RSS

Category Archives: Dilip Ghaswala

ગીત : રોમેન્સ


સાયકલ પર બેસી હું ચાલ્યો કરવાને રોમેન્સ,
સખી મારી જુએ છે રાહ,
જઇને કરીશ હું તો ડેન્સ.

આંસુ ને મુકયા છે બેંકમાં,
હસાવવાનું મળે છે વ્યાજ,
જેટલી ઉછળે ફાંદ એટલો પગાર,
બંધ મુઠ્ઠીમાં સંતાડી લાજ.

વેચીને ઝળઝળીયાં આંખોના,
ખરીદ્યા છે ખુબ ખુબ ટેન્શ,
સાયકલ પર બેસી હું ચાલ્યો કરવાને રોમેન્સ.

હસાવી હસાવી ને ઉદાસી ને ધકેલી છે છેક તળીયે,
સંતુલન ગુમાવતાં મેળવતાં હૈયું કહે,”ચાલ સૌને મળીયે”.

મનોરંજન કાજ આયખુ આખું ઘસીશ,
બસ એટલી બચી છે સેન્સ,
સાયકલ પર બેસી હું ચાલ્યો કરવાને રોમેન્સ.

-દિલીપ વી ઘાસવાળા

 
Leave a comment

Posted by on જૂન 23, 2020 માં Dilip Ghaswala

 

પલળવું જોઈએ


પામવા ઈશ્વર ને ભીતરથી પલળવું જોઈએ;
સૂર્યને નભમાં જઈ કેવળ પ્રજળવું જોઈએ.

શબ્દ ત્યારે પીગળે, પીડા પ્રસવની ભોગવો;
આ પ્રખર તાપે કનક માફક પીગળવું જોઈએ.

વ્હાલની વેલી એ ચડવું છે ? જરા થોભો સખી;
ઋજુ નમણો ઢાળ નીરખી ને જ ઢળવું જોઈએ.

અલવિદા ખુદ કાળ ને કહેવા સમય થંભી જતો :
પ્રેમથી આપે સમયસર યાર વળવું જોઈએ .

જો કળીને કોઈ પીંખે તો ન શાંતિ રાખતા,
છે રગોમાં લોહી તો લોહી ઉકળવું જોઈએ

-દિલીપ વી ઘાસવાલા

 
Leave a comment

Posted by on જૂન 22, 2020 માં Dilip Ghaswala

 

સ્થાપી જૂઓ


ઝાડને કાપો નહીં સ્થાપી જૂઓ
એ પછી ભીનાશને માપી જૂઓ.

પાનની લીલાશમાં રણછોડ છે;
વૃક્ષ ગીતા જ્ઞાન લાધી જૂઓ.

લકકડ કોટે ચીરાતા વૃક્ષો ચીખે;
બારણાને ઝાડમાં વાવી જૂઓ.

કલ્પવૃક્ષે કામધેનુ તો મળે;
છોડ લીલાં આંગણે વાવી જૂઓ.

સાત પેઢી માનવીની ડુબશે;
વેણ સંતુલનના ઉથાપી જૂઓ.

ઝાડ શીખવે છે સંપીને રહો;
વાત સાદી ને સરળ લાવી જૂઓ.

-દિલીપ વી. ઘાસવાળા

 
Leave a comment

Posted by on જૂન 21, 2020 માં Dilip Ghaswala

 

એક જણ ની સભા


એક જણની સભા ભરી બેઠો,
કામ મોટું છતાં કરી બેઠો.

મારા સપના નો હું જ છું કાતિલ.,
હું જ મારો વકીલ બની બેઠો.

કોણ શું આપશે નથી પરવા,
જેણે જે માંગ્યું, તે ધરી બેઠો,

જાણવા જિંદગી કરી કોશિષ,
એનો ચહેરો જોઈ છળી બેઠો.

એક સુનકાર ભરી સમી સાંજે,
સ્મરણો નો મેળો ભરી બેઠો.

દુઃખ કોઈ નથી મને ગમ નું.
શિર પર મારે આ હરી બેઠો.

-દિલીપ વી ઘાસવાલા

 
Leave a comment

Posted by on જૂન 20, 2020 માં Dilip Ghaswala

 

રેશમ હોય છે


રેશમી લાગે હવા, ફરફરતું રેશમ હોય છે;
યાદ તારી મઘમઘે છે એ જ મોસમ હોય છે.

