RSS

Monthly Archives: ઓક્ટોબર 2020

दादी लस्सी पियोगी?


इंदौर में एक चर्चित दुकान पर लस्सी का ऑर्डर देकर हम सब दोस्त-यार आराम से बैठकर एक दूसरे की खिंचाई और हंसी-मजाक में लगे ही थे कि एक लगभग 70-75 साल की बुजुर्ग स्त्री पैसे मांगते हुए मेरे सामने हाथ फैलाकर खड़ी हो गई।

उनकी कमर झुकी हुई थी, चेहरे की झुर्रियों में भूख तैर रही थी। नेत्र भीतर को धंसे हुए किन्तु सजल थे। उनको देखकर मन मे न जाने क्या आया कि मैने जेब मे सिक्के निकालने के लिए डाला हुआ हाथ वापस खींचते हुए उनसे पूछ लिया : “दादी लस्सी पियोगी ??”

मेरी इस बात पर दादी कम अचंभित हुईं और मेरे मित्र अधिक। क्योंकि अगर मैं उनको पैसे देता तो बस 5 या 10 रुपए ही देता लेकिन लस्सी तो 25 रुपए की एक है। इसलिए लस्सी पिलाने से मेरे गरीब हो जाने की और उस बूढ़ी दादी के द्वारा मुझे ठग कर अमीर हो जाने की संभावना बहुत अधिक बढ़ गई थी।

दादी ने सकुचाते हुए हामी भरी और अपने पास जो मांग कर जमा किए हुए 6-7 रुपए थे, वो अपने कांपते हाथों से मेरी ओर बढ़ाए। मुझे कुछ समझ नही आया तो मैने उनसे पूछा:”ये किस लिए..??”

“इनको मिलाकर मेरी लस्सी के पैसे चुका देना बाबूजी !!”

भावुक तो मैं उनको देखकर ही हो गया था.. रही बची कसर उनकी इस बात ने पूरी कर दी। एकाएक मेरी आंखें छलछला आईं और भरभराए हुए गले से मैने दुकान वाले से एक लस्सी बढ़ाने को कहा.. उन्होने अपने पैसे वापस मुट्ठी मे बंद कर लिए और पास ही जमीन पर बैठ गई।

अब मुझे अपनी लाचारी का अनुभव हुआ क्योंकि मैं वहां पर मौजूद दुकानदार, अपने दोस्तों और कई अन्य ग्राहकों की वजह से उनको कुर्सी पर बैठने के लिए नहीं कह सका। डर था कि कहीं कोई टोक ना दे.. कहीं किसी को एक भीख मांगने वाली बूढ़ी महिला के उनके बराबर में बिठाए जाने पर आपत्ति न हो जाये.. लेकिन वो कुर्सी जिस पर मैं बैठा था, मुझे काट रही थी..

लस्सी कुल्लड़ों मे भरकर हम सब मित्रों और बूढ़ी दादी के हाथों मे आते ही मैं अपना कुल्लड़ पकड़कर दादी के पास ही जमीन पर बैठ गया क्योंकि ऐसा करने के लिए तो मैं स्वतंत्र था…इससे किसी को आपत्ति नही हो सकती थी… हां! मेरे दोस्तों ने मुझे एक पल को घूरा.. लेकिन वो कुछ कहते उससे पहले ही दुकान के मालिक ने आगे बढ़कर दादी को उठाकर कुर्सी पर बैठा दिया और मेरी ओर मुस्कुराते हुए हाथ जोड़कर कहा :“ऊपर बैठ जाइए साहब! मेरे यहां ग्राहक तो बहुत आते हैं, किन्तु इंसान तो कभी-कभार ही आता है।”

 
1 ટીકા

Posted by on ઓક્ટોબર 31, 2020 માં Sense stories / बोध कथाए

 

કરિશ્મા…


(લગાગા લગાગા લગાગા લગા)

કરિશ્મા કહું કે કરામત કહું !
પ્રભુ તવ કૃપાને હું ચાહત કહું!

જો ઉતર્યો છે આંગણ સુરજ હેમનો,
હું એને વધાવી તથાગત કહું!

ન માળા જપી ના ગવાયું ભજન,
છતાં દર્દ હર તો હિફાજત કહું!

લઈને પરીક્ષા જીતાડે મને,
હું આ રીતને તારી ગમ્મત કહું!

તું સોંપે મને હું કરુ ના કરુ,
કરે કામ મારા શરાફત કહું!

-પાયલ ઉનડકટ

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 31, 2020 માં Payal Unadkat

 

દેજો


પાંદડે પાંદડે પોઢી ઝાકળ,
ઝાકળને થોડું સુવા દેજો.

સૂરજને કહેજો વ્હેલો ન આવે,
ઝાકળને છે રાતનો ઉજાગરો.

વગડે વગડે વાતો રે થાય,
ઝાકળને પાંદડાં સાથે શું નાતો ?

થાય તે વાતો થવાં દેજો,
ઝાકળને થોડું સુવા દેજો.

શિયાળાની ધીમી ધીમી શરુઆતની શુભેચ્છાઓ

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 31, 2020 માં Poems / कविताए

 

આટલા વહેલા કેમ?


આખો કલાસ એક ધ્યાનથી મેડમ સાક્ષી ભણાવતા હતા તે સમજતાં હતાં. મેડમ સાક્ષી આજે કલાસમાં આંકડાશાસ્ત્ર ભણાવવાના હતાં. તેમણે આગલા દિવસે જ કહ્યુ હતું કે નવું ચેપ્ટર છે, થોડું અઘરૂં છે, એટલે કોઇ રજા ન પાડે. મન અને મગજ બન્ને કલાસમાં જ રાખજો. આખો કલાસ એક ધ્યાનથી ભણતો હતો.

કિશને જોયુ કે તેની બાજુમાં બેઠેલો દિપેન પણ એક ધ્યાનથી જોતો હતો. પણ દિપેન બોર્ડ તરફ જોવાને બદલે મેડમ સાક્ષી તરફ જોતો હતો. કિશને તેને ઘીમેથી કહ્યુ, ‘દિપેન ભણવામાં ધ્યાન આપ.’

દિપેન કંઇ ન બોલ્યો, ફકત કિશન સામે જોઇને હસ્યો. કલાસ પૂરો થયા પછી કિશન દિપેનને હાથ પકડીને કેન્ટિનમાં લઈ ગયો, અનેપૂછયુ કે “તારૂં ધ્યાન કયાં હતું?”

દિપેને કહ્યુ, “યાર.. ખબર નહી, પણ હમણાં હમણાં ઘણાં સમયથી મેડમ સાક્ષી કલાસમાં આવે છે ત્યારે મારા દિલમાં કંઇક થાય છે. મારૂં ધ્યાન તેમના પરથી હટતું જ નથી.”

કિશને કહ્યુ, “દિપેન આ વર્ષ આપણું કોલેજનું છેલ્લુ વર્ષ છે. તારા માટે સારું પરિણામ લાવવું એ કેટલું મહત્વનું છે તે વિચાર કર, અને ભણવામાં ધ્યાન આપ. સાક્ષી મેડમ આપણાં ગુરુ છે, આપણા કરતા પંદર વર્ષ મોટા છે. તે આપણી સાથે મિત્ર જેવું વર્તન કરે છે તેનો મતલબ તેમનો સ્વભાવ સારો છે, તું ખોટા વિચાર ન કર.”

દિપેને કહ્યુ “હા, હું બઘું જ સમજું છું. પણ મારા મનને કેમ સમજાવું ? મારા મનમાં સાક્ષી મેડમને જોઇને જે ખુશીની લહેર ઊઠે છે તે પ્રેમ છે તે તને કેમ સમજાવું? તે ભલે આપણા ગુરુ હોય, પણ તું જ કહે કે જો એ આપણી વચ્ચે બેસે તો કોઇ કહી શકે કે તે પ્રોફેસર છે, સ્ટુડન્ટ નહી ??”

દિપેનની વાત સાચી હતી. સાક્ષીની ઉંમર 35 વર્ષની હતી. તે છેલ્લા 10 વર્ષથી પ્રોફેસર હતી. તેના લગ્નના બે વર્ષમાં તેના પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ત્યારપછી તેણે બીજા લગ્ન કર્યા ન હતા. 35 વર્ષની ઉંમરે પણ તે ખૂબ નાજુક હતી. વિઘવા હોવાથી મોટાભાગે આછારંગના કપડાં પહેરતી, બઘા સાથે હળીમળીને રહેતી, પણ બઘા સાથે એક અંતર રાખતી. દસ વર્ષની નોકરીમાં તેના વિષે એક પણ આડીઅવળી વાત થઇ ન હતી. સ્ટાફમાં પણ બઘા તેનો આદર કરતા. ગમે તે વિદ્યાર્થીને તકલીફ હોય તો તે હમેંશા મદદ કરતી. પરીક્ષાના સમયે વિદ્યાર્થીને કોલેજનો સમય પૂરો થયા પછી પણ કોલેજમાં બેસીને માર્ગદર્શન આપતી. વિદ્યાર્થીઓ માટે તે આદર્શ હતી. કલાસમાં તે ગેરવર્તન ચલાવી લેતી નહી. કલાસ ચાલુ હોય ત્યારે તે ફકત પ્રોફેસર રહેતી, પણ કલાસ પૂરો થાય પછી તે વિદ્યાર્થીઓ સાથે મિત્રતાપૂર્વકનો વ્યવહાર કરતી.

દિપેન સાઘારણ ઘરનો છોકરો હતો. ભણતાં ભણતાં તે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. જો તે ફર્સ્ટકલાસ સાથે ગ્રેજયુએશન પૂરૂં કરે તો તેની નોકરી કાયમી થઇ જાય તેમ હતી. સાક્ષીને દિપેનની પરિસ્થિતિની ખબર હતી. આથી તે તેને વિશેષ મદદ કરતી. સાક્ષીની મદદનો દિપેને ઉંધો અર્થ લીઘો. તે મનોમન સાક્ષીને પ્રેમ કરવા લાગ્યો. કિશેને તેને સમજાવવાની કોશિશ કરી તો દિપેને કહ્યુ કે , ” હું સાક્ષીને ચાહું છું, અને નોકરીમાં સેટલ થયા પછી હું સાક્ષી આગળ પ્રેમનો પ્રસ્તાવ મૂકીશ.”

કિશને એક દિવસ હિંમત કરીને આ વાત સાક્ષીને જણાવી દીઘી. વાત સાંભળીને સાક્ષીએ કંઇ કહ્યુ નહી. બસ તેની આંખમાં ગુસ્સાની રેખા પસાર થઇ ગઇ. તેણે કિશનને આ વાત કોઈને ન જણાવવા કહ્યુ. કિશન પાસેથી વાત સાંભળ્યા પછી પણ સાક્ષીના વર્તનમાં કોઇ ફેર ન પડયો. તે હમેંશાની જેમ જ દિપેનને મદદ કરતી. કિશનને આશ્ર્ચર્ય થયું કે મેડમ દિપેનના દિલની વાત જાણીને પણ તેના પ્રત્યે તટસ્થ કેમ રહી શકે છે ? તેના મનમાં સાક્ષી પ્રત્યે માન વધી ગયુ.

પરીક્ષા પૂરી થઇ, રિઝલ્ટ આવી ગયુ… ધાર્યા પ્રમાણે દિપેન 70 ટકા માર્કસ સાથે પાસ થયો હતો. થોડા સમયમાં તેની નોકરી પણ કાયમી થઇ ગઇ.પછી એક દિવસ હિંમત કરીને તેણે સાક્ષીને જણાવી દીઘું કે પોતે તેને ચાહે છે, તેની વિરાન અને બેરંગ જિંદગીમાં રંગ પૂરવા માંગે છે. તે સાક્ષી સાથે લગ્ન કરવા માંગે છે.

સાક્ષીએ શાંતિથી કહ્યું કે, “મને આ વાતની ઘણા સમયથી ખબર છે.”

દિપેને આશ્ર્ચર્યથી કહ્યું, “તમને ખબર છે ? તમે મને કયારેય અણસાર ન આવવા દીઘો ?”

સાક્ષીએ કહ્યું, “હું એક શિક્ષક છું, મારૂ પ્રથમ કર્તવ્ય વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવવાનું છે, બગાડવાનું નહી. તારા માટે આ વર્ષ મહત્વનું હતું, જો હું કંઇ કહુ તો તેનાથી તારા ભણતરમાં અસર પડે અને તારૂં ભવિષ્ય બગડે, એટલે કંઇ બોલતી ન હતી, પણ હવે તને કહું છું કે આવી વાતો વિચારવાનું છોડી દે અને સારી છોકરી શોઘીને લગ્ન કરી લે.”

દિપેન રડી પડયો. તે સાક્ષીને ચાહતો હતો, પણ હજી તે પોતાની લાગણી એક પ્રેમીની જેમ વ્યકત કરી શકતો ન હતો. સાક્ષીએ તેને ઘણો સમજાવ્યો, પણ દિપેન એમ કહીને જતો રહ્યો કે હું તમારી રાહ જોઇશ.

એક વર્ષ આમ જ પસાર થઇ ગયું. દિપેન કયારેક સાક્ષીને મળવા કોલેજ આવતો. સાક્ષી તટસ્થ ભાવે વિદ્યાર્થીને મળતી હોય તેમ તેની સાથે વાત કરતી અને પોતાના તરફનું પાગલપન છોડીને જીવનમાં સેટ થવા સમજાવતી.

સાક્ષીની ત્રણ વર્ષની સમજાવટ પછી દિપેન હારી ગયો. મા-બાપે પસંદ કરેલી છોકરી સાથે પરણી ગયો. લગ્નની કંકોત્રી સાક્ષીના હાથમાં આપતા રડી પડયો. સાક્ષીએ હર્ષથી કહ્યું, “તારો આ નિર્ણય તને જીવનમાં સુખી કરશે, હું તારી શિક્ષક હતી અને રહીશ. તને ગમે ત્યારે જરૂર પડે ત્યારે મને યાદ કરજે.”

આજે દિપેન ખુશ છે, સુખી છે, સુંદર પત્ની, સારી નોકરી, ઊંચી આવક અને ઢિંગલી જેવી દીકરીથી તેનું જીવન ખુશહાલ છે, પણ હજી જયારે સાક્ષીને જોવે છે ત્યારે તેની આંખ ભરાય જાય છે અને વિચાર આવી જાય છે કે કાશ…. મેં થોડો વહેલો જન્મ લીઘો હોત તો… અથવા મેડમ થોડા મોડા ધરતી પર આવ્યા હો તો … આજે અમે સાથે હોત…. મેડમ તમે વહેલે શું કામ આવ્યા ?? પણ કાશ…..

-દિપા સોની “સોનુ”

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 30, 2020 માં SHORT STORIES / लघु-कथाए

 

મધ્યબિંદુ


શારદાનું આગમન મોટાભાઈને હંમેશ માટે ગમતું. જો કે મોટાભાઈના વિશાળ કુટુંબમાં ક્યારે કેટલા મહેમાનો આવે છે કે જાય છે , એની ક્યારેય કશીય ગણતરી હોતી નથી અને આવનાર દરેક વ્યક્તિનેય એવું લાગતું કે આ ઘરમાં તેા તે વર્ષોથી રહે છે, જ્યારે શારદાનું તાે એ પિયર હતું. શારદા ઘણીવાર કહેતી, ” મોટાભાઈ! તારા ઘરમાં મને જે શાંતિ મળે છે એવી શાંતિ મને મારા ઘરમાં પણ નથી મળતી. ક્યારેક થાય છે કે પૃથ્વી પરનું સ્વર્ગ એટલે જ આ ઘર .આ ઘરને જોયા પછી કોઈ ક્યારેય સ્વર્ગની મનોકામના ના કરે.”

શારદા જ્યારે જ્યારે મોટાભાઈના ઘરમાં પગ મૂકતી એ સાથે જ શાંતિનો શ્વાસ લેતા કહેતી ,” બસ ,મોટાભાઈ ! હવે મને ખૂબ શાંતિ લાગે છે .” પરંતુ આજની વાત જુદી હતી .શારદાએ મોટાભાઈ ની સામે જોયું એ સાથે જ એનાથી ધ્રુસકું મુકાઈ ગયું. મોટાભાઈના દરેક સવાલનો જવાબ માત્ર ધુ્સકામાં જ અપાતો જોઈ આખરે માેટાભાઈએ જ કહ્યું,” શારદા! જમવાનું તૈયાર છે. તું મુસાફરી કરીને આવી છું. થાકી ગઈ હોઈશ. જમીને સુઈ જા. હું પણ થોડું કામ પતાવીને આવુ છું. પછી શાંતિથી વાત કરીશું . જ્યારે તને વાત કરવાની ઈચ્છા થાય ત્યારે કહેજે, વાત કરવી હોય તો કરજે, ના કરવી હોય તો પણ મને વાંધો નથી. હા પણ તું દુઃખી ના થઈશ, તને જેમાં આનંદ આવે એવું કર. શારદા, તું તો જાણે છે કે મારા ઘરમાં આંસુના પ્રવેશ પર પ્રતિબંધ છે અને તારા મોટાભાઈ તરીકે તારી ખુશીથી વધુ હું શું ઈચ્છું ?”

બીજા દિવસે શારદાએ એકાંત મળતાં જ કહ્યું, “માેટાભાઈ ! ખરેખર તમે નસીબદાર છો. તમારે પાંચ દીકરા અને એ પાંચેય દીકરાની પાંચ વહુઓ છતાં બધા કેટલાં સંપીને રહે છે! ક્યારેય કોઈની વચ્ચે મન દુઃખ નથી થતું ….મારે તો માત્ર બે પુત્રો છે અને બે વહુઓ. જ્યારે હું નિ:સ્પૃહાને કંઈક કહું તો એ તરત જ કહેશે કે, તમને તો નિર્મોહી જ વહાલી છે અને નિર્મોહીને કંઈક કહું તો નિર્મોહી તરત જ કહેશે કે તમને તો નિ:સ્પૃહા જ વહાલી લાગે છે ને! એ તો ઠીક, એ બંને જણા પણ અંદરોઅંદર લડે છે અને બંને જુદા રહેવાની વાત કરે છે. મોટાભાઈ ! તકલીફ એ છે કે એ બંને માને છે કે હું એમના કરતાં બીજીને બધુ પ્રેમ કરું છું. એટલે તાે હું બધાને છોડીને તમારી પાસે આવી છું. અરે, ઘણીવાર તો હું કહું છું, તમારા મામાને ત્યાં જુઓ .પાંચ પાંચ વહુઓ પણ સંપીને રહે છે, જ્યારે તમે બે જણ પણ ….”

શારદાની વાત વચ્ચેથી કાપતાં જ માેટાભાઈ બાેલી ઊઠયા, “શારદા! એક કામ કર. તું થોડા દિવસ અહીં રહે. તને બધી વાત સમજાઈ જશે. દર વખતે તું આવીને મહેમાનોના રૂમમાં રહે છે, પણ આ વખતે તું મોટાભાઈ ભાભી જોડે જ એમના રૂમમાં રહે. તને ઘણી બધી વાતો સમજાઈ જશે. જે વાત ક્યારેય કોઈ જાણતું નથી એ બધી વાતો તું જાણે અને સમજે એવું ઈચ્છું છું અને તને જે કંઈ અયોગ્ય લાગે એ મને કહેજે. તું આખો દિવસ પાંચેય જણ ની દિનચર્યા જોયા કર. દરરોજ રાત્રે મને વાત કરજે.”

