છે. ” “

“હા , પણ ગોપીએ જલેબીનું ખીરું તૈયાર કર્યુ કે નહીં? ” નિધિએ  સામેથી પૂછ્યું,

“હા, એ વાડામાં જલેબીનું ખીરું તૈયાર કરવા બેઠી છે અને મોહનથાળ હલાવવા રાજુભાઈ તમે રસોડામાં આવી જાઓ. બધા દોડાદોડી કરતા હતા ત્યાં જ નિધિના પતિએ કહ્યું, “હું  ગિફટ પેપરાે ઘરેથી લઈ આવ્યો છું. બધી છાબડીઓ મને આપી દો, હું શણગારી દઉં અને કેતન તું પડિયા પતરાળા લઈ આવ્યો ?”

ચારે બાજુ જાણે કામ કરવા બધા તત્પર હોય એમ કેતન  બાેલ્યાે, “મોટાભાઈ , એ બધું તો કાલનું તૈયાર કરી દીધું. હું તો કાલનો આવી ગયો છું.” ત્યારબાદ તો પ્રકૃતિએ જોયું કે દરેક જણ કામ કર્યા કરતું  હતું સાથે સાથે હસી-મજાક તો ચાલુ જ હોય.

ત્યાં જ પ્રકૃતિની ડીશ તૈયાર થઈને બહાર આવી. તેમાં મઠિયા, ચોળાફળી, સેવ, ચેવડાે બધું જ હતું અને ખૂબ જ સ્વાદિષ્ટ હતું તેથી જ એણે પૂછયું, “આ કઈ બ્રાન્ડના છે?”

બધા એક સાથે હસી પડ્યા, બોલ્યા “આ અમારી શાહ બ્રાન્ડના મઠીયા છે.”  નયન અને ભાેપીન બે દિવસ પહેલા આવી ગયેલા. એમને જ લાેટ ઝુડેલો અને ફળિયાના બધા મઠિયા, ચોળાફળી વળાવવા આવી ગયેલા. પ્રકૃતિને એક પછી એક આંચકો લાગતો હતો.

ઘરમાં પુરુષો તાે હુકમ  કરતા હોય એના બદલે  લાેટ ઝુડાવવા  લાગે એ જ આશ્ચર્યની વાત છે અને ફળિયાની બધી સ્ત્રીઓ પાપડ મઠીયા વણાવવા  આવે એ જ બહુ કહેવાય. અમારા ફ્લેટમાં તો દરેકના બારણાં બંધ હોય અને ઘેર તો કોઈ આવી ઝંઝટ પણ શું કામ કરે? બધું બજારમાં તૈયાર મળે જ છે ? અને પ્રકૃતિના મનમાં જાતજાતના વિચારો આવતા હતા.

થોડીવારમાં નિધિ  રેશમી વસ્ત્રોમાં સજ્જ થઇ આવી ગઈ હતી. નિધિનુ આ સ્વરૂપ નવું હતું . કયાં કોલેજની ઈકોનોમિક્સની લેક્ચરર અને કપડાં સંકોરીને એક બાજુથી અડી ના જવાય એનું ધ્યાન રાખતી નિધિ! નિધિનાે પતિ એન્જીનિયર હોવા છતાંય  છાબડીઓની બહારની બાજુએ રંગબેરંગી ગીફ્ટ પેપરથી શણગારી રહ્યો હતો. કોલેજમાં ભણતી છોકરીઓ જાનકી, તુલસી બધા માટીના વાસણો પર પીંછીથી કલર કામ કરી રહ્યા હતા. વચ્ચે વચ્ચે બધાને બતાવતા હતા કે અહીં કયો કલર સારો લાગશે? પીળો કે લીલો ? બધા પોતપોતાના કામમાં મશગૂલ હતા. બધા ભેગા મળીને કામ કરે તો કામનો બોજો રહે જ નહીં. ઘરની  દરેકે દરેક વ્યક્તિ હાેંશે  હાેંશે કામ કરતી હતી. જાણે કે દરેક જણને બીજા કરતાં વધુ કામ કરવાની ઈચ્છા હતી.

આંગણામાં રંગોળી પૂરાતી હતી. પ્રકૃતિને એના જુના દિવસો યાદ આવ્યા જ્યારે એ રંગોળી પુરતી હતી. જો કે હવે તો તૈયાર સ્ટીકરો જ લગાડી દેતી હતી. પણ ઘરની છોકરીઓ સાથે પ્રકૃતિ પણ રંગોળી પુરવા બેસી ગઈ. પ્રકૃતિને લાગતું હતું કે રંગોળી માં રંગ પુરાતા જાય છે એમ એના જીવનમાં પણ ઉલ્લાસનો રંગ પુરાતો જાય છે. વર્ષો પછી એ રંગ પૂરતી હતી. નાનપણ નો શોખ જાગી ઉઠ્યો. બધી છોકરીઓ સાથે પ્રકૃતિ હળીમળી ગઈ હતી.

આમેય  પ્રકૃતિને રસોઈ બનાવવા માં ખાસ રસ હતો જ નહીં. એમાંય આવી જાતજાતની વાનગીઓ બનાવવાની એ  તાે વિચારી શકે એમ જ  ન હતું.  હા, પરંતુ નાનપણમાં  આવાે  શોખ હતો જ. અત્યાર સુધી પ્રકૃતિની માન્યતા એવી હતી કે એનો પતિ ખાસ કોઈ સાથે હળી મળી શકતો નથી. પરંતુ પ્રકૃતિએ જોયું કે તેનો પતિ પણ નિધિના પતિ ની સાથે છાબડીઓ  શણગારવા બેસી ગયો હતો. એટલું જ નહીં બધા સાથે હસી હસીને વાતો પણ કરી રહ્યો હતો. તેથી પ્રકૃતિ એ પૂછ્યું ,” છાબડીઓ બધા કેમ શણગારે છે? અને માટીના વાસણો પર કલર કામ કેમ કરો છો? “

“અરે  તમને એ પણ ખબર નથી કે તમે અહીં  શા માટે આવ્યા છો ? અમારે ત્યાં નવા વર્ષના દિવસે અમારા ભગવાનનો અન્નકુટ કરવામાં આવે છે. એમાં અનેક જાતની વાનગીઓ બનાવી ભગવાનને ધરાવવાની હોય છે. એ પણ માટી અને છાબડીઓનો જ ઉપયોગ કરવામા આવે. સ્ટીલ કે પિત્તળનાે નહીં. હા, ચાંદીના વાસણો ચાલે. પણ વાસણો ના વપરાય અને સાદી ટાેપલીઓ મૂકી દઈએ એના કરતાં રંગબેરંગી કાગળોથી સજાવેલી ટોપલીઓ સરસ લાગે અને અંદર પતરાળા મૂકી એમાં ભગવાનની સામગ્રી મૂકવામાં આવે. અમારા કુટુંબમાં દરેક જણે સ્વેચ્છાએ કામ વહેંચી દીધું છે. કોઈ મોહનથાળ સારો બનાવે, તો કોઈ જલેબી તો, કોઈ ઘૂઘરા. પરિણામ સ્વરૂપ દરેકને ઉત્તમ વાનગી પ્રાપ્ત થાય. જામનગર વાળા કાકી સૂકી કચોરી સરસ બનાવે છે. સુરતવાળા કાકી ભજીયાં સરસ બનાવે છે. તેથી ભગવાનને ઉત્તમ વાનગીઓ પીરસી શકાય.”

પ્રકૃતિને આ બધું જાેવા જાણવાની મજા પડી ગઈ હતી. સમય ક્યાં પસાર થઈ ગયો એ ખબર જ ના પડી. પરંતુ જ્યારે રસોડામાંથી રીમાની બુમ સંભળાઇ  કે, “ચલો બધા વારાફરતી જમવા આવી જાવ, રસોઈ તૈયાર છે.” ત્યારે પ્રકૃતિ ને નવાઈ લાગી કે આટલા બધા માણસો હોવા છતાં આટલી જલદી રસોઈ કઈ રીતે બને? પોતાની ઉત્સુકતા  ચરમસીમાએ પહોંચતા એ રસોડામાં ગઈ  ત્યાં બે ત્રણ લાેઢી પર  બ્રેડ  સેકાઈ રહી હતી. તેથી જ એ બોલી ઉઠી, “અહીં ગામડામાં બ્રેડ મળે એ સારુ કહેવાય.”

રીમા હસતાં હસતાં બોલી “બ્રેડ લાવવાની જવાબદારી નિધિની છે. તમે આવ્યા ત્યારે બ્રેડ લઈને જ આવેલા. આ દિવસે પાવભાજી બનાવવાનું નક્કી જ હોય છે. આવતીકાલે સેવ ઉસળ બનશે. એક દિવસ ઘઉંનો ખીચડો બનશે. ત્યારબાદ અન્નકુટના દિવસે તો અનેક જાતની વાનગીઓતો ખરીજ .”હવે પ્રકૃતિને લાગતું હતું કે વિવિધ વાનગીઓ આરોગી ઈશ્વર રાજી થતા હશે પરંતુ અહીં વિવિધ પ્રકારની વ્યક્તિઓ ભેગી થઇ જે આનંદ લૂંટે છે એ અદ્ભુત છે.

ત્યારબાદ તેને એ પણ જાણવા મળ્યું કે લોટ ઝુડનાર નયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને ભાેપિન  ડોક્ટર છે. નયન એની ફર્મ બંધ કરીને બે દિવસ વહેલો આવેલો અને ભાેપિને  એનું ક્લિનિક  બંધ રાખેલું . જ્યાં જુઓ ત્યાં પ્રેમ જ દેખાય છે. પ્રકૃતિએ પૂછી લીધું કે “તમે અન્નકુટ  કેટલા વર્ષોથી કરો છો? અન્નકુટ ઘેર કરાય એ જ મને  તાે નવાઈ લાગે છે. અમે અન્નકુટના  દર્શન કરવા જઈએ છીએ, ભેટ મુકીયે  અને પ્રસાદ લઈ ઘેર આવીએ.”

“પ્રકૃતિ , અમે બાપદાદાના વખતથી અન્નકુટ  કરીએ છીએ. દાદાની ઈચ્છા હતી કે અન્નકુટ ક્યારેય બંધ ના કરવાે. ઘરના દરેક સભ્યએ બને તો હાજર રહેવું. અને બેસતા વર્ષે જ કરવો જેથી નવું વર્ષ ઘરના બધા સભ્યો સાથે મળીને કરે. બાકી દાદા ભવિષ્ય જોઈ શક્તા હતા કે બધા ભણેલા ગણેલા અને વેપાર ધંધામાં રચ્યાપચ્યા રહેનાર ક્યારેય એકબીજાને મળી શકશે નહીં અને એમના દીકરા દીકરીઓ એકબીજાને ઓળખશે પણ નહીં. દાદાની ભાવના ઉચ્ચ હતી એ બધા સમજી ગયા હતા. આજે દાદા હયાત  નથી પણ તેમની ઇચ્છા મુજબ બધું થઇ રહ્યું છે. અન્નકુટને કારણે જ બધા ઉત્સાહમાં હોય છે. કારણ કે પ્રસંગ કોઈ એકનાે નહીં પરંતુ ભગવાનનો છે.”

અન્નકુટને દિવસે અન્નકુટની આસપાસ દીવા કરાયા, રંગોળી પૂરાઈ, પાણીમાં દીવડા તરતા મુકાયા, આરતીની થાળી સુંદર રીતે શણગારવામાં આવી. આગલી રાત્રે બધા મોડે સુધી બેસી ગપ્પા મારતા રહ્યાં.  હવે પ્રકૃતિને ગામ છોડવાનું મન થતું ન હતું. આટલા વર્ષોમાં પહેલી વાર આટલી સરસ રીતે દિવાળી થઈ હતી. બાકી ત્રણ નણંદો, બે જેઠ, બે દિયર, એની પોતાની પાંચ બહેનો છતાંય, ક્યાં કોઈ કોઈને મળે છે ? અન્નકુટ  એટલે વિવિધ મીઠાઈ કે વિવિધ ફરસાણો જ માત્ર નહીં, પરંતુ કુટુંબના સભ્યોએ ભેગા થઈ  પીરસેલાે સ્નેહ હતો. નિધિએ  આ દિવસો દરમિયાન ઘણીવાર પ્રકૃતિને કહ્યું હતું કે, “તું નદી કિનારે જા, નાવડીમાં બેસી સામે પાર જા, ત્યાં મંદિર છે. દર્શન કરી આવ.”

પરંતુ એ કહેતી “નિધિ નદીકિનારો તો વારંવાર જોવા મળે છે પરંતુ આવાે કુટુંબ મેળો ક્યાંય જોવા નહીં મળે. અહીં તાે ભગવાનને વાનગીઓ આરોગવા આવવાની ઈચ્છા જરૂર થાય એવું વાતાવરણ છે.”

દિવાળીના બીજા દિવસે ધામધુમથી અન્નકુટ  પુરાયો હતો. બીજા દિવસે છુટા પડતી વખતે પ્રકૃતિ રડી રહી હતી. એનાે પતિ પણ ઉદાસ હતો. છુટા પડતી વખતે પ્રકૃતિ  નિધિના કાકીસાસુને પગે લાગતા બોલી, “કાકી, આવતા વર્ષે અમે જરુરથી આવીશું પણ મહેમાન બનીને  નહીં. તમારા રસોડામાં ભલે ના આવીએ પણ બીજું બધું કામ કરીશું તો પણ અમને લાગશે  કે અમે પણ આ ઘરના સભ્યો છીએ.” કહેતાં  પ્રકૃતિ ધ્રુસકે ધ્રુસકે રડી પડી.  આટલા બધા પ્રેમથી એ ભીંજાઈ ગઈ હતી. અન્નકુટનાે અર્થ  એને સમજાઈ ગયો હતો.

વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 17, 2020 માં Nayna Shah

 

સુગંધા


“નિર્મિશ ! કેટલી સુંદર જગ્યા છે ! આટલી સાેહામણી જગ્યાએ સાત વર્ષમાં પ્રથમ વખત લાવ્યો. આવા સૌંદર્યમાં થાક, દુઃખ, દર્દ બધું જ મનુષ્ય ભૂલી જાય. કુદરતી સૌંદર્ય આગળ મનુષ્ય સર્જીત સાૈંદર્યનું મૂલ્ય તુચ્છ લાગે .જ્યાં…જ્યાં નજર ઠરે ત્યાં …ત્યાં.”

“સુગંધા ! બસ કર. તારામાં એકાએક કવિ નો આત્મા કયાંથી જાગી ઊઠયો? મારે તાે સીધીસાદી ઘરરખ્ખુ ગૃહિણી સુગંધા જોઈએ. એટલે તો હું તને મસુરી લાવતાે ન હતો.”

“ઓહ ..નિર્મિશ! તું પણ શું મજાક કરે છે? દિલ્હી થી મસુરી ખાસ દૂર નથી. છતાં પણ તું મને એકવાર પણ અહીં ના લાવ્યાે!”

“તું હમણાં તો બોલી કે આવી જગ્યાએ માણસ થાક, દુઃખ , દર્દ બધું ભૂલી જાય . એટલે મેં વિચારેલું કે તું દુઃખ દર્દ , થાક અનુભવે ત્યારે મસુરી આવવાની જક લઈ બેઠી એટલે લઈ આવ્યો.”

“નિર્મિશ! જેનો જીવનસાથી નિર્મિશ હોય એના જીવનમાં દુઃખ, દર્દ કે થાક નો પડછાયો સુધ્ધાંના પડે. મેં જક ના પકડી હોત તો ક્યારેય અહીં આવવાનું ન થાત. તું મને એવું ભરપૂર સુખ આપે છે કે…”

“સુગંધા! હવે રૂમ ઊધાડીશ કે બહાર જ ઊભો રાખીશ?”

“ઓહ ચાવી તાે મારા હાથમાં જ રહી ગઈ! રૂમમાં જવાની ઇચ્છા નથી થતી. આ ગેલેરીમાં જ ઉભા રહીએ અને મસુરી જોયા જ કરીએ અને રજાઓ ઊભાં ઊભાં જ પૂરી કરીએ. બરાબર ?”

“સુગંધાદેવી ! બે દિવસ પછી મારી રજાઓ પૂરી થાય છે અને આવતીકાલે સાંજે આપણે પાછા દિલ્હી જવાનું છે.”

“નિર્મિશ…પ્લીઝ, તારી રજા લંબાવ ને? આટલી સરસ જગ્યાએથી આટલી જલદી પાછા જવાનું..?”

“ફરજ મુખ્ય વાત છે, સુગંધા! મારી પોસ્ટ જવાબદારીવાળી છે અને હું પોતે જ બીનજવાબદાર તરીકે વર્તું તાે મારાે સ્ટાફ…જવાબદારી…જવાબદારી દરેક વખતે આ શબ્દ આગળ આવી જાય છે.”

“બચાવાે…ઓ…માં…મરી …ગઈ…” સુગંધા અને નિર્મિશ બંને આ અવાજ સાંભળી ચમકયાં. બાજુની રૂમમાંથી એક સ્ત્રીનો રડવાનો તથા ચીસો પાડવા નો અવાજ આવી રહ્યો હતો.

“નિર્મિશ ! શું થયું? સુગંધા કોઈ સ્ત્રીને એના પતિ મારપીટ કરી રહ્યો હોય એવું લાગે છે.” ઓ…મા …ફરીથી અવાજ સાંભળતા સુગંધા બોલી ઊઠી, “નિર્મિશ ચાલ આપણે નીચે જતાં રહીએ.” અને લગભગ દોડતી નીચે તરફ જવા લાગી. જોડે નિર્મિશ પણ ગયો.