દુઃખોના આ ભાર વચ્ચે એક કૂણી લાગણી;
એટલે તો જિંદગી આ ફૂલ-ફોરમ હોય છે.

તું ભલે સાથે નથી,પણ સાથ કાયમ હોય છે;
સંસ્મરણના રક્તરંગી શ્વાસે સોડમ હોય છે.

શબ્દમાં જો વ્યક્ત કરવા જાવ, સૌ પાગલ ગણે,
હૃદયને જોડો નજરથી એ જ ઉત્તમ હોય છે.

સાવ પોકળ છે ગમા ને અણગમાનો ખેલ આ,
શોધ કર તું હાજરી કોની આ હરદમ હોય છે ?

રણ, તરસ,કેડી અને પગલાં બધું ઠીક છે “દિલીપ”;
ઓ પ્રતીક્ષા જાણજે, આ વાત મોઘમ હોય છે.

-દિલીપ વી ઘાસવાળા

 
Leave a comment

Posted by on જૂન 19, 2020 માં Dilip Ghaswala

 

જરા ચેતો


લઘુ નાટિકા : “જરા ચેતો”

 

ડૉકટર : (ફોનમાં વાત કરતા) હા , હા તમારી તબિયતનું ધ્યાન રાખજો અને નાના બાળકનું ખાસ ધ્યાન રાખજો એને કોઈ ચેપ ન લાગે તેનું ધ્યાન રાખજો . (ફોન મૂકે છે. )

રમેશ : ડૉકટર અમે અંદર આવીએ?

ડૉકટર : હા, હા આવો બોલો કોની તપાસ કરવાની છે?

રમેશ : ડૉકટર, આ મારી પત્ની રમીલા છે. એને ગર્ભપાત કરાવવાનો છે.

ડૉકટર : ગર્ભપાત કરાવવાનું કોઈ ખાસ કારણ ?

રમેશ : ડૉકટર, આ મારી પત્ની છે. આ મારી બહેન છે અને આ મારી નાની દીકરી છે અને બીજી એક દીકરી ઘરે ઘોડિયામાં રમે છે .

ડૉકટર : (અધ વચ્ચેથી અટકાવતા) એટલા માટે કે તમારા ઘરમાં એક વધુ દીકરીનો જન્મ થાય ? તમારા ઘરમાં દીકરીઓની સંખ્યા વધુ થાય . એટલા માટે ગર્ભપાત કરાવવો છે ? શરમ આવે છે તમને ? આવું ઘાતકી કૃત્ય કરતા ? તમને ખબર છે કે ગર્ભપાત કરવો એ કાનુની અપરાધ છે. ગર્ભપાત કરાવવાથી તમને જેલ પણ થઈ શકે છે. તમારી સાથે મને પણ જેલ થાય અને તમે ગર્ભપાત કરાવવા પણ કોની પાસે આવ્યા છે. ખબર છે ? હું એક સ્ત્રી છું. પછી ડૉકટર છું એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીની હત્યા હું કરું એમ માનો છો તમે ?.. બેટા , તું શું કરે છે.

દિવ્યા : ડૉકટર, હું એમની બેન છું અને હું સી . એ કરું છું.

ડૉકટર : અને દીકરા તું શું કરે છે ?

ડોલી : ડૉકટર આન્ટી , હું 7 માં ધોરણમાં ભણું છું.

ડૉકટર : સ્કૂલમાં કેટલામો રેક(નંબર) આવે છે ?

ડોલી : આન્ટી , આખી સ્કૂલમાં મારો પહેલો નંબર આવે છે.

ડૉકટર : મોટી થઈને તું શું બનવા માગે છે ?

ડોલી : ડૉકટર આન્ટી , હું મોટી થઈને તમારા જેવી જ ગાયનેકોલોજીસ્ટ બનવા માગું છું .

ડૉકટર : તારું શું નામ ?

વિશ્વા : મારું નામ વિશ્વા છે. હું 9માં ધોરણમાં ભણું છું.

ડૉકટર : તું મોટી થઈને શું બનવા માગે છે ?

વિશ્વા : હું મોટી થઈને વકીલ બનવા માગું છું .