‌થોડા જ દિવસો બાદ શારદા બોલી, “મોટાભાઈ ! સૌથી મોટી વહુ શુભદા આખો વખત કામ કરે છે, જ્યારે સૌથી નાની વહુ જ્ઞાનદા કશું જ કામ કરતી નથી. યશદા ને વરદા નોકરીએ જતાં પહેલાં તૈયાર થવામાં ખાસ્સો સમય બગાડે છે. તૈયાર થાળીએ જમી લે છે અને મેઘદા તાે ઘરનું ને બહારનું થાેડું થાેડું કામ કર્યા કરે છે. જે કે મેઘદા માેટે ભાગે શુભદા કહે છે એમ જ કરે છે. પણ બધા ય મોટું મન રાખે છે. બાકી એકાદ વહુ કામ કરે અને બાકીની વહુઓ તૈયાર થાળી ખેંચીને જમવા બેસે એવું ના ચાલે.” શારદા એકી શ્વાસે આ બધું બોલી ગઇ.

મોટાભાઈ શારદા સામે જોતા બોલ્યા, ” શારદા! આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ પ્રેમ અને સંપ રાખવાની જવાબદારી વડીલોની છે. મધ્યબિંદુ જોયું કે જ્ઞાનદા ઘરનાં બધાં બાળકોને ભણાવે છે. એટલું જ નહીં, બાળકો એની જોડે એટલા હળીમળી ગયાં છે કે એની પાસે તરત ભણવા બેસી જાય છે. પરિણામસ્વરૂપ, આ ઘરનો દરેક બાળક સ્કૂલમાં પ્રથમ નંબરે પાસ થાય છે. તારા જેવી જ વાત શરૂઆતમાં શુભદાએ મને કહેલી ત્યારે મેં શુભદાને મારી પાસે બેસાડીને કહેલું કે તારા પગલે ઘરમાં શુભ કામની શરૂઆત થઈ છે. તારું નામ શુભદા, તું તાે સાૈથી મોટી છું એટલે દરેક રીતે પ્રેમમાં સૌ પ્રથમની હકદાર તું જ છે. જેમ અમે તને પ્રેમ આપીએ છીએ તેમ તું પણ જ્ઞાનદાને પ્રેમ આપ. ત્યાર બાદ મેં જ્ઞાનદાને પણ બોલાવી. હું જાણતો હતો કે જ્ઞાનદા પુષ્કળ શ્રીમંત કુટુંબમાંથી આવેલી છે. એને ક્યારેય કંઈ જ કામ કર્યું નથી. હા ભણવામાં ખૂબ તેજસ્વી હતી. મને ખબર હતી કે એ કામ કરી શકવાની નથી. તેથી મેં કહ્યું કે જ્ઞાનદા! તું તો સૌથી નાની વહુ છે. મને ખૂબ લાડકી છું અને તારી તેજસ્વી કારકિર્દી થી અંજાઈ ને મેં તારું નામ જ્ઞાનદા રાખયું છે. આ ઘરમાં ઘણાં બધાં બાળકો છે એ બધાંને ભણાવવાની જવાબદારી આજથી તારી; અને એ કામ એણે સહર્ષ સ્વીકારી લીધું. દરેક વહુ ઈચ્છતી હતી કે પોતાનું બાળક પ્રથમ નંબરે પાસ થાય. ટ્યુશનમાં આવવા જવાનો સમય બગડે તે ઉપરાંત એક કલાકમાં બાળક કેટલું શીખી શકે? જ્યારે જ્ઞાનદા તો આખો વખત બાળકો સાથે રમતી અને બાળકો ને રમાડતાં રમાડતાં પણ ભણાવી લેતી. ખરેખર બાળકો સાચવવા એ પણ એક અગત્યનું અને મોટું કામ છે.

‌”શારદા! જ્યારે બીજા નંબરની વહુ મેઘદા આવી ત્યારે શુભદા અને મેઘદા વચ્ચે મનદુઃખ ઘણા થતાં હતાં. પણ બંનેને મેં વારાફરતી પાસે બેસાડીને એકબીજાની ગેરહાજરીમાં સમજાવેલાં. શુભદાને મેં કહેલું કે શુભદા! તું માેટી છું. તારું મન ઘણું જ મોટું છે. અમને તારા પર ઘણો પ્રેમ છે. અમે ઈચ્છીએ કે તું મેઘદા પર પણ એટલો જ પ્રેમ રાખ અને મેઘદાને પણ બોલાવી ને કહ્યું કે મેધદા! તારું નામ મેં મેઘદા કેમ રાખયું છે એ ખબર છે? મેધ હંમેશાં પોતે વરસીને બીજાને આનંદ આપે છે. તું પણ ચારે બાજુ તારો પ્રેમ વરસાવી ને આ ઘરને સ્વર્ગ માં બદલી લે. મને તારા માટે ખૂબ જ માન છે. તું ઇચ્છે છે તો શુભદા પર પર પ્રેમ વરસાવીને એને જીતી લે. તેં તો અમારા બંનેના મન જીતી જ લીધાં છે. હવે એક શુભદાનું મન જીતતાં તને કેટલી વાર લાગશે ?”

મોટાભાઈ, થોડું અટકી શારદા સામે જોતા બોલ્યા, ” શારદા! આ વાતની બંને વહુઓ પર જાદુઈ અસર થઇ. બંને જણા એકબીજાને વધુમાં વધુ પ્રેમ આપવા તત્પર રહેવાં લાગ્યા. યશદા અને વરદા એ મારી ત્રીજા અને ચોથા નંબરની પુત્રવધૂઓ- એ બંને જણાં નોકરી કરતા હતાં. યશદા આ ઘરમાં આવી ત્યારે શરૂઆતમાં યશદાનું નોકરી કરવાનું શુભદા અને મેધનાને ખૂંચતું હતું. પરંતુ યશદા ખૂબ સંસ્કારી કુટુંબમાંથી આવેલી. પહેલો પગાર થતાં જ શુભદા, મેધદા અને અને એની સાસુ માટે સાડીઓ ખરીદી લાવી. બધાંએ લેવાની ના પાડી ત્યારે બોલી કે હું માનું છું કે તમે મારો પ્રેમ ઠુકરાવી દીધો છે અને એની આંખમાં આવેલાં આંસુ જોઈ બધાએ સાડીનાે સ્વીકાર કર્યો. પરંતુ, ત્યારબાદ યશદાની ચકોર આંખો એ વાતનું ધ્યાન રાખતી કોને કઇ વસ્તુની જરૂર છે. ઘરમાં કઈ વસ્તુ જોઈએ છે, ક્યારેક છોકરાઓની ચોપડીઓ, તાે કયારેક કાેઈનું સ્વેટર કે કાેઈના પેન્ટ કે ખમીશનું કાપડ – પગાર થતાં એ બધી વસ્તુઓ ઘરમાં આવી જતી. ત્યારબાદ તો વરદા પણ નોકરી કરતી આવી. પરંતુ વરદા પણ યશદાનું જોઈ એ પ્રમાણે જ વર્તવા માંડી. એટલું જ નહીં , ખરીદી કરતા વઘેલાે પગાર બંને જણા મારા હાથમાં મૂકી દેતાં. દરેક પુત્ર પણ પોતાનો પગાર મારા હાથમાં આપી દે છે .” શારદા! તું નહિ માને કે અત્યારે બધાંય દીકરા અને વહુઓને માટે આ પૈસામાંથી મેં પાંચ બંગલા એક જ લાઈનમાં ખરીદી લીધા છે. છતાંય કોઈ જુદાં રહેવા તૈયાર નથી. દરેકને એવું લાગવા માંડ્યું છે કે અમે એકબીજા વગર અધૂરાં છીએ. અહીં બધા જ એકબીજાની જરૂરિયાતોનો વધુને વધુ ખ્યાલ રાખવા માંડયાં છે અને પછી તો શું કે તમે પ્રેમ આપો તો સામે પ્રેમ મળે જ. અત્યારે કદાચ પાંચમાથી એકાદ જણ પણ જો પિયર જાય છે તાે ઘરમાં બાકીના બધા સભ્યો ઉદાસ બની જાય છે.

‌”શારદા! તું આજે આ ઘરને સ્વર્ગ માને છે પણ ધરને સ્વર્ગ બનાવવા પુષ્કળ મહેનત કરવી પડે છે. દરેકનાં મન સાચવવા પડે છે અને મન જીતવા માટે ક્રોધ નહીં પણ પ્રેમનું હથિયાર ઊગામવુ પડે છે. અત્યારે પાંચેય વહુઓ એવું જ માને છે કે અમને એમના માટે ખૂબ જ પ્રેમ અને માન છે; શારદા ! એક વાત યાદ રાખ, જેમ વર્તુળમાં એક મધ્યબિંદુ હોય ત્યાંથી તમે વર્તુળ સુધી કોઈપણ લીટી દોરો તેનું માપ સરખું જ આવે તેમ કુટુંબમાં વડીલનું સ્થાન એક મધ્યબિંદુ જેવું છે. કુટુંબના કોઈ પણ સભ્ય પ્રત્યે, એકસરખો જ પ્રેમ અને માન રાખવાનાં હોય છે. ભૂલ દરેકની થાય છે પણ એ વ્યક્તિને એકલીને પાસે બેસાડીને પ્રેમથી કહેવાનું હોય છે. બીજી વ્યક્તિના દેખતાં અપમાન કરીને નહીં. શારદા! જો દરેક વડીલ આવું મધ્યબિંદુ બની જાય તો મને નથી લાગતું કે પૃથ્વી પર સ્વર્ગ ના ઉતરે .”

‌બીજા દિવસે સવારે મોટાભાઈએ આંખ ખાેલી ત્યારે રૂમમાં શારદાની પથારી ખાલી હતી. બહાર નીકળીને જોયું તો શારદા બેગ તૈયાર કરી રહી હતી. મોટાભાઈ સામે નજર મળતાં જ બોલી ,” મોટાભાઈ! મને રોકવાનો પ્રયત્ન ના કરતાં. હું જાઉં છું. મારે પણ બનવું છે મધ્યબિંદુ… “

-શ્રીમતી નયના શાહ
Mob No 79844 73128

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 30, 2020 માં Nayna Shah

 

વીર મહારાણા પ્રતાપ


મેવાડ શિરોમણી વીર મહારાણા પ્રતાપ : ઈતિહાસ વિશે જાણો

જન્મ :
મહારાણા પ્રતાપ ( ૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી, ૧૫૯૭) ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા એમનો જન્મ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જીવંત કંવરના ઘરમાં થયો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ (હાલના રાજસમંદ જિલ્લા)માં થયો હતો.

શૌર્ય:
૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપુતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોગલ સરદાર રાજા માનસિહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા મહારાણા પ્રતાપને શક્તિ સિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમાં ૧૭,૦૦૦ સૈનિકો ખુવાર થઈ ગયા. મેવાડને જીતવા માટે અક્બરે બધા પ્રયાસો કર્યા. મહારાણાના ૨૫,૦૦૦ રાજપુતોને ૧૨ વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપીને ભામાશા અમર થઈ ગયા

81 કિલોનો ભાલો અને 72 કિલોનું કવચ:
– મહારાણા પ્રતાપ 81 કિલોનો ભાલો અને 72 કિલોનું કવચ રાખતા હોવાની વાતને ઘણા લોકો ખોટી માને છે, કારણ કે એક વ્યક્તિ આટલું વજન ન ઉપાડી શકે.
– જોકે આ વાત સાચી છે ભાલા, કવચ અને બે તલવારો સાથે તેઓ 208 કિલો વજન ઉપાડતા હતા.
– આ હથિયારો આજે પણ મેવાડના રાજવી પરિવારના મ્યૂઝિયમમાં જોવા મળી શકે છે.
– આ ઉપરાંત મહારાણા પ્રતાપે માયરાની ગુફામાં ઘાસની રોટી ખાઈ દિવસો પસાર કર્યા હતા, જેને પણ લોકો ખોટી માને છે.
– આ ગુફા હજી પણ અસ્તિત્વમાં છે અને હલ્દીઘાટીના સમયે અહીં જ પ્રતાપે હથિયારો છુપાવ્યા હતા.
– આ ગુફામાં પ્રતાપનું એક મંદિર પણ જોવા મળે છે.

30 વર્ષ સતત પ્રયાસો છતાં પણ અકબર તેને બન્દી ન બનાવી શક્યો:
મહારાણા પ્રતાપનો હલદીઘાટી યુદ્ધ બાદનો સમય પહાડો અને જંગલો વચ્ચે વ્યતીત થયો. પોતાની પર્વતીય યુદ્ધનીતિ દ્વારા તેણે અકબરને અનેક વખત મ્હાત આપી. જંગલો અને પહાડોમાં રહેતા મહારાણા પ્રતાપને અનેક પ્રકારના કષ્ટોનો સામનો કરવો પડ્યો, પરંતુ તેણે પોતાના આદર્શોને ન છોડ્યા. મહારાણા પ્રતાપના મજબૂત ઈરાદાઓએ અકબરના સેના નાયકોના તમામ પ્રયાસોને નાકામ બનાવી દિધા. તેના ધૈર્ય અને સાહસની જ એ અસર હતી કે 30 વર્ષના સતત પ્રયાસો બાદ પણ મહારાણા પ્રતાપને તે બંદી ન બનાવી શક્યા

પ્રજાના પ્રહરી હતા પ્રતાપ:
તેમના પિતા ઉદયસિંહ ના 1572 ના અવસાન પછી તેમના નાના ભાઈ જગમાલ એ દગો કરીને રાજા બની ગયા અને પ્રતાપને રાજય માથી કાઢી નાખ્યા અને અકબર સાથે સંધિ કરી લીધી તેમનુ મંત્રી પરિષદ આ નિર્ણય અને એમના કુર સ્વભાવ થી નારાજ હતા તેથી તે પ્રતાપ પાસે જઈ ને તેમની પાસે રાજ્ય લઈ ને અકબર પાસેથી મુક્ત કરવાની વિનંતી કરી પ્રતાપે તે સમયે તેમની માતા ની સલાહ લઈ ને તેમના ભાઈ પાસેથી ઉદયપુર લઈ લીધું અને તેમને રાજગાદી સંભાળી.

ઘાસ-પાંદડા પર ખાઈને કર્યો ગુજારો:
જંગલમાં ફરતા-ફરતા મહારાણા પ્રતાપને ખુબ દુઃખ વેઠવા પડ્યા. પરંતુ પિતૃભક્તિની ચાહમાં તેણે ઉફ્ફ પણ ન કરી. પૈસાના અભાવમાં અને સેનાના તુટતા મનોબળને પુનર્જીવિત કરવા માટે દાનવીર ભામાશાહએ પોતાનો પુરો ખજાનો સમર્પિત કરી દિધો. તો પણ મહારાણા પ્રતાપે કહ્યુ કે સૈન્ય આવશ્યકતાઓ, સિવાય મને તમારા ખજાનાની એક પાઈ પણ ન જોઈએ. ઘાસ પાંદડા ખાઈને ગુજારો કર્યો. પત્ની તેમજ બાળકોને વિકરાળ પરિસ્થિતિઓમાં પણ પોતાની સાથે રાખતા હોવા છતાં પણ તેમણે ક્યારેય ધૈર્ય ખોયું નથી. કેટલાયે સ્વતંત્રતા સેનાની પોતાના પ્રેરણા સ્ત્રોત મહારાણાનું અનુસરણ કરી સ્વતંત્રતાની બલીવેદી પર હસતા હસતા ચડી ગયા.

શૌર્ય ગાથા…

પોતાની ટેક માટે જાણીતા મહારાણા પ્રતાપનો જન્મ ૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી,૧૫૯૭ ના ના રોજ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જિવત કંવરના ઘરમાં થયો હતો. પત્ની નું નામ અજબદે પંવાર અને પુત્રનું નામ અમરસિંહ હતુ. ભાઈઓમાં શક્તિસિંહ, વીરમદેવ, જગમાલ સાગર વગેરે હતા… જોકે કેટલાક ઈતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢમાં થયો હતો.પ્રખ્યાત સતી મીરાંબાઈ મહારાણા પ્રતાપના મોટાકાકીમાં થાય. કુંવર ભોજ એ મહારાણા પ્રતાપ ના પિતા ઉદયસિંહ ના મોટા ભાઈ થાય. આ ઉદય સિંહ ના લીધે સૌથી સુંદર શહેર ઉદયપુર મળ્યું છે.‘ટ્રાવેલ એન્ડ લેઈઝર’ મેગેઝિન દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં ભારતમાં ફરવા માટે સૌથી શ્રેષ્ઠ શહેર તરીકે ઉદયપુરને પ્રથમ નંબર અપાયેલો છે.આ પ્રતિષ્ઠિત સ્થાન મેળવનારું તે માત્ર ભારતનું જ નહિ, પણ દક્ષિણ એશિયાનું સૌપ્રથમ શહેર બન્યું છે.નાનપણથી જ મહારાણા પ્રતાપમાં વીર, ધીર, ગંભીર, શાંત અને સ્વદેશપ્રેમ જેવા ગુણો ઠાંસી ઠાંસીને ભરેલા હતાં.‘ગઢ તો ચિત્તોડગઢ, બાકી સબ ગઢૈયા’ આ કહેવત જે વિશાળ અને ભવ્ય કિલ્લા પરથી અસ્તિત્વમાં આવી એ ચિત્તોડનો કિલ્લો આખાય ભારતમાં પ્રખ્યાત છે. આ ચિત્તોડ પ્રતાપને મન ખૂબ પવિત્ર સ્થાન હતું

૧૫૭૨માં પ્રતાપસિંહ મેવાડના મહારાણા બન્યા, પરંતુ તેઓએ છેલ્લા પાંચ વર્ષમાં કયારેય ચિત્તોડની મુલાકાત લીધી નથી. એના ઉપર મુસલમાનો ની સત્તા હતી તે તેમનાથી સહન નહોતું થતું. મહારાણા પ્રતાપ તેમના પિતાને ચિત્તોડને પુન: જોયા વિના મૃત્યુ થઇ જવાં પર બહુજ અફસોસ થતો હતો. અકબરે ચિત્તોડ પર કબજો કર્યો હતો. પરંતુ મેવાડનું શાસન હજુ પણ તેમનાથી દૂર હતું. અકબરે ઘણીવાર પોતાના હિન્દુસ્તાનના જહાંપનાહ બનવાની ચાહતમા કેટલાંય દૂતોને રાણા પ્રતાપ સાથે સંધિ કરાર પર હસ્તાક્ષર લાવવાં મોકલ્યા…… પરંતુ દરેક વખતે મહારાણા પ્રતાપે શાંતિ સંધિ કરવાની વાત સ્વીકારી પણ મેવાડનું પ્રભુત્વ તો એમની જ પાસે રહેશે એમ કહીને એને પાછો મોકલતાં રહ્યાં !!! આજે આખું ચિત્તોડ એ મહારાણા પ્રતાપના નામથી જ ઓળખાય છે !!!! અરે ચિત્તોડ જ શું કામ !!! આખું મેવાડ અને આખું રાજસ્થાન અને આખું ભારત એમનાં પર નાઝ કરે છે.