દાદર ઉતરી શ્વાસ લેતા સુગંધા બોલી, “નિર્મિશ! આવી સુંદર જગ્યા એ પણ લોકો દુઃખ શા માટે શોધી કાઢતા હશે ? શું સ્ત્રીઓને મારનાર પતિથી ક્યારેય ભૂલ નહીં થતી હોય? એ સ્ત્રીએ એવું શું કર્યું હશે કે કે એનો પતિ… ” સુગંધા અટકી ગઈ. એને નિર્મિશ સામે જોયું. નિર્મિશ ગુપચુપ ઊભો રહ્યો હતો . જાણે સુગંધાની કોઈ વાત સાંભળતો જ ના હોય.

સુગંધા નિર્મિશ સામું જાેઈ બાેલી, “નિર્મિશ શું થયું ?”

“કંઈ નહીં સુગંધા! આમજ…”

“નિર્મિશ મને તો એમ હતું કે માત્ર સ્ત્રીઓ જ વધુ પડતી સંવેદનશીલ હોય છે . પરંતુ હવે લાગે છે કે તું તો મારાથી પણ વધુ સંવેદનશીલ છે. આપણા આનંદમાં ખોટી ખલેલ પહોંચી. પણ જવા દે એ વાત. દુનિયામાં આવાં કેટલાય દંપત્તિઓ હશે. આપણે દરેકના દુઃખે દુઃખી થઈ કઈ રીતે જીવી શકીએ? ચાલ, આપણે રૂમમાં જવા કરતા ફરીથી બહાર ફરી આવીએ.” સુગંધા નિર્મિશ સામે જોયું.

નિર્મિશ હજી પણ ચુપ હતો. જાણે સુગંધાની કાેઈ વાત કાને પડી જ ના હોય. “નિર્મિશ … તને શું થઈ ગયું છે? તું કંઇક તો બોલ. ચાલ, આપણે અત્યારે જ દિલ્હી પાછા જતા રહીએ.”

“શું કહ્યું?” નિર્મિશ જાણે વિચારોની દુનિયામાંથી જાગયાે હોય તેમ.

રાત્રે બંને પાછા ફર્યા ત્યારે બાજુના રૂમમાંથી ધ્રુસકા સંભળાયા કરતાં હતાં. સુગંધાને થયું કે અે બાજુની રૂમમાં જાય. ત્યાં સૂતેલી સ્ત્રીને જઈ આશ્વાસન આપે. કોણ જાણે સુગંધાને એ સ્ત્રી પ્રત્યે અંતરથી લાગણી થવા માંડી હતી કારણ કે એ સ્ત્રી નો અવાજ સાંભળીને એક વાત નક્કી થઈ ચૂકી હતી કે સ્ત્રી ગુજરાતી જ છે. અને એક ગુજરાતી ને બીજા ગુજરાતી પ્રત્યે અજાણ્યા પ્રદેશમાં વધુ આકર્ષણ થાય એ સ્વાભાવિક હતું.

સુગંધા ગેલેરીમાં ખુરશી નાખીને બેઠી હતી. નિર્મિશને આટલા વર્ષોમાં તેણે ક્યારેય આ રીતે ઉદાસ થયેલો જોયો ન હતો. નિર્મિશ આજે જમ્યાે પણ ન હતો. તેથી સુગંધા પણ જમી ન હતી. રાત્રે મોડે સુધી નિર્મિશ અને સુગંધા વાતો કરતા, પણ તે દિવસે તો નિર્મિશ બહારથી આવીને સીધો સુઈ ગયો હતો. સુગંધા એ બાબતનો વિચાર કરી રહી હતી “શું નિર્મિશ આટલો બધો લાગણીશીલ છે કે પારકી સ્ત્રી નું દુઃખ જોઈ અસ્વસ્થ બની જાય છે? દુનિયામાં તો આવી કેટલીય દુઃખી વ્યક્તિ હોય છે. દરેકના દુઃખે આ રીતે દુઃખી થઈએ તો આપણી જિંદગીમાં સુખ શાેધ્યું પણ ના જડે. જો નાની નાની બાબતમાં થી દુ:ખ શાેધી લેવાય તો સુખ શા માટે ના શોધી લેવાય? જીંદગી જીવવાની છે તો હસી ખુશી ને શા માટે ના વિતાવવી?”

સુગંધા વિચાર્યા જ કરત પણ ત્યાં બાજુની રૂમ ખુલી એ તરફ સુગંધાનુ ધ્યાન ગયું. કદાચ સુગંધાના મનમાં બાજુની રૂમમાં રહેનાર વ્યક્તિને જોવાની ઈચ્છા સહજપણે જાગી હતી. સુટમા સજ્જ થયેલો યુવાન બહાર આવ્યો. હાથની આંગળીઓ પર સોનાની બે વીંટીઓ હતી. ગળામાં સોનાની ચેઈન હતી. લાગતું હતું કે અત્યંત પૈસાદાર ઘરનાે નબીરો છે. છતાં પત્ની સાથે આવો વ્યવહાર…!!

સુગંધાએ ઘડિયાળમાં જોયું, રાતના સાડા નવ થયા હતા. આવી મનોરમ્ય જગ્યાએ રાત્રે આ યુવાન પત્નીને મૂકીને ક્યાં જતો હશે? રૂમનું બારણું ખુલ્લું હતું. પાછળ તેની પત્ની બારણું બંધ કરવા આવી ત્યારે સુગંધા એ યુવતી સામે જોયું. એક જ દ્રષ્ટિ માંડ મળી હશે અને બારણું તરત બંધ થઈ ગયું. આછા ગુલાબી રંગની નાઈટીમાં યુવતી સુંદર લાગતી હતી. થોડી ક્ષણો સુગંધાને થયું એ અજાણી યુવતી પાસે જાય અને પૂછે શું થયું હતું? કોણ જાણે પતિ-પત્નીને શા માટે ઝઘડા થતા હશે ? પોતાના સાત વર્ષના દાંપત્ય જીવનમાં તાે ક્યારેય ઝઘડો થયો ન હતો . આ યુવતી અેના માબાપને છોડી અહીં આવી હશે અને અહીં પ્રેમ મળવાને બદલે પતિનો માર!

સુગંધા રાતના અગિયાર વાગ્યા સુધી ગેલેરી માં બેસી રહી. ત્યાં સુધી બાજુવાળો યુવાન પાછો આવ્યો ન હતો . બીજા દિવસે સવારે પણ નિર્મિશ ઉદાસ જ હતો. સુગંધા નિર્મિશ પાસે જતા બોલી “આજે તો આપણે દિલ્હી જવાનું છે. પાછા જતાં પહેલાં બધાં માટે થોડી ખરીદી કરી લઈએ. હજી તો આપણે કોઈના માટે કંઈજ ખરીધું નથી.”

“સુગંધા! મારી તબિયત ઠીક નથી. તું એકલી જ જઈને ખરીદી કરી આવ. તેં અહીંનું બજાર જાેયેલું છે અને કાેના માટે કેવા પ્રકારની ખરીદી કરવી એનું વ્યવહારુ જ્ઞાન મને નથી. તું ખરીદી કરી આવ પછી આપણે દિલ્હી જતાં રહીયે.”

સુગંધાએ મનાેમન નીસાસાે નાંખ્યો. એ મસુરી આવી ના હોત તો સારું થાત. પતિનું હાસ્ય છીનવાઈ ગયું હતું. અરે ક્યાંય પણ જવાનું હોય તો નિર્મિશ હાસ્ય સહિત કહેતો “સેવક સેવામાં હાજર છે.” અને આજે. .. પરંતુ જતાં પહેલાં ખરીદી કરવી જરૂરી હતી.

સુગંધા ખરીદી કરીને પાછી ફરી ત્યારે દાદરની સામે જ આવેલી બાજુની રૂમ ઉઘાડી હતી. અને આશ્ચર્યજનક બાબત તો એ હતી કે એ યુવતી ની બાજુમાં નિર્મિશ બેઠો હતો. પ્રથમ તો સુગંધાને આંખો પર વિશ્વાસ જ ના બેઠો. નિર્મિશ એક અજાણી યુવતી સાથે! બંનેની પીઠ બારણા બાજુ હતી. સુગંધાની રુમ પણ ખુલ્લી હતી.

સુગંધાને થયું કે એ નિર્મિશને બૂમ પાડે પણ ત્યાં જ નિર્મિશનો અવાજ સંભળાયો “નિકેતા, જિંદગીમાં મારે ખાતર તું દૂખ ભોગવતી આવી છું. ગઈ કાલે તારો રડવાનો અવાજ હું ઓળખી ગયો હતો. મેં રાત કઈ રીતે વિતાવી એ તને નહીં સમજાય. નિકેતા, તારું રુદન મારાથી સંભળાતું નથી. લગ્ન પહેલા પણ… અને અત્યારે પણ …”

“નિર્મિશ મને તો દુઃખ સહન કરવાની આદત પડી ગઈ છે. પણ હું તારા આંસુ નહીં જોઈ શકું. બસ મારે તને હસતાે જોવો છે -ખુબ હસતાે…” સુગંધા બારણાં પાસે મુર્તિમંત બનીને ઉભી રહી. પુરુષનું આવું સ્વરૂપ! સાત સાત વર્ષ સુધી મારી સાથે રહ્યો છતાં પણ મન પારકી યુવતીમાં…! તાે અત્યાર સુધી હું જેને સુખ માનથી આવી એ મારો ભ્રમ હતો!? ખરા દિલથી જે પુરુષ પોતાની પત્ની ને પ્રેમ ના કરી શકે એની સાથે જિંદગી વિતાવવા નો શું અર્થ? નિર્મિશ કરતાં તો નિકિતા નો પતિ સારો…દિલની કડવાશ બહાર કાઢે છે.

સુગંધા ને લાગ્યું કે તે હવે અહીં ઉભી રહી શકશે નહીં. સુગંધા પાછળ ફરતી હતી ત્યાં જ રાતવાળા યુવાનને દાદર ચડતો જોતાં જ સુગંધા એ એક પળમાં નિર્ણય લઈ લીધો. સીધી નીકેતાના રુમમાં દાખલ થઈ બોલી, ” નિકેતા …”નિર્મિશ તથા નિકેતા બંનેની નજર સુગંધા પર પડી. અજાણી યુવતી પોતાના નામથી સંબોધે તે તેથી આશ્ચર્યચકિત નેત્રે નિકિતા સુગંધા તરફ જોઈ રહી. ત્યાં સુધીમાં તાે નિકેતા નો પતિ રૂમમાં દાખલ થયો.

નિર્મિશ અને નિકેતા બંને ગભરાટ અનુભવી રહ્યાં હતાં. ત્યાં જ સુગંધા બોલી, “નિકેતા! તું પણ મસુરી માં છું એ મને ખબર જ નહીં. બાજુબાજુની રૂમમાં રહેવા છતાં પણ આપણે એકબીજાને જોયા જ નહીં! આ મારા પતિ…” અને નિર્મિત તરફ આંગળી કરી. નિકેતાનાે ગભરાટ હાસ્યમાં બદલાઈ ગયો. નિર્મિશના માેં પર પણ હાસ્ય આવી ગયું. બે હાથ નિકેતા તરફ જાેડયા. નિકેતા એ પણ એના એન્જિનિયર પતિની ઓળખાણ કરાવી.

સુગંધાને થયું હવે બધુ વાતચીત કરવાનો અર્થ નથી તેથી તે બોલી “આવજે નિકેતા ! અમારે અત્યારે દિલ્હી જવું છે. મારું સરનામું….” અને સુગંધાએ પર્સમાંથી કાર્ડ કાઢયું. નિર્મિશના નામનું હતું. ઉપર સુગંધા એ પોતાનું નામ લખ્યું જેથી નિકેતા સુગંધાનુ નામ જાણી શકે.

સુગંધા અને નિર્મિશ જ્યારે પોતાની રૂમમાં આવ્યાં ત્યારે નિર્મિશ કે સુગંધા બન્નેમાંથી કોઈ કશું જ ન બોલી શક્યું. સુગંધાના માેં પરનું હાસ્ય વિલાઇ ગયું હતું. નિર્મિશ પણ ઉદાસ હતો. બે કલાક સુધી બંને ચૂપ રહ્યા. કદાચ સાત વર્ષના દાંપત્ય જીવનમાં પ્રથમ વખત આટલું લાંબુ મૌન બંને વચ્ચે રહ્યું હશે. આખરે મૌન તોડતા નિર્મિશ જ બોલ્યો “સુગંધા! તું મને માફ કરીશ?”

છતાં પણ સુગંધા ચુપ રહી. નિર્મિશ બોલ્યો “સુગંધા ! તેં સમયસૂચકતા ના વાપરી હોત તો નિકેતાની જિંદગી બરબાદ થઈ જાત …”છતાં પણ સુગંધા મૌન રહી ત્યારે નિર્મિશ અકળાઈ ઊઠયાે, ખુરશી લઈ ગેલેરીમાં બેસી ગયો. નિર્મિશની આંખમાં આંસુ આવી ગયા હતા.

સુગંધા નિર્મિશ પાસે આવી બાેલી “તેં મને રાત્રે જ કહ્યું હોત તો …” આખરે સુગંધા બોલી એ જ નિર્મિશને મન બસ હતું. ” નિર્મિશ! તમારી વાતો સાંભળી મને સખત આઘાત લાગેલો, પરંતુ થયું કે તું મને જ્યારે આટલો ભરપૂર પ્રેમ આપે છે તો તારા ભૂતકાળને કારણે તારી સાથે ઝઘડો કરી તને દુઃખી કરવા નો શો અર્થ? અને વાત રહી સમય સૂચકતાની…એ તો સ્ત્રી નો સહજ ગુણ છે. એક સ્ત્રીને આપત્તિમાંથી બચાવી એ શું ખોટું છે? અને એવી સ્ત્રી કે જેને મારાે પતિ ચાહતો હોય…” સુગંધા અટકીને આગળ બોલી, ” નિર્મિશ! આપણી પ્રિય વ્યક્તિને જે પ્રિય હોય એ આપણને પણ પ્રિય હોવું જ જોઈએ ને?”

“તો શું સુગંધા તે મને માફ કરી દીધો?

“ના…માફી મારે માગવાની છે કે તારા જેવા પતિ માટે ખરાબ વિચારી લીધું. નિર્મિશ ! આપણે તો ભવોભવ સાથે રહેવાનું છે, ખુશ રહેવાનું છે અને વર્તમાનમાં જીવવાનું છે. ભૂતકાળમાં નહીં.

“સુગંધા એક વાત કહું ? લાગે છે કે મારા મા-બાપે તારી પસંદગી યોગ્ય જ કરી છે. તને ભવોભવની સાથી બનાવતા ખરેખર હું મારી જાતને ધન્ય ગણીશ.”

વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮

 
Leave a comment

Posted by on સપ્ટેમ્બર 24, 2020 માં Nayna Shah

 

એકના એક


આપણામાં કહેવત છે, કે ,”દીકરી ને ગાય દોરે ત્યાં જાય” એ વાત સુલભા ના કિસ્સામાં લગભગ લાગુ પડે છે. બાકી સુલભા એટલે સર્વ ગુણ સંપન્ન.

રુપ માં તો એની બરોબરી કોઈ કરી શકે એમ છે જ નહીં .ભણતર ની તો વાત જ જવા દો, સુલભા એન્જીનીયર થઇ ત્યાં સુધી કોઈને પણ ગોલ્ડ મેડલ મેળવવાની તક આપી નથી. રૂપ અને ગુણ નો સુભગ સમન્વય ભાગ્ય જોવા મળે. મા-બાપે જે નિર્ણય લીધો એને માથે ચઢાવ્યો. શું વધારે પડતી આદર્શતા એ સ્ત્રીની નિયતી છે? પિયરમાં મા બાપનું કહ્યું કરવું, સાસરીમાં સાસુ-સસરા અને પતિ નું કહ્યું કરવું અને ઘડપણમાં દીકરાઓ નું કહ્યુ કરવું. પણ સ્ત્રીની પોતાની ઈચ્છા નું શું ? જો એ એની ઇચ્છા પ્રમાણે વર્તે તો એની પર આઝાદ હોવાનો સિક્કો લાગી જાય છે.

આટલી સુંદર છોકરી માટે માબાપે આ કુટુંબ શોધ્યું? પોતે તો પોતાની ઇચ્છા મુજબ વર્તન કર્યું આજે સુલભા માટે કશું વિચાર્યું જ નહીં. બધા જાણતા હતા કે, સુલભા ની ઈચ્છા ડોક્ટર શાલીન સાથે લગ્ન કરવાની હતી. ખરેખર તો સુલભા અને ડોક્ટર શાલિની જોડી કામદેવ અને રતિ જેવી હતી. જોનારાની આંખો ઠરે એવી હતી. ડોક્ટર શાલીન એકનો એક હતો. પૈસે ટકે ઘણો સુખી હતો. શરૂઆતથી જ એની પ્રેક્ટિસ ઘણી સારી ચાલતી હતી. બંને કુટુંબો વચ્ચે ખાસ્સો ઘરોબો હતો. બંને કુટુંબ ખાનદાન હતા. મજાની વાત તો એ હતી કે બંને એક જ જ્ઞાતિના હતા છતાંય સુલભા ના ઘરવાળાનો ખાસ્સો વિરોધ હતો.

સુલભા કહેતી કે મા-બાપનો વિરોધ કરી પ્રેમ ની ઈમારત ઊભી ના કરાય. દુનિયામાં મા-બાપ જ સંતાન નું ભલું ઇચ્છે છે. એમના વિરોધ પાછળ પણ કંઈક તો કારણ હશે જ એમનો જે કંઈ પણ નિર્ણય હશે તે મને મંજુર છે. હું જાણું છું કે મારા મા બાપ સિવાય કોઈ પણ આ દુનિયામાં મારું ભલું વિચારી ન શકે. સુલભાના વિચારો આદર્શ હતા. સુલભા ના વ્યક્તિત્વમાં ઈચ્છા હોવા છતાં પણ કોઈ કંઈ ખામી કાઢી શકે એમ નહોતું.