ડૉકટર : સાંભળ્યું તમે ઘરમાં જ તમારી બહેન અને દીકરીઓ એક C.A થવા માગે છે. એક ડૉકટર થવા માગે છે. એક વકીલ થવા માંગે છે. તો પણ તમે આવનારું સંતાન દીકરી જ આવશે એમ ધારીને ગર્ભપાત કરાવવા નીકળ્યા છો ? તમને શરમ નથી આવતી ? સરકાર દીકરી બચાવવા માટે કેટલી ઝુંબેશ ચલાવે છે. છતા પણ તમે નફફટ થઈને ગર્ભમાં રહેલી દીકરીની હત્યા કરાવવા નીકળ્યા છો? થોભો, હું હમણા જ પોલીસને ફોન કરું છું. તમારા જેવા જ હલકી કક્ષાના લોકો દીકરો માંગે છે અને એ જ દીકરો મોટો થઈને માસુમ છ વર્ષની નવ વર્ષની અગિયાર વર્ષની છોકરીઓ પર બળાત્કાર કરે છે.

રમેશ : એકઝેકટલિ ડૉકટર હું પણ આજ કહેવા માંગું છું કે મારી બેન દીકરીઓ પર કોઈનો દીકરો પાશવી બળાત્કાર કરે એટલે જ આજે હું દીકરીની ભૃણહત્યાને નહીં પર દીકરાની ભૃણહત્યા કરાવવા આવ્યો છું. મને ડર છે ડૉકટર સાહેબ કે ભવિષ્યમાં મારો દીકરો પણ બીજા નરાધમ દીકરાની જેમ ખરાબ સોબતે ચઢીને કયાંક બળાત્કાર જેવું પાશવી કૃત્ય ન આચરી બેસે. મનેએ ડર છે કે હું મારા દીકરાની ગમે તેટલી પરવરીશ કરીશ તો પણ તે દીકરીઓની ઘટતી જતી સંખ્યાને કારણે કદાચ કોઈ માસુમ કળીને ચૂંથી નાખશે. આ મારી દીકરી ડોલી અને વિશ્વા ઘરની બહાર પગ મૂકતા ગભરાઈ છે. વાસના લોલૂપ પુરુષો ખરાબ નજરે જોઈને, મારી દીકરીઓ ભયભીત થઈ જાય છે. ઘરની બહાર નીકળતા ગભરાઈ છે. મને સવાલ સમાજ માટે પણ છે. આપણો એક એવો સમાજ છે કે છોકરી પર બળાત્કાર થાય તો દોષીત પણ દીકરીને માનવામાં આવે છે. શારીરિક બળાત્કારની યાતનામાંથી પસાર થઈ ચૂકેલી દીકરીઓ પર કોર્ટમાં માનસિક રીતે બળાત્કાર પુરુષસમાજ તરફથી થાય છે. બેહૂદા અને બિભત્સ સવાલો પૂછીને માનસિક પીડા આપે છે અને ખૂબ જ કષ્ટદાયક શારીરિક તપાસમાંથી પસાર થવું પડે છે. આજ કારણસર કેટલાયે બળાત્કારના કેસ થતા જ નથી તેથી જ આ નરાધમોને બળાત્કાર કરવાનો છુટ્ટો દોર મળી ગયો બળાત્કારનો વિરોધ કરવાથી મીણબત્તીઓ સળગાવાથી , સંઘર્ષો કરવાથી કંઈ વળવાનું નથી. બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપવાનો કાયદો બનાવવો જોઈએ અને બળાત્કારીઓને જાહેર ચોકમાં લાવીને પથરા મારી-મારીને મારી નાખવા જોઈએ અને એટલે જ મારા ઘરે પણ આવો કોઈ નરાધમ ન પાકે એટલે જ મારે મારા સંભવિત દીકરાનો ગર્ભપાત કરાવવો છે. ડૉકટર કરી આપશો આ પ્રકારનો ગર્ભપાત, છે હિંમત તમારામાં?માટે જ કહું છું…જરા ચેતો..

-દિલીપ વી. ઘાસવાળા

 
Leave a comment

Posted by on જૂન 18, 2020 માં Dilip Ghaswala

 

તરહી ગઝલ- ડૂસકે ચડી છે


બનીને સતિ, એ ચિતાએ ચડી છે.
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.

નથી ઝુલ્ફ ની લટ કપાળેથી હટતી,
જે નટખટ બની ખુબ માથે ચડી છે.

ઝૂલાના કડા આજ પણ સાચવ્યા છે.
પ્રણયમાં હજી ઠેસ ઝૂલે ચડી છે.

ફૂટે માનવી માટલી જોઇ પહેલાં,
પનીહારિ કૂવાને કાંઠે ચડી છે.