મહારાણા પ્રતાપનો સંધિ પ્રસ્તાવ ઠુકરાવવો અને માનસિહનું અભિયાન

૧૫૭૩ માં, અકબરે ૬ રાજ્નાયાકોને મોકલીને રાણા પ્રતાપને સમર્પણની વાત કરી પરંતુ રાણા પ્રતાપ દર વખતે એમને નકાર્યા !!! છેલ્લી વાર અકબરે પોતાના સાળા અને રાણી જોધાબાઈના ભાઈ માનસિંહને રાણા પ્રતાપ પાસે મોકલ્યા. મહારાણા પ્રતાપ માનસિંહને જોઇને ગુસ્સે થયા અને કહ્યું કે– “એક રાજપૂત તેમના રાજપૂત ભાઇઓ માટે તેમના સમર્પણ વિશે વાત કરે છે” અને રાજા માનસિંહને શરમભેર પાછાં મોકલવામાં આવ્યા .હવે અકબર સમજી ગયો કે મહારાણા પ્રતાપ ક્યારેય સમર્પણ નહીં કરે એટલે જ અકબરે પોતાની સેનાને મેવાડને કચડી નાંખવા માટે તૈયાર કરી !!!!!

૧૫૭૩ માં સંધિની દરખાસ્તોનો ઇનકાર કર્યા પછી અકબરે મેવાડના બાહ્ય રાજ્યો સાથે સંપર્ક તોડ્યો અને મેવાડના સહયોગી દળોને અલગ અલગ કરી નાંખ્યા .જેમાંના કેટલાક મહારાણા પ્રતાપના મિત્ર અને સંબંધીઓ હતા. અકબરે ચિત્તોડના તમામ લોકોને પ્રતાપને સહાય ન કરવાં કહ્યું. અકબરે રાણા પ્રતાપના નાના ભાઈ કુંવર સાગરસિંહને વિજયી ક્ષેત્ર પર રાજ કરવા માટે નિયુક્ત કરી દીધો….પરંતુ સાગરસિંહે પોતાની માતૃભૂમિ સાથે દગો કરવાને બદલે મોગલ દરબારમાં પોતાની જાતને કટાર ભોંકીને પોતાનાં જીવનનો અંત આણી દીધો. રાણા પ્રતાપના નાના ભાઈ શક્તિસિંહ મોગલ લશ્કરમાં હતા અને તેના ભાઇને અકબરના વિચારોથી વાકેફ કર્યા હતાં.

હલ્દીઘાટીનું યુદ્ધ :

૧૫૭૬માં હલ્દીઘાટીની લડાઇ ૨૦૦૦૦ રાજપૂતો અને મોગલ લશ્કરના ૮૦૦૦૦ સૈનિકો વચ્ચે શરૂ થઈ હતી. તે સમયે, અકબરની સેનાની કમાન માનસિંહને સોંપવામાં આવી હતી.

વીર પ્રતાપી મહારાણા પ્રતાપ ઘોડા ઉપર સવાર થઈ હાથમાં ભાલો લઈ યુદ્ધના મેદાનમાં ઉતરતા. મહારાણા પ્રતાપ વિષે એવું કહેવાય છે કે એમનાં ભાલાનું વજન ૮૦ કિલો અને બખ્તારનું વજન ૭૨ કિલો હતું !!!! અને આરીતે જોવાં જઈએ તો એમનાં ભાલા, ઢાલ અને ૨ તલવારો મળીને કુલ ૨૦૦ કિલોના વજન સાથે તેઓ યુદ્ધ કરતાં હતાં !!!! તો જરા વિચારો કે – કેવી રીતે આટલો બધો ભાર લઈને તેઓ યુદ્ધ કરતાં હશે !!!!! શક્તિસિંહ જે પહેલાં મોગલ સૈન્ય વતી લડ્યો હતો તે પાછળથી અણીના સમયે પ્રતાપની મદદે પહોંચ્યો હતો બીજી એક જગપ્રસિદ્ધ ઘટનામાં મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક મહારાણાનો જીવ બચાવ્યા બાદ વીરગતિ પામ્યો હતો !!!

ઇ.સ.૧૫૭૯થી ૧૫૮૫ સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર તથા ગુજરાતના મુગલ શાસિત પ્રદેશોમાં વિદ્રોહ થવા લાગ્યો હતો, પરિણામે અકબર આમાં જ ગુંચવાયેલો રહ્યો અને મેવાડ પરથી મોગલોનો દબાવ ઘટી ગયો અને આ તકનો લાભ ઉઠાવી મહારાણાએ ઈ.સ.૧૫૮૫માં મેવાડમુક્તિ પ્રયત્નો તેજ કરી દીધા. મહારાણાની સેનાએ મોગલ ચોકીઓ પર આક્રમણ શરૂ કરી દીધા અને તરત જ ઉદયપુર સહિત ૩૬ મહત્વપૂર્ણ સ્થાનો પર મહારાણાનું આધિપત્ય સ્થાપિત થઈ ગયું. મહારાણા પ્રતાપ જે સમયે સિંહાસન પર બેઠા, તે સમયે જેટલા મેવાડ પર તેમનો અધિકાર હતો, લગભગ એટલા જ જમીન ભાગ પર તેમની સત્તા સ્થાપિત થઈ ગઈ. બાર વર્ષના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઈ પરિવર્તન કરી શક્યો નહીં અને આમ મહારાણા લાંબાગાળાના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા અને આ સમય મેવાડ માટે એક સુવર્ણ યુગ સાબિત થયો. મેવાડ પર લાગેલા આ ગ્રહણનો અંત ઈ.સ.૧૫૮૫માં થયો. ત્યારબાદ મહારાણા પ્રતાપ પોતાના રાજ્યની સુખ-સાધનામાં જોડાઈ ગયા, પણ દુર્ભાગ્યે લગભગ અગિયાર વર્ષ પછી ૧૯ જાન્યુઆરી ૧૫૯૭ તેમની નવી રાજધાની ચાવંડમાં તેમનું અવસાન થયું.

ચેતક :

ચેતક મહારાણા પ્રતાપના અશ્વવર્ણી ઘોડાનું નામ હતું. ચેતક કાઠીયાવાડી નસ્લનો અશ્વ હતો. ચેતકનું મુળ ગામ ચોટીલા પાસેનુ ભીમોરા (જે હાલમાં પણ અશ્વ માટે વખણાય છે) માનવામાં આવે છે. હળવદ પાસેના ખોડગામના દંતી શાખાના ચારણે ચેતક અને નેતક બન્ને અશ્વને ભીમોરાના કોઇ કાઠી દરબાર પાસેથી લઇ મારવાડ પહોંચાડ્યા હતા, માહારાણા પ્રતાપે આ બન્ને અશ્વની પરીક્ષા કરેલ તેમા નેતક મૃત્યુ પામેલો અને ચેતકને પોતાના અશ્વ તરીકે સ્વીકાર્યો.

હલ્દી ઘાટીના યુદ્ધમાં ચેતક અશ્વએ પોતાની વફાદારી, સ્વામિભક્તિ તેમ જ વીરતાનો પરિચય આપ્યો હતો. અંતે પોતાનું કાર્ય કરતાં ૨૧ જૂન ૧૫૭૬ના દિવસે મૃત્યુને ભેટ્યો હતો. શ્યામ નારાયણ પાંડેય દ્વારા રચાયેલ પ્રસિદ્ધ મહાકાવ્ય હલ્દીઘાટીમાં ચેતક અશ્વના પરાક્રમ તેમ જ તેની સ્વામિભક્તિની કથાનું વર્ણન કરવામાં આવેલું છે. આજે પણ રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ નગરમાં ચેતકની સમાધિ બનાવેલી જોવા મળે છે.

મહારાણા ના મૃત્યુ પર અકબર ની પ્રતિક્રિયા :

આ સમાચાર જયારે અકબર ના દરબાર સુધી પહોંચ્યા ત્યારે અકબર પણ પોતાના સિંહાસન પરથી ઉતર્યા અને પછી પોતાની પાઘડી સિંહાસન પર મુકી, ત્યારે બધા દરબારી ખુશ દેખાતા હતા, અને ખુશી મનાવતા હતા, ત્યારે ફક્ત તાનસેન એક અકબરની સ્થિતિ સમજી શક્યા અને તેણે રાણા પ્રતાપ ના માન આપતા છંદ ગાઈ સંભળાવ્યા, ત્યારે અકબર બોલ્યા કે હવે મારા જીવનનો અર્થ રહેતો નથી, નાનપણમાં એક વાર અનજાન બની અને હું રાણા પ્રતાપ ને મળ્યો હતો અને અમે મિત્રો રહી ચૂક્યા છીએ, તેમના મા એક અલગ જ ઝનૂન હતુ પોતાની માત્રભુમી ખાતર પોતાના પ્રાણ આપવા માટે જરા પણ વિચાર્યા વિના તત્પર થઈ જવું, આજે હું શહેનશાહ અકબર રાણા પ્રતાપ ને શત શત નમન કરુ છું આવા શબ્દો અકબર ના મોં માથી સરી પડ્યા,અકબર, મહારાણા પ્રતાપ નો સૌથી મોટો શત્રુ હતો, પણ તેમની આ લડાઇ કોઈ વ્યક્તિગત દ્વેષ નું પરિણામ ન હતું, જોકે સિધ્ધાંતો ની લડાઈ હતી. એક હતો જે પોતાના સામ્રાજ્ય નો વિસ્તાર કરવા માગતો હતો જ્યારે એક પોતાના માતૃભૂમિને શત્રુ થી બચાવવા સંઘર્ષ કરતા રહ્યા.

મહારાણા પ્રતાપના મૃત્યુ પર અકબર ને ઘણું જ દુઃખ થયું, કેમ કે હ્રદયથી તે મહારાણા પ્રતાપના ગુણોનો પ્રશંસક હતો. આ સમાચાર થી અકબર રહસ્યમય રીતે મૌન થઈ ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા.’ પોતાની માતૃભૂમિ ની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોંછાવર કરી દેનાર એવા વીર શિરોમણિ મહારાણા પ્રતાપ ને કોટી-કોટી શત-શત પ્રણામ. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે.

જય મહારાણા પ્રતાપ..

 
 

પ્રભુ તારી કસોટીનું કરામત નામ રાખ્યું છે


(લગાગાગા×4)

પ્રભુ તારી કસોટીનું કરામત નામ રાખ્યું છે.
કરે પરવાહ તું એનું મહોબત નામ રાખ્યું છે.

નજર સામે ન આવે તું ના પૂછે હાલ શબ્દોથી,
મિલાવે હાથ આફતમાં શરારત નામ રાખ્યું છે.

ગગનમાં ચાંદ તારા ને ધરા પર પર્ણ પુષ્પો છે,
સતત વહેતા આ જળનું મેં ઇનાયત નામ રાખ્યું છે.

કરે છે બંદગી તારી ખુદા દિલથી જે દુ:ખી છે,
જમાનાએ તે પ્રીતિનું ખુશામત નામ રાખ્યું છે.

કરી છે સાફસૂફી તે જરા ઠપકારથી ઈશ્વર,
અમે તારી અદાનું આ હિફાજત નામ રાખ્યું છે.

પ્રભાતે ઓશ બિંદુમાં ઝબોળાઈ ખીલી ઊઠ્યું,
અમે એ ફૂલને ચૂમી નજાકત નામ રાખ્યું છે.

ભર્યો છે પ્રેમ દિલમાં આંખમાં કરુણામયી ધારા,
અમે આ શ્વાસને તારી અમાનત નામ રાખ્યું છે.

-પાયલ ઉનડકટ

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 30, 2020 માં Payal Unadkat

 

સોલ્યુશન


શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું.

36x + yx, 2/3yx + 3x (66y + 12x).b =0

વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું “આ સમીકરણનું સોલ્યુશન નથી. પણ આ સમીકરણ ને સોલ્વ કરવાનાં પરીક્ષામાં પુરા ત્રણ માર્ક મળશે. “

પછી તેઓ નાનકડાં વિદ્યાર્થી તરફ ફર્યાં અને કહ્યું. “શું તું આ દાખલો સોલ્વ કરી શકીશ…?”

તે વિદ્યાર્થીએ એક પળનો પણ વિલંબ કર્યા વગર ડસ્ટર હાથમાં લીધું અને બોર્ડ પર લખેલું સમીકરણ ભૂંસી નાંખ્યું. અને કહ્યું…. “પ્રોબ્લેમ સોલ્વ્ડ સર. જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો. ત્રણ માર્ક ની પાછળ 97 માર્ક કેમ ગુમાવવા??!!

જિંદગીમાં પણ અમુક પ્રોબ્લેમ આવાં જ હોય છે. તેનું સોલ્યુશન પણ આ રીતે જ હોઈ શકે છે. દુર્લભ અને અપ્રાપ્ય ત્રણ માર્કની પાછળ આપણે 100% જિંદગી દાવ પર લગાવી દઈએ છે. અને એ લ્હાયમાં બાકીનાં 97% ખૂબસૂરત પળો જે આપણાં જ આધિપત્યમાં હોય છે તેને માણવાનું ભૂલી જઈએ છીએ…”

જિંદગી જીવવા માટે ભૂંસવાની કળા આત્મસાત કરવી જરૂરી છે.

ખુશ રહો મસ્ત રહો.

-અજ્ઞાત 

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 29, 2020 માં Sense stories / बोध कथाए

 

ફોટામાં મા સુખી


ઝવેરચંદ પરીખ કરોડપતિ નહી, અબજોપતિ હતા. તેમના ત્રણ દીકરા અલગ – અલગ ધંધો સંભાળતા હતા. ત્રણેયના મહેલ જેવા બંગલા હતા ઘરમાં નોકરોની ફોજ હતી. ઝવેરચંદ અને તેમના પત્ની સવિતામા ખૂબ સારા સ્વભાવના હતા. સમાજમાં તેમની મોટી નામના હતી. અઢળક નાણા આવ્યા પછી પણ તેમના પગ જમીન પર જ હતા. જરૂરીયાતમંદની હમેંશા મદદ કરતા. તેમના ઘરેથી કોઇ ખાલી હાથે પાછુ ન જતું. તેમના આવા સ્વભાવને કારણે લોકો તેમને ખૂબ માન આપતા અને તેથી જ તેમના ત્રણેય દીકરાનું માન પણ સમાજમાં જળવાતું.

ઝવેરચંદના મૃત્યુ પછી સવિતામા એકલા થઇ ગયા. તેમણે મોટા દીકરા અનિલના ઘરે રહેવાનું વિચાર્યુ. થોડા દિવસ તો બઘુ બરાબર ચાલ્યું, પણ પછી અનિલની પત્નીને સવિતામાને સાચવવાનુ ખૂંચવા લાગ્યુ. અનિલ તેને સમજાવતો કે, આપણે મોટા છીએ,એટલે મા ને સાચવવાની આપણી ફરજ છે. પણ તેની પત્ની દલીલ કરતી કે, મિલકતના ભાગ પાડતી વખતે મોટા તરીખે આપણને વઘારાની મિલકત મળી નથી, ત્યારે તો સરખા જ ભાગ થયાં હતા તો હવે મા ની ઉપાઘી આપણે જ શું કામ કરવાની ??

મા તેના ઉપાઘી લાગતી હતી. તે તેમને વિદાઇ કરવાનો પ્લાન કરતી. તેવામાં તેને મોકો મળી ગયો. અનિલને ધંધાના કામથી એક મહિનો અમેરીકા જવાનું થયું. બન્નેએ સાથે જવાનું નકકી કર્યુ. અનિલે મા ને કહ્યુ, ” મા અમે બન્ને એક મહિનો અમેરીકા જઇએ છીએ, તમે હવે વચેટ ભાઇ સુનિલના ઘરે જતા રહો.”

સવિતામા આમ પણ કંઇ બોલતા નહી. બસ આખો દિવસ પોતાના રૂમમાં સેવા-પૂજા કર્યા કરતાં. તેમણે ડરતા ડરતા સંકોચ સાથે કહ્યું, “બેટા.. એક મહિનાની જ વાત છે ને… તમે બન્ને જઇ આવો, હું અહી જ રહીશ., આમ પણ નોકરો તો રહેવાના જ ને..?”

અનિલે પત્ની સામે જોયું, તેની આંખમાં નકારનો ભાવ જોઇને બોલ્યો, “ના. મા.. નોકરો તો તેમના કવાર્ટરમાં રહેશે, તમને નહી ફાવે, તમે સુનિલના ઘરે જતાં રહો.”

સવિતામા કંઇ ન બોલ્યા. બસ તેમને ફાળવેલા રૂમમાં ચાલ્યા ગયા અને પછી સુનિલના ઘરે જતા રહ્યાં. અઠવાડિયુ સુનિલના ઘરે વિત્યુ ત્યાં સુનિલે કહ્યું, “મા અનિલભાઈ તમને મારા ઘરે મૂકી ગયા છે, પણ મારે ધંધાના કામ માટે પંદર-વીસ દિવસ દિલ્હી જવું પડે તેમ છે, અમે બન્ને જઇએ છીએ, તમે નાનાભાઇ હરીશને ઘરે જતા રહો.”

મા એ કંઇ દલીલ ન કરી. તેમને ખબર હતી કે કંઇ બોલવાનો ફાયદો નથી તે ફરી પાછા ભગવાનને લઇને હરીશના ઘરે ગયાં. હરીશની પત્નીને તો સાસુ બિલકુલ ગમતા જ ન હતા. તેમની સામે જ કહેતી કે, “બન્ને ભાઇઓ ફરવા ગયા અને આ ડોશી મને વળગાડતા ગયા.”

સવિતામા આવા બઘા અપમાન સહન કરી લેતા. કયારેક ભગવાન સામે રડતા રડતા કહેતા કે, તમારે પણ મારી સાથે એક ઘરેથી બીજા ફરવું પડે છે…. કયારેક ઝવેરચંદના ફોટા સામે જોઇને ફરીયાદ કરતા કે, તમે તો નસીબદાર છો કે દીકરાઓની સારી છાપ લઇને ચાલ્યા ગયા, મને સાથે લઇ ગયા હોત તો મારે આવા અપમાન સહન ન કરવા પડત…

ચાર-છ દિવસ થયા ત્યાં હરીશે કહ્યું, ” મા.. મામાના ઘરેથી ફોન આવ્યો હતો, તે ખૂબ બિમાર છે, તમને યાદ કરે છે, તમે ત્યાં જઇ આવો” સાંભળીને સવિતામા તરત ત્યાં ગયાં, જઇને જોયું તો ભાઇને કંઇ થયું નહતું.  તે મનથી બિલકુલ ભાંગી ગયા. દીકરાઓ છેક આ હદે જશે તેવું તેમણે વિચાર્યુ પણ ન હતું. ભાઇને બઘી વાત કરી તો ભાઈએ હવે તેમને પોતાના ઘરે જ રાખવાનું નકકી કર્યુ.