જયારે સુલભા ને સાસરે વળાવી ત્યારે તેના મમ્મી રજનીબેન સુલભા ની બહેનપણી ઓ વચ્ચે થતી ગુસપુસ સાંભળી રહ્યા હતા. એટલું જ નહીં મનમાં વિચારતા હતા કે આજકાલની પેઢી ટીકાઓ કરી જાણે છે પરંતુ એકવાર ,.. માત્ર એકવાર પણ મને આવીને પૂછ્યું હોત તો હું એમને સમજાવી શકત કે વાસ્તવિકતા શું છે? તમે જિંદગીની માત્ર ચમક દમક જોઈ શકો છો પરંતુ આ બધું પ્રાપ્ત કરવા કેટલો ભોગ આપવો પડે છે એ આ લોકો શું સમજી શકે? આ બધાને મારે કઈ રીતે સમજાવું કે સોનાને અગ્નિમાં તપવું પડે છે. હા, રજનીબેન અને એમના પતિનો વાંક માત્ર એટલો જ હતો કે એમને સુલભા માટે સંયુક્ત કુટુંબ પસંદ કરેલું સુલભા ને પાંચ જેઠ અને ત્રણ નણંદો હતી. એ ઘરમાં સૌથી નાની વહુ બનીને જવાની હતી. બહેનપણીઓ કહેતી કે હવે તારે દરરોજ રસોઈયાની જેમ તપેલા ચઢાવવા ઉતારવા પડશે. નોકરીએ જતા પહેલા રસોડામાં મદદ કરવી પડશે. જ્યારે તારી મમ્મી તો જો માત્ર બે જણ વચ્ચે તુ, ઘરમાં જ રહેવાનું કાંઈ તકલીફ જ નહીં. બાકી તારી મમ્મીને તો કોઈ જેઠ દિયર કે નણંદ નહીં પિયરમાં પણ કોઈ ભાઇ-બહેન નહિ. પતિ ની બધી મિલકત ઉપરાંત તેના મા બાપ ની મિલકત કોઈ લાગ્યો-ભાગ્યો નહીં તારે તો તારા સસરાની ગમે તેટલી મિલકત હોય એના કેટલા ભાગ પડવાના? તારી આખી જીન્દગી ઢસરડા કરવામાં જવાની. આ બધું તારી મમ્મી કે તારા પપ્પા વિચાર્યું નહીં.

રજની બેન આ બધી બહેનપણીઓ ની વાતો સાંભળતા હતા. એમને ઘણું દુઃખ થતું હતું કે એમના વિષે જે ધારણાઓ આ છોકરીઓ કરે છે તે કેટલી મૂર્ખામી ભરેલી છે. એ લોકો માને છે કે હું નોકરી નથી કરતી,ઘરમાં જ રહું છું લહેર કરું છું પરંતુ શું નોકરી કરનાર જ કામ કરતા હોય છે? નોકરી કરતાં પણ એમને અનેક ઘણી જવાબદારી ઉઠાવવી પડે છે, પરંતુ સમાજમાં જે સ્ત્રીઓ નોકરી કરતી હોય એની પર દરેક જણ દયા ખાઈને કહેતું હોય કે બિચારી ઘરની અને બહારની બંને જવાબદારી સ્વીકારે છે. પરંતુ એ લોકો સમજતા નથી કે નોકરી તો નિયત સમયની હોય એમાં રવિવારની રજા હોય, જાહેર રજા હોય, અને સમય પણ દસથી છ નો હોય. છ વાગ્યા પછી જવાબદારી મુક્ત. જ્યારે એક ગૃહિણી ને તો ક્યારેય રવિવાર ભોગવવા મળતો નથી. તે ઉપરાંત ચોવીસે કલાક પોતાના કામને સમર્પિત હોય છે છતાં પણ સમાજ એની નોંધ લેતું નથી. ત્યારે તો કહેવામાં આવે છે કે એમાં શું એ તેની ફરજ હતી.

રજની બહેન પોતે ડોક્ટરેટની ડિગ્રી ધરાવતા હતા. પગાર પાંચ આંકડામાં હતો તે ઉપરાંત પતિ તો એકનો એક હતો તેમની પાસે ઢગલે પૈસો હતો. પિયરમાં પણ બે હાથે વાપરે તો ખૂટે નહીં એટલો પૈસો હતો અને એ પોતે આ બધાની વારસદાર હતી. પતિ પ્રેમાળ હતો, સંસ્કારી કુટુંબ હતું સાસુ-સસરા દિકરી જેટલો પ્રેમ આપતા હતા જ્યારે એ નોકરીએ જતી ત્યારે સુલભા ને એના સાસુ જ સાચવતા. ખૂબ લાડ લડાવતાં હતા હતા. સ્વાભાવિક છે કે મનુષ્યને મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય. જીવન ખૂબ સરળતાથી વિતતુ હતું. જીવનમાંથી દુ:ખ શબ્દ ની બાદબાકી થઇ ચૂકી હતી. જાણે કે જીવનના શબ્દકોશમાં દુઃખ શબ્દ લખવાનું ઈશ્વર ભૂલી ગયો હતો. પતિનો ભારે દબદબો હતો. નોકરીમાં રજની બેન નું ખૂબ માન હતું.

પરંતુ એક વખત એવું બન્યું કે એના સાસુ પડી ગયા. એ સાથે જ એમને મગજમાં ઈજા થઈ શરીરનો એક હિસ્સો જુઠો પડી ગયો. હવે તો સુલભા ને સાચવવા નો પ્રશ્ન ઊભો થયો. થોડા દિવસ તો એના મમ્મીએ સુલભા ને સાચવી પરંતુ દિવસે દિવસે એમનું શરીર કથળતું જતું હતું. વધારે પડતી અશક્તિ લાગતી હતી. એ દરમિયાન સુલભાના પપ્પાનું અવસાન થયું. હવે સુલભાના માથે સાસુ અને એની મમ્મી બન્ને ની જવાબદારી આવી ગઈ હતી. ડોક્ટરોએ કહ્યું કે એની મમ્મીને કેન્સર છે તેથી ઓપરેશન કરાવવું પડશે. જ્યારે રજનીબેનના સાસુ તો જાતે કંઈ કરી શકતા નહોતા, તેથી તેમણે સાસુ માટે બાઈ રાખી તો એના સાસુ બોલી ઊઠ્યા ,”માની ચાકરી જાતે કરવાની અને સાસુ માટે બાઈ રાખવી .ખરેખર આંગળીથી નખ વેગળા એ વેગળા.” વહુ ને દીકરીની જેમ રાખીએ તોય લાગણી તો એની માની જ થાય, સાસુ ની નહિ. સાસુ અને માની જવાબદારીઓ વચ્ચે અટવાતા રજનીબેને નોકરી છોડવાનો નિર્ણય લઈ લીધો. માને પણ સમજાવવા પ્રયત્ન કર્યો ,”કે મમ્મી હું તને ચોવીસ કલાક ની નર્સ રાખી આપુ છું. જે તારી સંભાળ લેશે અને હું તો અહીં આવતી જતી રહીશ.”

ત્યારે એની મમ્મી બોલી ઉઠ્યા,”લોકો ઈશ્વર પાસે દીકરો એટલે જ માંગે કે પાછલી ઉંમરમાં એમની સેવા ચાકરી કરે. બાકી દીકરી તો પારકુ ધન. પારકે ઘરે ગયા પછી એને આપણી લાગણી થાય જ નહિ”

રજનીબેને નોકરી છોડી દીધી હતી. સુલભા ની જવાબદારી તો હતી જ તે ઉપરાંત સાસુ અને મમ્મી બન્નેને સાચવવાના હતા .એકના એક હોવાના કારણે જવાબદારી વહેંચી પણ શકતા નહોતા. મમ્મીને કહ્યું કે, “મમ્મી તું મારે ત્યાં આવતી રહે તો મારે દોડાદોડ ના થાય. “

ત્યારે એની મમ્મી તાડૂકી ઊઠી અને બોલી, “હવે એટલું જ બાકી હતું કે મારે પાછલી ઉંમરમાં દીકરીને ત્યાં રહી એના રાેટલા તોડવાના હતા. “

રજનીબેન અકળાઈ જતા હતા. સુલભા મોટી થતી જતી હતી,એને ભણાવવાની, સ્કૂલે લાવવા લઈ જવાની જવાબદારી, એનું ધ્યાન રાખવાનું ,ઉપરાંત એની સાસુ તથા મમ્મીનું ધ્યાન રાખવાનું. પૈસા હોવા છતાં પણ એ બાઈ રાખી શકતી ન હતી. બંનેની અપેક્ષા રજની બેન માટે જ રહેતી હતી. પતિ પોતાની પત્નીની સ્થિતિ બરાબર સમજતો હતો. પરંતુ મમ્મીને કંઈ કહેવા જાય તો કહે મને ખબર છે કે દીકરાને નાનેથી મોટો કર્યા પછી એની બાયડી નો થઈ જાય એને મા માટે લાગણી થાય જ નહીં.

સાસુ ને સમજાવવા જાય તો સાસુ કહે મેં તો દીકરી આપીને દીકરો લીધો હતો પણ મને શું ખબર કે પારકા એ આખરે પારકા જ રહે. પારકા પોતાના ના થાય.

આમ તો બંને કુટુંબ સંસ્કારી હતા પરંતુ અપેક્ષા અને બિમારીએ તેમને અભદ્ર શબ્દો ના પ્રયોગો કરવા મજબૂર કર્યા હતા પ્રયોગો કરવા મજબૂર કર્યા હતા.

રશ્મિબેન ની ઈચ્છા હતી કે સુલભા મારા કે મારા પતિની જેમ એકની એક ના રહે કારણ એકના એક પુત્ર કે એકની એક પુત્રી સાસરી અને પિયર વચ્ચે સમતુલા જાળવી ના શકે. સાચા દિલથી કરવા જાય તો પણ જાણે-અજાણે એવું લાગે કે એક પક્ષને અન્યાય થઇ રહ્યો છે.

સુલભા માટે જે છોકરો પસંદ કર્યો હતો એ એમની જ્ઞાતિ નો તો હતો જ પરંતુ એ જ્યારે પીએચડી કરતો હતો ત્યારે વારંવાર રજનીબેન ની મદદ લેવા આવતો. એ રજનીબેન સાથે ઘણો હળી મળી ગયો હતો. તે ઉપરાંત જ્યારે રજની બેન એ જાણ્યું કે આ યુવાન સંયુક્ત કુટુંબમાં રહે છે ત્યારે એકાદ વાર પીએચડી માટે ના લેખ તૈયાર કરી આપવાના બહાને પણ એમને એ કુટુંબ જોડે ઘરોબો કેળવ્યો હતો. બધા સંસ્કારી હતા. એક બીજાનું કામ કરી લેવામાં પોતાની જાતને ભાગ્યશાળી માનતા હતા. જ્યારે સુલભાના પતિના ભાભીના મમ્મી દવાખાને હતા ત્યારે સુલભાના પતિના બધા ભાઈઓ તથા ભાભીઓ વારાફરતી દવાખાને રહેતા. જવાબદારી જાણે કે વહેંચાઈ જતી હતી. એકબીજાને મદદરૂપ થવાની જાણે કે હોડ લાગી હતી. સંયુક્ત કુટુંબમાં પણ આ ઘોર કળીયુગમાં આવાે સંપ જોઈ રજની બેને નક્કી કર્યું હતું કે એકનો એક ડોક્ટર શાલિન ગમે તેટલો સારો હોય પરંતુ મારી દીકરી માટે એ ના ચાલે. જે દશા મારી થઈ છે એ દશા મારી દીકરીની ના થવી થવી જોઈએ. બધા ભલે માનતા હોય કે એકના એક દીકરા કે દીકરી ને બધી જ મિલકત મળી જાય છે, પરંતુ એમને કેટલી જવાબદારીઓ ઉઠાવવી પડે છે એ કોઇ જોઇ શકતું નથી. રજની બેન મનમાં ખુશ હતા કે સમાજ કે સુલભા ની સખીઓ ગમે તે કહે ,પણ મેં મારી દીકરીનો લગ્ન માટેનો નિર્ણય બરાબર કર્યો છે, એમાં તો મારા સમગ્ર જીવનનો નિચોડ હતો.

‌શ્રીમતી નયના શાહ,
‌વડોદરા
‌મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮

.

 
Leave a comment

Posted by on મે 27, 2020 માં Nayna Shah

 

વચલો માર્ગ


વચલો માર્ગ

‌યજ્ઞેશની ધારણા સાચી હતી. યામા બારણામાં ઊભી ઊભી એની રાહ જોઈ રહી હતી અને મમ્મીનો ગુસ્સાથી લાલ પીળો થતો ચહેરો બિલકુલ એની કલ્પના મુજબનું જ ચિત્ર ઉપસ્થિત હતું. ઓફિસની બહાર નીકળવાનું યજ્ઞેશ ને ગમતું નહીં .ઘણીવાર થતું કે ઓફિસથી છૂટીને સીધા કોઈ બસુખથીમા બેસી રહેવું .

‌કુદરતના સાનિધ્યનો પણ એક નશો હોય છે .યજ્ઞેશ નાનપણમાં વારંવાર બાગમાં જઇને બેસતો. બાગની લોનમાં આળોટવા નીઈચ્છા થતી. પણ એ તો નાનપણ ના દિવસો હતા જ્યારે એ રિસાતો ત્યારે મમ્મી સામેથી કહેતી, “યજ્ઞેશ બેટા ચાલ હું તને આજે બાગમાં લઈ જઈશ. ” આ સાંભળતા યજ્ઞેશ રીસાવાનું ભૂલીને મમ્મીને વળગી પડતો અને ઉત્સાહભેર કહેતો, કે ,”તું મમ્મી કેટલી સારી છે .”મમ્મી તો હજી પણ એટલી જ પ્રેમાળ હતી સાક્ષાત વાત્સલ્યની મૂર્તિ હતી. પરંતુ કેટલાય સમયથી મમ્મી નું વર્તન વિચિત્ર લાગતું હતું . મમ્મીના ગુસ્સામાં પણ પ્રેમ જ નીતરતો હતો .મમ્મી નો મીઠો ગુસ્સો સહન કરવાની અત્યાર સુધી યજ્ઞેશ ને મજા પડતી .અરે ,યજ્ઞેશ ગ્રેજ્યુએટ થયો તોપણ મમ્મી જોડે તો નાનો બાળક બનીને જ રહેતો. ક્યારેક મમ્મીને ગુસ્સે કરતો .તો ક્યારેક મમ્મીને સોનેરી સપના ના જગતમાં લઈ જઈ વાત્સલ્ય ના વહેણ માં તણાઈ માં તણાવતો.આજે મમ્મી પણ એ જ છે અને યજ્ઞેશ પણ એજ છે. ‌હજી પણ એને મમ્મીના ગુસ્સામાં કડવાશ લાગતી નથી .એક માના ગુસ્સામાં કડવાશ હોય પણ ક્યાંથી શકે ? પરંતુ આ વાત યામા ક્યારેય સમજી શકશે નહીં એની યજ્ઞેશ ને હવે ખાતરી થઇ ચૂકી હતી

‌યામા ની યાદે યજ્ઞેશ ના શરીર મા આનંદ ની લહેર ઉઠી. પરંતુ બીજી જ પળે મન દુઃખ થી ભરાઈ ગયું હતું. યામા પ્રેમાળ પત્ની હતી. લગ્નના છ મહિના માં યામા એ યજ્ઞેશ નું જીવન સુખ થી ભરી દીધું હતું. યામા મમ્મીની પસંદ હતી માટે યજ્ઞેશે પસંદ કરી હતી. થોડાક વિરોધ સાથે કે યામા શ્રીમંત ઘરની યુવતી છે એ આપણા જેવા મધ્યમ વર્ગના કુટુંબમાં ભળી ન શકે ત્યારે મમ્મી એ દલીલ કરેલી, ” બેટા જન્મ કયા કુટુંબમાં લેવો એ મનુષ્યના હાથની વાત નથી પણ એના સંસ્કાર એનું ઘડતર મુખ્ય વાત છેઅને બીજી એક વાત એક સ્ત્રી સરળતાથી બીજી સ્ત્રીને સમજી શકે એટલી સરળતાથી તમે પુરુષોના સમજી શકો યામાં ગમે તે કુટુંબની હોય પરંતુ એનું હૃદય પ્રેમથી ભરેલું છે પ્રેમાળ હૃદય ને ભળી જવા માટે શ્રીમંત કે મધ્યમ વર્ગના કુટુંબ સાથે કંઈ લેવા દેવા નથી. “યામા મમ્મીની પસંદ હતી .જો કે યજ્ઞેશ પણ એના રૂપથી આકર્ષાયો હતો અને લગ્નની ઉંમરે એક યુવક કોઇ યુવતીના રૂપમાં મોહી પડે તો બીજું કંઇ જ જોવાનીસુઝ ભાગ્ય ધરાવતો હોય છે. ના પસંદ કરવાનો સવાલ જ ઉપસ્થિત થતો ન હતો .

‌લગ્ન બાદ બહારગામથી પાછા ફરતા યામા એ પુષ્કળ ખરીદી કરી હતી. મમ્મી માટે પણ સિલ્ક ની બે સાડીઓ ખરીદી હતી. જે જોઈ મમ્મીએ હૃદયમાં આનંદ છુપાવતા કહેલું ,”બેટા મારે હવે આ સાડીઓ પહેરીને ક્યાં જવાનું છે ?તમારી હરવા-ફરવાની ઉંમર છે .અમારી તો જિંદગી પૂરી થવા આવી. “એ જ વખતે યામા એ મમ્મીના માેં પર હાથ રાખીને કહેલું ,”મમ્મી હવે પછી આવી વાતો ના બોલતા કારણકે અમારે તો તમારી ખૂબ જરૂર છે “અને મમ્મી ના હૈયામાં હેતની હેલી આવી હતી .ત્રાંસી નજરે યજ્ઞેશ સામે જોઈ જાણે કહી રહ્યા હતા, “જોઈને મારી પસંદ! “યજ્ઞેશ એ વખતે ઈશ્વરને મનોમન પ્રાર્થના કરી રહ્યો હતો કે હંમેશ આ કુટુંબમાં આવો જ પ્રેમ ભર્યો વર્તાવ રહે .પરંતુ ઈશ્વરે તો જાણે યજ્ઞેશ ની પ્રાર્થના પ્રાર્થના સ્વીકારી જ ન હતી.