ગઝલ હો કે કાવ્યો સજાવું તને બસ.
જૂઓ, વાત હૈયાની હોઠે ચડી છે.

સમંદર એ ખેડી શકે છે. સરળ છે.
ગરમ રેતમાં હોડી હાંફે ચડી છે.

પરિષદ ભરાતી ફૂલોની “દિલીપ” જો,
વસંતોની ઉમ્મીદ આંખે ચડી છે.

-દિલીપ વી ઘાસવાલા

 
Leave a comment

Posted by on જૂન 9, 2020 માં Dilip Ghaswala

 

હેતાળ છે


વ્હાલ તારું કેટલું હેતાળ છે ?
ઉષ્ણ શ્વાસોથી ભરેલી ઝાળ છે.

તું મને ભૂલી ભલે , ના ભૂલતી,
પ્રેમને ,એ આપણો ભૂતકાળ છે.

ફુલનો રસ ચાખવાનો હોય તો;
ચેતજો આ તો લપસણો ઢાળ છે.

એક બીજામાં સમાયા એવા કે,
કોણ કોને શોધશે, ક્યાં ભાળ છે?

શ્વાસની સાથે વણાઇ ગાળ છે,
સુરતીને કાયમી આ આળ છે.

-દિલીપ વી ઘાસવાળા

 
Leave a comment

Posted by on જૂન 7, 2020 માં Dilip Ghaswala

 

વસેલી છે


હજી આંખોમાં પ્યારી એ છબી એની વસેલી છે,
એ પાછી આવશે જોવા નજર રસ્તે પડેલી છે.

નથી ભુલ્યો હજી હું એનું ઘર એની ગલી રસ્તો.
કે એના ઘરની સામે એ જ બસ જૂહી ચમેલી છે.

ફરી જોવા મળે આજે મને માસુમ ચહેરો;
કે એના ઘરની બારી આજ તો થોડી ખુલેલી છે.

અધર બિંબ લાલ એના, કાળી ઝુલ્ફો, ગાલ પર ખંજન;
ચમનની અધ ખીલી કળીઓ બધી એની સહેલી છે.

કે ભીના વાળ સૂકવવા ઝરોખે એનું આવવું,
ખબર નહિ જોઈને મુજને નજર એની ઝુકેલી છે.

ફકત્ત એક વાર જોઈ એને મારું દિલ નથી ભરાતું,
હવે બસ પામવા એને તમન્નાઓ વધેલી છે.

– દિલીપ વી ઘાસવાળા

 
Leave a comment

Posted by on જૂન 4, 2020 માં Dilip Ghaswala

 

ખુબ ગમતી વાતથી


ખૂબ ગમતી વાતથી મન વાળવાનું હોય છે.
આપણે તો દોસ્ત આમ જ જીવવા નું હોય છે;
આ જગત બસ ચેનથી ઉંઘી શકે એ કારણે,
હા.. અમારે તો અહીંયા જાગવાનું હોય છે;
એ જરૂરી તો નથી જે ચાહો એ તમને મળે,
પણ બધા માંગે બધું એ આપવા નું હોય છે;
આ જગત ના રીત રિવાજો ગમે કે ના ગમે,
સૌ ને માટે સૌની સાથે ચાલવાનું હોય છે;
બોલવાની તક તને મૃત્યુ નહિ આપે “દિલીપ”
જ્યાં સુધી આ જિંદગી છે, દોડવાનું હોય છે;

-દિલીપ ઘાસવાલા

 
Leave a comment

Posted by on જૂન 3, 2020 માં Dilip Ghaswala

 

હરખાશો


ઝાઝા હાથોથી ખેંચાશો ;
લોકોના ઠેલે ઠેલાશો.

ખોટી આશામાં ભરમાશો:
નિરાશામાં જો હરખાશો.

આંસુઓ પણ આ સંતાશે
ભર વરસાદે જો ભીંજાશો ;

સત્કર્મોને અપનાવ્યા તો,
ઈશ માફક ઘર ઘર પૂજાશો.

યાદો સાથે જો મલકાશો ;
બે કાંઠે છલ છલ છલકાશો.

અવસરિયા થઈને ઉજવાશો:
તોરણ થઈ ઘ્વારે લહેરાશો

-દિલીપ વી. ઘાસવાલા

 
Leave a comment

Posted by on જૂન 2, 2020 માં Dilip Ghaswala

 

મૌન રાખો


વહાણ જો ડૂબતા દેખાય તો બસ મૌન રાખો.
ક્ષિતિજે દૂરતા દેખાય તો બસ મૌન રાખો.