પણ દીકરાઓથી તરછોડાયેલી મા માટે જીવન હવે આકરૂં થઇ ગયું. મનથી ભાંગેલી મા તનથી પણ ભાંગી પડી. ભાઇએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા, પણ એકપણ સારવાર કામ ન આવી અને પંદર દિવસમાં તે પતિ પાસે દીકરાઓની ફરિયાદ કરવા પહોંચી ગયા.

તેમના ભાઇએ ત્રણેય દીકરાઓને ખબર આપી દીઘાં. અનિલ અને સુનિલને તો ફરવા ગયા હતા ત્યાંથી પાછા ફરવું પડયું એ વાતનો કચવાટ હતો. ત્રણેય મા ને પોતાની સાથે લઇ ગયા, અને અંતિમવિઘી પૂરી કરી. મા ના મોટા-મોટા ફોટા સાથે બઘા અખબારમાં ઉઠમણાની જાહેરાત છાપી, સાથે મા ને શ્રધ્ધાંજલી આપતી લાગણીશીલ કવિતા કયાંકથી ઉઠાંતરી કરીને લખી. ઝવેરચંદ અને ત્રણેય દીકરાઓની સમાજમાં ખૂબ સારી શાખ હતી એટલે ઉઠમણાંમાં ઘણા માણસો આવ્યા. ત્રણેય દીકરાઓ અને વહુઓ ચહેરા પર મા ગયાનો જુઠ્ઠો અફસોસ દેખાડતા હતા.

મા પાછળ બઘી જ ધાર્મિકવિઘી પણ મોટાપાયે કરી. સમાજમાં વાહ વાહ થાય તે માટે મા ના નામથી એક વૃધ્ધાશ્રમમાં મોટી રકમનું દાન પણ આપ્યું, સવિતામાનો ફોટો તે આશ્રમમાં મુકવામાં આવ્યો. બઘા વાહવાહ કરતા એમ કહેતા હતા કે, “સવિતામા ભાગ્યશાળી હતા.. દીકરાઓને કેટલી લાગણી છે…” પણ તેમણે કેટલી વેદના અને અપમાન સહન કર્યા હતા તે કોઇ જાણતું ન હતું.

આશ્રમમાં મુકાયેલી મા ની તસવીરમાં મા હસતી હતી. જાણે મૃત્યુએ તેને કેદમાંથી છોડાવી હોય.. જે મા ને જીવતા કોઇ રાખવા તૈયાર ન હતુ, તે મા ના નામે દાન કરીને દીકરાઓએ પોતાનું નામ મોટુ કર્યુ હતુ. પણ હવે મા ને કોઇ ફરિયાદ ન હતી. જીવતી હતી ત્યાં સુઘી દુ:ખી હતી.. પણ મૃત્યુ પછી ફોટો બનીને સુખી થઇ ગઇ.

-દિપા સોની “સોનુ”

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 29, 2020 માં SHORT STORIES / लघु-कथाए

 

પગેરું


“પાર્ટીમાં મજા પડી ગઈ.  કેમ કે નહીં?”

“હમ્મ”

“ત્રણ ચાર મહિને આમ તમે મિત્રો ભેગાં થવાનું રાખો તો બધાંને મજા પડે.”

“હમ્મ”

“શું ક્યારના ‘હમ્મ’ કરો છો કંઇક જવાબ તો આપો!”

રાતનાં દસ વાગ્યાના સુમારે કરણ અને પ્રિયંકા, કરણના મિત્રો અને તેના પરિવાર સાથેનું નાનકડું ગેટ ટુ ગેધર કમ પાર્ટી પતાવી ઘરે પરત ફરી રહ્યા હતાં. કરણ કોઈક વિચારમાં ડૂબેલો હતો તેને પ્રિયંકા વારંવાર અવનવી વાત કરી તેનો મૂડ બદલવા માંગતી હતી. પણ, કરણ એક ચિત્તે સૂમસામ અંધારા રસ્તા પર કારની ફ્લેશ લાઈટમાં નજર સ્થીર કરી કાર ચલાવી રહ્યો હતો. થોડાં થોડાં સમયાંતરે બાજુએથી નાના મોટા વાહનો ઝડપથી ઓવરટેક કરી પસાર થતાં હતાં. જેના લીધે લાઈટનો મોટો શેરડો પડતો હતો અને ત્યારબાદ ફરી અંધકાર.

એક જ ગતિએ પસાર થતી કાર અચાનક જ રસ્તાની ડાબી બાજુ વળી અને ખેતરની ફેન્સિંગ તોડી ત્યાં આવેલા એક ઝાડ સાથે જઈ અથડાય છે. અચાનક વળેલી કારના લીધે પ્રિંયકા ગભરાઈ ગઈ અને કરણ પર બૂમો પાડવા લાગી. કરણનું મગજ પણ શૂન્ય થઈ ગયું. પ્રિયંકા પૂછપરછ કરવા લાગી. તેણે કરણનો હાથ પકડી હચમચાવ્યો, “કરણ..શું થયું? કાર કેમ અચાનક આવી રીતે વાળી દીધી?” હતપ્રભ બનેલો કરણ રસ્તા તરફ દોડી કોઈને શોધવા લાગ્યો. પ્રિયંકા પણ કરણના વર્તનથી આશ્ચર્ય પામી તેની પાછળ દોડવા લાગી. અંધારા રસ્તામાં પસાર થતાં વાહનો અને ખિસ્સામાંથી બહાર કાઢેલા મોબાઈલની ટોર્ચ લાઈટ વડે કોઈને શોધતો રસ્તા પર દોડવા લાગ્યો અને બરોબર જે જગ્યાએથી કાર ફેન્સિંગ તોડી ખેતરમાં ગઈ ત્યાં રોડ પર કરણ ટાયરના નિશાનને પણ નિહાળવા લાગ્યો.

થોડીવારે શોધખોળ પુરી થઈ હોય તેમ મોબાઈલ ફોન પર કોઈને કોલ લગાવી, “હલ્લો..બેડીનાકા તરફના સિંગલ પટ્ટીના રસ્તા પર મારી કારને અકસ્માત થયો છે. પેટ્રોલિંગ કરતી વાનને અહીંયા મોકલી આપો.” ફોનકોલ પૂરો થતાં જ ગજવામાંથી લાઈટર અને સિગરેટ કાઢી મોંમાં રાખી સળગાવી. સિગારેટના એક-બે કસ લીધા બાદ પ્રિયંકાને આંગળી વડે ઈશારો કરી, “તને અહીંયા કોઈ નાનકડી છોકરી દેખાઈ?”

પ્રિયંકા અચરજ સાથે, “કઈ છોકરી.. કોણ…મેં તો કોઈને નથી જોઈ!”

સિગરેટના ઊંડા કસ ભરી વ્યાકુળતા સાથે કહ્યું, “પ્રિયંકા..મેં અહીંયા એક સુંદર, ભૂરી આંખો, સિલ્કી વાળ ધરાવતી, સાક્ષાત પરીલોક માંથી જમીન પર ઉતરી આવેલી નાનકડી પરી જેવી છોકરી જોઈ. તેણે શ્વેત વસ્ત્રો પહેર્યા હતાં, તે મુખ પર અલૌકિક તેજ ધરાવતી અને હાથમાં ફાનસ લઈ આ અંધારા રસ્તા પર કોઈને શોધતી બરોબર કારની સામે આવી ઊભી. તેને બચાવવા જતાં આપોઆપ સ્ટીયરિંગ ડાબી બાજુ મેં વાળ્યું અને આ હાલત થઈ. પ્રિયંકા મેં તને વાત ન’તી કરી કારણ તને નાહકની ચિંતા થઈ જાય. પણ એ છોકરી છેલ્લા એક અઠવાડિયાથી આ રસ્તા પર ઓફિસથી પરત ફરતાં મને જોવા મળે છે. એ છોકરી દરરોજ સાઈડ પર ઉભેલી જોવા મળતી હતી. જયારે પણ હું કારમાં પસાર થતો ત્યારે દૂરથી એ દેખાતી અને જેવો તેની નજીક પહોંચું એ ગાયબ થઈ જતી. એ છોકરી વિશે વધુ શોધખોળ કરવા કાર ઉભી રાખી તેમની પાસે જવા ઇચ્છતો પણ મનનો વહેમ સમજી તેને સતત ઇગ્નોર કરતો રહ્યો અને આજે તે મારી કાર સામે જ આવી ઊભી.”

પ્રિયંકા પણ વાત સાંભળી તેના મનના ઘોડાપૂરને છોડી દીધાં અને વિવિધ તારણો વિચારવા લાગી, “એ છોકરી કોઈની આત્મા હશે અને કંઈ કહેવા માંગતી હશે?” કરણ પણ ઊંડા વિચારમાં પડી ગયો. થોડીવારે પોલીસ પેટ્રોલીંગ વેન આવી કરણ અને પ્રિયંકા બન્ને તેમાં ગોઠવાયા. શિંદે આ એરિયા જે પોલીસ ચોકી લાગુ પડતી હોય ત્યાં છેલ્લા એક વર્ષમાં કોઈ નાનકડી છોકરીને લગતાં કોઈ પણ કેસની એફ.આઈ.આર. થઈ હોય તેની વિગત મને કાલે સાંજ સુધીમાં આપો. કોન્સ્ટેબલ શિંદે બધી વાતને સાંભળી, “જી..સાહેબ.. આ તમારી કાર!”. જવાબમાં કરણે કહ્યું, “કાલે સવારે જોઈ લઈશું.” શિંદે ફરી એક આજ્ઞાંકિત કર્મચારી માફક, “જી..સાબજી કહી ફરી મૂંગો થઈ જાય છે. તેના મનમાં તો ઘણાં પ્રશ્નો ઉભા થયાં હતાં, પણ સાહેબની ઇન્કવાઇરી થોડી કરાઈ એટલે વધુ પૂછપરછ કરવાનું માંડી વાળ્યું.

કરણ અને પ્રિયંકાની આખી રાત એ છોકરીના જ વિચારમાં પસાર થઈ. બીજા દિવસે સવારે કરણ પોતાનું બૂલેટ બાઈક લઈ ઘટના સ્થળે પહોંચે છે. કરણ એ જગ્યાની આજુબાજુના વિસ્તારને કોઈ ઇન્વેસ્ટિગેશનના ભાગે જે રીતે સ્થળને રેકી કરે તેમ ઘટના સ્થળ અને તે રસ્તાની બન્ને બાજુ રેકી કરવા લાગે છે. ત્યાં દૂર સુધી કોઈ રહેણાંક જોવા મળતું ન હતું. પણ જે ખેતરમાં કાર ઘુસી હતી ત્યાં ખેતમજૂરો કે ખેતરના માલિકને રહેવા કે ખેતરનો પાક રાખવા માટે બાંધેલો એક રૂમ જોવા મળ્યો. જેના પર તાળું મારેલું જોવા મળ્યું. ઘરેથી નીકળતાં પહેલાં કરણે શિંદેને કોલ કર્યો હોય, થોડીવારે શિંદે બીજા એક બે કોન્સ્ટેબલ , વીમા કંપનીના કર્મચારી અને કાર સ્નેચર ટ્રોલી લઈ આવી પહોંચ્યા.

કરણ પોતાની કારને શો રૂમમાં પહોંચાડવાની જરૂરી સુચના શીંદેને આપી તેમજ વીમાના પેપર્સમાં સહી કરી પોતાની ઓફિસ તરફ જવા લાગ્યો. ઓફિસે પહોંચી પહેલા જ બેડી નાકા પાસેના પોલીસ સ્ટેશનના સબ ઇન્સપેક્ટરને ફોન કર્યો અને પૂછ્યું, “એસ.પી. સક્સેના બોલું છું. મારો મેસેજ મળ્યો?”

સામે બાજુથી સબ ઇન્સપેક્ટરનો યોગ્ય જવાબ મળતાં કરણને થોડી ટાઢક વળી. આજે કોઈપણ રીતે પેલી છોકરીની માહિતી મેળવવી તેવું મનમાં ધારી લીધું. કરણ ઓફિસની બીજી રૂટિન એક્ટિવિટીઓમાં કાર્યરત બન્યો. લગભગ બપોર 2 વાગ્યા આસપાસ સબ ઇન્સપેક્ટર છેલ્લા એક વર્ષમાં બનેલા પાંચ કિસ્સાઓની કેસ ફાઈલ લઈ એસ.પી. ઓફિસે પહોંચ્યા. કરણ એક પછી એક ફાઈલો ઉથલાવવા માંડ્યો છેલ્લી ફાઇલની વિગતો વાંચી તેના ચહેરા પર યોગ્ય દિશા મળી હોય તેવી ચમક દેખાઈ.

“સબ ઇન્સપેક્ટર શ્રીમાળી આ એફ.આર.આઈ નોંધાવનાર ધનજીને મળવું છે તેમને એમના વિશે માહિતી છે?”

“જી…સાહેબ એ ત્યાં રસ્તા પરની એક ખેતીવાડીમાં જ રહે છે. દિવસે એ કામમાં હોય અને રાત્રે ડૂલ થઈ ક્યાંયે પડ્યો હોય, તેને અફીણ લેવાની તેમજ જુગાર રમવાની પણ આદત છે.”

કરણ પોતાના મગજમાં કડી મેળવવા પ્રયત્ન કરવા લાગ્યો. થોડું વિચારી, “પછી તેની ઘરવાળી મળી?”

“ના..સાહેબ..એ એના ભાયડાના ત્રાસે ક્યાંક જતી રહી હશે એવું તારણ કાઢી ફાઈલ બંધ કરી દીધી.”

ઘણીવખત ચોક્કસ માહિતીઓ ન મળતાં કેસ આવી રીતે જ બંધ થઈ જતો હોય છે તે કરણને ખબર હતી. કરણ પોતાની ખુરશીએથી ઊભાં થઈ, “ચાલો શ્રીમાળી આપણે આ ધનજીની મુલાકાત લઈએ.”
*****
“બોલ ધનજી..તારી ઘરવાળી ક્યાં ગઈ?” શ્રીમાળી કડક શબ્દોમાં પૂછપરછ કરી રહ્યા હતાં. કરણ નાનકડાં રૂમમાં બધું નિહાળીને જોવા લાગ્યો. તેનું તારણ સાચું પડ્યું હતું. એની ગાડી જે ખેતરમાં ઘૂસી હતી એ ખેતરમાં જ ધનજી ખેત મજૂર તરીકે કામ કરતો હતો. કરણ રૂમમાં પડેલી પેટી તરફ આંગળી ચીંધી, “આ પેટી ખોલ તેમાં શું છે એ જોવું છે.”

ધનજી ગભરાતા ઉભા થઇ પેટીને ખોલે છે ત્યાં તેમાં નાનકડી છોકરીના ફ્રોકમાં વીંટાળેલી દારૂની બોટલ મળે છે. શ્રીમાળી બોટલ દેખાતાં જ ધનજીને ખેંચીને ઝાપટ મારે છે. “દારૂની બોટલ સંતાડીને રાખે છે. દારૂ રાખવાના ગૂન્હામાં જેલમાં ઘુસાડી દેશું.”

શ્રીમાળીની કડક પૂછપરછ પર કરણ ઈશારાઓ વડે રોક લગાવે છે. કરણ પેલું ફ્રોક ધનજીને બતાવી, “આ ફ્રોક કોનું છે?”

ધનજી હાથ જોડી ગભરાહટમાં, “સાહેબ એ મારી છોકરીનું છે.” ધનજીના જવાબથી જ કરણ અને શ્રીમાળી અચરજ સાથે એકબીજાની સામે જોવે છે. કરણ પૂછપરછ આગળ વધારતાં, “ક્યાં છે ?અહીંયા તો નથી દેખાતી?”

“સાહેબ એને એની મા હારે લઈ ગઈ.” ધનજીએ થોથવાઈને કહ્યુ.

“તો ફરિયાદ..તે માત્ર તારી ઘરવાળીની જ કેમ લખાવી’તી! આ છોકરીની કેમ ન લખાવી?” શ્રીમાળીએ કડકાઈ સાથે પૂછ્યું.

“સાહેબ…હું ફરિયાદ લખાવા ન’તો આવ્યો પણ મારો સંગાથી રામલાલ આવ્યો હતો.”ધનજીએ ચોખવટ કરી. કરણે તાત્કાલિક ડોગ સ્કવોડને સ્થળ પર બોલાવી. શ્રીમાળીને નવાઈ લાગતાં, “સર..નવેક મહિના પહેલાંની ગંધ અત્યારે કઈ રીતે પારખશે?” કરણ સિગરેટ અને લાઈટર કાઢી સિગરેટ સળગાવી અને તેના કસ લેતાં કહ્યું, “એક ચાન્સ લઉં છું. ઈટાલિયન ડોબરમેન ફેમિલીનો શેરું જૂની ગંધને પારખવામાં માહિર છે. મેં એમની મદદથી ત્રણ વર્ષ પહેલાં આવી જ રીતે એક કેસ સોલ્વ કર્યો હતો. બની શકે કે તેની બૈરી અને છોકરી નજીકમાં જ આ ધનજી પર નજર રાખી રહેતાં હોય.”
*****
“સર..આ શેરુને કંઇક મળ્યું હોવું જોઈએ એ અહીંયા ઝાડની પાસે જ ફર્યા કરે છે. મતલબ અહિયાં કંઈક કહેવા માંગે છે. કરણને પણ વિચાર આવ્યો કાલે તેની કાર અહીંયા આ ઝાડ પાસે જ ટકરાઈને ઉભી ગયેલી. ત્યાં ઝાડ પાસેની જમીનનું નિરીક્ષણ કરવા લાગ્યો ત્યાં થોડી જગ્યા પોચી લાગી તેમજ ત્યાં ઘાસ પણ ઊગી ગયું હતું. કરણ ત્યાં માટીને હાથમાં લઈ કંઈક વિચારી શ્રીમાળી તરફ જોઈ કહ્યું, “અહીંયા જમીન ખોદાવો.”

શ્રીમાળીએ કોન્સ્ટેબલને આજુબાજુના ખેતરમાં કામ કરતાં ત્રણેક ખેત મજૂરોને બોલાવ્યા અને ઝાડ નીચેની પોચી જમીન ખોદાવવાનું શરૂ કર્યું. લગભગ ચાર ફૂટથી વધુ ખોદતાં પાવડો કંઈક નક્કર વસ્તુ સાથે અથડાયાનો ભાસ થયો. કરણને અવાજ સંભળાતા તુરંત જ હાથ વડે માટી ઉલેચવાનું સૂચન કર્યું. ત્યાંતો શેરુનો ભસવાનો અવાજ આવવા લાગ્યો. કરણ, શ્રીમાળી અને ત્યાં ઉભેલા બધાં જ ડઘાઈ ગયાં. કરણે તુરંત શ્રીમાળીને સૂચન કર્યું, “ફોરેન્સિક ટીમને બોલાવી ઇન્વેસ્ટિગેશન કરો અને આ ધનજીને હીરાસતમાં લઈ પૂછપરછ કરો.” શ્રીમાળી એસ.પી કરણ સકસેનાની સૂચનાને અક્ષરસહ પાલન કરવા લાગ્યો.