‌બહારગામથી પાછા ફર્યા બાદ યામાની રોજ ની ફરમાઈશ હતી ,સાંજે બહાર ફરવા જવાની. યજ્ઞેશ ને ઓફિસથી પાછા ફરવાના સમયે યામા તૈયાર રહેતી. અત્યાર સુધી યજ્ઞેશ ઓફિસથી આવી મમ્મીના હાથની ગરમાગરમ ચા અને નાસ્તો કરવા ટેવાયેલો હતો. પરંતુ યામા ના આવ્યા બાદ આવ્યા બાદ આ ક્રમ તૂટી ગયો હતો . કારણ કે યામા ચા પીતી ન હતી, જે થી હંમેશાં સાંજે પાઈનેપલ જ્યુસ કે એપલ જ્યુસ પીતા હતા .વળી ક્યારેક મમ્મી ડાઇનિંગ ટેબલ પર યજ્ઞેશ અને યામાની જમવા માટે રાહ જોઈ બેસી રહેતી અને મોડેથી પાછા ફરેલા યજ્ઞેશ અને યામાં કહેતા ,”મમ્મી તમે અમારી ખોટી રાહ જુઓ છો ,તમારે જમી લેવાનું. અમે તો બહાર થી જમીને પણ આવી એ. અમારું કંઈ નક્કી નહીં. ત્યારે યજ્ઞેશની મમ્મીને થતું કે, યામા તું આજ કાલની આવી છું . હું તો વર્ષોથી યજ્ઞેશ સાથે જ જમવા ટેવાયેલી છું પરંતુ યજ્ઞેશને દુઃખ થશે એમ માનીને ચૂપ રહેતા.

‌એકાદ મહિના બાદ મમ્મીએ દબાયેલા અવાજે યજ્ઞેશ ફરિયાદ કરેલી બેટા, દરરોજ ના જ્યુસ કે બહારના નાસ્તા કે જમવાના ખર્ચ ના પોષાય. ‌ અત્યારે તમારી ઉંમર હરવા-ફરવાની છે એ વાત સાચી પણ જવાનીમાં બચત કરવી પણ જરૂરી છે. યજ્ઞેશે ચૂપચાપ મમ્મીની વાત મમ્મીની વાત સાંભળી લીધી .એ જ રાત્રે યામા એ પણ દબાયેલા અવાજે પતિને ફરિયાદ કરેલી, તમારા મમ્મીને તો આપણી ઈર્ષ્યા આવે છે. આપણે સાથે હરીએ ફરીએ કે નાસ્તા કરીએ ,એ વાત જ મમ્મી સહન થતી નથી. તમારા મમ્મી પુષ્કળ ઈર્ષાળુ છે.

‌યજ્ઞેશે પત્ની ફરિયાદ પણ કોઈ જાતના વિરોધ વગર સાંભળી લીધી. પરંતુ દિવસે દિવસે સ્થિતિ વધુ ને વધુ વણસવા લાગી હતી. મમ્મી નાની નાની બાબતોમાં યામા વિરુદ્ધ ફરિયાદ કરતી અને યામા પણ ‌ વાતને મોટું સ્વરુપ આપી ઝગડી પડતી. ક્યારેક યજ્ઞેશ યામાને કહેતો, “યામા તું એટલા બધા શ્રીમંત કુટુંબમાંથી આવી છું કે તારામાં સહનશીલતાનો સતત અભાવ રહ્યો છે ” ત્યારે યામા યજ્ઞેશ સાથે ઝગડી પડતી ,”તો શું મને એમ જ કહેવા માગો છો કે તમારી મમ્મી સાચી અને સારી છે, બધો વાંક મારો છે કારણ હું શ્રીમંત કુટુંબમાંથી આવી છુ .મારી કઈ જિંદગી છે કે નહીં? ‌મને ખબર છે કે તમને તમારા મમ્મી મારા વિરુદ્ધ ભડકાવે છે, આ સમાજ માં સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે .”એટલું કહેતા યામા ધ્રુસકે ધ્રુસકે રડી પડી .

‌કયારેક યજ્ઞેશ મમ્મી ને સમજાવતા કહે તો ધ્રુસકે રડી પડી મમ્મી ને સમજાવતા કહે તો તો સમજાવતા કહે તો તો ને સમજાવતા કહે તો તો સમજાવતા કહે તો ને સમજાવતા કહે તો તો રડી પડી મમ્મી ને સમજાવતા કહે તો ” મમ્મી એ શ્રીમંત કુટુંબમાંથી આવેલી છે. ધીરે ધીરે આપણા ઘરના રીત રિવાજ થી ટેવાઈ જશે.એની સાથે સમજાવટથી કામ લે, “ત્યારે પ્રેમાળ મમ્મીનું રુદ્ર સ્વરૂપ પ્રગટ થતું અને કહેતી તો શું તું એમ કહેવા માગે છે કે હું ઝઘડાખોર છું ?હું ઝઘડો કરું છું ?હું સમજાવટથી કામ નથી લેતી ?આટલા વર્ષો સુધી મમ્મી સારી લાગી અને આજ કાલની આવેલી છોકરી તને ચડાવે છે અને હું તને ખરાબ લાગુ છુ? બૈરી આવતાં તારી માને ભૂલી ગયો .યજ્ઞેશ મેં તને બૈરીઘેલો ધાર્યાે ન હતો “.અને મમ્મી પણ ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડી.

‌યજ્ઞેશ પત્ની કે મમ્મી કોઈનું પણ રુદનજોઈ શકતો નહીં .પરંતુ હવે તો આ રોજનો ક્રમ હતો. મમ્મી કે પત્ની બંનેમાંથી કોઈને પણ એ ખુશ કરી શકતો નહીં. ‌મધુર સંબંધોમાં તિરાડ પડ્યા પછી સ્નેહાળ સંબંધની અપેક્ષા રાખવી વ્યર્થ છે. એ વાત યજ્ઞેશ ને સમજાઈ ચૂકી હતી. દરરોજ ના કલેશથી યજ્ઞેશ મનોમન ભાંગી પડ્યો હતો .મનમાં એક લઘુતાગ્રંથિ બંધાઈ ગ઼ઈ હતી કે એ કોઈને પણ સુખી કરવા સક્ષમ નથી .એક સમયનો વાચાળ યજ્ઞેશ મિતભાષી બની ચૂક્યો હતો. મિત્ર મંડળી તથા યામા પણ જક કરતી હતી કે હવે જુદા જ રહેવું જોઈએ. પરંતુ યજ્ઞેશ મમ્મી ને છોડવા તૈયાર ન હતો . વડીલો શિખામણ આપતા કે તારી પત્નીને પિયર મોકલી દે ,પરંતુ યજ્ઞેશ યામાને છોડવા તૈયાર ન હોતો .યજ્ઞેશ ઈચ્છતો હતો કે યામા અને મમ્મી સંપીને રહે.

‌તે દિવસે પણ યામા બારણામાં રાહ જોતી ઊભી હતી. યજ્ઞેશ ને જોતા જ બોલી પડી ,”ચાલો આપણે હમણાં ને હમણાં જ ઘર છોડીને જતા રહીએ જતા રહીએ .હું એક પળ પણ આ ઘરમાં રહેવા માંગતી નથી .”ત્યાં યજ્ઞેશ ની મમ્મી પણ આગ્નેય નેત્ર સાથે બોલી ઉઠી ,” યજ્ઞેશ આ ઘરમાં હું યામા સાથે રહી શકું એમ જ નથી. તું આ ઘર છોડીને જતો રહે .એક વાર ઘરની બહાર નીકળીને ઘર તાે વસાવી જોતાે ખબર પડશે .”

‌યજ્ઞેશ પણ ઈચ્છતો હતો કે આખરે એક દિવસ આ રોજ-રોજની ઝંઝટમાંથી મુક્તિ મળે તો સારું. પરંતુ મમ્મીના શબ્દો યજ્ઞેશ ના હૃદય સોંસરા ઉતરી ગયા હતા. તેણે એ જ ઘડીએ મનોમન નક્કી કરી લીધું હતું કે ગમે તેમ થાય એ સુંદર મજાનું ઘર વસાવીને મમ્મીને બતાવી દેશે.

‌યામા જુદા નીકળ્યા બાદ ઘણીવાર કહેતી “યજ્ઞેશ, મારા પપ્પા પાસે પુષ્કળ પૈસાે છે એ ક્યારેક કામ લાગશે? “પરંતુ સ્વાભિમાની યજ્ઞેશ યામાના પિયરનાે પૈસાે સ્વીકારવા તૈયાર થયો જ નહીં. પરિણામ સ્વરૂપ માત્ર ગ્રેજ્યુએટ યજ્ઞેશ સતત પૈસાનો અભાવ અનુભવવા લાગ્યો હતો .યામા પર ઘણીવાર યજ્ઞેશ ને ગુસ્સો ચડતો .પ્રેમાળ મમ્મી ની યાદે વીવળ બની જતો .મમ્મીનું વાત્સલ્ય એ કેમે ભૂલી શકે એમ ન હતો . જ્યારે યામા ઈચ્છતી હતી એવી સ્વતંત્રતા એને મળી ચૂકી હતી.યજ્ઞેશ ની સીમિત આવકનો વિચાર કરી પોતાની રહેણીકરણીમાં કાંઈ ફેરફાર કરવા એ તૈયાર ન હોતી .આખરે યજ્ઞેશે એક નિર્ણય લઈ લીધો. સવારથી ટ્યુશનો ચાલુ કરી જમી અને સીધો ઓફિસ જતાે અને સાંજે પાર્ટટાઈમ નોકરી કરી ઘેર જમી ને ફરી પાછા ટ્યુશન કરી મોડી રાત્રે ઘેર પાછો ફરતો .

‌યજ્ઞેશ દિવસે દિવસે કામમાં ખૂપતો જતો હતો. યામા ને જિંદગી નીરસ લાગવા માંડી હતી .ક્યારેક એ યજ્ઞેશને કહેતી ,”તમે આ પૈસા પાછળની દોડ છોડી દો, મારે તો માત્ર તમારો સાથ જોઈએ છે.” ત્યારે યજ્ઞેશ પ્રેમાળ સ્વરે કહેતો, ” યામા આ બધું તારા માટે જ છે ને ? ટૂંક સમયમાં જો જે આપણી પાસે કેટલા બધા પૈસા થઈ જાય છે .હું તને સોને મઢી દઈશ. તારા બધા શોખ પુરા કરીશ. “

‌ટૂંક સમયમાં જ ઓફીસમાંથી લોન લઈને યજ્ઞેશે ઘર ‌તૈયાર કર્યું .આ સમય દરમિયાન યામા ને વધુંને વધું એકાકીપણું અનુભવવા લાગી હતી. ઘણીવાર થતું કે યજ્ઞેશ ના મમ્મી પાસે જ રહ્યા હોત તો સારું થાત!

‌કહેવાય છે કે બે દુશ્મનોને પણ એક રૂમમાં પૂરી રાખવામાં આવે તો એમની વચ્ચે સ્નેહની સરવાણી ફૂટી નીકળે ! અને યજ્ઞેશ ની મમ્મી એની દુશ્મન પણ ક્યાં હતી ?

‌યજ્ઞેશે ઘર તૈયાર થતાં જ મમ્મીને કહ્યું ,” મમ્મી,હવે તો તારો ગુસ્સો ઓછો થયો જ હશે .મમ્મી, મેં એક નાનું ઘર લીધું છે ,તું જોવા નહીં આવે?

‌યજ્ઞેશ ની મમ્મીની આંખમાં આંસુ આવી ગયા. કેટલો મહેનતુ પુત્ર છે! કોણ જાણે આવેશની ક્ષણમાં પોતે ગમે તેમ બોલી ઊઠી હતી ! યજ્ઞેશ મમ્મી સામે જોતાં બોલી ‌ઊઠ્યો, ” મમ્મી મને તારી આંખના આંસું બિલકુલ પસંદ નથી. મને મારી હસતી મમ્મી ગમે છે .જેની આંખમાંથી હંમેશ સ્નેહની સરિતા વહે છે એવી મમ્મી ગમે છે. “

‌સાંજે યજ્ઞેશ ને ઘેર વહેલો પાછો ફરતો જોઈને યામા ખુશ થઈ ગઈ હતી . એમાંય યજ્ઞેશ સાથે એના મમ્મી ને જોતા જ યામાની આંખો માં આંસુ આવી ગયા. યજ્ઞેશ દિવસો બાદ વહેલો ઘેર પાછો ફર્યો હતો. યજ્ઞેશ ને જોતા જ યામા બોલી ઉઠી, “સારું કર્યુ તમે મમ્મી ને લઈ આવ્યા. મમ્મી હવે અહીં જ રહેશે.” યજ્ઞેશે પત્ની સામે જોયું. તેની આંખમાંથી પશ્ચાતાપના આંસુ સરી રહ્યા હતા. ‌એના અવાજમાં સચ્ચાઈનો રણકો હતો. યજ્ઞેશ ના મમ્મી યામાને ભેટી પડતાં બોલ્યા, “યામા બેટી, રડ નહીં , તમને લોકોને ક્યાંથી ખબર હોય કે તમારા વગર મારા ઘર અને દીલની શું દશા થઈ છે? યજ્ઞેશતેા મહેનતુ છે. પથ્થર માંથી પૈસા પેદા કરે એવો હોનહાર પુત્ર છે પણ હું એને સમજી ના શકી અને યામા, તારી ઉંમર હરવા-ફરવાની છે…” કહેતા યજ્ઞેશ ના મમ્મીથી ધુ્સકુ મુકાઈ ગયું. યામા પણ રડતા રડતા બોલી ઉઠી, ” પણ મમ્મી , પથ્થર માંથી પૈસા પેદા કરવા કેટલો પરિશ્રમ કરવો પડે છે, કેટલો ત્યાગ કરવો પડે છે ….” બંને એકબીજાના આંસુ લૂછી રહ્યા હતા.

‌યજ્ઞેશ દૂર ઉભો ઉભેા વિચારી રહ્યો હતો કે મેં અપનાવેલો માર્ગ યોગ્ય હતો .મમ્મી અને પત્ની થી મોટા ભાગનો સમય દૂર રહી બંનેને એકબીજાની પૂરકતા નો ખ્યાલ આપવો જરૂરી હતો. તેથી તટસ્થપણે મમ્મી કે પત્નીનો પક્ષ લીધા વગર દૂર રહેવાનો વચલો રસ્તો અપનાવ્યો તે યોગ્ય હતો .નહીં તો આવું સ્નેહાળ દ્રશ્ય જોવા નો લાહવો એ ક્યારેય માણી શક્યો ન હોત .

‌શ્રીમતી નયના શાહ,
‌વડોદરા
‌મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮

 
Leave a comment

Posted by on મે 20, 2020 માં Nayna Shah

 

સમજણનું સરવૈયું


સમજણનું સરવૈયું

હવે થાક લાગે છે. આ શહેરનો ટ્રાફિક એટલે તોબા. એમાંય લોકોમાં ‘ટ્રાફિક સેન્સ’ નથી. અલય એકશ્વાસે બોલી ગયો. આ બોલતી વખતે એના મોં પર થાક વર્તાતો હતો. એ વાત સમજતા એની પત્ની ઉલૂપીને વાર નાં લાગી.

ઉલૂપી ઈચ્છતી હતી કે અલયની નિવૃત્તિની ઉંમર ક્યારનીય વીતી ગઈ છે. અરે, સરકારે પણ નિવૃત્તિની ઉંમર જે નક્કી કરી છે, એ સમજી-વિચારીને કરી છે. નહીં તો, મનુષ્યના લોભનો ક્યાંય અંત નથી અને પૈસાનું તો શું છે કે જેટલો હોય એટલો વપરાયા કરે.

ઉલૂપીને થતું કે એના પતિને કહી દે કે, તમે નોકરી છોડી દો, પરંતુ એને ડર લાગતો હતો કે એનું વક્તવ્ય કદાચ એના પતિને પસંદ નાં પડે તો શું ? કદાચ અલયનો સમય ઘરમાં પસાર ના થાય તો શું ? અત્યાર સુધી તો ઘર ભર્યું ભર્યું હતું. દિકરો અમેરિકા જતો રહ્યો અને દિકરી પરણીને સાસરે જતી રહી હતી.

ઉલૂપીએ પતિ સાથે પાંત્રીસ વર્ષ વિતાવ્યા હતા. છતાં પણ એને લાગતું હતું કે એ એના પતિને સમજી શકી નથી કારણ કે પતિ સાથે બેસી એકાંતમાં વાત કરવાનો સમય જ ક્યાં મળતો હતો ? કારણ કે દરેક વ્યક્તિનો સ્વભાવ દરેક વ્યક્તિ દીઠ બદલાતો હોય. ઘણી વાર વ્યક્તિ ઘરમા સિંહ બનીને ફરતો હોય, પરંતુ ઓફીસમાં ગરીબ ગાય જેવો હોય એનાથી ઊંધું પણ હોઈ શકે, પરંતુ અલયને સમય જ ક્યાં હતો – ન તો ગુસ્સો કરવાનો કે ન તો પ્રેમ કરવાનો.