ચણો ખાલી ખાલી વાગે ઘણો જોયા કરીએ,
ડફોળી મુર્ખતા દેખાય તો બસ મૌન રાખો.

નડે છે કોણ કોને એ યક્ષ પ્રશ્નો સળગતાં,
ઉકેલો ખૂટતાં દેખાય તો બસ મૌન રાખો.

અજ્ઞાની જ્ઞાત હોવાનો કરે છે ડોળ ત્યારે ,
ઉત્તરો પૂછતાં દેખાય તો બસ મૌન રાખો.

બરફની જેમ થીજી જાય છે આ લાગણીઓ ,
રણોની શુષ્કતા દેખાય તો બસ મૌન રાખો.

પ્રણય કિસ્સા હવે કેવી રીતે ભૂલી જવાના ???
સ્મરણો ગુંજતા દેખાય તો બસ મૌન રાખો.

પરાયા થૈ ગયા સઘળાં મિત્રો મુશ્કેલી સમયે ,
સબંધો તૂટતાં દેખાય તો બસ મૌન રાખો.

-દિલીપ વી ઘાસવાળા

 
Leave a comment

Posted by on જૂન 1, 2020 માં Dilip Ghaswala

 

સાંજની આરપાર


સાંજની આરપાર લાગે છે,
પાક્ઝાદી દીદાર લાગે છે.

સાદ છે કોઈ વિરહીનીનો
વેદનાનો પૂકાર લાગે છે.

આ શરાબી નયન માશા અલ્લાહ!
શરબતી આ ખુમાર લાગે છે

પીઠ પાછળ કરે છે ઘા દુશ્મન,
મિત્ર નો ઉપહાર લાગે છે..

કોણ છે પ્રણેતા આ નેતાના?
શિષ્ટાચાર ભ્રષ્ટાચાર લાગે છે.

દિલ ની વાત કોણ માને છે?
જંગ હાર્યા તો પ્યાર લાગે છે.

આંસુના થોકબંધ વિક્રેતા,
યાતનાનો વેપાર લાગે છે.

પાનખરમાં વસંત ખીલે?
જગ્યા ત્યાં થી સવાર લાગે છે.

-દિલીપ ઘાસવાલા

 
Leave a comment

Posted by on મે 29, 2020 માં Dilip Ghaswala

 

રામનો આ દેશ


ગઝલ – રામનો આ દેશ

રામનો આ દેશ છે;
પ્રેમનો સંદેશ છે.

મસ્તિષ્કે આશીર્વાદ છે ;
હિમાલય દરવેશ છે .

ચેતવાનો છે આ સમય ;
ગદ્દાર કાળા મેશ છે .

ખોફનાક આ ખોફ છે ;
કૃષ્ણનો પ્હેરવેશ છે .

રંગ લીલો ઝેરીલો ;
કેસરી આ ખેસ છે .

થાશે ગંગા અવતરણ ;
શિવજી વિશેષ છે .

યુદ્ધ શાંતિ ના ભોગે ??
ખેલ તો નિઃશેષ છે .

આર યા પાર છે ;
જંગ આ વિશેષ છે .

મા ના ચરણોમાં “દિલીપ”;
મોત શૈયા પેશ છે .

-દિલીપ વી ઘાસવાળા

 
Leave a comment

Posted by on મે 27, 2020 માં Dilip Ghaswala

 

ગુજરાત છે


ગઝલ – ગુજરાત છે

હા, રગે રગ પાંગરી ગુજરાત છે,
દિલની વચ્ચે સંઘરી ગુજરાત છે.

જન્મ લીધો પોરબંદર શહેરમાં,
ગાંધી ની વિશ્વંભરી ગુજરાત છે.

શીશ આ ઝૂકે અદબથી માત ને,
આ જ તો ઓળખ ખરી ગુજરાત છે.

આત્મ ગૌરવથી છલોછલ ગુર્જરી,
વિશ્વ આખેમાં વિસ્તરી ગુજરાત છે.

છાતી છપ્પનની ખમીરીથી ફુલે,
જાત એની ચિતરી ગુજરાત છે.

એક ત્રાડે એ જો બોલે , “મિત્રો” તો ,
ખુદ ધ્રુજે આ ધરી ગુજરાત છે.

-દિલીપ વી ઘાસવાળા

 
Leave a comment

Posted by on મે 24, 2020 માં Dilip Ghaswala