“પ્રિયંકા…પેલી નાનકડી છોકરી ચોક્કસ તેમના હત્યારાઓને પકડવા પગેરું ચીંધતી હતી. આપણી કાર કાલે જ્યાં અથડાઈ હતી બરોબર ત્યાં જમીન નીચેથી હાડપિંજર મળ્યું છે. બે દિવસમાં ફોરેન્સિકનો રિપોર્ટ આવશે એટલે વધુ વિગત ખબર પડશે.”

ફોનકોલમાં વાત ચાલુ હતી ત્યારે તે પોલીસ જીપમાં બેસી ગયો હતો અને જીપ ઓફિસ તરફ રવાના થઈ ચુકી હતી. પ્રિયંકા સાથેની વાત પૂરી થતાંની સાથે જ ફરી એ છોકરી હાથમાં ફાનસ લઈ રોડની સાઈડમાં ઉભેલી જોવા મળી અને તેના મુખ પર એક અલૌકિક સ્મિત જોવા મળ્યું.

બે દિવસ બાદ સબ ઇન્સપેક્ટર શ્રીમાળી ફોરેન્સિક લેબોરેટરીના રિપોર્ટસ સાથે આવી પહોંચ્યો.

“બોલો શ્રીમાળી..રિપોટર્સ શુ બોલે છે!”

“સર…!!બોલે છે!”

“હા… પગેરું શોધાવવા માટે મૃત વ્યક્તિ તેના ફોરેન્સિક રિપોર્ટ વડે ઘણું બોલે.”

શ્રીમાળીના મુખ પર સ્મિત ફરક્યું, “જી સાહેબ આપ સાચા છો.”

કરણ શ્રીમાળીને જવાબ આપતાં, “અનુભવ… શ્રીમાળી… તમે પણ ક્યારેક તો મારી જગ્યાએ પહોંચશો જ ને! લાવો રિપોર્ટ જોવા દો.”

શ્રીમાળીએ રિપોર્ટ્સ આગળ ધરી કહ્યું, “સર.. બે વ્યક્તિના હાડપિંજર મળ્યા હતાં. એક 35 વર્ષની આજુબાજુ ઉંમર ધરાવતી સ્ત્રીના અને આશરે 6 વર્ષની છોકરીના. એ બન્ને ધનજીની ઘરવાળી અને છોકરીના જ છે. ડી.એન.એ રિપોર્ટ્સ પણ મેચ થઈ ગયાં. મોટી સ્ત્રીનો રેપ થયો હશે તેવું તારણ છે. અને નાનકડી છોકરી ગૂંગળામણથી મૃત્યુ પામી હશે.”

“હમ્મ..ધનજી કંઈ બોલ્યો?” કરણે ગંભીરતા સાથે પૂછ્યું.

“હા… એ રાત્રે તેના ચાર સંગાથીઓ જુગાર રમવા ભેગા થયેલા. ધનજી જુગારમાં પૈસા હારી જતાં તેની ઘરવાળીને દાવ પર લગાવી હતી. એ દાવમાં તે ઘરવાળીને પણ હારી ગયેલો. એ રાતે ધનજીએ અફીણ લીધું હતું એટલે મગજ પર કાબુ ગુમાવી ચુક્યો હતો. તેના સંગાથીઓ ધનજીની ઘરવાળીને ઊઠાવી ગયા હતાં. સર…ધનજીના સંગાથીઓને પણ હીરાસતમાં લઈ લીધાં છે.”

“વેલડન… શ્રીમાળી તમારી ટીમે એક નાનકડી છોકરી અને તેની પીડીત મા ને ન્યાય અપાવ્યો છે. આ નરાધમોને હવે જેલ થઈને જ રહેશે.”

શ્રીમાળી ઓફિસની બહાર જતાં, કરણ તેની ખુરશીમાં લાંબા થઈ આંખો બંધ કરી આગળનો તાળો મેળવવા લાગ્યો. “એ છોકરી ફાનસ લઈ તેની મા ને શોધવા નીકળી હશે. ચાર નરાધમો તેના કૃત્યને અંજામ આપી રહ્યા હશે તે આ બાળકી જોઈ ગઈ હશે તેથી તેની સાથે જ આ બાળકીને જીવતી….હે..ઈશ્વર…” મોબાઈલ પર પ્રિયંકાનો ફોનકોલ રણક્યો અને કરણ ધ્યાનભંગ થઈ ગયો.

-ઉજાસ વસાવડા

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 29, 2020 માં Ujas Vasavda

 

અહમનો ધુમાડો ઉડાડો ગગનમાં


(લગાગા×4)

અહમનો ધુમાડો ઉડાડો ગગનમાં,
કરો વાવણી વ્હાલની થોડી મનમાં,

ખર્યાં પાનની વાત પકડી ફરો શું!
વધાવી લો કૂંપળ ઘણી છે ચમનમાં,

સ્વજનનાં દીધેલાં ઝખમ સાચવીને,
મઢાવો કલમથી તમારાં કવનમાં,

પ્રસિદ્ધિ છતાંયે આ મન ઝંખતું’તું,
તું કારો કરે મિત્ર એવો વતનમાં,

ભલે મીર મારો દમામી અદાથી,
છે તાકાત જગ જીતવાની નમનમાં,

ના શ્રદ્ધા પ્રભુ પર ના ભક્તિ ગમે છે,
મજા મેળવે શું હરિના ભજનમાં!

કરું એ વિનંતી ના ફૂલો મુકાવો,
ગઝલની કિતાબો રખાવો કફનમાં.

-પાયલ ઉનડકટ

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 29, 2020 માં Payal Unadkat

 

દાંડિયાની જોડ | ભાગ–૯ (અંતિમ ભાગ)


સ્વરાએ કોલેજમાં પોતાને જોઇતી માહિતી એકઠી કરી લીધી અને સૌનો આભાર માની રિધમ સાથે પાછી ફરી… રિધમે સ્વરાને રસ્તામાં અનેક પ્રશ્નો કર્યા પણ સ્વરાએ કોઇ જવાબ ન આપ્યાં… પણ એટલું કહ્યું, ‘આજે છેલ્લા નોરતામાં પાર્ટી પ્લોટમાં તેને બધા જવાબ મળી રહેશે…. તું સાથે તારી વાંસળી લેતો આવજે..’

લીઝાએ આપેલા ત્રણ પાસ સ્વરા પાસે હતા તેમાંથી એક પાસ રિધમને આપ્યો અને રાત્રે જરુર આવવાનું કહ્યું. સ્વરાએ પપ્પાને ફોન કરીને કહી દીધું રાત્રે સાથે પાર્ટી પ્લોટમાં જવાનું છે એટલે વહેલા આવજો. સ્વરા ઘરે પહોંચી. શ્રૃજલ પણ ઘરે વહેલો આવી ગયો. જો કે સ્વરાએ કહ્યું નહી કે આજે પોતે ક્યાં ગઇ હતી.

સાંજે ચા બનાવી ડાયનિંગ ટેબલ પર સ્વરા અને તેના પપ્પા સામસામે બેઠાં, ‘પપ્પા આજે તમારે મારી સાથે ગરબે રમવું પડશે.’

‘હા… ચોક્કસ…’ શ્રૃજલે કોઇપણ આનાકાની વગર હા કહી.

‘પપ્પા તમને ગરબાના સ્ટેપ ફાવશે..?’ સ્વરાએ ક્રોસ ચેક કરવા પુછ્યું.

‘શીખી લઇશ’

‘તમારી પેલી સ્પેશ્યલ દાંડિયાની જોડ સાથે લેજો, ટ્રેડિશનલ કપડાં હું લઇ આવી છું…’ સ્વરાએ કહ્યું

‘સ્વરા મેં તારી મમ્મીને કહ્યું હતું કે આ નવરાત્રીમાં તારી સાથે ગરબે ઘુમીશ પણ હું તને કંપની ન આપી શક્યો.. સોરી…..!’ શ્રૃજલે પોતે સુનયનાને આપેલ વચનને પાળ્યું તે બદલ માફી માંગી લીધી.

‘કેમ પપ્પા… તમે આટલા વર્ષો સુધી કેમ કોઇવાર અમારી સાથે ગરબે ન ઘુમ્યાં…?’ સ્વરાના શબ્દો અને આંખો બન્નેમાં પ્રશ્નો હતા. શ્રૃજલ તેની આંખો જોઇને સાવ નિરુત્તર રહ્યો…

‘પપ્પા તમે કેમ તમારી પ્રિય વાંસળીને પણ ભૂલાવી દીધી…?’ સ્વરાના આ બીજા પ્રશ્નથી શ્રૃજલ હલબલી ગયો.

શ્રૃજલ થોડીવાર સ્વરાની પ્રશ્નોભરી આંખોમાં જોઇ રહ્યો અને ગંભીરબની જવાબ આપ્યો, ‘સ્વરા… જિંદગીમાં કેટલાય વ્યક્તિ, વસ્તુ કે શોખ આવે અને જાય.. તેમાં કોઇ વસવસો ન હોય.’

‘કંઇક તો હતું જ પપ્પા, કે જે તમારી જિંદગીમાંથી તમારા બધા શોખને તાણીને લઇ ગયું…!’ સ્વરા હવે મિત્ર બની પપ્પા સાથે વાત કરી રહી હતી.

‘બેટા… હવે તે ઇતિહાસને ખાળવાનો કોઇ અર્થ નથી..’

‘પણ.. પપ્પા તે ભૂતકાળમાં બનેલી ‘દાંડિયાની જોડ’ વર્ષો પછી મળે છે ત્યારે એમ લાગે છે કે તેમાં પણ કોઇ ઇશ્વરનો સંકેત છે.’

‘કઇ જોડ… અને ક્યાં મળી…?’ શ્રૃજલને લાગ્યું કે સ્વરા ઘણું જાણી ચુકી છે.

‘મેં તમને કહ્યું હતું કે તમારી પાસે રહેલી ‘દાંડિયાની જોડ’ અધુરી લાગે છે… મેં તે આખી જોડ જોઇ ત્યારે મને લાગ્યું કે તમે તે દાંડિયાની જોડનું રહસ્ય છુપાવી રહ્યા છો.’ સ્વરાએ કહ્યું.

‘ક્યાં જોઇ તેં બીજી દાંડિયાની જોડ?’ શ્રૃજલ તે જાણવા અધીરો બન્યો.

‘આજે રાત્રે તે અધુરી દાંડિયાની જોડ તમને પણ જોવા મળશે..! પપ્પા મને તમારા પ્રત્યે કોઇ પ્રશ્ન કે અણગમો નથી પણ મને અને મારી મમ્મીને તમારા શોખનો કાયમ અભાવ રહ્યો તેનો વસવસો રહેશે.’ સ્વરાએ નરમ અવાજે કહ્યું.

‘બેટા, જીવનમાં કોઇ વાર એવા તોફાન સર્જાઇ જતા હોય છે જે આપણી જિંદગીને ઘણી ઘણી રીતે ખેદાન મેદાન કરી નાખે છે…! જો કે તે ઇતિહાસ જાણીને કોઇ અર્થ નથી પણ હવે તને પછીની એકપણ નવરાત્રીમાં તને તારી મમ્મીની ખોટ નહી વર્તાય તે પ્રોમીસ આપું છું.’ અને પછી શ્રૃજલ તથા સ્વરાની વચ્ચેની વાતચીતમાં એક લાંબો અંતરાય આવ્યો… આ ખામોશી નિરુત્તર હતી…. સમજણની હતી… પરિપક્વ વિચારોની હતી.

‘બસ તો મારે એ પપ્પા આજે રાતે ગરબે ઘુમતા જોઇએ કે જે એવોર્ડ પણ જીતી શકે છે.’ સ્વરાએ વાતાવરણ બદલતા કહ્યું.

‘શ્યોર’ શ્રૃજલે પોતાના જમણા હાથનો અંગૂઠો ઉંચો કરીને કહ્યું.

આ નવરાત્રિની છેલ્લી રાતે સ્વરા શ્રૃજલની સાથે પાર્ટીપ્લોટ પર પહોંચી. ત્યાં લીઝા અને તેની મમ્મી તેમની રાહ જોઇ રહ્યા હતા… શ્રૃજલ તેની દાંડિયાની જોડ લઇને આગળ વધે છે…. ત્યાં સામે દૂર લીઝાની મમ્મી જેસિકા દેખાય છે…. આ એ જ જેસિકા જેનુ નામ વર્ષો પહેલા તે વાંસળી પર નામ કોતરાયેલું હતું. એસ એટલે શ્રૃજલ અને જે એટલે જેસિકા…!

શ્રૃજલ અને જેસિકાની આંખો મળતાં ભૂતકાળની યાદોના ઘોડાપુરમાં તણાવા લાગ્યાં. સ્વરાની નજરમાંથી તે છાનું ન રહ્યું…. સ્વરા તેમને એકાંત મળે એટલે રિધમ અને લીઝાને તેમનાથી દૂર લઇ ગઇ… તે બન્નેને એકાંત મળતા વર્ષો જુનો પ્રેમ ફરી નવપલ્લવિત બની ઉભરી આવ્યો…

‘જેસિકા…. ક્યાં હતી….?’ મેં તને કેટલી શોધી હતી.

‘પણ અધવચ્ચે તેં જ મને તરછોડી હતી….’ જેસિકાએ ફરી ત્યાંથી વાત શરુ કરી જ્યાં વર્ષો પહેલા તેમની પ્રેમકહાની અધુરી રહી હતી.

‘જેસિકા… એવું નહોતું… તે રાતે આપણે આપણી બધી મર્યાદા ભૂલી ગયા હતા… મને ખૂબ દુ:ખ થયેલું કે મેં ખૂબ મોટી ભૂલ કરી છે….’

‘તે ભૂલ નહોતી… આપણો પ્રેમ હતો…’ જેસિકાએ તરત જ કહ્યું.

‘હા… એ પ્રેમ હતો… પણ તે પ્રેમને હું પામી ન શક્યો… અમારા ચુસ્ત પરિવારને આપણાં લગ્નની વાત સ્વીકાર નહોતી… હું તેમને સમજાવવામાં નાકામિયાબ રહેલો…એટલે તને કહ્યું હતું કે હવે આપણે દૂર જ રહીએ….એ તિરસ્કાર નહોતો પણ હું તને વધુ દુ:ખી કરવા નહોતો માંગતો…હું તને સ્વીકારી શકે તેમ નહોતો એટલે તે રાત પછી હું થોડા દિવસો તારાથી દૂર ચાલ્યો ગયો હતો. તે રાત પછી હું તારી માફી માંગવા થોડા દિવસો પછી કોલેજ આવ્યો પણ તું ચાલી ગઇ હતી… અને મને એમ કે તું પણ મારી જેમ ’ વર્ષો જુની વાત ફરી આજે શ્રૃજલે જેસિકાને કહી.

‘તું મારાથી દુર થાય તેનાથી મોટું દુ:ખ મારા માટે બીજું શું હોઇ શકે…?’ જેસિકા આજે પણ એટલી મૃદુ અને સંવેદનશીલ હતી જેટલી વર્ષો પહેલા હતી.

‘તું ગયો અને મને કોલ આવ્યો કે મારા મમ્મી-ડેડીને મેજર એક્સિડેન્ટ થયો છે મારે મારા દેશ પરત જવું પડે તેમ હતું.. તારો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો પણ તું ન મળ્યો….. હું મારા દેશ પહોંચી અને ત્યાં મારા મમ્મી ડેડી પણ મને છોડીને ચાલ્યા ગયા…! અને તે મારા કપરાં દિવસોમાં ખ્યાલ આવ્યો મારા ગર્ભમાં આપણાં પ્રેમની નિશાનીએ પોતાનું સ્થાન બનાવી લીધું હતું એ મારી જિંદગીનો ખૂબ કપરો સમય હતો…. હું તે સ્થિતિમાં ઇન્ડિયા આવી શકું તેમ નહોતું… હું ભાંગી પડી હતી.. મારે ત્યારે કોઇની જરુર હતી એટલે ત્યાં મારી સાથે કામ કરતા વ્યક્તિ સાથે મેં મેરેજ કર્યા, લિઝાને એક ડેડીનું નામ મળી ગયું, અમે થોડા વર્ષો સાથે રહ્યાં અને પછી તે પણ એક એક્સિડેન્ટમાં અમને છોડીને ચાલ્યા ગયા. લિઝાને ગુજરાતની નવરાત્રિ જોવી હતી એટલે તે આપણે જુની દાંડિયાની જોડ લઇ હું અહીં આવી…’ જેસિકાએ પોતાની આપવીતી જણાવી.

‘એટલે કે તે નવરાત્રિ ફંક્શન પછીની રાત…. એ આપણાં શારીરિક ઉન્માદની સજા તને મળી…’ શ્રૃજલ વિહવળ બની ગયો.

‘લીઝા તારી જ દિકરી છે.’ જેસિકાએ કહ્યું.

‘ઓહ માય ગોડ, સો… સોરી….! મારા કારણે તને જિંદગીની અનેક મુશ્કેલીઓ પડી..’ શ્રૃજલ પોતાને દોષી સમજી રહ્યો હતો.

‘શ્રૃજલ.. મને જિંદગીમાં ભલે મુશ્કેલીઓ પડી પણ મારા પ્રેમને મેં ક્યારેય ભૂલ સ્વરુપે નથી જોયો… તે મારા માટે કાયમ ઉર્જાવાન અને શાશ્વત રહ્યો છે… મને તારી કોઇ ફરીયાદ નથી… આપણી લીઝા પણ ગરબાની ખૂબ શોખીન બની… તેના દરેક સ્ટેપમાં મને તારી યાદ આવતી… હું તેને રોકતી નહોતી… તેની નસેનસમાં આપણો પ્રેમ હતો તેને હું માણતી હતી..’ જેસિકાની નજર લીઝા તરફ ગઇ.

‘પણ હું મારા પ્રેમને તારી જેમ મુક્ત ન રાખી શક્યો… તારા ગયા પછી હું મારા બધા શોખ અને તારી સાથે વીતાવેલ દરેક યાદોને મીટાવવા વ્યર્થ પ્રયત્નો કરતો રહ્યો…. હું તારી જેમ ન સમજી શક્યો પ્રેમને….! વાંસળી… નવરાત્રિ… ગરબા… બધુ ભૂલીને અને મારા બધા શોખને વર્ષો સુધી સંકોચીને બેસી રહ્યો…!’ અને શ્રૃજલે પોતે પોતાના શોખ કેમ મીટાવી દીધા તેની વાત કરી.