જયારે બાળકો ઘરમાં હતા ત્યારે બાળકો ક્યારેક પોતાની મુશ્કેલી પૂછી અલય પાસે ભણવા બેસી જતા. ત્યારબાદ તરત અલય લેપટોપ લઈને બેસી જતો. એની પાસે સમયનો હંમેશ અભાવ રહેતો. ઓફીસનું થોડું ઘણું કામ પણ ઓનલાઈન કરી લેતો.

ઉલૂપીની જિંદગી જ જુદી હતી. સવારથી ઊઠીને એના નિત્યકર્મમાં એટલી તો ઓતપ્રોત થઇ જતી…જાણે કે એ બહારની દુનિયા જ ભુલી જતી. સવારે પતિનો ડબ્બો તૈયાર કરવાનો, બાળકો જમીને જતા, પરંતુ ઉલૂપી નાહી-ધોઈને રસોડામાં જતી રહેતી. પતિના ગયા બાદ સેવાપૂજા અને રસોઈ કરી બાળકોને જમાડી પોતે સફાઈ કામમાં લાગી જતી.

આમ તો ઉલૂપીને પૈસાની ક્યારેય તકલીફ ન હતી. પતિની કમાણી ઘણી હતી. પૈસાની કમી ન હતી. પરંતુ ઉલૂપીને કામવાળીનું કામ ક્યારેય પસંદ ન હતું.

અલયને તો એ વાતની ખબર પણ ન હતી કે ઉલૂપી બધુ કામ જાતે કરે છે. ઉલૂપીના મોંએ ક્યારેય ફરિયાદનો એક શબ્દ પણ ન નીકળતો. બાળકો અને પતિ બધાય ઉલૂપીથી ખુશ હતા. દરેકનો સમય સચવાતો હતો. દરેક જણ એનાથી ખુશ એટલા માટે હતું કે કોઈનેય ફરિયાદ કરવાની ક્યારેય તક મળતી ન હતી. કપડાને ઈસ્ત્રી પણ સમયસર થઇ જતી.

બાકી તો ઘરનો સામાન ખરીદવાનો હોય. ઓનલાઈન ન હતું ત્યાં સુધી ઘરનો વેરો, લાઈટ બીલ, ટેલીફોન બીલ પણ એ જાતે ભરવા જતી. લાઈનમાં ઉભી રહેતી તો પણ એ ક્યારેય ફરિયાદ ન કરતી હતી. માર્કેટ જઈને શાક લઇ આવવું કે કરિયાણું ખરીદવા જવું એ જાતે જ જતી. ઉલૂપીને તો કોઈ વાહન પણ આવડતું ન હતું. બસમાં જતી અને બસમાં આવતી ક્યારેય રીક્ષામાં જતી ન હતી. એટલું જ નહી, લગ્ન વખતે વહુનાં કપડા અને દાગીના પણ એ વહુને લઈને ખરીદી આવતી હતી. દિકરીનાં લગ્ન વખતે વહેંચણીનાં કવરો, સાડીઓ, દાગીના બધીય વ્યવસ્થા એ જાતે કરતી. કોઈનેય તકલીફ આપ્યા વગર એ એકલા હાથે બધુ કરતી.

અલયને તો પૈસા આપવા સિવાય ખાસ કંઈ કરવાનું જ ન હતું. લગ્નનાં થોડા દિવસ પહેલા જ અલયે રજાઓ લીધી હતી. પરંતુ ખાસ કંઈ કામ કરવાનું બાકી રહ્યું ન હતું. પરંતુ આટલી ઝીણવટભરી તૈયારી ઉલૂપીએ કઈ રીતે કરી એવો વિચારવાનો સમય અલય પાસે ન હતો. અલયે તો બંને લગ્નમાં લોકોની ‘વાહ વાહ’ મેળવી હતી. બધા અલયની વ્યવસ્થાના બે મોંએ વખાણ કરતાં હતા.

દીકરા-દિકરીનાં લગ્ન પતાવ્યા બાદ ઉલૂપીને ઘરમાં કામ ઘણું ઓછું રહેતું હતું. લગ્ન પછી તરત દિકરો અમેરિકા જતો રહેલો. દિકરી પણ ભણ્યા બાદ તરત નોકરી કરતી હતી ત્યારે ઉલૂપી એકના બદલે બે ટીફીન તૈયાર કરતી. એણે તો ક્યારેય દિકરી કે વહુની મદદની આશા રાખી ન હતી. એ પોતે પણ માનતી હતી કે, “અપેક્ષા એ બધા દુઃખનું મૂળ છે.” એણે તો પતિ કે દીકરા-દિકરીની મદદની આશા રાખી જ ન હતી. તેથી જ સુખી હતી. બધુ ચૂપચાપ સહન કરવું એ તો જાણે કે એનો સ્વભાવ બની ગયો હતો. એ પોતે પણ માનતી કે ઝગડવા માટે તો અનેક કારણો મળી રહે છે, પરંતુ નહી ઝગડવા માટે એક જ કામ કરવાનું હોય છે કે મૌન રહેવું. તેથી તો એ ઘણી જ સુખી હતી. પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરવું એથી વધું સારૂ શું હોઈ શકે ?

ઘરમાં સાફસૂફી કર્યા બાદ પણ હવે ઉલૂપી પાસે ઘણો સમય વધતો હતો. એને તો પહેલેથી જ ટી.વી. કે કમ્પ્યુટરનો શોખ હતો જ નહી. પતિ હંમેશ લેપટોપ પર કામ કર્યા કરતાં હતા, પરંતુ એણે ક્યારેય પતિને કહ્યું ન હતું કે મારે પણ કમ્પ્યુટર શીખવું છે. જોકે પતિના કામમાં માથું મારવાની એની આદત ન હતી. વળી પતિએ પણ ક્યારેય પૈસાનો હિસાબ માંગ્યો ન હતો. એની પાસે ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ, એટીએમ કાર્ડ બધુ જ હતું, પરંતુ એ સમજી-વિચારીને ખર્ચ કરતી હતી.

બાળકો નાના હતા, ક્યારેક બીમાર પડે, કે ક્યારેક વાલીઓની મીટીંગ હોય, બધામાં એ એકલી જ જતી. એટલું જ નહીં, બાળકોને જાતે ભણાવી ટ્યુશન ખર્ચ પણ બચાવતી હતી.

ધીરે ધીરે ઉલૂપીને એકલું લાગતું હતું. મનમાં થતું પણ હતું કે પતિ નિવૃત્ત થાય તો એકબીજા સંગાથે જિંદગીનાં બાકીનાં વર્ષો વિતાવી શકીએ. પરંતુ એ નિર્ણય એના પતિએ લેવાનો હતો કે નિવૃત્ત થવું કે ના થવું.

આખરે જયારે અલયે નિવૃત્તિનો નિર્ણય કર્યો ત્યારે ઉલૂપી ઘણી ખુશ હતી. પતિ સાથે પાછલી ઉંમર માં શાંતિથી રહી શકશે. જોકે ઉલૂપીને પોતાની ઈચ્છા બીજા ઉપર ઠોકી બેસાડવાની ટેવ ન હતી.

જયારે અલય ઘેર રહેવા લાગ્યો ત્યારે એણે જોયું કે ઉલૂપી તો આખો દિવસ ઘરમાં કામ કર્યા કરે છે. પોતે તો અઠવાડિયે એક વાર રજા પણ ભોગવતો હતો. ત્યારે ઉલૂપી જાતજાતની વાનગીઓ બનાવી પતિને જમાડતી હતી અને ભારે ભોજન બાદ અલય સુખેથી સૂઈ જતો.

પરંતુ હવે તો અલય જોતો કે આ બધી વાનગીઓ બનાવવામાં પુષ્કળ મહેનત પડે છે. અને આ બધુ કર્યા બાદ પાછળથી સાફસૂફી કરવી પણ અઘરી હતી. થોડા દિવસો સુધી તો અલય નિવૃત્ત થયો એટલે મળવા આવનારની સંખ્યામાં પણ વધારો થતો ગયો ત્યારે પણ ઉલૂપીએ બધાને ચા-નાસ્તો પ્રેમથી કરાવ્યા હતા. થાક શબ્દ તો જાણે કે એના જીવનનાં શબ્દકોષમાં હતો જ નહી, પરંતુ અલયને આટલાં વર્ષોમાં જે નહોતું સમજાયું એ હવે આ નિવૃત્તિનાં સમયમાં સમજાયું. મનમાં થતું હતું કે પોતે તો આરામદાયક નોકરી કરી. જિંદગીમાં બધી જાતની જે સગવડ ભોગવી એ બધુ આ આદર્શ પત્નીને કારણે જ થયું છે. પરંતુ આ વાત એને હજી હમણા લગ્નનાં આટલા વર્ષો બાદ સમજાઈ હતી. કારણ કે ઘર સંસારમાં અલયે ક્યારેય માથું માર્યું ન હતું તથા ઉલૂપીને જેટલા પૈસા વાપરવા હોય એટલા વાપરવાની છૂટ હતી.

ઉલૂપીતો પોતાની રીતે ઘડાયેલી જ હતી. એણે તો અલયની નિવૃત્તિ બાદ શાક લેવા માર્કેટ જાય ત્યારેય પણ અલયને કહ્યું ન હતું કે તમે હવે નિવૃત્ત છો તો તમે મને સાથે લઇ કારમાં ચલો; જલદી પાછા આવી જવાશે.

પરંતુ જયારે ઉલૂપી થેલો ભરીને શાક લઈને આવી ત્યારે અલયે કહ્યું, “ઉલૂપી, તું છેક ત્યાં ગઈ હતી તો મને કહેવું હતું ને માર્કેટ જવું છે, તો હું તને કારમાં લઇ જાત. હવેથી તારે મને કહેવાનું, આવી રીતે તડકામાં આટલું બધુ વજન ઊંચકીને આવવાનું નહી.” ઉલૂપી પતિ સામે જોઈ જ રહી. ક્યારેય એના પતિએ એના વિશે વિચાર્યું ન હતું અને હવે તો જાણે કે પતિને ઉલૂપી સિવાય કંઈ વિચારવાનો સમય જ ન હતો. એવામાં થોડાક જ દિવસો બાદ ઉલૂપીને ચાલવામાં થોડીક તકલીફ હોય એ વાત જોનારને તરત ખબર પડી જાય એવી હતી. તો પણ ઉલૂપીએ એ વિષે પતિને ફરિયાદ કરી નહીં. કારણ ફરિયાદ કરવાનું એના સ્વભાવમાં જ ન હતું.

પરંતુ એક વખત અલય જ ઉલૂપીને આગ્રહ કરી ડોક્ટર પાસે લઈ ગયો ત્યારે ખબર પડી કે ઉલૂપીને ઘસારાની અસરને કારણે દુઃખાવો થાય છે અને એના કારણે જ એ બરાબર ચાલી શકતી ન હતી. ડોકટરે દવા ઉપરાંત ઘણાં બધા સૂચનો આપેલા કે, ‘હવેથી પલાંઠી વાળવાની નહીં, નીચે બેસવાનું નહીં, નીચા વળીને કામ કરવાનું નહીં. બને તેટલો આરામ કરવાનો. દરરોજ ચાલવા જવાનું વગેરે…વગેરે…’ એ રાત્રે અલયે જ યાદ રાખી ઉલૂપીને દવા આપી. બીજે દિવસે ઉલૂપી જે પાંચ વાગે સવારે ઉઠવાની ટેવવાળી એ રાત્રે ઊંઘની દવાને કારણે સવારે છ વાગ્યા સુધી સૂઈ રહી હતી. એ જયારે નિત્યકર્મથી પરવારી ત્યારે ડાઈનીંગ ટેબલ પર ચા તૈયાર હતી. એ સમજી શકતી ન હતી કે દૂધ, ચા, ખંડ ક્યાં મુક્યા છે એ પણ પતિને ખબર ન હતી તો ચા ક્યાંથી તૈયાર થઇ ?

અલય ઉલૂપી સામે જોઈ હસીને બોલ્યો, “આમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. હવે ઈન્સ્ટન્ટ ચાનાં પેકેટ મળે છે. ગરમ પાણીમાં નાંખીને હલાવી કાઢવાના, ચા તૈયાર. તારે ઉઠીને તરત ચા જોઈએ છે અને મને પણ એ જ ટેવ છે. કાલે જ હું થોડા પેકેટ લઇ આવેલો.”

અલયનું આ નવું સ્વરૂપ હતું. ત્યાર બાદ ઉલૂપી નાહીને નીકળી કે તરત એના નવા બુટ તૈયાર હતા. અલય બોલ્યો કે, “ઉલૂપી, ડોકટરે તને ચાલવાનું કહ્યું છે એટલે કાલે બજારમાં જઈ હું તારા માટે સ્પોર્ટ્સ શુઝ લઇ આવ્યો. તારા ચંપલ જોડે લઇ ગયેલો એટલે એ માપેમાપ લઇ આવ્યો. હું તો તૈયાર જ છું ચલ. આપણે બંને સવારના ઠંડા પહોરે ચાલવા જઈએ. નજીકમાં મંદિર પણ છે, દર્શન પણ કરતા આવીશું.” જયારે ઉલૂપી ચાલીને આવી ત્યારે એનો પૂજાપાઠનો સમય તો થઇ ગયો હતો. એ પૂજાની રૂમમાં ગઈ તો એના આશ્ચર્ય વચ્ચે મંદિરમાં નાનું ટેબલ મુકવામાં આવેલું. અલયે કહ્યું, “ઉલૂપી, હવે તું આ નાના ટેબલ પર બેસીને જ પૂજા કરજે. પલાંઠી વાળીને નહીં, હવે આ ટેબલ આપણી પૂજાની રૂમમાં જ રહેશે.”

ઉલૂપી જમીને ઊઠી કે તરત કામવાળી બાઈ આવી ગઈ. ઉલૂપીએ કહ્યું, “મેં કામ નથી બંધાવ્યું.” ત્યારે અલયે કહ્યું, “હવેથી તારે કચરા-પોતા કે વાસણ કરવાના નથી. કપડા તો વોશિંગ મશીનમાં ધોવાય જ છે ને ? તેથી જ મેં બાજુવાળાને કહેલું કે તમારી કામવાળી હવેથી અમારે ત્યાં કાયમ માટે કામ કરશે. હવે આપણે એને છોડવાની નથી.”

ઉલૂપીની આંખમાં આંસુ આવી ગયા. એનો પતિ આટલો બધો પ્રેમાળ હતો એની એને અનુભૂતિ થવા લાગી. પોતે તો પતિના વિશે એમ જ વિચારતી હતી કે એનામાં મસ્ત રહેનાર માણસ છે, પણ એ આટલો બધો પ્રેમાળ છે, એવી એને ક્યાં ખબર હતી ?

ઉલૂપીની આંખમાં આંસુ જોઈ એનો પતિ બોલી ઊઠ્યો, “ઉલૂપી, તું મનમાં કંઈ પણ ઓછું ના લાવીશ. હું તારા માટે કંઈ પણ કરું છું એ કંઈ ઉપકાર નથી. નિવૃત્તિ બાદ હું સતત જોતો રહ્યો કે તું ઘરમાં કેટલું કામ કરે છે અને આખી જિંદગી તે મારા માટે કેટકેટલું કર્યું. હું તો આંકડાનો માણસ છું. હું તો દર વર્ષે નફા-નુકશાનનું સરવૈયું બનાવતો હતો, પરંતુ જિંદગીમાં જયારે મેં જિંદગીનું સરવૈયું બનાવવાનું વિચાર્યું ત્યારે ખબર પડી કે મેં તો તારા માટે, તારા સમર્પણના બદલમાં કંઈ જ કર્યું નથી. હવે ઉલૂપી, મારે તારા માટે જીવવું છે, તને ભરપુર સુખ આપીને જીવવું છે. સરવૈયામાં બંને બાજુ સરખી હોવી જોઈએ. તેં તો જિંદગીમાં બધાંને બધુ જ આપ્યું છે. માત્ર અમે જ તને કંઈ આપ્યું નથી. મારી નિવૃત્તિએ તો મને સમજાયું કે સરવૈયું બનાવવા માટે બંને પક્ષે સમજણ હોવી જોઈએ. હવે મારે બંને બાજુ સરખી કરવી છે અને હવે મારે બનાવવું છે સમજણનું સરવૈયું”

વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮

 
Leave a comment

Posted by on મે 13, 2020 માં Nayna Shah

 

‘પુ’નરક


વાર્તા: ‘પુ’ નરક

વરેણ્યાની આંખમાં આંસુ સુકાતા ન હતા. મમ્મીના મૃત્યુનો આઘાત એ સહી શકી ન હતી એના આંસુ જોઇને કોઈને પણ ખ્યાલ આવે કે વરેણ્યા કેટલી દુઃખી છે.

બેસણું પુરૂ થતા જ વામન બોલ્યો, ““બેસણામાં આવનાર દરેક વ્યક્તિને લીંબુનું શરબત બરાબર આવી રહ્યું. બા તો ઉંમરે ગયા છે પણ દુરથી આવનાર વ્યક્તિ પાણી પીને જતી રહે અને તેય આવા ઉનાળામાં એટલે એવું વિચાર્યું કે લીંબુ શરબત જ રાખવું”, પણ સમાજમાં વાહ વાહ થઇ ગઈ.” વામનભાઈના મોં પર સંતોષ હતો. વરેણ્યાને ગુસ્સો ઘણો આવતો હતો. પરંતુ આ છેલ્લો પ્રસંગ હતો. ગુસ્સો કરીને પણ શું કરવાનું ? ગુસ્સો કરવાથી માણસ સુધરી નથી જતું અને કદાચ હવે સુધરે તોય શું અને ના સુધરે તોય શું ? હવે મોટાભાઈ વામન સાથે કેટલો અને કેવો સંબંધ રાખવો એ એને મનથી નક્કી જ કરી લીધું હતું.

મોટાભાઈ એમના સગા સબંધીઓથી ઘેરાયેલા હતા. એમાં ભાઈની મોટાઈની વાતો વરેણ્યાના કાને પડતી હતી. ભાઈ બધાંને કહી રહ્યા હતા, “બા તો ઉંમરે ગયા છે એટલે એમની પાછળ ‘ગરુડ પુરાણ’ બેસાડીશું. ઉંમરે ગયેલ વ્યક્તિ પાછળ ‘ગીતા’ ના બેસાડાય. અને બાનું બારમું, તેરમું તો ધામધૂમથી કરવું છે.” બધાંને ચાંદીની નાની વાડકીઓ અને જમણવાર તો ખરોજ બા તો દરરોજ તુલસીની પૂજા કરતાં હતા એટલે આવનાર દરેક વ્યક્તિને તુલસીના છોડ આપીશું. જેથી દરેકના ઘરમાં તુલસીની પૂજા થાય. આથી મોટી યાદગીરી બીજી શું હોઈ શકે ?

વરેણ્યાને થયું કે એ બોલે તમે બાને જે યાદગીરી આપી છે એ ઓછી છે ! પોતે બહારગામ રહેતી હતી. સાસુ ના પગે વા હતો એ લાકડીના ટેકે પોતાનું કામ ધીમેધીમે કરી લેતા હતા. પતિને ડાયાબિટીસ હતો તેથી રસોઈમાં પણ સાવચેતી રાખવી પડતી હતી. એની ગેરહાજરીમાં બહારનું ખાવાનું ખાવાથી પતિનો ડાયાબિટીસ વધી ગયો હતો. સસરાને બ્લડપ્રેશર હતું જેથી ઓછા મીઠાનું ખાવાનું કરવાનું હતું. વરેણ્યા બધાની સંભાળ રાખતી હતી. પરંતુ વરેણ્યા એની મમ્મીની ખબર જોવા પિયર જાય ત્યારે આમાંનું કશુય સચવાતું ન હતું. વરેણ્યાને ઘણું દુઃખ થતું હતું. તેથી જ એકવાર એની સાસુએ કહ્યું, “વરેણ્યા તને ઘણું દુઃખ થતું હશે, તું તારી મમ્મીને અહિં લઇ આવ. મેં પણ સાંભળ્યું છે કે તારા મમ્મીને તારા ભાઈ-ભાભી સારી રીતે રાખતા નથી. હવે તો મારી પણ ઉંમર થઇ છે. મને પણ સારી સોબત મળી રહેશે.”

વરેણ્યા સાસુના શબ્દો સાંભળી ખુશ થઇ ગઈ હતી એની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. ખરેખર પોતે નસીબદાર છે કે એને આવું સુંદર કુટુંબ મળ્યું છે ત્યાં જ એના સાસુ બોલ્યાં, વરેણ્યા તારા જેવી સુશીલ ને ખાનદાન વહુ મળવા બદલ અમે ધન્ય થઇ ગયા છીએ.

સાસુ વહુ બંનેને એકબીજાથી પરમ સંતોષ હતો. એક જ દુઃખ હતું. પિયરમાં પપ્પા ન હતા અને મમ્મી બીમાર રહેતાં હતા. ઘરમાં કામકાજ કરી શકતા ન હતા. પરિણામ સ્વરૂપ સતત વહુના છણકાછાકોટા સાંભળવા પડતાં. વરેણ્યા પોતે પણ વિચારતી હતી કે મમ્મીને મારી પાસે લઇ આવું.

વરેણ્યા જયારે પિયરમાં આવી ત્યારે એણે એના મોટાભાઈને કહ્યું, “હું મમ્મીને મારે ત્યાં લઇ જઉં ?”

એ સાંભળતાં જ ભાભી બોલ્યાં, “હા…હા.. કાયમ માટે લઇ જાવને તમારી દાનત પપ્પાની શહેરમાં ખરીદેલી જમીન પર છે. ભાડાની આવક પર છે, લઇ જાવ અને સમાજમાં અમને બદનામ કરો. જેવી તમારી ઈચ્છા.”

“ભાભી, જિંદગીમાં સંપત્તિ કરતાં પણ એક વાત મોટી છે અને તે માબાપના આશીર્વાદ. તમે કહેતાં હોવ તો હું અત્યારે જ લેખીતમાં આપી દઉં કે મારે તમારી મિલકતમાંથી કંઈ પણ જોઈતું નથી.”

“બહું જ સારૂ. અમને બદનામ કરવાની એક પણ તક તમે જતી નહી કરો. સમાજ તો એવું જ કહેશે કે મિલકત છોકરાએ લીધી ચાકરી છોકરીએ કરી. તમે અડધો ભાગ લેશો જ એની અમને ખાતરી છે. તમે તમારી માને લઇ જાવ. જવાબદારી એકલા છોકરાની નથી હોતી છોકરીઓની પણ હોય છે.” ભાભી બોલતાં રહ્યા અને વરેણ્યા ઊઠીને એની મમ્મી પાસે જતી રહી. મમ્મી સંધ્યાકાળે અંધારા ઓરડામાં સૂઈ રહ્યા હતા.

વરેણ્યાએ રૂમમાં લાઈટ કરી. મમ્મીના માથે હાથ ફેરવતા બોલી, “મમ્મી, હું તને લેવા આવી છું તું મારી સાથે મારા ઘરે ચલ.”

“વરેણ્યા હવેથી તું આવું બોલીશ જ નહી, પાછલી ઉંમરમાં હું શું કામ દિકરીના ઘરે જઉં ?” દિકરીનું અન્ન ખાનાર ચાંડાલ થઈને બીજા જન્મે, જન્મે અને હું મરણપથારી એ હોઉં ત્યારે છેલ્લી ઘડીએ મોંમા ગંગાજળ મારો દિકરો અને વહુ જ મુકે. વામન કંઈ આઘોપાછો હોય તો મારા અગ્નિદાહનું શું ? તમે નવા જમાનાના કંઈ સુધરવાના નથી. વાતો કર્યા કરો છો. તમને ક્યાં ખબર છે કે પુત્ર વગર ‘પુ’ નામના નરકમાંથી કોણ છોડાવે ? લોકો મૂરખ નથી કે પુત્ર માંગે છે. પુત્ર જ મા-બાપને તારે, તમે તો પારકા.

વરેણ્યા ને ‘પારકા’ શબ્દ ગમ્યો ન હતો. પોતે તો દિલથી માબાપનું કરવાની ઈચ્છા રાખતી હતી. કેટલી લાગણીથી દોડી આવી હતી. ખરેખર તો પોતે સાસુની દિકરી ન હતી છતાં પણ સાસુ દિકરીની જેમ રાખતી હતી એમણે તો ક્યારેય તું ‘પારકી’ એવો શબ્દ પ્રયોગ કર્યો ન હતો. અને પોતાની સગી મા પર્યાય હોય એમ ચૂપચાપ સહન કરે રાખતી હતી. ભાભી તો જાણે કે પારકી હતી પરંતુ મોટાભાઈ પણ મમ્મીના રૂમમાં ડોકિયું કરતાં નહી. બગડેલી પથારી, ઓળ્યા વગરના વાળ ઘણી બધી વાતોની ચાડી ખાતા હતા. “મમ્મી, તને કેવું છે ?” એવું પૂછવાની એ હિંમત પણ કરતી ન હતી. આટલા બધા દુઃખમાં મમ્મીને માત્ર એક જ સંતોષ હતો કે વામન એને ‘પુ’ નરકમાંથી છોડાવશે. એણે પુત્રને જન્મ આપ્યો છે.

જયારે જયારે એ પિયર જતી ત્યારે મમ્મી ભીનામાં અને ગંદામાં સૂઈ રહેલા હોય. આટલા ગંદામાં અને આટલી ગંધ મારતી હોય એવામાં માણસ કઈ રીતે રહી શકે. પપ્પાની કરોડોની મિલકત હતી તે ઉપરાંત એમને થોડીક દુકાનો પણ ભાડે આપી હતી. ભાડાની આવક પણ હતી. એમણે ધાર્યું હોત તો કોઈ જરૂરિયાતવાળી બાઈ પણ રાખી શક્યા હોત. પણ એમણે એવું કંઈ જ કર્યું ન હતું. મમ્મી માટે પૈસા ખર્ચવા ભાઈ તૈયાર ન હતો. કાયમ કહે કે પૈસા આપતાં પણ માણસ મળતાં નથી. વરેણ્યાને થતું કે એ કહે કે પ્રયત્ન કરવાથી ભગવાન પણ મળે છે તો એક બાઈ ના મળે.

ત્યારબાદ ફરીથી જયારે વરેણ્યા પિયર ગઈ ત્યારે મમ્મી પડખું ફરી નહી શકતા હોવાથી પીઠમાં ચાઠા પડી ગયા હતા તથા એમાંથી લોહી ને પરુ નીકળતા હતા. કોઈએ સાફ કરવાની પણ દરકાર કરી ન હતી. આટલું બધુ દુઃખ એ કઈ રીતે સહન કરી શકતી હશે એ જ એને સમજાતું ન હતું. પોતે તો દુર્ગંધ વેઠીને પણ મમ્મીને સાફ કરીને ચાદર બદલી માથું ઓળી આપ્યું. બધુય એ રડતાં હૃદય કરતી. એ સાસરી છોડી પિયરમાં આવીને રહી શકવાની ન હતી. એની પોતાની પણ જવાબદારી હતી પોતાના સાસરિયા પ્રત્યે. આ તો જન્મદાત્રી હતી. એના તરફ જોવા પણ કોઈ તૈયાર ન હતું.

જયારે મમ્મીના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે એણે માનસિક શાંતિ અનુભવી હતી કે મમ્મી છૂટ્યા.

બેસણા બાદ મોટાભાઈ ભાભીએ કહ્યું હતું, “મમ્મી પાછળ ગરુડ પુરાણ બેસાડવાનું છે. એ વખતે તમે આવી જજો સમાજમાં અમારું ખરાબ ના દેખાય કે એકની એક બહેન છતાંય મમ્મીની મરણવિધિ સુધી પણ હાજર ના રહી.”

વરેણ્યા હાજર તો રહી હતી પરંતુ એણે કહી દીધું હતું કે, “મોટાભાઈ, મમ્મી તમારે ત્યાં જ રહ્યા છે તો મમ્મીની બધી મિલકત પણ તમે જ લેજો. મને મિલકતમાં બિલકુલ રસ નથી.”

ભાભી તરત જ બોલી ઉઠ્યા, “એવી બધી મોંએથી કરેલી વાતો નો કંઈ અર્થ નથી. વકીલને બોલાવી કાયદેસર લખાણ કરી લો. પાછળથી તમે ભાગ માટે દાવો કરો તો અમારું શું ?”

વરેણ્યાને કહેવાનું મન થયું કે બોલીને ફરી જવાનું તમારા કુટુંબમાં હશે. અમારા કુટુંબમાં નથી. છતાંય વ્યક્તપણે બોલી, “સારૂ તમે વકીલ બોલાવી લેજો. હું લખાણ પર સહી કરી દઈશ. કોર્ટમાં પણ હું એવું જ કહીશ.”

ભાઈ-ભાભી તો ખૂબ જ ખુશ હતા. બધી મિલકત પોતાને મળી જવાની હતી.

ત્રીજા દિવસથી ગરુડપુરાણ ચાલુ થઇ ગયું હતું. વરેણ્યાનું મન ક્યાંય લાગતું ન હતું. ગરુડપુરાણ સાંભળતી ગઈ તેમ તેમ એ વધારેને વધારે ઉદાસ રહેવા લાગી.

ગરુડપુરાણમાં નરકના પ્રકારો સાંભળતી હતી. મહારાજ વિસ્તૃત વર્ણન કરી રહ્યા હતા. ‘કૃમિભોજન નરક.’ અરે, એ નરક તો મમ્મીએ જીવતા જીવ વેઠયું છે. દાળ, ચોખા સાફ કર્યા વગરના, એમાં કિલ્લા પડેલા હોય એવી ખીચડી મમ્મીએ ખાધી છે. ‘અસિપત્ર નરક.’ જેમાં તલવારની ઘાર જેવાં પાંદડા પરથી પસાર થવું પડે છે. પરંતુ તલવારની ઘાર જેવી ભાભીની વાણીથી માત્ર પગ નહી પણ આખું શરીર લોહીલુહાણ થઇ જતું હતું. ‘અંધકુપ નરક’ એ પણ મમ્મી પૃથ્વી પર ભોગવી જ ચુકી છે. સંધ્યાકાળે કે રાત્રે પણ મમ્મીના રૂમમાં દીવાબત્તી થતા ન હતા. લાઈટબીલ વધુ આવે એ બીકે પંખો તો હંમેશા ગમે તેવી ગરમીમાં બંધ રાખવામાં આવતો. જો કે ભાઈ-ભાભીની રૂમમાં એ.સી. ચાલુ જ રાખવામાં આવતું. કારણ ભાઈ-ભાભી એ.સી. વગર રહી શકતા ન હતા. મમ્મી બાથરૂમ સંડાસમાં જઈ શકતી ન હતી તેથી પથારીમાં જ બધુ પડ્યું રહેતું એ નરક નહી તો બીજું શું હતું ? પીઠે પડેલા ભાઠામાંથી લોહી-પરુ નીકળતા હતા તે પણ સાફ કરતાં ન હતા. મમ્મી એવી ગંદકીમાં પડી રહેતી હતી એ રૌરવ નરક નહી તો બીજું શું હતું ? મહારાજ ભાઈને કહી રહ્યા હતા તમે પુત્ર છો એટલે તમારી મમ્મીને ‘પુનરક’ માંથી છુટકારો મળશે.

વરેણ્યા રડી પડી હતી. મનમાં થતું કે એ કથા કરનાર મહારાજને જઈને કહે, “મહારાજ, મૃત્યુ બાદ માણસ કયા નરકમાં જાય છે એ તો તમારૂ શાસ્ત્ર કહે છે. હું શાસ્ત્રનો વિરોધ કરતી નથી. પણ મૃત્યુ પછીનું જીવન કોઈ જોવા ગયું નથી. પણ પૃથ્વી પરનું જીવન તો મનુષ્ય જોઈ શકે છે.”

પુત્ર હોવાનું ગૌરવ મમ્મી કરતી હતી. એણે તો જીવતે જીવ મમ્મીને ઘણાં બધા નરકની અનુભૂતિ કરાવી દીધી હતી.

પુત્ર કદાચ ‘પુ’ નરકમાંથી છોડાવતો હોય, પણ એ જ પુત્ર માતાને જીવતેજીવ ઘણાં બધા નરકોની અનુભૂતિ કરાવતો હોય તો મૃત્યુ બાદ નરક ભોગવવાની જરૂર જ ક્યાં છે ?

વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮..

 
Leave a comment

Posted by on મે 3, 2020 માં Nayna Shah

 

વહાલે વળગી


વહાલે વળગી

‘કોણ કહે છે કે ઈશ્વર સાચા દિલની પ્રાર્થના નથી સાંભળતો ? ઈશ્વર, હું તો નાનપણથી ગીતાના પાઠ કરું છું. ગીતાનો બોધ બને એટલો જીવનમાં ઉતારવા પ્રયત્ન કર્યો છે. ‘સ્થિતપ્રજ્ઞ’ હોવું એટલું સહેલું નથી. મને આ બધી પ્રશંશાથી પર રાખજો.’ ચાર્મી ઈશ્વર સામે બેસીને પ્રાર્થના કરી રહી હતી. ચાર્મી જાણતી હતી કે બહાર બેઠેલા લોકો અત્યારે માત્ર અને માત્ર એની પ્રશંશા જ કરી રહ્યા છે પણ ચાર્મીને એ પણ ખબર હતી કે આ લોકો જ એક સમયે એના વિરોધી હતા. ‘ઈશ્વર, ત્યારે પણ હું પ્રાર્થના કરતી હતી કે મારે સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં જીવવું છે. છતાં પણ હું તો એક સ્ત્રી છું. લાગણીથી ભર્યું ભર્યું મારું હૃદય હતું. પરંતુ જગતમાં માબાપનું મૃત્યુ ક્યારેય થતું નથી. માબાપ બાળકમાં એના સંસ્કાર રૂપે જીવતા જ રહે છે. તેથી તો ચાર્મી પરણીને આવી ત્યારે વિપરીત સંજોગોમાં પણ ઈશ્વરને પ્રાર્થના કરતી કે મારા માબાપ ભલે નથી પણ એમના આપેલા સંસ્કાર હંમેશા મારામાં જીવતા રહે. હું એવા સજ્જન માબાપનું સંતાન છું કે ક્યારેય એમની સજ્જનતાને કલંક ના લાગે. જો કે ઈશ્વરે એ વખતે પણ જાણે એની પ્રાર્થના સાંભળી હોય એમ વિપરીત સંજોગોમાં પણ મગજ પરનો કાબુ ગુમાવ્યો ન હતો. બાકી કહેવા માટે એની પાસે ઘણું બધુ હતું.’

નાનપણમાં માબાપનું મૃત્યુ થયું. જો કે એ વખતે મોટો ભાઈ એન્જીનીયર થઇ ગયો હતો. જો કે રીઝલ્ટ આવવાનું હતું એના આગલા દિવસે જ ચારધામની જાત્રાએ ગયેલા માબાપની બસ ખીણમાં પડી ગઈ. ચાર્મી સ્કુલમાં હતી. એક બહેન બારમામાં અને એક બહેન કૉલેજના છેલ્લા વર્ષમાં હતી. મિલકત તો ખાસ ન હતી. છતાં પણ ચારેય ભાઈબહેનો શાંતિથી મોજશોખ કર્યા વગર તો જીવી જ શકે એમ હતું. જેમ જેમ બધા ભણતર પુરૂ કરતાં ગયા તેમ તેમ નોકરી કરતાં ગયા. માબાપ વગરના ઘરની બધી જવાબદારી મોટા દીકરા પર હતી જેથી દિકરીના માબાપ એ ઘરમાં પોતાની દિકરી આપવા તૈયાર જ ના થાય. ધીરે ધીરે બહેનોને પણ લગ્નના નામ પ્રત્યે નફરત થવા માંડી.