‘આપણે બનાવેલી દાંડિયાની જોડ.. જે એક તારી પાસે હતી અને એક મારી પાસે હતી….! તેમાંની મારી જોડ મેં વર્ષો પછી બહાર કાઢી… અને તે જોડ ફરી મળી… અને આ દાંડિયાની જોડ જ આપણાં મિલન માટે ફરી નિમિત્ત બની… સ્વરા અને લિઝા મળ્યાં બન્નેની દાંડિયાની જોડ સામસામે ટકરાઇ અને સ્વરાએ તે દાંડિયાની જોડનું રહસ્ય શોધ્યું…’ શ્રૃજલે બધી વાત કરી.

બીજી બાજુ સ્વરાએ લિઝા અને રિધમને જેસિકા અને તેના પપ્પાની બધી વાત કરી. મોબાઇલના ફોટામાં તે બન્નેને કોલેજમાં મળેલા એવોર્ડ.. તેમની ફ્રેન્ડશીપ… પણ તેઓ નહોતા જાણતા કે તેઓ કેમ કાયમ માટે અલગ થયેલા…. સ્વરાએ તેમની બનાવેલી દાંડિયાની જોડ પાસે રાખી અને કહ્યું, ‘તેઓ બન્ને આ દાંડિયાની જોડની જેમ જ સાથે રહેતા હતા.. પણ એકાએક તેમની દોસ્તી સાવ તૂટી ગઇ અને તેઓ એકબીજાથી કાયમ માટે દૂર થઇ ગયા. આજે નવરાત્રિ અને આ દાંડિનાની જોડના સંગે ફરી તેઓ જોડાઇ જાય તેવી મારી ઇચ્છા છે.’ રિધમ અને લિઝા પણ તેમની દબાઇ ગયેલી મિત્રતાને ફરી જોડવા સંમત થયા.

પાર્ટી પ્લોટમાં હવે ભીડ વધી રહી હતી… સૌ ગરબે ગાવા તલ્લીન હતા. લિઝા અને સ્વરા જેસિકા અને શ્રૃજલ પાસે આવ્યા. તે બન્ને તેમના હાથમાં રહેલી દાંડિયાની જોડ તે બન્નેને આપી અને કહ્યું, ‘ પ્લીઝ આજે વર્ષો પછી એ રીતે જ ગરબે ઝુમજો કે બધા તમને જોતા રહી જાય..’

રિધમે તેના હાથમાં રહેલી વાંસળી શ્રૃજલને આપી. શ્રૃજલે તેના સૂર વગાડ્યો અને જેસિકા વર્ષો પછી તેના સૂરમાં ખોવાઇ ગઇ… પાર્ટીપ્લોટમાં મ્યુઝીકલ પાર્ટીની ગરબા શરુ થઇ ગયા હતા… તે અવાજની વચ્ચે હવે વાતચીત કરવું શક્ય નહોતું…..

ગરબાની રમઝટ જામવા લાગી. જેસિકા અને શ્રૃજલ ‘દાંડિયાની જોડ’ લઇને તે ભીડ વચ્ચે અદભૂત સ્ટેપ કરતા કરતા ખોવાઇ ગયા….અને સ્વરા, રિધમ. લિઝા તેમના અદભૂત સ્ટેપ શીખવા તેમની આગળ પાછળ ઘુમી રહ્યા હતા. તે બન્ને હૈયાંમાં આજે વર્ષો પછી એવોને એવો થનગનાટ હતો. શ્રૃજલ અને જેસિકા તે ‘દાંડિયાની જોડ’ સાથે શોભી રહ્યાં હતા.

સમાપ્ત

– ડો. વિષ્ણુ પ્રજાપતિ – ૯૮૨૫૮૭૪૮૧૦

દાંડિયાની જોડ | ભાગ–૮

દાંડિયાની જોડ | ભાગ–૭

દાંડિયાની જોડ | ભાગ–૬

દાંડિયાની જોડ ભાગ–૫

દાંડિયાની જોડ ભાગ–૪

દાંડિયાની જોડ ભાગ-૨

દાંડિયાની જોડ ભાગ-૧

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 28, 2020 માં Dr. Vishnu M. Prajapati

 

અંધારી રાતનો ગરબો…! ભાગ–૯ (અંતિમ ભાગ)


હરણીયા તળાવના પૂર્વ છેડે હવેલીમાં મયંક અને દિશાર્થી બન્ને એકલા હતા. અંધારી રાતમાં બન્નેની એકલતા અને બન્ને વચ્ચેનો ધસમસતો પ્રેમ એકમેક તરફ વહી રહ્યો હતો..!

યંગ કલ્ચર ગ્રુપના ગરબા શરૂ થતા જ દિશાર્થીએ અદભૂત ગરબા નૃત્ય શરૂ કર્યુ. મયંક ફાટી આંખે જોઇ જ રહ્યો. દિશાર્થીના પગ જે રીતે સ્ટેપ લઇ રહ્યા હતા તે સાવ સામાન્ય નહોતા, ગરબા અને વર્ષો જુની ભારતીય નૃત્યનું સંમિશ્રણ હતુ. અંધારી હવેલીમાં આવતા આછા પ્રકાશમાં તે ખીલી ઉઠી હતી. મયંકની ફરતે તે જાણે પોતાની જનમો જનમની પ્યાસ મીટાવી રહી હોય તેમ નૃત્ય કરી રહી હતી.

છેલ્લે ખૂબ ઝડપી ચલતીનો ગરબો ‘ ઘોર અંધારી રે રાતલડી મા નીકળ્યા ચાર અસવાર…!’ શરૂ થતા તેની ગતિ વધુ તેજ થઇ ગઇ હતી… મયંક દિશાર્થીના એ અદભૂત નૃત્યમાં ખોવાઇ ગયો હતો….! આખરે ગરબા પુરા થતા મયંકના આલિંગનમાં તે સમાઇ ગઇ. મયંકને વળગીને તેને આંખો બંધ કરી દીધી હતી.

‘તુ અદભૂત છે દિશાર્થી… તારુ વચન હતુ કે આ નવરાત્રીમાં તુ મને તારો પરીચય આપીશ.. પણ ક્યારે ?’ મયંક તેને ઓળખવા માંગતો હતો પણ દિશાર્થી તેનાથી દૂર ચાલી અને તે ઓરડીથી સામે દેખાતા પાણીના અંધકાર તરફ જોઇને બોલી, ‘આવતીકાલે છેલ્લું નોરતુ છે. તુ મને આવતીકાલે ઓળખી જઇશ.’

‘તુ આજે મને કેમ આ મહેલમાં લઇ આવી ?’ મયંકે પુછ્યું તો દિશાર્થી તેના ફૂલાયેલા શ્વાસોશ્વાસને મયંકના ઉરોસ્થલે લગાવી બોલી, ‘જનમોજનમની કોઇ અધુરી ઇચ્છા રહી ગઇ હતી એમ જ સમજ…! અને સાચુ કહુ તો તારા જેવા પ્રેમીને એકાંતમાં મળવા…!’ તે મયંકને વળગીને ઉભી રહી ગઇ. તેનામાં પ્રેમ, ડર, આક્રોશ, થાક અને મયંકની છાતી પર નિરાંત હોય તેવુ લાગી રહ્યું હતુ.

‘પરીચય વિનાનો આપણો પ્રેમ ક્યાં સુધી ?’ મયંકે ફરી એ જ વાત કરી.

‘આવતીકાલે રાત્રે ભાસ્કરને આ હવેલીમાં લઇ આવ..! મારો પ્રેમ અને મારો પરિચય બન્ને તારી સમક્ષ રજૂ કરીશ.’ દિશાર્થીએ એક ધગધગતો શબ્દપ્રવાહ વહાવ્યો અને ભાસ્કરનું નામ તેના હોઠ પર આવતા જ મયંકના મનમાં ફરી એક શંકા સળવળી ઉઠી.

‘તારા પ્રેમ અને પરિચય મેળવવા તે હું કરી બતાવીશ… પણ દિશાર્થી ખરેખર તું મને ચાહે છે’ને ?’ મયંકે જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે દિશાર્થીએ તેના હોઠ પર તેની મુલાયમ હથેળી દબાવીને તેને ચૂપ કરતા કહ્યું, ‘તારા જેવા પ્રેમીને કોણ ન ચાહે ? તને તો જનમોજનમ ચાહતી રહીશ..!’

આલિંગનમાં જ દિશાર્થીએ ગીત ગાયેલુ, ‘ઓ મેરે સનમ, ઓ મેરે સનમ, દો જીસ્મ મગર એક જાન હૈ હમ….એક દિલકે દો અરમા હૈ હમ.. ઓ મેરે સનમ ઓ મેરે સનમ…!!’ અને તે ગીત ગાતા ગાતા બન્ને છૂટા પડ્યા.

બીજા દિવસે મયંક ભાસ્કરને તે હવેલીએ કેવી રીતે બોલાવવો તેનો પ્લાન બનાવી લીધો અને તેને ખોતરને ફોન કર્યો કે આવતીકાલે રાત્રે તમને દિશાર્થી અને ભાસ્કરના તમામ રહસ્યો જાણવા મળશે જુની હવેલીમાં…! મયંક પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યો હતો.. તેની એક શંકા હતી કે દિશાર્થી અને ભાસ્કર મળીને કદાચ મને મારી પણ નાખે અને તે દસ્તાવેજો માંગી લે…! પણ ખેર પ્રેમ કર્યો જ છે તો હું તેને નિભાવીશ જ… અને તે દસ્તાવેજો ભાસ્કરને તો ક્યારેય નહી જ મળે…!

‘શું બે દિવસ પછી મારી લાશ પણ એ હરણીયા તળાવમાંથી જ મળશે ?’ આ વિચારથી મયંકના શરીરમાંથી ભયની ધ્રુજારી છુટી ગઇ.

છેલ્લા નોરતે યંગ કલ્ચર પાર્ટી પ્લોટમાં ભાસ્કર, આદિત્યરાય અને શહેરના બીજા કેટલાય નામાંકિત લોકો હાજર હતા. ખોતરને ટ્રેડીશનલ ડ્રેસના અલગ જ અંદાજમાં આવતો જોઇ ભાસ્કર અને આદિત્યરાયને ચીડ ચડી હોય તેવું લાગ્યું. આરતીનો સમય થતાં જ બધા એકસાથે
‘જય આદ્યશક્તિ… મૈયા જય આદ્યશક્તિ….
અખંડ બ્રહ્માંડ દિપાવ્યા, અખંડ બ્રહ્માંડ દિપાવ્યા…
પડવે પંડિત મા… ઓમ જયો જયો માં જગદંબે…..’ ની આરતી ભાવપૂર્વક ગાવા લાગ્યા.

આરતી પુરી થતા વિશ્વભંરી સ્તુતી પણ કરી. ‘મામ પાહી ઓમ ભગવતી ભવ દુ:ખ કાપો…!’ની એક કડી ‘પાપી પ્રપંચ કરવા બધી વાતે પુરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો…!’ ગાતા ગાતા ખોતરની નજર વારંવાર ભાસ્કર પર જતી હતી.

મયંક પણ કાનુડાની જેમ સજીને પાર્ટી પ્લોટમાં આવી ગયો હતો. ભાસ્કર અને મયંકની નજર અથડાતા તે એકબીજાની સામે કતરાઇ રહ્યા હતા. આરતી, સ્તુતી અને થાળ પુરો થયા પછી આજે મહાપ્રસાદ આદિત્યરાય તરફથી હતો. તેમનું થોડુ ભાષણ હતું અને તેમને તેમાં પણ ભાસ્કરના વખાણ કરીને ચુંટણીનું બ્યુગલ જ વગાડ્યું.

થોડી શાંતી થતા જ ભાસ્કર ખોતરની પાસે આવ્યો અને બોલ્યો, ‘પેલો ખૂની મયંક હજુ ખુલ્લે આમ ફરી રહ્યો છે ? પોલીસ કોઇ કામ કરે છે કે નહી ?’

ખોતરે હળવેથી જવાબ આપ્યો, ‘તમને તો ખબર છે કે કાનૂન ખૂની હોવાના સબૂત માંગે છે અને મને તો તમારા ખોટા દસ્તાવેજો સીવાય બીજા કોઇ સબૂત મળ્યા જ નથી. પોલીસના હાથ તમારા સુધી પહોંચી શકે તે તો શક્ય જ નથી એટલે અમે બંધાઇ જઇએ છીએ..!’ ખોતરે વ્યંગ્યાત્મક રીતે કહેતા ભાસ્કર ચૂપ થઇ ગયો.

વાત આગળ વધારવા ખોતરે ભાસ્કરની એક દુ:ખતી નસ દબાવી, ‘અને હા… આજે પેલી જુની હવેલી તોડવાનું કામ કેટલે પહોંચ્યુ…?’

‘અરે ગઇકાલે જે લોકો આ હવેલીને તોડવા આવવાના હતા તેમનો જ એક્સિડન્ટ થયો એટલે હવે તે કામ બે દિવસ પછી… એટલે દશેરા પછી શરૂ થશે…!’ ભાસ્કરે અણગમા સાથે કહ્યું.

‘એટલે રાવણનો વધ થઇ જાય પછી જ ને…?’ ખોતરે જે રીતે કહ્યું તે રીત ભાસ્કરને પચી નહી.

ગરબા શરૂ થતા શૈલી અને ખોતર તો ખેલૈયા બની ગરબે ઘુમવા લાગ્યા. મયંક થોડીવાર પછી ત્યાં દેખાતો બંધ થઇ ગયો હતો. થોડીવાર પછી ભાસ્કર પર મયંકે કોલ કર્યો, ‘જુની હવેલી આવી જા… આપણે પેલો સોદો પતાવી દઇએ… અને હા, હવે કોઇ ચાલાકી નહી..! અને સાથે બીજો કોઇ માણસ નહી…!’

ભાસ્કર તો તરત જ સ્ટેજ છોડીને ચાલ્યો અને તેની પાછળ પાછળ શૈલી અને ખોતર પણ બહાર નીકળી ગયા. ખોતરે શૈલીને કહીને તે હવેલીમાં નાઇટ વિઝનના છુપા કેમેરા અગાઉથી જ લગાવડાવી દીધા હતા…

મયંક તે હવેલીએ પહોંચ્યો. દિશાર્થી હજુ ત્યાં નહોતી આવી. થોડીવારમાં ભાસ્કર તે વિશાળ ખંડમાં આવી ગયો. મયંકને જોઇને પોતાની ગન કાઢી દીધી. મયંકને તેનો કોઇ ડર ન હોય તેમ ઉભો રહ્યો.

‘આ બેગના બદલે શું જોઇએ છે તારે… ?’ ભાસ્કર અંધારી તે જુની હવેલીમાં બરાડ્યો તેના પડઘા ઝરુખામાંથી છેક પાણી સુધી પહોંચતા જ પાણીમાં એક વમળ ઉઠ્યું.. વિરાન હવેલીમાં તેની ચીખથી ભયાનક વાતાવરણ ખડુ થઇ ગયુ હતુ.

‘ફક્ત એ જ જાણવું છે કે આ હવેલીનો સોદો કઇ રીતે થયો હતો…?’ મયંકની આ વાતથી ભાસ્કરે અટ્ટહાસ્ય કર્યુ અને બરાડ્યો, ‘તું છેલ્લા એકવર્ષથી આ એક વાત જ પકડીને ઉભો છે… આજે તુ જાણી લે કે ખરેખર આ હવેલીનો સોદો કેવી રીતે થયો હતો..’ ભાસ્કર નહોતો જાણતો કે તે પોતે કેમેરામાં કેદ થઇ રહ્યો હતો.

ભાસ્કરના શબ્દો સાથે તેની ગન મયંક તરફ તકાયેલી જ હતી, ‘તે ડોસા ડોસીની શું હેસિયત કે અમને હવેલી આપવાની ના કહે…! અમે રાજા છીએ અને તે અમારી રૈયત… અને અમારી રૈયત એટલે અમારી રખાત…! ગઇ નવરાત્રીની એક રાતે તે ડોસા ડોસીને ઉઠાવીને આ સામેના મહેલમાં જ લઇ આવ્યો હતો અને તને પણ બોલાવ્યો હતો… તને એ નહોતી ખબર કે તે મહેલની પાછળની કોટડીમાં પણ તે ડોસા ડોસી સાથે બીજી એક વ્યક્તિને ઉઠાવી લાવ્યા હતા… તેના કારણે જ તેમને હવેલીના દસ્તાવેજોમાં સહી કરી આપી…!’ ભાસ્કરે જૂની વાત કહેવાની શરૂ કરી.

‘તે એટલે કોણ…?’ મયંકે સ્પષ્ટતા કરવા કહ્યું.

‘અમારા કુળની રખાત હતી સાલ્લી…! વર્ષો સુધી અમારાથી દુર રહી… વિદેશથી આવી અને અમારા હાથે ચડી ગઇ… તે નવરાત્રીમાં ગરબે રમવા માંગતી હતી… સરસ ચણિયચોળીમાં સજીને બહાર જતી હતી અને ડોસા ડોસીની સાથે તેને પણ પકડી લાવ્યા.. તે બન્ને પર બહુ જોર અજમાવ્યુ ત્યારે અમને બધી હકીકત ખબર પડી એ તે તો અમારી નર્તકી જ હતી એટલે તેને નચાવવી એ તો અમારો રાજધર્મ હતો…! તે અંધારી રાતે અમે તેને ગરબે નચાવી… તે બિચારીનો જીવ તે ઘરડા લોકોમાં હતો અને તે ડોસા ડોસીનો જીવ તો તેમની લાડલીમાં હતો.. અને તું જ્યારે રાતે આવ્યો ત્યારે આ રાજને તો તેની સાથે એક ગરબો ગાઇ પણ લીધો હતો…!! તને જોઇને તેનું મોં બંધ કરી પાછળની અંધારી કોટડીમાં લઇ ગયા… તે ત્યાંથી તને જોઇ રહી હતી…! તું તેમની જ્યારે વકીલાત કરી રહ્યો હતો ત્યારે તેઓ આ દૂર પેલી કોટડીના અંધારા ખૂણામાં છેલ્લા શ્વાસ લઇ રહ્યા હતા… તારા ગયા પછી જહોન અને મેં પણ તે અંધારી રાતે તેની સાથે ગરબા-નૃત્ય કર્યુ… તે હરણીની જેવી કોમળ હતી અને અમે ભૂખ્યા વરૂ જેવા…! જેમ અમારા પૂર્વજોને તરસી હરણીનો શિકાર કરવાની મજા આવતી હતી તે મજા તે રાતે અમે ભેગા મળીને લીધી…! તે સહન ન કરી શકી અને બેભાન થઇ ગઇ… ડોસા ડોસીને પણ સહી કરતા જ પતાવી દીધા…! ત્રણેયની લાશને તળાવ ખોદાઇ રહ્યુ હતુ તેમાં મોટા પથ્થર મુકીને દબાવી દીધી. હું નીકળ્યો ત્યારે તે જીવતી હતી પણ તેને જીવતી રાખીને અમારે મરવુ નહોતુ અને તે રાત્રે જ આખુ તળાવ પાણીથી ભરી દેવાનું જ હતુ એટલે અમે ત્રણેય પાણી ભરાઇ જાય ત્યાં સુધી આ કોટડીમાં મહેફીલ માણતા રહ્યા. આ જ હતી સત્ય હકીકત…!’ ભાસ્કરે તેની ગંદી જુબાનથી પોતે ખેલેલી ભયંકર પાપલીલા વર્ણવી.