ચાર્મીને પણ લગ્નના નામ પર નફરત તો હતી જ પરંતુ લગભગ ચાલીસ વર્ષે એ કોઈકને ઝંખવા લાગી. બહેનપણીઓનો સુખી સંસાર જોઈ એને પણ થવા માંડ્યું કે મારે લગ્ન કરવા જેવાં હતા. મને પણ કોઈ બાળક ‘મા’ કહી બોલાવે, કોઈના માટે હું પણ જિંદગી સમર્પિત કરી શકું. ચાર્મીના મનમાં મંથન હળી રહ્યું હતું. એ જ સમયે એની ઓફીસમાં આવતાં એક કોન્ટ્રાક્ટરના પરિચયમાં આવી. જો કે અલ્કેશ વિધુર હતો. એક બાળકનો પિતા હતો. પુત્રનાં વર્ષ પહેલા જ લગ્ન કરી દીધાં હતા અને પુત્ર તથા પુત્રવધુ અમેરિકા રહેતાં હતા. માતા પણ હયાત ન હતી. ઘરમાં એક સ્ત્રીની જરૂર હતી જ. અલ્કેશનો પુત્ર વારંવાર કહેતો, ‘પપ્પા, તમારી ઉંમર બહું કંઈ મોટી નથી. તમે લગ્ન કરી લો. અમેરિકામાં બંને કાકાઓ કાકીઓ બધા જ સુખી છે. દાદાજી હવે કેટલા વર્ષો ? પછી તમારૂ શું થશે ? પાછલી જિંદગી એકલા કઈ રીતે કાઢશો ? નોકર, રસોઈઓ, ડ્રાઈવર બધુ જ છે પણ આખરે એ લોકો પણ માણસ છે, માંદે-સાજે વાર તહેવાર રજા રાખશે તો તમે શું કરશો ?’

જો કે આવું તો ઘણીવાર બનતું. રસોઈયો ના આવે તો બહારથી ટીફીન લાવવું પડતું. ડ્રાઈવર ના આવે તો પોતે કાર નહી ચલાવતો હોવાથી રીક્ષામાં જવું પડતું અને નોકર ના આવે તો વાસણોના ઢગલા થઇ જતા. ટૂંકમાં ઘરમાં ગૃહલક્ષ્મીની જરૂર હતી.

કુદરતે પણ એ જ સમયે સમાન વિચારની વ્યક્તિઓને મેળવી આપી હતી અને અલ્કેશ તથા ચાર્મી લગ્નગ્રંથિથી જોડાઈ ગયા હતા. આ વાત અલ્કેશના પિતાને બહું ગમી ન હતી. કારણ એમને ભય લાગ્યો કે વર્ષોથી કહ્યાગરો રહેલો પુત્ર પત્નીનો થઇ જશે તો પોતાનું ઘડપણ કઈ રીતે જશે ? અલ્કેશની પત્ની એક પુત્રને જન્મ આપી મૃત્યુ પામી હતી. ત્યારબાદ ઘરનો દરેક નિર્ણય લેવાનું તથા એકચક્રી શાસન અલ્કેશનાં પિતાનું જ રહેતું.

ચાર્મી પરણીને આવી એટલે સૌ પ્રથમ સસરાએ હુકમ છોડેલો. ‘મારે નોકરી કરતી સ્ત્રી ઘરમાં ન જોઈએ. સ્ત્રીઓનું કામ ઘર સંભાળવાનું છે, નહી કે ઘરની બહાર નોકરી કરવા જવાનું. અમેરિકામાં પણ મારી બંને વહુઓ ઘરમાં જ છે. મારો દિકરો ઘણું કમાય છે તારે કાલથી ઘરમાં બેસવાનું છે.’

ચાર્મીએ એ જ વખતે પતિને કહેલું, ‘હું મહીને મારો પચાસ હજારનો પગાર છોડવા તૈયાર નથી. આ બાબત આપણે લગ્ન પહેલા નક્કી જ હતી. બીજું કે મારી ગેરહાજરીમાં પણ આ ઘર ચાલતું હતું. હવે હું નોકર-રસોઈયાના કામ પર ધ્યાન રાખી શકીશ. હું આ ઘરને સંપૂર્ણપણે સમર્પિત રહીશ. મારા વિશે કોઈને કંઈ જ ફરિયાદ કરવાનો મોકો નહી મળે, પરંતુ હું મારી નોકરી નહી છોડું.’

કોઈ પોતાની વાત નો વિરોધ કરે એ વાત જ અલ્કેશના પપ્પા માટે અસહ્ય હતી. તેથી પોતાના પુત્રને હંમેશા વણમાગી સલાહો આપતાં રહેતાં.

‘તારે હવેથી તારા દીકરાને પૈસા મોકલાવવા હોય તો તારી પત્નીથી છાના મોકલાવવાના. ગમે તેમ તોય એ તો સાવકી મા કહેવાય. એને ક્યારેય તારા દીકરા પર પ્રેમ નહી આવે. હા, અને હા જો પત્નીને ધાકમાં રાખવાની, મહીને એકાદવાર પિયર મૂકી આવીશ એવી ધમકી આપવાની. નહી તો કમાતી પત્ની તને દબાવી દેશે. અત્યાર સુધી એમે કમાઈ-કમાઈને ઘણાં પૈસા ભેગા કર્યા હશે. એની પાસબુક જોતો રહેજે……’ એવી ઢગલાબંધ સલાહો અલ્કેશના પપ્પા આપતાં રહેતાં હતા.

જયારે જયારે ચાર્મીને ઓફીસમાં મોડુ થાય એમ હોય ત્યારે ત્યારે અલ્કેશના પપ્પા એમના મિત્રોને અચૂક બોલાવતા અને કહેતાં, ‘જોયું, નોકરી કરતી વહુ કોઈ જ કામમાં આવે નહી. વડીલો પ્રત્યે કોઈને પ્રેમ જ ક્યાં છે ?’

નોકર રસોઈયાના ગયા બાદ ભજીયા, કચોરી, બટાકાવડાની માંગણી ચાલુ જ રહેતી અને આ બધી વસ્તુઓ ચાર્મીના હાથની જ ખાવાની છે એવી માંગણી રહેતી. ચાર્મી જાણતી હતી કે રસોઈયા પાસે એ બનાવી શકત પણ એ જોવા માંગતા હતા કે થાકીને આવેલી વહુ કામ કરે છે કે નહી. જો કે ચાર્મી ના બોલવાનું શીખી જ ન હતી. ત્યાર બાદ તો રાતની મહેફિલ જામતી રહેતી. મોડે સુધી બધા વાતો કરતાં રહેતાં. એ દરમિયાન એકાદ વખત સુપ ઢોળાતા, ખાવાની પ્લેટ હાથમાંથી છૂટતી. આ બધુ નોકર ગયા પછી થતું. મોડે સુધી ચાર્મી ઘર સાફસુફ કરતી. ત્યારે એના સસરા કહેતાં, ‘મોટી ઉંમરની વ્યક્તિઓથી તો આવી ઢોળમ ફોડ થાય જ. ઘરની વહુએ આ બધુ સ્સાફ કરવું જ પડે.’

ચાર્મીને થતું, હું બધુ જ ચૂપચાપ કરું છું છતાંય મારો વાંક જોવામાં આવે છે. ક્યારેક અમેરિકા રહેતી દેરાણીઓનો પણ ફોન આવતો. ‘ચાર્મીભાભી, પપ્પાની બરાબર દેખરેખ રાખજો. મમ્મીની ગેરહાજરીમાં પપ્પાએ બધા છોકરાઓને બહું જતનથી ઉછેર્યા છે. હવે પછી પપ્પાના મોંએ તમારી ફરિયાદ સાંભળવા ના મળવી જોઈએ.’

ચાર્મીને કહેવાનું મન થતું કે પપ્પાએ તમારા પતિઓને પણ બહું જતનથી ઉછેર્યા છે. તો તમે પણ થોડો વખત પપ્પાને તમારે ત્યાં રાખો ને ? પણ એના સંસ્કાર એને એવું બોલતાં રોકતા હતા.

ચાર્મી ઓફીસ જતા પહેલા નિયમિત રીતે એના સસરાને બી.પી. અને ડાયાબીટીસની ગોળીઓ કાઢીને આપી દેતી. જતા જતાય યાદ કરાવતી, ‘પપ્પા, દવા લેવાનું ભૂલતાં નહી.’ આટલી બધી લાગણી રાખનાર ચાર્મીને ક્યારેય સામે લાગણીના બે શબ્દો સાંભળવા મળ્યા નથી. એનું ક્યારેય એને દુઃખ થતું પણ તરત ગીતાનો ઉપદેશ યાદ કરતી.

સસરાના કટાક્ષો ચૂપચાપ સહન કરતી રહેતી અને સાથે સાથે ભગવાનને પ્રાર્થના પણ કરતી કે આ બધુ સહન કરવાની મને તાકાત આપજો કારણ કે આ બધુ ક્યાંક મારી સહનશક્તિ બહારનું ના થઇ જાય.

દિવસો તો એમ જ પસાર થતા રહેત પણ બધા દિવસો એક સમાન જતા પણ નથી. ચાર્મીના સસરા એક દિવસ બાથરૂમમાં પડી ગયા અને સાથે જ લકવો પણ થઇ ગયો. ડોકટરોએ કહ્યું, ‘પ્રયત્ન કરીએ છીએ. એકાદ મહિનામાં કદાચ થોડો ફેર પાડવા માંડશે.’

બિલકુલ પથારીવશ ચાર્મીના સસરા ગભરાઈને રડવા લાગ્યા હતા. ચાર્મી સસરાની પથારી પાસે બેસીને બોલી, ‘પપ્પા, હું તમારી દિકરી જ છું ને ? મારી પાસે ઘણી બધી રજાઓ પડી છે એ ક્યારે કામ લાગશે ! કદાચ રજાઓ નહી મળે તો હું નોકરી પણ છોડી દઈશ. તમે ચિંતા ના કરતાં. તમારી માંદગીમાં હવે ઘરની એક વ્યક્તિની જરૂર છે. તમારા દીકરાને એના ધંધામાંથી સમય મળતો નથી પણ મારે તો નોકરી છે.’

દવાખાનાથી રજા આપ્યા બાદ ચાર્મીએ ડોક્ટરના બતાવ્યા પ્રમાણે કસરતો કરાવવા માંડી. ચાર્મીનાં સસરા જે કંઇ બોલતા એ માત્ર ચાર્મી જ સમજી શકતી હતી – જેમ કલુઘેલું બોલાતું બાળક શું બોલી રહ્યું છે એ માત્ર એની મા જ સમજી શકે. ચાર્મીએ પોતાનું નાનું બાળક હોય એ જ રીતે સસરા જોડે વહેવાર કરવા માંડ્યો. સમજાવી પટાવીને થોડું થોડું કરીને પેટ ભરાય એટલું ખવડાવતી હતી.

ક્યારેક એના સસરા ભાંગી તુટી ભાષામાં બોલતા, ‘જમવાથી મારે સંડાસ જવું પડે અને એ બધુ તારે સાફ કરવું પડે છે. મારે નથી ખાવું.’

પરંતુ ચાર્મી ક્યારેય ફરિયાદ કરતી નહી કે મને ગંધ મારે છે, મને સૂગ ચઢે છે. ધીરે ધીરે ચાર્મીના સસરાને પણ થતું કે એમણે ચાર્મી સાથે ખરાબ વહેવાર કર્યો છે, છતાં પણ ચાર્મી ચૂપચાપ એમની સેવા કરે છે.

બીજી નાની બે વહુઓ સસરાની માંદગીના બહાના હેઠળ પતિ સાથે આવી પણ મોટાભાગનો સમય પિયરમાં જ રહેતી. ક્યારેય સસરા પાસે બે ઘડી બેસતી પણ નહી. અંદર અંદર ગુસપુસ પણ કરતી કે ડોસા પાસે બેસવાથી ‘ઇન્ફેકશન’ લાગશે. જાણે કે ચાર્મી તો પથ્થરની બનેલી હતી.

બે-ચાર દિવસ સાસરીમાં રહીને કહેતા, ‘માબાપ છે ત્યાં સુધી પિયર.’ ઇન્ડિયા આવીએ તો માબાપને મળવા તો જઈએ જ ને. અઠવાડિયા બાદ કહેતાં, ‘છોકરાઓ ત્યાં એકલા છે, અમે તો રહેવા આવેલા, પણ છોકરાઓને અઘરું પડે છે. એટલે જઈએ છીએ. હા, અમારા પતિઓ ભલે અહી રહેતાં.’

ચાર્મીને થતું તમારા પતિ મને રસોઈ કે ઝાડું પોતું કરવામાં મદદ નથી કરવાના કે નથી એમના પપ્પાના ‘ડાયપર’ બદલવાના. ખરેખર તો તમારા પતિઓએ આવીને મારું કામ વધાર્યું છે. પિતાની સેવા કરનાર પુત્રવધુ પર હુકમ છોડવાની એક પણ તક જતી કરતાં ન હતા. બંને દિયરો સતત ભાભી પર હુકમો છોડતા રહેતાં હતા. ‘ભાભી, ચા લાવજો, ભાભી આજે હું એક વાગે જમવા આવીશ.’ તો બીજો દિયર કહેતો, ‘મારે બેંકમાં કામ છે. હું અગિયાર વાગે જમીને નીકળીશ.’ ‘અમે અત્યાર સુધી રસોઈયાની ઠંડી રસોઈ ખાધી હવે તો અમે તમારા હાથની ગરમાગરમ રોટલી જ ખાઈશું.’ ક્યારેક ચાર્મીને સસરાને નવડાવતા ધોવડાવતા મોડુ થતું ત્યારે તરત એના વિરુદ્ધ બોલાતું કે, ‘નોકરી કરી ખાધી છે. માબાપને ત્યાંથી કશું શીખીને આવી છે જ ક્યાં ?’

ચાર્મીના સસરા આ બધુ ચૂપચાપ સાંભળતાં પણ બોલી શકતા ન હતા. આંખોમાંથી અશ્રુ પ્રવાહ વહેતો જ રહેતો હતો.

ધીરેધીરે ચાર્મીના સસરા સાજા થવા લાગ્યા. લાકડીના ટેકે ઘરમાં હરતા ફરતા થઇ ગયા. બંને દીકરાઓ અમેરિકા પાછા જતા રહ્યા. હા, જતા જતા પપ્પાને સુચના આપતાં ગયેલા કે તમારા પેન્શનના પૈસા સાચવી રાખજો. વેડફી ના કાઢતાં. કારણ અલ્કેશના ભેગા રહો છો અને અલ્કેશ તમારા પૈસા નથી લેતો. તમે તમારૂ વિલ કરી કાઢજો.

ચાર્મીના સસરા સાજા થયા બાદ ચાર્મીને એના સસરા વચ્ચેનો સંબંધ બદલાઈ ગયો હતો. હવે એ સસરા વહુ નહી પણ બાપ દિકરી બની ગયા હતા. ચાર્મીએ તો બાપનો પ્રેમ જોયો જ ન હતો. જે જોયો હતો એ યાદ જ ન હતો.

પરંતુ ચાર્મીના સસરાએ મારતા પહેલા વિલ બનાવી દીધું હતું કે ‘મારી કુંવારી મોટી બહેનની બધી મિલકત મારા નામે છે. મારું પેન્શન તો છે જ. મારી પાસે ઘણી મિલકત પણ છે જે મેં હજી સુધી કોઈને કહ્યું નથી. માબાપ માટે તો બધા બાળકો સરખા જ હોય છે. પરંતુ મારા બાળકો જે કાર્ય કરવામાં ઉણા ઉતર્યા એ કામ પુત્રવધુએ કર્યું. જયારે અલ્કેશ ચાર્મીને પરણીને લાવ્યો ત્યારે જ મને થતું હતું કે આ છોકરી સંસ્કારી નહી હોય તો ? મેં એની પરીક્ષા લેવા માટે જ એને ખૂબ ત્રાસ આપ્યો. પણ ચાર્મી ચૂપચાપ સહન કરતી રહી. અડધી રાત્રે જાણી જોઇને ભજીયા કે સુખડી ખાવાની ઈચ્છા વ્યક્ત કરી અને ચાર્મીએ એ ઈચ્છા પૂરી કરી. મને મારા બાળકો ઘણાં વહાલા છે. પરંતુ હું મારી બધી મિલકત ચાર્મીને નામે કરું છું. કારણ ચાર્મી તો મને વહાલી છે જ પરંતુ એ મને વહાલે વળગી છે.’

વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮.

 
Leave a comment

Posted by on એપ્રિલ 17, 2020 માં Nayna Shah

 

પહેલો પગાર


વાર્તા : પહેલો પગાર

લોપા બારણા પાસે રાહ જોઇને ઉભી હતી. પણ પોતે પતિની પ્રતિક્ષા કરી રહી છે એ વાત ઘરના પર પ્રદર્શિત ના થઇ જાય એની એ પૂરેપૂરી તકેદારી રાખતી હતી. છેલ્લા બે વર્ષથી એની બધી ઈચ્છાઓ મનમાં દાબી રાખી હતી. લગ્ન બાદ એના હરવા ફરવાના દિવસો હતા ત્યારે સાસુની બીમારી હતી. સાસુ બીમારીમાંથી ઉઠ્યા તો ખરા પણ જયારે લોપાએ એના મનની ઈચ્છા પતિ સમક્ષ વ્યક્ત કરી ત્યારે મનન બોલી ઊઠ્યો, “લોપા, લગ્ન બાદ ફરવા હરવાની તું અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. પણ હજી હું ભણું છું અને ફરવા જઈએ તો ખર્ચ થાય. એ ખર્ચો કરવા માટે મારે પપ્પા પાસે જ પૈસા માંગવા પડે. જે હું ક્યારેય ના માંગુ અને આપણી સમક્ષ તો આખી જિંદગી પડી છે. લોપા, તને દુઃખ ના પડે એની હું પૂરેપૂરી તકેદારી રાખીશ. બસ, હું કમાતો થઉં ત્યાં સુધી તું ધીરજ રાખ.” આટલું બોલી મનને પત્ની સામે જોયું તો પત્નીનો ચહેરો મુરઝાઈ ગયો હતો. આ વાત મનન ના ધ્યાન બહાર ન હતી. તેથી સહેજ અટકીને બોલ્યો, ‘લોપા, હું સમજી શકું છું તારું હૃદય, મારી ઈચ્છા પણ એવી જ હતી કે હું કમાતો થઉં પછી જ લગ્ન થાય. પણ મમ્મીની બિમારીમાં કોઈ વ્યક્તિની જરૂર હતી. મારી મમ્મી અને તારી મમ્મી ખાસ બહેનપણી હોવાના નાતે આપણું નક્કી કરી રાખ્યું હતું.’ તારી મમ્મીએ તો મારી મમ્મીની સેવાચાકરી કરવા તને મારે ત્યાં મોકલી આપી. પણ તારું અમારે ત્યાં રહેવું એ ચર્ચાનો વિષય બની ગયો હતો. તેથી તો મમ્મીએ મને સમજાવ્યો કે, ‘મનન, તારે લગ્ન કરવા જ પડશે.’ અને હું મારા મમ્મી પપ્પાની ઈચ્છા આગળ મજબુર હતો. લોપા તું મને પસંદ છું પણ આટલી બધી જલદીથી જવાબદારી સ્વીકારવાની મારી તૈયારી ન હતી.

ત્યારબાદ લોપાએ ક્યારેય કોઈ વસ્તુની માંગણી કરી ન હતી. મનનના મમ્મી પપ્પા લોપાને દિકરી કરતાં પણ અધિક રાખતા હતા. અવારનવાર લોપા માટે સાડીઓ અને મનગમતી વસ્તુઓનો ઢગલો કરી દેતા, એટલું જ નહી, પણ લોપાની બહારગામ જવાની ઈચ્છા એ સમજી ચુક્યા હતા. તેથી લોપાને એના સાસુ સસરા બહારગામ ફરવા લઇ ગયેલા. અને એ સમય દરમ્યાન દાદા માટે ટીફીન બંધાવી દીધું હતું. લોપા પોતાની જાતને નસીબદાર ગણતી છતાંય અંતરના ઊંડાણમાં એક ઈચ્છા સતત રહેતી કે પોતાનો પતિ પોતાની મનગમતી વસ્તુ એને ભેટ આપે.

મનન બહારગામ રહી ભણતો હતો. ઘરમાં મનનના મમ્મી પપ્પા તથા દાદા જ હતા. લોપાને દાદાનો પ્રેમ પણ મળી રહેતો અને દાદા તો લોપા નાની ઢીંગલી હોય એમ એના માટે બહાર જાય આવે ત્યારે ફળોનો ઢગલો કરી દેતા. લોપાને ક્યાંય કોઈ વાતની કમી ન હતી.

વેકેશનમાં મનન ઘેર આવે ત્યારે લોપાની અપેક્ષા રહેતી કે મનન વધુ ને વધુ સમય એની સાથે જ વિતાવે. જયારે મનન મોટેભાગે રાતના મોડે સુધી દાદા જોડે ગપ્પા મારતો હોય અને દાદા તો મનનને જોઈએ એક ઉત્તમ શ્રોતા મળ્યાનો આનંદ અનુભવતા.

જયારે જયારે મનન પાછો હોસ્ટેલમાં જતો ત્યારે ત્યારે કહેતો, ‘લોપા, દાદાનું ધ્યાન રાખજે.’ જાણે કે દાદા નાનું છોકરુ ના હોય ? અને દાદા જોડે પોતે શું વાત કરે ? દાદા કાને ઓછું સાંભળે, જયારે જયારે વાત કરવી હોય ત્યારે ત્યારે મોટે મોટે થી ઘાંટા ઘાંટ કરવા પડતા. જે લોપાને પસંદ ન હતું. અને આમ પણ એના સાસુ સસરા પણ દિવસ દરમ્યાન દાદા જોડે ક્યાં વાત કરતાં હતા ? અને દાદાનું પણ શું ? એ ચૂપચાપ શા માટે પડી રહેતાં નથી ? એક તો પોતે કાને એકદમ ઓછું સાંભળે અને કોઈપણ બે વ્યક્તિ વચ્ચે વાત થતી હોય તો વાત સાંભળવાનો લોભ એ છોડી શકે નહીં. શું વાત કરી એ ના કહીએ તો નાના છોકરાની જેમ રિસાઈ જાય જાણે કે આખી દુનિયા માત્ર એમની જ વાતો કરતી હોય. અરે, ટી.વી પર પણ છાનામાના પિક્ચર જોયા કરતાં હોય તો ઠીક થોડી થોડી વારે બોલશે, ‘લોપા, જરા અવાજ મોટો કરને.’ જાણે કે આજુબાજુ કોઈ રહેતું જ ના હોય ! લોપાને થતું એ કહી દે, ‘દાદા, તમને સંભળાતું ના હોય તો છાનામાના પિક્ચર જોયા કરોને.’ પણ બીજી જ પળે ગુસ્સામાં એનું મન કહેતું, ‘ક્યાંક દાદા એવું માનતા હશે કે પિક્ચરવાળા પણ એમની વિરુદ્ધ વાતો કરે છે અને દાદા… કેવા અસંસ્કારી છે કે મોટે મોટેથી બોલે છે.’

લોપા દાદા વિરુદ્ધ વિચારે એ સ્વાભાવિક જ હતું. કારણ નાનપણથી લોપાના સાસુ લોપાની મમ્મીને મળવા આવતા જતા હતા અને જેમ દરેક ઘરમાં બને છે એમ આ ઘરમાં પણ લોપાના સાસુ સ્વતંત્ર રહેવા ઈચ્છતા હતા. પરંતુ પતિ એકનો એક પુત્ર હોવાના નાતે જુદા રહેવાનું શક્ય ન હતું. તેથી વાત વાતમાં સસરા સામે વિરોધ વ્યક્ત કરતાં હતા અને દરેકે દરેક વિરોધથી લોપાના મમ્મી પરિચિત હતા. તેથી તો લોપાને માટે ફળોનો ઢગલો કરનાર દાદા પણ પ્રેમના પાત્ર બની શક્યા ન હતા. કારણ નાનપણથી દાદા વિરુદ્ધ એણે માત્ર ફરિયાદો જ સાંભળી હતી. એના, મનમાં દાદા એટલે ઘરમાં એક વધારાનું વણ જોઈતું પાત્ર – કદાચ દાદા બધાનો ગુસ્સો ઉતારવા માટેનું ઉત્તમપાત્ર હતું. કારણ દાદાને ગમે તેટલી અસંસ્કારી ભાષા વાપરો પણ દાદા સાંભળી શકતા ન હતા. જો કે માણસના બોલવાના હાવભાવ પરથી કંઈ જ સમજી ના શકે એટલા દાદા અબુધ પણ ન હતા. પણ દાદા જાણે કંઈ જ બન્યું ના હોય એમ વર્તતા હતા. લોપા ઘણીવાર મનનના દૂર રહેવાનો અસંતોષ દાદા પર ગુસ્સો કાઢીને સંતોષી લેતી હતી.

દાદાએ તો ધીરે ધીરે ઘરમાં બોલવાનું ઓછું કરેલું પણ દાદાની દરેકે દરેક વર્તણુક ઘરની દરેક વ્યક્તિ માટે અસભ્ય જ રહેતી. દાદા મોડે સુધી ઉધરસ ખાય તો બીજે દિવસે લોપાના સસરા કહેતાં, ‘પપ્પા, આખી રાત ઉધરસ ખાઈ ખાઈને અમારી ઊંઘ બગાડો છો. એના કરતાં દવા લઇ આવો ને !’

દાદા દયામણું મોં કરીને કહેતાં, ‘બેટા, દવા તો લઇ આવ્યો, પણ દવાથી ફેર નથી.’ ધીમે ધીમે ફેર પડશે.

‘તમને ધીરે ધીરે ફેર પડશે પણ તમારા અવાજથી ઊંઘ બગડી બગડીને અમે માંદા પડીશું. આ ઉંમરે તમારે શું ? ડૉકટરે દવા તો સારી આપી હશે પણ કાને ક્યાં બરાબર સાંભળે છે ! માર્યું હશે ઊંધું.’

દાદા વળતી દલીલ કરતાં નહીં. પણ એમના મોં પર લાચારીના ભાવ આવી જતા… જો કે જયારે જયારે મનનની હાજરીમાં આવું બને ત્યારે મનન જરૂર દાદાનો પક્ષ લેતા કહેતો, ‘પપ્પા, તમને એવું લાગતું હોય તો તમે દાદાજી જોડે દવા લેવા જાવને ?’

અને મનનના પપ્પા ગુસ્સાથી બરાડી ઉઠતા, “મનન… મારી પાસે એવો ફાલતુ સમય નથી પપ્પા તો નિવૃત્ત છે એમને શું ? બે ટાઈમ તૈયાર થાળી ખેંચી લેવી. એમની પાસે તો ટાઇમે ટાઇમ જ છે. કેટલીકવાર મેં કહ્યું કે તમે સવારે ઉઠીને ચાલવા જાવ. પણ સાંભળતાં જ નથી. સવારે કેટલા બધા વૃદ્ધો ચાલવા આવે છે. ઘરની બહાર જાય તો એટલી વાર ઘરના બૈરાઓને તો નિરાંત થઇ જાય.”

મનનને કહેવાનું મન થતું કે દરેક વૃદ્ધોની તબિયત એકસરખી હોતી નથી. દાદાજી સવારમાં ફરવા જાય તો ઠંડીને કારણે શ્વાસ પણ ચઢે અને ઉધરસ પણ થઇ જાય. દરેક વ્યક્તિની પ્રકૃત્તિ સરખી હોતી નથી અને દાદાની ઉંમરની વ્યક્તિએ તો આરામ જ કરવાનો હોય. પણ મનન ચૂપ રહેતો. મનનના મમ્મી પણ સસરા પર વારંવાર ગુસ્સો કરી લેતા. કહેતાં કે આ ‘ડોસા’ ને લીધે મારો પગ બંધાયેલો રહે છે. કોણ જાણે ક્યારે છૂટીશું ?

દાદા ક્યારેક નજીક બેઠા હોય અને પૂત્રવધુ મોટા અવાજે બોલાતી હોય તો એ મનમાં સમસમીને બેસી રહેતાં. કહેવાનું મન થતું કે તમે બધા હમણા ફરવા ગયા ત્યારે મારા માટે ટીફીન બાંધેલું અરે, તમે આવીને એકવાર પણ પૂછ્યું કે, “તમને ટીફીન ખાવાનું ફાવ્યું કે નહી ?” અને પોતે ક્યાં કોઈ પર બોજરૂપ હતા. એમનું પેન્શન આવતું હતું. એમાંથી એમનો ખિસ્સા ખર્ચ નીકળતો હતો. દવાના પૈસા માટે પણ એમણે પુત્ર પાસે હાથ લંબાવ્યો ન હતો અને બાકી રહેલા પૈસા પડે પણ પોતે તો ઘરના સભ્ય માટે કંઇક ને કંઇક વસ્તુ ખરીદીને સંતોષ માનતા હતા. ઘરની બધી વ્યક્તિઓ સાથે બહાર જતી ત્યારે કોઈ ક્યારેય દાદાને પૂછતું ન હતું કે, “દાદા, તમારે આવવું છે ?” અરે, એટલે સુધી કે ઘરમાં જો કોઈ વ્યક્તિ આવે અને એના ગયા પછી દાદા પૂછ કે, “આ કોણ હતું ?” તો પણ દાદા ઘરની એ વ્યક્તિના ગુસ્સાને પાત્ર બનતા, “કેમ આ ઉંમરે તમારે એ બધુ જાણીને શું કામ છે ?” કોઈ મહેમાન જોડે ક્યારેક દાદા વાત કરે તો પણ મહેમાન ગયા પછી દાદાને ઠપકો સાંભળવો પડતો, “કોઈ પણ આવે તો તમે વચ્ચે વાતો કરવા આવી જ જવાના. એક બાજુ છાનુમાનુ તમારાથી બેસી નથી રહેવાતુ ?”

હા, છતાં પણ ઘરમાં મનન જ એક એવી વ્યક્તિ હતી કે જે દાદાની સંભાળ લેતો. દાદાને ઓછામાં ઓછુ મન દુઃખ થાય. દાદા ખુશ રહે એ માટે એ પ્રયત્નશીલ રહેતો. ઘરનાને મનનનું વર્તન ખૂંચતું. પણ મનન એકનો એક પુત્ર હોવાને નાતે એને વધુ તો કંઈ કહીં શકાય એમ ન હતું.

લોપાની નજર ઘડિયાળ તરફ ગઈ. સાત વાગવા આવેલા. દરરોજ સાડા પાંચે ઘરમાં પ્રવેશનાર વ્યક્તિ સાત વાગ્યા સુધી આવી ન હતી. લોપા બેચેન હતી. જો કે એના મનના ઉંડાણમાંથી એ ખુશ હતી એ વિચારતી હતી કે આજે પતિનો પહેલો પગાર છે તો મારા માટે સાડી ખરીદવા જ ગયા હશે. લોપાના સાસુ અનુભવી હતા. એ લોપાની બેચેની સારી રીતે સમજતા હતા. પરંતુ એમને પણ મનમાં આશા હતી જ કે મનન પત્ની માટે નહીં પણ મારા માટે કંઈ ખરીદીને લાવશે. કારણ મનન શરમાળ છે અને આટલાં વખતથી અમે લોપા માટે પૈસો પાણીની જેમ ખર્ચ કરીએ છીએ. એ વાત મનન જરૂર લક્ષમાં લેશે. એકાદવાર મનન બોલેલો પણ ખરો, “મમ્મી, તું અને પપ્પા લોપા પાછળ આટલો બધો ખર્ચો કેમ કરો છો ?” ત્યારે એના મમ્મીએ કહેલું, “મનન હમણા અમે ખર્ચ કરીએ છીએ. તું કમાતો થાય ત્યારે તું કરજે.” અને મનન ના મમ્મીએ ગૌરવભર્યું સ્મિત કરેલું.

“લોપા, સાત વાગ્યા દાદાની થાળી પીરસ નહીં તો પાછા કહેશે, મોડો જમ્યો તો મને ગેસ થયો.” કહેતાં લોપાના% સાસુએ મોં બગાડ્યું.

લોપા થાળી પીરસી કહી રહી હતી, “દાદા જમવા ચાલો.” પણ દાદા એમની જગ્યાએથી ખસ્યા ન હતા. તેથી તો લોપાના સાસુ ગુસ્સે થઇને બોલ્યાં હતા, “લોપા, મોટેથી બોલ, એ બહેરો નહીં સાંભળે.”

“મ…મ્મી” એકાએક મનનને ઘરમાં પ્રવેશતા જ ગુસ્સો કર્યો. મનન મમ્મી સામે જોઈ બોલ્યો, “મમ્મી, આટલાં વખતથી તું અને પપ્પા દાદાનું અપમાન કરતાં આવેલા એ હું જોતો આવેલો. પણ હું મજબુર હતો કે હું કમાતો ન હતો. તું અને પપ્પા દાદા જોડે એવું વર્તન કરો છો એવું વર્તન જો હું તમારી જોડે કરું તો તમારૂ શું થાય ? મમ્મી દાદાને વારંવાર તમે ‘બહેરા’ નું બિરુદ આપો છો. તમે ક્યારેય એવું કેમ ના વિચાર્યું કે દાદાને એમની બહેરાશનો અહેસાસ જેમ બને તેમ ઓછો થાય. લોપા મારી બીકે દાદા વિરુદ્ધ બોલાતી ન હતી. પણ દાદા સાથે પ્રેમથી વર્તતી પણ ન હતી. કારણ લોપાના માનસમાં દાદા એટલે વણજોઈતું પાત્ર. એવી છબી બધાએ ઉપસાવી હતી. મમ્મી તમને બધાંને જો માત્ર દાદા જ વધારે પડતા હોય તો હવે હું કમાતો થયો છું. હું દાદાને લઈને જુદો રહીશ. મમ્મી, યાદ છે મને નાનપણમાં એક ઢીંગલી બહું ગમતી હતી. એ ઢીંગલી લીધા વગર હું રાત્રે સુતો પણ નહીં. તું એ ઢીંગલીને બહું જ સાચવીને રાખતી. એના માટે કપડા પણ સીવતી. કારણ માત્ર એટલું જ કે એ ઢીંગલી મને પ્રિય હતી અને મારી પ્રિય વસ્તુનું તું જતન કરતી. પરંતુ મારી પ્રિય નિર્જીવ ઢીંગલીનું જતન કરનારી તું, એ ના સમજી શકે કે, મારા પ્રિય સજીવ દાદાની જતન કરી તું મને ખુશ રાખી શકીશ.”

અને હા, તમે બધા સાંભળી લો હવે મારા દાદા બહેરા રહ્યા નથી. કારણ મારા પહેલા પગારમાંથી હું દાદા માટે કાને સંભાળવાનું મશીન લાવ્યો છું.

વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮

 
Leave a comment

Posted by on એપ્રિલ 15, 2020 માં Nayna Shah