‘તેનું નામ શું હતુ…?’ મયંકે ઉંચા અવાજે કહ્યું અને ત્યાં જ દિશાર્થી ભાસ્કરની બરાબર પાછળ દેખાઇ. મયંકે તેને ભાસ્કરની બાજુમાં ઉભેલી જોઇ ડરી ગયો.. શું તે ભાસ્કર સાથે છે ?’ તેનો ડર વધી રહ્યો હતો.

જો કે ભાસ્કરનું ધ્યાન તેની તરફ નહોતુ અને તેને પોતાનો મોબાઇલ કાઢીને તેમાં તેની તસ્વીર બતાવી અને તેની સાથે આચરેલી પાપલીલાની આખી વિડિયો પણ…! તે જોતા જ મયંકની આંખો ફાટી ગઇ, ‘ આ તો દિશાર્થી છે…! અને તે તો હજુ જીવે છે…!’

આ સાંભળતા ભાસ્કરે અટ્ટહાસ્ય કર્યુ અને હવેલીની ચારે દિવાલો પર અથડાય તેવા બુલંદ અવાજે બોલ્યો, ‘એ જીવે છે…? તો બોલાવ…! હું અત્યારે ફરી તેની સાથે ગરબે રમીશ… તેની સાથે આ વખતે આપણે બન્ને સાથે મજા કરીશુ…!’

‘તે અહીં જ છે… આ તારી પાછળ…!’ મયંક તેને ચૂપ કરવા તેનાથી પણ વધુ જોરથી બરાડ્યો…’ ભાસ્કર મયંકની વાત સાંભળી પાછળ ફર્યો….તેને ત્યાં કોઇ ન દેખાયું…!

તે ફરી ભયાનક રીતે હસી રહ્યો હતો અને બોલ્યો, ‘મને બેગ મળી ગઇ અને હવે તને મોત…!! મયંક આ હવેલીએ કેટલાયના જીવ લીધા છે આજે એક વધારે….!’ ભાસ્કર હવે નિરંકુશ હતો.. તેને પોતાની ગનની ટ્રીગર દબાવી પણ તેની આંગળીઓ જકડાઇ ગઇ હતી. ભાસ્કરને ખ્યાલ આવ્યો કે તે આખે આખો તે જગ્યાએ ચોંટી ગયો હતો… ખોતર અને શૈલી પણ તે ભયાનકતા નિહાળી રહ્યા હતા. ભાસ્કરનો મોબાઇલ તેનાથી જાણે કોઇએ ખેંચી લીધો હોય તેમ દૂર ફંગોળાઇ ગયો…. ભાસ્કરની આંખોમાં ડર વ્યાપી ગયો હતો… તે ધ્રુજી રહ્યો હતો…!

અને ત્યાં જ ભાસ્કરને પણ એક આછો પડછાયો દેખાયો…. અને તે ધ્રુજતા અવાજે બોલ્યો, ‘તુ જીવતી છે…? અમે તો તને જીવતે જીવત આ તળાવમાં દફનાવી દીધી હતી…!’

તે પડછાયામાંથી વર્ષોના આક્રોશનો એક અવાજ ઉઠ્યો, ‘હા, નરાધમ.. તારા જેવા પાપીના નાશ માટે આદ્યશક્તિ જગદંબાએ મને નવરાત્રીએ પાછી મોકલી છે. હું ગઇ નવરાત્રીમાં મારુ કામ પૂર્ણ ન કરી શકી એટલે મારે ફરી આવવું પડ્યુ…! તારા જેવા દુરાચારી, બળાત્કારી અને પાપીઓ, હરણી જેવી નિર્દોષને મારશે તો મા જગદંબા દુરાચારીઓને છોડશે નહી.. અને આજે તારો અંત છે…! તે અંધારી રાતે મારી જિંદગીને તમે પીંખી નાખી હતી… મારી ચણિયાચોળીના આભલાને જ નહી પણ મારી અનેક સપનાઓ ભરેલી જિંદગીને તમે વેરવિખેર કરી નાખી હતી… તમે જે રીતે મને જીવતી જ પથ્થરો મુકીને આ તળાવમાં ડુબાવી દીધી હતી તેવી જ રીતે જહોન અને રાજનને મેં ડુબાવી દીધા… આ બેગ મયંક સુધી પહોંચે અને લોકો સત્ય જાણે એટલે મારે આજના દિવસ સુધી રાહ જોવી પડી…! ભાસ્કર આજે તારો અંત એ રીતે જ થશે…!’ દિશાર્થી આજે ભયાનક લાગી રહી હતી. મયંક પણ તેની ભયાનકતા પર અચંબિત થઇ ગયો હતો.

તે પડછાયો મયંક તરફ આવ્યો અને કોમળ સ્વરે બોલ્યો, ‘મયંક… મારી મરતી આંખે મેં તને નિહાળ્યો હતો અને મારી અધુરી ઇચ્છા ગરબે રમવાની પુરી કરવા તારો સાથ લીધો હતો.. હું પણ તને ચાહવા લાગી હતી પણ પ્રેતને વળી પ્રેમ ક્યાંથી…? મને માફ કરી દેજે પણ આવતા જનમમાં જરૂર તારી રાધા બનીને આવીશ… આજે તો જગદંબા બની આ અસૂરનો વધ કરવા આવી છું..’ અને તેનો પડછાયો એકાએક અદ્રશ્ય થઇ ગયો…. અને બીજી જ ક્ષણે સામે મૂર્તિની જેમ ચોંટી ગયેલા ભાસ્કરને વીંટળાઇ ગયો અને તેને તે પેલી અંધારી કોટડીમાં ઉંચકીને લઇ ગયો અને પાછળની બારીમાંથી તે તળાવના ઉંડા પાણીમાં ગરક થઇ ગયો…!

મયંક પણ તેની પાછળ દોડ્યો… હરણીયા તળાવનું પાણી સાવ શાંત થઇ ગયું હતુ… તેને ત્યાંથી બૂમ મારી, ‘દિશાર્થી…. દિશાર્થી…! તું આમ છોડીને ન જઇશ… તારા વિના મારો પ્રેમ અધુરો છે… મારી નવરાત્રી અધુરી છે….!’ અને તેને પણ તે તળાવમાં મોતની છલાંગ લગાવી દીધી….!

ત્યાં જ દિશાર્થી જળમાંથી તેની પાસે આવી અને મયંકને આલિંગનમાં સમાવી છેક કિનારે લઇ આવી… અને તે ફરી ચાલી નીકળી… મયંકે તેને ઉભી રાખવા બૂમ પાડી,‘ દિશાર્થી મને પણ તારી સાથે લઇ જા… હું તારા વિના નહી જીવી શકુ…!’

દિશાર્થીએ તેનો હાથ હલાવતા કહ્યું, ‘ફરી ઢોલ ઢબૂકશે ત્યારે હું ફરી આવીશ અને એમ સમજી લે જે કે આવતી નવરાત્રીમાં ગરબાના તાલમાં અને ઢબૂકતા ઢોલની દાંડી સાથે તારી સાથે જ કે તારી આજુબાજુ જ હોઇશ…! હું તને નવરાત્રીમાં ગરબે ઘુમતો જોઇને મારી ઇચ્છાઓ પુરી કરીશ..! મયંક તારે મારા માટે અને આપણા પ્રેમ માટે જીવવાનું છે…! હું રોકાઇ નહી શકું…! મને માફ કરી દેજે…!’ આ સાંભળતા જ મયંકનો જમણો હાથ હવામાં લહેરાઇ ગયો અને દૂર ઉભેલી દિશાર્થી એક પડછાયો બની મયંકને સ્પર્શીને ચાલી ગઇ… મયંકના શરીરમાંથી એક શીતળ, ખુશનુમા અને અદભૂત આનંદની લહેર ઉઠી ગઇ હતી…!

ત્યાં જ છેલ્લા નોરતાનો છેલ્લો જયકાર બોલાઇ રહ્યો હતો, *‘આદ્યશક્તિ જગદંબે માત કી જય…!’*

-સમાપ્ત

લેખક : ડૉ. વિષ્ણુ પ્રજાપતિ

આપનો આ નવલકથા વિશેનો અભિપ્રાય ૯૮૨૫૮૭૪૮૧૦ પર અચૂક કરશો….

અંધારી રાતનો ગરબો…! ભાગ–૮

અંધારી રાતનો ગરબો…! ભાગ–૭

અંધારી રાતનો ગરબો…! ભાગ–૬

અંધારી રાતનો ગરબો…! ભાગ–૫

અંધારી રાતનો ગરબો…! ભાગ–૪

અંધારી રાતનો ગરબો…! ભાગ–૩

અંધારી રાતનો ગરબો…! ભાગ–૨

અંધારી રાતનો ગરબો..! ભાગ–૧

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 28, 2020 માં Dr. Vishnu M. Prajapati

 

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૯ (અંતિમ ભાગ)


કુંડળની ગુફા ધગધગતી મશાલોથી રાતીચોળ લાગી રહી હતી. કુંડળ તેની મંત્રશક્તિમાં લીન હતો…!

સુંદરા લાલ રંગની સાડીમાં સાક્ષાત દુર્ગાનું સ્વરુપ લાગી રહી હતી. તે જાણે સંમોહિત થઇ ગઇ હોય તેમ વિશ્વાસના બધા જ આદેશોનું ચૂપચાપ પાલન કરી રહી હતી. તેની નજર એકધારી ગુફાના પ્રવેશદ્વાર પર મંડાયેલી હતી. ધીરે ધીરે વિશ્વાસ અને સુંદરાએ ગુફાની અંદર પ્રવેશ કર્યો. આજે નવરાત્ર પૂર્ણ થવાના હતા અને નવ રાત્રિના દેવઅસુરના મહાયુધ્ધ પછી દુર્ગાશક્તિએ અસુરી શક્તિનો નાશ કર્યો હતો તેમ આજે પણ કોઇ ભયાનક ઘટના બનવાની હોય તેવા ભણકારા વાગી રહ્યા હતા.

ગુફામાં કુંડળે મહાયજ્ઞની શરૂઆત કરી દીધી હતી. ખોતર, શૈલી અને સાથે એક અજાણ્યો વ્યક્તિ પણ તાંત્રિક વેશમાં ગુફાની બહાર એક ટેકરી પરના અંધકારમાં લપાઇ ગયા હતા. ત્યાંથી ગુફાની ઉપર રહેલો અંદરનો ખુલ્લો હિસ્સો દેખાઇ રહ્યો હતો અને આધુનિક કેમેરા વડે ત્યાં થતી વિધિનું રેકોર્ડિંગ થઇ રહ્યું હતું. નવરાત્રીના અંતિમ દિવસ અને દશેરાની સવારે કુંડળની અઘોર સાધના પૂર્ણ થવાની હતી.

સવારે સૂર્યોદય પહેલા મહાબલીયોગના સમયે એક મહાકાય પશુની બલી આપવા બધી તૈયારીઓ થઇ ચુકી હતી.

આ તાંત્રિકવિધિ પૂર્ણ કરવા જેનામાં દૈવિશક્તિયોગ અને દશચક્રયોગ હોય તેવી કુંવારી સ્ત્રીના રક્તની જરૂર હતી અને તેના માટે સુંદરા સંપૂર્ણ ઉચિત હતી.

ભડભડ બળતા યજ્ઞથી થોડે દૂર સુંદરાને બેસાડી… તે કુંડળને ક્રૂર દ્રષ્ટિથી તાકી રહી હતી….!!

થોડીવારમાં જ એક કાર ગુફાના દ્વાર સુધી આવી પહોંચી અને એક ઓળો તેમાંથી બહાર નીકળ્યો. તેની ચાલ પરથી ખોતર ચમક્યો, ‘ ચંડેશ્વર…..???’ ચંડેશ્વરના એક પગમાં ખોટ હતી એટલે તે સહેજ વાંકી ચાલ ચાલતો હતો.

‘તે પણ આ કુંડળની કુંડળીમાં ફસાઇ જવાનો છે….!’ શૈલી પણ હવે બધા પુરાવાઓની કડીઓ મળતી જતી હતી એટલે ખુશ હતી.

સુંદરા અને કુંડળ વચ્ચે તાંત્રિક વિધિમાં વપરાતી વસ્તુઓ મુકેલી હતી… કુંડળની બાજુમાં બે આસન ખાલી હતા… ચંડેશ્વર આવતા જ વિશ્વાસ તેની પાસે ગયો અને કુંડળની સાથે બેસવા આગ્રહ કર્યો. કુંડળે લોહી અને ઘી મિશ્રિત એક પાત્ર ચંડેશ્વરના હાથમાં મુક્યુ અને તેની આહુતી આપવા ઇશારો કર્યો….!

‘મહાકાલેય સ્વાહા….!!’ ની ભયંકર ગર્જના સાથે કુંડળે તેનો જમણો હાથ આગ તરફ કરતો ત્યારે ચંડેશ્વર હાથમાં લાંબા અસ્થિ કંકાલથી રક્ત આહુતિ આપવા લાગ્યો.

ત્રિકાલશક્તિસંમોહનના અંતિમ ચરણમાં સુંદરાના રક્તની આહુતી આપવાની હતી એટલે વિશ્વાસે સુંદરાથી દૂર બેસેલા બે અઘોરીઓને ઇશારો કર્યો.

એક અઘોરીએ સુંદરાના મસ્તકે કંકુતિલક કર્યુ. બીજો અઘોરી તેને સાંકળે બાંધવા નજીક આવ્યો. સુંદરા કુંડળ અને વિશ્વાસ પર ક્રૂર નજરે તાકી રહી હતી…!!!!

સુંદરાને બાંધવા પેલો અઘોરી નજીક આવ્યો ત્યારે ખોતર ઓળખી ગયો કે તે એ જ હતો જેનો સામનો પેલા સ્મશાન પાસે થયો હતો અને તેના કમંડળમાં માનવભ્રૂણ તેને દેખાયા હતા…. અને ત્યાંથી જ તો ડો. ખેરનું પગેરું મળ્યું હતું…!! ખોતરે પોતાના હાથે રહેલા નિશાનનો બદલો લેવા બન્ને મુઠ્ઠી જોરથી ભીંસી દીધી.

તે અઘોરી મહાકાય અને શક્તિશાળી હતો… તેને તેના હાથમાં રહેલું ત્રિશૂળ બાજુ પર મુક્યું અને સુંદરાને પાછળથી બન્ને બાહુમાંથી પકડી લીધી. સુંદરા તેની પક્કડ અને તેના કદાવર શરીર સામે સાવ નિર્બળ લાગતી હતી.

‘સર… એ લોકો સુંદરાની બલી આપી દેશે…. જલ્દી કરો…!!’ શૈલીએ ખોતરને ઇશારો કર્યો… અને ખોતરે ઝાડીઓની પાછળ છુપાયેલ સ્પેશ્યલ કમાન્ડર્સને ધીરે ધીરે આગળ વધવા આદેશ આપી દીધો અને પોતે પણ ગુફાની લગોલગ પહોંચી ગયો…

ગુફાના દ્વારે ચરસી અઘોરીઓને કાબૂમાં લેતા વાર ન લાગી અને ખોતર સાથે બે ચુનંદા કમાન્ડર્સ ગુફાની અંદર એક અંધારા ખૂણામાં લપાઇ ગયા. શૈલી પણ એક વ્યક્તિને સાથે રાખીને ધીરે ધીરે ગુફામાં દાખલ થઇ.

પેલો અઘોરી હવે સુંદરાને મજબૂત રીતે પકડીને મહાકાલીની મૂર્તિ પાસે ઉભા કરેલા એક સ્તંભ સાથે બાંધવા લાગ્યો….!!

અને ત્યાં જ સુંદરા એકાએક અટ્ટહાસ્ય કરવા લાગી….!!! તેના આ પ્રકારના વર્તનથી કુંડળ, ચંડેશ્વર અને વિશ્વાસ પહેલીવાર ડરી ગયા.

સુંદરાએ તેના બન્ને હાથે પેલા અઘોરીને જેમ તણખલું ઉંચકતી હોય તેમ ઉંચક્યો અને વચ્ચે બળતી ભડભડતી આગમાં ફેંક્યો….. ‘આ મારી પહેલી માનવબલિ…..!!’ સુંદરાના છુટ્ટા વાળ અને મહાકાલીની આગળ જ તેનું ભયંકર સ્વરુપ ભલભલાને થથરાવી દે તેવું હતું.

‘કૌન હૈ તુ ?’ કુંડળે તેને જોઇને પડકાર ફેંક્યો. તે સમજી ગયો હતો કે તે સુંદરા તો નથી જ….!!’

‘તેરા કાલ….!!! મોહિની….!!’ મોહિનીનું નામ સાંભળતા જ વિશ્વાસ અને ચંડેશ્વર પણ ઉભા થઇ ગયા.

ત્યાં સુંદરાને દબોચવા બે અઘોરી પાછળથી આવ્યા… પણ સુંદરાએ તે બન્ને પોતાની ચાલમાં સફળ થાય તે પહેલા જ ઉંચકીને ગુફાની અંદર એક મોટા કાળમીંઢ પથ્થ્થર પર ફેંક્યા અને તે બન્નેના માથા વધેરાઇ ગયા. ….!!

‘મોહિની ? તુમ કો તો…. ??’ વિશ્વાસે ધ્રુજતા સ્વરે કહ્યું.

‘તું ક્યા સમજતા હૈ જમાલ ? તુમ્હારી કાલી શક્તિ કા હી ઇસ દુનિયામે સામ્રાજ્ય હૈ…!!!’ વિશ્વાસને સુંદરાએ જમાલના નામથી બોલાવ્યો ત્યારે તેને આંચકો આવ્યો…!!

ખોતરને પણ શૈલીએ ભેગા કરેલા પુરાવા પર ગર્વ થયો… વિશ્વાસ એ ઉત્તરપ્રદેશનો એક ભાગેડુ તાંત્રિક જમાલ હતો…. તે કુંડળ માટે કુંવારી છોકરીઓને પ્રેમજાળમાં ફસાવીને લાવી આપતો હતો.

‘હા, નરાધમો…. તમારો પાશવી બળાત્કાર હું કેમ ભૂલી શકું ? અને મારા ગર્ભને તમે જ તો પીંખી નાખ્યો હતો… દવાખાનામાંથી મને ઉઠાવી ગયા હતા…. વાવની અંદર મને હોશ આવતા મેં મારા લોહીથી ચીઠ્ઠી લખીને મુકી હતી….પણ કોઇ સુધી તે પહોંચી નહોતી…. હું મારી ભૂલ બદલ મારા પપ્પાની માફી માંગવા માંગતી હતી અને મારી એ જ અધુરી ઇચ્છા મારા આત્માને ભટકાવી રહી હતી… . તે રાતે એક ગાંડો ત્યાં આવ્યો હતો… ત્યારે રેડિયો પર અધુરી ઇચ્છા પુરી કરવાનો કાર્યક્રમ ચાલતો હતો… મારો અવાજ તેના સુધી પહોંચ્યો અને સુંદરામાં દૈવિશક્તિયોગ છે એટલે હવે તેના હાથે જ તમારો નાશ છે…. અને તમારા પાપોનો અંત છે…. અને સુંદરાના શરીરમાં રહેલા મોહિનીના આત્માએ ત્યાં પડેલું ત્રિશૂળ હાથમાં લીધુ… તે સાક્ષાત નવદુર્ગા આદ્યશક્તિ સ્વરુપ મહિષાસૂર મર્દિની લાગી રહી હતી.

જમાલ ઉર્ફ વિશ્વાસ સુંદરાના આ સ્વરુપને જોઇને મુખ્ય દ્વાર તરફ ભાગ્યો અને ત્યાં જ ઉભેલા ખોતરે તેને દબોચ્યો…. ‘ જમાલ…. ક્યાં ભાગે છે ? હજુ તો પોલીસની ખાતિરદારી બાકી છે….!!’

ખોતર હજુ આગળ વિચારે ત્યાં જ કોઇ અદ્રશ્ય શક્તિએ જમાલને ઉંચકીને પેલી બળતી લાશ સાથે આગમાં તેને ફેંકી દીધો અને ઘી રક્ત મિશ્રિત પાત્ર તેના પર ઠલવાઇ ગયું…. અને તે ભડભડ સળગવા લાગ્યો… તેની ભયંકર ચીસો ગુફામાં પડઘાઇ રહી હતી. ગુફા બળતા માંસના ગંધથી ગંધાવા લાગી.

ચંડેશ્વર આ દ્રશ્ય જોઇ બેહોશ થઇને ઢળી પડ્યો.

કુંડળે એક મંત્ર સાધિત જળ હાથમાં લીધુ અને મોહિની પર ફેંકવા ગયો ત્યાં જ સુંદરાએ એકક્ષણે ત્યાં બલી માટે વપરાતા મોટા તીક્ષ્ણ હથિયારને તેના હાથ પર ફેંક્યુ અને કુંડળનો જમણો હાથ કપાઇને આગમાં પડ્યો…. ‘કુંડળ વેદનાથી બરાડી ઉઠ્યો….!!’

કુંડળની બધી શક્તિઓ હવે હણાઇ ચુકી હતી. મોહિનીએ ભારેખમ કુંડળને ઉંચકીને મહાકાલીના મૂર્તિ નીચે પછાડ્યો…!! પછી તે તેની છાતી પર પગ મુકીને દબાવ્યો…. ‘સ્ત્રીની લાશ પર બેસતો તું આજે એક સ્ત્રીના હાથે હણાઇશ… નરાધમ તારા જેવી કાળી શક્તિઓને હણવા મા જગદંબે સદાય શક્તિ સ્વરુપે જન્મ લેતી રહેશે….!! અને કુંડળ તેના પગ નીચે તરફડી રહ્યો હતો.

મોહિનીએ દૂર પડેલા ત્રિશૂળને હવામાં જ તેની તરફ ખેંચી લીધું અને ભયાનક ત્રાડ સાથે તેની છાતીની આરપાર પોરવી દીધું…. કુંડળ તીખી વેદાના સાથે તરફડીને શાંત થઇ ગયો અને તે ભયંકર અટ્ટહાસ્ય કરવા લાગી… સુંદરા હવે સંપૂર્ણ મોહિની બની ચુકી હતી.

‘બેટા, મોહિની……!!’ શૈલી સાથે આવેલ પેલા વ્યક્તિએ સુંદરા તરફ જોઇને કહ્યું.

‘પપ્પા….!!! અને થોડીવાર પહેલા જે ભયંકર અસુર શક્તિનું સ્વરુપ હતી તે સાધારણ બાળા બનીને તેમની તરફ દોડી, ‘મને માફ કરો…. મારી ભૂલની મને સજા મળી ગઇ છે….!!’ તે તેના પપ્પાને વળગીને રડી રહી હતી.

‘બેટા.. મને માફ કરી દે હું ગુસ્સામાં હતો તેથી તારી સાથે વાત પણ કરવા તૈયાર નહોતો….!!’ તેના પપ્પા પણ હવે પીગળી ગયા હતા.

થોડીવાર પછી મોહિની તેના પપ્પાથી દૂર થઇ અને મહાકાલીની મૂર્તિ પાસે ઉભી રહીને બોલી, ‘મારી અધુરી ઇચ્છા પુરી થઇ છે અને હું સુંદરાને છોડીને જાઉં છું…!’ અને પછી એક સુંદરાના શરીરમાંથી કોઇ અલૌકિક શક્તિ ખેંચાઇને ચાલી જતી હોય તેમ મોહિનીએ સુંદરાનો દેહ ત્યજી દીધો. સુંદરા થોડીવાર ધ્રુજી અને પછી ફસડાઇ પડી…!!’

—— —–

દશેરાની સાંજે સુંદરાએ આંખો ખોલી ત્યારે તે પોતાના ઘરે હતી… સામે તેના પપ્પા અને ખોતર હાજર હતા. તે ગઇરાતથી સાવ અજાણ જ હતી… ખોતરે બધી વિગત સમજાવી… ડો. ખેરે પોતાનો ગુનો કબુલી લીધો હતો અને ચંડેશ્વરના સામ્રાજ્ય પણ સચ્ચાઇનો પડદો ખુલી જતા તેની ચુંટણીની ટિકીટ આપોઆપ રદ થઇ ગઇ…! કુંડળની ગુફામાંથી પકડાયેલ મડદાં અને પશુબલીના બધા પુરાવાથી તે અઘોર તાંત્રિક પર ફિટકાર વરસવા લાગ્યો અને કોઇ મેલીવિદ્યાએ જ તેમનો સર્વનાશ કર્યો તેવી અફવાઓએ પણ જોર પકડ્યું…!

સુંદરાએ દશેરાની રાતે તેના કાર્યક્રમનો છેલ્લો એપિસોડ શરૂ કર્યો….. ‘અધુરા નોરતાં… અધુરા ઓરતાં…!!’

આ સમયે પેલા રખડેલ રેડિયાના નંબર પરથી જ કોલ આવ્યો….. ભય પમાડે તેવા અવાજે તે બોલી રહ્યો હતો, ‘ મારે દશેરાની રાતે બાર વાગ્યે વાવની અંદર જલેબી-ફાફડા ખાવા છે….!!!’

સમાપ્ત

લેખક: ડૉ. વિષ્ણુ પ્રજાપતિ
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

આ વર્ષની નવ ભાગની નવલકથાનો આપનો અભિપ્રાય અવશ્ય આપજો.

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૮

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૭

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૬

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૫

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–4

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૩

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ – ૨

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…!ભાગ–૧

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 28, 2020 માં Dr. Vishnu M. Prajapati

 

દાંડિયાની જોડ | ભાગ–૮


સ્વરાના કહ્યા મુજબ સવારે રિધમ આવી ગયો અને સ્વરાએ તેના મોબાઇલમાં જીપીએસ પર ડાયરેક્શન મુકી કહ્યું, ‘બરોડા, લઇ લે…!’

‘શું વાત કરે છે, આમ એકાએક…!’ રિધમે ૧૧૫ કિમી અંતર જોઇને તરત જ કહ્યું.

‘તારે આવવું છે કે નહી? સ્વરાના કડક શબ્દો સામે રિધમે ગાડીને ફર્સ્ટ ગીયરમાં જ રેસ આપી અને સ્પીડ વધારી. સ્વરા તેની સામે જોઇને હસી પડી.

‘સ્વરા તું હસે છે તો એમ થાય છે કે તને લઇને ક્યાંક દૂર દૂર ચાલ્યો જાઉં અને….!’

‘અત્યારે માત્ર બરોડા….!’ સ્વરાએ તેની આંખોમાં ઉભરાતા પ્રેમને રોકી રાખતા કહ્યું.

‘પણ છે શું આમ અચાનક…?’

‘મારે દાંડિયાની જોડનું રહસ્ય જાણવું છે.. અને મને તે બરોડાની કોલેજમાંથી મળશે.. મને મારા પપ્પાની આંખોમાં જોઇને લાગ્યું છે કે તે દાંડિયાની જોડ સ્પેશ્યલ બની છે… પણ…!’

‘તું શું કહે છે ? મને સમજ નથી પડતી…’ અને રિધમે કારને રીંગરોડ પર વાળી લીધી.

‘ઓહ… તેની મમ્મીનું નામ શું કહ્યું હતુ?’ સ્વરા કંઇક યાદ કરતા બોલી.

‘કોની મમ્મી…?’

‘લીઝાની…!’

લીઝાનું નામ આવતા રિધમની આંખોમા ચમક આવી. જો કે સ્વરાનું ધ્યાન મોબાઇલમાં હતું અને તેને લીઝાને વ્હોટસએપ પર મેસેજ કર્યો, ‘લિઝા, વ્હોટ્સ યોર મોમ્સ નેમ…?’ અને સામેથી રીપ્લાય ન આવે ત્યાં સુધી તેને રાહ જોવાની હતી.

અમદાવાદ વટાવી કાર એક્સપ્રેસ હાઇવે પર એની ગતી પકડી રહી હતી. સ્વરા તેની આંખો બંધ કરીને કંઇક વિચારી રહી હતી અને તે બંધ આંખે જ બોલી, ‘રિધમ, ડુ યુ લવ મી,,,?’

અને રિધમ એકાએક અસમંજસની સ્થિતિમાં મુકાઇ ગયો. સ્વરાની આંખો બંધ હતી.. એક્સપ્રેસ હાઇવે પર તેજ ચાલતી ગાડીને બ્રેક મારીને ઉભી રાખવી કે સાઇડમાં લેવી શક્ય નહોતી એટલે સ્વરાની જમણા હાથની હથેળી પર રીધમે તેનો ડાબો હાથ મુક્યો. સીટ બેલ્ટ અને સ્ટિયરીંગ કંટ્રોલના કારણે તે વધુ મુવમેન્ટ કરી શકે તેમ નહોતો.

સ્વરાએ બંધ આંખે જ પોતાની નાજુક આંગળીઓ તેના આંગળામાં પરોવી દીધી. સ્વરાની ધડકનો તેજ થવા લાગી. સ્વરા સહેજ રિધમ તરફ ઝુકી. તેનો ડાબો હાથ કારના પાવરવિન્ડો પર દબાતા જ ગ્લાસ સહેજ ખૂલી ગયો અને ત્યાંથી હવાની લહેર સ્વરાના ખૂલ્લા વાળ ઉડવા લાગ્યાં જે ઉડીને રિધમને સ્પર્શવા લાગ્યાં…

રિધમ તે સ્પર્શનો રોમાંચ માણી રહ્યો હતો અને ત્યાં સ્વરાના મોબાઇલમાં મેસેજ ટોન વાગતા સ્વરાએ આંખ ખોલી અને તેનો હાથ છોડાવી લીધો. વિન્ડો બંધ કરી વાળ સરખા કર્યા. રિધમે જોયું તો સ્વરાની આંખો ભરાયેલી હતી…! તેની આંખોમાં આંસુ હતા..

‘સોરી… સ્વરા… મને એમ કે….!! રડીશ નહી… જો તને નહી ગમે તો….!!’ રિધમ તેના શબ્દોને ગોઠવી ન શક્યો.

‘બબૂચક, આ આંસુને તું ન સમજી શકે…! કોઇપણ છોકરી માટે તેની જિંદગીનાં પહેલા પ્રેમનો સ્પર્શ તેની શરમ, લાગણી, સંકોચ વગેરેના બંધનો તોડે છે અને તે મર્યાદા તોડીને બહાર નીકળવું છોકરી માટે સહેલું નથી… પોતાનું સઘળું સમર્પણ કરવા જ્યારે અમે અતૃપ્ત થઇએ ત્યારે સબંધને સ્વીકારવાનો આનંદ અને અંદર રહેલી મર્યાદાની સીમાને પાર કરતા એક ન સમજાય તેવી ખુશી કે ન સમજાય તેવું દર્દ હોય છે… અને તે છોકરીની જિંદગીના પ્રેમનો પહેલો સ્પર્શ હોય છે.’ સ્વરા બંધ આંખોથી જ પોતાની લાગણીઓ પ્રવાહિત કરી રહી હતી.
રિધમ સ્વરાની આ ભાષા સમજી શકે તેમ નહોતો.

સ્વરાએ મોબાઇલમાં જોયું તો લીઝાનો મેસેજ આવ્યો હતો, તેને તેની મમ્મીનું નામ લખ્યું હતું,.. ‘જેસીકા…!’

‘સ્વરા… આમ આ રીતે પ્રપોઝ..?’

‘છોકરીઓ તો વહેતા ઝરણાં જેવી હોય છે… જ્યાં લાગણીઓનો ઢાળ મળે ત્યાં વહી જાય… એમ જ સમજી લે કે હું તારી તરફ મારું સર્વસ્વ અર્પણ કરવા વહી રહી છું….!’ અને પછી સ્વરા-રીધમના હાથ એકમેકમાં જ્યાં સુધી એક્સપ્રેસ હાઇવે પૂર્ણ ન થયો ત્યાં સુધી જોડાઇ ગયા.

એકસપ્રેસ હાઇવે પૂર્ણ થતાં બન્ને સ્વસ્થ બન્યાં અને મેપના ડાયરેક્શન પ્રમાણે તેઓ આર્કિટેક કોલેજમાં એન્ટર થયાં. રિધમે જોયું કે સ્વરા હવે તેની સામે આંખ નહોતી મીલાવી રહી.. તે હવે કંઇક શોધી રહી હતી. કોલેજમાં વર્ષો જુનો ઇતિહાસ મેળવવો સહેલો નહોતો. પણ સ્વરા તેના પપ્પાની માર્કશીટ અને બીજા ડોક્યુમેન્ટ્સ લઇને આવી હતી.

‘શું મને આમની વિશે બીજી કોઇ માહિતી મળી શકે… હું તેમના પર એક ડોક્યુમેન્ટરી બનાવી રહી છું.’ સ્વરાએ ખોટું બોલવું પડ્યું.
જો કે તે પ્રિન્સિપાલ નવા હતા એટલે તેમને કોલેજના સૌથી જુના મ્યુઝીક એન્ડ કલ્ચરલ હેડને મળવાનું કહ્યું. મિસ રુદ્રા કેબિન બહાર જ લખેલી નેમ પ્લેટને વાંચતા સ્વરા થોડીવાર રોકાઇ ગઇ.

‘મે આઇ કમ ઇન’ સ્વરાએ પરમિશન માંગી.

અને અંદરથી સાત સૂરોના સંગમ જેવો મધુર ધ્વની આવ્યો, ‘યસ..’

મિસ રુદ્રાની ઉંમર મોટી ઉંમરના પણ ચહેરા પર તેજ હતુ. તેમની આંખોમાં ઉંડાણ હતું અને બંધ હોઠે તે કોઇ ધૂન ગણગણી રહ્યા હતી. તેમની હાથની આંગળીઓ મનના સૂર સાથે ઉપર નીચે થઇ રહી હતી.. સ્વરાએ પોતાનો પરિચય આપ્યો.. અને પછી પોતે કેમ આવી છે અને શ્રૃજલ પર ડોક્યુમેન્ટરી બનાવવી છે તે જાણ કરી.

‘ઓહ… તમે શ્રૃજલ શ્રોફની વાત કરો છો..?’ મિસ રુદ્રાના શબ્દો પરથી સ્વરાને લાગ્યું કે તેને પોતાને જે જાણકારી જોઇએ છે તે તેમની પાસે મળી રહેશે.

‘યસ..’

‘શ્રૃજલને આ કોલેજ કેવી રીતે ભૂલી શકે ? ખાસ કરીને હું તો નહીં જ. મને પણ વાંસળી વગાડતા તેને જ શીખવાડ્યું હતું.’ મિસ રુદ્રાના શબ્દોથી રિધમ તરત જ બોલી ઉઠ્યો, ‘જોયું મેં કીધું હતું કે….!’ પણ સ્વરાએ તેને રોકી લીધો અને મિસ રુદ્રાની વાત સાંભળવા તલ્લીન બની.

‘તે કોલેજનો કાનુડો જ હતો…. હોંશિયાર, સમજદાર અને સૌને ગમી જાય તેવો.. પણ મારી તો ફરીયાદ છે કે તે જ્યારથી કોલેજ છોડીને ગયો પછી ફરી ક્યારેય કોલેજમાં પાછો ફર્યો નથી… તે એવો નહોતો… પણ શું બન્યું કે છેલ્લે છેલ્લે તો તે તેની મનપસંદ વાંસળી પણ વગાડતો નહોતો..’

‘મેમ… તે વર્ષોમાં એવી કોઇ ઇવેન્ટ થઇ હતી કે તેમને કોઇ કલ્ચરલ એવોર્ડ મળ્યો હોય ?’ સ્વરાને જે જાણકારી જોઇતી હતી તે વિષય પર આવી.

‘એક મિનિટ, હું ફાઇલ જોઇ લઉં…’ તે ઉભા થયા અને ચાલતા ચાલતા તેઓ કોઇ સુમધુર રાગ ગાઇ રહ્યા હતા. તે વર્ષો જુની કલ્ચરલ એક્ટિવિટીની ફાઇલ લઇને આવ્યાં…એક પછી એક ફાઇલના પાના ઉથલાવ્યાં… અને તેમને એક પેજ પર આંગળી મુકી અને સ્વરાને બતાવી….

સ્વરા તો ફાટી આંખે તે જોઇ રહી…. બેસ્ટ ગરબા જોડી એવોર્ડ જીતનાર વ્યક્તિનું નામ શ્રૃજલ શ્રોફ લખ્યું હતું. મિસ રુદ્રા બોલ્યાં, ‘ તેમને વાંસળીની સાથે ગરબા ગાવાનો પણ ખૂબ શોખીન હતો.. તે ગરબે રમે એટલે બધા તેના દિવાના બની જાય..’

સ્વરા એક પછી એક પેજ પર નજર ફેરવતી ગઇ અને ત્યાં ‘બેસ્ટ ક્રિયેટીવ દાંડિયા જોડી મેકિંગ એવોર્ડ’માં પણ શ્રૃજલનું નામ હતું.. જો કે સ્વરાના મનમાં અનેક પ્રશ્નોનું વમળ ઉભું થઇ ગયું હતું… તેને મિસ રુદ્રાની પરમિશન લઇ મોબાઇલમાં બધા ફોટા લઇ લીધા… સ્વરાએ એ પણ ખાસ જોયું કે શ્રૃજલ સાથે બેસ્ટ ગરબા જોડીમાં એવોર્ડ જીતનાર તેના જોડીદારનું પણ નામ હતું અને સ્વરાની આંખો તે નામ પર વારંવાર ખેંચાઇ રહી હતી….

ક્રમશ :…..

– ડો. વિષ્ણુ પ્રજાપતિ

દાંડિયાની જોડ | ભાગ–૭                                                                                                       દાંડિયાની જોડ | ભાગ–૯ (અંતિમ ભાગ)

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 27, 2020 માં Dr. Vishnu M. Prajapati